Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૨૯ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ની અઝાદારી

અઝાદારી અને કુરઆન

Print Friendly

આધુનિક શિક્ષણો અને વર્તમાન યુગની વિચારધારાએ જ્યાં વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે અને માનવીને નવા વાતાવરણોની જાણકારી આપી છે ત્યાં ભૌતિકતામાં સપડાવવાના એવા સાધનો પણ પેદા થયા છે કે દરેક તે વસ્તુ કે જેમાં જાહેરી રીતે કોઇ ભૌતિક ફાયદો અને તે પણ રોકડ સ્વરૂપમાં ન દેખાતો હોય ત્યાં આ આધુનિક વિચારધારા અનેક પ્રકારનાં પ્રશ્ર્નો કરે છે  અને તેના ફાયદાનો ઇન્કાર કરે છે.

આ પ્રકારના શૈક્ષણિક વાતાવરણમાં ઉછરેલી વ્યક્તિઓ એ સવાલ કરે છે કે કરબલાનો બનાવ આજથી ૧૩૬૭ વર્ષ પહેલા બન્યો હતો તેને વારંવાર યાદ કરવાથી અને વર્ણવવાથી શું ફાયદો? એક આખી કૌમને અઝાદારીમાં વ્યસ્ત કરી દેવાથી શું પ્રાપ્ત થાય? આ પ્રકારના બીજા પણ ઘણા બધા સવાલો છે જે જુદા જુદા મોઢે અને જુદા જુદા વ્યંગમાં બયાન થઇ રહ્યા છે.

આપણે મુસલમાન છીએ. કુરઆને કરીમની આયતો, રસુલ અને આલે રસુલ (સ.અ.વ.)ની રિવાયતો આપણા માટે માર્ગદર્શક છે. આપણે માત્ર એ જોવાનું છે કે આપણો આ અમલ એટલે કે અઝાદારી કુરાન અને હદીસની રોશનીમાં કેવો છે એક મોઅમીનની ઝીંદગીનો હેતુ ખુદા અને રસુલની ખુશ્નુદી મેળવવાનો છે. જે ફક્ત કુરઆને કરીમની હિદાયતોથી જ મળી શકે તેમ છે. આથી અહીં આપણે કુરઆને કરીમના સંદર્ભમાં થોડી બાબતોની ચર્ચા કરીશું.

૧. અઝાદારી કુદરતી અસર છે :

કુરઆને કરીમ ફીરઔનનો કિસ્સો વર્ણવતા ફરમાવે છે:

પછી તેઓની ઉપર ન આસમાને આંસુ વહાવ્યા ન જમીને.

(સુરએ દોખાન : ૨૯)

આ આયતથી એમ જણાય છે કે આસમાન અને જમીન આંસુ વહાવે છે. અગર આસમાન અને જમીન આંસુ ન વહાવતા હોત તો આ આયતનો કોઇ અર્થ ન થાય.

ઇતિહાસના પાનાઓ એ વાતના સાક્ષી છે કે જ્યારે ઇમામ હુસૈન (અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા ત્યારે આસમાનમાંથી લોહીનો વરસાદ વરસ્યો, દિવાલો ઉપર લોહી જોવા મળ્યું, પથ્થરોની નીચેથી ખૂન ઉભરાણું તથા આ સિલસિલો એક લાંબા સમય સુધી ચાલુ રહ્યો. વધુ વિગત માટે જુઓ ઇબ્ને અસાકીર લિખિત “તારીખે દમિશ્ક’ ભા. ૧૪, પાના નં. ૨૨૦ થી ૨૨૪.

The Anglo Saxon Chornicle નામનું આ પુસ્તક એક ખ્રીસ્તીએ ઇ.સ. ૧૯૫૪માં લખ્યું છે. તેમાં એ ઘટનાઓ વર્ણવવામાં આવી છે કે જે જ. ઇસા (અ.સ.)ની પછી બ્રિટનના લોકો ઉપર વિતી હતી. આ પુસ્તકમાં ઇ.સ. ૬૮૫ની ઘટનાઓમાં લખ્યું છે. (ઇ.સ. ૬૮૫ હિ.સ. ૬૧ની સમકાલીન સમયગાળો છે.)

“આ વર્ષે આસમાનમાંથી લોહીનો વરસાદ વરસ્યો અને બ્રિટનના લોકોના દૂધ અને માખણ લોહીમાં પરિવર્તિત થઇ ગયા.’

(પાના નં. ૩૫, ૩૮, ૪૨)

આ પુસ્તકના લેખકને કરબલાની ઘટના અને તેની અસરની જાણકારી ન હતી આથી તે બનાવનું અર્થઘટન કરી ન શક્યો. આ ઘટનાથી એ સ્પષ્ટ છે કે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની આગાહીની અસર માત્ર અરબી દુનિયા પૂરતી મર્યાદિત ન હતી બલ્કે સમગ્ર દુનિયા ઉપર તેની અસર હતી. અને તે અસર હોવી પણ જોઇએ કારણકે ઇમામ હુસૈન (અ.સ.) સમગ્ર દુનિયાના ઇમામ છે.

૨. અઝાદારી – મોહબ્બતનો તકાઝો :

કુરઆને કરીમે એહલેબય્ત (અ.સ.)ની મોહબ્બત અને મોવદ્દતને રિસાલતનો બદલો કરાર દીધો છે. આ મોહબ્બત અને મોવદ્દતને બધા મુસલમાનો ઉપર વાજીબ ઠેરવી છે.

“આ એજ તે (મોટી મહેરબાની) છે કે જેની ખુશખબર અલ્લાહ પોતાના એ બંદાઓને આપે છે જેઓ ઇમાન લાવ્યા તથા નેક કાર્યો કર્યાં (હે રસુલ!) કહી દો હું તમારી પાસે રીસાલત પહોંચાડવાનો કાંઇ બદલો નથી ચાહતો સિવાય કે મારા નિકટના સગાવ્હાલાંઓથી મહોબ્બત અને જે કોઇ નેકી કરશે તો અમે (તેની) નેકી વધારી દઇશું, બેશક અલ્લાહ મોટો માફ કરનાર (અને) મહા શુક્રગુઝાર (કદરદાન) છે.

(સુરએ શુરા : ૨૩)

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની સમગ્ર રિસાલત પહોંચાડવાનો બદલો એહલેબય્તની મોહબ્બત અને મોવદ્દત છે. આ રિસાલતની તબ્લીગમાં સમગ્ર ઉસુલે દીન, ફુરૂએ દીન, અખ્લાકીયાત, ઇબાદતો, લેણ – દેણ તથા વ્યવહારો વિગેરે બધું શામીલ છે. એટલે કે જે માણસ પવિત્ર ઇસ્લામને સ્વિકારવા ચાહે છે અને તેના શિક્ષણ ઉપર અમલ કરવા ચાહે છે તેના માટે વાજીબ અને જરૂરી છે કે તે પોતાના દિલને એહલેબય્ત (અ.સ.)ની મોહબ્બતથી પ્રકાશિત અને સુશોભિત કરે.

કુરઆને કરીમે મોહબ્બતની થોડી અસરો રજૂ કરી છે.

(અ) અનુસરણ :

“(હે રસુલ) આપ (એ લોકોને) કહી દો કે અગર તમે અલ્લાહથી મહોબ્બત ધરાવતા હો તો મારા પગલે ચાલો તો અલ્લાહ તમારાથી મહોબ્બત કરશે.

(સુરએ આલે ઇમરાન : ૩૧)

એટલે મોહબ્બત અનુસરણ માંગે છે. અગર મોહબ્બત છે તો અનુસરણ જરૂરી છે. મોહબ્બત જેટલી તીવ્ર હશે અનુસરણ એટલું જ વધારે હશે.

(બ) દિલનો શણગાર :

ફક્ત મૌખિક સ્વિકારનું નામ મોહબ્બત નથી બલ્કે મોહબ્બતનો સંબંધ દિલ સાથે છે. તેનાથી દિલને સુશોભિત કરવામાં આવે છે.

“પરંતુ અલ્લાહે ઇમાનને તમારા માટે પ્રિય બનાવ્યું છે, અને તે (ઇમાન)ને તમારા અંત:કરણોમાં શોભાયમાન કરી રાખ્યું છે અને કુફ્ર, ગુનાહ તથા નાફરમાનીને તમારા માટે તિરસ્કારયુક્ત બનાવ્યા છે.

(સુરએ હોજરાત : ૭)

ખુદા જેની સાથે મોહબ્બત કરે છે અને જેને પ્રિય રાખે છે તેને બે વસ્તુઓ અર્પણ કરે છે.

૧.      દિલને ઇમાનથી શણગારે છે. દિલમાં ઇમાન સાથે એક ખાસ પ્રકારનો લગાવ પૈદા કરે છે. એ જ લગાવ અલ્લાહના હુકમોનું પાલન કરવાનું કારણ બને છે.

૨.      ગુનાહ, નાફરમાની અને કુફ્રને તેના માટે નાપસંદ બાબત ઠેરવે છે. અર્થાંત ખુદાની મોહબ્બતના બે પાસાઓ છે. એક ઇમાન સાથે લગાવ અને બીજું કુફ્ર, નાફરમાની અને ગુનાહોથી દૂરી.

(ક) ખુશી અને ગમમાં ભાગ લેવો :

કુરઆને કરીમે તબુકની લડાઇના વર્ણનમાં મુનાફિકો વિષે આ રીતે ફરમાવ્યું છે.

“અગર તેઓ (મુનાફેકીન) તમારી સાથે ચાલી નીકળતે તો પણ તેઓ તમારા માટે ભય સિવાય બીજું કાંઇ વધારતે નહિં. અને તમારામાં ફિત્ના શોધવા ઘોડો દોડાવતા રહેતે અને (વળી) તમારામાં એવા લોકો પણ છે, અને અલ્લાહ ઝાલિમોથી સારી પેઠે વાકેફ છે.

(સુરએ તૌબા:૪૭)

બેશક તેમણે આ પહેલા પણ ફિત્નાના પ્રયત્નો કર્યા હતા, અને (તેમ કરીને) તમારા મામલાઓને ઉલટ પલટ કરી નાખવા ચાહતા હતા, અહીં સુધી કે (અલ્લાહ તરફથી) સત્ય (પ્રકાશમાં) આવ્યું, અને અલ્લાહનો હુકમ સ્પષ્ટ થઇ ગયો, જો કે તેઓ તે નાપસંદ કરતા હતા.

“અને તે (દાંભિકો)માંથી એવા પણ છે કે જે કહે છે કે અમને (પાછળ રહેવાની) રજા આપો અને અમને કસોટીમાં ન નાખો. ખબરદાર! કસોટીમાં તો તેઓ (હેઠા) પડીજ ગયા છે, અને બેશક જહન્નમ સર્વ નાસ્તિકોને ઘેરી લેનારી છે.

હવે પછીની આયત ઉપર ધ્યાન આપો અને જુઓ કે મુનાફિકોનો સ્વભાવ કેવો હોય છે. જ્યારે મુનાફિકોના સ્વભાવની જાણકારી થઇ જશે તો મોઅમીનની નિશાની આપોઆપ જાહેર થઇ જશે.

“તેઓનો હાલ એ છે કે અગર તમારા સુધી કોઇ નેકી પહોંચે છે તો તેથી તેમને દુ:ખ થાય છે, અને જો તમારા પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે કહેવા લાગે છે કે અમોએ તો પહેલેથીજ (ચેતીને) અમારા કામો ઠીકઠાક કરી લીધા હતા, અને (પછી) ખુશખુશાલ ત્યાંથી ચાલતી પકડે છે.

(સુરએ તૌબા : ૪૭-૫૦)

આજ બાબતને સુરએ આલે ઇમરાન : ૧૨૦માં આ રીતે વર્ણવવામાં આવી છે :

“(હે ઇમાનદારો!) અગર તમને કાંઇ નેકી મળે છે તો તેમને દુ:ખ થાય છે અને જો તમારા ઉપર કોઇ મુસીબત (આવી) પડે છે ત્યારે તેનાથી તેઓ આનંદ પામે છે અને જો તમે ધીરજ ધરશો તથા તકવા ઇખ્તેયાર કરશો તો તેમના કાવત્રા તમને કશું જ નુકસાન નહી પહોંચશે.

આથી સ્પષ્ટ છે કે ઇમાન ધરાવનારા લોકોની મુસીબત ઉપર ખુશ થવું અને તેઓની ખુશીથી દુ:ખી થવું તે મુનાફિકની નિશાની છે. અર્થાંત : મોઅમીનોની મોહબ્બતમાં ગમગીન રહેવું અને તેઓની ખુશીમાં ખુશ થવું તે ઇમાનની આવશ્યકતા છે.

અઝાદારી એ સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની મુસીબતમાં આપણા ગમનો અમલી ઇઝહાર છે. જેના દિલમાં એહલેબય્ત (અ.સ.)ની મોહબ્બત છે તે જ્યારે પણ તેઓની મુસીબત સાંભળશે કે વાંચશે ત્યારે જરૂર અને જરૂર ગમગીન થશે. રિવાયતમાં છે :

“અલ્લાહ અમારા શીઆઓ ઉપર રહેમ કરે. તેઓને અમારી પવિત્ર માટીમાંથી પૈદા કરવામાં આવ્યા છે. અમારી વિલાયત અને મોહબ્બતથી તેઓના ખમીર (પ્રકૃતિ) તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ અમારી ખુશીમાં ખુશ અને અમારા ગમમાં ગમગીન રહે છે.’

(શજરએ તુબા, મોહમ્મદ મહદી અલ હાએરી, ભા.-૧, પા.૩)

૩. નજરાનના મઝલુમો :

અઝાદારી એટલે એહલેબય્ત (અ.સ.) ઉપર મુસીબતો અને ઝુલ્મોના જે પહાડ તૂટી પડ્યા તેનું વર્ણન અને જે લોકોએ આ અત્યાચારો ગુજાર્યા તેની ચર્ચા. કુરઆને કરીમે ઇમાન ધરાવનાર અને અમલ કરનાર હસ્તીઓના અસંખ્ય પ્રસંગો દર્શાવ્યા છે કે જેમના ઉપર ઝુલ્મો ગુજારવામાં આવ્યા છે તેમજ તેઓની શહાદતના પ્રસંગનું વર્ણન કર્યું છે. આથી એ સ્પષ્ટ છે કે મઝલુમોની શહાદતના પ્રસંગોનું વર્ણન કરવું તે કુરઆનની સુન્નત છે. કારણકે આ પ્રસંગો કુરઆને કરીમમાં મૌજુદ છે તથા કુરઆને કરીમની દરરોજ તિલાવત કરવાની તાકીદ કરવામાં આવી છે આથી આ રીતના પ્રસંગોનું વર્ણન દરરોજ અને વારંવાર કરવામાં આવશે. અગર કુરઆને કરીમ મોઅમીનો ઉપર થતા ઝુલ્મોને વારંવાર પઢવાનો હુકમ આપી રહ્યું છે. તો પછી તે લોકોની ઉપર થએલા ઝુલ્મોની દાસ્તાન વધુ કાળજીપૂર્વક અને વ્યવસ્થિત રીતે રજૂ થવી જોઇએ જેઓ જન્નતના જવાનોના સરદાર છે. જેમની રગોમાં માનવંત રસુલ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)નું પવિત્ર લોહી દોડી રહ્યું છે. જેઓની ખુશીને રસુલ (સ.અ.વ.)એ પોતાની ખુશી અને જેઓના દુ:ખને પોતાનું દુ:ખ કહ્યું છે.

જે રહસ્ય કુરઆનના પ્રસંગોને વારંવાર પઢવાનું છે એજ રહસ્યો અઝાદારીનું પણ છે. જ્યાં સુધી કુરઆને કરીમ છે ત્યાં સુધી આ પ્રસંગો વારંવાર પઢાતા રહેશે  આથી જ્યાં સુધી દુનિયાનું અસ્તિત્વ બાકી રહેશે ત્યાં સુધી અઝાદારી નિરંતર થતી રહેશે. અગર કુરઆનના તે પ્રસંગોની તિલાવત સવાબ અને ગુનાહો માફ થવાનું કારણ છે તો સય્યદુશ્શોહદાની અઝાદારી પણ અઝીમ સવાબ અને ગુનાહો માફ થવા માટેનું સૌથી વધુ વિશ્ર્વાસપાત્ર માધ્યમ છે. કુરઆનના ફક્ત અમૂક પ્રસંગોની ચર્ચા નીચે મુજબ કરીએ છીએ.

સુરએ બુરૂજમાં તે ઇમાન ધરાવનારા લોકોની ચર્ચા છે જેઓને તે સમયના બાદશાહે માત્ર એ ગુનાહના બદલે જીવતા સળગાવી દીધા હતા કે તેઓ પોતાના ઇમાન અને તૌહીદના અકીદાને છોડવા તૈયાર ન હતા. સુરએ બુરૂજ મક્કી સુરો છે. મક્કામાં મુસલમાનોને જાત જાતની ઇજાઓનો સામનો કરવો પડતો હતો. જે શખ્સ ઇમાન લાવતા હતા તેને મક્કાના કાફીરોના ઝુલ્મોનો સામનો કરવો પડતો હતો. આ સુરામાં ઇમાન ધરાવનારા લોકોની મુસીબતોની ચર્ચા મુસલમાનોનો ઉત્સાહ વધારવા અને ઝુલ્મની સામે અડગ રહેવાનું માઘ્યમ હતું. કુરઆનમાં ઉપરોક્ત પ્રસંગ રજૂ કરતાં પહેલા ચાર કસમો છે. કસમ પછી કોઇ વાતને શરૂ કરવી તે પ્રસંગના મહત્ત્વને ઉજાગર કરે છે. આ કાળજી સૂચવે છે કે મોઅમીનો ઉપર થતાં અત્યાચારોની ચર્ચા કેટલું મહત્ત્વ ધરાવે છે. ટૂંકાણને ધ્યાનમાં રાખીને ફક્ત આયતોના તરજુમા ઉપરજ સંતોષ કરશું.

“કસમ છે નક્ષત્રોવાળા આસમાનની,

અને તે દિવસની કે જેનો વાયદો કરવામાં આવ્યો છે.

અને કસમ છે સાક્ષી આપનારની તથા જેની સાક્ષી આપવામાં આવી છે તેની.

અસહાબે ઉખદુદને હલાક કરી દેવામાં આવ્યા.

આગથી ભરેલી ખંદકોવાળા.

તેઓ આગથી ભડકતી ખંદકો ઉપર બેઠા રહેતા હતા.

અને મોઅમીનો ઉપર જે ઝુલ્મ અને સિતમ થઇ રહ્યો હતો તેને નિચિંત જોયા કરતા હતા.

તે મોઅમીનોનો ગુનાહ ફક્ત એટલો હતો કે તેઓ અલ્લાહ ઉપર ઇમાન રાખતા હતા.

(સુરએ બુરૂજ : ૧ થી ૮)

પ્રસંગ આ રીતે છે.

યમનમાં “હમીર’ કુટુંબનો એક બાદશાહ હતો. જેનું નામ “ઝુનવાસ’ હતું. તેણે યહુદી ધર્મ સ્વિકાર્યો હતો તથા હમીર કુટુંબે તેનું અનુસરણ કરીને યહુદિય્યત સ્વિકારી હતી. તેણે પોતાનું નામ યુસુફ રાખ્યું હતું. બાદશાહને કોઇએ સમાચાર આપ્યા કે દક્ષિણી યમનમાં “નજરાન’વાળા હજી પણ પોતાના અગાઉના મઝહબ ઇસાઇય્યત ઉપર બાકી છે. (અલબત્ત, આ ઇસાઇય્યતથી મુરાદ વર્તમાન પરિવર્તિત ઇસાઇય્યત નથી. બલ્કે તે ઇસાઇય્યતના અર્થમાં છે જે પોતાની અસલ હાલત બાકી હતી. જેમાં તૌહીદનો અકીદો હતો, ત્રણ ખુદાનો અકીદો ન હતો. તેમજ આ પ્રસંગ ઇસ્લામ આવવા પહેલાનો છે જે સમયે આ દીન હજી રદ કરવામાં આવ્યો ન હતો.)

લોકોએ ઝુનવાસને તૈયાર કર્યો કે નજરાનવાળાને પોતાનો મઝહબ છોડીને યહુદી ધર્મ સ્વિકારવા માટે ફરજ પાડે. ઝુનવાસે આ હેતુથી નજરાન તરફ પ્રયાણ કર્યું. ત્યાંના લોકો પાસે પોતાનો મઝહબ રજુ કર્યો અને તે સ્વિકારવા માટે દબાણ કર્યું. બધીજ પ્રકારની બળજબરીઓ કરવામાં આવી એ છતાં પણ તેઓએ પોતાના મઝહબને છોડ્યા નહી અને ઝુનવાસના શરણે ન થયા.

ઝુનવાસે આ મોઅમીનો માટે એક મોટી ખંદક ખોદાવી અને તેમાં અગ્નિ પેટાવી. જ્યારે આ ખાઇમાં આગની જવાળાઓ ભડકવા લાગી ત્યારે મોઅમીનોને આ ખાઇમાં જીવતા નાખી દીધા અને અમૂક મોઅમીનોના તલ્વારથી ટૂકડે ટૂકડા કરી નાખ્યા. ૨૦ હજાર મોઅમીનો ઉપર આ ઝુલ્મ કરવામાં આવ્યો હતો.

(તફસીરે અલી બીન ઇબ્રાહીમ કુમ્મી, ભા.-૨, પા. નં. ૨૧૪, હવાલો તફસીરે નમુના, ભા.-૨૬, પા.નં. ૩૩૭-૩૩૮)

હઝરત અલી બીન અબિ તાલિબ (અ.સ.)ની રિવાયતમાં આ પ્રસંગને આ રીતે રજૂ કરવામાં આવ્યો છે.

ખુદાવંદે આલમે “હબ્શા’વાળાઓની હિદાયત માટે એક નબીને મોકલ્યા, તે લોકોએ નબીને જૂઠલાવ્યા. આપસમાં મોટી લડાઇ થઇ. નબીના અમૂક સાથીદારોને શહીદ કરી નાખવામાં આવ્યા. નબી અને બાકીના સાથીદારોને કૈદી બનાવવામાં આવ્યા. ત્યાર બાદ તે લોકોએ એક ખાઇ ખોદી અને તેમાં આગ ભરી દીધી.

બંદિવાનોને તે ખાઇની પાસે લાવ્યા અને કહેવા લાગ્યા: “જે લોકો અમારા મઝહબ ઉપર છે તે આ હરોળમાંથી અલગ થઇ જાય. તથા જે લોકોને તેમનો મઝહબ પસંદ છે અને તેઓ તે દીન ઉપર બાકી રહેવા માગે છે તે ખુદ પોતાને આ આગમાં ધકેલી દે.’

નબી અને તેમના વફાદાર સાથીઓએ જ્યારે આ દ્રષ્ય જોયું ત્યારે એક તરફ ઇમાન હતું પરંતુ સાથે ભડભડતી આગ પણ હતી અને બીજી તરફ જીવન હતું પરંતુ કુફ્રની સાથેનું હતું. તેઓએ ઇમાનને દુનિયાની ઝીંદગી ઉપર અગ્રતા આપી અને મરવા માટે એક બીજા પર પહેલ કરવા લાગ્યા. એટલામાં એક સ્ત્રી આગળ વધી જેના ખોળામાં એક મહિનાનું બાળક હતું. જ્યારે તે આગ તરફ આગળ વધવા લાગી ત્યારે માની મમતાએ એક વખત બાળક તરફ જોયું. હજી તે વિચારી રહી હતી કે તે નિર્દોષ બાળકને કેવી રીતે આ ભડભડતી આગના હવાલે કરી દે તેટલામાં ખોળામાંથી બાળકનો અવાજ આવ્યો :

“બેશક, આ (મુસીબત) અલ્લાહની કસમ અલ્લાહની રાહમાં ઘણી ઓછી છે.’

(તફસીર અલ-મીઝાન, ભાગ – ૨૦, પાના નં. ૩૭૭, હવાલો તફસીરે નમુના, ભાગ – ૨૬, પાના નં ૩૪૧)

આ રિવાયતો એકબીજાથી વિરૂદ્ધ નથી. બલ્કે એ બાબત તરફ ઇશારો કરી રહી છે કે આ પ્રકારના પ્રસંગો અસંખ્ય વાર ઇમાનવાળાઓ સાથે બન્યા છે. ઝાલિમોએ મોઅમીનો ઉપર તેમના ઇમાન અને અડગ અકીદાના લીધે સખત ઝુલ્મો અને અત્યાચારો ગુજાર્યા છે. કરબલાનો બનાવ તો આ બનાવોથી અનેક ગણો વધુ દર્દનાક છે. જે ઝુલ્મો  યઝીદની ફૌજ દ્વારા હઝરત ઇમામ હુસૈન (અ.સ.) અને તેમના સાથીદારો ઉપર અને ખાસ કરીને સ્ત્રીઓ ઉપર ગુજારવામાં આવ્યા તે બનાવોનું વર્ણન કરવું વધારે યોગ્ય અને જરૂરી છે.

એટલા માટે કે ઝુલ્મની સખ્તાઇ અને તીવ્રતા માત્ર ઝુલ્મના માપદંડ ઉપર જ નથી બલ્કે એ પણ જાણવું જોઇએ કે ઝુલ્મ કોની ઉપર ગુજારવામાં આવી રહ્યો છે. હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની મહાનતાને દ્રષ્ટિ સમક્ષ રાખીને જોવામાં આવે તો જે ઝુલ્મો તેઓની ઉપર ગુજારવામાં આવ્યા તેનું કોઇ ઉદાહરણ ઇતિહાસમાં જોવા મળતું નથી. આથી કરબલાના બનાવનું વર્ણન કરવું અને તેને વારંવાર દોહરાવવું તે ખુદાની નજરમાં અત્યંત પસંદીદા અમલ છે.

કુરઆને મજીદની તિલાવત એક ખાસ અંદાજથી કરવામાં આવે છે. તેથી કુરઆન પઢનારા આ બનાવોને બીજી આયતોની જેમ પઢીને આગળ વધી જાય છે. અગર કુરઆન પઢનારા તે આયતોના અર્થને ધ્યાનમાં રાખીને તિલાવત કરે અને તે આયતોને દુ:ખ અને દર્દભર્યા અવાજમાં તિલાવત કરે તો તેની અસર દિલ ઉપર જરૂર થશે.

ઝાલિમોનો અંજામ :

ખુદાવંદે આલમે આ સુરામાં જ્યાં મઝલુમોની મઝલુમીય્યતની દાસ્તાનનું વર્ણન કર્યું છે ત્યાં ઝાલિમોના અંજામનું પણ વર્ણન કર્યું છે. સૌપ્રથમ એ બાબત તરફ ઇશારો કરવામાં આવ્યો છે કે :

“ખુદા એ છે જેના કબ્જામાં આસમાન અને જમીનની હુકુમત છે અને ખુદા દરેક બાબતનો ગવાહ છે.

ત્યાર પછી ઇરશાદ થાય છે.

“નિસંશય જે લોકો એ ઇમાનદાર પુરૂષો તથા સ્ત્રીઓને સતાવ્યા અને પછી તૌબા કરતા નથી તેમના માટે જહન્નમનો અઝાબ છે અને તેમના જ માટે (આગમાં) બળવાનો અઝાબ પણ છે.

(સુરએ બુરૂજ : ૯-૧૦)

એટલે ઝાલિમ એવા ખ્યાલમાં ન રહે કે આજે તેની પાસે હુકુમત અને તાકત છે તેથી તેઓ જેમ ચાહે તેમ કરે. પરંતુ આ ઇખ્તેયાર હંમેશા નહી રહેશે ખુદાની હુકુમત દરેક વસ્તુ ઉપર છે, તે તેઓના દરેક ઝુલ્મ ઉપર ગવાહ છે. અગર તે લોકો તૌબા ન કરે અને પોતાના કાર્યો ઉપર શરમ ન અનુભવે તથા માફી ન માગે તો તેઓ માટે જહન્નમનો અઝાબ છે. ત્યારબાદ બળવાના અઝાબની વાત તે બાબત તરફ ઇશારો છે કે જે રીતે તે લોકોએ ઇમાનવાળાઓને ભડભડતી આગમાં સળગાવ્યા તેવીજ રીતે તેઓને પણ જહન્નમની ભડકતી આગમાં બાળવામાં આવશે. ફર્ક માત્ર એટલો હશે કે મોઅમીનોના ઝુલ્મનું દર્દ તેઓની શહાદતની સાથે મટી જશે પરંતુ જહન્નમમાં ઝાલિમોને મૌત નહિં આવે અને તેઓનો અઝાબ હંમેશા અને કાયમી રહેશે.

મઝલુમોનું ઇનામ :

ખુદાવંદે આલમે આ સુરામાં માત્ર ઝાલિમોના અંજામની વાત નથી કરી પરંતુ તે ઇનામોનું પણ વર્ણન કર્યું છે જે ઇમાનવાળાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

“નિસંશય જે લોકો ઇમાન લાવ્યા તથા સત્કાર્યો કર્યા તેમના માટે બગીચા છે, જેમની હેઠળ નદીઓ વહે છે અને એજ મોટી સફળતા છે.

(સુરએ બુરૂજ : ૧૧)

ખુદાવંદે આલમે માત્ર જન્નતનું વર્ણન નથી કર્યું પરંતુ તેને ઘણી મોટી સફળતા પણ ગણાવી છે. આ છે ખુદાની રાહમાં દુ:ખ અને મુસીબતો સહન કરવાનું સુંદર ઇનામ.

કુરઆને કરીમે આ પ્રસંગ માત્ર દાસ્તાનના તરીકે બયાન કર્યો નથી. પરંતુ તેનો એક હેતુ એ પણ છે કે આ પ્રસંગને વાંચ્યા પછી મઝલુમો સાથે હમદર્દી અને ઝાલિમો પ્રત્યે નફરત પૈદા થાય.

૪. જનાબે યુસુફ (અ.સ.)ની મઝલુમિય્યત :

ખુદાવંદે આલમે જનાબે યુસુફ (અ.સ.)ના કિસ્સાને અહસનુલ કસસ એટલેકે “શ્રેષ્ઠ કિસ્સો’ ઠરાવ્યો છે અને ફરમાવ્યું છે :

“(હે રસુલ!) ખચીતજ યુસુફ તથા તેના ભાઇઓના બનાવમાં સવાલ કરનારાઓ માટે નિશાનીઓ મૌજુદ છે.

(સુરએ યુસુફ : ૭)

સુરાની શરૂઆતમાં નિશાનીઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને સુરાની આખરી આયતમાં ફરમાવ્યું :

“બેશક તે (રસુલો તથા તેમની ઉમ્મતો)ના કિસ્સાઓમાં બુદ્ધિશાળીઓ માટે બોધપાઠ છે, આ (કુરઆન) કાંઇ એવી વાત નથી કે (જે) ઉપજાવી કાઢી શકાય, બલ્કે આ (કુરઆન) પોતાની અગાઉની (કિતાબોની) સત્યતા સાબિત કરનાર છે, અને (તેમાં) ઇમાન લાવનારા લોકો માટે દરેક વાતનો સંપૂર્ણ ખુલાસો તથા હિદાયત (સદ્બોધ) તથા રહેમત (દયા) છે.

(સુરએ યુસુફ : ૧૧૧)

આ સુરામાં એ ઝુલ્મોની વાત છે જે જનાબે યુસુફ (અ.સ.)ના ભાઇઓએ તેમની ઉપર ગુજાર્યા હતા અને તે કારણોનો પણ ઉલ્લેખ છે કે જેના કારણે આ ઝુલ્મો ગુજારવામાં આવ્યા હતા. એ બાબતનું પણ વર્ણન છે કે ઝાલિમ ભાઇઓની હંમેશા એ કોશિશ રહી હતી કે જનાબે યુસુફ (અ.સ.)નો ઝીક્ર જ ન થાય વાત જ ન થાય જેથી તે ઝુલ્મો પણ બયાન ન થઇ શકે જે ઝુલ્મો જનાબે યુસુફ (અ.સ.) ઉપર ગુજારવામાં આવ્યા હતા. અત્યારે આ સુરાના વિગતવાર વર્ણનનો અવકાશ નથી બલ્કે ફક્ત તે બાબત તરફ ઇશારો કરવો છે કે કુરઆને કરીમે જનાબે યુસુફ (અ.સ.) ઉપર થએલા ઝુલ્મોની ચર્ચા કરીને એ જાહેર કરી દીધું કે અમ્બીયા (અ.સ.) ઉપર થએલા ઝુલ્મોનું વર્ણન કરવું અને તેને વારંવાર વર્ણન કરવું તે કુરઆનની સુન્નત છે. આથી જ્યાં પણ ઇલાહી પ્રતિનિધીઓ ઉપર ઝુલ્મ થાય તેનું વર્ણન કરવું અને તેને વારંવાર વર્ણન કરવું તે મુસલમાનોની જવાબદારી છે. હવે જરા આ આયતો ઉપર ધ્યાન આપીએ.

“(તે સમયને યાદ કર) જ્યારે તે (સઘળા ભાઇ)ઓ કહેવા લાગ્યા કે ખરેજ યુસુફ તથા તેનો (સગો) ભાઇ (બિનયામીન) આપણા (સૌ) કરતાં આપણા બાપને વધુ વહાલા છે, જો કે આપણાં (સગા ભાઇઓનું) બળવાન મંડળ છે, નિસંશય આપણો બાપ નરી ભૂલમાં પડ્યો છે.

(માટે) યુસુફને મારી નાખો અથવા તેને કોઇ (એવી નિર્જન) જગ્યામાં નાખી દો કે (જેથી) તમારા પિતાનું ધ્યાન તમારા તરફ થઇ જાય અને તે બાદ (તૌબા કરી લઇને) તમે સદાચારી બની જશો.

તેઓ માંહેના એક કહેનારાએ કહ્યું કે જો તમારે કાંઇ કરવું જ હોય તો યુસુફને મારી તો ન જ નાખો. પણ તેને કોઇ કુવાની ઉંડાણમાં નાખી દો કે (જ્યાંથી) કોઇ કાફલો તેને ઉઠાવીને લઇ જાય.

(આવી રીતે પરસ્પર સલાહ કરી તેઓ બાપ પાસે આવ્યા અને) કહેવા લાગ્યા કે હે અમારા પિતા! આ (તે) કેવી વાત છે કે તમે યુસુફના સંબંધમાં અમારા ઉપર ભરોસો કરતા નથી? જો કે અમે ખચીતજ તેની સાથે મહેરબાનીથી વર્તીએ છીએ.

કાલે સવારે તેને અમારી સાથે મોકલો કે (જેથી જંગલમાં જઇ) ફળ (ફળાદિ) ખાય અને રમે – કૂદે અને નિસંશય અમે તો તેના રક્ષણ કરનારા છીએજ.

(યાકૂબે) કહ્યું કે તમે તેને લઇ જાઓ એ વાત મને તકલીફ પહોંચાડે છે, અને (વળી) એ (વાત)નો મને અંદેશો છે કે ક્યાંય વરૂ તેને ખાઇ જાય અને તમે ગાફીલ રહી જાવ.

તેમણે કહ્યું કે અમે એક બળવાન મંડળ છીએ છતાં જો વરૂ તેને ખાઇ જાય તો અમે નિસંશય અમે નિર્માલ્ય છીએ (એમ ગણાય).

ત્યાર પછી તેઓ યુસુફને લઇ ગયા અને તેઓ સર્વોએ તેને (એક) ઉંડા કુવામાં નાખી દેવાનું નક્કી કર્યું અને અમોએ તે (યુસુફ)ને વહી કરી કે ખચીતજ (એક વખત એવો આવશે કે) તું તેમને તેમનું આ કૃત્ય (ખુલ્લુ કરી) દેખાડી શકશે અને (ત્યારે) તેમને તેનું ભાન પણ હશે નહિં.

(સુરએ યુસુફ : ૮-૧૫)

ત્યાર પછી કાફલા દ્વારા જનાબે યુસુફને વેચી નાખવાનો પ્રસંગ, ઝુલૈખાનો આરોપ, કૈદખાનુ વિગેરે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અગર જનાબ યુસુફ (અ.સ.)નો કિસ્સો અહસનુલ કસસ છે તો સય્યદુશ્શોહદા ઇમામ હુસૈન (અ.સ.)ની અઝાદારી “અહસનુલ અઝા’ છે. તેમાં પણ સમજદાર અને બુદ્ધિવાળાઓ માટે નિશાનીઓ અને નસીહતો છે. જનાબે યઅકુબ (અ.સ.)ને જનાબે યુસુફ (અ.સ.)ની જુદાઇનો એટલો બધો રંજ હતો કે જ્યારે જનાબે યુસુફ (અ.સ.)ના ભાઇઓ સફરથી પરત આવ્યા અને જનાબે યુસુફ (અ.સ.)ની કોઇ ખબર ન લાવ્યા ત્યારે કુરઆને કરીમે જનાબે યઅકુબ (અ.સ.)ની હાલતને અને તેની ઉપર તેમના ભાઇઓના આ રીતે બયાન કર્યો છે.

“અને (પછી) આ કહીને બધા તરફથી મોઢું ફેરવી લીધું અને બોલી ઉઠ્યા હાય યુસુફ! અને એટલું રડ્યા કે બંને આંખો સફેદ થઇ ગઇ અને ગમના ઘુંટડા ભરતા રહ્યા.

(સુરએ યુસુફ : ૮૪)

આ હતી જનાબે યઅકુબ (અ.સ.) ઉપર જનાબે યુસુફ (અ.સ.)ની અસર કે તેઓની મઝલુમીય્યતને તથા તેમની જુદાઇને યાદ કરતા જતા હતા અને રડતા જતા હતા. તેઓ જેટલું રડતા હતા તેટલો જ ભાઇઓનો ઝુલ્મ જાહેર થતો હતો અને ઝાલિમોને હરગીઝ પસંદ નથી હોતું કે કોઇ તેઓના ઝુલ્મની દાસ્તાન બયાન કરે. તેથી જનાબે યુસુફ (અ.સ.)ના ભાઇઓના પ્રતિક્રિયા આ મુજબ હતી.

“તેમણે કહ્યું અલ્લાહની કસમ! તમે હંમેશા યુસુફની યાદમાંજ પડ્યા રહેશો અહીં સુધી કે સખત માંદા થઇ જશો અથવા હલાક થઇ જવાવાળામાં શામિલ થઇ જશો. હઝરત યઅકુબ (અ.સ.)એ જવાબમાં કહ્યું : હું મારા ગમ અને દુ:ખ અને બેકરારીની શિકાયત અલ્લાહથી કરૂં છું અને અલ્લાહ તરફથી જે કાંઇ હું જાણું છું તે તમે જાણતા નથી.

(સુરએ યુસુફ : ૮૫ – ૮૬)

અર્થાંત કોઇની મઝલુમીય્યત ઉપર આહ ભરવી તે ખુદાની બારગાહમાં ફરિયાદ કરવા બરાબર છે. ખુદાની બારગાહમાં હાજર થવાનો એક માર્ગ કોઇની મઝલુમીય્યતનું વર્ણન કરવું છે. આ આધારે આલિમો અને મુજતહીદોએ ઇમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીને અલ્લાહની શ્રેષ્ઠ નજદિકી ગણાવી છે.

આ પ્રસંગથી એ પણ સ્પષ્ટ થઇ જાય છે કે કોઇની મઝલુમીય્યત ઉપર એટલા આંસુ વહાવવા અને રડવું કે આંખો સફેદ થઇ જાય તે નબીની સુન્નત છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની મઝલુમીય્યત ઉપર આપણે કેટલું રડવું જોઇએ. મઝલુમ ઉપર થએલા ઝુલ્મોના સિલસિલામાં ખુદાની બારગાહમાં ફરિયાદ કરવી તે પણ નબીઓની સુન્નત છે.

કુરઆને કરીમમાં બીજા પણ ઘણા પ્રસંગો છે. (નબીઓ ઉપર થયેલા ઝુલ્મોના પ્રસંગો, હાબીલ અને કાબીલનો કિસ્સો, જનાબે ઇબ્રાહીમ (અ.સ.)ને આગમાં નાખવાનો કિસ્સો વિગેરે) ટૂંકાણને ધ્યાનમાં રાખતા આટલું પુરતું છે. આ વાતોથી એ હકીકત બિલકુલ સાફ જાહેર થઇ જાય છે કે મઝલુમની મઝલુમીય્યતનું વર્ણન તે એક કુરઆની સુન્નત છે. જે રીતે કુરઆન દરેક ઘરમાં પઢાય છે તે રીતે ઘરે ઘરમાં મઝલુમીય્યતનું વર્ણન થવું જોઇએ.

અંતમાં બસ એ અરજ છે કે જે તફાવત જનાબે યુસુફ (અ.સ.) અને સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના દરજ્જામાં છે એ જ તફાવત તે બંનેની મઝલુમીય્યતના વર્ણનમાં પણ છે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.