કોલ અને કરાર

Print Friendly, PDF & Email

કીજીયે સાલગિરહ ફસ્લે બહાર આ પહોંચી
બેડીયાં ફીરસે બદલવાએં દીવાનોંકી
વરસાદની મૌસમ હોય અને વરસાદની મહેફિલ હોય અથવા રણ પ્રદેશની ઉજ્જડતા હોય કે રણની મુસાફરીની તકલીફ હોય, દરરોજ સવાર સાંજ ટહુકા કરતું પરિવર્તનશીલ જીવન કહી રહ્યું છે કે કોઇ છે જે તમને બદલી રહ્યું છે. આ પરિવર્તન એટલું ધીમું હોય છે કે આજ સુધી કોઇ એવું સાધન નથી શોધાયું જે આ શરીરના આ વધારા કે ઘટાડાને નરી આંખે જોવામાં મદદ કરી શકે. પરંતુ શું કોઇ એમ કહી શકે કે જે નવજાત શિશુ છે તે તેના જીવનભર એવડું જ રહેશે? તે પરિવર્તન લાવનારી શક્તિ અલ્લાહ તબારક વ તઆલાની છે. જ્યારે આપણે તેણે કરેલા પરિવર્તનને જોઇ નથી શકતા તો તે પરિવર્તન લાવનારને જોવું અશક્ય છે. તેની જાત વિચારો અને કલ્પનાથી પર છે. તેથી તેણે પોતાના નબીઓને આ દુનિયામાં ઉતાર્યા. તે પછી જ્યારે નબુવ્વતનો ક્રમ પૂરો થયો ત્યારે મઅસુમ ઇમામો(અ.સ.)ને તેમના વારસદાર બનાવીને આ દુનિયાને પ્રકાશિત કરી. આ હિદાયતના પ્રકાશને પોતાના સૌથી વધુ પ્રિય બંદાના ચારિત્ર્ય અને કિતાબના રક્ષણહાર બનાવ્યા. અને સમગ્ર કાએનાત ઉપર સર્વ સત્તાધિકારી તરીકે નિમણુંક કરી. અને તેના બંદાઓને હુકમ આપ્યો કે તેઓ તેના ખાસ બંદાની સાથે કોલ અને કરાર કરે કે તેઓ તેમના હુકમનું પાલન કરવામાં કચાશ નહીં રાખે.
જ્યારે તાગુતીયતની જાળ આખી દુનિયામાં પથરાઇ ગઇ અને હિદાયતના પ્રકાશને ઓલવી નાખવા માટેના બધા સાધનો એકઠા થઇ ગયા ત્યારે કોઇની પણ પરવા ન રાખનાર બેનિયાઝ અલ્લાહે હિદાયત સ્વિકારનારા ઉપર પોતાનો અહેસાન અને મહેરબાની વરસાવી. તેણે આ હિદાયતના પ્રકાશને ગયબત થકી રક્ષણ આપ્યું. તે ત્યારે જાહેર થશે જ્યારે જુલ્મ અને અત્યાચાર કરનારાઓ તેમનાથી થઇ શકે તેટલો જુલ્મ અને અત્યાચાર કરી ચૂક્યા હશે.
ઇમાન ધરાવનારાઓની દરેક સવાર કોલ અને કરારની સાથે ઉગે છે. જેનો સ્વિકાર તે પોતાની જીભથી પણ કરે છે.
اَللّٰهُمَّ إِنِّي أُجَدِّدُ لَهُ فِي صَبِيحَةِ يَوْمِي هَذَا وَ مَا عِشْتُ مِنْ أَيَّامِي عَهْداً وَ عَقْداً وَ بَيْعَةً لَهُ فِي عُنُقِي لَا أَحُولُ عَنْهَا وَ لَا أَزُولُ أَبَداً
“એ અલ્લાહ! હું મારા કોલ, કરાર અને બયઅતને આ દિવસની સવારે અને તેવી જ રીતે મારી જીંદગીની દરેક સવારના તાજી કરૂં છું (દોહરાવું છું) જે મારી ગરદન ઉપર છે કે હું આ વાયદા અને બયઅતથી ફરી નહીં જાઉં અને છેવટ સુધી તેની ઉપર અડગ રહીશ.” (દોઆએ અહદ)
15મી શાબાને ઇમામે આખરૂઝઝમાન (અ.ત.ફ.શ.)ની વિલાદતની તારીખ છે. આ કોલ અને કરારના આત્મ-નિરીક્ષણની તારીખ છે. આ એ તારીખ છે જે ખુશીઓનો સંદેશો લઇને આવે છે. આ તારીખની સવાર ગુલે જનાબે નરજીસ ખાતુન(સ.અ.), યુસુફે ઝહેરા(સ.અ.)ના દામનની સુગંધ પ્રસારવા માટે નિયુક્ત થયેલી છે. દિલની કળી ખીલી ઉઠે છે. કુદરતના સૌંદર્યની ઝગમગાટ અર્શ સુધી પહોંચે છે. શયતાની જાળના હજારો ફંદાઓ પાછા ફરે છે. રૂહાનીય્યતના કેદી પક્ષીઓ આઝાદ થાય છે. ખુલ્લા વાતારણમાં ઉડવાની આશાઓ પુરી થાય છે. બુદ્ધિ અને સમજ શક્તિની વસ્તી જાગૃત થાય છે. મોહબ્બત ધરાવનારાઓના ટોળાઓ પ્રકૃતિના સુંદર અને આકર્ષક મહેબુબની મહેફીલની તરફ નીકળી પડ્યા છે. આ બધું તો આપણે બોલી નાખીએ છીએ. આપણે શું અને આપણી જીભ શું? તે તો માત્ર મજબુર અને પરવશ મખ્લુક છે. મહાન નુરના પાલનહાર, ઉંચી સલ્તનતના પાલનહાર, ઘુઘવાતા સમન્દરના પાલનહાર તૌરતે, ઇન્જીલ અને ઝબુરને નાઝીલ કરનાર અને મહાન કુરઆનને નાઝીલ કરનાર છે. તે જ સૌથી વધારે જાણનારો અને હિકમતવાળો છે. તે પણ આજની સવારને ગુનાહોની બક્ષીશની સવાર ગણે છે. આજે તેની ખુશ્નુખદીના દરવાજાઓ ખુલ્લા છે. તે ઘણો વધારે કૃપાળુ અને મહેરબાન છે. તેથી એટલું માગો કે કોઇ કસર રહી જવાની ફરિયાદ ન રહે.
બધું સાચું, બધું બરાબર, પરંતુ જ્યારે આ લખનારે પોતાના દામનમાં નઝર કરી તો જોયું કે કોલ અને કરાર આપવા સહેલા છે પરંતુ આ સિદ્ધી મેળવવા માટે સખ્ત પરિશ્રમ કરવો પડે તેમ છે અને ઇમામ(અ.સ.)ની મોહબ્બતના જે મતવાલાઓ આ માર્ગ ઉપર આગળ વધ્યા છે, તેઓની મુલાકાત રૂશયદે હુજરી સાથે, કે ઇમામે હુસૈન(અ.સ.)ના સાથીદારો સાથે, મુફઝઝલ સાથે, હિશામ સાથે, શયખ મુરતુઝા સાથે અને અલ્લામા હિલ્લી જેવી ચારિત્ર્યવાન વ્યક્તિ સાથે થઇ છે.
આ બધું સાચું છે, બધુ બરાબર છે. પરંતુ જ્યારે નિષ્ફળ થએલા નિ:સહાય માથા ઉપર શરમના શેરડા પડ્યા અને શરમથી માથું ઝૂકી ગયું ત્યારે આજની તારીખે જન્મેલા મૌલુદ (ઇમામ અ.સ.)ની બરકતોથી આશરો મળ્યો. આશાનું એક કિરણ નિરાશાના અંધકારમાંથી પ્રગટ્યું અને આપ(અ.સ.)ના દાદાની દોઆના એક વાક્યએ આપણા નિર્જીવ અસ્તિત્વને જીવન પ્રદાન કર્યું.
اِلٰهِيْ کَيْفَ اَدْعُوْکَ وَ اَنَا اَنَا وَ کَيْفَ اَقْطَعُ رَجٰائِي مِنْکَ وَ اَنْتَ اَنْتَ
“એ અલ્લાહ! હું કેવી રીતે તને પોકારૂં? એટલા માટે કે હું, હું છું (ગુનાહોમાં ડૂબેલો) પરંતુ એ અલ્લાહ! કેવી રીતે હું મારી આશાઓને છોડી દઉં? કારણકે હું જાણું છું કે તું, તું છો! (તારી ભવ્યતા અને ઉચ્ચતા સામે કઇ બાબત માથું ઉચકી શકે છે? તારી મહેરબાનીઓનો હિસાબ નથી, તું બેહદ કૃપાળુ છો, એહસાન કરનાર છો, તું ખાલીક છો અને હું મખ્લુક છું.)”
શું તારો આ ઓછો એહસાન છે કે અમને તારા મહેબુબ, ખલીફા સાહેબઝ્ઝમાન(અ.સ.) ઉપર અકીદો ધરાવનાર કૌમમાં પેદા કર્યા? અને આ સવારને વારંવાર જોવાની તક આપી. જે તેમના જન્મની તારીખ છે. અમે આપ ને ચાહિએ છીએ અને અનહદ મોહબ્બત કરીએ છીએ. આપ નું નામ આવે છે ત્યારે માથા ઉપર હાથ મૂકી દઇએ છીએ. આપ ની ઉપર સવાર – સાંજ સલામ મોકલીએ છીએ. આજે અમે આપ ના દાદી જન્નતની શહઝાદી (સ.અ.)ની પાસે બક્ષીશ માટે આવ્યા છીએ. અમને બીજું કાંઇ નહીં, બસ, દર વરસે આ જ પ્રસંગે આપ ની મોહબ્બતના માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપો કે અમે અમારા કોલ અને કરાર ઉપર બાકી રહીએ.
કીજીયે સાલગિરહ ફસ્લે બહાર આ પહોંચી
બેડીયાં ફીરસે બદલવાએં દીવાનોંકી

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *