Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૬ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. નો ઝુહૂર

ઇમામે ઝમાના (અ.સ.)ની વાતચીત ઝુહૂરના દિવસે

Print Friendly, PDF & Email

જ્યારે ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહૂર થવાનો હુકમ થશે ત્યારે હઝરત(અ.સ.) સમગ્ર દુનિયાની સુધારણા માટે અભિયાન ચલાવશે. ખાન-એ-ખુદામાં રૂકને યમાની અને મકામે ઇબ્રાહીમની વચ્ચે તેમના 313 વફાદાર દોસ્તો અને મદદગારોની સાથે, જે સાચી હુકૂમતના લશ્કર અને દેશના સરદાર છે, તેઓ પાસેથી બયઅત લેશે.
(1) તે સમયે સૌથી પહેલી જે વાત પોતાની પવિત્ર જીભથી ઉચ્ચારશે તે સુરાએ હુદની આયત નં. 86 છે. ઇમામ બાકીર(અ.સ.) આ અનુસંધાનમાં ફરમાવે છે:
فَإِذَا خَرَجَ أَسْنَدَ ظَهْرَهُ إِلَى الْكَعْبَةِ وَ اجْتَمَعَ إِلَيْهِ ثَلَاثُمِائَةٍ وَ ثَلَاثَةَ عَشَرَ رَجُلًا وَ أَوَّلُ مَا يَنْطِقُ بِهِ هَذِهِ الْآيَةُ بَقِيَّتُ اللَّهِ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ ثُمَّ يَقُولُ أَنَا بَقِيَّةُ اللَّهِ وَ خَلِيْفَتُهُ وَ حُجَّتُهُ عَلَيْکُمْ فَلاَ يُسَلّمُ عَلَيْهِ مُسْلِمٌ اِلَّا قَالَ السَّلاَمُ عَلَيْکَ يَا بَقِيَّۃَ اللّٰهِ فِي اَرْضِهٖ
“જ્યારે અમારા કાએમ (અ.સ.) જાહેર થશે ત્યારે પોતાની પીઠને ખાનએ કાબા ઉપર ટેકવશે. તેમની પાસે તેમના અનુયાયીઓમાંથી 313 માણસો ભેગા થશે. પછી સૌથી પહેલી જે વાત તેમની જીભ ઉપર આવશે તે આ આયતે કરીમા હશે. (જો તમે મોઅમીન હો તો અલ્લાહની બાકી રહેલી હુજ્જત તમારા માટે બહેતર છે.) પછી ફરમાવશે, ‘હું તમારા વચ્ચે બકીયતુલ્લાહ, અલ્લાહની હુજ્જત છું.’ તે સમયે કોઇ પણ તેમને સલામ નહીં કરે સિવાય કે આ રીતે કહેશે:”
اَلسَّلاَمُ عَلَيْکَ يَا بَقِيَّۃَ اللّٰهِ فِي اَرْضِهٖ
“આપના ઉપર સલામ થાય! અય આ ધરતી ઉપર અલ્લાહની બાકી હુજ્જત.”
(કમાલુદ્દીન, ભાગ – 1, પાના નં. 330, હ. 16)
(2) બીજી વાત જે તેમની મુબારક જીભ ઉપર આવશે તે સુરએ ઝુમરની 74મી આયત હશે. ઇમામ સાદિક(અ.સ.) આ અંગે ફરમાવે છે :
“અમારા કાએમ(અ.સ.) એકલા જાહેર થશે. એકલા મસ્જીદુલ હરામમાં દાખલ થશે. એકલા ખાન-એ-કાબામાં દાખલ થશે. રાત્રીનો અંધકાર એકલા પસાર કરશે. જ્યારે ક્ષિતિજ ઉપર અંધકાર છવાઇ જશે ત્યારે જીબ્રઇલ, મીકાઇલ અને ફરિશ્તાઓ હારબંધ ઇમામના માટે ઉતરશે અને જીબ્રઇલ(અ.સ.) અરજ કરશે કે એ અમારા માલિક અને સરદાર! આપના હુકમનું પાલન થશે. આપનો હુકમ અમલમાં છે. તે સમયે ઇમામે ઝમાના(અ.સ.) પોતાના મોઢા ઉપર હાથ ફેરવશે અને કહેશે :
“ખુદાનો શુકર છે કે જેણે પોતાના વચનને અમારી તરફેણમાં પુરૂં કર્યું અને અમને દુનિયાના વારસદાર બનાવ્યા અને અમે જન્નતમાં જ્યાં ઇચ્છા થશે ત્યાં રહેશું. અમલ કરનારાઓનો કેટલો સુંદર બદલો છે.”
તે સમયે રૂકને યમાની અને મકામે ઇબ્રાહીમની વચ્ચે ઊભા રહેશે અને તેમના મનમોહક અવાજમાં દુનિયાના ખૂણે ખૂણામાં રહેનારા પોતાના દોસ્તોને સંબોધન કરશે અને કહેશે :
“એ મારા પસંદ કરેલા, મારા રહસ્યોને જાણનારા અને મારી સાથે ચાલનારા દોસ્તો! એ તે લોકો જેઓને અલ્લાહે મારી મદદ માટે પસંદ કર્યા છે અને મારા ઝુહૂરના પહેલા જેઓને દુનિયામાં સાચવી રાખ્યા છે! જ્યાં હો ત્યાંથી મારી પાસે જલ્દી આવી જાવ.”
ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:
“ઇમામ(અ.સ.)ના અસહાબો જે ઇબાદતની મહેરાબમાં મશ્ગુલ હશે અથવા પોતાના નિવાસ્થાનોમાં આરામ કરી રહ્યા હશે તે બધા ઇમામ(અ.સ.)નો મનમોહક અવાજ સાંભળશે અને પલક ઝપકમાં હઝરત(અ.સ.)ની તરફ દોડી આવશે. અને રૂકન અને મકામની વચ્ચે હઝરત(અ.સ.)ની સેવામાં હાજર થશે.”
(બેહારુલ અન્વાર, ભાગ – 53, પાના નં. 7)
(3) ત્રીજી વાત જે તેમની પવિત્ર મુખમાંથી નીકળશે તે સુરએ ફત્હની દસમી આયત હશે. જેની તિલાવત બયઅત લેતી વખતે કરશે.
બયઅતના પ્રસંગોની ઇમામ સાદિક(અ.સ.)ના અસહાબ મુફઝ્ઝલથી નોંધ કરવામાં આવી છે:
“અય મુફઝ્ઝલ! ઝુહૂરની પહેલાની દરેક બયઅત કૂફ્ર અને જૂઠ છે. ખુદાવંદે આલમે બયઅત કરનાર અને લેનાર ઉપર લઅનત કરી છે. અય મુફઝ્ઝલ! કાએમ(અ.સ.) પોતાની પીઠને હરમનો ટેકો દેશે અને પોતાના હાથોને પહોળા કરશે. તેમનો હાથ સફેદ દેખાશે અને ફરમાવશે: “આ ખુદાનો હાથ છે. ખુદાની તરફથી છે અને ખુદાના હુકમથી છે.” તે સમયે આ આયતની તિલાવત કરશે.”
اِنَّ الَّذِیْنَ یُبَایِعُوْنَکَ اِنَّمَا یُبَایِعُوْنَ اللہَ۝۰ۭ یَدُ اللہِ فَوْقَ اَیْدِیْہِمْ۝۰ۚ فَمَنْ نَّکَثَ فَاِنَّمَا یَنْکُثُ عَلٰی نَفْسِہٖ۝۰ۚ
“(હે રસુલ!) જે લોકો (હુદયબીયાની સંધી વખતે) તારાથી બયઅત (તારા હાથ પર હાથ રાખી પ્રતિજ્ઞા) કરે છે, તેઓ (વાસ્તવમાં) અલ્લાહથી જ બયઅત કરે છે, તેમના હાથો પર અલ્લાહનો હાથ છે, પછી જે પ્રતિજ્ઞાનો ભંગ કરે તો તે પોતાની જ જાતની હાનિ માટે ભંગ કરશે.”
(સુરએ ફત્હ: 10, બેહારુલ અન્વાર, ભાગ – 53, પાના નં. 7)
(4) ચોથી બાબત જે આપની પવિત્ર જીભ પર જારી થશે તે તેમના નમૂનારૂપ વ્યક્તિત્વની ઓળખ હશે. જેના બારામાં અબુ ખાલીદ કાબલી ઇમામ બાકિર(અ.સ.)થી આ રીતે નોંધ કરે છે :
وَ اللَّهِ لَكَاَنِّي أَنْظُرُ إِلَى الْقَائِمِ عليه السلام وَ قَدْ أَسْنَدَ ظَهْرَهُ إِلَى الْحَجَرِ ثُمَّ يَنْشُدُ اللَّهَ حَقَّهُ ثُمَّ يَقُولُ يَا أَيُّهَا النَّاسُ مَنْ يُحَاجَّنِي فِي اللَّهِ فَأَنَا أَوْلَى بِاللَّهِ أَيُّهَا النَّاسُ مَنْ يُحَاجَّنِي فِي آدَمَ فَأَنَا أَوْلَى بِآدَمَ أَيُّهَا النَّاسُ مَنْ يُحَاجَّنِي فِي نُوحٍ فَأَنَا أَوْلَى بِنُوحٍ أَيُّهَا النَّاسُ مَنْ يُحَاجَّنِي فِي إِبْرَاهِيمَ فَأَنَا أَوْلَى بِإِبْرَاهِيمَ ع أَيُّهَا النَّاسُ مَنْ يُحَاجَّنِي فِي مُوسَى فَأَنَا أَوْلَى بِمُوسَى أَيُّهَا النَّاسُ مَنْ يُحَاجَّنِي فِي عِيسَى فَأَنَا أَوْلَى بِعِيسَى أَيُّهَا النَّاسُ مَنْ يُحَاجَّنِي فِي مُحَمَّدٍ ص فَأَنَا أَوْلَى بِمُحَمَّدٍ أَيُّهَا النَّاسُ مَنْ يُحَاجَّنِي فِي كِتَابِ اللَّهِ فَأَنَا أَوْلَى بِكِتَابِ اللَّهِ ثُمَّ يَنْتَهِي إِلَى الْمَقَامِ فَيُصَلِّي رَكْعَتَيْنِ وَ يَنْشُدُ اللَّهَ حَقَّهُ
“ખુદાની કસમ, હું કાએમ(અ.સ.)ને જોઇ રહ્યો છું કે પોતાની પીઠને હજરે અસ્વદનો ટેકો લઇને ખુદાની કસમ ખાઇને ફરમાવી રહ્યા છે.”
“એ લોકો! જો કોઇ ખુદાની સામે (નજદિકી મેળવવા) મારો મુકાબલો કરે તો હું બધા લોકો કરતા ખુદાની વધુ નજદિક છું.”
“અગર કોઇ મારો મુકાબલો આદમ(અ.સ.)થી કરે તો હું આદમ(અ.સ.)થી બહેતર છું.”
“એ લોકો! અગર કોઇ નુહ(અ.સ.)ની સાથે મારી સરખામણી કરે તો હું નુહ(અ.સ.)થી અફઝલ છું.”
“એ લોકો! જો કોઇ મારો મુકાબલો ઇબ્રાહીમ(અ.સ.)થી કરે, તો હું ઇબ્રાહીમ(અ.સ.) થી બેહતર છું.”
“એ લોકો! જે મારો મુકાબલો મૂસા(અ.સ.) સાથે કરે તો હું મૂસા(અ.સ.)થી બહેતર છું.”
“એ લોકો! જો કોઇ મારી સરખામણી ઇસા(અ.સ.) સાથે કરે, તો હું ઇસા(અ.સ.)થી બહેતર છું.”
“એ લોકો! જો કોઇ મોહમ્મદ(સ.અ.વ.)ની સાથે મુનાઝરા કે વાદવિવાદ કરે તો હું સૌથી વધારે તેમની નજદિક છું.”
“એ લોકો! જો કોઇ કિતાબે ખુદા સાથે ગુફતેગો કરે તો હું સૌથી વધુ તેની નજીક છું.”
(બેહારુલ અન્વાર, ભાગ – 52, પાના નં. 316, હ. 10)
(પ) પાંચમી બાબત જે આ ચમકતા ચાંદ પોતાની જીભ ઉપર લાવશે તે એ છે કે હઝરત અલ્લાહના બધા નબીઓના મઝહર છે. (એટલે કે બધા નબીઓના નૂર છે.)
જેમ કે મુફઝ્ઝલ (હ. ઇમામ સાદિક(અ.સ.)ના ખાસ સહાબી) હ. ઇમામ સાદિક(અ.સ.)થી રિવાયત નકલ કરે છે : “કાએમ(અ.સ.) એમની પીઠને કાબાનો ટેકો આપીને લોકોને સંબોધન કરશે.”
“જો કોઇ આદમ(અ.સ.) અને શીશ(અ.સ.)ને જોવા માગતા હોય તો હું આદમ(અ.સ.) અને શીશ(અ.સ.) છું.”
“જો નુહ(અ.સ.) અને સામ(અ.સ.)ને જોવા ચાહતા હોય તો હું નુહ(અ.સ.) અને સામ(અ.સ.) છું.”
“જો ઇબ્રાહીમ(અ.સ.) અને ઇસ્માઇલ(અ.સ.)ને જોવા ચાહતા હોય તો હું ઇબ્રાહીમ(અ.સ.) અને ઇસ્માઇલ(અ.સ.) છું.”
“જો મૂસા(અ.સ.) અને યુશાઅ(અ.સ.)ને જોવા ચાહતા હોય તો હું મૂસા(અ.સ.) અને યુશાઅ(અ.સ.) છું.”
“જો ઇસા(અ.સ.) અને શમઉન(અ.સ.)ને જોવા માગતા હોય તો હું ઇસા(અ.સ.) અને શમઉન(અ.સ.) છું.”
“જો હઝરત મોહમ્મદ(સ.અ.વ.) અને હઝરત અલી(અ.સ.)ને જોવા ચાહતા હો તો હું હઝરત મોહમ્મદ(સ.અ.વ.) અને હઝરત અલી(અ.સ.) છું.”
“જો હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.)ને જોવા ચાહતા હો તો હું હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) છું.”
“જો હુસૈન(અ.સ.)નાં સંતાનોમાંના ઇમામોને જોવા માંગતા હો તો હુસૈન(અ.સ.)ના વંશમાંના મઅસુમ ઇમામોમાંથી હું જ છું. મારી વાતોને સાંભળો જેથી તમને એ બાબતોની ખબર આપું કે જે તમે સાંભળી હોય અને જે તમે ન સાંભળી હોય.”
(બેહારુલ અન્વાર, ભાગ – 53, પાના નં. 9)
હા, બધી ખૂબીઓ અને બધા ગુણો જે મહાન પયગમ્બરો(અ.સ.)માં જોવા મળે છે તે બધા હઝરત(અ.સ.)ના નુરાની અસ્તિત્વમાં સંપૂર્ણપણે જોવા મળે છે. એક કવિના કથન મુજબ, ‘આન્ચા ખુબાન હમે દારન્દ તુ તન્હા દારીદ.’ ખૂબીઓ ધરાવનાર બધી વ્યક્તિઓની ખૂબીઓ જો ભેગી કરવામાં આવે તો તે બધી આપ(અ.સ.)માં જોવા મળે છે.
આપ(અ.સ.) તૌહીદના અલમબરદાર, ઇબ્રાહીમ ખલીલુલ્લાહ(અ.સ.)નું જીવંત પ્રતિબિંબ અને આપ(અ.સ.) ઇસ્માઇલ ઝબીહુલ્લાહ(અ.સ.)ના ઇમાન અને અડગતાના કેન્દ્ર, મૂસા બિન ઇમરાન(અ.સ.)ની હયબત અને જલાલના પ્રતિબિંબ પાડનાર, તેમના દાદા રસુલે ખુદા(સ.અ.વ.)ની જેમ ઉમદાને મહાન સદ્ગુયણો ધરાવનાર, હઝરત અમીરૂલ મોઅમીન અલી(અ.સ.)ની બહાદુરી, સખાવત, ઇલ્મ અને નમ્રતાના વારસદાર, સુલેહ હસન(અ.સ.)ની ખુલ્લી કિતાબ અને તેમના દાદા હુસૈન(અ.સ.)ના ખૂનનો બદલો લેનાર છે.
(6) છઠ્ઠી વાત જેની સુન્ની અને શીયા બન્ને રાવીઓએ નોંધ કરી છે તે એ છે કે ઇશાની નમાઝના સમયે મક્કામાં જાહેર થશે, એવી હાલતમાં કે હાથમાં પયગમ્બર(સ.અ.વ.)ની તલ્વાર અને ઇસ્લામનો ધ્વજ હશે, આં હઝરત(સ.અ.વ.)નું પહેરણ પહેરેલું હશે. બધીજ નિશાનીઓ અને દલીલો તેમનામાં દેખાતી હશે. જ્યારે ઇશાની નમાઝ પડી લેશે ત્યારે તેમના મનમોહક અવાજમાં પોકાર કરશે-
“એ લોકો! એ દિવસને યાદ કરો, જે દિવસે તમારા પરવરદિગારની સામે હિસાબ કિતાબના માટે તમને રોકવામાં આવશે.”
“એ લોકો! કેટલાય પયગમ્બરો આવ્યા અને ખુદાના હુકમોને પહોંચાડ્યા.”
“હું તમને પરવરદિગારના શિર્કથી ડરાવું છું. (એટલે અલ્લાહ તબારક વ તઆલાની ઝાતમાં કોઇને શરીક કરવાથી ડરાવું છું.)”
“હું તમને હુકમ આપું છું કે ખુદાના હુકમનું પૂરે પૂરી રીતે પાલન કરો અને રસુલ(સ.અ.વ.)ની તાબેદારી કરો.”
“જે બાબતોની કુરઆને પરવાનગી આપી છે તે સ્વિકારો અને જેનાથી અટકાવ્યા છે તેનાથી દૂર રહો.”
“હિદાયતની હિમાયત કરો (ભલામણ કરો) અને તકવાની મદદ કરો.”
“દુનિયા હલાકત અને નાબુદી તરફ જઇ રહી છે અને તેના ખાતમાનું એલાન કરી રહી છે.”
“હું તમને દાવત આપું છું કે અલ્લાહની ઇબાદત કરો. રસુલ અકરમ(સ.અ.વ.)ની તાબેદારી કરો. કુરઆન ઉપર અમલ કરો અને જુઠને ઉખેડીને ફેંકી દો. પયગમ્બર(સ.અ.વ.)ની સુન્નતને જીવંત રાખો.
તે સમયે તેમના 313 વફાદાર સાથીદારો વસંતમાં વરસાદના ટીપાંની જેમ એકઠા થઇ જશે. જે રાત્રે ઇબાદત કરનાર અને દિવસે સિંહની જેવા હશે.”
(“જહાન બઅદ-ઝ-ઝુહર-લેખક : મોહમ્મદ ખાદેમી શીરાઝી)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.