ઇમામો (અ.સ.)ની નજરે શહાદતની મહત્તા

Print Friendly, PDF & Email

‘શહાદત’ શબ્દને દુનિયાની બધી કૌમો સન્માનીય અને પવિત્ર ગણે છે. શહાદતનો અર્થ એ છે કે પોતાના ધર્મનું રક્ષણ અથવા દેશ અથવા પોતાની જાન અને માલનું રક્ષણ કરતાં કરતાં કતલ થઇ જવું.

દરેક કૌમમાં શહીદને ખાસ માનની નજરે જોવામાં આવે છે. પરંતુ પવિત્ર ઇસ્લામની શરીઅતમાં શહીદ અને શહાદતનું જે મહત્વ છે તે કદાચ બીજી કૌમ અને મઝહબમાં નથી, ખાસ કરીને અઇમ્મા (અ.સ.) એ જે શહાદતનું મહત્વ જણાવ્યું છે, એ આપણને ક્યાંય જોવા નહી મળે. ઇમામો (અ.સ.) ફરમાવે છે કૌમ અને લોકોના જીવનની રક્ષાની સાથે સાથે આલે મોહમ્મદ (અ.સ.) ની મોહબ્બત પર મરી જવું પણ શહાદત છે. આ જ ઘણી હદીસોનો ભાવાર્થ પણ છે. હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે કે

مَنْ مَاتَ عَلیٰ حُبِّ آلِ مُحَّمَدٍ مَاتَ شہیدا

‘‘જે કોઇ આલે મોહમ્મદ (સ.અ.વ.)ની મોહબ્બતની પર મૃત્યુ પામે તે શહીદની મૌત મરે છે.

શહાદતના કારણો  اسباب شہادت:

અલ્લાહના માર્ગમાં જેહાદ કરતા, લડતા લડતા, રક્ષણ કરતા કરતા મરી જવું, પવિત્ર લોકોના જીવનનું રક્ષણ કરતા કરતા કતલ થઇ જવું, ઇમામના દુશ્મનો સાથે લડતા લડતા કતલ થઇ જવું, કેદી મુસલમાનોને છોડાવતા અને (ઝાલીમ) મુસલમાનોથી બચાવતા વખતે મરી જવું, આલે મોહમ્મદ (અ.સ.) ની મોહબ્બતમાં મરી જવું,

લડાઇના પ્રકારો اقسام جھاد :

અલ્લાહની રાહમાં લડાઇ અથવા જેહાદ બિસ્સયફ : આ લડાઇ ક્યારેક ઇસ્લામની મદદ માટે કરવામાં આવે છે અને ક્યારેક શરીયતના નિયમોના રક્ષણ માટે કરવામાં આવે છે. આ બન્ને અલ્લાહના માર્ગમાં લડાઇ કરવાનો સ્પષ્ટ અર્થ દર્શાવે છે. અલ્લાહ કહે છે.

وَ جَاہَدُوْا فِی ﷲِ حَقَّ جِہَادِہٖ

“અને અલ્લાહની રાહમાં જેહાદ કરો જે તેની રાહમાં જેહાદ કરવાનો હક્ક છે.”

કુરઆનમાં ઘણી આયતો છે જે અલ્લાહના માર્ગમાં લડાઇ કરવા માટે તૈયાર કરે છે. અનેક હદીસોમાં પણ અલ્લાહના માર્ગમાં લડાઇ કરવાની તાકીદ કરવામાં આવી છે.

અબી હમઝા કહે છે કે મેં અબુ જઅફરને કહેતા સાંભળ્યા કે બેશક અલી ઇબ્નીલ હુસયન (અ.સ.)એ ફરમાવ્યું : હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “અલ્લાહની નજદિક તે ખુનના ટીપાંથી વધુ કોઇ વસ્તુ પ્રીય નથી, જે અલ્લાહના માર્ગમાં વહ્યુ હોય.”

(વસાએલ, (કિતાબુલ – જેહાદ) ભાગ – 6, પાના. 10 હ. 20)

એક બીજી હદીસમાં અલ્લાહની ખુશી માટે જેહાદની અઝમત સમજાવતા ફરમાવે છે કે

સકુની એ ઇમામ જઅફર સાદિક (અ.સ.)થી અને છઠ્ઠા ઇમામ (અ.સ.) એ પોતાના વડવાઓથી નકલ કરતા ફરમાવ્યું કે : રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું : દરેક નેકીથી એક મોટી નેકી છે, ત્યાં સુધી કે અલ્લાહની રાહમાં કત્લ થઇ જાઓ. બસ, જ્યારે અલ્લાહની રાહમાં કત્લ થઇ ગયા તો પછી આનાથી કોઇ મોટી નેકી નથી.

(વસાએલ, ભાગ – 6, પા. 10, હ. 21)

એક બીજી હદીસમાં છે : જે અલ્લાહના માર્ગમાં કતલ થઇ જાય, અલ્લાહ તેના કોઇ પણ ગુનાહને નહિ ઓળખે. (એટલે અલ્લાહ તેના બધા ગુનાહ માફ કરી દેશે.)

(વસાએલ ભાગ – 6, કેતાબુલ જેહાદ, પા.9 હ. 19)

જેહાદ બીન્નફસ  جہاد بالنفس

પોતાની જાત સાથેની લડાઇની બહુજ તાકીદ કરવામાં આવી છે. હદીસમાં છે કે રસુલ અકરમ (સ.અ.વ.) એ ઇસ્લામના લશ્કરને લડાઇ કરવા મોકલ્યું. જ્યારે આ લશ્કર લડાઇ જીતીને પાછું ફર્યું તો રસુલ (સ.અ.વ.) એ શાબાશી આપતા ફરમાવ્યું :

“મુબારક થાય તે કોમને જેણે જેહાદે અસગર પુરી કરી અને હજી જેહાદે અકબર બાકી છે. લોકોએ સવાલ કર્યો. ‘યા રસલુલ્લાહ! જેહાદે અકબર શું છે?’ રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું : ‘પોતાના નફસ સાથે લડાઇ કરવી.’”

(વાસએલ ભાગ – 6, પ્ર. જેહાદબીન્નફસ પા. 122 હ. 1)

એક બીજી હદીસમાં છે : “માણસે પોતાના અંદરના દુશ્મનથી સાવચેત રહેવું જોઇએ. નહિ તો આ જ નફસ તેને વિનાશમાં ધકેલી દેશે.”

મુફઝ્ઝલ ઇબ્ને અમ્ર ફરમાવે છે કે ઇમામ સાદિક (અ.સ.) એ ફરમાવ્યું : ‘‘જે માણસનું દિલ ખુદ પોતાને નસીહત ન કરે અને પોતાના નફસથી ન ડરાવે અને ખુદ પોતાને માટે હિદાયત કરવાવાળો દોસ્ત ન બને તો તેનો દુશ્મન તેની ગરદનમાંથી નીકળી અને તેની ઉપર ફરી વળશે. (સત્તાધીશ થઇ જશે.)

(વસાએલ ભાગ – 6, પા. 123, હ. 5)

(નફસ સાથેની લડાઇ અંગે અસંખ્ય હદીસો જોવા મળે છે. વધુ માહિતી માટે વાંચકો વાસએલ ભાગ-6 જેહાદે બિન્નફસ પ્રકરણનો અભ્યાસ કરે.)

શહીદના એહકામ લડાઇના મેદાનમાં:

જે લોકો નબી કે ઇમામની રજાથી લડાઇ કરતા કરતા કતલ થઇ જાય, તેમને હદીસમાં દર્શાવ્યા મુજબ એજ કપડાંમાં ગુસલ કરાવ્યા વગર નમાઝે મય્યત પડીને દફન કરવા.

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે

“જે કોઇ અલ્લાહની રાહમાં કત્લ કરી નાખવામાં આવે તો તેને તેનાજ કપડાંમાં દફન કરવામાં આવે અને તેને ગુસ્લ કરવામાં નહિ આવે.”

(વસાએલ, ભાગ – 9, પા. 112, અબ્વાએ ગુસ્લુલ અમ્વાત)

આયતુલ્લાહ આકાએ સીસ્તાની દામ ઝીલ્લોહલ આલી ફરમાવે છે કે જો લડાઇ કરનાર અલ્લાહના માર્ગમાં લડાઇ કરતા કરતા ઝખ્મી થઇને પડી જાય અને ઇસ્લામના લશ્કરને ત્યાં સુધી પહોંચતા પહેલા તેની રૂહ નીકળી જાય તો તેને ત્રણ ગુસ્લોમાંથી કોઇ એક પણ ગુસ્લ ન આપવામાં આવે.

(મીન્હાજુસ્સાલેહીન ભાગ – 1, પા. 100, મ. 282)

શહીદના કફન અંગે છે કે તેને એ જ કપડાંમાં દફન કરવા પરંતુ જો ચામડાનો કોટ અથવા એવી કોઇ વસ્તુ અથવા ખિફ (એક પ્રકારના પગરખા) હોય તો તેને ઉતારી લેવા. અમૂક હદીસોમાં છે કે જો લોહીવાળા હોય તો ન ઉતારવા પરંતુ જો લોહી લાગેલું ન હોય તો ઉતારવા.

(મુસ્તદરકુલ-વસાએલ, ભાગ-2, પા. 179, અદાએમુલ ઇસ્લામ, ભાગ-1, પા. 229, બેહાર, ભાગ-82, પા. 3, હ. 3)

શહીદના જનાઝા ઉપર નમાઝે જનાઝા પડવામાં આવશે. અલી ઇબ્ને ઇબ્રાહીમ તેની તફસીરમાં ઓહદની લડાઇના સંદર્ભમાં લખે છે કે રસુલ (સ.અ.વ.) એ શહીદોની લાશોને ભેગી કરવાનો હુકમ આપ્યો. પછી તેઓની ઉપર નમાઝે જનાઝા પડીને દફન કરી દીધા.

(મુસ્તદરકુલ – વસાએલ, ભાગ – 2, પા. 256, હ. 15)

શહીદ, કિતાબે શરહલ લોમઅતુલ-દમીશકીયામાં ફરમાવે છે કે શહીદને ગુસ્લ-કફન વગર નમાઝ પડીને દફન કરી દેવામાં આવશે.

(શરહુલ લોમઅ, ભાગ-1, કિતાબ અલ તહારત-પ્રકરણ એહકામે ગુસ્લે મય્યત પા. 126, 127)

લડાઇના મેદાન પછીના શહીદના અહકામ :

જે માણસ નબી (સ.અ.વ.) અથવા ઇમામ (અ.સ.)ની પરવાનગીથી અથવા તેમની સાથે લડાઇ કરતો હોય અને ઝખ્મી થઇ પડી જાય અને તેની રૂહ નીકળતા પહેલાં ઇસ્લામનું લશ્કર તેના સરહાને પહોંચી જાય અથવા લોકો જેઓને રિવાયતોમાં શહીદ કહેવામાં આવ્યા છે જેમ કે હદીસમાં છે.

من مات غریبا مات شھیدا یا من مات فی طلب العلم مات شہیدا ـ من مات یوم الجمعۃ مات شہیدا ، من مات علی حب آل محمد مات شہیدا

અને તેઓની સિવાય અપમાનિત થએલા રહસ્યમય સંજોગો વશાત, પાણીમાં ડૂબેલા અથવા જેની ઉપર દિવાલ પડે અને તે મૃત્યું પામે અથવા તે સ્ત્રી જે પ્રસુતીમાં મૃત્યું પામે, તે માણસ જે પોતાની જાન અને માલના રક્ષણ કરતા મરી જાય, આ બધી સ્થિતિઓમાં ગુસ્લ અને કફન આપવું વાજીબ છે અને નમાઝૈ મય્યત પણ પડવી જોઇએ.

(શરહેલોમા કિતાબુત્તહારત અહકામે ગુસ્લુલ-અમવાત, પા. 126)

શહીદની મહાનતા :

શહીદની મહાનતા વિષે કાંઇ કહેવું તે સૂરજની સામે દિવો ધરવા જેવું છે. પરંતુ આ વિષયની મહત્વતાના કારણે થોડી છણાવટ કરવી જરૂરી છે.

ખુદાવન્દે આલમ કુરઆને મજીદમાં ફરમાવે છે :

وَلَىِٕنْ قُتِلْتُمْ فِیْ سَبِیْلِ اللہِ اَوْ مُتُّمْ لَمَغْفِرَۃٌ مِّنَ اللہِ وَرَحْمَۃٌ خَیْرٌ مِّمَّا یَجْمَعُوْنَ۝۱۵۷

(1) “અને જો તમે અલ્લાહની રાહમાં કત્લ થઇ જાઓ અથવા મરી જાઓ તો અલ્લાહની તરફથી માફી અને રહેમત છે અને એ તમામ વસ્તુઓથી બહેતર છે, જે એ લોકોએ (દુનિયામાં) ભેગી કરી છે.”

(સુરએ આલે ઇમરાન: 157)

وَلَا تَحْسَبَنَّ الَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللہِ اَمْوَاتًا۝۰ۭ بَلْ اَحْیَاۗءٌ عِنْدَ رَبِّھِمْ یُرْزَقُوْنَ۝۱۶۹ۙ فَرِحِیْنَ بِمَآ اٰتٰىھُمُ اللہُ مِنْ فَضْلِہٖ۝۰ۙ وَیَسْـتَبْشِرُوْنَ بِالَّذِیْنَ لَمْ یَلْحَقُوْا بِھِمْ مِّنْ خَلْفِھِمْ۝۰ۙ اَلَّا خَوْفٌ عَلَیْھِمْ وَلَا ھُمْ یَحْزَنُوْنَ۝۱۷۰ۘ  یَسْتَبْشِرُوْنَ بِنِعْمَۃٍ مِّنَ اللہِ وَفَضْلٍ۝۰ۙ وَّاَنَّ اللہَ لَا یُضِیْعُ اَجْرَ الْمُؤْمِنِیْنَ۝۱۷۱ۚۛۧ

(2) “અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા ગયા છે તેમને હરગીઝ મરણ પામેલા સમજો નહીં; બલ્કે તેઓ પોતાના પરવરદિગાર પાસે જીવતા હોઇ (ઉત્તમ) રોજી મેળવે છે. (169) અલ્લાહે પોતાની કૃપાથી તેમને જે કાંઇ આપ્યું તેનાથી તેઓ ખુશ છે, અને જે લોકો પાછળ રહી ગયા છે અને અત્યાર સુધી તેમને (જઇ) મળ્યા નથી તેમના વિષે (આ) ખુશખબર મેળવી આનંદ માને છે કે તેમના પર કોઇ જાતનો ભય નથી તેમજ તેઓ દિલગીર થશે નહીં.(170) અલ્લાહની નેઅમતો તથા કૃપાની ખુશખબરો સાંભળી ખુશ થાય છે અને (એ પણ સાંભળીને કે) અલ્લાહ મોઅમિનોનો કોઇ બદલો વ્યર્થ જવા દેતો નથી. (171)”

(સુરએ આલે ઇમરાન: 169, 170,171)

وَالَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللہِ فَلَنْ یُّضِلَّ اَعْمَالَہُمْ۝۴  سَیَہْدِیْہِمْ وَیُصْلِحُ بَالَہُمْ۝۵ۚ  وَیُدْخِلُہُمُ الْجَــنَّۃَ عَرَّفَہَا لَہُمْ۝۶

(3) અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા જાય છે તેમના કર્મો તે હરગીઝ એળે જવા દેશે નહિ. તે અલ્લાહ તેમની રાહબરી કરશે અને તેમની સ્થિતિ સુધારી દેશે અને તેમને એવા સ્વર્ગમાં દાખલ કરશે કે જેની ઓળખ તેમને (પહેલાંથી) આપી દીધી છે.

(સુરએ મોહમ્મદ : 4,5,6)

اِنَّ اللہَ اشْتَرٰی مِنَ الْمُؤْمِنِیْنَ اَنْفُسَھُمْ وَاَمْوَالَھُمْ بِاَنَّ لَھُمُ الْجَنَّۃَ۝۰ۭ یُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِ اللہِ فَیَقْتُلُوْنَ وَیُقْتَلُوْنَ۝۰ۣ وَعْدًا عَلَیْہِ حَقًّا فِی التَّوْرٰىۃِ وَالْاِنْجِیْلِ وَالْقُرْاٰنِ۝۰ۭ وَمَنْ اَوْفٰى بِعَہْدِہٖ مِنَ اللہِ فَاسْـتَبْشِرُوْا بِبَیْعِکُمُ الَّذِیْ بَایَعْتُمْ بِہٖ۝۰ۭ وَذٰلِکَ ھُوَالْفَوْزُ الْعَظِیْمُ۝۱۱۱

(4) નિસંશય! અલ્લાહે મોમીનો (પાસે)થી તેમના પ્રાણ તથા માલ એ વાતના બદલામાં ખરીદી લીધાં છે કે તેમને જન્નત મળે; તેઓ અલ્લાહના માર્ગમાં લડે છે જેથી તેઓ મારે છે અને (પંડે પણ) માર્યા જાય છે; આ (જન્નતનો) વાયદો પૂર્ણ કરવો અલ્લાહે પોતાના ઉપર વાજીબ કરી લીધો છે; (અને તે વાયદો) તવરેત ત્થા ઇન્જીલ ત્થા કુરઆનમાં (મૌજુદ) છે; અને અલ્લાહ કરતાં પોતાનો વાયદો સૌથી વધુ પૂર્ણ કરનાર (બીજો) કોણ હશે? માટે આ સોદો કે જે તમોએ તેની સાથે કર્યો છે તેનાથી ખુશ થઇ જાઓ; અને એજ સૌથી મહાન સફળતા છે.

(સુરએ તૌબા: 111)

وَمَنْ یُّقَاتِلْ فِیْ سَبِیْلِ اللہِ فَیُقْتَلْ اَوْ یَغْلِبْ فَسَوْفَ نُؤْتِیْہِ اَجْرًا عَظِیْمًا۝۷۴

“અને જે કોઇ રાહે ખુદામાં લડે (અને) તે માર્યો જાય અથવા વિજય મેળવે તો (અંતે) અમે તેને ઘણો મોટો બદલો આપીશું.”        (સુરએ નિસા : 74)

પહેલી આયતમાં શહીદને માટે અલ્લાહની માફી અને રહેમત તરફ સંકેત કરવામાં આવ્યો છે. જ્યારે બીજી આયતમાં અલ્લાહની સાથે થવાની વાત કરવામાં આવી છે. અને ત્રીજી આયતમાં વાસ્તવિક જીવન, ખુદાની રોજીથી ખુશનસીબ બનવું અને પરિણામે પરવરદિગારે શહીદોને આપેલ નેઅમતો ઉપર ખુશ થવું તે છે. જ્યારે ન તો ભય હશે ન સંતાપ હશે. બીજા લોકો માટે પણ અલ્લાહની નેઅમત અને મહેરબાનીનો વાયદો કરવામાં આવ્યો છે. ચોથી આયતમાં તેઓના આમાલ નકામા ન જવા અને તેઓના કાર્યોની સુધારણા કરવી અને કયામતના દિવસે જન્નતમાં દાખલ થવું, જેનો વાયદો કરવામાં આવ્યો છે તેનો ઇશારો છે. પાંચમી આયતમાં ખુદાએ ખુદ પોતે તે લોકોના નફસોનો ખરીદ કરનારો દર્શાવ્યો છે અને તે લોકોને તેના ઉપર વેપારનો લાભ થવાની આગાહી કરી છે. તેને ભવ્ય સફળતા ગણી છે.

રિવાયતમાં શહીદના મહત્વને વધુ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. તેના અનુસંધાનમાં ઘણી હદીસો આવી છે. આપણે અમૂક હદીસોની ચર્ચા કરશું.

(1) ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

“સર્વશ્રેષ્ઠ મૃત્ય એ છે કે માનવી અલ્લાહના માર્ગમાં કતલ થઇ જાય.”      (બેહાર, 10/8 હ. 4)

(2) “સૌથી પહેલાં જન્નતમાં દાખલ થનાર માણસ શહીદ હશે.”

(3) ઇમામ સાદિક (અ.સ.) તેમના પૂર્વજોથી નકલ કરતા ફરમાવે છે કે રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

“નબીઓ, આલીમો અને શહિદો આ ત્રણ સમૂહો કયામતના દિવસે અલ્લાહને ભલામણ કરશે તેથી અલ્લાહ તેઓની ભલામણને કબુલ કરશે.”

(બેહાર, 10/પા. 2, હ. 24)

(4) ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ તેમના વડવાઓથી અને તેમણે રસુલ (સ.અવ.)થી નકલ કરતા ફરમાવે છે :

રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે ‘‘અલ્લાહે શહિદને સાત ગુણો અર્પણ કર્યા છે. સાતમો ગુણ એ છે કે શહીદ અલ્લાહની દિશા તરફ જોશે અને અલ્લાહની દિશા તરફ જોવું દરેક નબી અને શહીદને માટે રાહત સમાન છે.

(વસાએલુશ્શીયા ભાગ – 11, પાના નં. 9, હ. 20)

શહીદોની અઝમત – عظمت شہداء:

یَسْتَبْشِرُوْنَ بِنِعْمَۃٍ مِّنَ اللہِ وَفَضْلٍ۝۰ۙ وَّاَنَّ اللہَ لَا یُضِیْعُ اَجْرَ الْمُؤْمِنِیْنَ۝۱۷۱ۚۛۧ

“અલ્લાહની નેઅમતો ત્થા કૃપાની ખુશખબરો સાંભળી ખુશ થાય છે અને તે (વાત)ની કે અલ્લાહ મોમીનોના કોઇ બદલા વ્યર્થ જવા દેતો નથી.”

(સુરએ આલે ઇમરાન : 171)

આ આયત દલીલ છે કે શહીદો શરીર અને રૂહની સાથે જીવંત છે. આ ખૂબીપૂર્વકનો ગુણ શહીદની ભવ્યતાનો તાજ છે જે અલ્લાહે તેઓને અર્પણ કર્યો છે. અબ્દુલ્લાહ બીન અબ્બાસ રસુલ (સ.અ.વ.) થી રિવાયત કરે છે કે આપે ફરમાવ્યું કે અલ્લાહ તઆલાએ શહીદોની રૂહને લીલા રંગના મૂર્ગાના પેટમાં મૂકી છે. જેથી જન્નતની નદીનું પાણી પી શકે. જન્નતના ઝાડોમાંથી ફળો ખાય છે અને જન્નતમાં ઇચ્છા થાય ત્યાં ફરે હરે છે. તેઓનું સ્થાન અને રક્ષણની જગ્યા ખુદાની નજદિક લટકાવેલા દિવાઓ છે. પછી રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું : જ્યારે શહીદોએ ભવ્યતા અને કરામતને જોઇ ત્યારે પરવરદિગારને અરજ કરી. એ મારા પરવરદિગાર! અફસોસ કે અમારા સગા સબંધીઓ આ ભવ્યતાને જોતે. ખુદા તરફથી અવાજ આવ્યો કે અમે તેઓને તમારા બારામાં ખબર આપશું જેથી તે લોકો ખુશી થાય. તે સમયે આ આયત ઉતરી.

હદીસમાં છે કે ચાર સમૂહો એવા છે જેઓની લાશો સડતી નથી. પરંતુ તાજગી ભરી રહે છે. પયગમ્બરો, આલીમો, શહીદો, અને કુરઆનને હીફઝ કરનારા.

અલી ઇબ્ને મુસા રઝા (અ.સ.) થી રિવાયત છે કે એક દિવસ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)મિમ્બર ઉપરથી જેહાદનું મહત્વ બયાન કરતા હતા અને પ્રોત્સાહન આપી રહ્યા હતા. એક માણસે લડાઇ કરનારને શું મળશે એમ પુછ્યું. આપે જવાબ આપ્યો. “એ શખ્સ! મેં આ સવાલ રસુલ (સ.અ.વ.) ને ત્યારે કર્યો હતો જ્યારે રસુલ (સ.અ.વ.) પોતાની સવારી ઉપર હતા. ત્યારે મને આ જવાબ આપ્યો હતો. જ્યારે ગાઝી (લડાઇ કરનાર) જ્યારે જેહાદનો ઇરાદો કરે છે ત્યારે અલ્લાહ તેના ઇરાદાના કારણે દોઝખથી છૂટકારાનો પરવાનો આપે છે. જ્યારે તે લડાઇ માટે તૈયાર થાય છે ત્યારે અલ્લાહ તેના ફરિશ્તાઓની વચ્ચે ગર્વ કરે છે. જ્યારે તે પોતાના કુટુંબીજનોથી વિદાય લે છે ત્યારે દરવાજા – દીવાલ તેના માટે રડે છે. અને ગુનાહોથી એ રીતે બહાર નીકળી જાય છે જે રીતે સાપ પોતાની કાંચળી ઉતારીને બહાર નીકળે છે. ખુદા તઆલાએ તેની દરેક નમાઝના માટે ચાલીસ હજાર ફરિશ્તાઓને નિમે છે. જેથી તેઓ જમણી અને ડાબી બાજુએ, આગળ-પાછળ તેનું રક્ષણ કરે અને તેની દરેક નેકીનો સવાબ અનેક ગણો વધારે કરે છે. દરરોજ એક હજાર માણસોની ઇબાદત તેના આમાલનામાંમાં લખાય છે. એવા માણસો જેમણે હજાર વર્ષ ઇબાદત કરી હોય. જ્યારે દુશ્મનની સામે પહોંચે છે, ત્યારે દુનિયાનો કોઇ આલીમ તેના સવાબની હદ નક્કી કરી શક્તો નથી. જ્યારે લડાઇના મેદાનમાં જાય છે અને ભાલા, તીર અને તલવાર ચલાવે છે ત્યારે ફરિશ્તાઓ તેની નજદિક આવીને તેની મદદ કરવા અને અણનમ રહેવા માટે દોઆ કરે છે. એક મુનાદી પોકારે છે કે જન્નત તલવારોના છાંયડાંમાં છે કારણ કે આ બદલો અને સવાબ છે, તેથી જ્યારે મુસલમાન ઝખ્મી થાય છે, ત્યારે તે સહન કરવું તેના માટે એટલું સહેલું થઇ જાય છે, જેવી રીતે ગરમીમાં કોઇ ઠંડું પાણી પીવાથી અનુભવે છે. જ્યારે ઘોડા ઉપરથી નીચે જમીન ઉપર પડે છે, ત્યારે જમીન ઉપર પડતા પહેલાં હુરો તેના માથા પાસે આવી જાય છે. અને તેને કરામતની ખુશખબરી આપે છે, જે અલ્લાહે આ શહીદો માટે નક્કી કરી છે. જ્યારે જમીન ઉપર પડે છે, ત્યારે હુરો તેના વખાણ કરે છે અને શાબાશી આપે છે અને કહે છે દૂરૂદ થાય આ પવિત્ર રૂહ ઉપર જે પવિત્ર શરીરમાંથી નીકળે છે. અને કહે છે કે મુબારક થાય ! અલ્લાહે તમારા માટે એવી વસ્તુ નક્કી કરે છે જે ન તો કોઇએ કાને સાંભળી છે અને ન જોઇ છે અને ન તો કોઇએ દિલમાં કલ્પ્ના કરી છે. અલ્લાહ ફરમાવે છે, હું તેનો અને તેના કુટુંબીજનોનો વાલી છું. જે તેને ખુશ કરશે તેણે મારી ખુશી મેળવી અને જે તેની સાથે ગુસ્સો કરશે તેણે મને ગુસ્સે કર્યા બરાબર છે. દરેક શહીદને અલ્લાહ તઆલા સીત્તેર ઓરડા આપશે, દરેક ઓરડાનુ અંતર બીજાથી એટલું હશે જેટલું સનઆથી શામનું અંતર છે. દરેક ઓરડાનો પ્રકાશ એવો હશે જેનાથી પૂર્વથી પશ્ર્ચિમ સુધી પ્રકાશ જ પ્રકાશ હશે. દરેક ઓરડામાં સિત્તેર દરવાજાઓ હશે અને દરેક દરવાજાને સિત્તેર સોનાના તારથી શણગારેલા હશે. દરેક દરવાજા ઉપર પરદા લટકાવેલા હશે. દરેક ઓરડામાં સિત્તેર તંબુઓ હશે દરેક તંબુમાં સિત્તેર શણગારેલા પલંગ પાથરવામાં આવ્યા હશે. તેના પાયા યાકુત અને હીરા પન્નના બનાવેલા હશે. દરેક પલંગ ઉપર ચાલીસ પથારીઓ પાથરી હશે. દરેક પથારીની લંબાઇ ચાલીસ વારની હશે અને દરેક પથારી ઉપર બે હુરો સોળે શણગાર સજીને તૈયાર હશે.”

તે માણસે સવાલ કર્યો ‘‘એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ! હુરોના જે ચાર ગુણો દર્શાવવામાં આવ્યા છે તેની વિગત કહો : ઇમામે કહ્યું “તે સુંદર અને દેખાવડી હુરો છે. જેની હજાર સેવિકાઓ અને હજાર સેવકો હશે. તેઓના ચહેરા ચાંદ જેવા અને માથાના તાજ હિરા – માણેકના હશે પોતાના પાલવને પોતાના ખભા પર નાખ્યો હશે અને હાથોમાં જામ લીધેલા હશે. જેમ કે કયામતનો દિવસ છે અને તે પોતાના સ્થાન ઉપર છે. ખુદાની કસમ! જેની કુદરતના કબ્જામાં મોહમ્મદ (સ.અ.વ.)ની જાન છે, જો પયગમ્બરો પણ તેના રસ્તામાં આવી જાય તો પોતાની સવારીઓ ઉપરથી ઉતરી પડે. પછી આ શહીદ આવશે અને ભલામણ કરવાની જગ્યાએ ઊભા રહી જશે. અને દરેક સિત્તેર હજાર ગુનેહગારની ભલામણ કરશે, પોતાના કુટુંબીજનો પાડોશીઓ અને દોસ્તોની. ત્યાં સુધી કે બે પાડોશીઓ લડી પડશે કે હું તેની ભલામણનો વધુ હકદાર છું કારણ કે હું તેની વધુ નજદિક હતો. આ સમયે તે આવશે અને અમારી અને હઝરતે ઇબ્રાહીમ (અ.સ.)ની સાથે જન્નતના દસ્તરખાન ઉપર બેસી જશે. ખુદાવન્દે મોતઆલ રહેમતની નજરથી તેઓને જોશે અને આ લોકો સવાર અને સાંજ અલ્લાહનો સવાબ અને બુઝુર્ગીને જોશે.”

(તફસીર જીલાઉલ અઝહાન ગારઝ 2/151-153)

શહીદની અસરો :

એ બાબત સ્પષ્ટ છે કે શહીદની શહાદતની અસરોની મર્યાદા બાંધી શકાય નહિ. એટલા માટે કે જ્યાં શહીદની શહાદતની દુનિયાની અસરો છે, તેની સાથે જ આખરેતની અસરો પણ ઘણી છે. દાખલા તરીકે જ્યાં શહીદની કુરબાનીથી દીનના માર્ગમાં ત્યાગની લાગણી જોવા મળે છે, એ સાથે જ દીનનું રક્ષણ પણ આ કુરબાનીમાં છુપાએલું છે. જ્યાં આ શહાદત આપણને દીનની રાહમાં સૌથી વધુ પ્રીય વસ્તુ આપવા માટે આગ્રહ કરે છે, ત્યાંજ આ લોકોના માટે માર્ગની મશાલ પણ છે. જ્યાં આ શહાદતથી આપણા બાળકોમાં સંઘર્ષ કરવાની લાગણી પેદા થાય છે, ત્યાંજ મનન કરવાથી મૂક્તિનું સાધન પણ બને છે. જે આપ હદીસમાં જોઇ શકો છો. ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

“બધી નેકીઓ તલવારમાં જોવા મળે છે. તલવારના છાંયામાં છે. તલવારની નીચે છે. તલવારની વગર લોકો મક્કમ રહી શકતા નથી. તલવાર જન્નત અને જહન્નમની ચાવી છે.”

(વસાએલુશ – શીયાઅ, કિતાબુલ જેહાદ, પૂ. 11, પા. 5, હ. 1)

એક બીજી હદીસમાં છે કે ‘‘ગરીબીને દૂર કરવી છે તો જેહાદ કરો.

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે “રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું : જન્નતનો એક દરવાજો છે, જેને મુજાહેદીનનો (જેહાદ કરનારાઓનો) દરવાજો કહેવામાં આવે છે. જેહાદ કરનારાઓ તે દરવાજાની તરફ જશે જે નિ:શંક તેઓના માટે ખુલ્લોજ હશે. તેઓ એવી રીતે આવશે કે તેઓની તલવારો તેઓની સાથે હશે. ભીડ જામેલી હશે. મલાએકાઓ મુબારકબાદ આપી રહ્યા હશે. જે માણસ જેહાદ છોડી દેશે અલ્લાહ તેને અપમાનિત કરશે. તેને તંગદસ્તીમાં સપડાવી દેશે. તેની ગણતરી દીનનો નાશ કરનારાઓમાં થશે. તે પછી રસુલ (સ.અ.વ.) ફરમાવે છે. અલ્લાહે મારી ઉમ્મતને ઘોડાની ટાપ અને ભાલાની અણીથી નિર્ભય કર્યા છે.”

(વસાએલુશ-શીયાઅ પૂ. 11, પા. 5, કિતાબુલ જેહાદ. હ. 2)

એક હદીસમાં છે કે જો પોતાના બાળકોને મહેનતુ બનાવવા છે તો જેહાદ કરો.

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે “રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે લડાઇ કરો અને પોતાના બાળકોને વારસામાં કોશીશ કરનારા પામશો.”

(સંદર્ભ : ઉપર મુજબ પા. 9, હ. 16)

Comments (1)

  • શહીદો ના શરીરો સડતા નથી તેના ઐતિહાસીક પૂરાવાઓ જાણવા માટે અબ્બાસ બુક એજન્સી લખનવ થી પ્રકાશીત થએલી ઉર્દુ કિતાબ “અજસાદે જાવેદાં” વાંચો.

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *