Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૮

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ૧૦

Print Friendly, PDF & Email

(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ હિ.સ. ૧૪૩૭ અગાઉના અંકથી શરૂ)
અસ્સલામો અલલ મુજર્રએ બે કાસાતે મરારાતિર્રેમાહે
સલામ થાય એમના ઉપર જેમને પ્યાસની શિદ્દતમાં નેઝાની અણીઓના કડવા ઘુંટ પિવડાવવામાં આવ્યા.
અલ મુજર્રઅ એટલે જેને ઘુંટ પિવડાવવામાં આવે છે. તે બાબે તફઇલનું ઇસ્મે મફઉલ છે. અરબી ડીક્ષનરીમાં પીવા માટે જુર્રઅ ઉપયોગ કરવામાં આવે છે અને ખાવા માટે બલઅ અને કાસા એટલે પ્યાલો અને કાસાત તેનુ બહુવચન છે. મરારાત એ મુર્રઅનું ંબહુવચન છે એટલે કડવું અને રેમાહ એટલે નેઝાની અણી.
જે સમયે ઇમામ હુસૈન(અ.સ.) ઘોડાની પીઠ પરથી કરબલાની જમીન પર તશ્રીફ લાવ્યા, આપ ત્રણ દિવસના ભુખ્યા અને તરસ્યા હતા, રીશ્તેદારો અને મદદગારોની લાશોને ઉઠાવીને ઝહરા(સ.અ.)ના લાલનું ંપવિત્ર શરીર સુકાય ગયેલી લાકડીની જેમ થઇ ચુક્યું હતુ. આવી હાલતમાં અશ્કીયા ઇમામ હુસૈન(અ.સ.)ને નેઝાની અણીઓ ચુભાવી ચુભાવીને મેણા મારતા હતા. એટલા માટે ઇમામે ઝમાના(અ.સ.)એ ચુભવા માટે દર્દનાક નહી પરંતુ શબ્દ કડવા ઉપયોગ કર્યો છે. સય્યદુશ્શોહદા(અ.સ.)નુ એક વાક્ય આ કડવાશનુ બેહતરીન અર્થઘટન કરે છે.
અમા તરવ્ન એલા માઈલ્ ફુરાતે યલુહો કઅન્નહુ બોતુનુલ્ હય્યાત યશ્રેબોહુલ્ યહુદો વન્નસારા વલ્ કેલાબે વલ્ ખનાઝીરે વ આલો રસુલો યમુતુન અતશા
શું તમે નથી જોઇ રહ્યા, ફુરાતના પાણીની તરફ કે કેવી રીતે તે પોતાને દર્શાવી રહ્યું છે, તેના સાફ મોજાઓ માછલીના પેટોની જેમ છે. યહુદી અને નસારા, કુતરા અને સુવ્વર બધા તેનાથી તૃપ્ત થઇ રહ્યા છે અને આલે રસુલ(સ.અ.વ.) પ્યાસી મરી રહી છે.
(સોગનામાએ આલે મોહમ્મદ(અ.મુ.સ.), પાના: ૩૫૧ / નહજુશ્શહાદાતમાંથી વર્ણન, પાના: ૧૮૯)
વ કાલલ્ બાકેરો(અ.સ.): ઓસીબલ્ હુસૈનો વ વોજેદ બેહી સલાસો મેઅતીન્ વ બીઝઉન વ ઇશ્રૂન તઅનતન્ બેરૂમ્હીન વ ઝર્બતન્ બેસય્ફીન્ અવ્ રમ્યતન્ બેસહ્મીન વ રોવેય સલાસો મેઅતીન્ વ સીત્તુન જેરાહતીન્
ઇમામ બાકિર(અ.સ.) ફરમાવે છે: ઇમામ હુસૈન (અ.સ.) ઘોડા પરથી પડ્યા અને ભાલાની અણીઓથી તેમના બદન પર ૩૨૦ અથવા તેનાથી પણ વધારે ઝખ્મ હતા. એક અન્ય રિવાયતમાં છે કે ૩૬૦ ઝખ્મો હતા.
(બેહારૂલ અન્વાર, ભાગ: ૪૫, પાના: ૫૨)
અસ્સલામો અલલ્ મુસ્તઝામીલ્ મુસ્તબાહે
સલામ થાય એના પર જેને ઝુલ્મો સિતમનું નિશાન બનાવવામાં આવ્યું અને તેમના ખૈમાઓની સાથો સાથ લિબાસને પણ લુટી લેવામાં આવ્યો.
અલ-મુસ્તઝામના મૂળ અક્ષરો છે ઝવાદ-યે-મીમ અને તે બાબે ઇસ્તીફઆલનુ ઇસ્મે મફઉલ છે. ઝયમનો મતલબ છે ઝુલ્મ. ઝામહુ હક્કહુ એટલે તેનો હક છીનવામાં આવ્યો અને મુસ્તઝામ એટલે એવો મઝલુમ જેનો હક છીનવાયો હોય.
અલ-મુસ્તબાહના મૂળ શબ્દ બ-વ-હ છે અને તે પણ બાબે ઇસ્તીફઆલનુ ઇસ્મે મફઉલ છે. અહી મુરાદ એ છે કે ઇમામ હુસૈન(અ.સ.)ની પાસે જે કાંઇ હતુ તેને અશ્કીયાઓએ માલે ગનીમત અને હલાલ માલ સમજી લુટી લીધો ત્યાં સુધી કે આપના મુકદ્દસ શરીર પર જે લિબાસ હતો તેને પણ ઉતારી લીધો. ઝુલ્મની હદ તો એ સમયે થઇ કે જ્યારે ઝાલિમોએ એહલે હરમનો માલ અને અસ્બાબ લુટવાનું શરૂ કર્યુ, ત્યાં સુધી કે સકીના(સ.અ.)ના કાનના ગોશ્વારા પણ છીનવી લીધા.
(એ વાત વારંવાર યાદ દેવરાવવી જરૂરી છે કે આ ઝિયારતના તમામ વાક્યો ઇમામે ઝમાના(અ.સ.)ની ઝબાનથી જારી થયા છે, જે આજે પણ કરબલાના બનાવોને ઇસ્મતની આંખોથી જોઇ રહ્યા છે)
અસ્સલામો અલલ્ મહ્જુરે ફીલ્ વરા
સલામ થાય એમના ઉપર કે તમામ ઇન્સાનોએ જેમનાથી ફરાર ઇખ્તેયાર કરી (મતલબ કે એકલા છોડી દીધા)
અલ-મહ્જુરના મૂળ શબ્દ છે હ-જ-ર અને તે સોલાસી મુજર્રદનુ ઇસ્મે મફઉલ છે. એટલે કે જેનાથી ફરાર કરવામાં આવે. વરા એટલે તમામ ઇન્સાન.
તમામ લોકોએ ઇમામ હુસૈન(અ.સ.)થી ફરાર કરી હુસૈન(અ.સ.)ને એકલા છોડી દીધા.
મકતલમાં એક અજીબ દિલને બાળીનાખનાર વાક્ય મળે છે. ઇમામ(અ.સ.) કિનારે તશ્રીફ લાવ્યા જેથી થોડો આરામ કરી લે. એક કિનારે ઉભા હતા કે અચાનક એક મોટો પત્થર દુશ્મનની તરફથી આવ્યો અને આપ(અ.સ.)ની મુબારક પેશાની પર લાગ્યો, ખુન વેહવા લાગ્યું. જેવુ ઇમામ(અ.સ.)એ ચાહ્યું કે પોતાના દામનથી ખુનને સાફ કરે એક ઝહેરવાળુ, ત્રણ ભાલવાળુ તીર આવીને આપના પેટ મુબારક પર લાગ્યું.
ફ કાલલ્ હુસૈનો(અ.સ.) બિસ્મીલ્લાહે વબીલ્લાહે વ અલા મીલ્લતે રસુલીલ્લાહે વ રફઅ રઅ્સહુ એલસ્સમાએ વ કાલ ઇલાહી ઇન્નક તઅ્લમો અન્નહુમ યક્તોલુન રજોલન્ લય્સ અલા વજ્હીલ્ અર્ઝે ઇબ્નો નબીય્યીન ગય્રોહુ
ઇમામ(અ.સ.)એ અવાજ આપી: બિસ્મીલ્લાહે વબીલ્લાહે વ અલા મીલ્લતે રસુલીલ્લાહે પછી આપ(અ.સ.)એ પોતાનુ સર આસ્માન તરફ ઉઠાવ્યુ અને ફરમાવ્યુ: પરવરદિગારા! તું જાણે છે કે આ લોકો એ શખ્સને કત્લ કરી રહ્યા છે, કે જમીન પર જેના સિવાય કોઇ પૈગમ્બરના ફરઝંદ નથી. પછી ઇમામ (અ.સ.)એ તીરને બહાર ખેંચ્યુ અને ખુનનો ફુવારો વહેવા લાગ્યો.
(નફસુલ મહમુમ, પાના: ૧૯૧, શૈખ અબ્બાસ કુમ્મી(ર.અ.) / અઅયાનુશ્શીઆ, ભાગ: ૧, પાના: ૬૧૦, સય્યદ મોહસીન અમીન અલ આમેલી(ર.અ.) / લોહુફ ફી કત્લીત્તોફુફ, સય્યદ ઇબ્ને તાઉસ(ર.અ.), પાના: ૧૧૯-૧૨૧)
અહી એક વાત કહેવી અસ્થાને નહી ગણાય અને તે એ છે કે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના તમામ અઇમ્મા(અ.મુ.સ.)ની મઝલુમીય્યતનુ એક પાસુ એ છે કે તેમના ઝમાનાના લોકોએ તેમનાથી દૂરી રાખી. કુર્આને કરીમમાં સુરે ફુરકાનની ૩૦મી આયત
વ કાલર્રસુલો યા રબ્બે ઇન્ન કવ્મીત્તખઝુ હાઝલ્ કુર્આન મહ્જુરા
અને (કયામતના દિવસે) રસુલ કહેશે, પરવરદિગારા! બેશક મારી કૌમે આ કુર્આનથી ફરાર અપનાવી છે.
આ આયતની નીચે તફસીરે નોઅમાનીમાં આવ્યું છે કે અહી મહ્જુરથી મુરાદ અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) અને તેમના પછી અન્ય મઅસુમીન અઇમ્મા(અ.મુ.સ.) છે.
અસ્સલામો અલલ્ મુફ્તરેદે બીલ્ અરાએ
સલામ એમના પર જેમને એવી રીતે બરેહના છોડી દેવામાં આવ્યા કે જેની મિસાલ નથી મળતી.
જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા, બેરહેમ દુશ્મન જે ફક્ત અને ફક્ત દુનિયાની લાલચમાં ઇમામ(અ.સ.)નો લિબાસ તેમના શરીર પર બાકી રહેવા ન દીધો અને ખુનમાં ડુબેલ ઇમામ (અ.સ.)ની લાશ કરબલાની ગરમ સરઝમીન પર બરેહના છોડીને ચાલ્યા ગયા.
બહર બીન કઅબએ એક લિબાસ ઉતારી લીધો, અખનસ બીન મરસદે માથા પરથી અમામો ઉતારી લીધો, અસ્વદ ઇબ્ને ખાલીદે નઅલૈન ઉતારી લીધી, બજદલ ઇબ્ને સાલીમએ અંગુઠી ઉતારવાની કોશિશ કરી, જ્યારે અંગુઠી નીકળી નહી તો લઇને આપ (અ.સ.)ની આંગળી કાપીને અંગુઠી ઉતારી લીધી. ઉમર બીન સઅદે આપ(અ.સ.)ની ઝીરા ઉતારીને રાખી લીધી, જમીઅ ઇબ્ને ખલકએ આપ(અ.સ.)ની તલવાર રાખી લીધી પછી કયામતનુ એ મન્ઝર હતુ કે ટોળે ટોળા હુસૈની ખૈમા પર હુમલો કરી રહ્યા હતા અને સયદાનીઓને લુટી રહ્યા હતા, ત્યાં સુધી કે નબુવ્વતના ખાનદાનની નામુસોની કમર પર જે ચાદરો પહેરેલી હતી તેને પણ છીનવી લીધી. એહલે હરમ ખૈમામાંથી બહાર આવ્યા અને પોતાના શહીદો પર ગિર્યા અને માતમ કરવા લાગ્યા.
(લોહુફ, સય્યદ ઇબ્ને તાઉસ(ર.અ.)થી, પાના: ૧૩૦-૧૩૧)
હમીદ ઇબ્ને મુસ્લીમ (જે દુશ્મનોનો જાસુસ અને ખબરી હતો) કહે છે: ખુદાની કસમ! હું ઝયનબ બિન્તે અલી(અ.સ.)ને ક્યારેય ભુલી નથી શકતો, જ્યારે આપ (સ.અ.) શોહદાના લાશાની પાસે ગિર્યા કરી રહ્યા હતા અને દિલ બાળી નાખનાર અવાજ અને ગમગીન દિલથી ફરમાવી રહ્યા હતા:
વા મોહમ્મદા સલ્લે અલય્ક મલીકસ્સમાએ
હાઝા હુસૈનુન મજ્ઝુઝુર્ રઅ્સે મેનલ્ કફાઅ મસ્લુબુલ્ અમામતે વર્રેદાઅ
વા મોહમ્મદા! આસ્માનના ફરિશ્તાઓએ આપ (અ.સ.) પર સલવાત મોકલી અને આ હુસૈન(અ.સ.) છે કે જેમનુ સર તેમના શરીરથી જુદુ કરી દેવામાં આવ્યુ છે અને જેમનો અમામો અને જેમની રીદા છીનવી લેવામાં આવી છે.
અસ્સલામો અલા મન્ તવલ્લા દફ્નહુ અહ્લુલ્ કોરા
સલામ થાય એમના પર જેમના દફનમાં રણવાસીઓએ હિસ્સો લીધો
સય્યદ નેઅમતુલ્લાહ જઝાએરી(ર.અ.)એ શોહદાએ કરબલાની દફનવિધિના બારામાં અબ્દુલ્લાહ અસદીથી રિવાયત વર્ણન કરી છે, જેનો સાર અમે અહીં રજુ કરીએ છીએ:
જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અન્સાર શહીદ થઇ ગયા તો ઉમર બીન સઅદ(લ.અ.)એ પોતાના મુર્દાઓ પર નમાઝ પઢાવી અને તેઓને દફન કરાવ્યા અને શોહદાએ પાકની લાશોને એમના એમ ખાક પર છોડી દીધા. ઇમામ હુસૈન(અ.સ.)ના એહલેબૈતને કૈદી બનાવીને કુફાની તરફ રવાના થયો.
નેહરે અલ્કમા પાસે બની અસદનો એક સમુહ એક ગામમાં જીંદગી પસાર કરતો હતો. બની અસદની ઔરતો કત્લગાહમાં આવી અને શોહદાના લાશાઓના ટુકડાઓ જોયા કે જેમાંથી હજી પણ ખુન વહી રહ્યું હતું, જાણે કે તેમને હમણાં જ કત્લ કરવામાં આવ્યા હોય. આ જોઇને તેઓને ખુબ જ આશ્ર્ચર્ય થયું, તેઓ પોતાના કબીલાના મર્દો પાસે આવી અને જે કાંઇ તેઓએ જોયું તેને જણાવ્યું, પછી તેઓને કહ્યું કે “તમે રસુલે ખુદા (સ.અ.વ.), અમીરૂલ મોઅમેનીન(અ.સ.) અને ફાતેમા ઝહરા(સ.અ.)ની સામે શું બહાનુ બનાવશો, તમે તેના ફરઝંદોની મદદ કરી નહી અને તેમના કુટુંબીઓનો બચાવ પોતાના તીરો અને નેઝાઓ અને તલવારોથી કર્યો નહી?
તેમના મર્દોએ જવાબ આપ્યો: અમે બની ઉમય્યાથી ભયભીત છીએ, પરંતુ એ બાબતથી શરમીંદા છીએ કે અમે આલે રસુલની મદદ કેમ ન કરી.
ઔરતોએ કહ્યુ: હવે જ્યારે આપણે એહલે હરમની મદદ કરવાની ખુશનસીબીથી વંચિત થઇ ગયા, ઉભા થાવ અને જાવ અને તેમના મુબારક શરીરોને દફન કરો જેથી ઓછામાં ઓછું આ શર્મનાક દાગ તમારા કપાળો પરથી ભુસાઇ જાય.
બની અસદના મર્દોએ જવાબમાં કહ્યું: અમે તમારા આ મશ્વેરાને કબુલ કરીએ છીએ. આમ કહીને તેઓ ઉભા થયા અને કત્લગાહ પહોંચ્યા અને પહેલો નિર્ણય એ લીધો કે ઇમામ હુસૈન(અ.સ.)ના પવિત્ર શરીરને દફનાવશું. પરંતુ કોઇ પણ લાશ પર સર ન હતુ એટલે ઓળખી ન શક્યા કે કઇ લાશ કોની છે, તેઓ મુંજવણમાં ઉભા હતા કે એવામાં જોયું કે એક અજાણ્યા ઘોડે સવાર આવ્યા અને સવાલ કર્યો કે “અહી શા માટે આવ્યા છો? તેઓએ જવાબ આપ્યો “આ લાશાઓને દફનાવવા માટે, પરંતુ અમે આ શરીરોને ઓળખતા નથી જેવુ એ શેહસવાર (કે જે ઇમામ સજ્જાદ (અ.સ.) હતા)એ આ સાંભળ્યુ, આવાઝે બુલંદ ગિર્યા કર્યુ અને કહ્યું “અય બાબા! યા અબા અબ્દીલ્લાહ! કાશ તમે અહી મૌજુદ હોતે તો જોતે કે કેવી રીતે મને અસીર અને ઝલીલ કરવામાં આવ્યો
પછી ઇમામે સજ્જાદ(અ.સ.)એ તેમને ફરમાવ્યું “હું તમારૂ માર્ગદર્શન કરીશ ઘોડા પરથી નીચે તશ્રીફ લાવ્યા, લાશાઓ પાસેથી પસાર થતા થતા અચાનક ઇમામ હુસૈન(અ.સ.)ના પવિત્ર શરીર પર પોતાની જાતને પછાડી દીધા, ખોળામાં લીધા અને ગિર્યા કરતા ફરમાવ્યું “બાબા! આપના કત્લથી શામી ખુશ થયા, બાબા! આપના કત્લથી બની ઉમય્યા ખુશ થયા, બાબા! આપના પછી અમારો રંજો ગમ લંબાયો
પછી આપના શરીર પાસે ગયા, થોડીક ખાક હાથમાં ઉઠાવી, એક કબ્ર મળી આવી, ખુદ પોતાના હાથો વડે આપના લાશાને કબ્રમાં સુવડાવ્યા, પછી આપ કબ્રની બહાર તશ્રીફ લાવ્યા, એક એક શરીરને ઓળખાવ્યા અને બની અસદની મદદથી તમામને સુપુર્દે ખાક કર્યા.
અમુક રિવાયતોમાં મળે છે કે ઇમામ સજ્જાદ (અ.સ.)એ બની અસદ પાસે એક ચટાઇ મંગાવી, પોતાના બાબાના શરીરના અવયવોને એ ચટાઇમાં રાખ્યા અને જેવું તેને કબ્રમાં રાખવા ચાહ્યું, અચાનક બે હાથ જે રસુલે ખુદા(સ.અ.વ.)ના હાથોની જેમ હતા કબ્રમાંથી બહાર આવ્યા, તે શરીરને લીધુ અને કબ્રમાં પોતાના હાથોથી સુવડાવ્યા.
(કિબરીતુલ્ અહમર, પાના: ૪૯૩)
વધુ ઇન્શાઅલ્લાહ આવતા અંકે
—૦૦૦—

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.