મકતલે ખ્વારઝમી

Print Friendly, PDF & Email

“મકતલ નિગારી ફકત ઇતિહાસનું લખાણ નથી, પરંતુ એક મહાન ઇન્સાનની (ઇસ્લામી) બનાવોની પળે-પળ અને ક્ષણે-ક્ષણનું લખાણ અને મનઝરકશી છે. અને તેમાં અકાએદી, અખ્લાકી, રાજકીય અને સામાજીક પરિસ્થિતિનું દરેક દ્રષ્ટીકોણથી સંશોધન કરવામાં આવે છે.
“મકતલ નિગારી એક માધ્યમ છે, એક સાધન છે, શોહદા અને શહાદતની અમલી બાબતોથી ફાયદો હાસિલ કરવા માટે, લાગણીઓને પ્રોત્સાહિત કરવા માટે એક અરીસો છે, એ ઇશ્ક અને ઇરફાનની ઝમીનને આકાર અતા કરવા માટે કે જે મખ્સુસ સમય, મખ્સુસ જગ્યા અને મખ્સુસ લોકો તેમજ મખ્સુસ શર્તોની સાથે વુજૂદમાં આવ્યો. આ અરીસામાં દરેક સમયના લોકો આ ઇશ્ક અને ઇરફાનની દાસ્તાન અને શહાદતનો મુશાહેદો કરશે (જોશે). “મકતલ નિગારી ફકત એક વાકેઆનું શબ્દસ: વર્ણન નથી, પરંતુ “ઇમાન અને “ઇશ્ક તેમજ “ઇસારની આયતોની તફસીર છે, આશુરાના બુલંદ આસમાન અને કરબલાની પવિત્ર જમીન ઉપર તજલ્લી પામી અને કુર્આનની નૂરાની આયતોની અમલી અને અયની બકા માટે એક કરોડજજ્જુ બની ગઇ.
“મકતલ નિગારી “એક સ્પષ્ટ અને સાચી ગવાહ છે એ લોકોની સચ્ચાઇ અને દ્રઢતાને સાબિત કરવા માટે જેઓ સય્યદુશ્શોહદા(અ.સ.)ના કથનોને ખુશનસીબી સમજે છે અને ઝાલિમોની સાથે જીંદગીને તબાહી અને નુકસાન સિવાય કાંઇ નથી સમજતા, ઇમામ હુસૈન(અ.સ.) ફરમાવે છે:
“ઇન્ની લા અરલ્ મૌત ઇલ્લા સઆદતન્ વલ્ હયાત મઅઝ્ ઝાલેમીન ઇલ્લા બરમા
“જાબિર અને ઝાલિમની હેઠળ તમારી ઝિલ્લત ભરેલી ઝિંદગી હકીકતમાં મૌત છે અને જાબિર અને ઝાલિમની સલ્તનતમાં ફખ્રવાળી મૌત હકીકી ઝિંદગી ગણાય છે.
(બેહારૂલ અન્વાર, ભાગ:૪૪, પાના: ૩૮૧)
“અલ મવ્તો ફી હયાતેકુમ્ મકહૂરીન ખયરૂમ્ મિનલ હયાતે ફી મવ્તેકુમ કાહેરીન
“મકતલ નિગારીએક પ્રકાશિત અને હિદાયત કરવાવાળી મશાલનું બુલંદ કરવું છે.
“મકતલ નિગારી ઇન્સાની રાહો પર બુલંદ કરવાવાવાળી એક પ્રકાશિત અને હિદાયતનું નિશાન બતાવનારી એક મશાલ છે, જેના થકી નેકી અને બુરાઇ, હક અને બાતિલ, ઇમાન અને કુફ્રને ઓળખવામાં આવે છે, અને ખુદાને તલાશ કરવાવાળાઓને શયતાનના પૈરવકારોથી વિલાયતના હકદારોને ખિલાફતના ગાસિબોથી અને અદ્લ તથા અદાલતના અલમબરદારોને રાજકારણીઓથી જુદા કરવામાં આવે છે.
મકતલ:
તમામ શહાદતો એક લેખિત પુરાવો માંગે છે. દરેક ઇમામ(અ.સ.)ની શહાદત અને તેના જીવનની પરિસ્થિતિઓ અને તેમની કુરબાનીઓ એક કિતાબની જરૂરત ચાહે છે, અને તેમના અહેવાલ વિશે કિતાબો લખવામાં પણ આવી છે. પરંતુ એ કિતાબોને ‘મકતલ’ કહેવામાં નથી આવતી. જોકે તેઓ કત્લ કરવામાં આવ્યા છે અને શહીદ થયા છે. ફકત ઇમામ હુસૈન(અ.સ.) અને શોહદાએ કરબલાની શહાદતોના ઝિક્રનું નામ ‘મકતલ’ રાખવામાં આવ્યુ. જૂના જમાનાથી કરબલાના બનાવ પર ઘણા બધા લોકોએ કિતાબો લખી છે, અને આજે પણ લખવામા આવી રહી છે. ઇમામ હુસૈન(અ.સ.)ની મઝલુમીય્યત દરેક મઝલુમીય્યતથી અલગ છે. અઇમ્મા(અ.મુ.સ.) પોતાની શહાદતોથી અને અન્ય અઇમ્મા(અ.મુ.સ.)ની શહાદતો અને તેમની મઝલુમીય્યતથી આગાહ હતા, એટલા માટે ઇમામે હસને મુજતબા(અ.સ.) એ પોતાના ભાઇની મઝલુમીયતના બારામાં ફરમાવ્યુ:
“લા યવ્મ ક યવ્મેક યા અબાઅબ્દીલ્લાહ
“અય અબાઅબ્દીલ્લાહ! કોઇપણ દિવસ આપના આશૂરાના દિવસ જેવો નથી.
(અમાલી સદુક: ૧૧૬, બેહાર ભાગ:૪૫, પાના:૨૧૮)
ખુલાસો એ કે જે કત્લો ગારતગીરી આશૂરાના દિવસે કરવામાં આવી તેનાથી વધીને ઇતિહાસમાં બીજુ કોઇ કત્લો ગારતગીરી નથી. ખાસ કરીને એટલે જ તેના વિષે લખવામાં આવેલી દાસ્તાનને ‘મકતલ’ કહેવામાં આવ્યુ.
મલાએકા આસમાન પર ઇમામ હુસૈન(અ.સ.) પર રોવે છે, પરીઓ અને પક્ષીઓ ઝમીન અને હવામાં તેમના પર નૌહાગીર છે.
ઇમામ સજ્જાદ(અ.સ.)એ પૂરી જીંદગી કરબલાની યાદમાં વિતાવી દીધી. ક્યારેય પાણી ન પીધુ ત્યાં સુધી કે આશુરાના મસાએબ પર ગિર્યા કર્યા પછી.
(કામેલુઝ્ઝિયારાત, પાના: ૧૭૫)
(બેહારૂલ અન્વાર, ભાગ:૪૬, પાના:૧૦૮)
ઇમામ સાદિક(અ.સ.) મોહર્રમના દિવસોમાં માતમમાં ગરકાવ થઇ જતા. આપ(અ.સ.)ના હોઠો પરથી હસી અને મુસ્કુરાહટ ગાયબ થઇ જતી અને આશુરાના દિવસે અઝાદારી બરપા કરતા અને પોતાના જદ્દે બુઝુર્ગવારની મજલીસ પઢતા હતા.
ઇમામે રેઝા(અ.સ.) પોતાના જદ્દે બુઝુર્ગવારના માટે અઝા ફરમાવતા અને આશુરાના દિવસની યાદને આંખની પલકોને ઝખ્મી થવા અને આંસુઓનો વરસાદ વરસાવવાનો દિવસ ગણતા.
(અમાલીએ સદુક(અ.ર.) પાના: ૧૨૮)
(બેહારૂલ અન્વાર, ભાગ:૪૪, પાના: ૨૮૪)
ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) આજે પણ દરેક દિવસ અને રાત ગિર્યા કરવાવાળા છે અને આંસુઓના બદલે ખુનના આંસુ વહાવે છે.
(બેહારૂલ અન્વાર, ભાગ:૯૮, પાના: ૩૨૦)
શું એ વાત યોગ્ય છે કે શિઆ ગિર્યા અને માતમથી પોતાના દિલના ઘરને ખાલી કરી દે અને પોતાની આંખોના જામને પોતાના મૌલા ઇમામ હુસૈન(અ.સ.)ની મુસીબતમાં ન છલકાવે?
ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની ગરમી મોઅમેનીનના દિલોમાં સ્થાપિત કરવામાં આવી છે.
કાલ રસુલુલ્લાહ(સ.અ.વ.):
“ઇન્ન લે કત્લીલ હુસૈને હરારતન્ ફી કોલૂબિલ મોઅમેનીન લા તબરોદ અબદા
(મુસ્તદરકુલ વસાએલ, ભાગ:૧૦, પાના: ૩૧૮)
દરેક પ્રકારના ગિર્યા અને બેતાબીને મકરૂહ ગણવામાં આવ્યુ છે, પરંતુ મઝલૂમીય્યતે હુસૈન(અ.સ.) પર ગિર્યા અને માતમ કરવુ એ અજ્ર અને સવાબનો સ્ત્રોત છે.
(હદીસે ઇમામ સાદિક(અ.સ.) બેહારૂલ અન્વાર, ભાગ:૪૪, પાના: ૨૮૦, ૨૯૧)
ખુલાસો એ છે કે આપણા તમામ અઇમ્મા(અ.સ.) એ ખુદ ઇમામ હુસૈન(અ.સ.)ની મઝલુમીય્યત પર મકતલ ફરમાવ્યુ અને ઝમીન અને આસ્માન, અંબીયા, મલાએકા, જીન્નાતો, ચરીંદા અને પરીંદા તમામ મઝલુમીયત પર ગિર્યા કરે છે. આ વાતો લખાણ સ્વરૂપે આવી છે, અને મકતલ કહેવાય છે.
મકતલની પહેલી કિતાબ:
ઇમામ સાદિક(અ.સ.)ના ઝમાનામાં સૌથી પ્રથમ ‘અબુ મખ્નફ’ અથવા ‘અબુલ કાસિમ’ અથવા ‘અસ્બગ બિન નોબાતા’ના થકી મકતલની સૌપ્રથમ કિતાબ લખવામાં આવી.
(સહાબાએ રહેમત, લેખક: અબ્બાસ ઇસ્માઇલ યઝદી, પ્રસ્તાવના પાના નં. ૨૫)
ત્યારપછી અસંખ્ય મકતલની કિતાબો લખાણના સંબંધથી આવી, પરંતુ સમયની સાથે ખત્મ થતી ગઇ. હવે ફકત તેના અને તેના સંકલનકર્તાના નામ રેજાલની કિતાબોમાં બાકી છે.
ફારસી ભાષામાં મકતલની પહેલી કિતાબ ચોથી સદીમાં હિજરીમાં અબુ અલી મોહમ્મદ બલ્અમીના થકી સંકલિત થઇ. હકીકતમાં આ કિતાબ ‘તારીખે તબરી’નો ટુંકસાર છે અને ‘તારીખે બલ્અમી’ ના નામથી પ્રખ્યાત છે.
(સહાબાએ રહેમત, લેખક અબ્બાસ ઇસ્માઇલ યઝદી, પ્રસ્તાવના, પાના:૨૫)
ઉલ્લેખનીય છે કે એહલે તસન્નુનના આલિમોએ પણ મકતલની કિતાબ લખી છે અને તેમાંથી ૧૦ થી વધારે કિતાબો ખૂબજ મશ્હૂર છે. જેમાંથી જૂનામાં જૂની મકતલે હુસૈન સંકલન અબૂ મોઅય્યીદ અખ્તબ ખ્વારઝમી છે. આ મકતલ છઠ્ઠી સદી હિજરીમાં લખવામાં આવ્યુ.
મકાતિલના હવાલાઓ:
મકતલનું લખવુ પોતાની સનદોની સાથે વિવિધ સ્ત્રોતો થકી લખાણ સ્વરૂપે આવ્યુ છે. તેમાંથી જ ખૂબ જ મહત્વના સ્ત્રોતો અને હવાલાઓ નીચે પ્રમાણે છે:
૧. રિવાયતો કે જે આ બારામાં અઇમ્મએ હોદા(અ.મુ.સ.)ના દ્વારા વારિદ થઇ છે.
૨. ઇમામ સજ્જાદ(અ.સ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના જુદા-જુદા ખુત્બાઓમાં શહાદતની કરૂણ કથા વર્ણવવામાં આવી છે.
૩. એ લોકો કે જેઓ ઇમામ(અ.સ.)ના લશ્કરમાં હતા પરંતુ શહાદતના ફૈઝથી સદ્ભાગ્યવશ થઇ શક્યા નહી.
૪. દુશ્મોની ફોજના લશ્કરીઓ જેમકે ‘હમીદ બિન મુસ્લીમ’ અને ‘હિલાલ ઇબ્ને નાફેઅ’એ ઇમામ હુસૈન(અ.સ.)ની મઝલૂમી અને એહલેબૈત(અ.મુ.સ.) ની મઝલૂમી તેમજ મસાએબને છુપાવી ન શક્યા. આથી, તેઓએ પણ આંખે જોયેલ અહેવાલ વર્ણન કર્યો છે.
(૫) એવા લોકો કે જેઓ ન તો દુશ્મનના લશ્કરમાં હતા અને ન તો ઇમામ હુસૈન(અ.સ.)ના લશ્કરમાં આવા લોકો પણ ભરોસાપાત્ર ગવાહ છે અને ઘણા બધા બનાવો તેના દ્વારા વર્ણન થયા છે.
કારણકે આ લેખમાં અમારો ઇરાદો કિતાબે ‘મકતલે ખ્વારઝમી’નો પરિચય છે, આથી આ પ્રસ્તાવના રૂપી વાતો પછી હવે મુળભૂત વિષય ઉપર આવીએ છીએ. કિતાબનો પરિચય નીચે પ્રમાણેના મુદ્દાઓ પર આધારિત છે.
૧. કિતાબના (મુસન્નીફ) લેખકનો પરિચય:
૨. કિતાબના પ્રકરણોનો ટુંકો અભ્યાસ.
એહલેબૈત(અ.મુ.સ.)નું ઇલ્મ અને મઆરિફ તથા અઇમ્મા અને ઇમામત તથા ખિલાફતનો ઇતિહાસ આપણા સુધી ધીમે-ધીમે સ્ટેપ બાય સ્ટેપ, છાતીથી છાતી સુધી અઇમ્મા(અ.મુ.સ.) અને પાક આલિમોના દ્વારા પહોંચ્યા છે. ખ્વારઝમીની પરિસ્થીતીઓ અને તેમની ઇલ્મી સંશોધનોનો ઉલ્લેખ અમો મર્હુમ અલ્લામા અમીની(રિઝવાનુલ્લાહે તઆલા)ની કિતાબ (અલ-ગદીર, ભાગ:૪, પાના: ૨૪૦-૨૪૯)થી વર્ણન કરીએ છીએ, એટલા માટે કે આપે ઘણી બધી ચોકસાઇ અને તપાસ કર્યા પછી ભરોસાપાત્ર હવાલાઓ દ્વારા તેને લખી છે. મર્હુમ અલ્લામા અમીનીએ ખ્વારઝમીના સુન્ની હનફી મઝહબ હોવાની સાથે તેમનું ભરોસાપાત્ર અને મોઅતબર તથા બિન-પક્ષપાતિ હોવાનું પણ વર્ણન કર્યુ છે.
નામ:
હાફિઝ અબુલ મોઅય્યીદ અબુ મોહમ્મદ મોવફ્ફેકુદ્દીન બિન અહમદ બિન અબી સઇદ ઇસ્હાક ઇબ્ને મોઅય્યીદ મકકી હનફી ‘અખ્તબે ખ્વારઝમ’થી મશ્હૂર
વિલાદત અને રહેઠાણ:
ખ્વારઝમી હિ.સ. ૪૮૪ માં પૈદા થયા અને ૫૬૮ હિ.સ. માં ઇન્તેકાલ કર્યો. હદીસોને હાસિલ કરવા અને યાદ કરવા માટે એક લાંબી મુદ્દત સફર કરતા રહ્યા અને થોડા સમય માટે મક્કામાં પણ રહ્યા હતા, પરંતુ તેમનું નામ ‘ખતિબે ખ્વારઝમી’ એટલા માટે પ્રખ્યાત થયુ કે તેઓ ખ્વારઝમીના જામે મસ્જીદમાં ખુત્બો આપતા હતા અને વાઅઝો નસીહત કરતા હતા. પોતાની આખરી ઉમ્ર સુધી એ જ શહેરમાં રહ્યા.
મઝહબ અને અકીદો:
ખ્વારઝમી શિઆ ન હતા, ફુરૂએદીનમાં તેઓ હનફી મઝહબના હતા. તેમણે એક કિતાબ ‘મનાકિબે અબૂ હનીફા’ પણ લખી છે. અમૂક લોકોનું વિચારવુ છે કે તેઓ મોઅતઝેલા હતા, પરંતુ તે સહીહ નથી. કારણકે તેમની કિતાબોમાં “અક્લગિરાઇ દેખાતી નથી. અલબત્ત તેમનો લગાવ અને મોહબ્બતે પયગંબરે અકરમ(સ.અ.વ.) અને તેમના એહલેબૈત(અ.મુ.સ.)ની સાથે સાફ દેખાઇ આવે છે. પરંતુ તેમના હનફી મઝહબના હોવામાં કોઇ શંકા કે શક નથી, એટલા માટે કે તેમની કિતાબોમાં તેમનો મઝહબ એકદમ સ્પષ્ટ છે, અને તેમને બંને અકીદાઓને એક કરવાની વારંવાર કોશિશ કરી છે. જેમકે ‘મનાકિબે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)’ અંતર્ગત ખ્વારઝમીએ લખ્યુ છે કે આયશાએ પયગંબર(સ.અ.વ.)ના હવાલાથી નકલ કર્યુ છે કે અબુબક્ર પછી ઉમર પયગંબર(સ.અ.વ.) પછી સૌથી અફઝલ છે. પછી ખ્વારઝમી નકલ કરે છે કે હઝરત ફાતેમા(સ.અ.)એ આયશાને સવાલ કર્યો, કે શા માટે પયગંબર(સ.અ.વ.)એ અલી(અ.સ.)નું નામ ન લીધુ? તો આયશાએ કહ્યુ: એટલા માટે કે અલી (અ.સ.) નફસે પયગંબર છે, અને શું તમે કોઇને જોયા છે કે તે પોતાના જ બારામાં વાતચીત કરે?
(મકતલુલ હુસૈન લિલ ખ્વારઝમી ભાગ:૧
પ્રકરણ:૪, પાના: ૪૩)
આવી રીતે ખ્વારઝમીએ એક જગ્યાએ ઉમર બિન અબ્દુલ અઝીઝથી વર્ણન કર્યુ છે કે તેણે કહ્યુ: મેં ખ્વાબમાં જોયુ કે અબુબક્ર, ઉમર અને ઉસ્માન હિસાબ વગર જન્નતમાં દાખલ થઇ ગયા. મેં ખુદાને પુછ્યુ કે અલી(અ.સ.) ક્યાં છે? તો કહ્યુ કે ‘તેઓ પયગંબરો (અ.મુ.સ.) અને સિદ્દીકીન સાથે અઅ્લા ઇલ્લીયીનમાં છે. પછી તે કહે છે કે મેં યઝીદને જહન્નમની આગમાં જોયો.
આ પ્રકારની રિવાયતો સ્પષ્ટ કરે છે, કે ખ્વારઝમી ખલીફાઓ પર અકીદો રાખવાની સાથો સાથ પયગંબર (સ.અ.વ.)ના ખાનદાનના મકામ અને મરતબાને ઉચ્ચ જાણતો હતો, એટલા માટે તેની કિતાબોમાં ઘડી કાઢેલી હદીસો પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, આથી એ વાત પર ધ્યાન રહે કે તેણે જે મકતલ લખ્યુ છે, તે ઘણી બધી હદ સુધી સય્યદ ઇબ્ને તાઉસના મકતલની જેવુ છે. અલબત્ત તેમાં ઇફરાત એટલે કે અતિશ્યોક્તિ થી નજદીક છે.
મકતલનો પરિચય:
કિતાબનું નામ: મકતલુલ્ હુસૈન(અ.સ.)
એસોસિએશન ઓફ ઇમામ મહદી(અ.સ.), મુંબઇની ઇમામ મહદી(અ.સ.) લાઇબ્રેરીના ૩૫૩૨ નંબરની કોપી અમારી સામે છે. પ્રથમ હિસ્સો અને બિજો હિસ્સો અલ્લામા કબીર શૈખ મોહમ્મદ સમાવીના સંશોધન પછી એક જ ભાગમાં મન્શૂરાત મકતબતુલ મુફીદ, કુમ, ઇરાનથી પ્રકાશિત થઇ છે. શોધ સંશોધન હિ.સ. ૧૩૬૭ માં નજફે અશરફમાં થઇ છે. તહેકીક કરનાર મૌસૂફ (અલ્લામા સમાવી)એ લખ્યુ છે કે આ કિતાબ પર જ્યારે મેં કામ કરવા ચાહ્યુ તો કિતાબની કોપી ઇરાકમાં પ્રાપ્ય ન હતી, આથી અલ્લામા અમીની (કિતાબ અલ ગદીરના લેખક)એ મને એક કોપી પ્રાપ્ત કરાવી અને શોધખોળ અને તપાસ બાદ તેમને પાછી આપી દીધી. અલ્લામા સમાવીએ ખ્વારઝમીની જીંદગીના હાલાતના બારામાં અલ્લામા અમીની(ર.અ.)ની કિતાબ ‘અલ ગદીર’ તરફ રૂજુ થવા ભાર મુકયો છે. આથી અમે ટુંકાણની સાથે ‘અલ ગદીર’માંથી ખ્વારઝમીના ઉસ્તાદો અને શાગિર્દો તથા ઇલ્મી કાર્યો પર પ્રકાશ ફેંકીશુ અને પછી ‘મકતલુલ હુસૈન’નો અભ્યાસ કરીશુ.
ખ્વારઝમીના ઉસ્તાદો અને બુઝુર્ગો:
અલ્લામા અમીની(અ.ર.)એ ૩૫ ઉસ્તાદોના નામ લખ્યા છે, આપણે ફકત અમુકને પુરતા ગણીશુ.
૧. હાફિઝ નજમુદ્દીન ઉમર બિન મોહમ્મદ બિન અહમદ નસ્ફી (વફાત હિ.સ. ૫૩૭)થી ઇલ્મ હાસિલ કર્યુ અને હદીસો વર્ણન કરી.
૨. અબુલ કાસિમ, સબલ્લાહ, મહેમૂદ ઇબ્ને ઉમર ઝમખ્શરી (વફાત હિ.સ. ૫૩૮)ની પાસેથી અદબિય્યાતનું ઇલ્મ હાસિલ કર્યુ તથા હદીસો પ્રાપ્ત કરી.
૩. અબુલ હસન, અલી ઇબ્ને હુસૈન ગઝ્નવી, બુરહાનના લકબથી મશ્હૂર (વફાત હિ.સ. ૫૫૧)
૪. અબૂલ ફરજ, શમ્સુલ અઇમ્મા, મોહમ્મદ ઇબ્ને અહમદ મક્કી, તે ખ્વારઝમીના ભાઇ હતા, જેનો ઉલ્લેખ મકતલમાં કર્યો છે. પોતાના ભાઇની બુઝુર્ગી અને મહાનતા માટે આ અલ્કાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિરાજુદ્દીન, રૂકનુલ ઇસ્લામ, શમ્સુલ અઇમ્મા, ઇમામુલ હરમૈન, પોતાના ભાઇથી લખીને રિવાયતો નકલ કરી છે. બાકીનાઓની વિગત માટે રૂજુ કરે ‘અલ ગદીર’ ભાગ-૪.
ખ્વારઝમીના શાગિર્દો:
નીચે પ્રમાણે અમુક શાગિર્દોના નામ જોઇએ:
૧. બુરહાનુદ્દીન, અબુલ મકારિમ, નાસિર ઇબ્ને અબિલ મકારિમ, અબ્દુસ્સૈયદ, મતરઝી ખ્વારઝમી, હનફી (હિ.સ. ૫૩૮ થી ૬૧૦)
૨. મુસ્લીમ ઇબ્ને અલી, ઇબ્ને અખ્તએ મનાકીબે ખ્વારઝમીનું બયાન કર્યુ છે.
૩. શૈખ અબુર રેઝા, તાહિર ઇબ્ને અબિલ મકારિમ, અબ્દુસ્સૈયદ ઇબ્ને અલી.
૪. અબૂ જઅ્ફર, મોહમ્મદ ઇબ્ને અલી ઇબ્ને શહ્રે આશોબ, સરવી, માઝન્દરાની (વફાત હિ.સ. ૫૮૮) ખ્વારઝમી સાથે પત્ર-વ્યવ્હાર કરતા હતા.
૫. શૈખ અબૂ મોહમ્મદ, અબ્દુલ્લાહ ઇબ્ને જઅ્ફર ઇબ્ને મોહમ્મદ હુસૈનીએ કિતાબ મનાકિબને લેખક (ખ્વારઝમી)થી રિવાયત કરી છે.
ખ્વારઝમીની સંકલનો:
ખ્વારઝમી, ફિકહનું ઇલ્મ તથા હદીસ, ઇતિહાસ અને સાહિત્ય તથા તમામ વિવિધ ઇલ્મોમાં નિષ્ણાંત હતા. અને તેની ખ્યાતિ તેની જીંદગીમાંજ દુનિયાના ખુણે-ખુણે પહોંચી ગયેલ હતી. તેણે ઘણી બધી કિતાબો લખી છે, પરંતુ જે પ્રખ્યાત છે અને અમારી સુધી પહોંચી છે, તેમાંથી અમુકના નામ નીચે મુજબ છે.
૧. મનાકીબે ઇમામ અબુ હનીફા : બે ભાગમાં હૈદરાબાદ (દકકન)થી હિ.સ. ૧૩૨૧માં પ્રકાશિત થઇ.
૨. રદ્દેશમ્સ બરાયે અમીરૂલ મોઅમેનીન(અ.સ.): અબૂ જઅ્ફર, ઇબ્ને શહેરે આશોબએ પોતાની મનાકિબમાં ભાગ-૧, પાના નંબર: ૪૮૪ પર આ કિતાબનો ઉલ્લેખ કર્યો છે.
૩. કિતાબે અરબઇન: પયગંબર(સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના મનાકિબમાં ખ્વારઝમીએ મકતલમાં આ કિતાબનો ઉલ્લેખ કર્યો છે, અને ઇબ્ને શહરે આશોબએ આ કિતાબથી રિવાયત કરી છે.
૪. કિતાબ કઝાયાએ અમીરૂલ મોઅમેનીન: ઇબ્ને શહરે આશોબએ મનાકિબના ભાગ-૧માં પાના નંબર: ૪૮૪ પર આનો ઉલ્લેખ કર્યો છે.
૫. દિવાને શેર: ચલ્પીએ કશ્ફુઝ્ઝુનૂન ભાગ-૪, પાના નંબર: ૫૨૪ પર તેનો ઉલ્લેખ કર્યો છે.
૬. કિતાબ ફઝાએલે અમીરૂલ મોઅમેનીન, મનાકિબના નામથી મશ્હુર છે, તે હિ.સ. ૧૩૨૪ માં પ્રકાશિત થઇ છે.
રાવીઓનો સિલસિલો:
અલ્લામા અમીની ફરમાવે છે: મેં મનાકિબે ખ્વારઝમી કિતાબને પોતાના સમયના તાએફાએ ફકીહ અલ્વી શિયાઓથી ખ્વારઝમી સુધી આવી રીતે (સાંકળબંધ) સિલસિલાવાર રિવાયત કરી છે: આયતુલ્લાહ હાજી આકા હુસૈન કુમ્મી (વફાત ૧૪ રબીઉલ અવ્વલ હિ.સ. ૧૩૬૬)થી રિવાયત, તેઓએ અલ્લામા અકબર સય્યદ મુર્તઝા કશ્મીરી (વફાત હિ.સ. ૧૩૨૩)થી, તેઓએ સય્યદ મહદી કઝવીની (વફાત હિ.સ. ૧૩૦૦)થી, તેઓએ પોતાના કાકા સય્યદ મોહમ્મદ બાકિર ઇબ્ને અહમદ કઝવીની (વફાત હિ.સ. ૧૨૪૬)થી, તેઓએ પોતાના મામા સય્યદ મોહમ્મદ મહદી બહરૂલ ઉલૂમ (વફાત હિ.સ. ૧૨૧૨)થી, તેઓએ પોતાના ઉસ્તાદે અકબર બહબહાની (વફાત હિ.સ. ૧૨૦૮)થી, તેઓએ પોતાના વાલિદ અકમલ બહબહાનીથી, તેઓએ જમાલુદ્દીન ખ્વાનસારી (વફાત હિ.સ. ૧૧૨૫)થી, તેઓએ અલ્લામા તકી મજલીસી (વફાત હિ.સ. ૧૦૭૦)થી, તેઓએ શૈખ જાબિર ઇબ્ને અબ્બાસ નજફીથી, તેઓએ મોહક્કીક કર્કી શહીદ (વફાત હિ.સ. ૯૪૦)થી, તેઓએ શૈખ ઝૈનુદ્દીન અલી ઇબ્ને હિલાલ જઝાએરીથી, તેઓએ શૈખ અબુલ અબ્બાસ અહમદ ઇબ્ને ફહ્દે હીલ્લી (વફાત હિ.સ. ૮૪૧)થી, તેઓએ શૈખ શરફુદ્દીન અબુ-અબ્દીલ્લાહ હિલ્લી અસદી (વફાત હિ.સ. ૮૨૬)થી, તેઓએ શૈખ વ ઉસ્તાદ શહીદે અવ્વલ (વફાત હિ.સ. ૭૮૬)થી, તેઓએ રઝાઉદ્દીન અબુલ હસન અલ ફરીદી અલ હિલ્લી (વફાત હિ.સ. ૭૫૭)થી, તેઓએ આયતુલ્લાહ અલ્લામા હિલ્લી (વફાત હિ.સ. ૭૨૬)થી, તેઓએ શૈખ નજીબુદ્દીન યહ્યા ઇબ્ને અહમદ હિલ્લી (વફાત હિ.સ. ૬૮૯)થી, તેઓએ સય્યદ અબૂ મોહમ્મદ અબ્દુલ્લાહ ઇબ્ને જઅ્ફર હુસૈનીથી અને તેઓએ કિતાબના લેખક ખ્વારઝમીથી.
અલ્લામા હિલ્લીએ બીજા તરીકાથી પણ આ રીતે વર્ણન કર્યુ છે: બુરહાનુદ્દીન અબુલ મકારિમ નાસિર ઇબ્ને અબિલ મકારિમથી, તેઓએ અબુલ મોઅય્યદ ખ્વારઝમીથી રિવાયત કરી છે.
અલ્લામા અમીનીએ ‘મનાકિબે અમીરૂલ મોઅમેનીન’ના સનદના આ સિલસિલાને મહત્વની બુનિયાદ પર લખ્યા છે અને તેની આગળ આપે સાતમી સદી હિજરીથી ચઉદમી સદી હિજરી સુધીના અમુક અહલે તસન્નુનના ઓલમાનો ઉલ્લેખ કર્યો છે, જેઓએ મનાકિબમાંથી રિવાયતો વર્ણન કરી છે.
મકતલે ખ્વારઝમીના વિષયો:
ખ્વારઝમીએ આ કિતાબની ગોઠવણી ૧૫ ફસ્લમાં અને બે ભાગમાં કરી છે, તેના નામ નીચે મુજબ છે:
પ્રથમ ભાગ:-
ફસ્લ (૧) ફી ઝિક્રે શય્ઉન્ મીન ફઝાએલીન્નબી (સ.અ.વ.) (નબીએ કરીમ(સ.અ.વ.)ના અમૂક ફઝાએલ)
ફસ્લ (૨) ફઝાએલે ઉમ્મુલ મોઅમેનીન ખદીજા (સ.અ.)
ફસ્લ (૩) ફઝાએલે ફાતેમા બીન્તે અસદ(સ.અ.)
ફસ્લ (૪) અમીરૂલ મોઅમેનીન(અ.સ.) અને તેમની પવિત્ર ઝુર્રીયતના ફઝાએલના અમુક નમુના
ફસ્લ (૫) ફાતેમા ઝહરા(સ.અ.)ના ફઝાએલ
ફસ્લ (૬) હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.)ના ફઝાએલ
ફસ્લ (૭) ઇમામ હુસૈન(અ.સ.)ના મખ્સુસ ફઝાએલ
ફસ્લ (૮) ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત વિશે રસુલે ખુદા(સ.અ.વ.)ની ખબરો
ફસ્લ (૯) ઇમામ હુસૈન(અ.સ.)અને વલીદ તથા મરવાનની દરમીયાન મોઆવીયાની જીંદગીમાં અને ત્યાર બાદ જે કાંઇ બન્યુ તે
ફસ્લ (૧૦) ઇમામ હુસૈન(અ.સ.)નુ મક્કા જવુ અને કુફાવાસીઓના પત્રનો આવવુ તથા મુસ્લીમ બીન અકીલની શહાદત
ફસ્લ (૧૧) મક્કાથી ઇમામ હુસૈન(અ.સ.)ની સફર અને ઇરાકની સફર દરમીયાનના બનાવો અને આખરે કરબલામાં શહાદત
બીજો ભાગ:-
ફસ્લ (૧૨) ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો તથા ઇમામ(અ.સ.)ની મદદ ન કરવાવાળાનો અંજામ અને કાતિલો પર લઅ્નત
ફસ્લ (૧૩) મુસીબત અને સોગવારી તથા માતમ અને સીનાઝનીનો ઝિક્ર
ફસ્લ (૧૪) આપ(અ.સ.)ની તુરબતની ઝિયારત
ફસ્લ (૧૫) મુખ્તારે સકફીનો કયામ અને કાતિલોથી બદલો લેવો
ધ્યાન આપવા જોગ:
ખ્વારઝમીએ જો કે આ કિતાબનુ નામ મકતલ રાખ્યુ છે, પરંતુ આ કિતાબના મતાલિબને જોયા પછી એ વાત સમજમાં આવે છે કે લગભગ બે તૃત્યાંશ મતાલિબ મકતલથી સંબંધિત નથી. પરંતુ પેહલા હિસ્સામાં એહલેબૈત(અ.મુ.સ.)ના મનાકીબ, બીજા હિસ્સામાં કરબલાના બનાવો અને શહાદત તથા ત્રીજામાં મુખ્તારનો કયામ અને કાતિલોથી બદલો લેવાનો ઉલ્લેખ છે.
આ કિતાબમાં ૧૧ મું પ્રકરણ અસ્લમાં ‘મકતલ’ છે.
મહત્વની વાત:
ઇમામ હુસૈન(અ.સ.)નુ મદીનાથી નીકળીને મક્કા આવવુ અને પછી મક્કાથી ઇરાક પહોંચવા સુધીના એહવાલને ખ્વારઝમીએ મોટા ભાગે “તારીખે ઇબ્ને અઅસમે કુફી થી વર્ણન કર્યુ છે, અને રોઝે આશુરાના બનાવોને “મકતલે અબુ મખનફ થી, અલબત્ત અન્ય રાવીઓ અને ઇતિહાસકારોનો પણ ઉલ્લેખ છે. પરંતુ ઇબ્ને અઅસમે કુફી અને અબુ મખનફ મુળભુત સ્ત્રોત છે. એક અન્ય વાત પણ ધ્યાનને પાત્ર છે, ખ્વારઝમીએ ઇબ્ને અઅસમે કુફીના લખાણને શબ્દશ: વર્ણન નથી કર્યુ પરંતુ શબ્દો અને વાક્યોને અમુક મૌકા પર બદલી નાખ્યા છે, અલબત્ત અર્થ નથી બદલ્યા.
મકતલે ખ્વારઝમી, મકતલે સય્યદ ઇબ્ને તાઉસ “લોહુફ થી લગભગ એક સદી પેહલા લખવામાં આવી છે. ખ્વારઝમીની વફાત હિ.સ. ૫૬૮ માં છે અને સય્યદ ઇબ્ને તાઉસની વિલાદત હિ.સ. ૫૮૯ માં છે અને તેમાં જૂનામાં જૂના સ્ત્રોતોનો ઉપયોગ થયો છે, અને ખ્વારઝમી એક સુન્ની હનફી આલીમ છે, એટલા માટે આ કિતાબનું એક અલગ રીતે મહત્વ છે. શીયા આલીમો ખ્વારઝમીને એહતેરામની દ્રષ્ટિએ જુએ છે. ઇબ્ને અઅસમે કુફીની હિ.સ. ૩૧૪ માં વફાત થઇ અને તે મશ્હુર ઇતિહાસકાર તબરી અને યાકુબીના સમકાલીન હતા. ઇબ્ને અઅસમ શીયા ન હતો પરંતુ તેનુ સુન્ની હોવુ ઇબ્ને સઅદ, તબરી અને ઇબ્ને કસીરની જેમ ન હતુ, અને કારણ કે કુફાનો રેહવાસી હતો એટલે એહલેબૈત(અ.મુ.સ.) પ્રત્યે તેનુ વલણ અને જુકાવ વધારે હતો.
અગીયારમું પ્રકરણ:
જેમ કે અમે લખ્યુ કે અગીયારમું પ્રકરણ જ હકીકતમાં મકતલ પર આધારિત છે એટલા માટે એક ટૂંકી નજર એ પ્રકરણના મતાલિબ પર નાખીએ છીએ.
ઇમામ હુસૈન(અ.સ.)એ મંગળવારના દિવસે, ૮મી ઝીલ્હજ એટલે કે તરવીયાના દિવસે બયતુલ્લાહના ઘરનો તવાફ કર્યો પછી સફા અને મરવામાં સઇ કરી અને ૮૨ જણા કે જેમાં આપના શીયા અને દોસ્તો તેમજ એહલેબૈત હતા તેમની સાથે મક્કાથી નીકળી ગયા. અહીં ખ્વારઝમીએ એ તમામ લોકોનો ઉલ્લેખ કર્યો છે જે ઇમામ હુસૈન(અ.સ.)ને મળવા માટે આવ્યા અને ઇમામ(અ.સ.)ને રોકવા ચાહ્યુ અથવા બીજો કોઇ મશ્વેરો આપ્યો. અલ-મુન્તઝરના વિવિધ અંકોમાં આ બનાવોનું વર્ણન થયેલ છે.
પછી મક્કાથી કરબલા સુધીની મંઝિલનો ઝિક્ર છે, જેમકે પેહલી મંઝિલ તનઇમ અને… પછી મંઝિલે ઝાતે અર્ક પર બશર બીન ગાલીબ કે જે ઇરાકના બની અસદના કબીલામાંથી હતા તેમની સાથે મુલાકાત અને તેની પાસેથી ઇરાકની પરિસ્થિતિ જાણવી. ફરઝદક સાથે મુલાકાત અને એ તમામ બનાવો જે મક્કાથી કરબલા સુધી બન્યા છે, ખ્વારઝમીએ વર્ણન કર્યા છે.
ત્યાર પછી બીજી મોહર્રમના કરબલામાં દાખલ થવાથી લઇને આશુરાના દિવસે ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને તમામ શોહદાએ કરબલાની શહાદતનો ઉલ્લેખ ખ્વારઝમીએ કર્યો છે. એ તમામ ખુત્બાઓ જે ઇમામ હુસૈન(અ.સ.)એ બીજી મોહર્રમથી આશુરા સુધી આપ્યા છે, તેનો પણ ઉલ્લેખ છે.
લેખના અંતમાં ટૂંકમાં એક વાકેઓ વર્ણન કરીએ છીએ, જેનાથી માલુમ થાય છે કે બાતિલને વળગી રેહવાવાળો પોતાની ખરાબીને હક પર થોપી દેવાની કોશિશ કરે છે. આજે પણ યઝીદના મદદગાર શીમ્રની પૈરવીમાં પોતાની ખરાબીનું પ્રદર્શન કરે છે.
શીમ્ર ખબીસ છે:
ખ્વારઝમી (મકતલે ખ્વારઝમી, ભાગ: ૧, પાના: ૨૫૧) એ વાકેઓ બયાન કર્યો છે કે શબે આશુર ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબો ઇબાદતમાં મશ્ગુલ હતા કે અડધી રાતના શીમ્ર ઇબ્ને ઝિલજવશન પોતાના અમુક સિપાહીઓની સાથે ઇમામ હુસૈન (અ.સ.)ના ખૈમાઓની નજદીક જાસુસી કરવા માટે આવ્યો તો તેણે ઇમામ હુસૈન(અ.સ.)ને આ આયત પઢતા સાંભળ્યા:
વલા યહ્સબન્નલ્લઝીન કફરૂ અન્નમા નુમ્લી લહુમ્ ખય્રૂન્ લે અન્ફોસેહીમ્ ઇન્નમા નુમ્લી લહુમ્ લે યઝદાદુ ઇસ્મા, વ લહુમ્ અઝાબુમ્ મોહીન. મા કાનલ્લાહો લે યઝરલ્ મોઅ્મેનીન અલા મા અન્તુમ્ અલય્હે હત્તા યમીઝલ્ ખબીસ મેનત્તય્યેબે
(સુરે આલે ઇમરાન(૩): ૧૭૮,૧૭૯)
જે લોકોએ કુફ્ર કર્યુ તેઓ હરગીઝ એમ વિચારે નહી કે અમે તેઓને જે મોહલત આપી છે તે તેમના હકમાં બેહતર છે, (જો કે) અમે તેઓને મોહલત ફક્ત એટલા માટે આપી છે, જેથી તેઓ હજી વધારે ગુનાહો કરી લે અને આખરે તો તેઓના માટે ઝલીલ કરવાવાળો અઝાબ છે. અલ્લાહ એવો નથી કે ખબીસ અને પાકનો ફરક કર્યા વિના જે હાલત પર તમે છો એજ હાલત પર મોઅમીનોને છોડી દે….
આ સાંભળીને શીમ્રનો એક સાથી સામે આવ્યો અને કહ્યું: કાબાના રબની કસમ! અમે તય્યબમાંથી છીએ અને તમે ખબીસમાંથી છો અને અમે તમારાથી અલગ છીએ. બુરૈર બીન ખુઝૈર હમદાનીએ તેની વાતને કાપી અને ચીલ્લાવા લાગ્યા: અય ફાસીક! અય ફાજીર! અય દુશ્મને ખુદા! અય પાછળથી પેશાબ કરવાવાળીના દિકરા! (અરબી લખાણમાં યબ્ન બવ્વાલ અલા અકેબય્હે અરબ લોકોમાં એક ગાળ છે, જેનો અર્થ છે અય એવી ઔરતના દિકરા જેને હૈઝ પાછળથી આવે છે. એક અર્થ આ કૌલનો એ પણ છે કે પીઠ દેખાડીને ભાગી જવાવાળા જેનુ પેશાબ નીકળી જાય તેનો દિકરો) તું તય્યબમાંથી છો અને હુસૈન ઇબ્ને રસુલુલ્લાહ (સ.અ.વ.) ખબીસમાંથી? ખુદાની કસમ તમે જાનવર છો, જે તમારા મોઢામાં આવે છે તેને છોડતા નથી અને કહી નાખો છો. અય દુશ્મને ખુદા હું તમને ખબર આપુ છું કયામતમાં ઝિલ્લત અને રૂસ્વાઇની અને દર્દનાક અઝાબની. પછી શીમ્ર આગળ આવ્યો અને કહ્યું: ચોક્કસ! ખુદા તમને અને તમારા સાથીઓને નજદીકમાં જ કત્લ કરશે. બુરૈરે કહ્યું: શું તું મને મૌતથી ડરાવે છે? ખુદાની કસમ! તમારી સાથે જીવતા રેહવા કરતા રસુલુલ્લાહ(સ.અ.વ.)ના ફરઝંદની સાથે મૌતને હું પસંદ કરૂ છું, ખુદાની કસમ! મોહમ્મદ(સ.અ.વ.) અને તેમની આલની શફાઅત એ લોકોને નહી હાસિલ થાય જેઓએ પૈગમ્બરની ઝુર્રીયત અને તેમના એહલેબૈત (અ.મુ.સ.)નું ખુન વહાવ્યું…..
(મકતલે ખ્વારઝમી, ભાગ: ૧, પાના: ૨૫૧)
ત્યાર પછી ઇમામ હુસૈન(અ.સ.)એ રસુલે ખુદા (સ.અ.વ.)ની આ આગાહીનો ઉલ્લેખ કર્યો જે આપને રસુલે ખુદા(સ.અ.વ.)એ ખ્વાબમાં આપી હતી કે એક ‘રજોલે અબ્રસ’ તેમને કત્લ કરશે. રજોલે અબ્રસ સફેદ દાગવાળો શીમ્ર હતો.
ખુદાની લઅનત થાય ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો ઉપર અને જે લોકો ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોની તરફેણ કરે છે તેઓના ઉપર પણ અલ્લાહની લઅનત થાય.
ખુદાયા! અમને બુરૈરે હમદાનીની દુઆઓમાં શામિલ ફરમાવ અને ઇમામે વક્તની સાથે અને તેમની મોહબ્બત, વિલાયત, લુત્ફો કરમ અને ઇનાયતોના છાયામાં જીંદગી અને મૌત અતા કર.
અલ્લાહુમ્મ અજ્જીલ લે વલીય્યેકલ ફરજ, વજ્અલ્ના મિન અન્સારેહી વ અઅ્વાનેહી
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *