ઝિયારતે આલે યાસીનનો ભાવાર્થ

Print Friendly, PDF & Email

આપની સમક્ષ છેલ્લા બે વરસથી અમે ઝિયારતે આલે યાસીનની વિસ્તૃત છણાવટ કરી રહ્યા છે. હવે આ ક્રમને આગળ વધારીને આ ઝિયારતની બાકીની છણાવટ રજુ કરશું.
(20) اَلسَّلَامُ عَلَيْكَ حِينَ تَرْكَعُ وَ تَسْجُدُ
“સલામ થાય આપ ઉપર જ્યારે આપ રૂકુઅ અને સજદહ કરો છો.
જો કે રૂકુઅ અને સજદહ નમાઝના ભાગ છે. આ ઝિયારતના અગાઉના ભાગમાં અમે ઇમામે ઝમાના (અ.સ.)ની બારગાહમાં السلام عليک حين تصلّي ના શિર્ષક હેઠળ સલામ રજુ કરી હતી. કદાચ આ બન્ને અમલના મહત્વના કારણે તેની ખાસ ચર્ચા કરવામાં આવી છે. અથવા શક્ય છે કે હઝરતના લંબાણ પૂર્વકના રૂકુઅ અને સજદહઓની તરફ ઇશારો છે. આપના માનનીય દાદા હઝરત મુસા બીન જઅફર (અ.સ.) એ પણ ઝુહુરની દોઆની સાથે સાથે આપના રૂકુઅ અને સજદાઓની વાત કરી છે. યહ્યા બીન ફઝલ નવફલી રિવાયત નકલ કરે છે કે તે બગદાદમાં ઇમામ કાઝીમ (અ.સ.)ની ખીદમતમાં હાજર થયા. હઝરતની અસ્રની નમાઝ પુરી થઇ ચૂકી હતી. પ્રણાલીકા મુજબ ઇમામે પોતાના બન્ને હાથોને આસમાન તરફ ઉંચા કર્યા અને આ વાક્યો બોલ્યા :
أَنْتَ الْأَوَّلُ وَ الْآخِرُ وَ الظَّاهِرُ وَ الْبَاطِنُ‏
“તુંજ પહેલો, છેલ્લો, જાહેર અને છુપો છે.
આ વાક્ય આપે દસ વખત દોહરાવ્યું. ખુદાવન્દે મોતઆલને જુદી જુદી રીતે આવીજ રીતે યાદ કર્યા પછી આપે દોઆ કરી.
أَسْأَلُكَ بِاسْمِكَ الْمَكْنُونِ الْمَخْزُونِ الْحَيِّ الْقَيُّومِ الَّذِي لَا يُخَيَّبُ مَنْ سَأَلَكَ بِهِ أَسْأَلُكَ أَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ وَ أَنْ تُعَجِّلَ فَرَجَ الْمُنْتَقِمِ لَكَ مِنْ أَعْدَائِكَ وَ أَنْجِزْ لَهُ مَا وَعَدْتَهُ يَا ذَا الْجَلَالِ وَ الْإِكْرَامِ
“હું તારી પાસે સવાલ કરૂં છું કે તારા આ અમૂલ્ય અને છુપાએલા નામના વાસ્તાથી, જે જીવંત અને હંમશ માટે છે. તે નામ કે જે કોઇએ પણ તને તે નામથી યાદ કર્યો તે ક્યારે પણ નિરાશ નથી થયો. તું સલવાત મોકલ મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર અને તારા દુશ્મનો સામે બદલો લેનારનો ઝુહુર જલ્દીથી જલ્દી કર અને જે કાંઇ વાયદો તેં તેમની સાથે કર્યો છે તે પૂરો કર.
રાવી કહે છે કે મેં અરજ કરી : “આ પ્રકારની દોઆ આપ કોના માટે કરી રહ્યા છો?
ذَاكَ الْمَهْدِيُّ مِنْ آلِ مُحَمَّدٍ
“તેઓ આલે મોહમ્મદ (સ.અ.વ.) ના મહદી (અ.સ.) છે.
તે પછી ઇમામે કાઝીમ (અ.સ.) ઇમામે ઝમાના (અ.સ.) ની વધુ પ્રસંશા કરતાં કહ્યું :
مَا بَيْنَ الْمَنْكِبَيْنِ أَسْمَرُ اللَّوْنِ يَعْتَوِرُهُ مَعَ سُمْرَتِهِ صُفْرَةٌ مِنْ سَهَرِ اللَّيْلِ بِأَبِي مَنْ لَيْلُهُ يَرْعَى النُّجُومَ سَاجِداً وَ رَاكِعا
“મારા બુઝુર્ગ પિતા ફીદા થાય આપના ઘઉંવર્ણા ચહેરા ઉપર કે જેને રાતના ઉજાગરાઓએ પીળો કરી દીધો છે. મારા બુઝુર્ગ પિતા ફીદા થયા આ રાતના સિતારાઓના રક્ષક ઉપર (એટલે નમાઝે શબ માટે તત્પર) (એ રાતો જે સતત) રૂકુઅ અને સજદહની સ્થિતિમાં પસાર કરવામાં આવે છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – 86, પાના નં. 81)
ઉપરની હદીસોમાં ઇમામે ઝમાના (અ.સ.) ની રૂકુઅ અને સજદહની ચર્ચા રાતની ચૂપકીદી અને અંધકારથી કરવામાં આવી છે. માત્ર ખૂદાજ જાણે છે કે તેનું સર્વશ્રેષ્ઠ સર્જન (એટલે ઇમામ ઝમાના અ.સ.) ક્યા રહસ્યો અને ભેદમાં લીન છે. શું વાત કરવી તે રૂકુઅની અને શું વાત કરવી તે સજદહની જે ઝુલજલાલના માટે રજુ કરવામાં આવી રહ્યા છે. અહિં બીજી એક બાબત ઉપર ધ્યાન દોરવું જરૂરી છે કે આ હદીસના શબ્દો مَنْ لَيَلَهُ يَرْعٰي النُّجُوْمَ નો અર્થ એ છે કે અલ્લાહ તઆલાને એ વાત પસંદ છે કે ઇન્સાન હંમેશા નમાઝની હિફાઝત કરે અને પરવરદિગારની ઇબાદતમાં લીન રહે. બીજા શબ્દોમાં માણસને આસમાનના સિતારાઓ અને કરામતોનો અલ્લાહની ઇબાદતમાં ઉપયોગ કરે. મુલ્લા મોહસીન ફયઝે કાશાનીએ એક રિવાયતમાં આ રીતે નોંધ કરી છે. રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે :
اَحْبُّ عِبَادِ اللّٰهِ اِلَي اللّٰهِ الَّذِيْنَ يُرَاعُوْنَ الشَّمْسَ وَالْقَمَرَ وَ الْاَظِلَّۃَ لِذِکْرِ اللّٰهِ
“એટલે કે અલ્લાહના બંદાઓમાં સૌથી વધુ પ્રિય બંદો એ છે કે જે અલ્લાહના ઝીક્ર માટે સૂરજ, ચાંદ, અને છાંયડાઓના વિચારોમાં ડૂબેલો રહે છે (તેની ઇબાદત માટે).
(ખુલાસતુલ અઝકાર, પા. 6)
(21) اَلسَّلَامُ عَلَيْكَ حِينَ تُهَلِّلُ وَ تُكَبِّرُ
“સલામ થાય આપ ઉપર જ્યારે આપ તહલીલ (لا اِلٰه اِلَّا الله) અને તકબીર (الله اکبر) કહો છો. તહલીલ અને તકબીર (અલ્લાહની) પવિત્ર જાતની વહદાનીય્યતની નિશાની છે. ઇસ્લામની સચ્ચાઇ અને તેના માનવ પ્રકૃતિનો દીન હોવાની જાહેરાત છે. એક વખત એક જરથોસ્તી (પારસી) યુવાનને મરહુમ આયતુલ્લાહ આકા હુસયને તબાતબાઇ બુરૂજર્દી પાસે હાજર કરવામાં આવ્યો અને લોકોએ કહ્યું કે તે ઇસ્લામ લાવવા ચાહે છે. આકાએ બુરૂજર્દીએ તેને સવાલ કર્યો, એવી કઇ બાબત છે કે જેણે તને ઇસ્લામ ધર્મ તરફ પ્રેયો? તેણે જવાબ આપ્યો, “તેની સચ્ચાઇ અને તેનું પ્રકૃતિ મુજબનું હોવું. આકા બુરૂજર્દીએ તેને હુકમ આપ્યો. કહો لا اِلٰه اِلَّا الله તે જવાન કહે છે, આકાએ આ વાક્યને એવી ભવ્યતા અને હેબતથી કહ્યું કે મેં આખી જીંદગીમાં આ પ્રકારની તહલીલ કોઇ પાસેથી સાંભળી ન હતી. જે સમયે આપ لا اِلٰه اِلَّا الله કહી રહ્યા હતા ત્યારે હું ખુદાવન્દે મોતઆલની વહદાનીય્યત (એક હોવા)નો એહસાસ કરી રહ્યો હતો. જ્યારે ઇમામે ઝમાના (અ.સ.)ના એક સામાન્ય નાએબની જીભમાં આટલી અસર છે, ત્યારે શું વાત કરવી એ ઇમામની કે જેણે ખુદાવન્દે સુબ્બુહની તહલીલ, તસ્બીહ અને તકબીર એ સમયે કરી કે જ્યારે કોઇ સર્જન હતું જ નહિ. એ ઇમામ કે જેણે ફરિશ્તાઓ અને ખાસ નજદિકના મલાએકાઓને તસ્બીહ અને તહલીલનું શિક્ષણ આપ્યું.
(વધુ વિગત માટે બેહારૂલ અન્વાર, ભાગ – 18, પા. 345, “એલુલશ-રાએ, ઓયુને અખ્બારે રેઝા અ.સ.)
એ ખુદા! અમને તૌફીક આપ કે અમે ઇમામે ઝમાના (અ.સ.) ની પવિત્ર ઝબાનથી સીધે સીધી ખુદાની તહલીલ અને તસ્બીહ સાંભળીએ જો કે અમારા કાન હરામ સાંભળવા માટે ટેવાએલા છે તેથી તે એ માટે લાયક નથી કે તેને (તે) આવી વાતો સાંભળે. એ ખુદા! અમને તૌફીક આપ કે અમે અમારા ઇમામની સામે તકબીર અને તહલીલ કહેવાનો લાભ ઉઠાવીએ.
ઇમામ બાકીર (અ.સ.) ફરમાવે છે :
وَ مَنْ كَبَّرَ بَيْنَ يَدَيِ الْإِمَامِ وَ قَالَ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ كَتَبَ اللَّهُ لَهُ رِضْوَانَهُ الْأَكْبَرَ وَ مَنْ يَكْتُبِ اللَّهُ لَهُ رِضْوَانَهُ الْأَكْبَرَ يَجْمَعْ بَيْنَهُ وَ بَيْنَ إِبْرَاهِيمَ وَ مُحَمَّدٍ وَ الْمُرْسَلِينَ فِي دَارِ الْجَلَالِ
“જેણે ઇમામની સામે તકબીર અને તહલીલ કહી, અલ્લાહ તેના માટે રીઝવાને અકબર (એટલે કે સૌથી વધુ ખુશી) લખી દેશે. તેને પયગમ્બર ઇબ્રાહીમ (અ.સ.), હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને બાકીના નબીઓ અને રસુલો સાથે દારે જલાલમાં રાખશે.
(તફસીરે બુરહાન,ભા.3, પા.239,કુરઆન આ. لِيَقُوْمَ النَّاسُ بِالْقِسْطِ)
હા, હુજ્જતે હકના દીદાર તેની તકબીર છે, હા, વલીયુલ્લાહની ઝિયારત તેની તહલીલ છે. કારણ કે તે (ઇમામે ઝમાના અ.સ.) ખુદાની દરેક મહાનતા અને ભવ્યતાનું મથક છે અને અલ્લાહની વહદાનીય્યતના સુકાની છે. આહ! ક્યારે આવશે તે પળ કે જ્યારે અમારી આંખો ખુદાવન્દે મોતઆલના સાચા તકબીર અને તહલીલ કરનારની ઝિયારતથી પ્રકાશિત થશે? જ્યારે અમારા દીલ આપને જોઇને તરતજ ઝુમી ઉઠશે અને અનાયાસે આ અવાજ નીકળશે. ‘اللهُ اکبر’ ‘لا اِلٰه اِلَّا الله’આહ! ક્યારે આવશે તે સમય જ્યારે અમે આપના પવિત્ર હોઠો ઉપરથી આ સૂર ‘اللهُ اکبر’ ‘لا اِلٰه اِلَّا الله’ સાંભળીને રડીને અરજ કરીએ.
اَلسَّلَامُ عَلَيْكَ حِينَ تُهَلِّلُ وَ تُكَبِّرُ
આ વાક્યની ચર્ચાને એક રીવાયત વર્ણવીને પુરી કરીએ.
ફુઝૈલ રિવાયત કરે છે કે ઇમામ બાકીર (અ.સ.) અથવા ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે.
أَكْثِرُوا مِنَ التَّهْلِيلِ وَ التَّكْبِيرِ فَإِنَّهُ لَيْسَ شَيْ‏ءٌ أَحَبَّ إِلَى اللَّهِ عَزَّ وَ جَلَّ مِنَ التَّهْلِيلِ
“વધુમાં વધુ તકબીર અને તહલીલ કર્યા કરો કારણ કે અલ્લાહ તઆલાને કોઇ કામ આ બે બાબતોથી વધુ પસંદ નથી.
(ઉસુલે કાફી, ભા.2, કિતાબુદ્દોઆ, પ્ર. તસ્બીહ વ તહલીલ વ તકબીર હ. 2)
જી હાં, ખુદાવન્દે મોતઆલનું સૌથી પ્રિય સર્જન તેનું સૌથી પસંદ કામ વધુને વધુ કરે છે.
(22)
اَلسَّلَامُ عَلَيْكَ حِينَ تَحْمَدُ وَ تَسْتَغْفِرُ
“સલામ થાય આપ ઉપર જ્યારે આપ ખુદાવન્દે આલમની પ્રસંશા અને વખાણ કરો છો અને તેની પાસે ગુનાહની માફી માંગો છો.
આ વાક્ય ઉપરથી સમજાય છે કે ઇમામે ઝમાના (અ.સ.) બધાજ ઝીક્ર અને વિર્દમાં ખુદાવન્દે હકની પ્રસંશા, (હમ્દ અને સના) અને ગુનાહની માફી પણ ઘણી માંગે છે. કારણ કે માનવી જેટલો મઅરેફતના દરજ્જામાં પ્રગતિ કરશે તેટલોજ તેનો માફી માંગવામાં, ખુદાની પ્રસંશા અને સ્તુતી કરવામાં વધારો થશે. તેથી ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે. “રસુલે ખુદા (સ.અ.વ.) દરરોજ 360 વખત ખુદાની પ્રસંશા કરતા હતા એટલે આપના પવિત્ર શરીરમાં જેટલી રગો હતી તેની જેટલી અને કહેતા હતા.
اَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ كَثِيراً عَلَى كُلِّ حَالٍ
“સર્વે પ્રસંશા અલ્લાહ માટે છે, જે દુનિયાઓનો માલિક છે, દરેક સ્થિતિમાં વધુથી વધુ.
(ઉસુલે કાફી, ભાગ – 2, કિતાબુદદોઆ, પ્ર. અત્તહમીદ, હ. 3)
આવીજ રીતે ગુનાહની માફી અંગે ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે. “બેશક, રસુલલ્લાહનો ક્રમ એ હતો કે જ્યારે કોઇ મજલીસ કે મહેફીલમાંથી ઊભા થતા હતા, પછી તે મજલીસ કે મહેફીલ ખૂબ જ ટૂંકી પણ કેમ ન હોય, ઓછામાં ઓછા 25 વખત અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બારગાહમાં ઇસ્તીગફાર કર્યા કરતા હતાં.
(ઉસુલે કાફી – કિતાબુદ્દોઆ, પ્ર. અલ ઇસ્તીગફાર, હ. 2)
હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) ફરમાવતા :
وَ اَنَا اَسْتَغْفِرُ اللّٰهَ سَبْعِيْنَ اِسْتِغْفَارًا
“હું ખુદાવન્દે આલમ પાસે 70 વખત ગુનાહની માફી માગું છું.
(મજમઉલ બહરયન ભાગ – 3, પા. 427)
મઅસુમ હોવા છતાં આ રીતની ગુનાહોની માફી? શક્ય છે કે થોડા અપરિપકવ દિલોમાં આ સવાલ પેદા થાય કે જો આપ મઅસુમ હતા તો પછી ગુનાહની માફી કેવી? જો કે આ લેખમાં આ સવાલનો જવાબ આપવાની જગ્યા નથી અને ન તો અવકાશ મૌજુદ છે. પરંતુ હુજ્જત પુરી કરવા પૂરતો ટૂંકો જવાબ રજુ કરીએ છીએ. ગુનાહોની માફીના જુદા જુદા કારણો છે.
1. ઇસ્તીગફાર પોતેજ એક મહાન ઇબાદત છે.
2. ઉમ્મતના શિક્ષણનું ખુદ આ એક માધ્યમ છે.
3. ખુદાવન્દે આલમની બારગાહમાં નમ્રતાના કારણે છે.
4. મઅસુમીન (અ.સ.) ના દરજ્જાઓમાં દરેક પળે વધારો થાય છે અને જ્યારે તેઓ અગાઉના મરતબાઓ અને દરજ્જાઓ તરફ જુએ છે ત્યારે ઇસ્તિગફાર કરે છે.
પ.
حَسَنَاتُ الْأَبْرَارِ سَيِّئَاتُ الْمُقَرَّبِينَ
સામાન્ય નેકી કરનારાઓની સારી વાતો ખુદાવન્દે કરીમના સૌથી વધુ નજદિક બંદાઓ માટે ક્ષતિ કે ભૂલની જેમ છે. આ મુદ્દો સમજવા માટે એક ઉદાહરણ જોઇએ. એક બાળક જે નમાઝ પડે તો એમ માનવા લાગે છે કે તેણે ખુદાની ઘણી બધી ઇબાદત કરી નાખી. પછી તેની નમાઝ ભુલ ભરેલી પણ કેમ ન હોય! તેથી તદ્દન ઉલ્ટું જ્યારે એક ધર્મનો વિદ્વાન જે મઅરેફતના ઉચ્ચ દરજ્જા ઉપર પહોંચેલો હોય, તે નિખાલસ ભાવે એકાગ્રતાથી અને સંપૂર્ણ સંતૃષ્ઠ રીતે ઊંડી શ્રદ્ધા સાથે નમાઝ પડીને પછી સર્જનહારના સજદહમાં પોક મૂકીને રડે છે કે “એ ખુદા! તારી બંદગી કરવાનો હક અદા ન થઇ શક્યો! એ ખુદા બક્ષી દે! જ્યારે એક સામાન્ય જ્ઞાન ધરાવનાર આ રીતે રડે છે. અને ઇસ્તિગફાર કરે છે. પછી આપણને મઅસુમોના ઇસ્તગફાર કે બેભાન થઇ જવા ઉપર શા માટે આશ્રર્ય થાય છે? આ મહાનુભાવો તો ખુદાની મઅરેફતના એ દરજ્જા ઉપર છે કે જ્યાં આપણી સામાન્ય અક્કલો તેનું ગુમાન સુદ્ધાં નથી કરી શકતી તો તેઓના દરજ્જાઓને સમજવાની શું વાત કરવી!
(23)
السَّلَامُ عَلَيْكَ حِينَ تُصْبِحُ وَ تُمْسِي السَّلَامُ عَلَيْكَ فِي اللَّيْلِ إِذا يَغْشى‏ وَ النَّهارِ إِذا تَجَلَّى‏
“સલામ થાય આપ ઉપર જ્યારે આપની સવાર અને સાંજ પડે છે. સલામ થાય આપ ઉપર રાતમાં જ્યારે તે અંધારી હોય છે અને દિવસમાં જ્યારે તે પ્રકાશિત હોય છે.
આ શરીફ ઝીયારતમાં ત્રણ વખત સમય અને કાળની વાત આવે છે. એક વખત જ્યારે આપણે કહીએ છીએ.
اَلسَّلَامُ عَلَيْكَ فِي آنَاءِ لَيْلِكَ وَ أَطْرَافِ نَهَارِکَ
અને બીજી અને ત્રીજી વખતે ઉપરોક્ત ફકરામાં. આમ જુદા જુદા શબ્દો વાપરવાનો હેતુ શો છે? તે માત્ર ઝિયારતના માલીક કહી શકે છે. આપણે દોઆ કરીએ “આપ પધારો અને અમને તેમના જુદા જુદા કારણોથી માહિતગાર કરો
(24) اَلسَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْإِمَامُ الْمَأْمُونُ
“સલામ થાય આપ ઉપર એ સુરક્ષિત ઇમામ.
આ વાત યાદ રહે કે مَاْمُوْنَ –اَمْن નું કર્મવાચક નામ છે. તેથી તેના જુદા જુદા અર્થ થઇ શકે છે. જેમ કે સુરક્ષિત, શ્રદ્ધાને પાત્ર, ભરોસો અને વિશ્ર્વાસ એટલે ઇમામે ઝમાના (અ.સ.) એવા પેશ્ર્વા છે જેમને ખુદાવન્દે મોતઆલે છુપા અને સુરક્ષિત રાખ્યા છે અને આપને એવા અડગ આત્મવિશ્ર્વાસને પાત્ર સમજ્યા છે કે આપ (અ.સ.)ને પોતાના સર્જનોની ઇમામત અને રહેબરીથી નવાજ્યા છે. બીજા શબ્દોમાં ઇમામે ઝમાના (અ.સ.) ખુદાવન્દે આલમના તે અમીન છે કે જેમની અમાનતાદારી ઉપર ખુદ જીબ્રઇલે અમીન ગર્વ કરે છે.
(2પ)
اَلسَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْمُقَدَّمُ الْمَأْمُوْلُ
“સલામ થાય આપ ઉપર એ તમામ દુનિયાઓના સર્જનોની સૌથી પહેલી (અગ્રેસર) અને અતૂટ આશા.
આ વાક્યનો બન્ને રીતે તરજુમો કરી શકાય છે. એક એ કે “મુકદ્દમ-અગ્રેસર (સૌથી પહેલો) ગુણવાચક નામ (Qualifying noun) અને “મઅમુલ સિફત- વિશેષણ તરીકે એટલે “એ જે સૌથી પ્રથમ મખ્લૂક-સર્જન જેની ઝાત સાથે આશા બંધાએલી છે. અથવા “મુકદ્દમ સિફત – વિશેષણ તરીકે અને “મઅમૂલ ગુણવાચક નામ તરીકે, એટલે “અય એ ઝાત કે જેનાથી સૌથી પ્રથમ આશા બંધાય છે.
હઝરત બકીયતુલ્લાહીલ અઅઝમ ઇમામે ઝમાના (અ.સ.) માનવતાની આશા છે, નબીઓની આશા છે, વસીઓની આશા છે. અને સૌથી વધુ જનાબે ઝહરા (સ.અ.) ની આશા છે. દરેક સાચો મુસલમાન આ મહદીએ બરહકનો રાહ જોનાર – મુન્તઝીર છે. જે કુરઆને મજીદ અને તેની હદોને જીવંત કરશે.
اَيْنَ الْمُوْمَّلُ لِاِحْيَآئِ الْکِتَابِ وَ حُدُوْدِهٖ
“ક્યાં છે તે આશાનું કિરણ જે કુરઆન અને તેની હદોને સજીવન કરશે?
(દોઅએ નુદબા, ઇકબાલુલ આમાલ, ભાગ – 1, પા. 509)
હા, ઇમામ (અ.સ.)નું પવિત્ર અસ્તિત્વ જ આશાસ્પદ (જેમનાથી આશા બંધાએલી) છે. આપના બુઝુર્ગ દાદા મુત્તકીઓના મવલા અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલીબ (અ.સ.) એ પણ આપને આ સદ્ગુણથી યાદ કર્યા છે.
………ثُمَّ يَقُوْمُ الْقَآئِمُ الْمَامُوْلُ……
“પછી આશાઓથી ભરપુર કાએમ ઝુહુર ફરમાવશે
(ગયબતે નોઅમાની પા. 275, પ્ર. 14, હદીસ 55 બેહારૂલ અન્વાર, ભાગ – પ2, પા. 236)
ઇમામ સાદિક (અ.સ.)એ પણ આપ (અ.સ.) ને ‘કાએમ’ના લકબથી યાદ કર્યા છે.
(કમાલુદ્દીન, પા. 334, પ્ર. 33, હ. 4, બેહાર, ભાગ – 48, પા. 15)
(26) السّلام عليک بجوامع السّلام
“સલામ થાય આપ ઉપર, સલામના બધા પ્રકારો સાથે.
આ વાક્યમાં ઝિયારતે આલે યાસીનના છેલ્લા સલામ છે. જેમ કે ઝવ્વાર અને સલામ કરનાર અકીદતમંદ, આ બધા સલામોની પછી એટલે કે આ મહાન હસ્તીની ભવ્યતા, ખુબસુરતી અને કમાલની ચર્ચા કર્યા પછી જે સદ્ગુણોનું કેન્દ્ર અને ભવ્યાતીભવ્ય છે, તે (સલામ કરનાર) આ અનુભવે છે કે બધું કહી દીધા પછી પણ તેણે કાંઇ નથી કહ્યું : શું કરે? એક બાજુ તે ઇચ્છા ધરાવે છે કે મોટા સન્માનની સાથે પોતાની લાગણીઓને પ્રગટ કરે અને બીજી બાજુ તે એ નથી સમજી શકતો કે હવે વધુ શું કહે? તેનામાં એટલી તાકાત તો નથી કે તે આપના બધા કમાલોની ચર્ચા કરે. એટલે કે બન્ને બાજુનો માર્ગ મર્યાદિત છે ક્યાં સુધી કહું “અસ્સલામો અલય્ક, “અસ્સલામો અલય્ક?
આનો તો કોઇ અંતજ નથી. વધુ સાં એ છે કે એક એવું વાક્ય અદા કરવામાં આવે જે બન્ને મુશ્કેલીઓને દૂર કરે. તેથી કહે છે. السّلام عليک بجوامع السّلام શબ્દ “جوامع એ “جامِع નું બહુવચન છે જે કતર્િ છે અને જેનો અર્થ થાય છે વિખરાએલાઓને ભેગા કરનાર. તેથી જ એ શબ્દ જે ટૂંકો હોવા છતાં સંક્ષિપ્તમાં બધા અર્થો સમાવી લે તેને ‘જામેઅ’ કહે છે. એટલે જ્યાં જ્યાં સલામ થઇ અને જે પ્રકારની થઇ તે બધી આપની ઉપર થાય.
તે પછી આપણે ઇમામે ઝમાના (અ.સ.) ને સાક્ષી બનાવીને સાક્ષી આપીએ છીએ કે અલ્લાહની સિવાય બીજો કોઇ મઅબુદ નથી અને એ કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) તેના રસુલ અને બંદા છે અને એક એક ઇમામની સાક્ષી આપ્યા પછી આપણે કયામતના જુદા જુદા પ્રસંગો, મૃત્યુથી લઇને જન્નત અને જહન્નમ સુધીના ‘હક’ હોવાની જાહેરાત કરે છે. તે પછીના બધા વાક્યો ધ્યાન આપવા જેવા છે.
(27)
يَا مَوْلاَيَ شَقِيَ مَنْ خَالَفَکُمْ وَ سَعِدَ مَنْ اَطَاعَکُمْ فَاشْھَدْ عَلٰي مَا اَشْھَدْتُکَ عَلَيْهِ وَ اَنَا وَلِيٌّ لَکَ بَرِيْئٌ مِنْ عَدُوِّکَ
“એ મારા મવલા! સૌથી દુષ્ટ એ છે કે જેણે આપનો વિરોધ કર્યો અને ખુશકિસ્મત એ છે કે જેણે આપની તાબેદારી કરી. આપ સાક્ષી બની જાવ તેની ઉપર જેની ઉપર મેં આપને સાક્ષી બનાવ્યા છે હું આપનો દોસ્ત છું અને આપના દુશ્મનોથી દૂર છું.
ઉપરના વાક્યોમાં ઇમાનનો સિદ્ધાંતોનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ દેખાય છે. હિત અને અધમતા, ભલાઇ અને બુરાઇ એટલે કે જન્નતવાળા અને જહન્નમવાળા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આપણે અરજ કરીએ છીએ, ‘મવલા’ જેણે જેણે આપનો વિરોધ કર્યો તે જહન્નમના હકદાર બન્યા. તે દુષ્ટ છે. તેનું હૃદય હિદાયતના પ્રકાશથી ખાલી છે. અને જેણે જેણે આપની તાબેદારી કરી તે જન્નતવાળાઓમાંથી થયા. બીજા શબ્દોમાં ભલાઇ અને બુરાઇ, જન્નતમાં અને જહન્નમમાં જવા માટેના માપદંડ છે. બીજી મહત્વની વાત એ છે કે ભલાઇ અને બુરાઇ આપણા કાર્યો ઉપર આદ્યારિત છે. જો કોઇ દુષ્ટ છે તો તે પોતાના આમાલના કારણે છે. કોઇ એ દાવો નથી કરી શકતો કે અમે જહન્નમમાં એ કારણે ગયા કે અમે દુષ્ટ પેદા થયા હતા. એટલે જબરદસ્તીના માટે કોઇ સ્થાન નથી. કોઇપણ માણસ પોતાના ગુનાહો અને ખરાબ કૃત્યોના માટે પોતાના નસીબ ઉપર આરોપન મૂકી શકે. જો માણસ ભલાઇ કરે તો પોતાના આમાલના કારણે, બુરાઇ કરે તો પોતાના આમાલના કારણે. તે પછી આપણે શીયા હોવાની જાહેરાત કરીએ છીએ અને ઇમામો (અ.સ.) ના દુશ્મનોથી નફરત અને બેઝારી જાહેર કરીએ છીએ. એ કહેવું અસ્થાને નહી ગણાય કે જેટલું મહત્વ અહલેબયત (અ.સ.) ની મોહબ્બત અને વિલાયતને દીને ઇસ્લામમાં મળેલું છે એટલું જ મહત્વ તેઓના દુશ્મનોથી દૂર રહેવા અને નફરતને મળેલું છે. કોઇ શીયા ક્યારેય પણ અહલેબયતના દુશ્મનોની મોહબ્બત પોતાના દીલમાં રાખી નથી શકતો. (જુઓ સુરા અહઝાબ. આયત 13 અને તેની તફસીર)
(28)
فَالْحَقُّ مَا رَضِيتُمُوهُ وَ الْبَاطِلُ مَا سَخِطْتُمُوهُ وَ الْمَعْرُوفُ مَا أَمَرْتُمْ بِهِ وَ الْمُنْكَرُ مَا نَهَيْتُمْ عَنْهُ
“બસ હક એ છે જેનાથી આપ રાજી છો અને બાતીલ એ છે જેનાથી આપનારાજ છો. ‘મઅરૂફ’ એ છે જેનો આપે હુકમ આપ્યો અને ‘મુન્કર’ એ છે જેની આપે મના કરી.
આ વાક્ય સ્પષ્ટ કરી રહ્યું છે કે ‘હક અને બાતીલ’ અને ‘માઅરૂફ અને મુન્કર’ ની ઓળખનો માપદંડ માત્ર અને માત્ર અહલે બયત (અ.સ.) છે. દરેક તે વસ્તુ જેમાં અહલેબયત (અ.સ.) ની સંમતિ મળેલ છે, તે હક છે. પછી તે બાબત આપણને નાપસંદ પણ કેમ ન હોય. અથવા આપણી સંકુચિત અક્કલમાં ન આવે. આવીજ રીતે દરેક તે કામ જેનાથી અહલેબયત (અ.સ.) નારાજ હોય તે બાતીલ છે. પછી તે આપણને ગમે તેટલું પસંદ પણ કેમ ન હોય. કુરઆને કરીમમાં ઇરશાદ થાય છે :
وَعَسٰٓى اَنْ تَکْرَھُوْا شَـیْـــًٔـا وَّھُوَخَیْرٌ لَّکُمْ۝۰ۚ وَعَسٰٓى اَنْ تُحِبُّوْا شَـیْـــــًٔـا وَّھُوَشَرٌّ لَّکُمْ۝۰ۭ
“પણ કદાચને તમે એક વસ્તુ નાપસંદ કરો પણ તે તમારા માટે સારી હોય, અને (બીજી) એક વસ્તુ તમે પસંદ કરો (પણ) તે તમારા હકમાં બુરી હોય;
(સુરએ બકરહ, આયત. 216)
(આ પ્રકારના લેખ માટે સુરા નિસાઅ આ. 19 તરફ રજુ કરો.)
આથી સ્પષ્ટ થાય છે કે કોઇપણ વસ્તુનો હક અને બાતીલ હોવાનો માપદંડ આપણી સંકુચિત અક્કલો નથી.
ખુરાસાનના માણસને આ હકીકતની જાણ કરવા માટે ઇમામ (અ.સ.) હુકમ આપે છે કે તે આગમાં કૂદી પડે પરંતુ તે માણસ ના પાડે છે. તેનીજ જગ્યાએ જ્યારે ઇમામ (અ.સ.) ના અસહાબમાંથી હારૂન મક્કી હતા તે ઇમામ (અ.સ.)નો હુકમ સાંભળતાજ કાંઇપણ ચૂંકે ચાં કર્યા વગર તરતજ ભઠ્ઠીમાં કૂદી પડ્યા. આવીજ રીતે મઅરૂફ અને મુન્કર પણ છે. જો ઇમામ (અ.સ.) નો હુકમ છે અને ઇમામ (અ.સ.) તેનાથી રાજી છે તે મઅરૂફ છે નહિ તો મુન્કર છે. જ્યારે આ વાત સ્પષ્ટ થઇ ગઇ ત્યારે દરેક શીયાની પાયાની ફરજ અને તેની સિદ્ધાંતિક જવાબદારી એ થાય છે કે દરેક કામમાં, દરેક વિચારમાં અને દરેક કથનમાં આ વાત પ્રત્યે ધ્યાન આપે કે શું આ ઇમામનો હુકમ છે કે નહિ? શું ઇમામ (અ.સ.) આ કામથી રાજી થશે કે નહી?
(29)
فَنَفْسِي مُؤْمِنَةٌ بِاللَّهِ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَ بِرَسُولِهِ وَ بِأَمِيرِ الْمُؤْمِنِينَ وَ بِكُمْ يَا مَوْلَايَ أَوَّلِكُمْ وَ آخِرِكُمْ وَ نُصْرَتِي مُعَدَّةٌ لَكُمْ وَ مَوَدَّتِي خَالِصَةٌ لَكُمْ اٰمِينَ اٰمِين‏
“મારી રૂહ એ ખુદા ઉપર ઇમાન લાવી છે જે એક જ છે. તેનો કોઇ ભાગીદાર નથી, તેના રસુલ (સ.અ.વ.) અને હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને આપના પ્રથમ અને છેલ્લા બધા ઉપર ઇમાન લાવ્યો. એ મારા મવલા! આપના માટે મારી મદદ હાજર છે અને મારી મોહબ્બત નિખાલસ છે. એ ખુદા અમારી દોઆ કબુલ ફરમાવ, કબુલ ફરમાવ.
નોંધપાત્ર બાબત એ છે કે બીજા પુરૂષ (ضمير مخاطب) ના સર્વનામના બહુવચનનો ઉપયોગ સૂચવે છે કે આપણું સંબોધન બધા ઇમામો (અ.સ.) ને છે અને આ તૈયારી અને મોહબ્બત દશર્વિવી બધા ઇમામો (અ.સ.) માટે છે. શક્ય છે કે આ વાક્ય રજઅત તરફ નિર્દેશ કરી રહ્યું હોય જ્યારે બધા ઇમામો (અ.સ.) જાહેર થશે અને પોત પોતાના સમયના ફીરઔન જેવા દુશ્મનોનો વીણી વીણીને બદલો લેશે. એ ખુદા અમને તૌફીક આપ કે અમે તેને લાયક થઇએ કે જ્યારે અમારા ઇમામો (અ.સ.) રજઅત કરે, ત્યારે અમે તેઓની મદદ કરી શકીએ અને તેઓના દુશ્મનોને જહન્નમ તરફ ધકેલી દઇએ.
આમીન આમીન…

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *