સકાયતનો દરજજો

Print Friendly, PDF & Email

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું :

اَفْضَلُ الْاَعْمَالِ عِنْدَ اللّٰهِ اِبْرَادُ الْکَبِدِ الحَرِيِّ من بَھِيْمَۃٍ غَيْرِھَا

“અલ્લાહની સમક્ષ સૌથી શ્રેષ્ઠ કાર્ય તરસ્યાઓની તરસને છીપાવવું છે ભલે પછી તે જાનવર પણ કેમ ન હોય.”

(દાસ્સલામ, ભાગ ‡ 3, પાના નં. 162)

પાણી અને જીંદગીની વચ્ચેનો સંબંધ એટલો બધો અતૂટ છે કે તેનો ક્યારેય પણ ઇન્કાર કરી શકાય નહિ. પાણી આ બ્રહ્માંડની ફક્ત જીવાદોરી જ નથી પરંતુ તે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટેની મૂળભૂત જરૂરીયાત છે. જે વસ્તુ જીંદગીની રૂહ છે, જીંદગીનું મૂળભૂત તત્વ છે અને જીવન માટે અત્યંત જરૂરી છે તે વસ્તુ, અલ્લાહ(સુ.વ.ત.)એ આકાશમાંથી ઉતારેલું પાણી જ છે. જે કામને અલ્લાહ (સુ.વ.ત.)એ પોતાની સાથે નીસ્બત આપી છે.

અલ્લાહ(સુ.વ.ત.) કુરઆને શરીફમાં ફરમાવે છે.

“અને અમે આકાશમાંથી નિર્મળ પાણી ઉતારીયે છીએ. કે તે (પાણી)ના થકી નિર્જીવ જમીનને સજીવન કરી દઇએ, અને તેના રહેવાસીઓ (જાનવરો તથા માણસો)ને તૃપ્ત કરીએ. અમે પાણીને દરેક વસ્તુનું જીવન ઠેરવ્યું છે.”

(સુરએ ફુરકાન, 48‡49)

કોઇ તરસ્યાની તરસ છીપાવવી બહુજ મોટું નેક કામ છે. એટલુંજ નહી, આ કાર્ય મરનારને જીંદગી આપવા સમાન છે.

સક્કાઇ અથવા સકાયત આ એ શબ્દો છે જેનો અર્થ પાણી પીવરાવવું અને તરસ છીપાવવી થાય છે. તે બન્ને સમય અને સ્થળની દ્રષ્ટિએ વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે.

مَنْ سَقي الْمَآئَ فِي مَوْضِعٍ يُوجَدُ فِيْهِ الْمَائُ کَانَ کَمَنِ اعْتَقَ رَقَبَۃً وَ مَنْ سَقٰي الْمَآئَ فِي مَوْضِعٍ لاَ يُوجَدُ فِيْهِ  الْمَائُ کَانَ کَمَنْ اَحْيٰي نَفْسًا وَ مَنْ اَحْيَاهَا فَکَاَنَّهَا اَحْيَي النَّاسَ اَجْمَعِيْنَ-

“અગર કોઇ શખ્સ એવી જગ્યાએ કોઇને પાણી પીવડાવે જ્યાં પાણી હાજર હોય તો જાણે કે તેણે એક ગુલામને આઝાદ કર્યો. અને જો કોઇ એવી જગ્યાએ કોઇની તરસ છીપાવે જ્યાં પાણી ઉપલબ્ધ ન હોય તો જાણે કે તેણે એક નફસને જીવંત કર્યો અને જેણે એક નફસને જીવંત કર્યો તેણે સમગ્ર માનવજાતને જીવંત કરી.

(મકારેમુલ અખ્લાક, ભાગ ‡ 1, પ્ર. 7, પાના નં. 85)

આમ તો સમગ્ર દુનિયાના તમામ લોકો અલ્લાહની મખ્લુક હોવાને લીધે સરખા છે. પરંતુ અમુક ગુણો અને વિશિષ્ટતાઓને લીધે અમુક લોકો બીજાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે. અને મુત્તકીઓના સમૂહમાં પણ અમુક લોકો એવા હોય છે જે સૌથી શ્રેષ્ઠ હોય છે. જેની સરખામણી કોઇની સાથે ન થઇ શકે. જ્યારે તરસ છીપાવવી જીંદગી આપવા સમાન છે, તો અગર તરસ્યા માણસનો દરજ્જો સૌથી વધુ હોય તો તરસ છીપાવનારનો પણ મરતબો ઉચ્ચો થઇ જાય છે. બસ અહીંથી જ હઝરત અબ્બાસ ઇબ્ને અલી(અ.સ.)ની સક્કાઇ અથવા સકાયતની અગત્યતાનો ખ્યાલ આવી જાય છે.

હઝરત અબુલ ફઝલીલ અબ્બાસ(અ.સ.)ના લકબોમાંથી મહાન લકબ ‘સક્કા’ છે. અને તેઓ સકાયતની ટોંચ સુધી પહોંચી ગયા. આ લકબની મહાનતાને સમજવા માટે આપણે ઇતિહાસમાં ડોકીયું કરીશું અને સકાયતના ઐતિહાસિક મહત્વ પર ધ્યાન આપીશું અને જોઇશું કે તેમના પહેલા ઇતિહાસમાં કોણ કોણ “સાકી” હતા અને અરબોના ક્યા કુટુંબો  આ કામ કરતા હતા. પરંતુ તે પહેલા આપણે અરબોની સંસ્કૃતિ પર એક દ્રષ્ટિ કરીએ.

અરબો અને સકાયત :

સૌપ્રથમ સક્કાઇ એ સહેલુ કામ નથી, અને તે પણ હેજાઝની જમીન પર સક્કા તરીકે હોવું તે દરેક માણસના બસની વાત નથી. અને ન તો દરેક શખ્સ ત્યાં સક્કા બની શકે છે. કારણકે એક તરફ અરબસ્તાન એક વિશાળ વિસ્તાર છે, વળી આટલો મોટો વિસ્તાર હોવા છતાં તે પાણી જેવી અમૂલ્ય સંપતિથી વંચિત છે. બીજું સખત ગરમી અને વિષમ વાતાવરણે તેને એક રણમાં ફેરવી દીધેલ છે. આ બધાજ કારણોને લીધે અરબોના ગામોની સંસ્કૃતિનો વિકાસ એ જગ્યાએજ થયો જ્યાં પાણી ઉપલબ્ધ હતું. અરબ લોકોને જ્યારે પણ પાણીનો સ્ત્રોત કે ઝરણું નજરે ચડતું તો પોતાની સમગ્ર જાતીને ત્યાં બોલાવી લેતા અને ત્યાં જ વસવાટ કરતા. અગર કોઇ પાણીના સ્ત્રોતથી દૂર વસવાટ કરતું તો તેને પાણી માટે પુષ્કળ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેઓને ખૂબજ દૂર પાણીની મશ્ક લઇને પાણી ભરવા જવું પડતું. આ સંજોગોમાં યુવાનો આ સવાબના કામને ઉપાડી લેતા અને વડીલોની તરસને છીપાવતા. જેઓ આ અગત્યનું કામ કરતા હતા તેઓને વર્ષો સુધી તેમની જાતીના લોકો માનની નજરે જોતા અને જે શખ્સ આ કામમાં સૌથી વધુ આગળ હોય તે શખ્સ એક નેતાની ગરજ સારતો.

અગર હઝરત રસુલ(સ.અ.વ.)ના ખાનદાન પર એક ઉડતી નજર નાખવામાં આવે તો એ સ્પષ્ટ થઇ જશે કે આ સક્કાઇમાં આપ હઝરત(સ.અ.વ.)નું કુટુંબ મોખરે હતું.

જનાબે કોસય(અ.સ.) :

હઝરત રસુલ(સ.અ.વ.)નું ખાનદાન નેક કાર્યો અને સામાજીક કાર્યોમાં હંમેશા આગલી હરોળમાં જ રહેતું. આમા પણ ખાસ કરીને ખાનદાને કુરૈશ હતું અને તેઓમાં બની હાશીમના જનાબે કોસય(અ.સ.) લોકોની સક્કાઇમાં મોખરે હતા.

આ ક્ષેત્રમાં તેમના કાર્યો સર્વશ્રેષ્ઠ હતા જેની બરાબરી કુરૈશ કે બની હાશીમમાંથી કોઇ કરી શકતું ન હતું. તે જમાનામાં તેઓ મક્કા બહારના પાણીના સ્ત્રોતોના જાણકાર હતા અને તેઓ મક્કાના હાજીઓને ઠંડુ પાણી પીવડાવતા હતા. અન્ય દિવસોમાં પણ મક્કાના રહેવાસીઓ પાણીની ખૂબજ તંગી અનુભવતા. મક્કાના લોકોએ મક્કા બહારથી પાણી લાવવું પડતું હોઇ તેનાથી ચિંતિત બનેલ જ. કોસય(અ.સ.)એ અજુલ નામની જગ્યાએ કૂવો ખોઘ્યો. જે પાછળથી જ. ઉમ્મે હાની(સ.અ.)નું ઘર બન્યું (જ. ઉમ્મે હાની(સ.અ.) હઝરત અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)ના બહેન હતા.) જે મક્કામાં પીવા માટેના પાણીનો પહેલો જ કૂવો હતો જેનો લાભ દૂર દૂરના લોકો પણ મેળવવા લાગ્યા. આના પછી બીજો કૂવો ખોઘ્યો જેનું નામ સીજલાહ હતું. જે ખાસ ખાન‡એ‡કાબા આવતા હાજીઓ અને ઝવ્વારો માટે બનાવ્યો જેથી કરીને તેઓને પાણી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને હાડમારી ભોગવવી ન પડે.

જનાબે હાશીમ(અ.સ.) :

જનાબે કોસય(અ.સ.) પછી જનાબે હાશીમ(અ.સ.)એ સકાયતની મહત્વપૂર્ણ જવાબદારીને ઉપાડી અને પરીપૂર્ણ કરી. અને હજના સમયે તેમણે ઝમઝમના કિનારે એક ચામડાનો હોજ બનાવ્યો જેથી કરી ઝવ્વારો સારી રીતે તૃપ્ત થઇ શકે. આપે પણ એક કુવાનું નિર્માણ કર્યું જેનુ નામ બઝ્ઝર રાખવામાં આવ્યું હતું અને જાહેર કર્યું કે આ કુવો બધા માટે છે અને કોઇપણ વ્યક્તિએ બીજાને તેમાંથી પાણી લેવાની મનાઇ ન કરવી.

જનાબે અબ્દુલ મુત્તલીબ(અ.સ.) :

જનાબે હાશીમ(અ.સ.) પછી આ જવાબદારી જનાબે અબ્દુલ મુત્તલીબ(અ.સ.)એ સંભાળી. તેમણે તેમના બાપ દાદાઓના આ કાર્યને આગળ વધાર્યું એટલું જ નહી પરંતુ તેમા એક મહત્વનો વિભાગ ઉમેર્યો. તેમણે ઝમઝમનું પુ:નનિમર્ણિ કર્યું. ઝમઝમનો કુવો આબાદ કર્યો. અરબો દૂર દૂરથી અહી તૃપ્ત થવા માટે આવવા લાગ્યા અને ફરી એક વખત સક્કાઇની અગત્યતા સમજાઇ. કારણકે આપ ખાને ખુદાના ઝાએરીન માટે પાણીની વ્યવસ્થા ઉપરાંત દૂધ અને મધનું સ્વાદિષ્ટ શરબત બનાવીને ચામડાના પાત્રમાં રાખતા હતા જેનાથી,અલ્લાહના ઘરના હાજીઓ તૃપ્ત થઇ શકે.

હઝરત અબુ તાલીબ(અ.સ.) :

જનાબે અબ્દુલ મુત્તલીબ(અ.સ.) પછી આ કાર્યને જનાબે અબુ તાલીબ(અ.સ.)એ સંભાળ્યું. આપે એટલી સારી રીતે આ કાર્ય કર્યું કે આપને “સાકીએ હજ” (સીરતે ઝૈની, ભાગ‡91, પાના નં. 26)નો લકબ આપવામાં આવ્યો. એવા બધા રસ્તાઓ ઉપર આપે પાણીના હોજ બંધાવ્યા જે અન્ય સ્થળોને મક્કાની સાથે જોડતા હતા. ઇતિહાસ સાક્ષી છે કે હઝરત અબુ તાલિબ(અ.સ.) પૈસાની દ્રષ્ટિએ માલેતુજાર ન હતા પરંતુ આપે કરજ લઇને બાપદાદાના આ કાર્યને આગળ વધાર્યું. આપ એટલા બધા મહાન હતા કે કરજ સહન કરતા, ઘરમાં ભૂખમરો વેઠવો પડતો પરંતુ હજ્જે બૈતુલ્લાહ માટે દૂર દૂરથી સૂર્યના તાપને સહન કરી આવનારા લોકોની તરસને છીપાવવાનું તે કાર્ય પડતું મૂકવું તેમને માન્ય ન હતું. જ. અબુ તાલીબ(અ.સ.) તો માત્ર એટલું જ ચાહતા હતા કે હાજીઓની તરસ છીપાઇ જાય.

હઝરત અલી(અ.સ.) :

જ. અબુ તાલીબ(અ.સ.) પછી સક્કાઇની આ અતિમહત્વની જવાબદારી મૌલાએ કાએનાત હઝરત અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)ને મળી. ઇતિહાસના એક એક પાના પર આપની સકાયતના કાર્યોની નોંધ લેવામાં આવી છે.

એક બે નહી પરંતુ ઘણા બધા યાદગાર પ્રસંગોએ આપે સકાયતનું કાર્ય કરેલ, ભલે પછી તે બદ્રમાં હિંમત સાથે કૂવામાં ઉતરી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) માટે મશ્કમાં પાણી લાવીને આપ(સ.અ.વ.)ની સમક્ષ હાજર કરેલ. મોકો તો એ હતો કે ખિલાફતના દાવેદારોને તરસ્યા જ મરવા દેત, પરંતુ મૌલા અલી(અ.સ.)એ બતાડવા ચાહતા હતા કે સાકીનું કામ જીવન આપવાનું છે, જીવન લૂંટી લેવાનું નહિ. અથવા ત્યાર બાદ જંગે સીફ્ફીનમાં ફૌજે શામના હાથમાંથી અનેક વખત નહરે ફુરાતને છીનવી લઇ દોસ્ત અને દુશ્મનોને તૃપ્ત કરવાનો પ્રસંગ હોય. અને આવું કેમ ન બને કારણ કે આપની સામે એક તરફ સક્કાઇની જવાબદારી મુજબ તફાવત કે મતભેદ વગર દોસ્ત અને દુશ્મનને તૃપ્ત કરવાની માનવીય ફરજ હતી તો બીજી તરફ પાણી સંબંધી ઇસ્લામી રીતરીવાજ પણ નજર સમક્ષ હતા – કે તે દરેકના માટે મુબાહ છે, જેને ઇચ્છા થાય તે પી શકે છે. ઇસ્મતનો મનસબદાર, સકાયતની ફરજ અદા કરનાર કેવી રીતે આનાથી બેદરકાર રહી શકે?

સકાયતના પ્રકાર :

ઓલમાઓએ સકાયતના અલગ અલગ પ્રકાર વર્ણવ્યા છે. મુખ્યત્વે સકાયતના બે પ્રકાર છે.

1. શાંતિના સમયે 2. જંગ દરમ્યાન

શાંતિના સમયની સકાયતના બીજા બે પેટા પ્રકારો છે. જેમાંથી પહેલી વેપારી સકાયત છે જે પૈસા કમાવવા માટે હોય છે અને બીજી હાની સકાયત છે જેમાં ફક્ત ખિદમતે ખલ્કની સકાયત દ્વારા ખુદાવંદે આલમની કુરબત હાસીલ કરવાનો ઇરાદો હોય છે.

જંગના સમયની સકાયતના પણ બે ભાગ છે, એક મુસ્તહબ સકાયત અને બીજી વાજીબ સકાયત. મુસ્તહબ સકાયત એ છે કે યુદ્ધમાં લડવાવાળાઓ પાસે પાણી હોય, પણ થોડી વાર પછી સૈરાબ કરવામાં આવે તો સહન કરવાની શક્તિ હોય છે. પણ વાજીબ સકાયત તે સકાયતને કહે છે જ્યારે લડવાવાળાને એવી સખત તરસ લાગી હોય કે અગર તેને તરતજ પાણી ન મળે તો તે મૃત્યુ પામે.

હઝરત અબ્બાસ(અ.સ.) :

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના ખાનદાનમાં ધંધાદારી સકાયત સિવાય દરેક પ્રકારની સકાયતના ઉદાહરણો જોવા મળે છે. જે સકાયતની શરૂઆત જનાબે કોસય(અ.સ.)થી થઇ હતી તે યુગો સુધી ચાલી અને તે હઝરત અબુલ ફઝલીલ અબ્બાસ(અ.સ.) ઉપર તેના સર્વોચ્ય શિખર ઉપર પહોંચી. અને આપ(અ.સ.)એ આપની સકાયતની જવાબદારીને એટલી સરસ રીતે પરીપૂર્ણ કરી કે આજ દિવસ સુધી હ. અબ્બાસ(અ.સ.)નું બીજું નામ “સક્કા” પડી ગયું છે. અહીં આપણે અલ્લામા ઝીશાન હૈદર જવાદી સાહેબના એ શબ્દો ઉપર મનન કરીએ કે જેમાં આપે મૌલાએ કાએનાત હઝરત અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.) અને હઝરત અબ્બાસ(અ.સ.)ની સકાયતનું વર્ણન કર્યું છે. આપે આ મુજબ લખ્યું છે. “નવાઇની વાત તો એ છે કે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)ને સાકી કહેવામાં આવે છે જે અરબી ભાષામાં શ્રેષ્ઠતા વાચકશબ્દ નથી અને હઝરત અબ્બાસ(અ.સ.)ને “સક્કા”ના લકબથી યાદ કરવામાં આવે છે જે અરબી ભાષામાં શ્રેષ્ઠતા વાચકશબ્દ છે.”

તેઓ આગળ લખે છે કે :

“આ વસ્તુ કદાચ એ તરફ ઇશારો કરે છે કે કોઇ પણ કાર્યની અગત્યતા તેના અદા કરવા માટેના સમય અને સંજોગો પર આધારીત હોય છે. જેટલો કપરો સમય એટલીજ વધારે અગત્યતા. શાંતિના વાતાવરણમાં અદા કરેલ નમાઝની સરખામણી તીરોના વરસાદમાં અદા કરેલ નમાઝ સાથે ન થઇ શકે. છાંયડામાં અદા કરેલ સજદો અલગ છે અને ખંજર નીચે કરેલ સજદો અલગ છે.”

મૌલાએ કાએનાત હઝરત અલી(અ.સ.)ની સકાયતના  દરજ્જાની મહાનતામાં કોઇ શંકા નથી. પરંતુ લકબની શહોરત તેના સંજોગો પર નિર્ભર હોય છે. માઅસુમીન(અ.સ.)ના ગુણો અને ખૂબીઓ સરખા હોવા છતાં તેઓના લકબો સરખા ન હતા. કોઇનો સબ્ર, તો કોઇની બહાદૂરી, કોઇનું ઇલ્મ, તો કોઇનું હીલ્મ, તો કોઇનો તકવા મશહુર હતા. સકાયતનો પણ આજ અંદાઝ છે. હઝરત અલી(અ.સ.) સાકીએ દુનિયા પણ છે અને સાકીએ આખેરત પણ. પરંતુ અહીં ઇતિહાસ અને રિવાયતો પર ધ્યાન આપીશું તો એ વાત સ્પષ્ટ થશે કે મૌલા અલી(અ.સ.)એ સકાયત માટે એટલી મુશ્કેલીઓ નહોતી વેઠવી પડી જેટલી મુશ્કેલીઓ સક્કાએ હરમે ઉઠાવી હતી.

જંગે બદ્રમાં આપ(અ.સ.) કુવામાંથી પાણી લઇને આવ્યા હતા પરંતુ આપે કુવો તો ખોદવો નહતો પડ્યો ઉસ્માનના વાકેઆમાં આપ(અ.સ.)એ પાણીની વ્યવસ્થા કરી પણ પહોંચાડ્યું નહીં. જંગે સીફ્ફીનમાં હઝરત અલી(અ.સ.)ની સકાયતની મહાનતા એ હતી કે આપે નહેર પર કબ્જો કરી લીધા પછી પણ દુશ્મનોને પાણી ભરવા દીધું અને પોતે ત્યાં ન ગયા.

પરંતુ હઝરત અબ્બાસ(અ.સ.) માટે આ બધા સંજોગો એક સાથે ઉપસ્થિત થઇ ગયા હતા. કરબલામાં ઘણી બધી જગ્યાઓ પર કુવા ખોદવા પડ્યા એટલું જ નહી દુશ્મનોના ઘેરાવથી પાણીને બચાવીને રાખવું પણ પડ્યું. નહેર ઉપર કબ્જો કરવો એ પણ કોઇ નાની વાત ન હતી અને એ પણ તે સમયે કે જ્યારે ગાઝીના હાથમાં તલવાર પણ ન હતી.

આપણે આપણું ઘ્યાન એક સંવેદનશીલ મુદ્દા તરફ કરવું જોઇએ. જ્યારે હઝરત અલી(અ.સ.)એ આ કાર્ય અંજામ આપ્યું ત્યારે તેઓ તેને તેના પરિણામ સુધી પહોંચાડી શક્યા. બદ્રમાં લશ્કરને પાણી મળી ગયું અને સીફ્ફીનમાં લશ્કર સેરાબ થઇ ગયું. ઘેરો હોવા છતાં “દારૂલ અમારા”માં ઉસ્માનના ઘર સુધી પાણી પહોંચાડી શક્યા. દિકરાઓ અને અસ્હાબોની હાજરીમાં તેમણે પોતાના કાતિલની સામે દૂધ ધર્યું.

પરંતુ અફસોસ છે કે હઝરત અબ્બાસ(અ.સ.)ની ફરજ અદા કરવાની અદમ્ય તમન્ના તેમના દિલમાંજ રહી ગઇ. તેમને એ વાતનું ભરપુર દુ:ખ થયું કે કુવા તો ખોઘ્યા પણ પાણી ન નિકળ્યું, તેઓ ફૂરાત પર ગયા પરંતુ દુશ્મનોએ પાછા ફરવા ન દીધા, મશ્ક તો ભરાઇ પણ ઇમામ હુસૈન (અ.સ.)ના બચ્ચાઓ જેમની પ્યાસ બુઝાવવા ઇચ્છતા હતા તેમના સુધી મશ્ક ન પહોંચી.

આવા સંજોગોનો સામનો કર્યા પછી અગર તેમને “સક્કા” ન કહેવામાં આવે તો આ તેમના પર ઘોર ઝુલ્મ કહેવાશે. કદાચ આજ કારણોને લીધે હઝરત અબ્બાસ(અ.સ.)એ સકાયતમાં એ શાન દેખાડી અને આ કાર્યને એટલી સરસ રીતે અંજામ આપ્યું કે આજ સુધી દુનિયા આપને “સક્કા”ના નામથી યાદ કરે છે.

સકાયતમાં આપનો એ શ્રેષ્ઠ દેખાવજ હતો કે આપે લશ્કરે હુરના એકે એક સિપાહીને પાણીથી તૃપ્ત કરી દીધા, એટલુંજ નહીં પરંતુ સાથો સાથ તેમના જાનવરોને પણ પાણી પીવડાવીને તૃપ્ત કરી દીધા અને એવું કોઇ પણ ન હતું જેણે પાણી ન પીધું હોય. દોસ્તો અને દુશ્મનો બધાને પાણી પીવડાવીને હઝરત અબ્બાસ(અ.સ.) પોતાના બાપ દાદાના વારસાને અને યાદને ઉચ્ચ મંજીલો સુધી પહોંચાડી દીધી એટલી હદ સુધી કે આજ સુધી દુનિયા આ શ્રેષ્ઠ દરજ્જા સુધી પહોંચી ન શકી અને એ મરતબો પણ મેળવી ન શકી.

(સંદર્ભ : 1. કમરે બની હાશીમ, 2. ઝીંદગાનીએ હઝરત અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.), 3. સરદારે કરબલા)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *