હદીસે કુદસીમાં ઇમામ મહદી (અ.સ.)નો ઝિક્ર

Print Friendly, PDF & Email

હદીસે કુદસી :
હદીસે કુદસી કુરઆને કરીમની જેમ અલ્લાહના કલામો છે. તફાવત ફક્ત એટલો છે કે :
1. કુરઆને કરીમ મોઅજીઝો બનીને ઉતર્યું છે. હદીસે કુદસી મોઅજીઝો નથી.
2. કુરઆને કરીમનો મતલબ અને શબ્દો ખુદાના છે જે પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ એજ રીતે લોકો સુધી પહોંચાડ્યા છે. હદીસે કુદસીમાં મતલબ-આશય ખુદાનો છે અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ પોતાના શબ્દોમાં રજૂ કર્યા છે.
3. વાજીબ નમાઝમાં માત્ર કુરઆને કરીમના સુરા પડી શકાય છે.
4. કુરઆને કરીમની કોઇ પણ એક આયતને નકારવી તે કુફ્ર છે.
(દરાયતુલ હદીસ – લે. કાઝીમ મુદીર શાનચી, પા. 13)
હદીસે કુદસી અલ્લાહના કલામ છે. શીયા અને સુન્ની હદીસકારોએ હદીસે કુદસીના હવાલાથી નોંધપાત્ર પુસ્તકો લખ્યા છે. જેમાં તેઓએ માત્ર હદીસે કુદસીને ભેગી કરી છે. આ અનુસંધાનમાં હદીસોના પિતામહ شَيْخُ الْمُحَدِّثِيْنَજનાબ મોહમ્મદ બિન અલ હસન અલી અલ હુસૈન અલ હુર્રૂલ આમેલી. (વસાએલુશ્શીયાના લેખક)ની કિતાબ ‘અલ જવાહેરૂસ્ સનીય્યા ફીલ અહાદિસુલ્ કુદસીયા’ અને જનાબ સય્યદ હસન શીરાઝી રહમતુલ્લાહે અલયહની કિતાબ ‘કલેમતુલ્લાહ’ ખાસ કરીને નોંધપાત્ર છે.
મહદીવિય્યતના અકીદાનું મહત્વ:
કુરઆને કરીમ અને રિવાયતોની જેમ હદીસે કુદસીમાં પણ ઇમામ મહદી(અ.સ.)ના ઉલ્લેખનું ખાસ મહત્વ રહેલું છે. જેવી રીતે તૌરેત, ઝબુર અને બીજી આસમાની કિતાબોમાં એ હકીકતને રજુ કરવામાં આવી છે કે ઇલાહી જમીન ક્યારેય ઇલાહી હુજ્જતના અસ્તિત્વથી ખાલી રહેશે નહીં. એવી જ રીતે અગાઉના નબીઓ અંગે જે હદીસે કુદસી આવેલી છે તેમાં આ બાબતની ચર્ચા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે કે વસીઓ, હાદીઓ અને અલ્લાહની ખિલાફતનો સિલસિલો કયામતના દિવસ સુધી ચાલુ રહેશે.
જનાબે આદમ(અ.સ.)
જનાબે આદમ(અ.સ.) નબીઓના સિલસિલામાં સૌથી પહેલા નબી છે. તેમનાથી જ નબુવ્વતની શરૂઆત થઇ. જ્યારે જનાબે આદમ(અ.સ.)ની ઉંમ્ર તેના છેલ્લા તબક્કામાં પહોંચી ત્યારે ખુદાવંદે આલમે જનાબે આદમ(અ.સ.)ની ઉપર વહી મોકલી અને ફરમાવ્યું :
“હે આદમ! મેં તમારી ઉંમ્રને પુરી કરી દીધી. જે ઇલ્મ, ઇમાન, ઇસ્મે અકબર, ઇલ્મનો વારસો અને નબુવ્વતની નિશાનીઓ તમારી પાસે છે તે તમારા વંશમાં ‘હેબતુલ્લાહ’ના હવાલે કરી દો. કારણકે હું ઇલ્મ, ઇમાન નબુવ્વતના ઇલ્મના સ્મૃતિ ચિહ્નોના સિલસિલાને તમારા વંશથી નિર્મૂળ નહીં કરૂં, અને તે કયામત સુધી ચાલુ રહેશે.”
“દુનિયાને એક ‘આલીમ’ નબી વગર ખાલી નહિ રાખું. જેના થકી મારો દીન ઓળખાશે અને મારી બંદગીનું જ્ઞાન પ્રાપ્ત થશે.”
(અલ જવાહેરૂસ્ સનીય્યા, પાના નં. 10 – 11 – 14)
આ જ અર્થની હદીસે કુદસી જનાબે નુહ(અ.સ.)ના વિષે પણ મળે છે. સ્થળ સંકોચના કારણે અહિં દર્શાવેલ નથી.
(સંદર્ભ : ઉપર મુજબ, પાના નં. 17-18)
ઝમાનાના ઇમામની સાચી ઓળખનું મહત્વ :
માણસના જીવનમાં એવા સંજોગો ઉભા થાય છે જ્યારે દોઆ સિવાય બીજી કોઇ પણ રીતે પ્રશ્ર્નનો ઉકેલ આવી નથી શકતો. અલ્લાહની બારગાહમાં દોઆ કબુલ થવા માટે તેની બારગાહમાં દોઆનું પહોંચવું જરૂરી છે. આ દોઆ અલ્લાહની બારગાહમાં ત્યારેજ પહોંચશે જ્યારે એ દરવાજેથી દાખલ થવામાં આવે જે દરવાજો અલ્લાહે પોતાની બારગાહમાં આવવા માટે નક્કી કર્યો છે. ખુદાવન્દે આલમે દરેક ઝમાનાના નબી અથવા ઇમામને પોતાના દરવાજા ગણાવ્યા છે.
માટે અલ્લાહ સુધી પહોંચવા માટે અલ્લાહની હુજ્જત સુધી પહોંચવું જરૂરી છે. આજના યુગમાં આ ‘ઇલાહી હુજ્જત હઝરત વલી અસ્ર(અ.સ.) છે.’
જનાબે મૂસા(અ.સ.) એક એવા માણસની સામેથી પસાર થયા જે હાથોને ઉંચા કરીને દોઆ માગી રહ્યો હતો.
સાત દિવસ પછી જ્યારે જનાબે મુસા(અ.સ.) ત્યાં પાછા આવ્યા તો જોયું કે એ શખ્સ એવી જ રીતે હાથોને ઉંચા કરીને દોઆ માગી રહ્યો છે. જનાબે મૂસા(અ.સ.)એ ખુદાની બારગાહમાં અરજ કરી. પરવરદિગાર તારો આ બંદો સાત દિવસથી સતત હાથો ઉંચા કરીને તારી બારગાહમાં દોઆ કરી રહ્યો છે, પરંતુ તેં તેની દોઆ કબુલ નથી કરી.
અલ્લાહે વહી મોકલી:
“હે મૂસા! જો તે એટલી બધી દોઆ કરે કે તેના બન્ને હાથ પડી જાય અથવા તેના બન્ને હાથ અને જીભ કપાય જાય, તો પણ તેની દોઆ કબુલ નહી કરૂં, જ્યાં સુધી તે એ દરવાજેથી ન આવે જેમાંથી આવવાનો મેં હુકમ આપ્યો છે.”
(અલ જવાહેરૂસ્ સનીય્યા, પાના નં. 59)
તે સમયે જ. મૂસા(અ.સ.) ‘બાબુલ્લાહ’ (અલ્લાહનો દરવાજો) હતા. અત્યારે હઝરત હુજ્જત ઇબ્નિલ હસન અસ્કરી(અ.સ.) બાબુલ્લાહ છે.
હિદાયત અને ગુમરાહીનો માપદંડ
ખુદાવંદે આલમે હઝરત મૂસા(અ.સ.)ને વહી કરી:
“હે મૂસા! મારી મખ્લુકમાં મને મહેબુબ બનાવો અને મારી મખ્લુકને મારી નજીક મહેબુબ બનાવો.”
જ. મૂસા(અ.સ.)એ અરજ કરી : “હું તે કેવી રીતે કરૂં?”
અલ્લાહે ફરમાવ્યું: “મારી બક્ષીસો, નેઅમતો અને દયાભાવની યાદ અપાવીને મને તેમનો મહેબુબ બનાવો. તે બંદો કે જે મારા દરવાજેથી દૂર ચાલ્યો ગયો છે અથવા મારી બારગાહથી ભટકી ગયો છે, જો તમે તેને મારી બારગાહ સુધી પાછો લઇ આવો, મારા ઘર સુધી લઇ આવો, તો આ તમારી એક વરસની ઇબાદત અને એક વરસના રોઝાથી બહેતર છે.”
જનાબે મૂસા(અ.સ.)એ અરજ કરી: “પરવરદિગાર! એ બંદો કોણ છે જે તારા દરવાજેથી ભાગી ગયો છે?”
અલ્લાહે ફરમાવ્યું : “તે ગુનેહગાર અને બળવાખોર બંદો છે.”
જનાબે મૂસા(અ.સ.)એ પુછયું : “પરવરદિગાર, તે બંદો કોણ છે જે તારી બારગાહથી ગુમરાહ થઇ (ભટકી) ગયો છે?”
અલ્લાહે ફરમાવ્યું : “આ તે બંદાઓ છે કે જે પોતાના વર્તમાનથી અજ્ઞાન છે જે પોતાના ઝમાનાના ઇમામની સાચી ઓળખ ધરાવતા નથી. જે લોકો તેમના ગાએબ ઇમામથી અજાણ છે તેમને ગાએબ ઇમામની સાચી ઓળખ આપવી અને જે લોકો પોતાના દીન અને શરીઅતને જાણતા નથી તેઓને દીન અને શરીઅત શીખવાડવી અને એ બાબતોની તાલીમ આપવી જેનાથી તે પોતાના રબની ઇબાદત કરી શકે અને પોતાના પાલનહારની ખુશ્નુબદી હાસીલ કરી શકે.”
(અલ જવાહેરૂસ્ સનીય્યા, પાના નં. 64 – 65)
જરા વિચારો જનાબે મૂસા(અ.સ.) ઉલુલ અઝમ પયગમ્બર છે, કલીમુલ્લાહ છે, કુરઆને કરીમમાં ઠેક ઠેકાણે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ્લાહે તેમને ફરમાવ્યું અગર તમે કોઇ એક વ્યક્તિને પણ તેના ઝમાનાના ઇમામથી માહિતગાર કરો, તેને ઝમાનાના ઇમામની મઅરેફત આપો અને તેને તેની શરઈ જવાબદારીઓથી માહિતગાર કરો તો આ તમારી એક વરસની ઇબાદતથી બહેતર છે.
કોઇ પણ એક વ્યક્તિને તેના ઝમાનાના ઇમામની મઅરેફત આપવી તે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઇબાદત છે.
તેથી હાલમાં આપણા સૌની અગત્યની જવાબદારી એ છે કે લોકોને તેમના ઝમાનાના ઇમામ(અ.સ.)ની જાણકારી આપીએ અને શરઇ જવાબદારીઓથી માહિતગાર કરીએ.
હદીસે લવ્હ :
‘હદીસે લવ્હ’ તે વિશ્વાસપાત્ર અને સાચી સનદોવાળી હદીસો ઉપર આધારિત છે, જેનો ઉલ્લેખ મહાન આલીમોએ પોતાની અમૂલ્ય કિતાબોમાં કર્યો છે. સેકતુલ ઇસ્લામ જનાબ યાકુબ કુલયની(અ.ર.)એ ‘ઉસુલે કાફી’ ભાગ-1ના પાના નં. 527, જનાબ શયખ સદ્દુક(અ.ર.)એ ‘કમાલુદ્દીન’ પાના નં. 64, જનાબ શયખ તુસી(અ.ર.)એ તેમની ‘કિતાબુલ ગયબત’ પાના નં. 145, જનાબ શયખ તબરસી(અ.ર.)એ‘અલ એહતેજાજ’ ભાગ – 1, પાના નં. 85 અને ઇબ્ને શહરે આશુબે ‘અલ મનાકીબ’ ભાગ – 1, પાના નં. 255, શયખ હુર્રે આમેલી(અ.ર.)એ ‘અલ જવાહેરૂસ્ સનીય્યા’ પાના નં. 161 – 62 – 63 જનાબ અલ્લામા મજલીસી(અ.ર.)એ ‘બેહારૂલ અન્વાર’, ભાગ – 36, પાના નં. 195,196,198, 199 ઉપર આ હદીસ નોંધી છે.
આ રિવાયત જનાબ અબુ બસીર ઇસ્હાક બિન અમ્માર અને મોહમ્મદ બિન સિનાને ઇમામ સાદિક(અ.સ.)થી અને તેમણે તેમના વાલીદે બુઝુર્ગવાર ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી નોંધ કરી છે. તેના મહત્વને ઘ્યાનમાં રાખીને સંપૂર્ણ હદીસનો તરજુમો રજુ કરવાનું સદ્‍ભાગ્ય પ્રાપ્ત કરીએ છીએ. મૂળ હદીસ માટે ઉપર દર્શાવેલ પુસ્તકોનો અભ્યાસ કરી શકો છો.
(અ) શાને નોઝૂલ:
અબ્દુલ રહેમાન બિન સાલિમે જનાબ અબુ બસીર પાસેથી, તેમણે ઇમામ સાદિક(અ.સ.) પાસેથી, ઇમામે સાદિક(અ.સ.)ને ઇમામ બાકિર(અ.સ.)એ ફરમાવ્યું :
એક દિવસ મારા પિતાએ જનાબ જાબીર બિન અબ્દુલ્લાહ અન્સારીને ફરમાવ્યું : “મારે આપનું એક કામ છે જ્યારે આપની પાસે સમય હોય ત્યારે કહેજો મારે તમને થોડું પુછવું છે.
જાબીર(રહ.)એ અરજ કરી : “આપ જ્યારે પણ કહો, હું આપની ખિદમતમાં હાજર છું.
એક વખત તેઓ બન્ને ભેગા થયા. (મારા પિતાએ કહ્યું)
“અય જાબીર! આપ મને એ તખ્તીના વિષે બતાવો જે આપે મારી દાદી જનાબે ફાતેમા બિન્તે રસુલ(સ.અ.વ.)ના હાથમાં જોઇ હતી, મારી દાદીએ તે તખ્તીમાં જે લખાણ હતું તેના વિષે આપને શું જણાવ્યું હતું?
જનાબે જાબીર(રહ.)એ કહ્યું : “અલ્લાહને સાક્ષી રાખીને કહું છું : હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની હયાતીમાં એક દિવસ ઇમામ હુસૈન(અ.સ.)ના જન્મ પ્રસંગે હું આપના દાદી જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની સેવામાં મુબારકબાદ દેવા માટે હાજર થયો. તેમના પવિત્ર હાથમાં લીલા રંગની ‘તખ્તી’ જોઇ. જાણે કે તે જમર્રૂદની હતી. તેમાં સૂર્યના પ્રકાશ જેવું સફેદ લખાણ હતું. મેં અરજ કરી અય બિન્તે રસુલ(સ.અ.વ.), મારા મા બાપ આપ ઉપર કુરબાન થાય. આ કેવી તખ્તી છે?
આપ(અ.સ.)એ ફરમાવ્યું : “આ તે તખ્તી છે જે ખુદાવન્દે આલમે તેના રસુલને તોહફામાં મોકલી છે. તેમાં મારા પિતાનું નામ છે, મારા પતિનું નામ છે, મારા બાળકોના નામો છે અને મારા બાળકોના વસીઓના નામો છે. આ તખ્તી મારા પિતાએ મને ભવિષ્યની ખુશખબરરૂપે ભેટમાં આપી છે.
જાબીર(રહ.)એ કહ્યું : “આપના દાદીએ તે તખ્તી મને આપી. મેં તે વાંચી અને તેને લખી લીધી.
મારા પિતાએ જાબીરને કહ્યું : “શું તે લખાણ આપ મને દેખાડી શકો છો?
જાબીર(રહ.)એ કહ્યું : “કેમ નહીં, જરૂર આપની સેવામાં રજુ કરી શકું છું.
મારા પિતા જાબીર(રહ.)ની સાથે તેમના ઘરે ગયા. તેમણે પાતળા ચામડાનું એક પુસ્તક કાઢ્યું. મારા પિતાએ જાબીર(રહ.)ને કહ્યું: “આપ આપના લખાણને જૂઓ. હું બોલું છું.
જનાબે જાબીર(રહ.) પોતાનું લખાણ જોતા રહ્યા અને મારા પિતા બોલતા ગયા. તેમાં એક અક્ષરનો પણ ફરક ન હતો. જનાબ જાબીરે(રહ.) કહ્યું, “હું અલ્લાહને સાક્ષી રાખીને કહું છું, મેં તખ્તીમાં આજ લખાણ જોયું હતું.
(બ) તખ્તીનું મૂળ લખાણ :
તખ્તીમાં જે લખાણ હેતુ તે આ પ્રમાણે હતું.
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
“આ લખાણ શક્તિશાળી અને હિકમતવાળા અલ્લાહ તરફથી મોહમ્મદ(સ.અ.વ.)ના માટે છે, જે તેના નબી, તેના નુર, તેના એલચી, તેનો હિજાબ અને તેની દલીલ છે. જીબ્રઇલ(અ.સ.) દુનિયાઓના પાલનહારની તરફથી આ તખ્તી લઇને ઉતર્યા છે.
