“હુસૈનુમ્મીન્ની વ અના મિન હુસૈન એક ફિક્રી માપતોલ”

Print Friendly, PDF & Email

પ્રથમ શહીદ:
આશુરાના દિવસે મોહર્રમ ૬૧ હિ.સ.ની સુબ્હે સાદિક પસાર થઇ ચુકી હતી. અન્સાર અને અસ્હાબ જે વફાની બેમિસાલ હસ્તીઓ હતી. પોતાના ચારિત્ર્યનો ઈતિહાસ જે રિસાલત મઆબની તબ્લીગાતની બુનિયાદ પર હતો, સંપૂર્ણ કરી ચુક્યા હતા. પોતાના ઇમામની ઇમામત અને નેતૃત્વમાં નમાઝે ફજ્ર અદા કરી ચુકયા હતા. ઝોહૈર ઇબ્ને કૈન અને સઇદે નમાઝગુઝારો પર આવનારા તીરોના વરસાદને રોક્યો હતો. સઇદની છાતી તીરોથી વિંધાઇ ગઇ હતી. ઇમામ(અ.સ.)ના ખોળામાં માથુ હતુ, છેલ્લા શ્ર્વાસ હતા, સીસ્કીઓ લેતા લેતા હોઠ હરકતમાં આવ્યા, અર્ઝ કરી “મૌલા હુસૈન(અ.સ.)! આપ મારાથી રાઝી થયા? ઇમામ હુસૈન(અ.સ.)એ જવાબમાં ઐતિહાસિક જુમ્લો ઇરશાદ ફરમાવ્યો: “સઇદ! તમે દુનિયામાં પણ સઇદ હતા અને આખેરતમાં પણ સઇદ છો. સઇદ એ સમયે મુસ્કુરાયા અને આ ફાની દુનિયાથી રૂખ્સત થઇ ગયા. સઇદે જે કાંઇ જોયું એ જોવા માટે આપણે લોકો “લા યબ્સોરૂન(તેઓ જોઇ શકતા નથી) માંથી છીએ. કાશ! ક્યાંક કોઇ આસ્માનની એક બારી ખુલ્લી જાય અને આપણે હુસૈને મઝલૂમના સોગવારોની ભવ્ય નુરાની જગ્યાની બેશુમાર દિલને ખેંચનારી કિરણોમાંથી એક કિરણની ઝલક પામી લઇએ અને આપણે યબ્સોરૂન(તેઓ જોઇ શકે છે)ની હરોળમાં આવી જતે. સાચું છે, ઇતિહાસ વારંવાર પોતાને પુનરાવર્તન કરે છે, જેથી ઇલાહી હુજ્જત આવી રીતે સ્થાપિત થઇ જાય કે પછી કાબિલ અને તેની નસ્લ હાબિલની કુરબાનીઓના આસાર અને તેની નસ્લને જેના માથા ઉપર અશ્રફીયતનો તાજ પોતાના તમામ શણગારોની સાથે ઝગમગી રહ્યો છે, તેને પોતાની રિયાકારી, મકકારી અને ફરેબથી ક્યારેય મિટાવી ન શકે. હજી લગભગ ૭૩ વર્ષ પસાર નથી થયા, જ્યારે પ્રથમવાર હક તઆલાના સૌથી પ્યારા રસૂલ ખાતમુલ મુર્સલીન મોહમ્મદે અમીન(સ.અ.વ.)એ ફારાનના પહાડની શિખરોથી “લા એલાહ ઇલ્લલ્લાહની અવાઝ બુલંદ કરી હતી. જેણે મક્કાની જમીન ઉપર હલચલ મચાવી દીધી. કુફ્ર અને નિફાક, શહનશાહીય્યત, મુલ્કગીરીના હેઠળ ઝુલ્મો સિતમગીરી, અંધાધુંધી અને તમામ તત્વોની કે જેને માં કહેવામાં આવે છે, એટલે કે ફિત્ના ઘડવાના શિર્ષક હેઠળ ઇન્સાનીયતને બાળી નાખનાર રાજકારણના અંધારામાં ઘેરાવા લાગ્યા અને એટલુ બધુ અંધારૂ હતુ કે લોકોએ યઝીદની બયઅત્ ફરઝંદે રસૂલથી તલબ કરવામાં મોટી ઘૃષ્ટતાથી કામ લીધુ હતુ અને ફરઝંદે રસૂલે પછી ઇતિહાસની ધારાને વાળતા જવાબ આપ્યો હતો “મારી જેવો યઝીદ જેવાની બયઅત કરી લે તે અશક્ય છે
હિજરત:
ફરઝંદે રસૂલે મદીના છોડ્યુ, રસૂલ(સ.અ.વ.)ની કબ્રથી રૂખ્સત થયા. મક્કામાં કયામ કર્યો અને હજને ઉમરામાં બદલીને મક્કાની સરઝમીન છોડી ઇરાક તરફ ચાલ્યા. કરબલાની સરઝમીને ઇસ્તીકબાલ કર્યો. જરાક ૭૩ વર્ષ પહેલા મક્કાની સરઝમીનનો ઇતિહાસ જોઇએ. પાણી અને વનસ્પતિ વગરનું શહેર જ્યાં પાણી ભેગુ થઇ જતુ અને તેની આજુ-બાજુ ઉંટની ગંદકીઓ હોય છે, તેને સાફ કરીને તરસ્યાઓ પોતાની તરસ છિપાવી લેતા. જનાબે ઝહેરા(સ.અ.)ના ખુત્બએ ફિદકમાં તેની સંપૂર્ણ હકીકત બયાન થઇ ચુકી છે. અહીં કરબલા, ફુરાતના દરીયાથી દૂર નાની નાની ટેકરીઓથી એવુ લાગે જેવુ ઝમીનના સીના પર ફરફોલા પડી ગયા હોય. અહીં પ્યાસાઓ માટે પાણીની કોઇ સબીલ નથી.
વાંચકો! જરા લેખની પ્રસ્તાવના તરફ પાછા ફરો, પાછા ફરીને એ દ્રષ્યને સામે રાખો જ્યારે સઇદ જેની છાતી તીરોના ઝખ્મોથી ભરેલી હતી, તીર ખાઇને પડી ગયા હતા. તેમનું માથુ ઇમામ(અ.સ.)ના ખોળામાં હતું. નઝરો આસ્માન તરફ હતી. આ પહેલા શહીદના ખૂનનું દરેક ટીપુ જે ઝમીન પર ટપકતુ હતુ, રિસાલતની શરૂઆતનું એઅલાન હુજૂરે સરવરે કાએનાતના આ વાક્યના અર્થ અને મતલબની સમજૂતિ કરી રહ્યું હતું “વ અના મિન હુસૈન. જાણે કે ઇલાહી મશિય્યતે ફરી તે ઝમીન, તડકાથી બળતી ઝમીન, પાણીથી તરસતી પ્યાસી ઝમીન, ઉજ્જડ અને ટેકરીઓથી ભરેલી ઝમીનથી ફરઝંદે રસૂલ(સ.અ.વ.) હક તઆલાના મોકલેલા રસૂલે અમીન(સ.અ.વ.)ની “લા એલાહ ઇલ્લલ્લાહ ની અવાઝ દોહરાવી રહ્યા હતા અને રસૂલનો કૌલ અના મિન હુસૈન પર સચ્ચાઇની મહોર લગાવી દીધી. એ સાચું છે ઇતિહાસે પોતાનું પૂનરાવર્તન કર્યુ, જેથી હુજ્જત તમામ થઇ જાય. ગૌરો ફિક્ર કરવાની જરૂર છે. જેના અરીસામાં તે જેઓ જોવાવાળા નથી તેઓની આંખો ખુલ્લે અને તેઓ ઓછામાં ઓછું બસીરતની આંખોથી જોઇ શકે. સુમય્યા અને યાસિરને અબુ સુફિયાને કેવી બે-દર્દી પુર્વક અને ઝુલ્મથી ભરેલા દિલ સાથે કત્લ કર્યા હતા અને તેની પહેલા ઇસ્લામ ઉપર જાન દેવાવાળાઓએ અંતિમ શ્ર્વાસમાં પણ અહદ કહીને શ્ર્વાસ તોડ્યો હતો. અહદીય્યતના યકીન પર પોતાના યકીનની આખરી સરહદને પાર કરી નાંખી. સઇદે પણ કહ્યુ: મૌલા! શું તમે મારાથી રાઝી થઇ ગયા? આ એક સરખામણી હળવુ ઉદાહરણ છે, જે ‘હુસૈનુમ્મીન્ની’ના તકાઝાઓને “અના મિન હુસૈનએ જાણે લબ્બૈકની અવાઝમાં છુપાવી દીધુ હતુ.
માનનીય વાંચકો! આ લેખમાં રિસાલતની તબ્લીગોની દરમિયાન જે સિલસિલા અને વળાંક આવ્યા તેની સરખામણી હુસૈન(અ.સ.)એ હિફાઝતનો અભેદ કિલ્લો બનાવી દીધો છે. આ એક વૈચારિક પૃથ્થકરણ છે.
હિજરત એક એવો મકામ છે જ્યાંથી ઇસ્લામે પોતાની હક્કાનિયતનું નિશાન આપી દીધુ અને તેની મહાનતા ખુબજ ઉચ્ચ હોવાની એવી સાબિતિઓ પૈદા કરી દીધી કે કદાચ આ સરખામણીને ડોક્ટર અલ્લામા ઇકબાલ પોતાની ફિકરી અને ફલસફીથી ભરપૂર પૃથ્થકરણની હેઠળ રાખીને કહ્યું હતું.
નક્શે ઇલ્લલ્લાહ બર સેહરા નવિશ્ત
સતરે ઉન્વાન નજાતે માં નવિશ્ત
ફિક્રને બુલંદ કરવાની જરૂર છે, બંને હિજરતમાં કેટલી સરખામણી અને કેટલા સામાન્ય પરિબળો છે. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ જ્યારે મદીનાને ખંગાળ્યુ તો આપ(અ.સ.) સારી રીતે જાણતા હતા, આ એજ મદીના છે જ્યાં ખાતુને જન્નત મૌલા અલી (અ.સ.)ની સાથે મદીનાના રહેવાસીઓની પાસે રાતની તારીકીમાં તશ્રીફ લઇ ગયા અને અલી (અ.સ.)નો હક ગસ્બ થવાથી બચાવવાની દરખાસ્ત કરી અને ફકત ૪૦ લોકોએ પોતાની રજામંદી જાહેર કરી હતી. એટલે મદીના રસૂલની હિજરતના ઝમાનાનું મક્કા થઇ ગયુ હતુ અને જાણે ‘અના મિન હુસૈન’ની કિતાબ ખુલી રહી હતી.
અગર રસૂલે અકરમ(સ.અ.વ.) હિજરત ન કરતે તો ઇસ્લામ મક્કાની હદોમાં કુફ્રના સખ્તતરીન હમલાઓની વચ્ચે કૈદી બનીને પોતાની હક્કાનિયતના સૂરજ પર વાદળાઓના પર્દાઓનો સામનો કરતો રહેત.
બિલ્કુલ આવીજ રીતે અગર ઇમામ હુસૈન(અ.સ.) હિજરત ન કરતે અને કરબલા સજાવત નહી તો ઇસ્લામ ‘હિજાબમ્ મસ્તૂર’ના એક પર્દાની પાછળ બીજા અને ત્યારબાદ સતત હજારો પર્દાઓ પાછળ છુપાઇ જાત. અલ્લામા ઇકબાલની સમક્ષ ઇમામ હુસૈન(અ.સ.)ની હિજરતના કારણો અને સબબો હતા અને રસૂલે ખુદા (સ.અ.વ.)ની મતાલિબથી ભરપૂર હદીસ ‘અના મિન હુસૈન’ કાનોમાં ગુંજી રહી હતી, આથી તેમણે પોતાની તમામ ફિક્રને સમેટીને આ શેર “નકશ… લખીને ઇન્સાફ પસંદીની સાબિતિ આપી છે.
ઇતિહાસ કહી રહ્યો છે, તમામ ઇસ્લામ એટલે કે દુનિયાના તમામ મુસલમાન સાંભળી રહ્યા છે. એમ છતાં જાણી બુજીને ગફલતની ચુંગાલમાં શિકારીઓથી વધીને કાંઇ નથી, એટલે કે મદીનાથી હિજરત જાણે ‘અના મિન હુસૈન’ની અવાજ બુલંદ કરી રહી હતી.
હિજરત પછી ગઝવાત અને બે પહોર સુધીની કરબલાની જંગ:
અમે એ સમયની હાલત અને પરિસ્થિતિની સરખામણી હુઝૂરે સરવરે કાએનાત(સ.અ.વ.)ની બેઅસતના બાદ અને પછી આં હઝરત(સ.અ.વ.)ની હિજરતના સમયની પરિસ્થિતિઓનો અભ્યાસ કર્યો છે. મદીના આવ્યા પછી લગભગ ૮૦ ગઝવાતનો ઉલ્લેખ ઈતિહાસમાં મળી આવે છે. જરાક કરબલાની જંગ જે સૂરજના ઉગવાની સાથે શરૂ થઇ અને બેપહોર સુધી ખત્મ થઇ ગઇ તેના પર ઇન્સાફપસંદ નજર કરીએ. ૭૨ નો ઝિક્ર દરેક સમયના લોકો કરે છે, પરંતુ બીજા અન્ય પણ શહીદ છે. લગભગ પ્રથમ ઉલ્લેખિત ગઝવાતની જેમ કરબલાની જંગ પણ હક અને બાતિલ દરમિયાન થઇ છે. જાણકારી માટે અર્ઝ કર્યુ છે.
પ્રથમ હુમલો મગ્લૂબાના જંગનો હતો, એટલે કે હુસૈનના જાંનિસારો મુજાહિદોની સાથે એક મોટા લશ્કરના હુમલાનો સામનો કરવાનું હતુ, જે બકરીઓની જેમ પાછળ હટ્યુ, પછી એક-એક મુજાહિદના હુમલાનો ઉલ્લેખ ઇતિહાસમાં ક્રમવાર આવ્યો છે. એટલે દરેક મુજાહિદની જંગ જાણે કે હુઝૂરે સરવરે કાએનાતના ઝમાનાની જંગ. જાણે કે પ્રતિનિધિત્વની જંગ હતી. દરેક જંગ શેરે ઇલાહીની જંગ હતી. જનાબે કાસિમ(અ.સ.) ૧૩ વર્ષના હતા. અરઝકે શામીના ૪ દિકરાઓને વાસિલે જહન્નમ કરી દીધા પછી અરઝકે શામીને દોઝખનું ઇંધણ બનાવી દીધો. જનાબે અલી અકબર(અ.સ.) ૧૮ વર્ષના હતા, લશ્કરે યઝીદીને પાછળ ધકેલીને પોતાના બાબા પાસે આવ્યા અને ફરમાવ્યું ‘બાબા! પ્યાસ મારી નાંખે છે, ખૂબજ પ્યાસ લાગી છે.’ અબ્બાસે અલમદાર(અ.સ.) પોતાના ફરાએઝ જે ઇમામ(અ.સ.)ની વિલાયતની બંદીશો પર અદા કરતા દુશ્મનો પાસેથી દરીયો છીનવીને કુફીઓ અને શામીઓના ગાલ પર જોરદાર તમાચો માર્યો હતો. ખબર નથી કે કોની લખેલી મકાતિલની દાસ્તાનથી અબૂલ કલામ આઝાદની આંખો ઉપર પુર્વાગ્રહના ચશ્મા લગાવેલા રહ્યા, જ્યારે તેઓ લખી રહ્યા હતા કે યઝીદની ફોજમાં ફકત ૭૨ જ માર્યા ગયા.
મુબાહેલા:
તબ્લીગે રિસાલતમાં મુબાહેલા એક એવો વળાંક છે, જેને કોઇ ઇતિહાસકાર જુઠલાવી શકતો નથી. કારણકે કુર્આને કરીમ કયામત સુધી આઇનો બતાવતો રહેશે. જરાક કરબલાના મુબાહેલા ઉપર પણ વાંચકો એક નજર નાંખે. જ્યારે મઅ્કલ જે યઝીદી ફોજનો સિપેહ સાલાર હતો અને કુફી હતો. કુફામાં ફવઝાનની ગલીમાં બુરૈરે હમદાનીના મકાનની બાજુમાં રહેતો હતો, મુકાબલા માટે અવાઝ બુલંદ કરી તો બુરૈરે હમદાની તેના મુકાબલામાં ગયા. મઅ્કલે કહ્યુ: બુરૈર તમે કહેતા હતા કે અલ્લાહની રહેમતો અમારી સાથે છે અને અમે સૈરો-સૈરાબ છીએ, જેના ઉપર બુરૈરે કહ્યું: મઅ્કલ! મુનાઝરો ઘણો બધો લાંબો થઇ ગયો છે, આવ, હવે મુબાહેલો કરીએ. મઅ્કલે કહ્યું: કેવી રીતે? આપણે બંને અલ્લાહ તઆલા ઉપર ફૈસલો છીડી દઇએ અને દુઆ કરીએ કે હકને બાતિલ ઉપર ફતેહ મળે, જે હક ઉપર તેની તલ્વાર છે અને બાતિલ પર રહેવાવાળો કત્લ થાય. મઅ્કલે કબૂલ કર્યુ. બંનેએ આસ્માન તરફ પોતાના હાથ ઉઠાવીને દુઆ કરી, બંનેમાં તલ્વારથી જંગ થઇ અને બુરૈરના હાથો વડે મઅ્કલ કત્લ થયો અને આ રીતે મુબાહેલાની રિવાયતનું પૂનરાવર્તન થયું.
વર્ણન કરવાનો મકસદ એ છે કે છ મહીનાના અલી અસગર(અ.સ.)થી લઇને વયોવૃધ્ધ મુસ્લીમ બિન અવસજા સુધી દરેકની જંગ આં હઝરત(સ.અ.વ.)ના ઝમાનાની જંગની તસ્વીર હતી અને સાદેકુલ કૌલ રસૂલે સકલૈનનો કૌલ ‘અના મિન હુસૈન’ ઉંચા અવાજનું એલાન હતુ.
ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને હુઝૂરે સરવરે કાએનાતની રેહલતનો સમય:
હુઝૂરે સરવરે કાએનાત(સ.અ.વ.)ની રહેલતના અગાઉના દિવસો:
આં હઝરત(સ.અ.વ.)એ રહેલતના પહેલા શારીરિક રીતે એટલી બધી કમઝોરી મહેસૂસ કરી કે અબુબક્રએ નમાઝે જમાઅતની ઇમામતની કોશિશ કરી તો આં હઝરત(સ.અ.વ.)એ ખૂબજ કમઝોરી હોવા છતાં નમાઝ પડાવવા દીધી નહી અને ખુદ પોતે ઇમામત કરીને ભવિષ્યના બારામાં પયગામ પહોંચાડી દીધો. (આં હઝરત (સ.અ.વ.)એ બેસીને નમાઝ અદા કરી, એ પણ ઇતિહાસમાં લખેલું છે.)
મસ્લેહત: હુઝૂર(સ.અ.વ.)ની મસ્લેહત તે જે ખુદાની મરઝીથી વાત કરે છે, તે જાણે છે, પરંતુ ઇન્સાની સમજણની રૌશનીમાં આ વાત સમજમાં આવે છે કે રસૂલ(સ.અ.વ.)ની નજર ભવિષ્યની દૂર-સુદૂર એટલે કયામતની સવારની ઇસ્લામની સફરની મંઝીલોને જોઇ રહી હતી. આ જ મસ્જીદમાં અબુબક્ર હશે ચુકાદો ફિદકનો હશે, પ્રથમ જુઠી હદીસ બયાન થશે, ફિદક પર ગસ્બી કબજો હશે, ખાતૂને જન્નતના ઘરને આગ લગાવવામાં આવશે, અલી(અ.સ.)ના ગળામાં રસ્સી હશે, ઝુલ્ફીકાર મ્યાનમાં તડપીને અલી(અ.સ.)ના સબ્ર ઉપર આશ્ર્ચર્યમાં ડુબેલી રહેશે.
રસૂલે અકરમ(સ.અ.વ.)ની પવિત્ર ઝીંદગીના અમૂક દિવસ અથવા અમૂક પહોર હજી બાકી હતા, કે આપ(સ.અ.વ.)એ કલમ અને કાગળ તલબ કર્યા કે લાવો હું એક લખાણ લખી દઉ, જેના લીધે તમે ક્યારેય ગૂમરાહ નહી થાવ. ખ્વાઝા હસન નિઝામીએ પોતાની કિતાબ મહેરમનામામાં આ દ્રષ્યને લખ્યુ છે, જ્યારે એક શોર બકોર થઇ ગયો, બની હાશિમના માટે યાદ રહે રહેલત પહેલા આ તો વિરોધીઓ એટલે જે લોકોએ કલમ અને કાગળ આપવાથી રસૂલ(સ.અ.વ.)ની પૈરવી કરવાથી મોઢું ફેરવી લીધુ તેઓના ગળામાંથી વાત કઢાવી કે રસૂલ(સ.અ.વ.) અલી(અ.સ.)ની ખિલાફતના બારામાં લખી દેશે.
હસન નિઝામી મહેરમનામામાં લખે છે કે બની હાશિમ કહેતા હતા કે કાગળ અને કલમ દેવામાં આવે, રસૂલ(સ.અ.વ.)ના હુકમની પૈરવી વાજીબ છે. ઉમરે કહ્યું કે ન દેવામાં આવે, નહિતર તેઓ હઝરત અલી (અ.સ.)ની ખિલાફત (એટલે મારા પછી અલી(અ.સ.) ખલીફા થશે)ના બારામાં લખી દેશે. આં હઝરત (સ.અ.વ.) ગઝબનાક થયા અને બધાને બેઠકમાંથી કાઢી મુકયા.
ખિલાફતના મસ્અલાનો ઉકેલ:
ઇલાહી મશીય્યતનો સૂરજ જ્યારે નિકળે છે, હકીકત સ્પષ્ટ દેખાવા લાગે છે. તમામ ઇખ્તેલાફને દૂર રાખતા એ વાત નક્કી થઇ ગઇ કે રસૂલે અકરમ (સ.અ.વ.) મુસ્લીમ ઉમ્મતની હિદાયત માટે અલી (અ.સ.)ને પોતાના જાનશીન બનાવી ગયા. જેની કબુલાત દોસ્ત અને દુશ્મન બધાએ કરી લીધી. લખાણ સમયના વહેણ સાથે દુશ્મનના હાથો વડે કદાચ ખત્મ થઇ જાત પરંતુ વિરોધીઓની ઝબાની કબૂલાતના શબ્દો ઈતિહાસમાંથી હવે ક્યારેય ભુંસાશે નહી.
અલ્લાહના રસૂલ અને તેના હબીબ(સ.અ.વ.)ની રહેલત થઇ ગઇ અને અલી(અ.સ.)એ અને તેમના અમૂક સહાબીઓએ ગુસ્લ, કફન અને દફન કર્યા.
એહલે દુનિયા કારે દુનિયા સાખ્તન્દ
મુસ્તુફા રા બેકફન અન્દાખ્તન્દ
ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત:
થોડીવાર આવો કરબલા આવી જાવ મિર્ઝા દબીરના મુરક્કાનો આ બંદ ધ્યાનથી વાંચો.
હુસૈન જબ કે ચલે બાદ દોપહર રનકો
ન થા કોઇ કે જો થામે રકાબે તવસન કો
સકીના ઝાડ રહી થી અબાકે દામન કો
હુસૈન ચૂપકે ખડે થે ઝુકાએ ગરદનકો
ના આસરા થા કોઇ શાહે કરબલાઇ કો
ફકત બહનને કિયાથા સવાર ભાઇકો
મરસિયાનો આ બંદ ફકત શાયરીના ખ્યાલ અથવા વિષયની તસ્વીર ખેંચવાનો એક બેમિસાલ નમૂનો જ નથી, પરંતુ ઇતિહાસનો સાફ અને સ્પષ્ટ મુખ્તસર સારાંશ છે, જેને શેરના લિબાસમાં ઢાળીને મિર્ઝા દબીરે કલમના હવાલે કરી દીધો છે અને કદાચ આ વિષયની શેરમાં અદાયગી, પોતાના સર ઉપર રસૂલે ખુદા (સ.અ.વ.)ની દુઆનો છાંયો રાખે છે, જે કલમની તાવીલોથી ક્યારેક ક્યારેક મરણહાલ ન હોય. લગભગ એ જ બેબસીનો હાલ રહ્યો હોય. ઇમામની નજર કયામત, હશ્રો-નશ્ર, જઝા અને સઝાની મુદ્દતની સરહદો સુધી રહે છે. હુસૈન એકલા હતા મજબૂર ન હતા, હુસૈન તુટેલા દિલવાળા હતા, ગમ અને રંજો-અલમથી, પરંતુ બહાદુરી એવી જેના ખૌફથી બુરી ખાસિયતોવાળા લશ્કરના દિલ કાંપી રહ્યા હતા. ક્યારેક ખંદક, ક્યારેક ખયબર બધુ યાદ આવવા લાગ્યું. હુસૈન દુર સુધી ફેલાયા લશ્કરની સામે આવવાવાળા હતા, અરબના નમકહરામ, બૂરી ખસ્લતોવાળા, બૂરી તીનતવાળા લશ્કરીઓનો મુકાબલો હતો.
શહાદત પછી:
હુસૈન જાણતા હતા, શહીદ થઇ જશે. નામૂસ-એહલે હરમના ખૈમાઓ સળગવાની, યતિમોની પ્યાસ, બેકસી, કમઝોરી અને ઝુલ્મની ચક્કીમાં પિસવાની ફિક્ર હતી.
થોભીને જરાક વિચારો! શું રસૂલ(સ.અ.વ.)ને પોતાની ફિક્ર થઇ નહી હોય? બેટીનું ઘર સળગાવવામાં આવશે, મોહસિન શહીદ થશે, અલી(અ.સ.)ના ગળામાં રસ્સી હશે. જરાક નાના અને નવાસાની ફિક્રની સામ્યતા પર વિચાર કરીએ. રસૂલ(સ.અ.વ.)એ હુજ્જત તમામ કરી અને ઇમામ હુસૈન(અ.સ.)એ પણ હુજ્જત તમામ કરી. જ્યારે આપ(અ.સ.) કુફીઓ અને શામીઓ સાથે જંગ માટે આવ્યા, તો ફરમાવ્યુ: “તમે મને શા માટે કત્લ કરવા માંગો છો? શું મેં હરામને હલાલ અને હલાલને હરામ કર્યુ? મેં તમારૂ શું બગાડ્યું છે? અને જવાબ મળ્યો: “અમને તમારા બાપથી નફરત છે, જેનો બદલો અમે તમારાથી લઇ રહ્યા છીએ. ઇમામ(અ.સ.)એ પણ ફરમાવ્યુ: હું જાણું છું, તમારા પેટ હરામ ખોરાકથી ભરેલા છે, અને એટલા માટે તમારી ઉપર વાતની અસર નથી. ઇત્મામે હુજ્જત નાના રસૂલ(સ.અ.વ.)ની ઇત્મામે હુજ્જતને સલામ કરી હતી અને ‘હુસૈનુમ મિન્ની’ની તસ્દીક કરી રહી હતી.
ઇમામ હુસૈન(અ.સ.) શહીદ થયા. બહેને આસ્માન તરફ હાથ ઉંચા કરીને કહ્યું: તકબ્બલ મિન્ના અન્તસ સમીઉલ અલીમ. જાણે કે જનાબે ઝયનબ (સ.અ.) હઝરત ઇબ્રાહીમ(અ.સ.), હઝરત ઝહરા (સ.અ.), હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.) અને ઇમામ અલી (અ.સ.)ની નિયાબતનો હક અદા કરી રહ્યા હતા.
કુર્આને વધીને લબ્બેક કહ્યું:
યા અય્યતોહન્ નફસુલ મુત્મઇન્ના, ઇરજેઇ એલા રબ્બેકે રાઝેયતમ્ મરઝીય્યા, ફદખોલી ફી એબાદી, વદખોલી જન્નતી.
(સૂરએ ફજ્ર: આયત ૨૭-૩૦)
અંતમાં બે શેરને પુરતા સમજવા પડશે, એટલા માટે કે સરખામણીના રેસા રેસા પર પોતાની ઇલ્મી સંશોધનો અને વિચારધારાને તૈયાર કરીએ તો એક વિશાળ પુસ્તક ‘અના મિન હુસૈન’ના નામનું તૈયાર થઇને લોકોની સામે આવી શકે છે.
રસૂલે ખુદા(સ.અ.વ.)ની રહેલત પછી મદીના સકીફામાં ફેરવાઇ ગયું હતું. ફક્ત અલી(અ.સ.) અને આપના અમૂક અસ્હાબ દફન સમયે મૌજૂદ હતા.
એહલે દુનિયા કારે દુનિયા સાખ્તન્દ, મુસ્તુફા રા બેકફન અન્દાખ્તન્દ
ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત પછી કોણ સોગવાર એવા છે, જેણે આ દર્દનાક બનાવનો ગમ અનિવાર્ય રીતે પોતાના દિલમાં વસાવેલો ના હોય.
તુમસા કોઇ ગરીબ કોઇ ખસ્તાતન નહીં, મરને કે બાદ ગૌર નહી ઔર કફન નહી
જરાક નાના રસૂલે ઝમન(સ.અ.વ.) અને હુસૈને શહીદના સામાન્ય પરીબળો બેકફન પર વિચાર કરો તો સમજમાં આવશે ‘હુસૈનો મિન્ની વ અના મિન હુસૈન’
મારા મૌલા ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) જે વારિસે રસૂલ(સ.અ.વ.) અને વારિસે હુસૈન(અ.સ.) છે, ખુદા આપ(અ.સ.)ના ઝુહૂરમાં જલ્દી કરે અને આપ(અ.સ.) ઇન્તેકામ લે.
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *