Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૩૮

ઝુહુરની તૈયારીઓ

Print Friendly

આજે દરેક બાજુ, દરેક જગ્યાએ, દરેક લોકોની ઝબાન પર આ સામાન્ય વાતચિત છે કે દુનિયામાં આંતકવાદ વધી રહ્યો છે.
એક દેશમાંથી બીજા દેશમાં અને બીજામાંથી ત્રીજા, ચોથા દેશમાં ફેલાઇ રહ્યો છે. શહેરના સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. લોકો પોતાના વતન, શહેર અને ગામને છોડીને બીજાના દામનમાં પનાહ લઇ રહ્યા છે. દરેક વ્યક્તિ આ પરિસ્થિતિમાં નિરાશાનો શિકાર છે. દરેકના ઉપર ભય અને ખૌફ છવાયેલો છે. એવું લાગે છે કે દુનિયાની મોટી મોટી તાકતો પણ આજની આ પરિસ્થિતિને ખત્મ કરવામાં નિષ્ફળ ગઇ છે. અથવા પોતાના હથિયારો વેચવાના પોતાના બજારને રોનક આપવા માટે પોતાની નિષ્ફળતાનો દેખાવ કરે છે. આ ત્રાસવાદ મુસ્લીમ દેશોમાં છે. મુસલમાન જ મુસલમાનને કત્લ કરી રહ્યો છે. કાતિલ પણ કત્લ કરવાના સમયે અલ્લાહો અકબર કહીને કત્લ કરી રહ્યો છે અને મકતૂલ (કત્લ થનાર) પણ કત્લના સમયે અલ્લાહો અકબર કહી રહ્યો છે, કલેમા પઢી રહ્યો છે. એક ગાઝી બનીને ખુશ છે, એક શહીદ થઇને ખુશ. ખુદ મુસલમાનોના લીધે ઇસ્લામ બરબાદ અને બદ્નામ થઇ રહ્યો છે. એવું લાગે છે કે આતંકવાદના આ ચક્રમાં ઇસ્લામ વિનાશ પામશે. મુસ્લીમ દેશોમાં થતા ઝૂલ્મો-સિતમથી પરેશાન થઇને મુસલમાન ગૈર-મુસ્લીમ દેશોમાં ચાલ્યા જશે અને ધીમે ધીમે ત્યાંના ગૈર-મુસ્લીમ સમાજ અને ગૈર-ઇસ્લામી સંસ્કૃતિ (રિતભાત)માં એવી રીતે ભળી જશે કે તેમનું નામો-નિશાન નહીં રહેશે. ઇસ્લામ આંતકવાદને કારણે ખત્મ થઇ જશે. મુસ્લીમ ગૈર-મુસ્લીમ દેશોમાં હિજરત કરીને ખત્મ થઇ જશે અને આ રીતે ખુદાનો આખરી દીન ખત્મ થઇ જશે, કુફ્ર અને શિર્ક અને ગૈર ઇસ્લામી તાકતો પોતાની યોજનામાં સફળ થઇ જશે.

નુરે ખુદા હૈ કુફ્રકી હરકત પે ખન્દાઝન
ફુંકો સે યે ચિરાગ બુઝાયા ન જાએગા …
જો જમીનનો કોઇ ખાલિક નથી અને આ જમીન આપમેળે અસ્તિત્વમાં આવી છે. આ પુરી દુનિયા બસ આપમેળે અસ્તિત્વમાં આવી ગઇ છે અથવા આ દુનિયાનો કોઇ ખાલિક હતો અને હવે નથી અને જો મૌજુદ છે તો લાચાર અને મજબુર છે અથવા હવે તેને આ દુનિયાની કોઇ પરવાહ નથી. તો પછીઆ બધી આગાહી સાચી છે કે દુનિયા એક દિવસ તબાહ અને બરબાદ થઇ જશે. તેનો અંત ભલાઇ પર નહી, પરંતુ બુરાઇ પર છે.
પરંતુ જો આ દુનિયા અને જમીનનો કોઇ ખાલિક છે અને તે આ સમયે પણ મૌજુદ છે, તાકતવર અને શક્તિમાન છે તો શું એ શક્ય છે કે તે હકીમ અને કુદરત ધરાવનાર ખુદા આ દુનિયાને આ રીતે તબાહ અને બરબાદ થવા દેય અને ચૂપકીદી સેવે અને તમામ વાયદા જે તેણે કુર્આને કરીમમાં જણાવ્યા છે, તે બધુ ભૂલાવી દેય?
ખુદાવંદે આલમે આ દુનિયામાં જેને જેવી રીતે જે ક્ષેત્રમાં જેટલા પ્રમાણમાં મોહલત આપી છે, તે ખુદાવંદે આલમની કમઝોરી અને મજબુરીની દલીલ નથી, પરંતુ આ ખુદાવંદે આલમ તરફથી ઇમ્તેહાન છે, જેથી લોકો પોતાનો ભરપૂર ફાયદો ઉઠાવી લેય અને જ્યારે તેનું આયુષ્ય પુરૂ થઇ જાય તો ખુદાવંદે આલમ એ જ હાલતમાં પાછા બોલાવી લેય છે, ત્યારે ગુનાહ એટલા પ્રમાણમાં વધારે થઇ ગયા હોય છે કે તેનું પરિણામ જહન્નમના દર્દનાક અઝાબ સિવાય બીજુ કશુ નથી. મોહલત ગુનાહનું કારણ બને છે. ગુનાહના કારણે દિલ મુર્દા થઇ જાય છે. મુર્દા દિલ તૌબા અને ઇસ્તીગ્ફારની નેઅમતથી વંચિત થઇ જાય છે. મોહલતના અમુક દિવસોની જીંદગી પુરી થઇ જાય છે, પછી એવો અઝાબ મળે છે કે જેનો કોઇ અંત નથી.

તેથી દુનિયાના ખરાબમાં ખરાબ હાલાતમાં પણ એવુ વિચારવુ ન જોઇએ કે દુનિયાનો અંત ખુદાના હાથમાં નથી. આ પુરી દુનિયા ખુદાના ઇખ્તેયારમાં છે. તે જ્યારે પણ ચાહશે ત્યારે પોતાના તમામ વાયદાઓ પુરા કરશે. ખુદાએ વાયદો કર્યો છે, સમય નક્કી નથી કર્યો. ખુદાનો આ વાયદો છે અને નિશ્ર્ચિત અને યકીની વાયદો છે.
અગર આ દુનિયાની ઉમ્રમાં ફક્ત એક દિવસ બાકી રહે તો ખુદાવંદે આલમ આ દુનિયાની મુદ્દત એટલી લંબાવશે, કે રસૂલ (સ.અ.વ.)ના વંશમાંથી આપના હમનામ આપનો લકબ ધરાવનાર વ્યક્તિ ઝુહૂર ફરમાવશે અને આ દુનિયાને એ રીતે અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મો-સિતમથી ભરેલી હશે.
(મુન્તખબુલ અસર પાના:૧૫૩)
આ રીતે આ દુનિયાનો અંત કોઇ પણ રીતે તબાહી અને બરબાદી નથી, પરંતુ અદ્લ અને ઇન્સાફ છે. કુર્આને કરીમ પોતાના દામનમાં આ દુનિયાના ભવિષ્યની ખુશખબરીઓ ધરાવે છે.
૧. ખુદાવંદે આલમે જ્યારે હઝરત આદમ(અ.સ.)ની ખિલાફતનું એલાન કર્યુ:
ઇન્ની જાએલુન્ ફિલ્ અર્ઝે ખલીફહ્
એ સમયે ફરિશ્તાઓએ ખુદાવંદે આલમની બારગાહમાં અરઝ કરી: “શું તુ એવા લોકોને જમીન ઉપર પોતાના જાનશીન બનાવીશ કે જે જમીન ઉપર ફસાદ ફેલાવશે અને ખૂન વહેડાવશે? એટલે કે ફરિશ્તાઓને ખબર હતી કે આદમ(અ.સ.)ની ઔલાદ આ જમીન ઉપર શું શું કરશે. ખુદાએ ફરિશ્તાની વાતનો ઇન્કાર કર્યો નહીં પરંતુ આટલુ જ કહ્યું:
“જે હું જાણું છું તે તમે નથી જાણતા
એટલે કે તમે ફકત કાબિલ, ફિરઔન, હામાન, નમરૂદ, બની ઇસ્રાઇલ, અબુ સુફીયાન, અબુ જહલ, યઝીદ, મોઆવીયા, બની ઉમય્યા, બની અબ્બાસ, રશીયા, અમેરીકા, યુરોપ, દાઇશ, તાલેબાન, અલ-કાએદા…. વગેરેને જોઇ રહ્યા છો, જ્યારે કે અલ્લાહની નજર સામે કાએમે આલે મોહમ્મદ હઝરતે હુજ્જત ઇબ્ને હસન અસ્કરી(અ.સ.)નો આખરી ઝમાનો અને તેમની હુકુમત હતી, એટલે કે શરૂથી એ અલ્લાહના ઇલ્મમાં હતું કે જમીન ઉપર ફસાદો થશે, પણ તેનો અંત અદ્લ અને ઇન્સાફ ઉપર થશે.
૨. જ્યારે ફિરઔનીઓએ જમીનમાં તબાહી ફેલાવી દીધી તો અલ્લાહે આ રીતે ફરમાવ્યું:
વલકદ્ કતબ્ના ફિઝ્ ઝબૂરે મિન્ બઅ્દિઝ્ ઝિક્રે અન્નલ્ અર્ઝ યરેસોહા એબાદેયસ્સાલેહૂન
(સુરએ અંબીયા : આયત ૧૦૫)
“અને અમે (જનાબે મુસા અ.સ.ને) તૌરેતમાં લખી આપ્યુ હતું અને ત્યારબાદ (જનાબે દાઉદ અ.સ.ને) ઝુબૂરમાં એ લખી આપ્યુ હતુ (ખુદાનું લખવું એટલે ખુદાનો વાયદો છે) કે મારા નેક બંદાઓ આ જમીનના વારિસ અને માલિક થશે
આયતના અંદાઝથી આ બાબત સ્પષ્ટ છે કે વાત પૂરી ઝમીનની છે. ફકત કોઇ ખાસ વિસ્તારની વાત નથી.
૩. સુરએ અઅરાફની આયત નંબર ૧૨૮ માં આ હકીકતને એ રીતે બયાન કરવામાં આવી છે કે જનાબે મુસા (અ.સ.)એ પોતાની કૌમને આ રીતે ખુશખબરી આપી:
“ઇન્નલ અર્ઝ લિલ્લાહે યૂરેસોહા મંય યશાઓ મિન્ એબાદેહી, વલ આકેબતો લિલ્ મુત્તકીન
બેશક! ઝમીનનો માલિક અલ્લાહ છે, તે જેને ચાહે તેને આ જમીનનો વારિસ અને માલિક કરાર આપે, પરંતુ અંત તો તકવાવાળાના હાથે જ થશે.
૪. સુરએ નૂરમાં વિગતવાર બયાન થયુ છે:
વઅદલ્લાહુલ્ લઝીન આમનૂ મિન્કુમ્ વ અમેલુસ્ સાલેહાતે લ યસ્તખ્લેફન્નહુમ્ ફિલ્ અર્ઝે કમસ્ તખ્લફલ્લઝીન મિન્ કબ્લેહિમ્ વલ યોમક્કેનન્ન લહુમ દીનહોમુલ્લઝીર્તઝા લહુમ વ લયોબદ્દેલન્નહુમ્ મિમ્ બઅ્દે ખવ્ફેહિમ અમ્ના. યઅ્બોદૂનની લા યુશ્રેકૂન બી શય્આ. વ મન્ કફર બઅ્દ ઝાલેક ફ ઉલાએક હોમુલ્ ફાસેકૂન
(સૂરએ નૂર(૨૪): આયત ૫૫)
આ આયતે કરીમામાં ખુદાવંદે આલમે મોઅમેનીન અને સત્કાર્યો કરનારને પાંચ વાયદા કર્યા છે અને અંતમાં એ લોકોનો અંજામ વર્ણવ્યો છે, જેઓ આ વાયદા ઉપર યકીન રાખતા નથી.
પહેલો વાયદો:
એ લોકોને અવશ્ય આ જમીન પર પોતાના પ્રતિનિધિ અને ખલીફા બનાવશે, જે રીતે તેની પહેલાના લોકોને પોતાના જાનશીન બનાવ્યા હતા. કુર્આનમાં જનાબે આદમ(અ.સ.) અને જનાબે દાઉદ(અ.સ.)ની ખિલાફતનો ઝિક્ર છે. જમીન ઉપર ખુદાની આ જાનશીની અને ખિલાફત લોકોની પસંદગી, શુરા, ઇજમાઅ વગેરેથી હાસિલ થતી નથી, પરંતુ ખુદાવંદે તઆલા પોતાનો પ્રતિનિધિ મુકર્રર કરશે અને આ પ્રતિનિધિત્વ મોઅમિન અને સત્કાર્યો કરનારને મળશે.
બીજો વાયદો:
આ અલ્લાહના પ્રતિનિધિઓ તે દીનને દુનિયાનો નિઝામ કરાર આપશે, જેનાથી ખુદા રાઝી થશે. ખુદાવંદે આલમનો પસંદીદા દીન અને અલ્લાહની હુકુમત અમલમાં આવશે. ખુદાવંદે આલમે કુર્આને કરીમમાં આ મઝહબની પણ સ્પષ્ટતા કરી છે જેનાથી તે રાઝી છે અને જે તેનો પસંદીદા મઝહબ છે.
સુરે માએદાહ આયત નંબર ૩ માં ઇરશાદ ફરમાવે છે.
અલ્ યવ્મ અક્મલ્તો લકુમ્ દીનકુમ્ વ અત્મમ્તો અલય્કુમ્ નેઅ્મતી વ રઝીતો લકોમુલ્ ઇસ્લામ દીના. ફમનિઝ્તુર્ર ફી મખ્મસતીન્ ગય્ર મુતજાનેફીલ્ લે ઇસ્મીન્ ફ ઇન્નલ્લાહ ગફુરૂર્ રહીમ
‘ઇર્તઝા’ અને ‘રઝીય્યત’ માં આ બે શબ્દો એક જ છે. તફસીર કર્તાઓ મુજબ આ આયત ગદીરે ખુમમાં એ વખતે નાઝિલ થઇ જ્યારે રસુલે ખુદા(સ.અ.વ.)એ હઝરત અલી(અ.સ.)ની ખિલાફત અને વિલાયતનુ એલાન કર્યુ.
ગદીરી ઇસ્લામ:
એહલેબૈત(અ.મુ.સ.)ની વિલાયત અને ઇમામતવાળો ઇસ્લામ દુનિયામાં નિઝામ અને હુકુમત તરીકે સ્થાપિત થશે. ઇસ્લામના ૭૩ ફીરકામાં ફક્ત ઇસ્ના અશરી ઇસ્લામ દુનિયાના નિઝામ અને હુકુમત તરીકે સ્થાપિત થશે. જ્યારે ગયબતના પરદામાંથી ગદીરી ચંદ્ર નમુદાર થશે, તો તમામ ચિરાગો બુજાઇ જશે અને તમામ સિતારાઓ અદ્રશ્ય થઇ જશે. એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત, વિલાયત અને તેમનો દીન મધ્યાહનની રોશનીની માફક જળહળતો હશે. દુનિયાનો દરેક ખુણો ફક્ત તેમના નૂરથી મુનવ્વર અને રોશન હશે. દુનિયાના તમામ નિઝામો જેવા કે સામ્યવાદ, સામ્રાજ્યવાદ, રાજાશાહી, લોકશાહી, ચુંટાયેલી હુકુમત, ખાનદાની બાદશાહ અને સરમુખ્તયારશાહી તમામ ખત્મ થઇ જશે. ખુદાની જમીન ઉપર ખુદાનો મુન્તખબ કરેલો દીન અને ખુદાના નક્કી કરેલા વસીની હુકુમત હશે. એ સમયે અલ્લાહની જમીન ઉપર ફક્ત અલ્લાહના દીનની હુકુમત હશે.
ત્રીજો વાયદો:
આ ત્રીજો વાયદો પહેલા બે વાયદાના અમલીકરણની અસર છે. જ્યારે હુકુમત ખુદાના વસીની હશે અને નિઝામ ખુદાના પસંદીદા દીનનો હશે, તો તેનુ આવશ્યક પરિણામ આ ત્રીજો વાયદો છે. “અમે અવશ્ય આ ખૌફને અમન (સુકુન)માં બદલી દેશુ. અત્યારે આ દુનિયામાં જે કાંઇ અશાંતિ ભુખ, પરેશાની, મોંધવારી, પરમાણુ યુધ્ધ, રાસાયણિક શસ્ત્રોની જંગ, ઠંડુ યુધ્ધ, વ્યક્તિગત લડાઇ, બિમારી, ગભરાહટ વગેરેજોવા મળે છે ફક્ત એટલા માટે કે આ દુનિયામાં ન તો અલ્લાહના વસીની હુકુમત છે અને ન ખુદાનો નિઝામ. આજે જમીન ખુદાની છે, અને નિઝામ મખ્લુકનો છે.
જ્યારે પુરી દુનિયામાં ખુદાની હુકુમત સ્થાપિત થઇ જશે તો ડર આપમેળે ખત્મ થઇ જશે. જ્યારે ઇન્સાન ન્યાયના રસ્તાથી હટી જાય છે, તો બિમાર પડી જાય છે. જ્યારે સમાજમાંથી ન્યાય અને ઇન્સાફ ચાલ્યો જાય છે, તો ભય અને નીરાશા ફેલાય જાય છે.
કારણ કે બિમારીની ત્રણ હાલતો હોય છે. માનસિક, રૂહાની અને શારીરિક (ભૌતિક). માનસિક બિમારીના લોકો વધારે શિકાર થાય છે. તેના સંદર્ભમાં અલ્લામા ઇકબાલ કહે છે: એક ફિક્ર (વિચારધારા) શિકારીને શીખવે છે, શિકાર કરવાનુ. શિકાર કરવુ ઝુલ્મનુ પરિબળ છે. માનવ સમાજમાં આ સૌથી ખતરનાક પરિણામને સામે લાવે છે અને તેના લીધે આંતકવાદ ફુલે ફાલે છે અને તેના દસ્તકથી ઇન્કેલાબે ઇલાહીની અવાજ સંભળાય છે.
ચોથો વાયદો:
આ ચોથો વાયદો અગાઉના ત્રણ વાયદાની અસર છે. જ્યારે લોકોના દિલોમાંથી તમામ પ્રકારના ખૌફ નીકળી જાય છે, તો ફક્ત અને ફક્ત ખુદાની ઇબાદત થશે. ગૈરે ખુદાની ઇબાદત તેના ખૌફના કારણે હોય છે, પછી તે ચાહે હુકુમતનો ખૌફ હોય, યા વ્યક્તિઓનો અથવા પોતાની ગરીબીનો ડર હોય અથવા આપણી ગરીબીનો ભય…. તે સમયે શીર્ક અને કુફ્રના તમામ રસ્તાઓ બંધ થઇ જશે. તેથી ઇબાદત ફક્ત ખુદાની જ થશે. કારણ કે તે ઝમાનામાં અક્લો સંપૂર્ણ થઇ જશે. તેથી જ ‘હું’ પદ પણ ખત્મ થઇ જશે અને રીયાકારી (દંભ)ને કોઇ સ્થાન નહી રહે. ખુલુસની સાથે ઇબાદત હશે. કુર્આનની તાઅબીર ખુબ જ ઉંચા દરજ્જાની થઇ જશે.
યઅ્બોદુનની લા યુશ્રેકુન બી શય્આ
તેઓ ફક્ત મારી જ ઇબાદત કરશે અને કોઇને મારો ભાગીદાર નહી બનાવે.
“શય્અન્ થી મુરાદ એક પણ ચીજ ખુદાની ઇબાદતમાં શરીક નહી થાય. તે સમયે ઇમામુલ મુવહ્હેદીન સૈયદુલ આબેદીન, કુદ્વતુલ્ મુત્તકીન, મીનારૂલ મુખ્લેસીન, અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ના ફરઝંદે દિલબંદ, અઝીઝે ઝહરા, યુસુફે એહલેબૈત(અ.મુ.સ.) હઝરત હુજ્જત ઇબ્નીલ હસનીલ્ અસ્કરી(અ.સ.)ની ઇમામત અને નેતૃત્વમાં એવી રીતે ઇબાદત થશે કે જેના બારામાં હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યુ છે:
ઇબાદત ત્રણ પ્રકારની છે:
(૧) ગુલામોની ઇબાદત: જેઓ ડરના કારણે ઇબાદત કરે છે. (૨) વેપારીઓની ઇબાદત: જે લાલચમાં ઇબાદત કરે છે. (૩) આઝાદ લોકોની ઇબાદત: જે ખુદાને ઇબાદતને લાયક સમજીને ઇબાદત કરે છે.
મૌલાની આ તાલિમ આપના ફરઝંદની હુકુમતમાં અમલમાં આવશે. તે સમયે ઇન્સાનની ખિલકતનુ વૃક્ષ ફળદાર થઇ જશે.
વમા ખલક્તુલ્ જીન્ન વલ્ ઇન્સ ઇલ્લા લે યઅ્બોદૂન
(સુરએ ઝારેયાત: આયત:૫૬)
આ આયતનો મકસદ પૂરો થશે અને આ વૃક્ષ ઉપર ફક્ત ખુદાવંદે તઆલાની ઇબાદતની ખુલુસતાના ફળ જોવા મળશે. દિવસ રાત્રી એટલી બધી વસંતની માફક ખિલેલી હશે કે કલમ તેને વર્ણવી નથી શકતી.
ઇન્સાન પુરી રીતે અલ્લાહનો બંદો હશે, તે સમયે ફરિશ્તાઓને તેઓના સવાલનો જવાબ મળી જશે કે ખુદાએ શા માટે ઇન્સાનને જમીન ઉપર પોતાના ખલીફા બનાવ્યો છે.
ઇન્ની અઅ્લમો માલા તઅ્લમૂન
આ આયતની અમલી તફસીર જાહેર થશે. મેં આ મઝહબના માટે ઇન્સાનને મારો ખલીફા નિયુક્ત કર્યો હતો.
પાંચમો વાયદો:
ફાસિકનું એક અર્થઘટન ગુનેહગાર છે, જે આદિલથી વિરૂધ્ધ છે. જે ગુનાહથી દૂર રહે તે આદિલ છે, અને જે ગુનાહને અંજામ આપે તે ફાસિક છે. ફાસિકના બીજા અર્થઘટનમાં એ છે કે જે દીનથી બહાર નિકળી ગયેલો હોય. કુર્આને કરીમમાં સુરએ માએદાહની આયત નંબર ૪૪ થી ૪૬ માં આ લોકોને કાફિર, ઝાલિમ અને ફાસિક કહ્યા છે. ‘જે ખુદાના નાઝિલ કરેલા અહેકામ પ્રમાણે ફેસલો નથી કરતા’ આ આયતમાં પહેલા કુફ્રનો ઝિક્ર છે પછી ફિસ્કનો ઝિક્ર છે. કાફિર એટલે ઇન્કાર કરવાવાળો. જે વ્યક્તિ ખુદાના એ વાયદા ઉપર ઇમાન ન રાખે અને ઇન્કાર કરે તે દીનની બહાર છે. પયગંબરે અકરમ(સ.અ.વ.)ની એક હદીસમાં આ હકીકત તરફ ઇશારો કર્યો છે:
મન્ અન્કર ખુરૂજલ્ મહદીય્યે ફકદ્ કફર
“જે કોઇ હઝરત મહદી(અ.સ.)ના ઝુહૂરનો ઇન્કાર કરે તે કાફિર છે.
એ લોકો કે જેઓ ખુદાવંદે આલમના આ વાયદા ઉપર યકીન અને ઇમાન નથી રાખતા તે કાફિર છે અને દીનથી ખારિજ છે.
ઉપરોક્ત વર્ણવેલા બયાનને વાંચીને વાંચકો દુનિયાની તાગુતી શોર-બકોરથી હટીને પોતાનું ધ્યાન તે અવાજો તરફ કેન્દ્રીત કરે કે જે ઇન્કેલાબે ઇલાહીના કેન્દ્રથી આવી રહી છે, જે કાનોમાંથી પસાર થઇ રહી છે. ઝુલ્મોની વધતી જતી તુગીયાની અને મોટી તાકતોની સુન્નતમાં મદદ, તેના બારામાં અભિમાનથી ચાલવું અને ત્રાસવાદી સમૂહ, જે મુર્ખ, બેકાર અને નાદાન જવાનોના જન્નતની લાલચથી જુકેલા દિલોની સાથે માસુમ બેગુનાહોની તરફ બોમ્બ દ્વારા આત્મઘાતી હુમલાઓ થકી ખુદકુશી તરફ તત્પરતા….. આ બધુ શું એવુ નથી લાગતું કે ઇમામ(અ.સ.)ના ઝુહૂરના પછી જે હઝરત ઇમામ મહદી(અ.સ.)ની સામે એક મોટી ફૌજ આપની સાથે મુકાબલામાં ઉતરશે. તેટલા માટે વિચારવા જેવું છે કે આપણે ત્રાસવાદને ન ફક્ત વખોડીએ પરંતુ પોતાના કિરદાર, પોતાની તૈયારી અને ઇમામની અવાજના માટે કે જેના પર લબ્બૈક કહીશુ, તેના માટે સમજ, ફિક્ર, દિમાગ, દિલ અને ઝહેનની તરબીયત કરે. ઇન્શાઅલ્લાહ.
ઇસ્લામી હુકુમતનું સંચાલન
ઝુહુરે ઇમામ મહદી(અ.સ.)ના માટે, આપના ઝુહુરમાં જલ્દી થાય, દરેક આસ્માનની તરફ હાથ ઉઠાવીને દરેક નમાઝ, દરેક સલવાતની પછી દુઆ કરે છે. ઝુહુરે ઇમામે અસ્ર(અ.સ.)ના ખુશહાલ આગમનની વાતો ખુબ ખુબ બયાન થાય છે. મજલીસો અને મહેફીલોમાં સ્પષ્ટ વાતો બહુ જ થાય છે. થોડુ થોભીને રિવાયતો અને અલામતોના બારામાં ઝિક્ર થાય છે, પરંતુ થોડો થોડો. અહીં અમે અમુક વાતો વર્તમાન સમયની પણ કરીશુ જે ઝુહુર પછીથી લઇને આપની હુકુમત જે વિશ્ર્વવ્યાપી હશે, અને તેના પછી જ્યારે આપ પોતાના નિઝામે ઇલાહીને સંપૂર્ણ રીતે અમલમાં લાવશે. તેથી જરૂરી છે કે વર્તમાન સમય પર પ્રકાશ ફેંકવામાં આવે. જેથી કરીને દરેક શીયા નવયુવાન અને બુઝુર્ગને જોઇએ કે તેની તૈયારીમાં રહે.
વર્ગીકરણનો સમય:
આ સમયમાં નાસ્તીકો, કાફીરો અને રાજકારણીઓ (રાજકારણ) અલગ પડી જશે. જેવી ઇમામ(અ.સ.)ના ઝુહુરની અવાજ હવામાં ગુંજશે કે તુરત તાગુતી અને બાતીલ તાકતોની બળવાની આંધી તુફાનની જેમ સામે આવશે, ખુબ જ મોટી સત્તાઓ અને હાકીમોના લશ્કર પોતાની તમામ તાકત ભેગી કરીને મુકાબલો કરવા સામે આવી જશે. મોટા મોટા જાદુગરો અને ધોકેબાઝો અને કલાકારોનુ પુર ઉભરાઇને આપની સામે હશે. વિસ્તૃત વર્ણનની કોઇ ગુંજાઇશ નથી. બસ આટલી રિવાયતના વર્ણનનો ખુલાસો પુરતો છે. જ્યારે ઝુલ્ફીકાર પોતાની પુરી તાકતની સાથે ચમકશે તો સામેવાળાના લશ્કરની ધજ્જીઓ એવી રીતે ઉડશે કે ચારે તરફ બાતીલને હાર અને અપમાન ભરેલ હાર નસીબ થશે. હઝરતે હુજ્જત(અ.સ.)ના લશ્કરમાં શામિલ થવા માટે ખુબ જ તૈયારીની જરૂર છે. અગર મુશ્કીલ નહી તો આસાન પણ નથી.
“તૈયારી માટે શું કરવું પડશે?
“યકીન: હઝરતની સાથે આપના લશ્કરમાં શામિલ થવા માટે કૌમના દરેક માણસે પોતાના યકીનની ચકાસણી કરવી પડશે.
“ઇલ્મ: દીનના ઇલ્મને હાસિલ કરવા માટે આલિમોની બેઠકમાં હાજર થયા પછી પોતાના નફસનો હીસાબ કરવો પડશે.
“અમલ: અમલ અને ઇલ્મનો મઝબુત સંબંધ કાયમ કરવો પડશે.
એકમત હોવુ:
કૌમના દરેક માણસનું સમાન વિચાર ધરાવવુ, સમાન સ્વભાવનું હોવુ, સમાન ચારિત્ર્યનું હોવુ, એકસમાન હોવુ, એકમત હોવુ. . . . જો નહી હોય તો ધોકામાં આવી શકે છે અને ઘણા અખ્લાકી અને સામાજીક સમાન વિચારનો ઝિક્ર શક્ય નથી પરંતુ આગાહી માટે આપણા સહુના માટે આ જ પુરતુ છે. તેના પછી જ્યારે મહદી(અ.સ.)ની સંપૂર્ણ હુકુમત હશે, કુર્આનના અહેકામને સમજાવનાર અવાજ પર વ્યવસ્થા અમલવારી થશે તે સમયના દરેક રેહવાસીની સમજણ અને આવડત કેવી હશે! અહી અમો વર્ણન કરીએ તો તેની સ્પષ્ટતા અને તેની ગોઠવણ અને વ્યવસ્થા તે બહુ જ બારીક અને મુશ્કીલ કામ છે એટલા માટે કે તે દુનિયા જ અલગ હશે અને તે લોકો વ્યક્તિગત જવાબદારીઓ પર નિયુક્ત હશે. તેઓની ખાસિયતો બયાન કરવુ એક અશક્ય કામ છે.
આ જ વાતો પર ચિંતન કરવાથી આ વાત પણ જાહેર થઇ જાય છે કે હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુર પછીની દુનિયાની હાલત કેવી હશે. એટલા માટે કે તે દુનિયા આપણે જોઇ નથી જેથી તેનો સંપૂર્ણ અને હકીકી કલ્પના નથી કરી શકાતી, જેવી રીતે આપણે અત્યારે જન્નતની વાસ્તવિક નેઅમતોની કલ્પના નથી કરી શકતા. જન્નતની વાસ્તવિક તસ્વીરતો બસ ત્યારે જ સામે આવશે જ્યારે આપણે ઇન્શાઅલ્લાહ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની શફાઅતથી જન્નતમાં જઇશુ. એવી જ રીતે ઝુહુરના પછીની વાસ્તવિક તસ્વીર તો બસ ઝુહુરના પછી જ સામે આવશે. બસ એટલુ જાણી લઇએ કે તે દુનિયા આ વર્તમાન દુનિયાથી સંપૂર્ણ અલગ હશે. જમીન અને આસમાન બધુ આ જ હશે, પરંતુ તેનો રંગ અને અંદાજ બીલકુલ અલગ હશે. ઝુહુરના પેહલા જેમનો ઇન્તેકાલ થયો હોય અને તેને ઝુહુર પછી ફરીવાર જીવીત કરવામાં આવશે તો આ દુનિયાને ઓળખી નહી શકે. ચોક્કસ તે આમ જ કહેશે કે હું કોઇ નવી દુનિયામાં આવી ગયો છું.
ઝુહુરના સમય પછીના અમુક મહત્વના અને પાયાના હાલાત આવી રીતે બયાન કરી શકીએ છીએ.
અક્લની પરિપૂર્ણતા:
આ સમયમાં દુનિયા પર તબાહી અને બરબાદીનું એક કારણ પ્રશ્ર્નોથી અપરિચિત હોવુ તે છે. લોકો પ્રશ્ર્નના ઉંડાણ સુધી નથી પહોચી શક્તા. હોશિયાર લોકો ખુબ જ સેહલાઇથી સામાન્ય લોકોને બેવકુફ બનાવે છે. દાઇશ અને અલ-કાએદા વિગેરે તેનુ એક ઉદાહરણ છે. જ્યારે ઇમામ મહદી(અ.સ.)નો ઝુહુર થશે તે સમયે લોકોની અક્લો પરિપૂર્ણ થઇ જશે. હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:
એઝા કામ કાએમોના વઝઅલ્લાહો યદહુ અલા રોઉસીલ્ એબાદે ફ જમઅ બેહા ઓકુલહુમ્ વ કમલત્ બેહી અહ્લામહુમ્
(કાફી, ભાગ: ૧, પાના: ૨૫)
જ્યારે અમારા કાએમ(અ.સ.)નો ઝુહુર થશે, ખુદાવંદે આલમ લોકો પર દસ્તે શફકત ફેરવશે જેના થકી તેઓની અક્લો જમા થશે અને તેઓની ફીક્ર સંપૂર્ણ થઇ જશે.
આપણી ફસાદની જડ દુનિયા પરસ્તી છે અને દુનિયા પરસ્તીનુ કારણ અક્લ પર ખ્વાહીશાતની હુકુમત, પ્રભુત્વ છે. અક્લો ખ્વાહીશાતને તાબે હોય છે.
જ્યારે ઝુહુરના સમયે અક્લ ખ્વાહીશાતની કૈદમાંથી આઝાદ થઇ જશે, વિચારો સંપૂર્ણ થઇ જશે તો ફસાદના મુળ સુકાઇ જશે. હઝરત અલી(અ.સ.)એ અંબિયા(અ.મુ.સ.)ની નિયુક્તીનું એક કારણ અક્લોનું પરિપૂર્ણ થવુ ગણાવ્યુ છે.
લે યોસીરૂ લહુમ્ દફાએનલ્ ઓકુલો
કુર્આને કરીમ પણ જગ્યાએ જગ્યાએ અક્લવાળાઓને સંબોધે છે, અક્લવાળાઓ સાથે વાત કરે છે. આવી રીતે ઝુહુરના સમયે અંબિયા(અ.મુ.સ.)ની નિયુક્તીનો મકસદ પણ પુરો થશે અને કુર્આને કરીમને પણ પોતાના વાસ્તવિક શ્રોતા, સાંભળનાર મળશે.
વિજ્ઞાન:
આજના દૌરમાં પ્રગતિશીલ દેશો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પ્રગતિશીલ કહેવાય છે અને આ જ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુનિયા ઉપર હુકુમત કરે છે અને પુરી દુનિયાના જવાનોને પોતાની પકડમાં લીધેલા છે. દરેક આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો દિવાનો છે અને મફતનો ગુલામ છે. જ્યારે ઇમામ મહદી(અ.સ.)નો પૂરનૂર ઝુહુર થશે તે સમયે વિજ્ઞાન અને ટેકનોલોજીની હાલત શું હશે. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ આજથી હજાર વર્ષ પહેલા આ રીતે બયાન ફરમાવ્યુ છે:
(આ વાત ધ્યાનમાં રહે ઇમામ(અ.સ.)ની આ હદીસ તે સમયના લોકોની સમજણ પ્રમાણે હતી. તેથી આ ફક્ત એક સામાન્ય ઝલક છે. હકીકી તસ્વીર તો ઝુહુરના પછી જ સામે આવશે.)
ઇન્ન કાએમના એઝા કામ મદ્દલ્લાહો અઝ્ઝ વ જલ્લ લે શીઅતેના ફી અસ્માએહીમ્ વ અબ્સારેહીમ્ હત્તા લા યકુન બય્નહુમ્ બય્નલ્ કાએમે બરીદુન્ યોકલ્લેમોહુમ્ ફ યસ્મઉન વ યન્ઝોરૂન એલય્હે વ હોવ ફી મકાનેહી
(મુન્તખબુલ્ અસર, પાના: ૪૮૩)
જ્યારે અમારા કાએમ(અ.સ.)નો ઝુહુર થશે, ખુદાવંદે આલમ અમારા શીઆઓના કાનો અને આંખોને એ રીતે તેજ કરી દેશે કે તેમના અને કાએમ(અ.સ.)ના દરમીયાન કોઇ માધ્યમની જરૂરત નહી રહે અને જ્યારે વાત કરશે, તે લોકો સાંભળશે. ઇમામ પોતાની જગ્યાએ હશે અને દરેક જગ્યાએથી લોકો તેમને જોઇ રહ્યા હશે
કાન સીધેસીધી રીતે તેમની અવાજ સાંભળશે અને આંખો સીધેસીધી રીતે તેમને જોશે. કોઇ માધ્યમ નહી હોય એટલે કે સાંભળવુ અને જોવુ રેડીયો અને ટીવી વિગેરેથી નહી હોય પરંતુ પ્રગતિ એ રીતે હશે કે ખુદ મોઅમેનીન દરમ્યાન માધ્યમોની જરૂરત નહી રહે.
ઇન્નલ મોઅ્મેન ફી ઝમાનિલ કાએમે વહોવ બિલ્ મશ્રેકે લ યરા અખાહુલ્લઝી ફિલ્ મગ્રેબે વ કઝલ્લઝી ફિલ્ મગ્રેબે યરા અખાહુલ્લઝી ફિલ્ મશ્રેકે
(મુન્તખબુલ અસર, પાના: ૪૮૩)
હઝરત ઇમામ સાદિક(અ.સ): કાએમ(અ.સ.)ના ઝમાનામાં મોઅમીન એ રીતે પ્રગતિશીલ થઇ જશે પૂર્વમાં રહેનારા પશ્ર્ચિમવાળાને જોશે અને પશ્ર્ચિમમાં રહેવાવાળા પૂર્વવાળાને જોશે.
ઇલ્મ:
આ તમામ પ્રગતિઓ અને કમાલાત મોઅજીઝા તરીકે નહી હોય બલ્કે આ પણ ઇલ્મની પ્રગતિના લીધે હશે.
રિવાયતમાં છે કે….
“જેહાલત, દરેક બુરાઇની જડ છે અને ઇલ્મ, દરેક નેકીનુ મૂળ છે
હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુરના સમયે ઇલ્મી પ્રગતિ તેના એ દરજ્જે હશે જેને આજનો પ્રગતિશીલ ઇન્સાન વિચારી પણ નથી શકતો. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ની એક રિવાયતમાં આ રીતે બયાન કરવામાં આવ્યુ છે:
અલ્ ઇલ્મો સબ્અતુન્ વ ઇશ્રૂન હર્ફન ફ જમીઓ મા જાઅત્ બેહીર્ રોસોલો હર્ફાને ફ લમ્ યઅ્રેફીન્નાસો હત્તલ્ યવ્મે ગય્રલ્ હર્ફય્ને ફ એઝા કામલ્ કાએમો અલય્હીસ્સલામો અખ્રજલ્ ખમ્સત વલ્ ઇશ્રીન હર્ફન્ ફ બસ્સહા ફીન્ નાસે વ ઝમ્મ એલય્હલ્ હર્ફય્ને હત્તા યબુસ્સહા સબ્અતન્ વ ઇશ્રીન હર્ફન્
(બેહારૂલ અન્વાર, ભાગ: ૫૨, પાના: ૩૩૬)
ઇલ્મના ૨૭ હુરૂફ છે. આજ સુધી તમામ અંબિયા જે ઇલ્મ લાવ્યા છે તે માત્ર બે હુરૂફ છે. લોકો આજ સુધી આ બે હરફો સિવાય બીજુ કંઇ નથી જાણતા. જ્યારે અમારા કાએમ(અ.સ.)નો ઝુહુર થશે તે બાકીના ૨૫ હુરૂફ જાહેર ફરમાવશે અને લોકોમાં તેને ફેલાવશે અને પહેલાના બે હુરૂફ પણ તેમા શામિલ કરી દેશે, અહી સુધી કે તમામ ૨૭ હુરૂફ લોકોમાં જાહેર હશે.
બસ જરા વિચારો આજ સુધીની તમામ પ્રગતિઓ ફક્ત બે હરફોનુ પરિણામ છે. જ્યારે બે હરફોની પ્રગતિથી અક્લ હૈરાન છે, તો પછી જ્યારે તેમાં ૨૫ હુરૂફ બીજા ભળી જશે અને પ્રગતિની ગતી બારસો ગણી વધી જશે તે સમયે પ્રગતિની શું હાલત હશે?
જ્યારે અક્લો સંપૂર્ણ થઇ ચુકી હશે, ઇલ્મ પણ પોતાની સંપૂર્ણતાની ટોંચ પર હશે. વિચારો પાકો-પાકીઝા હશે. તે સમયે હઝરતે વલીએ અસ્ર(અ.સ.)ની ઝબાન મુબારકથી તૌહીદ અને વિલાયતે એહલેબૈત(અ.મુ.સ.)ના એ મઆરીફ બયાન થશે, જેની રોશનીમાં તિલાવતે કુર્આન, દુઆ, મુનાજાત અને ઇબાદતનો એ આલમ હશે જેનુ વર્ણન શક્ય નથી. રિવાયતો પ્રમાણે તે સમયે લોકો મસ્જીદોમાં ટોળે ટોળા સ્વરૂપે લોકોને કુર્આન અને ઇસ્લામનો દર્સ આપી રહ્યા હશે એટલે કે દરેક જગ્યાએ દીનની તઅલીમના વર્ગો ચાલી રહ્યા હશે.
સુરજની જરૂરત નહી હોય:
તે સમયે હઝરતે વલીએ અસ્ર(અ.સ.)ની વિલાયત અને ઇમામતનું નૂર એ રીતે રોશન અને મુનવ્વર હશે, લોકોને સુરજની રોશનીની જરૂર નહી રહે.
(બેહારૂલ અન્વાર)

અત્યારે સુરજ રોશની ઉપરાંત શક્તિનો પણ સ્ત્રોત છે અને સુર્યમંડળનુ કેન્દ્રબિંદુ છે. ઝુહુરના પછી ન સુરજની રોશનીની જરૂર હશે ન તેની શક્તિની, ન તો તેની કેન્દ્રીયતાની. આ દરેક વસ્તુ ઇમામે અસ્ર(અ.સ.) ના નુરાની જમાલથી હાસિલ થશે. કુર્આને કરીમની આ આયત:
વ અશ્રકતિલ્ અર્ઝો બે નૂરે રબ્બેહા
(સુરએ ઝુમર(૩૯) આયત: ૬૯)
ઝમીન પોતાના રબના નૂરથી મુનવ્વર થઇ જશે
એટલે કે આપણા ઇમામ(અ.સ.)ના નૂરથી મુનવ્વર થશે.
તે સમયે પુરી દુનિયા ઇમામે અસ્ર(અ.સ.)ની સામે હાથની હથેળીની જેમ હશે. એટલે કે જમીનનો એક ખુણો પણ તેમની નઝરોથી છુપો નહી હોય.
તેમને અથવા તો તેમના અસ્હાબને સફર કરવા માટે વિમાન અથવા અન્ય માધ્યમની જરૂર નહી હોય. વાદળ પોતાની ગરજ અને ચમકની સાથે તેમના ફરમાબરદાર હશે.
(બેહારૂલ અન્વાર)
જ્યારે ચાહશે, જ્યાં ચાહશે ત્યાં સફર કરશે.
તાઅમીર અને આબાદી:
તે મુબારક ઝમાનામાં ફીત્ના ફસાદના તમામ રસ્તાઓ બંધ હશે. ઝમીન પર ક્યાય પણ ફસાદ અને ખુનામરકી નહી હોય. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ની રિવાયત છે:
એઝા કામલ્ કાએમો હકમ બીલ્ અદ્લે વર્ તફઅ ફી અય્યામેહીલ્ જવ્રો વ અમેનત્ બેહીસ્સોબોલો વ અખ્રજતીલ્ અર્ઝો બર્કાતેહા વ રદ્દ કુલ્લ હક્કીન એલા અહ્લેહી વ લમ્ યબ્ક અહ્લો દીનીન્ હત્તા યુઝ્હેરૂલ્ ઇસ્લામ વ યઅ્તરેફુ બીલ્ ઇમાને અ મા સમેઅ્તલ્લાહ સુબ્હાનહુ યકુલો વ લહુ અસ્લમ મન્ ફીસ્સમાવાતે વલ્ અર્ઝે તવ્અન્ વ કર્હન્ વ એલય્હે યુર્જઉન વ હકમ બય્નન્નાસે બે હુકમે દાવુદ વ હુક્મે મોહમ્મદીન(સ.અ.વ.) ફહીનએઝીન્ તુઝ્હેરૂલ્ અર્ઝો કોનુઝહા વ તુબ્દી બરકાતેહા વ લા યજેદુર્ રજોલો મિન્કુમ્ યવ્મએઝીન્ મવ્ઝેઅન્ લે સદકતેહી વલા લે બીર્રેહી લે શોમુલીલ્ ગેના જમીઅલ્ મોઅમેનીન
(બેહારૂલ અન્વાર)
આ હદીસનુ એકે એક વાક્ય વિચારવા લાયક છે.
જ્યારે કાએમ(અ.સ.)નો ઝુહુર થશે, અદ્લની બુનિયાદ પર ફૈસલો થશે, ઝુલ્મો જોર ખત્મ થઇ જશે, તમામ રસ્તાઓ અમ્નથી ભરેલા હશે, ઝમીન પોતાની બરકતોને જાહેર કરશે, દરેક હક રાખનારને પોતાનો હક મળશે, તેઓ લોકોની વચ્ચે હઝરત દાઉદ(અ.સ.) અને હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની જેમ ફૈસલો કરશે. (જ્યારે ઇલાહી કાનુન મુજબ ફૈસલા થવા લાગશે) તો ઝમીન પોતાના ખઝાનાઓને જાહેર કરશે અને પોતાની બરકતોને જાહેર કરશે (અત્યારે પુરી દુનિયામાં જે મંદી છે, ધંધો અને વેપાર બરબાદ થઇ રહ્યા છે, કિંમતો આસ્માન પર છે તેનુ એક કારણ અદાલતોના ઝાલીમાના ફૈસલા છે) તે સમયે કોઇને પોતાનો સદકો અથવા બીજા કોઇ નેક કામ માટે માણસો નહી મળે કારણ કે તમામ મોઅમીનો બેનિયાઝ અને સ્વાવલંબી હશે
ઝમીનની બરકતો જાહેર થવાનો મતલબ એ છે કે ખેતીકામ પોતાની ટોંચ પર હશે, ઝમીનના છુપા તમામ ખઝાના જાહેર થશે, તમામ ખનીજો જાહેર થશે. અત્યારે ફક્ત તેલની દૌલત એટલા પ્રમાણમાં છે જ્યારે ઝમીનમાં મૌજુદ બીજા ખઝાનાઓ હશે, તે સમયે સામાજીક પરિસ્થિતિ એવી હશે કે પુરી દુનિયામાં કોઇ એક પણ ફકીર નહી હોય ચાહે તે હિન્દુસ્તાન હોય, ચાહે આફ્રીકાના દેશો હોય. ન તો ફકત ભુખમરો નહી હોય પરંતુ અક્લ અને ઇલ્મની સંપૂર્ણતાના કારણે લોકોની નિય્યતો એ પ્રમાણે સંતુષ્ટ હશે, તેઓ સદકો નહી સ્વિકારે.
જ્યારે ભુખમરો નહી હોય, નિય્યતો સંતુષ્ટ હશે તો ચોરી અને લુટફાટના બનાવો આપોઆપ ખત્મ થઇ જશે. રસ્તાઓ એ રીતે સલામતી ભરેલા થઇ જશે, ઔરતો જવેરાતની સાથે ડર વગર નીકળશે, કોઇ એક પણ તેમના પર નઝર નહી નાખે.
અદ્લ આધારિત વહેંચણી:
આ જ સમયમાં દુનિયામાં ભુખમરો અને પડતીનુ કારણ ફક્ત ઉપજની ઉણપ જ નથી પરંતુ ઝુલ્મ આધારિત વહેંચણી પણ એક મહત્વનુ કારણ છે. ગરીબ ભુખથી મરી રહ્યા છે, અનાજ ગોડાઉનમાં સડી રહ્યુ છે.
અબુ સઇદે ખુદરીએ રસુલે ખુદા(સ.અ.વ.)થી આ રિવાયત નક્લ કરી છે:
હું તમને મહદી(અ.સ.)ની બશારત આપુ છુ. તે જમીનને અદ્લો ઇન્સાફથી એ રીતે ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મો જોરથી ભરેલી હશે. તેમનાથી આસ્માનવાળાઓ પણ ખુશ હશે અને જમીનવાળાઓ પણ. તેઓ લોકોની વચ્ચે સાચી રીતથી માલની વહેંચણી કરશે. એક માણસે પુછ્યુ: સાચી વહેંચણીથી શું મુરાદ છે? ફરમાવ્યુ: લોકોની વચ્ચે સમાનતાથી વહેંચણી કરશે. રસુલે ખુદા(સ.અ.વ.)ની ઉમ્મતવાળાઓના દિલ બેનિયાઝી અને સ્વાવલંબીથી સંતુષ્ટ હશે. દરેક જગ્યાએ અદ્લ અને અદ્લ જ હશે.
એક માણસ અવાજ આપશે: જેને માલની જરૂરત હોય, આવીને લઇ લે. કોઇ નહી આવે, ફક્ત એક માણસ આવશે, તે આગળ વધીને માલ લેશે અને પછી શરમીંદા થશે અને માલને પાછો આપી દેશે.
(નુરૂલ અબ્સાર)
આ રિવાયત પર ચિંતન કરવાથી સ્પષ્ટ થાય છે, તેમની હુકુમતની રીતથી આસ્માનના ફરિશ્તાઓ પણ ખુશ હશે. તેમની હુકુમત જમીન સિવાય આસ્માન પર પણ હશે. બની શકે છે કે તે સમયમાં ઇલ્મ અને વિજ્ઞાન પ્રગતિની એ મંઝીલે હોય કે જમીનવાળાઓ આસ્માનનો સફર કરે અને ત્યાની પણ વ્યવસ્થા સંભાળે.
દૌલત, માલ, ખેતીની પેદાશની પુષ્કળતા હોવા છતા વહેંચણી ન્યાયની સાથે હશે. ન ઇસરાફ (બગાડ) હશે અને ન તો કંજુસી. વહેંચણીમાં કોઇ ભેદભાવ નહી હોય.
એક મહત્વની વાત એ છે કે દરેક લોકો એ રીતે તરબીયત પ્રાપ્ત કરેલા થઇ જશે. કોઇ એક પણ જરૂરતથી વધારેની ઉમ્મીદ નહી કરશે.
આ છે માઅસુમના નેતૃત્વની અસર.
શહેરોની રચના:
તે સમયમાં તમામ શહેરો આબાદ હશે અને ખુબ જ મોટા હશે. મોટી મોટી મસ્જીદો હશે. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ની રિવાયતમાં છે:
તેઓ કુફાની બહાર એક મસ્જીદ બનાવશે, જેમાં એક હજાર દરવાજા હશે, કુફાના ઘર કરબલાની નહેર અને બસરાથી મળી ગયા હશે
(બેહારૂલ અન્વાર)
અત્યારે કુફા અને કરબલાની વચ્ચે અંદાજે ૭૦ થી ૮૦ કીલોમીટરનુ અંતર છે. તમે વિચારો, તે શહેર જે ૮૦ કીલોમીટરમાં ફેલાયેલુ હોય તે કેટલુ વિશાળ હશે.
બાંધકામના નિયમો:
તે સમયમાં જે મસ્જીદો બનાવવામાં આવશે, દિવાલો નાની હશે, કાંગરાઓ નહી હોય, મસ્જીદો એ રીતે બનાવવામાં આવશે જેવી રીતે રસુલે ખુદા(સ.અ.વ.)ના સમયમાં બનાવવામાં આવતી હતી (આજે મસ્જીદોને સજાવટ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. જ્યારે કે મસ્જીદો સજાવટ અને કિંમતી પથ્થરોથી આબાદ નથી થતી તે તકવા અને પરહેઝગારી અને ખુદાના ઝિક્રથી આબાદ થાય છે)
રસ્તાઓ પહોળા હશે, ત્યાં સુધી કે દરેક રસ્તાઓ ની પહોળાઇ ૬૦ હાથ હશે. રસ્તાઓમાં ઇબાદત કરવાની જગ્યાઓ આવશે અડચણરૂપ જગ્યાઓ ખંડીત કરવામાં આવશે. ટુંકમાં જાહેર રસ્તાઓ પર અડચણરૂપ બાબતો જોવા નહીં મળે.
આનાથી અંદાજ આવે છે કે તે સમયમાં લોકોના હક્કોનો કેવી રીતે ખયાલ રાખવામાં આવશે. જાહેર રસ્તાઓ પર બીજાના ઘરોનુ પાણી પણ નહી પડશે. આજ કાલ તો બીજાની જમીન પર સજુ બહાર કાઢીને મકાન બનાવી લેય છે.
તે સમયમાં ઇલ્મ અને અક્લની પ્રગતિ સાથે અખ્લાકની પણ પ્રગતિ થશે અને આ રીતે હઝરત પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ની નિયુક્તીનો હેતુ પણ સંપૂર્ણ થશે. “મને એટલા માટે નિયુક્ત કરવામાં આવ્યો છે કે જેથી ઉચ્ચ અખ્લાકને સંપૂર્ણતાની હદ સુધી પહોચાડી દઉ. તે સમયમાં ફક્ત લોકોનો જ નહી પરંતુ જાનવરોનો સ્વભાવ પણ બદલાશે. સિંહ અને બકરી એક સાથે રહેશે.
આ વાત પણ ખાસ રીતે ધ્યાન આપવા લાયક છે કે આટલા બધા ફેરફારો અને આ દરેક પરિવર્તન મોઅજીઝાના સ્વરૂપે નહી હોય. લોકો જ્યારે સવારે જાગશે તો બદલાયેલા બદલાયેલા હશે. આ દરેક ફેરફારો લોકોએ પોતે પસંદ કરેલા કાર્યોના આધારે હશે. કારણ કે જ્યારે અક્લ સંપૂર્ણ થશે, વિચારો પાક હશે, ઇલ્મો પોતાની ટોંચ પર હશે, દરેક અક્લ, વિચાર અને ઇલ્મથી માલામાલ હશે તો તેના અખ્લાક અને આદાબમાં ચોક્કસ ફેરફાર હશે. જ્યારે ઇલ્મ અને અક્લ બુરાઇની ખરાબીને અને ભલાઇની ખુબસુરતીને ખુબ સારી રીતે સ્પષ્ટ કરી દેશે તો માણસ સ્વતંત્ર રીતે ભલાઇઓને પસંદ કરશે અને ખરાબીઓથી દૂર રહેશે.
આ તો બસ ઝલક હતી. સાંભળવામાં અને જોવામાં તફાવત છે. જોવાની વાત જ કંઇક અલગ છે. ખુદા કરે એ દિવસ જલ્દી આવે જ્યારે આપણે પોતાની આંખોથી ઇમામે અસ્ર(અ.સ.)ની મુબારક ચહેરાની ઝિયારત કરીએ અને ઝુહુરની અસરોની પ્રગતિમાં શામિલ થઇએ અને અગર મૌતે મોહલત ન આપી તો ખુદા તેમના ઝુહુરના સમયે આપણને બધાને બીજીવાર જીંદગી અતા કરે જેથી જનાબે ઝહરા(સ.અ.)ના ફરઝંદના મરતબા, ખુબસુરતી અને રોબ જોઇ શકીએ. આમીન યા રબ્બલ આલમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.