“અય મોહમ્મદ(સ.અ.વ.)! મારા નામોનું સન્માન કરો. મારી નેઅમતોનો શુક્ર અદા કરો અને મારી નેઅમતોનો ઇન્કાર ન કરો. ખરેખર હું અલ્લાહ છું. મારા સિવાય કોઇ અલ્લાહ નથી. હું જાલીમોનો વિનાશ કરનાર અને મઝલુમોને ઇઝ્ઝત આપનાર છું. જે મારી મહેરબાનીઓ સિવાય બીજા કોઇની તરફ વળશે, મારા ન્યાયની સિવાય બીજા કોઇથી ડરશે તેને એવા અઝાબમાં સપડાવી દઇશ કે દુનિયાઓમાંથી બીજા કોઇ ઉપર આવો અઝાબ નહીં ઉતર્યો હોય. બસ માત્ર મારી જ ઇબાદત કરો અને માત્ર મારા ઉપર જ ભરોસો રાખો.
“મેં કોઇ નબી નથી મોકલ્યો સિવાય કે જ્યારે તેનો સમય પૂરો થયો અને તેની મુદ્દત પુરી થઇ ત્યારે મેં (નબી મોકલવાનો) એ જ ક્રમને જરૂર ચાલુ રાખ્યો.
“મેં તમને બધા નબીઓ ઉપર શ્રેષ્ઠતા (સરસાઇ) આપી અને તમારા વસીને બધા વસીઓ ઉપર સરસાઇ આપી. મેં તમને તમારા બે નવાસાઓ હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) થકી ઇઝ્ઝત અને મોટાઇ આપી. પછી મેં તેઓના પિતાની મુદ્દત પુરી થવા પછી ‘હસન’(અ.સ.)ને મારા ઇલ્મના ખજાનેદાર બનાવ્યા. અને ‘હુસૈન’(અ.સ.)ને મેં મારી વહીના ખજાનેદાર બનાવ્યા. અને તેમની શહાદત થકી બુઝુર્ગી અને ઇઝ્ઝત આપી. સદ્‍ભાગ્યને તેમના ઉપર સંપૂર્ણ કર્યું. શહીદ થનારાઓમાં તે સૌથી શ્રેષ્ઠ અને બધા શહીદોમાં તેમનો દરજ્જો સૌથી ઊંચો છે. અને મેં મારા સંપૂર્ણ અને પૂરેપૂરા કલામ તેઓની સાથે પ્રસ્થાપિત કર્યા અને તેમની જ પાસે મારી પરિપૂર્ણ હુજ્જત છે. હું તેમની ઇઝ્ઝત (સન્માન)થકી સવાબ આપીશ અને તેમના થકી જ અઝાબમાં સપડાવી દઇશ.
“તેઓમાં સર્વપ્રથમ ‘અલી’(અ.સ.) છે. ઇબાદત કરનારાઓના સરદાર અને મારા અગાઉના વલીઓના શણગાર અને તેમના પુત્ર જે તેમના દાદા મોહમ્મદ(સ.અ.વ.)ના જેવા (આબેહુબ) છે. મારા ઇલ્મનો ફેલાવો કરનાર, મારી હિકમતની ખાણ. જઅફર(અ.સ.)ના બારામાં શક કરનાર નજદીકમાં જ વિનાશ પામશે. તેઓની વાતને રદ્ કરવી તે મારી વાતને રદ્ કરવા સમાન છે. મારા તરફથી આ બિલ્કુલ ખુલ્લી હકીકત છે કે હું જઅફર(અ.સ.)ના દરજ્જાનો આદર અને સન્માન કરીશ. અને જરૂરને જરૂર તેઓના શીયાઓ, તેઓના દોસ્તો અને તેમના મદદગારો જે પણ તેમની સાથે સંબંધ ધરાવે છે તેઓને જરૂર ખુશ અને આનંદિત કરીશ! અને જ્યારે ચારે બાજુએથી ભરપુર ફિત્નાઓ માથું ઉંચકી રહ્યા હશે ત્યારે હું મૂસા(અ.સ.)ને ચુંટી કાઢીશ. એટલા માટે કે મારી ફરજો અને વાજીબાતોનો સિલસિલો તૂટી ન જાય. અને મારી હુજ્જત છુપાએલી નહી રહે અને ખરેખર મારા વલીઓને સંપૂર્ણપણે તૃપ્ત કરવામાં આવશે. જે તેઓમાંના કોઇપણ એકનો ઇન્કાર કરશે તેણે મારી નેઅમતોનો ઇન્કાર કર્યો. જેણે મારી કિતાબમાં એક પણ આયતને બદલી તેણે મારા ઉપર આક્ષેપ કર્યો. મારા બંદા, મારા હબીબ અને મારા ચૂંટી કાઢેલા મૂસા(અ.સ.)ની પછી જેણે ‘અલી’(અ.સ.)નો ઇન્કાર કર્યો અને તેમનામાં શંકા કરી તેઓના માટે જહન્નમની શિક્ષા છે. તે (અલી અ.સ.) મારા વલી છે. મારા મદદ કરનાર છે જેમને હું નબુવ્વત જેવી જવાબદારીઓ આપીશ. અને તેમના થકી કઠોર કસોટી કરીશ. તેમને એક અભિમાની નરાધમ કત્લ કરશે અને તે (અલી અ.સ.) મારા નેક બંદાના બનાવેલા શહેરમાં મારી બદતરીન મખ્લુકની બાજુમાં દફન કરવામાં આવશે. મારૂં આ વચન છે હું તેમના સંતાનો પછી તેમના જાનશીન અને તેમના ઇલ્મના વારસદાર ‘મોહમ્મદ’(અ.સ.) થકી તેમને ખુશ કરીશ. તે મારા ઇલ્મનો ખજાનો છે. મારા રહસ્યોને સાચવનાર છે. મારી મખ્લુક પર મારી હુજ્જત છે. જે બંદો તેમના ઉપર ઇમાન લાવશે, હું તેનું સ્થાન જન્નત બનાવીશ અને તેમના ખાનદાનના એવા સિત્તેર લોકોના બારામાં તેની શફાઅત કરીશ, જેમાંના દરેક જહન્નમના હકદાર હશે. તેમના પુત્ર ‘અલી’(અ.સ.) ઉપર સદ્‍ભાગ્યને પૂર્ણ કરીશ. જે મારા વલી, મારા મદદગાર, મારા સર્જનોમાં મારા સાક્ષી, મારી વહીના અમાનતદાર છે. અને તેમના પાલવમાં હસન(અ.સ.)ને જાહેર કરીશ જે મારા માર્ગની તરફ આમંત્રણ આપનારા, મારા ઈલ્મના ખજાનેદાર છે અને આ સિલસિલાને તેમના પુત્ર م ح م دના થકી સંપૂર્ણ કરીશ. જે દુનિયાઓ માટે રહેમત છે. તેઓમાં મૂસા(અ.સ.)નો કમાલ, ઇસા(અ.સ.)ની સુંદરતા અને અય્યુબ(અ.સ.)ની ધીરજ છે. તેમના (ગયબતના) જમાનામાં મારા વલીઓને અપમાનિત કરવામાં આવશે તેઓના માથાઓને એવી રીતે ભેટ સોગાદમાં રજુ કરવામાં આવશે જેવી રીતે તૂર્ક અને દયલમના માથા ભેટમાં આપવામાં આવતા હતા. તેઓને કત્લ કરવામાં આવશે, બાળવામાં આવશે. તેઓ ભયમાં રહેશે, ડર પામેલા રહેશે, પરેશાન સ્થિતિમાં રહેશે. જમીન તેઓના ખુનથી રંગીન કરવામાં આવશે. તેઓની સ્ત્રીઓમાં ફરિયાદ અને રડવાના અવાજો સામાન્ય હશે.
આજ લોકો મારા સાચા વલીઓ છે. હું તેમના થકી દરેક ફિત્નાને દૂર કરીશ, તેમના થકી મુશ્કેલીઓ અને મુસીબતોને દૂર કરીશ અને તેમના થકી બોજાઓ અને કૈદોબંદને દૂર કરીશ.
“ખરેખર આ જ લોકો ઉપર તેઓના રબની તરફથી દુરૂદ અને સલામ છે. બસ આ જ લોકો હિદાયત પામેલા છે.”
અબ્દુલ રહેમાન બિન સાલેમનું કથન છે કે અબુ બસીરે કહ્યું : “જો તમે જીંદગીભર આ સિવાય બીજી કોઇ હદીસ ન સાંભળી હોય, તો પણ તમારા માટે આ હદીસ પૂરતી છે. આને અયોગ્ય અને કૃપાત્ર લોકોથી સુરક્ષિત રાખવી.
થોડા મહત્વના તારણો :
એમ તો આ હદીસનું એકેએક વાક્ય ચિંતન અને મનન માંગી લે છે અને તેનું સંપૂર્ણ વિશ્ર્લેષણ કરવાની જરૂર છે. પરંતુ સંક્ષિપ્તમાં માત્ર અમૂક મુદ્દાઓની છણાવટ કરીશું.
1. આ હદીસ અલ્લાહ તઆલા તરફથી રસુલ(સ.અ.વ.)ની ખિદમતમાં તોહફા તરીકે નાઝીલ કરવામાં આવી છે.
2. જીબ્રઇલે અમીન(અ.સ.) જેવા પવિત્ર અને વિશ્ર્વસનીય ફરિશ્તા તે લઇને આવ્યા છે.
3. આ તોહફો ઇમામ હુસૈન(અ.સ.)ના જન્મ પ્રસંગે મોકલવામાં આવ્યો છે.
4. આ હદીસમાં હિદાયતના સંપૂર્ણ સિલસિલાની વાત છે.
5. ઇમામોના નામોની સાથે તેઓના ઝમાનાના સંજોગોની તરફ પણ પુરતું ધ્યાન દોરવામાં આવ્યું છે.
6. ઇમામતનો ક્રમ ઇમામ હુસૈન(અ.સ.)ના વંશમાં બાકી રહેશે.
7. અહલેબયત(અ.સ.)ની ઇમામતના કારણે લોકો સવાબના અથવા અઝાબના હકદાર બનશે.
8. ઇમામ હુસૈન(અ.સ.)ની વિલાદતના પ્રસંગે આ ઈલાહી તોહફો ઇમામ હુસૈન(અસ.)ની મહાનતાને જાહેર કરે છે.
9. તોહફો મોકલનાર ઇઝ્ઝત અને હિકમત ધરાવનાર અલ્લાહ છે. તેથી આ તોહફો ઇઝ્ઝત અને હિકમતનું કારણ છે.
10. તોહફો મેળવનારા, અલ્લાહના રસુલ, અલ્લાહના નબી, અલ્લાહના નુરના એલચી, અલ્લાહના છુપા રહસ્યોનો પરદો છે અને દલીલ રજુ કરનાર માટે આધાર છે.
11. આ હદીસમાં ખુદાવન્દે આલમે પયગમ્બરે અકરમ(સ.અ.વ.) માટે ‘નુર’ શબ્દનો ઉપયોગ કર્યો છે. સુરે નુરની આયત 35માં ઇરશાદ ફરમાવ્યું:
یَہْدِی اللہُ لِنُوْرِہٖ مَنْ یَّشَاۗءُ۝۰ۭ
“અલ્લાહ જેને ચાહે છે પોતાના નુરથી હિદાયત કરે છે.”
એટલે કે અલ્લાહ જેને ચાહે છે તેને પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ની હિદાયત અને મઅરેફત આપે છે.
12. આ હદીસમાં બાર ઇમામો(અ.સ.)ના નામ અને તેમની વિશેષતાઓની ચર્ચા કરવામાં આવી છે. માત્ર બે ઇમામો(અ.સ.)ની સાથે તેઓના સાથીદારો અને દોસ્તોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક ઇમામ સાદિક(અ.સ.) જેમના બારામાં આ વાક્ય મળે છે.
حَقَّ الْقَوْلُ مِنِّي لَأُكْرِمَنَّ مَثْوَى جَعْفَرٍ وَ لَأَسُرَّنَّهُ فِي أَشْيَاعِهِ وَ أَنْصَارِهِ وَ أَوْلِيَائِهِ
“મારી તરફથી એ વાત નક્કી છે કે હું જઅફર (અ.સ.)ની મન્ઝેલતનું જરૂરને જરૂર સન્માન અને ઇઝ્ઝત કરીશ. અને હું જરૂર તેમને અને તેમના શીયાઓને, તેમના મદદગારોને અને તેમના દોસ્તોને ખુશ અને આનંદિત કરીશ.”
અહિં શીયા, દોસ્તો અને વલીઓને ઇમામ સાદિક(અ.સ.) તરફ નીસ્બત આપવામાં આવી છે. એટલે તેમના શીયા, તેમના દોસ્તો અને તેમના અવલીયા.
બીજું ઇમામે ઝમાના(અ.સ.)ના દોસ્તોની ચર્ચા કરવામાં આવી છે. અહિં અલ્લાહે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે આ પ્રમાણે છે.
فَيُذَلُّ أَوْلِيَائِي فِي زَمَانِهِ وَ تُتَهَادَى رُءُوسُهُمْ كَمَا تُتَهَادَى رُءُوسُ التُّرْكِ وَ الدَّيْلَمِ فَيُقْتَلُونَ وَ يُحْرَقُونَ وَ يَكُونُونَ خَائِفِينَ مَرْعُوبِينَ وَجِلِينَ تُصْبَغُ الْأَرْضُ بِدِمَائِهِمْ وَ يَفْشُو الْوَيْلُ وَ الرَّنَّةُ فِي نِسَائِهِمْ أُولَئِكَ أَوْلِيَائِي حَقّاً
“તેમના ઝમાનામાં મારા વલીઓનો તિરસ્કાર કરવામાં આવશે. તૂર્ક અને દયલમના માથાઓની જેમ તેઓના માથાઓ પણ તોહફા તરીકે રજુ કરવામાં આવશે. તેઓને કત્લ કરવામાં આવશે, બાળી નાખવામાં આવશે. તેઓ ભય અને લાચારીમાં જીવન પસાર કરશે. જમીન તેઓના લોહીથી રંગાઇ જશે. તેઓની સ્ત્રીઓમાં રૂદન અને વિલાપની ફરિયાદો બુલંદ થશે. ખરેખર આ જ લોકો મારા સાચા વલીઓ છે.”
ખુદાવન્દે આલમે બે જગ્યાએ ઇમામે ઝમાના(અ.સ.)ની ગૈબતમાં ઝીંદગી બસર કરવાવાળા એમના મદદગારોને પોતાના વલી ગણ્યા છે.
આથી ઇમામે ઝમાના(અ.સ.) અને તેમના મદદ કરનારાઓની મહાનતાનો અંદાજ આવે છે કે અલ્લાહે તેમને પોતાના વલી ગણ્યા છે અને તેઓને પોતાની તરફ નિસ્બત આપી છે. નસીબદાર છે એ લોકો જેમને ઇમામે ઝમાના(અ.સ.)ના મદદગાર બનવાનું સન્માન પ્રાપ્ત થાય! આ ઉપરથી બીજી એક હકીકત જાહેર થાય છે કે ઇમામ(અ.સ.)ના ઝુહૂરના સમયે દીન ઉપર ટકી રહેવા અને ઇમામ(અ.સ.)ની ગયબતના ઝમાનામાં દીન ઉપર ટકી રહેવામાં કેટલો ફરક છે. ગયબતના ઝમાનામાં દીન ઉપર રહેવું ખુદાવન્દે આલમની નઝરોમાં કેટલું બધું મહાન છે અને કેટલું મહત્વ ધરાવે છે.
13. ખુદાવન્દે આલમે આ મહાન હદીસે કુદસીમાં ઇમામે ઝમાના(અ.સ.)ના મદદગારોને માત્ર પોતાની તરફ મન્સુબ જ નથી કર્યા, પરંતુ તેમની મહાનતાને આ વાક્યથી વધારે સ્પષ્ટ કરી છે.
بِهِمْ أَدْفَعُ كُلَّ فِتْنَةٍ عَمْيَاءَ حِنْدِسٍ وَ بِهِمْ أَكْشِفُ الزَّلَازِلَ وَ أَدْفَعُ الْآصَارَ وَ الْأَغْلَالَ
“હું તેમના થકી દરેક ફિત્નાઓ (અન્યાય)ને દૂર કરીશ, તેમના થકી મુશ્કેલીઓ અને મુસીબતોને દૂર કરીશ અને તેમના થકી બોજાઓ અને કૈદોબંદને દૂર કરીશ.”
અહિં بِهْمْથી સમજણ આપી છે. بهٖથી નહિ. જો નો ઉપયોગ કર્યો હોત તો તેનો અર્થ એ થાત કે ઇમામ(અ.સ.)ની થકી ફીત્નાઓને દૂર કરીશ. પરંતુ بِهْمِ ફરમાવ્યું. એટલે “તેમના સાથીદારો, મદદગાર અને મિત્રો થકી દરેક આંધળા ફીત્નાઓને દૂર કરીશ મુશ્કેલીઓનો હલ કરીશ એટલે કે આ લોકોને અલ્લાહ એટલા સન્માનનીય અને પ્રિયપાત્ર ગણે છે કે અલ્લાહ તેઓના થકી પ્રશ્ર્નોને ઉકેલશે. આથી વિચારો કે અલ્લાહની નજદીક ઇમામ(અ.સ.)ની મહાનતા અને દરજ્જો કેટલો ઊંચો હશે.!
14. આ હદીસમાં ઇમામે ઝમાના(અ.સ.)ને رحمته اللعالمين ગણવામાં આવ્યા છે.
وَ أُكْمِلُ ذَلِكَ بِابْنِهِ م‏ح‏م‏د رَحْمَةً لِلْعَالَمِينَ
“હું આ ક્રમને તેમના પુત્ર م ح م د થકી પરિણપૂર્ણ કરીશ જે રહેમતુલ-લિલ-આલમીન છે.
ખુદાવન્દે આલમે બધા નબીઓમાં માત્ર હઝરત મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.)ને رحمته اللعالمين કહ્યા છે.
وَمَآ اَرْسَلْنٰکَ اِلَّا رَحْمَۃً لِّلْعٰلَمِیْنَ۝۱۰۷
“અમે આપને નથી મોકલ્યા પરંતુ દુનિયાઓને (આલમીન)માટે રહેમત બનાવીને.”
(સુરએ અમ્બીયા, આયત : 107)
‘આલમીન’ની વિશાળતા જાણવા માટે અલહમ્દનો સૂરો પડો.
الحمد للّٰه رَبِّ العَالَمِيْنَ
જ્યાં સુધી અલ્લાહની રૂબુબીય્યતની સરહદ છે ત્યાં સુધી નબી(અ.સ.)ની રહેમતની સરહદ છે. રહમતનો અર્થ સમજવા માટે بِسْمِ اللہِ الرَّحْمٰنِ الرَّحِیْمِ ની તિલાવત કરો. અલ્લાહે પોતા માટે જે સીફતની સૌથી પહેલા ચર્ચા કરી છે તે رحمن و رحيم બન્નેમાં રહમતજ રહમત છે. આલીમો કહે છે કે ‘રહમાનિયત’ દુનિયા માટે છે અને ‘રહીમીયત’ દુનિયા અને આખેરત બન્ને માટે છે. એટલે કે રહમત પહેલે પણ અને રહમત અંતમાં પણ. ખુદાવન્દે આલમે નબીઓ(અ.સ.)ના સિલસિલામાં અંતિમ નબી મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.)ને રહમતુલ લિલ આલમીન બનાવ્યા છે. વસીઓના સિલસિલામાં અંતિમ વસીને રહમતુલ-લિલ-આલમીન બનાવ્યા. એટલે નબુવત અને ઇમામત રહમતજ રહમત છે. ઇમામે ઝમાના(અ.સ.)ને રહમતુલ-લિલ-આલમીન બનાવીને કુદરતની દ્રષ્ટિમાં તેમના ઊંચા દરજ્જાનો અંદાજ લગાડી શકાય છે.
કાશ! અલ્લાહ કોઇને એ તૌફીક આપે કે આ મુદ્દાઓને સમજી શકે અને તેને વર્ણવી શકે.
આલમે ઝરમાં વચન લેવામાં આવ્યું :
કુરઆને કરીમની અમૂક આયતોમાં અને અહલેબૈત(અ.સ.)ની અસંખ્ય રિવાયતોમાં ખુલાસાવાર જણાવવામાં આવ્યું છે કે આપણને, આ ભૌતિક દુનિયામાં પેદા કરતા પહેલા આલમે નુર અને આલમે અરવાહમાં આપણી રૂહોને આપણા શરીર કરતા બે હજાર વરસ પહેલા પેદા કરવામાં આવી હતી. તે સમયે અલ્લાહે આપણી રૂહો પાસેથી પોતે રબ હોવાનો અને હઝરત પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ની નબુવત અને અહલેબયત(અ.સ.)ની ઇમામત અને વિલાયતની કબુલાત લેવામાં આવી હતી. આપણે સંપૂર્ણ સ્વતંત્રપણે અને સ્વેચ્છાએ ત્યાંની ભાષામાં કબુલાત આપી. અલ્લાહે આપણી પાસેથી વચન લીધું તે પછી જ્યારે અલ્લાહે બે હજાર વરસ પછી આપણા શરીરોને પેદા કર્યા અને આપણી રૂહોને તે શરીરોમાં ફુંકી તે વખતે પણ આપણી પાસે આજ કરાર લેવામાં આવ્યો. ફરીવાર જ્યારે જ. આદમ(અ.સ.)ને પેદા કર્યા ત્યારે તમામ મખ્લુકને તેઓના સંતાનોની પીઠમાંથી રજકણોની જેમ બહાર કાઢ્યા અને પછી તેઓ પાસેથી આ જ વાતોની કબુલાત લીધી. સુરા અઅરાફની આયત 172-173માં અને બેહારૂલ અન્વાર ભાગ-5, પાના નં. 235 પછી અને ભાગ-61, પાના નં. 131-150 આ વિષયની રિવાયતો મોજુદ છે. રિવાયતોની સંખ્યા એટલી બધી વધારે છે કે તેને નબળી ગણીને અવગણી શકાય તેમ નથી. જો કે આલમે ઝર તે આપણો વિષય નથી. અહિં માત્ર એક હદીસે કુદસીની ચર્ચા કરીશું. જેમાં હઝરત હુજ્જતિબ્નીલ હસન અલ મહદી(અ.સ.) વિષે ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ફરમાવ્યું:
“ખુદાવન્દે આલમે નબીઓ પાસેથી આ વાયદો અને વચન લીધું. અલ્લાહે ફરમાવ્યું : શું હું તમારો રબ નથી? શું આ મોહમ્મદ(સ.અ.વ.) મારા રસુલ નથી? શું આ અલી(અ.સ.) અમીરૂલ મોઅમેનીન નથી?
સૌએ કહ્યું : “હા, ખરેખર એમજ છે.
પછી તે લોકોને નબુવ્વત આપવામાં આવી. પછી અલ્લાહે ઉલુલ અઝ્મ પયગમ્બરો પાસેથી વચન લીધું અને ફરમાવ્યું: ખચીતજ ખરેખર હું તમારો રબ છું. મોહમ્મદ(સ.અ.વ.) મારા રસુલ છે. અને અલી(અ.સ.) અમીરૂલ મોઅમેનીન છે. તેમના પછી તેમના વસીઓ મારા ઉલુલ અમ્ર છે. ઇલ્મના ખજાનચી છે. ખરેખર હું મહદી(અ.સ.) થકી મારા દીનની મદદ કરીશ અને તેમના થકી મારી હુકુમતને જાહેર કરીશ, તેમના થકી મારા દુશ્મનો પાસેથી બદલો લઇશ. તેમના કારણે સ્વેચ્છાએ કે અનિચ્છાએ મારી ઇબાદત કરવામાં આવશે.
સૌએ કહ્યું : “પરવરદિગાર! અમે કબુલ કર્યું અને અમે બધાના સાક્ષી છીએ. આ કબુલાતની સાક્ષીના કારણે તે પાંચ હઝરતોને ઉલુલ અઝ્મ પયગમ્બર બનાવવામાં આવ્યા.
(અલ જવાહેરૂસ્ સનીય્યા, પાના નં. 169)
મેઅરાજની હદીસો :
અલ્લાહ તબારક-વ-તઆલા એ હઝરત પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ને અનેક વખત મેઅરાજ ઉપર બોલાવ્યા. અમૂક રિવાયતો મુજબ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) 120 વખત મેઅરાજ ઉપર ગયા. પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ ત્યાં જે કાંઇ જોયું અને અલ્લાહે જે વાતચીત કરી તે બધી વાતો આં હઝરત(સ.અ.વ.)એ કહી છે. એ વાત જાહેર છે કે ત્યાં જે કાંઇ જોયું હશે અને જે વાતચીત થઇ હશે તે બધી અસાધારણ મહત્વ ધરાવતી હશે. હઝરત વલી અસ્ર(અ.સ.) વિષેની અમૂક વાતો આપણે જોઇએ.
“પ્રકાશિત તારો (કવકબે દૂર્રી):
સાલેમ બિન અબ્દુલ્લાહ બિન ઉમર અલ ખત્તાબે ઇમામ બાકીર(અ.સ.)ને મક્કાએ મોકર્રમામાં આ હદીસ બયાન કરી કે મેં મારા પિતા અબ્દુલ્લા બિન ઉમરને કહેતા સાંભળ્યા છે, તેમણે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને ફરમાવતા સાંભળ્યા :
“જ્યારે અલ્લાહ તઆલાએ મને મેઅરાજ અતા કરી ત્યારે ત્યાં અલ્લાહે મારા ઉપર આ વહી ઉતારી: એ મોહમ્મદ(સ.અ.વ.)! તમે દુનિયામાં કોને તમારા ખલીફા અને વારસદાર નક્કી કર્યા છે? (જો કે અલ્લાહ મારાથી વધુ જ્ઞાન ધરાવે છે.)
મેં અરજ કરી : “પરવરદિગાર! મારા ભાઇને. અલ્લાહે ફરમાવ્યું : “એ મોહમ્મદ(સ.અ.વ.)! અલી ઇબ્ને તાલીબ(અ.સ.)ને?”
અરજ કરી : “હા, મારા પરવરદિગાર.
અલ્લાહે ફરમાવ્યું : “એ મોહમ્મદ(સ.અ.વ.)! મેં જમીન ઉપર પુરી નજર ફેરવીને તમને ચૂંટી કાઢ્યા. તેથી માત્ર મારૂં નામ નહિ લેવામાં આવે પરંતુ સાથે સાથે તમારૂં નામ પણ લેવામાં આવશે. હું ‘મેહમૂદ’ છું અને તમે ‘મોહમ્મદ(સ.અ.વ.)’. પછી મેં બીજી વખત જમીન ઉપર નજર કરી. ત્યારે મેં અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)ને ચૂંટી કાઢ્યા અને તેમને તમારા વસી બનાવ્યા. તમે નબીઓના સરદાર છો અને અલી(અ.સ.) વસીઓના સરદાર છે. પછી તેમને માટે મારા નામોમાંથી એક નામ આપ્યું. હું ‘અઅલા’ છું તો તે ‘અલી’ છે. એ મોહમ્મદ(અ.સ.)! મેં અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.), હુસૈન(અ.સ.) અને ઇમામો(અ.સ.)ને એક નૂરમાંથી પેદા કર્યા પછી મેં તેઓની વિલાયતને ફરિશ્તાઓની સામે રજુ કરી જેમણે તેનો સ્વિકાર કર્યો તેમને ખાસ માનીતા વિશ્વાસપાત્ર બંદાઓમાં ગણવામાં આવ્યા અને જેમણે કબુલ ન કર્યું તેઓની ગણતરી કાફરોમાં થઇ.
“એ મોહમ્મદ(સ.અ.વ.)! જો મારા બન્દાઓમાંથી કોઇ બન્દો મારી એટલી ઇબાદત કરે કે કટકે કટકા થઇ જાય અને એવી સ્થિતિમાં મારી મુલાકાત કરે કે તે આ હસ્તીઓની વિલાયતનો ઇન્કાર કર્યો હશે તો તેને જહન્નમાં જગ્યા આપીશ.
પછી અલ્લાહે ફરમાવ્યું : “એ મોહમ્મદ(અ.સ.)! શું તમે તે લોકોને જોવાનું પસંદ કરશો?
અરજ કરી : “હા, એ મારા પરવરદિગાર
અલ્લાહે ફરમાવ્યું : “આગળ વધો.
હું આગળ વધ્યો. (તો મેં જોયું કે) અલી બિન અબી તાલીબ(અ.સ.), હસન(અ.સ.), હુસૈન(અ.સ.), અલી ઇબ્નીલ હુસૈન(અ.સ.), મોહમ્મદ બિન અલી(અ.સ.), જઅફર બિન મોહમ્મદ(અ.સ.), મૂસા બિન જઅફર(અ.સ.), અલી બિન મૂસા(અ.સ.), મોહમ્મદ બિન અલી(અ.સ.), અલી બિન મોહમ્મદ(અ.સ.), હસન બિન અલી(અ.સ.) અને હુજ્જતુલ કાએમ کَاَنَّهُ کَوْکَبٌ دُرِّيٌ فِيْ وَ سَطِهِمْ) તેઓની વચ્ચે પ્રકાશિત તારાની જેમ ચમકી રહ્યા છે.
મેં અરજ કરી: “પરવરદિગાર! આ લોકો કોણ છે?
અલ્લાહે ફરમાવ્યું : “આ બધા ઇમામો(અ.સ.) છે અને આ કાએમ(અ.સ.) છે તે મારા હલાલને હલાલ કરશે અને મારી હરામ કરેલી ચીજોને હરામ ગણશે. અને મારા દુશ્મનો પાસેથી બદલો લેશે.
“અય મોહમ્મદ(સ.અ.વ.)! તેને દોસ્ત બનાવો તેની સાથે મોહબ્બત કરો. કારણકે હું તેને ચાહું છું અને તેને ચાહું છું જે તેને ચાહે છે.”
(બેહારૂલ અન્વાર, ભાગ – 36, પાના નં. 222-23, હ. 21)
નૂરૂલ અન્વાર :
એક રિવાયતમાં આ રીતે છે :
وَ الْحُجَّةَ يَتَلَأْلَأُ مِنْ بَيْنِهِمْ كَأَنَّهُ كَوْكَبٌ دُرِّيٌّ
“અને હુજ્જત(અ.સ.) તેઓની વચ્ચે ચમકી રહ્યા હતા. જાણે તેઓ ચમકતા અને પ્રકાશિત સિતારા છે.
(અલ જવાહેરૂસ્ સનીય્યા, પાના નં. 216, 217 – 220)
પ્રકાશિત નૂરાની હાર :
ત્રીજી રિવાયતમાં આ વાક્યો મળે છે.
وَ الْمَهْدِيِّ فِي ضَحْضَاحٍ مِنْ نُورٍ قُيَّاماً يُصَلُّونَ وَ هُوَ فِي وَسَطِهِمْ يَعْنِي الْمَهْدِيَّ كَأَنَّهُ كَوْكَبٌ دُرِّيٌّ فَقَالَ يَا مُحَمَّدُ هَؤُلَاءِ الْحُجَجُ وَ هُوَ الثَّائِرُ مِنْ عِتْرَتِكَ وَ عِزَّتِي وَ جَلَالِي إِنَّهُ الْحُجَّةُ الْوَاجِبَةُ لِأَوْلِيَائِي وَ الْمُنْتَقِمُ مِنْ أَعْدَائِي
રિવાયતોનો પહેલો ભાગ લગભગ પહેલી રિવાયત જેવો છે. અગિયાર ઇમામોની વાત પછી હઝરત વલી અસ્ર(અ.સ.)ના બારામાં નીચેના વાક્યો નજરે પડે છે.
“અને મહદી(અ.સ.) નૂરના ઘેરામાં હતા. બધા ઇમામો (અ.સ.) નમાઝ પડી રહ્યા હતા અને હઝરત ઇમામ મહદી(અ.સ.) ‘કયામ’ની સ્થિતિમાં હતાં અને પ્રકાશિત સિતારાની જેમ ચમકતા હતા.”
પછી અલ્લાહે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને ફરમાવ્યું:
“અય મોહમ્મદ (સ.અ.વ.)! આ મારી હુજ્જતો છે. અને આ તે છે જે તમારા વંશજો (ઇતરતનો) બદલો લેશે. મારી ઇઝ્ઝત અને જલાલની કસમ, મારા વલીઓને માટે આ જ વાજીબ હુજ્જત છે. અને મારા દુશ્મનો સાથે બદલો લેનાર છે.”
(બેહારૂલ અન્વાર, ભાગ – 36, પાના નં. 216-17, હ. 18)
આ પ્રકારની બીજી રિવાયતો પણ છે. આ રિવાયતો ઉપર ચિંતન કરવાથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે.
1. ઇમામો(અ.સ.) આ દુનિયામાં આવતા પહેલા નૂર સ્વરૂપે અર્શ ઉપર હતા.
2. ત્યાં અલ્લાહની ઇબાદતમાં મશગુલ હતા.
3. મેઅરાજની રાત્રે અલ્લાહે રસુલે ખુદા(સ.અ.વ.)ને બાર ઇમામોને દેખાડ્યા.
4. અલ્લાહે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને અને અલી બિન અબી તાલીબ(અ.સ.) અને ઇમામો(અ.સ.)ને સમગ્ર કાએનાતમાંથી ચૂંટી કાઢ્યા.
5. અલ્લાહે પોતાના નામો ઉપરથી તેમના નામો રાખ્યા છે.
6. જ્યાં જ્યાં અલ્લાહનું નામ છે ત્યાં ત્યાં રસુલે ખુદા (સ.અ.વ.)નું નામ છે.
7. તેમની વિલાયત અને ઇમામત (માનવા)ના આધારે સવાબ મળશે.
8. જે તેમની વિલાયતનો ઇન્કાર કરશે તેનો એક પણ અમલ અલ્લાહની બારગાહમાં કબુલ નહિ થાય.
9. હઝરત વલી અસ્ર(અ.સ.)નું કયામની સ્થિતિમાં હોવું તેમના કયામ અને વિશ્ર્વક્રાંતિ તરફ ઇશારો કરે છે.
10. નુરોની વચ્ચે નુરનું વધુ પ્રકાશિત હોવું એક ખાસ વિશેષતા અને ઉચ્ચ સ્થાનને જાહેર કરી રહ્યું છે. કદાચ આ જ કારણ હોય કે જ્યારે ઇમામ હઝરત અલી રઝા(અ.સ.) બારમાં ઇમામ(અ.સ.)નો લકબ ‘અલ-કાએમ’ સાંભળતા હતા ત્યારે માથા ઉપર હાથ રાખીને ઉભા થઇ જતા હતા જ્યારે કે હઝરત(અ.સ.)નો જન્મ પણ નહોતો થયો.
11. હઝરત રસુલે અકરમ(સ.અ.વ.) અલ્લાહના સૌથી વધુ પ્રિય અને પસંદ કરેલા છે. એટલાજ માટે આં હઝરત(સ.અ.વ.)નો લકબ ‘હબીબે ખુદા’ છે. અલ્લાહ પોતાના હબીબને આ પ્રમાણે ફરમાવે છે :
“તેની સાથે મોહબ્બત કરો એટલા માટે કે હું તેને ચાહું છું અને તેને પણ ચાહું છું જે તેને ચાહે છે.
કુરઆનમાં છે :
“જો તમે અલ્લાહને ચાહો છો તો મારી તાબેદારી કરો. અલ્લાહ તમારી સાથે મોહબ્બત કરશે તમને પ્રિય પાત્ર બનાવશે.
(સુરા આલે ઇમરાન, આયત: 31)
જો ઉમ્મત પયગમ્બર(સ.અ.વ.)ની તાબેદારી કરશે તો અલ્લાહ ઉમ્મતને ચાહશે અને અલ્લાહ ઇચ્છે છે કે પયગમ્બર(સ.અ.વ.) હઝરત વલીએ અસ્ર(અ.સ.) સાથે મોહબ્બત કરે. જો આપણે પયગમ્બર(સ.અ.વ.)ની તાબેદારી કરતાં હોઇએ (કુરઆનની ઉપર મુજબની આયત પ્રમાણે) તો આપણા માટે જરૂરી છે કે આપણે પણ હઝરત મહદી(અ.સ.)ને ચાહિએ કે જે અલ્લાહનો હુક્મ પણ છે અને પયગમ્બર(સ.અ.વ.)નું અનુસરણ પણ છે.
12. ખુદાવન્દે આલમ હઝરત વલી અસ્ર(અ.સ.) થકી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના વંશજો (ઇતરત) અને પોતાના દુશ્મનોથી બદલો લેશે.
સય્યદુશ્શોહદા(અ.સ.)ના ખૂનનો બદલો લેનાર:
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત એવી સૌથી વધુ હૃદયદ્રવાક મુસીબત છે, જેના કારણે કાએનાતનો ખુણે ખુણો શોક મનાવે છે. ઝિયારતે આશુરાને બુઝુર્ગ આલીમોએ હદીસે કુદસી ગણી છે. આ ભવ્ય ઝિયારતમાં આ વાક્યો જોવા મળે છે.
يَا اَبَا عَبْدِ اللّٰهِ لَقَدْ عَظُمَتِ الرَّزِيَّۃُ وَ جَلَّتْ وَ عَظُمَتِ الْمُصِيْبَۃُ بِکَ عَلَيْنَا وَ عَلٰي جَميْعِ اَھْلِ الْاِسْلَامِ وَ جَلَّتْ وَ عَظُمَتْ مُصِيْبَتُکَ فِي السَّمَوَاتِ عَليٰ جَمِيْعِ اَھْلِ السَّمٰوَات
“એ અબાઅબ્દિલ્લા! ખરેખર આપના ઉપર જે દુ:ખો પડ્યા છે તે અતિશય ભારે અને અઝીમ છે. આપ ઉપર પડેલા આ દુ:ખો અમારા માટે અને ઇસ્લામના લોકો માટે અઝીમ (અસહ્ય) છે. આપની ઉપર ઉતરેલી આ મુસીબતો આસમાનો અને આસમાન ઉપર રહેતા બધા લોકો માટે અનહદ ભારે અને અઝીમ (મહા ભારે) છે.
(ઝિયારતે આશુરા)
એક બીજી ઝિયારતમાં આ રીતે કહેવામાં આવ્યું છે.
أَشْهَدُ أَنَّ دَمَكَ سَكَنَ فِي الْخُلْدِ وَ اقْشَعَرَّتْ لَهُ أَظِلَّةُ الْعَرْشِ وَ بَكَى لَهُ جَمِيعُ الْخَلَائِقِ وَ بَكَتْ لَهُ السَّمَاوَاتُ السَّبْعُ وَ الْأَرَضُونَ السَّبْعُ وَ مَا فِيهِنَّ وَ مَا بَيْنَهُنَّ
“હું ગવાહી આપું છું કે આપનું પવિત્ર ખૂન જન્નતમાં રાખવામાં આવ્યું. જેને જોઇને અર્શના પાયા ધુ્રજવા લાગ્યા, ભયથી થરથરવા લાગ્યા. તેના ઉપર તમામ મખ્લુકે રૂદન કર્યું. સાતેય આસમાનો રડ્યા. જમીનના સાતેય તબક્કાઓએ રૂદન કર્યું. આ ઉપરાંત આ આસમાનો અને જમીનો ઉપર અને તેઓની દરમ્યાનમાં જે ચીજો આવેલી છે તે બધાએ ગીર્યા – રૂદન કર્યું.
(મફાતિહુલ જીનાન, ફારસી, પાના નં. 423)
આ ખૂન જન્નતમાં કેવી રીતે પહોંચ્યું? કોણ લઇ ગયું? અર્શનો છાંયો શું છે? તેનાથી મુરાદ કોણ છે?…. આ સવાલો અત્યારે આપણો વિષય નથી. માત્ર એટલું કહેવું છે કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની દુ:ખદાયક શહાદતથી સમગ્ર જગત હચમચી ગયું અને અણુએ અણું શોક મગ્ન છે. મલાએકાઓ ઉપર ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની ઘણી ઉંડી અસર પડી છે. આ અસર આજે પણ બાકી છે.
અબુ હમઝા સાબિત બિન દીનાર સોમાલીએ હઝરત ઇમામ મોહમ્મદ બાકીર(અ.સ.) પાસેથી આ રિવાયતની નોંધ કરી છે.
જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા ત્યારે મલાએકાઓએ બુલંદ અવાઝમાં આક્રંદ અને ફરિયાદ કરીને ખુદાવન્દે આલમને કહ્યું :
“અય અમારા પરવરદિગાર! એ અમારા માલિક! જે લોકોએ તારા ચૂંટી કાઢેલાઓના ચહિતા ફરઝન્દોને કત્લ કર્યા તો શું તું તેઓને આવી જ રીતે છોડી દઇશ?
ખુદાવન્દે આલમે ફરિશ્તાઓને વહી કરી :
“અય મારા મલાએકાઓ! જરા ધીરજ ધરો. મારી ઇઝ્ઝત અને જલાલની કસમ, હું તે લોકો પાસેથી જરૂર અને જરૂર બદલો લઇશ. ભલે પછી થોડા દિવસો પછી કેમ ન (બદલો) લઉં?
પછી ખુદાવન્દે આલમે ઇમામ હુસૈન(અ.સ.)ના વંશમાંથી આવનારા માસુમ ઇમામોના પવિત્ર નુરની સામે પડેલો પરદો હટાવ્યો. મલાએકાઓએ જ્યારે તેઓની ઝિયારત કરી તો ખુશ થઇ ગયા. તેઓએ આ ઇમામોમાંના એક ઇમામને કયામની હાલતમાં જોયા.
અલ્લાહે ફરમાવ્યું :
بِذٰلِكَ الْقَائِمِ أَنْتَقِمُ مِنْهُمْ
“હું આ કાએમની થકી તેઓ બધા પાસેથી બદલો લઇશ.”
(અલ જવાહેરૂસ્ સનીય્યા, પાના નં. 191)
હદીસે કુદસીના આ વાક્યો છે કે ખુદાવન્દે આલમ ઇમામે ઝમાના(અ.સ.) થકી હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના નાહક ખૂનનો બદલો લેશે. આ હકીકતને વધુ સ્પષ્ટ રીતે ઝિયારતે આશુરામાં રજુ કરવામાં આવી છે. એ બાબત કહી ચુક્યા છીએ કે ઝિયારતે આશુરા પણ હદીસે કુદસી છે અર્થાંત અલ્લાહના કલામ છે.
فَاَسَئَلُ اللّٰهُ الَّذِيْ اَکْرَمَ مَقَمَکَ وَ اَکْرَمَنِيْ بِکَ اَنْ يَّرْزُقَنِيْ طَلَبَ ثَارِکَ مَعَ اِمَامٍ مَّنْصُوْرٍ مِنْ اَھْلِ بَيْتِ نَبِيَّکَ مُحَمَّدٍ صَلَّي اللّٰهُ عَلَيْهِ وَ آله………… وَ اَنْ يَّرْزُقَنِيْ طَلَبَ ثَارِکُمْ مَعَ اَمَامٍ ھُدًي وَ ظَاھِرٍ نَاطِقٍ بالْحَقِّ مِنْکُمْ
“હું તે અલ્લાહની બારગાહમાં દોઆ કરૂં છું કે જેણે આપને ઊંચો દરજ્જો અતા કર્યો છે, આપના કારણે મને ઇઝ્ઝત આપી કે મને એ તૌફીક આપ કે હું નબી અકરમ(સ.અ.વ.)ની અહલેબયત(અ.સ.)ના ઇમામે મન્સુર(અ.સ.)ની સાથે આપના ખૂનનો બદલો લઇ શકું.
“અલ્લાહ મને તવફીક આપ કે ઇમામે હિદાયત જ્યારે જાહેર થાય અને હક તેમની જીભ ઉપર હોય અને આપ(અ.સ.)ના ખાનદાનમાંથી હોય, હું તેઓની સાથે તેમના ખૂનનો બદલો લઇ શકું.
(ઝિયારતે આશુરા)
ઝિયારતે આશુરામાં બે જગ્યાએ ઇમામ હુસૈન(અ.સ.)ના ખૂનનો બદલો લેવાની વાત રજુ કરવામાં આવી છે, તે કેટલી મહત્વની છે. આ કામ હઝરત વલી અસ્ર (અરવાહોના ફીદાહ) પુરૂં કરશે. જ્યારે મલાએકાઓએ આ વાત જાણી કે ઇમામ હુસૈન(અ.સ.)ના વંશમાંથી એક ઇમામ તેમના ખૂનનો બદલો લેશે ત્યારે તેઓને સંતોષ થયો. અલ્લાહ આપણને સૌને હઝરત વલી અસ્રના પરચમે હક્કની નીચે ઇમામ હુસૈન(અ.સ.)ના ખૂનનો બદલો લેવાનું સદ્‍ભાગ્ય નસીબ કરે. આમીન…
ખિલ્કતના હેતુની સંપૂર્ણતા :
ખુદાવંદે આલમે ઇન્સાનોને પોતાની ઇબાદત અને મઅરેફત માટે પેદા કર્યા છે. પરંતુ આજ દિન સુધી (જનાબે આદમ(અ.સ.)ના એ સમય કાળ સિવાય જ્યારે આ દુનિયામાં માત્ર તે અને જનાબે હવ્વા હતા) એવો યુગ નથી આવ્યો જ્યારે સમગ્ર ધરતી પર અલ્લાહની જ ઇબાદત થઇ હોય. દરેક જગ્યાએ તૌહીદનો પરચમ લેહરાતો હોય અને કોઇપણ વ્યક્તિ કોઇને અલ્લાહનો ભાગીદાર ન બનાવતો હોય. માનવીના સર્જનનો આ હેતુ ઇન્શાઅલ્લાહ હઝરત વલી અસ્ર(અ.સ.)ના ઝળહળતા ઝુહૂર થકી પૂરો થશે. આવો! ખુદ રસુલે ખુદા(સ.અ.વ.)ની જીભે આ હકીકતને સાંભળીએ. આ હદીસે કુદસી છે.
મેઅરાજમાં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) સાથે અલ્લાહની વાતચીત છે. તે પણ ક્યાં? જ્યારે પયગમ્બરે અકરમ(સ.અ.વ.) સાત આસમાનો પસાર કરી સિદરતુલ મુન્તહાના સ્થળે પહોંચ્યા અને ત્યાંથી આગળ નુરના પરદાના સ્થળે પહોંચ્યા. બસ આટલું જ ધ્યાનમાં રાખી લઇએ કે આ વાતચીત ત્યાં થઇ રહી છે જ્યાં નબીએ મુરસલ અને ખાસ મલાએકા જઇ નથી શકતા આથી વધુ ઊંચુ સ્થળ બીજુ ક્યું હોઇ શકે? વાતચીત કોણ કરી રહ્યું છે? અલ્લાહ, જે સમગ્ર કાએનાતના અસ્તિત્વનો માલિક છે. વાતચીત કોની સાથે થઇ રહી છે? હઝરત મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.) સાથે કે જેમના કારણે સમગ્ર કાએનાતને અસ્તિત્વ મળ્યું છે. વાતચીતનો વિષય કયો છે? નબુવ્વત, હઝરત અલી(અ.સ.), તેમના વંશજો અને ઇમામે ઝમાના(અ.સ.)ની ઇમામત અને વિલાયતનો. અલ્લાહની આ વાતચીત સૂચવી રહી છે કે અલ્લાહની સૌથી નજદીક શ્રેષ્ઠ અને સૌથી મહત્વની વાતચીત અહલેબયત(અ.સ.) અને ખાસ કરીને ઇમામે ઝમાના(અ.સ.)ની ઇમામત અને વિલાયતની વાતચીત, છે. વાતને ટુંકાવતા આપણે હદીસે કુદસીની નોંધ કરવાનું સદ્‍ભાગ્ય પ્રાપ્ત કરીએ. ટૂંકાણને ધ્યાનમાં રાખીને માત્ર તરજુમો લખેલ છે.
અસ્બગ બિન નોબાતાએ હઝરત ઇબ્ને અબ્બાસથી રિવાયત કરી છે : હ. રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:
“જ્યારે હું મેઅરાજ ઉપર ગયો ત્યારે સાતમા આસમાન ઉપર ગયો. ત્યાંથી સિદ્રતુલ મુન્તહા સુધી ગયો. ત્યાંથી નુરના પરદામાં ગયો. ત્યાં મારા રબે મને કહ્યું
“અય મોહમ્મદ(સ.અ.વ.)! તમે મારા બંદા છો અને હું તમારો પરવરદિગાર છું. બસ મારા માટે નિર્મળ અને નિખાલસ રહો, બસ મારીજ ઇબાદત કરો અને બસ મારી ઉપરજ ભરોસો કરો. હું તે બાબતથી રાજી છું કે તમે મારા બંદા, હબીબ, રસુલ અને નબી છો. અને આ બાબતથી પણ રાજી છું કે તમારા ભાઇ અલી(અ.સ.) તમારા ખલીફા અને (તમો સુધી પહોંચવાના) દરવાજા છે. તે મારા બંદાઓ ઉપર મારી હુજ્જત છે અને મારી તમામ મખ્લુકના ઇમામ છે. તેમના થકી મારા વલીઓ મારા દુશ્મનોથી અલગ ઓળખાઇ જાય છે અને તેમના જ કારણે મારા સમૂહો શયતાનના સમૂહોથી સન્માનજનક અને પ્રતિષ્ઠીત રીતે હોય છે. તેમનાજ કારણે મારો દીન સ્થાપિત થશે. મારા હુકમો અમલમાં આવશે અને મારી મર્યાદાઓનું રક્ષણ થશે. હું તમારા કારણે અને તેમના કારણે અને તેમના વંશના ઇમામો(અ.સ.)ને કારણે મારા બંદાઓ અને કનીઝો ઉપર રહેમ કરૂં છું. અને તમારા કાયમ(અ.સ.)ના થકી મારી તસ્બીહ, (سبحان اللّٰه) મારી તેહલીલ, (لا اله الا الله) મારી તકદીસ (سُبُّوحٌ قُوُّوْسٌ), મારી તકબીર (اللّٰه اکبر) મારી તમજીદ (الحمد لِلّٰهِ رب العالمن)થી આ ધરતીને આબાદ કરીશ અને બસ તેઓના થકી મારી ધરતીને મારા દુશ્મનોથી પાક કરીશ અને મારા વલીઓને તેના વારસદાર બનાવીશ.
“અને બસ તેઓના થકી કાફીરોની વાતોને નીચી કરી દઇશ અને મારા કલમાને ઉચ્ચતા અર્પણ કરીશ અને તેમનાજ થકી મારા બંદાઓ અને મારા શહેરોને નવજીવન આપીશ.
“અને બસ તેઓના થકી મારા ખજાનાઓ અને સંગ્રહોને મારી ઇચ્છાથી જાહેર કરીશ. અને તેઓના માટે મારા ઇરાદાથી તમામ રહસ્યો અને ભેદોને અને અંતર (માંથી ઉઠનારા વિચારોને) જાહેર કરીશ.
“મારા હુકમોનો અમલ કરાવવા અને મારા દીનના પ્રચાર માટે મારા મલાએકાઓ થકી તેઓની મદદ કરીશ.
“આ જ મારા સાચા વલી છે અને મારા બંદાઓના સાચા મહદી છે.
(જવાહેરૂસ્ સન્નીયા, પા.184, બેહાર, ભાગ-51, પા. 66, હ. 3)
આ હદીસે કુદસીના એ વાક્યો ઉપર વિચાર કરો જે હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ના માટે છે. એનાથી એ બાબત સાફ સાફ જણાઇ આવે છે કે ખુદાવન્દે આલમે જે હેતુ માટે બધા નબીઓ, રસુલો અને વસીઓને મોકલ્યા અને તેઓની સાથે જે આસમાની કિતાબો અને શરિઅતો મોકલી તે બધાના હેતુની સંપૂર્ણતા હઝરત વલી અસ્ર(અ.સ.)ના નૂરથી ભરપુર ઝુહૂર થકી થશે. શું આ પછી પણ આપણે હઝરત વલી અસ્ર(અ.સ.)નો ઝુહર વહેલો થાય એ માટે દોઆ ન કરવી જોઇએ?

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *