સય્યદુશ્શોહદા(અ.સ.)ની અઝાદારીના આદાબ

Print Friendly, PDF & Email

ગમ અને મુસીબતનો સંબંધ જ્યા ઝુલ્મો-જૌરની શિદ્દત અને ઉંડાઇ સાથે સંબંધિત છે, ત્યાં એ ઝાતથી પણ સંબંધિત છે, કે જેના પર ઝુલ્મ અને સિતમ કરવામાં આવ્યો છે. એક જવાનને તમાચો મારવામાં આવે અને એજ તમાચો એક દુધ પીતા બાળકને મારવામાં આવે તો ઝુલ્મના પ્રકારમાં મોટો ફર્ક છે.
જે લોકો મોહર્રમમાં કરબલાના બનાવોને બયાન કરવા પર વાંધો ઉઠાવે છે અથવા મોહર્રમને જ મનાવવા પર વાંધો ઉઠાવે છે અથવા મજલીસોનું વધારે થવુ અને જુલુસોનું વધારે થવુ અથવા મોહર્રમથી સંબંધિત બીજી બાબતોથી વાંધો ઉપાડે છે, તેઓ એ લોકો હોય શકે છે, જે કરબલાના બનાવને ફકત ઇતિહાસનો એક બનાવ ગણે છે. અગર એ લોકોને જરાપણ એ એહસાસ હોય કે કરબલાના મૈદાનમાં અમુક લોકો પર ઝુલ્મો-સિતમ ગુઝારવામાં આવ્યો, તેમની શખ્સીયતો શું છે? અને આ કાએનાતની વ્યવસ્થામાં તેમનો શું મકામ અને મરતબો છે? તો એ એહસાસ થશે કે આપણે બધા બલ્કે આખી દુનિયા મળીને જે કાંઇ પણ ગમ મનાવી રહી છે તે કાંઇ નથી, અગર હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શખ્સીયતને નજરમાં રાખીને પોતાની અઝાદારીને જોઇએ તો શરમિંદગી સિવાય બીજુ કાંઇ હાસિલ નહી થાય.
હઝરત ઇમામ હુસૈન(અ.સ.) કોઇ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ “હુસૈનો મિન્ની વ અના મિન હુસૈન ની મહાન મંઝીલ પર છે. તેઓ એ છે કે જેમનું નામ ખુદાના અર્શની ઝીનત છે. રસૂલે ખુદા(સ.અ.વ.) ની હદીસ પ્રમાણે અર્શે ખુદાવંદી પર આ લખાણ લખેલુ છે “ઇન્નલહુસૈન મિસ્બાહુલહુદા વ સફીનતુન નજાત તેઓ અલ્લાહ સિવાય તમામ પર હુજ્જતે ખુદા છે, અલ્લાહના ખલીફા છે, તેઓ એ છે જેમની ઇમામત અર્શથી ફર્શ સુધી છે. કોઇ મખ્લૂક એવી નથી જેણે તેમની વિલાયતનો સ્વીકાર ન કર્યો હોય અને તેમની ફરમાંબરદાર ન હોય. આ આખી કાએનાતમાં એક ઇન્સાન અને બીજા જીન્નાત છે, જેમાં ખુદાના નાફરમાન બંદાઓ જોવા મળે છે. બાકી બીજી કોઇ મખ્લૂક ખુદાની નાફરમાન નથી, કારણકે દરેકે દરેક અલ્લાહના ફરમાંબરદાર છે. આથી તેઓ તેમની વિલાયત અને ઇમામતને તસ્લીમ કરે છે, જેમને ખુદાએ પોતાના વલી અને ઇમામ મુકર્રર કર્યા છે. આ એ લોકો છે કે જેમના લીધે કાએનાતને ફાયદો મળી રહ્યો છે. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઇમામત માત્ર ઇન્સાનોથી જ મખ્સૂસ નથી, પરંતુ કાએનાતનો કણે-કણ તેમની ઇમામતનો માનનારો છે અને તેમની ઇમામતનો ફરમાંબરદાર છે.
ઝિયારતે જામેઆ કબીરામાં આ પ્રકારના જુમ્લાઓ દેખાય આવે છે, ‘કહફુલ વરા’ મખ્લૂકાતની પનાહગાહ, ‘બેકુમ તુમ્સેકુસ્ સમાઅ’ આપના કારણે આ આસ્માન કાએમ છે, ‘બેકુમ તોનઝ્ઝેલુલ ગય્સ’ આપના લીધે વરસાદ નાઝિલ થાય છે, ‘ઝલ્લ કુલ્લો શય્ઇન્ લકુમ્’ દરેક આપની સામે તસ્લીમ છે.
અગર એક ખાનદાન એવું હોય કે જેમાં હજારો વ્યક્તિઓ હોય અને એ તમામની જવાબદારી એક શખ્સના ઉપર હોય અને તે તેઓની તમામ જરૂરિયાતો પૂરી કરતો હોય, દરેકનો સરખી રીતે ખ્યાલ રાખતો હોય, દરેક તેના ફૈઝથી ફાયદો ઉઠાવતો હોય, દરેકની જીંદગીનો આધાર તેના ઉપર હોય, હવે, અગર કોઇ ઝાલિમ તે શખ્સની ઉપર ઝુલ્મ કરે, તેને સતાવે, તેને બેદર્દીથી કત્લ કરે તો તેનાથી કેટલા લોકો અસરગ્રસ્ત થશે? તેનાથી એ તમામ લોકો અસરગ્રસ્ત થશે જેઓ તેનાથી ફાયદો હાસિલ કરી રહ્યા હતા. તેના ગમનું ક્ષેત્ર ત્યાં સુધી જશે જ્યાં સુધી તેના ફૈઝની વિશાળતા હશે.
હુજ્જતે ખુદાની ઇનાયતોથી પૂરી કાએનાત ફાયદો હાસિલ કરે છે. હુજ્જતે ખુદા ઝમીન ઉપર અલ્લાહના પ્રતિનિધિ હોય છે. હઝરત ઇમામ હુસૈન(અ.સ.) હુજ્જતે ખુદા છે, ખુદાના વલી છે, સંપૂર્ણ કાએનાત પર તેમના એહસાનો છે, તેમના ફૈઝો અને બરકતો છે, એટલા માટે એ મળી આવે છે કે જ્યારે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) શહીદ થયા તો સંપૂર્ણ કાએનાતે ગમ મનાવ્યો. આસ્માને લાલ થઇને પોતાનો ગમ જાહેર કર્યો, લાલ આંધીઓએ ફુંકાઇને પોતાના દર્દનો ઇઝહાર કર્યો. ચંદ્ર અને સૂરજને ગ્રહણ થયુ, ઝમીનની માટીને ઉપાડવામાં આવતી તો ખુન નિકળતુ હતુ, દિવાલો અને દરવાજાઓ પર ખુન. જ્યારે ગમની તિવ્રતા વધી જાય છે તો આંખમાંથી આંસુ નહી પરંતુ ખુન નિકળે છે. કાએનાત પર આ ગમની તિવ્રતાની અસર હતી કે દરેક હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ગમમાં આંસુ વહાવતા હતા અને આંસુ વહાવી રહ્યુ છે અને જ્યાં સુધી એ મઝલુમોનો ખુનનો બદલો નહીં લેવામાં આવે, ઝાલિમો અને કાતિલોને ખરેખરી સજા નહી મળે એ સમય સુધી આ સિલસિલો શરૂ રહેશે, અગર દુનિયામાં ન મળે તો મેદાને કયામત સુધી આ સિલસિલો શરૂ રહેશે.
આ ઝુલ્મની અસરો માત્ર હિ.સ. ૬૧ માં પૂરી નથી થઇ, આજ સુધી આ ઝુલ્મની અસરો છે, આથી ગમનો સિલસિલો પણ હંમેશા શરૂ રહેશે. નવાઇની વાત તો એ છે કે લોકો ઝુલ્મ અને ઝાલિમની વિરૂધ્ધ અવાઝ બુલંદ કરીને તેને બંધ કરવાની કોશિશ નથી કરતા અને ન તો તેના વિરૂધ્ધ ફતવા આપે છે. તે લોકોને મઝલૂમોનો ગમ મનાવવાથી મોટી તકલીફ થાય છે, ઝાલિમોના ચાબુકોની અવાજ ખરાબ નથી લાગતી પરંતુ માતમની અવાજોથી ખૂબ જ દર્દ થાય છે. આ ઝાલિમોના હમદર્દની દુનિયા આપણને કમજોરો પર પાબંદીઓ નાંખી શકે છે! શું તેઓ સુરજ, ચાંદ અને આસ્માનો પર પણ પાબંદીઓ નાંખી શકે છે! શું ઝમીનને ખુનના આંસુ વહાવવાથી રોકી શકે છે! હઝરત ઇમામ હુસૈન (અ.સ.)નો ગમ ફકત આપણી દુનિયાની સરહદો સુધી મર્યાદિત નથી. મહાન આકાશગંગાઓથી ઝમીનના મામુલી રજકણો સુધી દરેક અઝાદાર છે. દરેક પોત-પોતાની રીતે ગમનો ઇઝહાર કરી રહ્યુ છે. આ ગમ અન્ફોસી પણ છે અને આ આફાકી પણ છે.
હઝરત ઇમામ હુસૈન(અ.સ.) ફરઝંદે રસૂલ (સ.અ.વ.) અને ફરઝંદે અલી(અ.સ.) તેમજ ફરઝંદે ઝહરા(સ.અ.) હોવાની સાથે સાથે હુજ્જતે ખુદા, વલીએ ખુદા અને ખલીફએ ખુદા છે, અને તેમને કોઇ વ્યક્તિગત દુશ્મનીના આધારે કત્લ કરવામાં નથી આવ્યા, તેઓને હુજ્જતે ખુદા અને વલીએ ખુદા હોવાની બુનિયાદ પર કત્લ કરવામાં આવ્યા છે. આથી, આ હુમ્લો તેમના પર નથી, પરંતુ ખુદા પર છે, આના લીધે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) “સારલ્લાહ છે. એટલા જ માટે જે જગ્યાએ ખુદાની ખુદાઇ છે ત્યાં સુધી હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો ગમ છે.
આ ગમ તમામ અંબિયા, મુર્સલિન, અવલીયા, અઇમ્મા, શોહદા, સિદ્દીકીન, સાલેહીન, મુત્તકીન, મોઅમેનીન અને મુસ્લેમીનનો ગમ છે. દરેક એ શખ્સ જે પોતાના દિલના ઉંડાણોમાં ખુદાની એકતાનો સ્વીકાર કરે છે, તેની બંદગીને શરફ અને ઇઝ્ઝત સમજે છે, તે હૂજ્જતે ખુદાનો ગમ જરૂર મનાવે છે. ખુદાની મઅરેફત જેટલા પ્રમાણમાં વધારે હશે ગમનો એહસાસ પણ એટલો જ વધારે હશે. “મોહર્રમનો ચાંદ જોઇને હઝરત ઇમામ મુસા કાઝિમ(અ.સ.) એટલા બધા ગમગીન થઇ જતા હતા કે ચેહરા પર ખુશીની નિશાનીઓ દેખાતી નહી.
હઝરત ઇમામ અલી રઝા(અ.સ.) ફરમાવતા હતા:
“આ ગમે અમારી આંખોને ખૂનથી ભરી દીધી, આંસુઓનું પૂર વહેતુ કરી દીધુ.
(બેહારૂલ અન્વાર: ભાગ: ૪૪, પાના: ૨૮૪, હદીસ: ૧૮)
હઝરત ઇમામ હુસૈન(અ.સ.) “સારલ્લાહ છે, ખુદાએ આ ગમ પર એટલો બધો સવાબનો વાયદો કર્યો છે જેટલો બીજા કોઇ આમાલમાં નથી. ફકત આંખોની ભિનાશ પર એટલો બધો સવાબ છે જેનો અંદાઝો નથી કરી શકાતો.
જેવી રીતે નમાઝ, રોઝા, હજ વિગેરના આદાબ છે, એવી રીતે આ ગમના પણ આદાબ છે.
માહે મોહર્રમ ગિર્યા અને રોવાનો મહિનો છે. આલે મોહમ્મદ(સ.અ.વ.)ના ગમ અને રંજનો મહિનોે છે. ગદીરની બયઅતની તજદીદ અને તાઇદનો મહિનો છે. આંસુઓના બદલે ખૂનના આંસુ વહાવવાનો મહિનો છે. વિલાયત અને ઇમામતથી સંબંધને જાહેર કરવાનો મહિનો છે. માતમ અને મજલીસનો મહિનોે છે. દુશ્મનાને એહલેબૈત(અ.મુ.સ.)થી બેઝારીનો મહિનો છે. બેઝુલ્મ અને ઝાલિમ પ્રત્યે નફરતને દર્શાવવાનો મહિનો છે. એહલેબૈત(અ.મુ.સ.)ના ફઝાએલ અને મસાએબ બયાન કરવાનો મહિનો છે. દીને ઇસ્લામની તઅલીમાતના નવજીવનનો મહિનો છે. આથી તેના ખાસ આદાબ છે.
આ મહિનામાં કારણકે મોહમ્મદો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ફઝાએલ અને મસાએબ ઝબાન ઉપર જારી થશે, આથી જીભનું રક્ષણ અને હિફાઝત જરૂરી છે. અગર આપણે એક ગંદા ગ્લાસમાં શરબત આપવા તૈયાર નથી તો ગુનાહોથી ગંદી ઝબાન પર કેવી રીતે એહલેબૈત(અ.મુ.સ.)ના ફઝાએલ અને મસાએબ જારી કરી શકીએ છીએ, જ્યારે કે શરબત એટલુ પાક નથી જેટલી એહલેબૈત(અ.મુ.સ.)ની તહારત છે. આં હઝરતો આયતે તત્હીરના નાઝિલ થવાનું કેન્દ્ર છે. આથી જરૂરી છે કે આ મહીનાની શરાફત અને પવિત્રતાનો ખ્યાલ રાખીને ઝબાનને જુઠ, તોહમત, ગીબત અને ખુદાની અણગમતી બાબતોથી ગંદી ન કરીએ. ઝબાનને ઝિક્રે ખુદા, સલવાત અને ઇસ્તિગ્ફારથી પાક કરીએ. આ દિવસોમાં આપણો દિવસ ગુલાબથી વધુ પાક અને ખુશ્બુદાર હોય, એટલો બધો પાક અને પાકીઝા હોય કે સાહેબાને તત્હીરનો ઝિક્ર તેમાં ઓર પવિત્રતાનું કારણ બને. આપણે સર્વોએ એ વાત ખૂબ સારી રીતે જાણીએ છીએ કે એહલેબૈત (અ.મુ.સ.) અને ગુનાહો વચ્ચે કોઇ સંબંધ નથી. તેઓ ગુનાહોને બિલ્કુલ નાપસંદ કરે છે, તો શું એ યોગ્ય છે કે સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ચાહવાવાળાઓ એ ઝબાનથી હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર કરે કે જેનાથી કયારેક જુઠ બોલીએ છીએ, કયારેક ગીબત કરીએ છીએ, કયારેક તોહમત લગાવીએ છીએ. શું ઝબાન પણ એ કેસેટ અને સી.ડી. છે કે તેના પર કયારેક ગીત ટેપ થઇ ગયુ અને કયારેક કુર્આન અને નૌહા. આ ઝબાન છે, આ ખુદાની બારગાહમાં જવાબદાર છે. આપણે ઝબાનની તહારત અને પવિત્રતાને જાળવી રાખીએ, જેથી ઝિક્રે હુસૈન (અ.સ.) તેના પર ખુબસૂરત લાગે. ઝિક્રે હુસૈન (અ.સ.) ઝમાનત છે દરેક ગુનાહોની ગંદકીઓથી દુર રહેવાની.
આંસુ એ એકમાત્ર અમલ છે, જે રિયાકારીથી પાક છે. દરેક અમલમાં રિયાકારીની શક્યતા છે, અને સૌ જાણે છે કે, રિયાકારી અમલને બાતિલ કરી દે છે. રિયાકારીવાળો અમલ ખુદાની કુરબતનું નહી, બલ્કે ખુદાની દૂરીનું કારણ છે. એ એક અમલ જે રિયાકારીની આફતોથી સૂરક્ષિત છે, તે સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ગમમાં નિકળવાવાળા આંસુ છે. આ આંસૂ જેટલા પાકો પાકિઝા છે, જેટલા પ્રમાણમાં ગુનાહોની મગફેરતનો સબબ છે, ત્યાં સાથો-સાથ તેની પાકીઝગી આપણી આંખોથી એ માંગણી કરે છે, કે જુઓ જે આંખોને હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ના ગમમાં આંસુઓથી પાક કરી છે, તેને નામહેરમો અને અન્ય હરામ ચીજોને જોવાથી ગંદી અને નજીસ ન કરો. તત્હીરના માલિકોનો ગમ છે. આંખોની તહારતનો ખ્યાલ રાખો. પાકીઝા આંખોથી પાકીઝા આંસૂ નિકળે જેથી પાકીઝા લોકોનો સાથ નસીબ થાય.
આપણે આ હાથોનો પણ ખાસ ખ્યાલ રાખીએ, કારણકે આપણે આ જ હાથો વડે હઝરત અબુલ ફઝલિલ અબ્બાસ(અ.સ.)નો અલમ ઉઠાવવાવાળા છીએ. આ જ હાથોથી હઝરત ઇમામ હુસૈન(અ.સ.), જનાબે અલી અકબર(અ.સ.), જનાબે અલી અસ્ગર (અ.સ.) અને અન્ય શોહદાએ કરબલાનું નામ લઇને માતમ કરવાવાળા છીએ, ઝંજીર મારવાવાળા છીએ. આ જ હાથો વડે પવિત્ર આંસૂઓને લુંછવાવાળા છીએ, આજ જ હાથો વડે તબરરૂક લેવાવાળા છીએ, આ જ હાથો વડે ફર્શે અઝા બિછાવવાવાળા છીએ, આ જ હાથો વડે અઝાખાના સજાવવાવાળા છીએ, ઝરીહ, તાબૂત, તાઝીયા અને અન્ય તબરરૂકાતને મસ કરવાવાળા છીએ. આ હાથ ખયાનત, ઝુલ્મો-જૌરથી ગંદા ન થાય, યતીમોની નવાઝિશ કરવાવાળા હોય. યતીમોને સતાવવાવાળા ન હોય. આ હાથ જાહેરી નજાસતથી પણ પાક હોય અને બાતેની નજાસતથી પણ.
આપણે આપણા પગોનો પણ ખ્યાલ રાખીએ, આપણે આ પગોથી મજલીસોમાં જઇશુ, જુલુસોમાં જઇશુ, હરમ જઇશુ, ઝિયારત કરવા જઇશુ, મસ્જીદ જઇશુ, જમાઅતમાં શરીક થઇશુ, મુસલ્લા પર ઉભા રહેશુ. હવે આ પગોથી હરામ જગ્યાએ ન જઇએ. વાલેદૈનની ખિદમત કરીએ, સારી જગ્યાએ જઇએ, જેથી ફર્શે અઝા પર બેસવાની ખુશનસીબી હાસિલ કરી શકીએ. મજલીસો અને જુલુસોમાં ભાગ લઇ શકીએ.
આ પવિત્ર મહિનામાં સય્યદુશ્શોહદા(અ.સ.)થી સંબંધિત તબરરૂક અને જુલુસમાં મળતી નિયાઝ ચાખવાની પણ ખુશનસીબી હાસિલ થશે. પોતાના પેટને હરામ ખોરાકો સુરક્ષિત રાખીએ, જેથી પાકીઝા તબરરૂકાતની અસરો જાહેર થાય, હરામ અને હલાલ મિકસ ન થાય.
આ ઉપરાંત અય્યામે અઝામાં આપણી ઝિંદગીનો રંગ જુદો જ હોય, એવી રીતે હોય કે મહેસુસ થાય કે જનાબે ઝહરા(સ.અ.)ની ખિદમતમાં તઅઝીયત પેશ કરવા ચાહીએ છીએ. અય્યામે અઝાથી અગાઉ પોતાના તમામ કાર્યો અંજામ આપી દઇએ કે જેથી અય્યામે અઝામાં સરખી રીતે મજલીસો અને અઝાદારીમાં ભાગ લઇ શકીએ, મજલીસોમાં શિરકતને અગ્રતા આપીએ અને તેને મૂળભૂત પ્રોગ્રામ બનાવીએ, એવુ ન થાય કે આખો દિવસ બીજા કામોમાં એટલા બધા પ્રવૃત થઇ જઇએ કે મજલીસોના માટે સમય કાઢી ન શકીએ, અને અગર મજલીસમાં આવીએ તો પણ થાકેલા થાકેલા. માત્ર ઇમામવાડા અને અઝાખાનામાં જ મોહર્રમની અસરો ન હોય, પરંતુ આપણ ઘરોની પણ હાલત એવી હોય કે ખબર પડે કે આપણે અઝાદાર છીએ. આ ગમના દિવસો છે, ખુશીના નહી. કાળા કપડા પહેરીએ, કાળા પરચમ લગાવીએ. ટુંકમાં એ કે આપણી પૂરી ઝિંદગી સય્યદુશ્શોહદા(અ.સ.)ની અઝાદારીનો આઇનો હોય. આપણે આપણા દરેક અમલથી ઇમામ હુસૈન (અ.સ.)નો ગમ, તેમની શહાદત અને તેમનો પૈગામ પહોંચાડવાવાળા હોઇએ. બધાને મહેસૂસ થાય કે આપણેએ નથી જે કાલે હતા, આજે આપણે અઝાદાર છીએ.
એ વાત તરફ ખાસ ધ્યાન રહે, ખુદાવંદે આલમે અઝાદારીએ સય્યદુશ્શોહદા(અ.સ.)નો જે શરફ આપણને અતા કર્યો છે, તે કોઇ મામૂલી શરફ નથી, આ એ ઇઝ્ઝત છે, જેની સામે દુનિયાની તમામ બાદશાહત તુચ્છ છે. હઝરત ઇમામ જાફરે સાદિક (અ.સ.)એ અઝાદારીની મંઝેલતનો ઝિક્ર કેવી રીતે કર્યો છે, ફરમાવે છે કે:
“રહેમલ્લાહો શીઅતના શીઅતોના વલ્લાહીલ મોઅમેનૂન ફકદ વલ્લાહે શરેફુના ફિલ મુસીબતે બે તૂલિલ હુઝ્ને વલ્ હસ્રતે
“ખુદા અમારા શીઆઓ પર રહેમ કરે! ખુદાની કસમ! અમારા શીઆ જ મોઅમિન છે, ખુદાની કસમ! તેઓ સતત રંજોગમના થકી અમારી મુસીબતમાં શરીક રહે છે.
(સવાબુલ આમાલ, પાના: ૨૫૭, હદીસ: ૩)
હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ આ હદીસ શરીફમાં એ હકીકતને બયાન ફરમાવી રહ્યા છે કે શીઆ જ સાચા અને હકીકી મોઅમિન છે. એનું કારણ એ છે કે પોતાની સતત અઝાદારી થકી એહલેબૈત (અ.મુ.સ.)ના ગમમાં શરીક રહે છે.
એક અન્ય ભરોસાપાત્ર રિવાયતમાં હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ સજદામાં આ દુઆ ફરમાવી. એ યાદ રહે કે ઇબાદતની સંપૂર્ણતા સજદો છે, અને સજદાની દુઆ અતિ મહત્વની હોય છે અને તે પણ એ દુઆ કે જેમાં આંસુ જારી હોય, દુઆની હાલતમાં આંસુનું જારી થવુ દુઆની કબુલીયતની નિશાની છે. હવે, જરાક વિચાર કરો, ઇમામે વક્તની દુઆ અને તે પણ સજદામાં આંસુઓની સાથે. અગર આપણે આ દુઆના હકદાર થવા ચાહીએ છીએ તો તેના વિષયો પર સંપૂર્ણ રીતે અમલ કરીએ.
અઝીઝો! મૌતના સમયથી લઇને કયામત સુધી અને કયામતના હિસાબ-કિતાબ સુધી અને હિસાબો-કિતાબથી લઇને અલ્લાહના ફેંસલા સુધી દરેક તબક્કો એટલો બધો કઠિન અને સખ્ત છે, જેને સહન કરવુ કોઇની શક્તિની વાત નથી. આ એ તબક્કાઓ છે, જેની સખ્તીઓ પહાડ સહન નથી કરી શકતો, તો આપણે નાજુક કે જે એક સામાન્ય શરદી, ઝૂકામ સહન નથી કરી શકતા તો પછી આ સખ્તીઓને કેવી રીતે સહન કરી કરી શકીશુ? અને તે દુઆ આ છે:
“વર્હમ્ તિલકલ્ અઅ્યોન્ અલ્લતી જરત્ દોમૂઓહા રહ્મતન્ લના, વર્હમ્ તિલકલ કોલૂબ્ અલ્લતી જઝેઅત્ વહ્તરકત્ લના, વર્હમિસ્સર્ખત અલ્લતી કાનત્ લના
અલ્લાહુમ્મ, ઇન્ની અસ્તવ્દેઓક તિલ્કલ અન્ફોસ વ તિલ્કલ્ અબ્દાન્, હત્તા નોવાફેયહુમ્ અલલ હવ્ઝે યવ્મલ્ અતશ
“ખુદાયા! એ આંખો પર રહેમત નાઝિલ કર જે અમારી હમદર્દી અને મોહબ્બતમાં અમારી ઉપર આંસુ વહાવે છે.
ખુદાયા! એ દિલો પર રહેમ કર કે જે અમારા માટે દર્દમંદ થાય છે, પરેશાન થાય છે.
ખુદાયા! રહેમ કર એ ફરિયાદો પર ચીખો પર જે અમારા માટે બુલંદ થાય છે.
ખુદાયા! હું એ રૂહોને અને શરીરોને તારી અમાનતમાં આપુ છું, ત્યાં સુધી કે પ્યાસના દિવસે હૌઝે કવસર પર તેમની મુલાકાત કરૂ.
(કાફી, ભાગ:૪, પાના:૫૮૨, હદીસ: ૧૧)
દુનિયાની આ અઝાદારી હૌઝૈ કવસર પર હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)થી મુલાકાતનું કારણ બનશે. ‘સરખહ’ ઉંચી અવાજે ગિર્યા કરવાને કહે છે. ઇમામ જાણે છે, ઇમામ હુસૈન(અ.સ.)ના ગમમાં ગિર્યાની અવાજ બુલંદ થશે, ગમનો એહસાસ જેટલા પ્રમાણમાં વધારે હશે, રોવાનો અવાજ એટલો જ બુલંદ હશે.
હઝરત ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.)ની ખિદમતમાં હુસૈન નામના શાયર હાજર થયા અને ઇમામ(અ.સ.)ની સામે મરસીયો પઢયો તો ઇમામ(અ.સ.)ના આંસુ જારી થયા. ઇમામ બાકિર (અ.સ.)એ ફરમાવ્યુ:
“મા મિન્ રજોલિન્ ઝકરના અવ્ ઝોકિર્ના ઇન્દહૂ ફ ખરજ મિન્ અય્નય્હે માઉન્ વ લવ્ કદ્ર મિસ્લે જનાહલ્ બઉઝતે ઇલ્લા બનલ્લાહો લહૂ બયતન્ ફિલ્ જન્નતે વ જઅલ ઝાલેક હેજાબન્ બયનહૂ વ બયનન્ નારે
“અગર કોઇ અમારો ઝિક્ર કરે અથવા તેની સામે અમારો ઝિક્ર થાય અને તેની આંખોમાંથી મચ્છરની પાંખ જેટલુ પાણી નિકળે, ખુદાવંદે આલમ તેના માટે જન્નતમાં એક ઘર બનાવશે અને આ આંસુ તેની અને જહન્નમની આગની દરમિયાન પર્દો અને હિજાબ થશે.
(કિફાયતુલ અસર, પાના:૨૪૮,
બેહાર ભાગ:૨૬, પાના:૩૯૦)
આનાથી અંદાજો આવે છે કે એહલેબૈત (અ.મુ.સ.)ની નજદીક સય્યદુશ્શોહદા(અ.સ.)ની અઝાદારી કેટલી બધી મહત્વની છે અને આ ખુશનસીબી દરેકને નસીબ નથી થતી.
અઝાદારી માત્ર મોહર્રમ અને સફરથી મખ્સૂસ નથી, જોકે આ મહીના સંપૂર્ણરીતે અઝા અને સોગવારીના મહીના છે, પરંતુ આ હદીસનો અંદાઝ બતાવી રહ્યો છે કે જ્યારે પણ ઝિક્ર થશે આ સવાબ મળશે. હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.) ફરમાવે છે, જ્યારે પણ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નું નામ લેવામાં આવે તો ત્રણ વખત કહો:
“સલ્લલ્લાહો અલય્ક યા અબા અબ્દીલ્લાહ, સલ્લલ્લાહો અલય્ક યા અબા અબ્દીલ્લાહ, સલ્લલ્લાહો અલય્ક યા અબા અબ્દીલ્લાહ
એવીજ રીતે આ રિવાયત:
“જ્યારે પણ કોઇ પાણી પિતી વખતે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને અને તેમના એહલેબૈત (અ.મુ.સ.) ને યાદ કરે છે અને તેમના કાતિલો પર લાનત મોકલે છે, ખુદાવંદે આલમ તેના માટે એક લાખ નેકીઓ લખે છે, એક લાખ ગુનાહોને માફ કરે છે અને એક લાખ દરજ્જા બલંદ કરે છે
(અમાલી એ સદુક(અ.ર.), પાના: ૨૦૫)
આનાથી સ્પષ્ટ થાય છે કે અઝાદારી એક સતત જવાબદારી છે. આજે આ અઝાદારીના લીધે જ અહેલેબૈત(અ.મુ.સ.)નો મઝહબ બાકી છે. આ આંસુઓએ ઝુલ્મો-જોરના તમામ બાદશાહોને નિસ્તો-નાબૂદ કરી દીધા છે. કોઇપણ ઝાલિમને તેના છળકપટમાં સફળ થવા નથી દીધો. આ સિલસિલો આજે પણ શરૂ છે. અઝાદારીની એ તાસીર છે જેણે એહલેબૈત(અ.મુ.સ.)ના દુશ્મનોને ક્યારેય પણ ક્યાંય પણ સફળ થવા ન દીધા, એટલા માટે અઝાદારી ઉપર જુદા-જુદા ફત્વા દેવામાં આવે છે, પરંતુ બધા બેકાર થઇ જાય છે, અને પાણી પર લકીર ખેંચવા જેવુ થઇ જાય છે અને કયામત સુધી આવી રીતે થતુ રહેશે, ઇન્શાઅલ્લાહ . . .
અઝાદારીની આ મહાનતા અને મરતબાને નજર સમક્ષ રાખતા આપણી જવાબદારી છે કે આપણે અઝાદારી એવી રીતે બરપા કરીએ જેના લીધે બારગાહે એહલેબૈત(અ.મુ.સ.)માંથી દુઆઓ પર દુઆઓ મળતી રહે.
આ અઝાદારીમાં આપણે દરેક પ્રકારની હરિફાઇ, દેખાવ, પ્રખ્યાતિ, નામ અને વખાણથી પરહેઝ કરીએ, નિય્યતને એટલી બધી ખાલિસ કરી દઇએ કે ખુદા અને તેની રઝા અને ખુશ્નુદીનો અજ્ર કરાર પામે. મરાસીમે અઝામાં પોતાની પસંદ અથવા કોઇ શહેર અથવા જગ્યામાં થવાવાળા પ્રોગ્રામ અથવા તેનાથી સંબંધિત વખાણને માપદંડ બનાવે નહી, પરંતુ એહલેબૈત (અ.મુ.સ.)ની ખુશ્નુદી અને તેમની પસંદને માપદંડ બનાવીએ. અગર બાબત સ્પષ્ટ ન હોય તો ભરોસાપાત્ર અને પ્રમાણિક આલિમો તરફ રજૂ થઇએ, જેથી એવુ ન થાય કે આપણે જે કાર્યને સવાબ સમજીને અંજામ આપી રહ્યા છીએ તેમાં કોઇ સવાબ ન હોય, અને કયામતના મયદાનમાં હસ્રતોનો સામનો કરવો પડે.
મકતલની ભરોસાપાત્ર કિતાબોમાં મસાએબ બયાન થયા છે, તે એટલા બધા દર્દનાક છે કે તેને સહન કરવું આસાન નથી. રડવાનો સંબંધ નવા-નવા બનાવોથી નથી, પરંતુ હઝરત સય્યદુશ્શોહદા(અ.સ.)ની બારગાહમાંથી દીલી લગાવ છે અને દિલના ઉંડાણથી છે. જનાબે ઝયનબ(સ.અ.)એ જ્યારે કુફામાં તકરીર કરી, તો મસાએબ સાંભળીને જાનવરો રોઇ રહ્યા હતા. દિલના ઉંડાણથી ગમ અને રંજમાં ડુબેલો એક જુમ્લો કોહરામ મચાવી શકે છે.
મજલીસો કંઇક એવી હોય કે દરેક મજલીસ પછી એહલેબૈત(અ.મુ.સ.)ની કુરબત અને તેમના દુશ્મનોથી નફરતનો એહસાસ વધતો જાય. આપણા અકાએદ, અખ્લાક અને આમાલ પર એહલેબૈત(અ.મુ.સ.)નો રંગ એવી રીતે વધારે હોય કે તેમની બારગાહે અકદસથી “અમો એહલેબૈતમાંથી છે (મિન્ના અહલલ્બૈત)ની સનદ મળે છે.
આજ પરિસ્થિતિ તમામ મરાસિમે અઝાની હોય, એ માલૂમ થાય કે આ પુરી કૌમ પર એહલેબૈત (અ.મુ.સ.)ની હુકૂમત છે. રંગ, ઢંગ, ચાલ-ચલન બધી જગ્યાએ એહલેબૈત(અ.મુ.સ.)ની ઝલક હોય….
ટુંકમાં આપણે કંઇક એવી રીતે અઝાદારી બરપા કરીએ કે આપણો દરેક પ્રોગ્રામ એવો હોય કે જેમાં એહલેબૈત (અ.મુ.સ.) અને ખાસ કરીને ઇમામે ઝમાના (અ.સ.) શરીક થઇને દુઆઓ આપે.
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *