Home » કિતાબો

ગુનાહ અને તૌબા

Print Friendly, PDF & Email

ગુનાહ અને તૌબા

આપણી હકીકત:

ઈન્સાનની હકીકત એટલે કે અમારી અને તમારી હકીકત આ જાહેરી શરીર અને આ સ્વરુપ અને આકાર નથી અને ન તો આ જાહેરી શરીર અને શકલ તથા સુરતના કારણે ઈન્સાનને બીજી મખ્લુક ઉપર ઉચ્ચતા મળેલી છે. આ દુનિયામાં એવા પણ પક્ષીઓ છે, જેઓ જાહેરી દેખાવમાં ખુબ જ સુંદર છે, તેમનું રંગરુપ  ખરેખર આશ્ર્ચર્યજનક છે. ઈન્સાનની હકીકત તેની રુહ તેનો નફસ અને દિલ છે. તે દિલ અને હૃદય નહી કે જે ધબકે છે પરંતુ તે દિલ જે બધા અકીદાઓ, વિચારો અને સમજણનું કેન્દ્ર છે, જે શરીરનો અમીર અને સરદાર છે. શરીરના તમામ અવયવો તેના હુકમના નહી બલ્કે તેના ઈરાદાના પાબંદ છે. અવયવો તો ફકત સાધન અને માધ્યમ છે. ખરેખર તો દિલ છે જેમાંથી એહકામ નીકળે છે. કુરઆને કરીમે તે જ દિલનાં વિષે ફરમાવ્યું છે:

لَهُمْ قُلُوْبٌ يَعْقِلُوْنَ بِهَا

“તેમની પાસે દિલ છે, જેના વડે તેઓ સમજે છે.

(સુરએ હજ્જ (22): 46)

આ દિલ અને નફસને અલ્લાહે ખુબજ નિર્મળ અને સાફ પૈદા કર્યું છે. તેની અંદર એટલી ક્ષમતા અને કાબેલીયત છે કે અગર પ્રગતિ કરે તો ફરીશ્તાઓથી પણ આગળ નીકળી જાય અને અગર અધોગતિ (પડતી) કરે તો જાનવરોથી પણ બદતર થઈ જાય.

ઈન્સાન અને જાનવરમાં તફાવત:

જાનવર અને ઈન્સાનમાં એક પાયાનો તફાવત એ છે કે ખુદાવંદે આલમે જાનવરોને જે રીતે બનાવ્યા છે બસ તેઓ તેજ રીતના છે. તેમની જીંદગીની રીતભાત અને રહેણીકરણીમાં જરા પણ ફેરફાર નથી કરી શકતા. ઈન્સાન તે એક એવી મખ્લુક છે જે દરેક પ્રકારનો ફેરફાર કરી શકે છે અને આજ કારણ છે કે ઈન્સાની દુનિયા રોજ બરોજ બદલાતી રહે છે અને જાનવરોની દુનિયા પોતાની જગ્યાએ સ્થિર છે.

વાત ફકત આ દુનિયા પુરતી મર્યિદિત નથી. બલ્કે આ દુનિયા પછીની બધી મંઝિલો ફકત ઈન્સાનો માટે ખાસ છે. હશ્રો-નશ્ર, હિસાબ-કિતાબ, જન્નત-જહન્નમ… બલ્કે મૌત, મલેકુલ મૌત, મૌતની રીત, રુહ કબ્ઝ કરવાની રીત, કબ્ર, ફીશારે કબ્ર, કબ્રની વિશાળતા, બરઝખ આ બધા તબક્કાઓ ફકત ઈન્સાન માટે જ છે. આ બધા તબક્કાઓમાં બન્ને બાજુનાં સિલસિલા અનંત છે. અગર નેઅમતો છે તો એટલી વધારે છે કે ઈન્સાન વિચારી પણ નથી શકતો કે શું શું મળશે! અને અગર અઝાબ છે તો એટલો શદીદ છે કે તેની કલ્પના પણ નથી કરી શકાતી. અને આ બન્ને વસ્તુઓ ઈન્સાન એટલે કે આપણા માટે છે. થાય છે એવું કે જ્યારે આ રીતની વાતો થાય છે તો તેને આપણે આપણી ઝાત માટે સમજતા નથી થતા અને એમ વિચારીએ છીએ કે આ બધી બાબતો બીજા માટે છે અને તેનાથી આપણે કંઈ લેવા દેવા નથી. દરેક શખ્સ આ જ વિચારે છે એટલા માટે કોઈ પણ પોતાને જવાબદાર નથી સમજતું, જ્યારે કે હકીકત એ છે કે ફકત અને ફકત આ બાબતો આપણા માટે જ છે, અને ખુદ આપણી જવાબદારી છે.

રુહ બાકી રહે છે:

ઈન્સાનની હકીકત તેની રુહ છે, શરીર તો મૌત પછી નાશ પામે છે પરંતુ રુહ બાકી રહે છે. રુહનો પોતાનો કોઈ આકાર નથી. આપણા અકીદાઓ, આમાલ, આદાબ અને અખ્લાક તથા આપણી આદતો તેને સુંદર અને ખુબસુરત અથવા તો કદરુપી અને બદશકલ બનાવે છે.

અગર આપણી કોઈ કિંમતી વસ્તુ છે તો આપણે તેની હિફાઝત કરીએ છીએ. રાત્રીના ઘરના દરવાજાઓ બરાબર બંધ કરીને સુઈએ છીએ, યકીન પૈદા કરવા ઘણી વાર તપાસ કરીએ છીએ કે કયાંક રાત્રીના કોઈ ચોર ન આવી જાય. કેટલાય લોકો છે કે જેમના ઘરમાં એકવાર પણ ચોરી નથી થઈ તો પણ ઘરની હિફાઝતનું પું ધ્યાન રાખે છે કે કયાંક ચોર ન આવી જાય. કોઈ પણ શખ્સ પોતાના ઘરોના દરવાજાઓને ખુલ્લા છોડી નથી દેતો. ચોરીની શકયતાથી હિફાઝત કરે છે અને દરેક શખ્સ તે હિફાઝતના વખાણ કરે છે અને જરા બરાબર પણ બેદરકારીની પરવાનગી નથી આપતો.

પરંતુ આપણે આપણી રુહ અને નફસનું જરા પણ ધ્યાન નથી રાખતા. શયતાની હુમલાઓ માટે બધા દરવાજાઓ ખોલી નાખીએ છીએ અને શયતાનને સંપૂર્ણ રીતે હુમલો કરવાની તક આપીએ છીએ. કુરઆને કરીમ સ્પષ્ટ રીતે એલાન કરે છે.

إِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِيْنٌ

“બેશક શયતાન તમારો ખુલ્લો દુશ્મન છે.

(સુરએ ઝુખ્રુફ (43): 62)

તે પોતે એલાન કરે છે કે હું દરેક બાજુએથી તમારા ઉપર હુમલો કરીશ.

ثُمَّ لَاٰتِيَنَّهُمْ مِنْ بَيْنِ أَيْديهِمْ وَ مِنْ خَلْفِهِمْ وَ عَنْ أَيْمانِهِمْ وَ عَنْ شَمائِلِهِمْ وَ لَا تَجِدُ أَكْثَرَهُمْ شَاكِرِيْنَ

“હું દરેક બાજુએથી તેઓને ગુમરાહ કરીશ, સામેથી, પાછળથી, ડાબી બાજુથી, જમણી બાજુથી. (ખુદાયા!) તું તેઓમાંથી ઘણાઓને શુક્રગુઝાર નહી પામે.

(સુરએ અ્અરાફ (7): 17)

એટલે કે મોટાભાગના તારી નેઅમતોનો સાચી જગ્યાએ ઉપયોગ નહી કરે. જ્યારે અલ્લાહે જનાબે આદમ (અ.સ.)ને શયતાન ઉપર ઉચ્ચતા અને ફઝીલત આપી અને શયતાનને હુકમ આપ્યો કે તે આદમ (અ.સ.)ને સજદો કરે, ત્યારે શયતાને અલ્લાહને કહ્યું:

“આજે તે આદમ (અ.સ.)ને મારા ઉપર ઉચ્ચતા અને ફઝીલત આપી છે. અગર તું મને કયામત સુધી મોહલત આપી દે તો હું તેમની બધી અવલાદને મારી જાળમાં ફસાવીશ, બધાને હલાક કરી નાખીશ. ફકત અમુક જ મહેફુઝ રહેશે.

અલ્લાહે શયતાનને કહ્યું: જા. આદમ (અ.સ.)ની આલમાંથી જે કોઈ પણ તારી ઈતાઅત કરશે તેને હું જહન્નમમાં તારી સાથે સંપૂર્ણ અઝાબ આપીશ.

જા અને તારાથી જે થતું હોય તે કરી લે, તારા પગપાળા અને સવાર સીપાહીઓ સાથે તેમના ઉપર હુમલો કર, તેમના માલ અને અવલાદમાં શરીક થઈ જા, તેમને ખોટા ખોટા વાયદાઓ આપ અને શયતાનના બધા વાયદાઓ છળ અને ફરેબ છે. હા! જાણી લે કે મારા મુખ્લીસ બંદાઓ પર તારો કોઈ કાબુ નથી અને અલ્લાહ તેમની હિફાઝત માટે કાફી છે.

(સુરએ બની ઈસ્રાઈલ (17): 62-65)

તદઉપરાંત શયતાને એ પણ કસમ ખાધી છે.

“હું તારા સેરાતે મુસ્તકીમ ઉપર જરુર તાકીને બેસી જઈશ.

(સુરએ અ્અરાફ (7): 16)

શયતાને આપણા ઉપર બધી બાજુએથી હુમલો કરવાનું કાયદેસરનું એલાન કરી દીધું છે. હવે આ પરિસ્થિતિમાં આપણે આપણી હિફાઝતની વ્યવસ્થા કરવી જોઈએ કે નહી? આપણે આપણા દિલ, રુહ, વિચારોના બધા રસ્તાઓ ખુલ્લા રાખી દઈએ અને શયતાનને આપણા ઉપર હુમલો કરવાની ખુલ્લી આઝાદી આપી દઈએ… કે તેના ઉપર ચોકીદારને બેસાડીએ? શું કરીએ? એ વાત પણ ધ્યાનમાં રહે કે શયતાનના અનુસરણનું પરિણામ હલાકત સિવાય કંઈ જ નથી.

શયતાની રસ્તાઓ:

શયતાનનો ગુમરાહ કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો બુરાઈઓને શણગારીને રજુ કરવું છે.

وَ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّہُمْ عَنِ السَّبِيْلِ

“અને શયતાને તેમના કાર્યોને તેમની દ્રષ્ટિમાં શોભાયમાન કરી દીધા હતા.

(સુરએ અન્કબુત (29): 38)

وَ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوْا يَعْمَلُوْنَ

“જે કાર્યો તેઓ કર્યા કરતા હતા તેને શયતાને (તેમની નઝરમાં) સુશોભિત બનાવી દીધા હતા.

(સુરએ અન્આમ (6): 43)

وَ إِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ

“અને (તે સમયને યાદ કરો) જ્યારે શૈતાને તેમના કાર્યો તેમની નજરમાં શોભાયમાન કરી દીધા.

(સુરએ અન્ફાલ (8): 48)

أَ فَمَنْ زُيِّنَ لَهٗ سُوْءُ عَمَلِهٖ فَرَآهُ حَسَناً

“શું તે શખ્સ કે જેની નિગાહમાં બદકારીને શોભા આપવામાં આવી છે, પછી તેને તે સારી પણ સમજે છે.

(સુરએ ફાતીર (35): 8)

આ આયતો ઉપર ધ્યાન આપીએ. દરેક આયતમાં આજ વાત વર્ણવવામાં આવી છે કે શયતાને તેમના ખરાબ આમાલોને સારા બનાવીને રજુ કર્યા એટલે કે શયતાનનું એક કામ એ છે કે તે બુરાઈઓને સારાનો લીબાસ પહેરાવીને એવી રીતે રજુ કરે છે કે ઈન્સાન તેના ઉપર અમલ કરવા લાગે છે.

શયતાનનું એક કામ એ છે કે તે ગુનાહોને એટલા રસપ્રદ બનાવીને રજુ કરે છે અને એવી રીતે સજાવે છે કે ઈન્સાન તેને અંજામ આપવા ઉપર શરમીંદા થવાને બદલે ગર્વ મહેસુસ કરે છે. બેશર્મીને શયતાનને એટલી હદે સજાવી, એટલી સુશોભીત કરી કે સમાજમાં તે લોકોને વધારે માનની નજરથી જોવામાં આવે છે જે વધારે બેશર્મીથી વર્તે છે. તેમને ઈનામો ઈકરામથી નવાજવામાં આવે છે અને હયાદાર લોકોને દકયાનુસી અને પછાત સમજવામાં    આવે છે.

આધુનિક પેઢીની આધુનિક આદતો:

શયતાન ગુનાહોને શણગારીને રજુ કરે છે. જ્યારે ઈન્સાનને ગુનાહો કરવાની ટેવ પડી જાય છે તો તેને તકવા અને પરહેઝગારીમાં લઝઝત મહેસુસ નથી થતી. શયતાને આધુનિક નસ્લને એટલી હદે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, વોટસએપ, ફેસબુકની આદત નાખી દીધી છે કે આ નસ્લને આ બધી વસ્તુઓમાં જે મજા આવે છે તે મજા ન તો પત્નિ અને બચ્ચાઓથી આવે છે અને ન તો ખાનદાનથી આવે છે. ઘર તૂટતુ હોય તો તૂટે, ખાનદાન વિખરાતું હોય તો વિખરાય, બાલ-બચ્ચાઓથી સંબંધો બગડતા હોય તો બગડે… પરંતુ હાથમાંથી મોબાઈલ ન છૂટે. તબીયત બગડતી હોય તો બગડે, પરીક્ષામાં નાપાસ થતા હોય તો થાય, નમાઝ કઝા થતી હોય તો થાય… પરંતુ સ્ક્રીન ઉપરથી નઝર ન હટે.

શકય છે કે કોઈ એ સવાલ કરે કે તો શું આ આધુનિક સાધનોથી ફાયદો ન ઉપાડવો જોઈએ?

ઈલાજ:

જવાબ એ છે કે ફાયદો ઉપાડવાની મનાઈ નથી. ફાયદો મેળવવાની રીત, અંદાઝ અને પ્રમાણ કેટલું હોય? ઉપયોગ ત્યાં સુધી યોગ્ય અને સહીહ છે, જ્યાં સુધી ઈન્સાની ઝીંદગીના ઉચ્ચ હેતુઓને નુકસાન ન થાય. જ્યારે આ વસ્તુઓ હેતુ ઉપર અસરગ્રસ્ત થવા લાગે, હકીકી ઝીંદગીના બદલે કાલ્પનીક જીવનમાં વ્યસ્ત કરી દે તો બસ ત્યાંથી તે વસ્તુઓનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તે સાધનોનો ઉપયોગ અને તેનાથી ફાયદો ઉપાડવો એક અલગ બાબત છે અને આ સાધનોની એવી ટેવ પડી જવી કે જે નશાનું રુપ લઈ લે, તો આ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી.

ઈન્સાની ઝીંદગીમાં ગુનાહ તે લોકો માટે લઝઝતનું કારણ છે જેઓ તે ગુનાહના અંજામથી અજાણ હોય. તે લોકો જે ફકત સાપની સુંદરતા જોવે છે અને તેની નજીક જાય છે અને જે લોકો તેની અંદરના કાતિલ ઝેરને જોવે છે તેઓ તેનાથી દૂર ભાગે છે.

ગુનાહની અસરો:

તેઓ કે જેઓ દુનિયા અને આખેરત બન્ને ઉપર એક સરખી નઝર રાખે છે તેઓ બતાવે છે કે ગુનાહોની શું શું અસરો થાય છે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

‘બંદો પોતાના ગુનાહોમાંથી એક ગુનાહના કારણે 100 વર્ષ અઝાબમાં કૈદ રહેશે જ્યારે કે તેના કુટુંબીજનો જન્નતની નેઅમતોથી ફાયદો મેળવી રહ્યા હશે.’

(જામેઉસ્સઆદત, ભાગ-3, પા. 47)

ઈમામ બાકીર (અ.સ.) ફરમાવે છે:

‘ખુદાવંદે આલમે એ અંતિમ અને અચળ ફેંસલો કરી લીધો છે કે તે પોતાના બંદાઓ પાસેથી નેઅમતોને ત્યાં સુધી છીનવી નહી લે જ્યાં સુધી તે કોઈ એવો ગુનાહ ન કરે જેનાથી તે અલ્લાહની નારાઝગીનો હકદાર બને.’

(ઉપરોકત સંદર્ભ)

આ હદીસ ખુબજ વિચાર માંગી લે છે. અગર બધી ઈબાદતો, મુનાજાત, તિલાવતે કુરઆને કરીમ, સીલે રહેમ, નેક કાર્યોની પહેલા તૌફીક મળી રહી હતી પરંતુ આજે એ તૌફીક નથી મળી રહી તેનું કારણ આપણી વ્યસ્તતા નથી કારણ કે આ રીતની વ્યસ્તતા તો ગઈ કાલે પણ હતી. આમ છતાં સમય મળી રહ્યો હતો અને આજે એ તૌફીક નથી મળી રહી તો આપણાથી જરુર અમુક એવા ગુનાહો થઈ ગયા છે, જેના કારણે આ તૌફીક છીનવાય ગઈ છે.

કાલે અગર ઈસ્લામને દુનિયામાં ઈઝઝતની નઝરથી જોવામાં આવતો હતો અને આજે તે ઈઝઝત અને માન નથી તો તેનું કારણ ઈસ્લામની તઅલીમાત નથી જેથી એમ કહી શકાય કે હજારો વર્ષ જુની તઅલીમાતમાં આજના ઝમાનાના મસઅલાઓનો હલ નથી. બલ્કે તેનું કારણ મુસલમાનોના સતત કરવામાં આવતા ગુનાહો છે.

હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે:

‘ખતા (ગુનાહ)થી વધારે બીજી કોઈ વસ્તુ દિલને તબાહ અને બરબાદ નથી કરતી. દિલ ગુનાહોથી અસરગ્રસ્ત થતુ રહે છે ત્યાં સુધી કે ગુનાહો તેના ઉપર ગાલીબ આવી જાય છે અને દિલ ઉંધુ થઈ જાય છે.’

(ઉપરોકત સંદર્ભ)

જ્યારે કોઈ વસ્તુ ઉંધી થઈ જાય છે તો દ્રષ્ય એકદમ બદલાઈ જાય છે. ઉચ્ચ વસ્તુ તુચ્છ અને તુચ્છ વસ્તુ ઉચ્ચ બની જાય છે. જે ગુનાહો અને અલ્લાહની નાફરમાની કરવામાં ખચકાટ થતો હતો, ઈબાદત અને મુનાજાતમાં લઝઝત મહેસુસ થતી હતી પરંતુ હવે વાત ઉલટી થઈ ગઈ છે. ઈબાદત અને મુનાજાતમાં દિલ નથી લાગતું અને ગુનાહો કરવાથી દિલ નથી ભરાતું. પહેલા ગીબત, જુઠ, તોહમતથી નફરત હતી. અગર કોઈ વખત થઈ પણ જતી તો તૌબા કરી લેતા અને હવે પરિસ્થિતિ એ છે કે તેના સિવાય બીજી કોઈ બાબતમાં મજા નથી આવતી. ઉંધા થએલા દિલનું ફરી પાછું તેની મૂળ સ્થિતિમાં આવવું એ સહેલું નથી.

આજે ચારે બાજુ આખી દુનિયામાં મોંઘવારીની ચચર્િ થાય છે, ભાવો આસમાને ચડવા પર બધા દુ:ખી અને પરેશાન છે, કોઈ ૠતુનો વાંક કાઢે છે, તો કોઈ સરકારનો, તો કોઈ વ્યવસ્થાનો વાંક કાઢે છે, કોઈ સંગ્રહખોરીનો…

ઈમામ (અ.સ.) ફરમાવે છે:

‘બંદો એક ગુનાહ અંજામ આપે છે તો રિઝક તેનાથી દૂર થઈ જાય છે.’

(ઉપરોકત સંદર્ભ)

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘ખુદાવંદે આલમ ફરમાવે છે જ્યારે કોઈ બંદો મારી ઈતાઅત અને ફરમાબરદારી ઉપર પોતાની ખ્વાહીશાતને અગ્રતા આપે છે તો હું ઓછામાં ઓછું તેની સાથે એ વર્તન કં છું કે તેને મારી મુનાજાતની લઝઝતથી વંચિત કરી   દઉ છું.’

(ઉપરોકત સંદર્ભ, પા. 48)

હજુ એક રિવાયતમાં ઈમામ (અ.સ.) ફરમાવે છે:

‘કોઈ દર્દ નથી થતું, કોઈ તકલીફ નથી આવતી, કોઈ બીમારી નથી આવતી સિવાય કે તે ગુનાહના કારણે હોય છે.

ખુદાવંદે આલમ પોતાની કિતાબમાં ફરમાવે છે: જે પણ મુસીબત તમને પહોંચે છે તે તમારા હાથોના કાર્યોનું પરિણામ છે અને તે ઘણું ખં માફ કરી દે છે.’

(સુરએ શુરા, આ. 30)

ઈમામ (અ.સ.) ફરમાવે છે:

‘અલ્લાહ વધારે માફ કરી દે છે, સજા તો ખુબજ ઓછી બાબતોની આપે છે’

(ઉપરોકત સંદર્ભ)

એક રિવાયતમાં આ મુજબ છે:

‘ઈન્સાન એક ગુનાહ અંજામ આપે છે જેના કારણે તે નમાઝે શબથી વંચીત થઈ જાય છે.’

(ઉપરોકત સંદર્ભ, પા. 48)

‘ખરાબ કામોની અસર ગોશ્ત ઉપર છરીની અસર કરતા વધારે થાય છે.’

(ઉપરોકત સંદર્ભ)

આ રિવાયતો પર વિચાર કરીએ, આપણે પૃથ્થકરણ કરીએ, દરેક શખ્સ પરિસ્થિતિ બદલાવાની ફરિયાદ કરી રહ્યો છે. શાદીશુદા જીંદગી દરરોજ મુશ્કિલોનો શિકાર બની રહી છે. તલાકની સંખ્યા રોજબરોજ વધી રહી છે. ઈખ્તેલાફમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ઝીંદગીની મીઠાશો કડવાશમાં બદલાઈ ગઈ છે. અવલાદ નાફરમાન થઈ ગઈ છે. સંબંધો તૂટી રહ્યા છે. કુટુંબો વિખેરાય રહ્યા છે. કત્લ અને ખુનરેઝી સામાન્ય થઈ ગઈ છે, અમ્ન અને અમાન રુખ્સત થઈ ગયા છે. દરેક બાજુ ડર અને અંધાધુંધી ફેલાએલી છે.

જ્યારે કે બીજી બાજું દરરોજ એક નવી વસ્તુ શોધાઈ રહી છે. મૂડી અને પૈસામાં વધારો થઈ રહ્યો છે. કાચા મકાનો બહુમાળી મકાનોમાં ફેરવાઈ રહ્યા છે. દરેક પાસે કાર નહી બલ્કે ઘણી / અનેક કાર છે. બેંક બેલેન્સ પણ સારુ એવું છે. તેમ છતાં પરિસ્થિતિ આ હદે ખરાબ છે!!!

આ રિવાયતોની રોશનીમાં તેનું કારણ એ છે કે ઈન્સાન દરરોજ અલ્લાહની ઈતાઅત અને અલ્લાહની ઈબાદતથી દૂર જઈ રહ્યો છે અને ગુનાહ અને નાફરમાનીથી નઝદિક થઈ રહ્યો છે.

કહેવાય છે કે આજકાલ મસ્જીદો નમાઝીઓથી ભરેલી છે. વધારે નવજવાનો દેખાય છે. બેશક આ વાત ઉમદા છે અને શુક્ર કરવાને લાયક છે. પરંતુ તેની બીજી બાજુ પણ જોઈએ ગુનાહના કેન્દ્રો, નાઈટ કલબ, બાર, સીનેમા ઘરો… તેના કરતા ઘણા વધારે આબાદ છે. ત્યાં જવાનોની સંખ્યા ઘણી વધારે છે. એક મઝહબી પ્રોગ્રામ ગોઠવો અને એક સંગીતનો.. અને પછી જોવો તમને કયાં સંખ્યા વધારે દેખાય છે? જ્યાં નેક કામમાં ફાળો આપવામાં કંજુસીથી કામ લેવાય છે. ખુબજ મુશ્કીલથી સામાન્ય રકમ નીકળે છે અને કયાં મોટી રકમ આસાનીથી દેવામાં આવી રહી છે. આજે પૈસા ખર્ચ કયર્િ વિનાની ઈબાદત અને સવાબમાં એ મજા નથી આવતી જે પૈસા ખર્ચીને ગુનાહો કરવામાં આવે છે.

ગુનાહનું પ્રમાણ વધવું:

ગુનાહના વધારાનું એક કારણ એ છે કે આ ઝમાનામાં વધારે ગુનાહો કરવાના કારણે ગુનાહોને ઓછું મહત્વ આપવામાં આવે છે બલ્કે તેની તરફ ધ્યાન જ આપવામાં નથી આવતું. દાખલા તરીકે સંગીત એક ગુનાહ છે, તે ઓછું હોય કે વધારે હોય તે ગુનાહ તો છે જ. આજે દરેક ઘરમાં ટીવી છે, સારા પ્રોગ્રામની વચ્ચે જે બ્રેકમાં જાહેરાતો આવતી હોય છે તેમાં એટલી હદે સંગીત હોય છે, એટલી હદે હરામ દ્રશ્યો દેખાડવામાં આવે છે. છતાં આપણે ટીવી બંધ કરી દઈએ છીએ? અગર ના, તો આ બ્રેકમાં સતત ગુનાહ નથી થઈ રહ્યા? ગુનાહના અસરગ્રસ્ત થવા માટે એ જરુરી નથી કે તેને જાણી જોઈને, ઈખ્તેયારી રીતે, તેની અસરોને ધ્યાનમાં હોવા છતાં તે ગુનાહને અંજામ આપીએ. ગુનાહ આખરે ગુનાહ છે, અગર ગુનાહોની અસરોને ધ્યાનમાં રાખવા છતાં ગુનાહ અંજામ આપવામાં આવે તો ફકત ગુનાહ નથી બલ્કે સરકશી છે, બગાવત છે. ત્યાં ગુનાહ ઉપરાંત સરકશી અને બગાવતનો પણ અઝાબ છે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘ખતાઓ અને ગુનાહોના નશાથી દૂર રહો, ખતાઓનો નશો પણ શરાબના નશાની જેમ છે, બલ્કે તેના કરતા પણ વધારે છે. ખુદાવંદે આલમ ફરમાવે છે: તેઓ બહેરા છે, મુંગા છે, આંધળા છે, તેઓ પલટીને પાછા નહી આવે.’

(મીઝાનુલ હિકમત, પા. 46, હ. 1880)

શરાબીને જ્યાં સુધી શરાબ નથી મળતી તે બેચૈન રહે છે, શરાબ પી લે તો ખુશ થઈ જાય છે. તેજ રીતે જે લોકોને ગુનાહોની ટેવ પડી ગઈ છે, તેમને જે લઝઝત ગુનાહોમાં મળે છે, જે મઝા ગીબતમાં આવે છે તે લુત્ફ ઈબાદત, ઈતાઅત અને ઝીક્રે ખૈરમાં નથી આવતો.

ખુદાવંદે આલમ ફરમાવે છે:

‘અય ફરઝંદે આદમ! તે મારી સાથે ઈન્સાફ ન કર્યો. હું નેઅમતો નાઝીલ કરીને મોહબ્બત ભર્યું વર્તન કં છું, તું ગુનાહો કરીને મને નારાઝ કરો છો. મારી તરફથી નેકી નાઝીલ થાય છે, તારી તરફથી બુરાઈઓ આવે છે. દરરોજ રાત અને દિવસમાં ફરિશ્તાઓ તારા ગુનાહોની ખબર લાવે છે. અગર તું તાં વર્તન બીજાઓની ઝબાનથી સાંભળતે જ્યારે કે તું એ ન જાણતો હોત કે આ કોની બુરાઈઓ બયાન કરવામાં આવી રહી છે તો બહુજ જલ્દી તેનાથી નારાઝ થઈ જાત.’

(બેહારુલ અન્વાર, ભાગ-83, પા. 352)

અગર આપણે થોડો પણ વિચાર કરીએ કે આપણે જેની સાથે સતત સારો વતર્વિ કરી રહ્યા હોઈએ, એહસાન કરી રહ્યા હોઈએ અને તે સતત આપણને હેરાન કરતો રહે તો આપણો ફેંસલો તેના વિષે શું હશે? હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)   ફરમાવે છે:

‘અગર ખુદાવંદે આલમે ગુનાહો ઉપર અઝાબનો વાયદો ન પણ કર્યો હોત તો પણ નેઅમતોના શુક્રનો એ તકાઝો છે કે ગુનાહો કરવામાં ન આવે.’

(નહજુલ બલાગાહ, હિકમત 290)

એટલે ગુનાહો ન કરવા એ શરાફતનો તકાઝો છે. અગર આપણે આપણી આસપાસ ખુદાની નેઅમતોનો હિસાબ કરીએ તો આખી ઝીંદગી તેને ગણી નથી શકતા. જ્યારે ડગલેને પગલે ખુદાની નેઅમતો છે, તો ગુનાહો શા માટે? એક બાજુ ગુનાહોથી દૂર રહેવા માટે તૈયાર નથી અને બીજી બાજુ એ પણ ફરિયાદ છે કે દોઆઓ કબુલ નથી થતી. રિવાયતમાં છે કે:

‘બંદો અલ્લાહ પાસે હાજત તલબ કરે છે, દોઆ કરે છે અને તે દોઆ કબુલ થવાની હોય છે, પરંતુ તે બંદો ગુનાહ કરે છે અને ખુદાવંદે આલમ ફરિશ્તાઓને કહે છે કે તેની હાજત પુરી ન કરો કારણ કે તેણે મારી નારાઝગીના માધ્યમો ઉભા કયર્િ છે.’

(કાફી, ભાગ-2, પા. 371)

એટલે ઘણી વખત દોઆ કબુલીયતની સરહદ સુધી પહોંચી જાય છે પરંતુ ગુનાહો તેને અમલી થવાથી રોકી દે છે. સતત એક હાજત માંગી રહ્યા છીએ, રડી રડીને દોઆ માંગી રહ્યા છીએ. તે દોઆની કબુલીયતનો ફેંસલો પણ થઈ ગયો હતો. પરંતુ છેલ્લી ઘડીએ એક ગુનાહ એવો થઈ ગયો કે બધા ઉપર પાણી ફરી ગયુ. મૌલાએ કાએનાત અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) દોઆએ કુમૈલમાં ગુનાહોની અસરો આ રીતે બયાન કરી છે.

જનાબ અલ્લામા ઈબ્ને ફહદે હીલ્લી (અ.ર.) એ પોતાની કિતાબ ‘ઈદ્દતુદાઈ’ પાના નં. 247 ઉપર અમુક ગુનાહોની અસરો આ રીતે બયાન કરી છે:

اَللّٰهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوْبَ الَّتِيْ تَهْتِكُ الْعِصَمَ

اَللّٰهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوْبَ الَّتِيْ تُنْزِلُ النِّقَمَ

اَللّٰهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوْبَ الَّتِيْ تُغَيِّرُ النِّعَمِ‏

 اَللّٰهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوْبَ الَّتِيْ تَحْبِسُ الدُّعَاءَ

اَللّٰهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوْبَ الَّتِيْ تُنْزِلُ الْبَلَاءَ

(દોઆએ કુમૈલ)

એ ગુનાહો જે નેઅમતોની પડતીનું કારણ બને છે: લોકોની મજાક ઉડાવવી.

એ ગુનાહો બદ્અખ્લાકીનું કારણ બને છે: શરાબ પીવી, જુગાર રમવું, વગર કારણે લોકોને હસાવવું, લોકોના ઐબ બયાન કરવા, શંકાશીલ લોકો સાથે બેસવું.

એ ગુનાહો જેના લીધે બલાઓ નાઝીલ થાય છે: ફરિયાદ કરનારની ફરિયાદને ન સાંભળવું, મઝલુમની મદદ ન કરવી, અમ્રબીલ મઅરુફ અને નહ્ય અનીલ મુનકરની વાજીબાતને અદા ન કરવી.

એ ગુનાહો જે દુશ્મનોને તાકતવર બનાવી દે છે: જાહેરમાં ઝુલ્મ કરવો, જાહેરમાં ગુનાહ કરવા, હરામને હલાલ સમજવું, નેક લોકોનો વિરોધ કરવો, ખરાબ લોકોનું કહેવુ માનવું.

એ ગુનાહો જે મૌતને નઝદિક કરી દે છે: કત્એ રહેમ, જુઠી કસમ, જુઠ બોલવું, બદકારી, મુસલમાનોનો રસ્તો રોકવો, ઈમામતનો જુઠો દાવો કરવો.

એ ગુનાહો જેના આધારે વાતાવરણ અંધકારમય થઈ જાય છે: જાદુ, જ્યોતિષશાસ્ત્ર, સીતારાઓ ઉપર ઈમાન લાવવું, અલ્લાહની કદ્રને જુઠલાવવું, આકે વાલેદૈન.

એ ગુનાહો જે પદર્ઓિને ચીરી નાખે છે: પાછું આપવાની નિય્યત વગર કર્ઝ લેવું, ખર્ચ કરવામાં ઈસ્રાફ કરવું, પોતાના બાલ બચ્ચાઓ અને સગાસંબંધીઓ સાથે કંજુસીથી વર્તવું, બદઅખ્લાકી, બેસબ્રી, આળસ, ખરાબ સ્વભાવ, દીનદારોનું અપમાન કરવું.

એ ગુનાહો જેના કારણે દોઆઓ કબુલ નથી થતી: ખરાબ નિય્યત, ખરાબ વિચારધારા, ભાઈઓ સાથે નિફાકથી વર્તવું, દોઆઓ કબુલ થવાનો ભરોસો ન રાખવો, વાજીબ નમાઝો અદા કરવામાં એટલું મોડું કરવું કે તેનો સમય વિતી જાય.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે કિરદારના દામનને વેર વિખેર કરી દે છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જેના કારણે મુસીબતો નાઝીલ થાય છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે નેઅમતો બદલાવાનું અને તેના છીનવાઈ જવાનું કારણ બને છે.

ખુદાયા! તું માફ કરી દે એ ગુનાહોને જે દોઆઓને કબુલ થવાથી રોકી દે છે.

ખુદાયા! બખ્શી દે એ ગુનાહોને જેના કારણે બલાઓ નાઝીલ થાય છે.

શબે અરફાની દોઆ આ રીતે છે:

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે નેઅમતોને બદલી નાખે છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે શરમીંદગીનું કારણ બને છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે બીમારીનું કારણ બને છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે કિરદારના દામનને ચીરી નાખે છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે દોઆઓને પલટાવી દે છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે વરસાદને રોકી  દે છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે મૌતને નઝદિક કરી દે છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે બદબખ્તીઓનું કારણ બને છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે વાતાવરણને અંધકારમય બનાવી દે છે.

ખુદાયા! માફ કરી દે એ ગુનાહોને જે પદર્ઓિને ચીરી નાખે છે.

ખુદાયા! તારા સિવાય તે ગુનાહોને કોઈ માફ નથી કરી શકતું.

(દોઆએ શબે અરફા)

ગુનાહોની અસરો ફકત આટલીજ બાબતો પુરતી સિમિત નથી, જરા આ રિવાયત ઉપર વિચાર કરો.

‘ન તો ગુનાહોમાં ડુબેલા રહો અને ન તો ગુનાહોને હલ્કા સમજો કારણ કે કયારેક તે એટલી હદે બદબખ્તી અને ખિઝલાનનું કારણ બને છે કે ઈન્સાન અલ્લાહના નબી (સ.અ.વ.)ની નબુવ્વત અને તેમના વસીની વિલાયતનો ઈન્કાર કરી દે છે, બલ્કે તેનાથી વધીને તૌહીદના ઈન્કારનું કારણ બને છે.’

(બેહારુલ અન્વાર, ભાગ-73, પા. 360)

કુરઆને કરીમનું ફરમાન છે:

ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِيْنَ أَسَاؤُا السُّوْٓ آٰى‏ أَنْ كَذَّبُوْا بِآيَاتِ اللهِ وَ كَانُوْا بِهَا يَسْتَهْزِئُوْنَ

“ગુનાહો અંજામ આપનારનું પરિણામ એ આવ્યું કે તેઓએ અલ્લાહની નિશાનીઓને જુઠલાવી અને તેની મજાક ઉડાવી.

(સુરએ રુમ (30): 10)

ખુદાવંદે આલમની મહાન આયત અને નિશાની એહલેબૈત (અ.મુ.સ.)ની હક્કાનીયત અને તેમની ઈમામત અને વિલાયત છે. પરંતુ ગુનાહો ઉપર ગુનાહ, ખતાઓ ઉપર ખતા એ મંઝીલ સુધી પહોંચાડી દે છે કે ઈન્સાન તેનો ઈન્કાર કરવા લાગે છે અને આ અલ્લાહની નિશાનીઓનો ઈન્કાર હંમેશાના અઝાબનું કારણ    બને છે.

દોઆની કબુલીયત:

રિવાયતોમાં આવ્યું છે કે અગર દોઆ માંગતા સમયે આંખોમાં આંસુ આવી જાય તો તે દોઆની કબુલ થવાની નિશાની છે. ગુનાહો આંસુઓને સુકવી નાખે છે. રિવાયતમાં છે:

‘જ્યારે દિલ સખ્ત થઈ જાય છે, આંસુ સુકાઈ જાય છે અને દિલ વધારે ગુનાહોના કારણે સખ્ત થઈ જાય છે.’

(તંબીહુલ ખવાતીર, ભાગ-2, પા. 118)

રિવાયતોમાં અમુક ખાસ ગુનાહોની અસરો વર્ણવવામાં આવી છે. તે ગુનાહો જે સજાને નજીક કરી દે છે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

‘ત્રણ ગુનાહો અઝાબને નઝદીક કરી દે છે અને આખેરત સુધીની મોહલત નથી આપતા (1) આકે વાલેદૈન (2) લોકો ઉપર ઝુલ્મ અને અત્યાચાર  (3)  નેઅમતોની નાશુક્રી.’

(મીઝાનુલ હિકમત, ભાગ-4, હ. 1902)

‘એ શખ્સ જેની સાથે કોઈ નેકી કરે અને તે તેની નેકીનો બદલો બુરાઈથી આપે.

એ શખ્સ જેના પર કોઈ ઝુલ્મ ન કરે પરંતુ તે તેના ઉપર ઝુલ્મ કરે.

એ શખ્સ જેની સાથેના વાયદાને કોઈ પુરો કરે પરંતુ તે તેનો વાયદો તોડી નાખે.

એ શખ્સ જેની સાથે કોઈ સીલે રહેમ કરે પરંતુ તે તેની સાથે કત્એ રહેમ કરે.’

(મીઝાનુલ હિકમત, ભાગ-4, હ. નં. 1903)

‘બગાવત, કત્એ રહેમ અને જુઠી કસમ. આ ગુનાહોની સજા ખુબજ જલ્દી મળે છે.’

(મીઝાનુલ હિકમત, ભાગ-4, હ. નં. 1903)

કયારેક એવું બને છે કે આપણે અમુક ગુનાહોને હલ્કા ગણીએ છીએ. હઝરત ઈમામ બાકીર (અ.સ.) ફરમાવે છે:

‘ગુનાહોને હલ્કા ગણવાથી બચો કારણ કે તેના વિષે સવાલ કરવામાં આવશે.’

(મીઝાનુલ હિકમત, ભાગ-4, પા. 1892)

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ એક એવા મયદાનમાં રોકાયા જ્યાં વનસ્પતિ ન હતી. આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જેને જે મળે તે વિણીને લઈ આવો. લોકો શોધવા લાગ્યા. જોત જોતમાં ઘણી સુકી લાકડીઓ ભેગી થઈ ગઈ. આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘ગુનાહ પણ આ જ રીતે છે.’

(કાફી, ભાગ-2, પા. 288)

જે ગુનાહને ઈન્સાન હલ્કો ગણે છે, ન તો તેના ઉપર શરમીંદા થાય છે અને ન તેના માટે ઈસ્તીગ્ફાર કરે છે તો ધીરે ધીરે આ જાતના ગુનાહો ભેગા થતા થતા એક પહાડ બની જાય છે. ત્યારે આ ગુનાહોનો પહાડ સામે આવે છે જ્યારે ઈસ્તીગ્ફારનો સમય વીતી ગયો હોય છે. હવે ગુનાહો હોય છે અને પસ્તાવાનો અવકાશ નથી હોતો. હવે ફકત અઝાબ હોય છે જેને સહન કરવો સહેલો નથી.

ગુનાહોને હલ્કા સમજવા:

હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે:

‘ખુદાની નઝદીક તે ગુનાહ મોટો ગુનાહ છે, જેને અંજામ આપનાર તેને નાનો ગુનાહ સમજે.’

(ગોરરુલ હિકમ, હ. 3941)

આપ (અ.સ.) એ આ રીતે પણ ઈરશાદ ફરમાવ્યું:

‘મુસલમાનનો નાહક માલ લઈ લેવો એક મોટો ગુનાહ છે.’

(તોહફુલ ઓકુલ, પા. 316)

‘પોતાના  અય્બોથી  અજાણ  રહેવું  પણ  એક  મોટો ગુનાહ છે.’

(બેહારુલ અન્વાર, ભાગ-78, પા. 91)

હઝરત ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે:

‘ગુનાહો અંજામ આપીને ખુશ ન થાવ, ગુનાહ ઉપર ખુશ થવું એ ગુનાહ અંજામ આપવા કરતા વધારે ખરાબ છે.’

(બેહારુલ અન્વાર, ભાગ-78, પા. 10)

માલ મેળવવો, દૌલત ભેગી કરવી એ કમાલ નથી. બલ્કે હલાલ અને જાએઝ તરીકાથી માલ કમાવવો એ કમાલ છે. હોશીયાર તે નથી કે જે છળકપટ અને બહાનાઓથી બીજાઓનો માલ લઈ લે, બલ્કે હોશીયાર એ છે કે જેની ગરદન ઉપર બીજાનો હક અને માલ ન હોય.

ઈમામ (અ.સ.)ની મુલાકાતથી વંચિત રેહવુ:

આપણને કયારેય એ એહસાસ થાય છે કે આપણા ઝમાનાના ઈમામ (અ.સ.) જે આપણા માટે બાપથી વધારે શફીક અને માં થી વધારે મહેરબાન હોવા છતાં તેમની બારગાહમાં આપણને હાજર થવાની તૌફીક કેમ નથી મળતી? એક બુઝુર્ગે આના વિષે આ રીતે બયાન કર્યું છે:

‘તમારે ઈમામ (અ.સ.)નો ઈન્તેઝાર કરવો જોઈએ. તમે તમારા ઘરે એક બુઝુર્ગને દઅવત આપી હોય, તેમના આવવામાં મોડું થયું હોય, તમે બેચૈન થઈ જાવ છો. કયારેક દરવાજા સુધી જાવ છો, કયારેક સહેનમાં આવી જાવ છો, આટા મારવા લાગો છો, ફોન કરીને પુછતાછ કરો છો. કોઈને ખબર લેવા મોકલો છો, પોતાના ફરઝંદ અથવા નોકરને કહો છો: જાવ જઈને જોવો તો તેઓ કયાં રહી ગયા? આને કહે છે ઈન્તેઝાર. ઘરને સાફ કરો છો, ઝાડું મારો છો, ધોવો છો, સેવા કરવાની વ્યવસ્થા કરો છો, ખાવાનું તૈયાર કરાવો છો, મીઠાઈ લાવો છો. તેમ છતાં અગર તેમના આવવામાં મોડું થાય છે તો તમે બેચૈન થઈ જાવ છો, પરેશાન થઈ જાવ છો. શું ઈમામે ઝમાના (અ.સ.) માટે આવી કોઈ કયફીયત આપણામાં જોવા મળે છે?

ઈમામે ઝમાના (અ.સ.)ની ખિદમતમાં હાજર થવા માટે આપણે આપણી જાતને કેટલી પાક કરી? દરેક ગંદા અને નજીસની પહોંચ ઈમામ સુધી નહિ હોય. તે શખ્સ જે માથાથી લઈને પગ સુધી ગંદકીથી ભરેલો, નજીસ અને અપવિત્ર હોય તેને બાદશાહના દરબારમાં જવા દેવામાં નહીં આવે. તેને દરબારમાં જવાની પરવાનગી નથી આપવામાં આવતી. અગર તેણે મુલાકાત કરવી છે તો તેને પહેલે પાક સાફ કરવામાં આવે છે, નવડાવે છે, ધોવડાવે છે, પાક-સાફ કપડા પહેરાવે છે, ખુશ્બુ અને અતર લગાવે છે. પછી દરબાર સુઘી પહોંચવા દે છે. જે ખરાબ છે, ગંદા છે, બદબુદાર છે તો તેને શાહની ગુલામી અને નોકરીનો શરફ નથી મળતો.

શું આપણે આ નજીસ દિલ, નાપાક રુહ, ગુનેહગાર દિલ, દુનિયાની મોહબ્બતમાં ડુબેલા વિચારો સાથે એ લાયક છીએ કે મઅસુમ અને પાકીઝા ઈમામે અસ્ર (અ.સ.)ની પાકીઝા અને નૂરાની બારગાહમાં હાજર થઈ શકીએ? ગીબત કરીએ છીએ, જુઠ બોલીએ છીએ, તોહમત લગાવીએ છીએ, નામહેરમને જોઈએ છીએ, વ્યાજ ખાઈએ છીએ, પોતાના નોકરો અને કમઝોરો ઉપર ઝુલ્મ કરીએ છીએ, બળજબરી કરીએ છીએ, લોકોના હક્કોને પાયમાલ કરીએ છીએ, બાલ બચ્ચાઓના હક્ક, અવલાદના હક, સગાસંબંધીઓના હક્ક, પાડોશીઓના હક્ક… બધા હક્કો પ્રત્યે બેદરકારી દાખવીએ છીએ. બધા હક્કોને પાયમાલ કરીએ છીએ. માથાથી લઈને પગ સુધી બુરાઈઓમાં ડુબેલા છીએ. શું આનાથી વધીને કોઈ નજાસત, ગંદકી અને અપવિત્રતા છે? તે શખ્સ જે ગંદા નાળામાં પડી ગયો હોય તેની ગંદકી અને નજાસત રુહની ગંદકી અને નજાસતથી ઘણી ઓછી છે. નાળામાં પડેલા શખ્સની ગંદકી નહાવા-ધોવાથી દૂર થઈ જશે પરંતુ રુહની નજાસત મઆઝલ્લાહ… દિલની નજાસત અલ્અયાઝો બિલ્લાહ… વિચારોની નજાસત અલ્લાહની પનાહ… શું આ નજાસતો અને ગંદકીઓની સાથે ઈમામે અસ્ર (અ.સ.)ની બારગાહમાં હાજરી અને તેમની ખિદમતમાં પહોંચવાને આપણે લાયક છીએ? ઈમામ (અ.સ.) તે લોકો સાથે મુલાકાત કરે છે અને તેને પોતાની ઝિયારત કરાવે છે જેઓ પાક હોય છે.

મોહબ્બતની એક નિશાની મહેબુબના રંગમાં રંગાઈ જવું છે. અગર આપણે ઈમામે ઝમાના (અ.સ.)ને ચાહતા હોઈએ, તેમને પ્રિય ગણતા હોઈએ તો કેટલી હદે તેમનાથી મુશાબેહત રાખીએ છીએ. કેટલી હદે તેમના નકશે કદમ પર ચાલીએ છીએ? ઈમામ (અ.સ.) રાત્રીના બેદાર હોય છે, નમાઝે શબ પઢે છે, ઈબાદત કરે છે, કુરઆને કરીમની તિલાવત કરે છે, તેઓ આખુ વર્ષ રાત્રીના ઈબાદત કરે છે અને આપણે…? તેઓ નમાઝ અવ્વલ સમયે અદા કરે છે. ઈમામ (અ.સ.) ગીબત પસંદ નથી કરતા, જૂઠ પસંદ નથી કરતા, નાજાએઝ માલનો ઉપયોગ પસંદ નથી કરતા, નામહેરમ ઉપર નજર કરવી પસંદ નથી નાખતા, લોકોના માલમાં ખયાનત પસંદ નથી કરતા. લોકો ઉપર ઝુલ્મ, અત્યાચાર અને બળજબરી પસંદ નથી કરતા અને આપણે…? શું આમ છતાં આપણે એ આશા રાખી શકીએ કે ઈમામે અસ્ર (અ.સ.)ની પવિત્ર બારગાહમાં આપણી પહોંચ શકય છે.

જેને પણ હઝરત વલીએ અસ્ર (અ.સ.)ની ખિદમત, ગુલામી અને નોકરીની તમન્ના હોય છે. તેની એ જવાબદારી છે કે પોતાને ગુનાહોથી પાક કરે. શરીરથી વધારે દિલ, રુહ અને વિચારોને પાક સાફ કરે, આજ નફસની તરબીયત એ સાચો ઈન્તેઝાર છે. તે જ સાચા અર્થમાં ઈન્તેઝાર કરી રહ્યો છે જે પોતાના નફસ અને કિરદારની તથા અખ્લાકની સુધારણા કરી રહ્યો હોય. તેથી ગુનાહ અંજામ આપવા અને ઈન્તેઝાર વચ્ચે કોઈ સંબંધ નથી.

હવે ગુનાહો તો થઈ ગયા છે, આપણું નામએ આમાલ ગુનાહોથી ભરેલું છે. હવે શું કરીએ? તેની ભરપાઈ શું છે? તેનો ઈલાજ શું છે? કયામતના મયદાનમાં બધાની સામે આપણા બધા આમાલોને રજુ કરવામાં આવશે. શરમીંદગી થશે, પસ્તાવો થશે, ઝિલ્લત અને અપમાનનો સામનો થશે. શું આ ઝિલ્લત અને અપમાનથી બચવાનો કોઈ રસ્તો છે? શરમીંદગી અને પસ્તાવાથી નજાતનો કોઈ રસ્તો છે?

જી હાં. છે અને તે ખુબજ વિશાળ અને સરળ રસ્તો છે. હલાક કરનાર બીમારીનો ખુબજ સરળ ઈલાજ છે અને સો ટકા સફળ ઈલાજ છે અને તે છે ‘તૌબા’ અને ‘ઈસ્તીગ્ફાર’.

તૌબા:

તૌબા એટલે રુજુઅ કરવું, પાછું આવવું, ગુનાહોથી ઈતાઅત તરફ પલટવું, નાફરમાની અને સરકશીથી ફરમાબરદારી તરફ પાછું આવવું. જે હદ્દોને ઓળંગી છે તે હદ્દોની અંદર પાછા ફરવું. અલ્લાહની બારગાહથી દૂરીથી તેની નઝદિકી તરફ પાછા આવવું અને એ રીતે પાછું આવવું કે જે કંઈ થઈ ગયું છે તેના ઉપર દિલના ઉંડાણથી શરમીંદા થવું અને હવે પછી તે ન કરવાનો પાક્કો અને અટલ નિધર્રિ કરવો. કરી ચુકેલા ગુનાહો પર ખરેખર શરમીંદા થવું, પસ્તાવું એ ‘તૌબા’ છે અને ભવિષ્યમાં તે કામ ન કરવાનો મક્કમ ઈરાદો ‘તકવા’ છે. ખુદાવંદે આલમ બન્નેને ખુબજ ચાહે છે, ખુબજ દોસ્ત રાખે છે અને તૌબા કરવાવાળાને પણ ચાહે છે અને તકવા ઈખ્તેયાર કરનારને પણ દોસ્ત રાખે છે. તૌબા ફકત શરમીંદગી નથી એટલે કે શરમીંદા થવું પુરતું નથી. ગુનાહો પ્રમાણે તૌબાના તકાઝાઓ છે.

જેમકે વાજીબને છોડી દીધું છે, હરામ કામ અંજામ આપ્યું છે, બીજાનો હક્ક છીનવી લીધો છે.

વાજીબાતને તર્ક કરી છે: નમાઝ નથી પઢી, રોઝા નથી રાખ્યા, હજ્જ નથી કરી, ખુમ્સ અદા નથી કર્યું, પત્નિની ખાધાખોરાકી નથી આપી…

આ રીતના ગુનાહોમાં અંજામ આપેલા ગુનાહોની શરમીંદગીની સાથે સાથે તેની અદાયગી પણ જરુરી છે. ફકત શરમીંદગી કાફી નથી. જેટલી નમાઝો અને રોઝા કઝા થયા છે બધાને શરઈ રીતે અદા કરવા જરુરી છે. જે ખુમ્સ આપણી ઉપર વાજીબ છે, તેને પુરેપુરુ અદા કરવું જરુરી છે. હજ્જ કરવી પડશે. જેટલા દિવસ પત્નિની ખાધાખોરાકી નથી આપી તેને અદા કરવી પડશે…

હરામ કામ અંજામ આપ્યું છે: ગીબત કરી છે, જૂઠ બોલ્યું છે, નામહેરમ ઉપર નઝર નાખી છે, દાઢી મુંડી છે, નજીસ ખોરાક ખાધો છે, હરામ દ્રશ્યો જોયા છે… અહી તૌબાની રીત એ છે કે અંજામ આપેલા ગુનાહ બદલ અલ્લાહની બારગાહમાં ખરેખર શરમીંદા થવું અને હવે પછી તે અમલ અંજામ ન આપવાનો મક્કમ નિધર્રિ કરવો. હવે પછી તે ગુનાહ અંજામ ન આપવા એ પહેલા અંજામ આપેલા ગુનાહોનો કફફારો છે.

બીજાઓનો હક્ક લઈ લીધો છે: અહી અંજામ આપેલા ગુનાહો પર શરમીંદગી અને ભવિષ્યમાં તે અમલ અંજામ ન આપવાના મક્કમ નિધર્રિ ઉપરાંત જેનો હક્ક લઈ લીધો છે તેની માફી માંગવી પણ જરુરી છે. અગર જમીન લઈ લીધી છે તો પરત આપવી, પૈસા લઈ લીધા છે તો તે પાછા આપવા, તોહમત લગાવી છે તો તેની બેગુનાહીનો ઈકરાર કરવો તથા જરુર પડયે તેનું એલાન કરવું. અગર જમીન અને મિલ્કત ઉપર નાજાએઝ કબ્જો કરી લીધો છે, તો તેને પરત આપવું અથવા તો તે જમીન અથવા મિલ્કતના માલીક પાસેથી તે મિલ્કતને તેની મરજી મુજબ ખરીદવી… ચોરીનો માલ તેના માલીકને પરત આપવો, લોકોના હક્કો બાબતે ફકત શરમીંદગી તૌબા કાફી નથી, બલ્કે હકદારના હક્કને પાછો આપવો અને તેમને રાઝી કરવા પણ જરુરી છે.

જે ખુદાએ ગુનાહો અંજામ આપવા બદલ સખ્ત અઝાબનું વર્ણન કર્યું છે, વિવિધ દર્દનાક અને ઈબરત મળે તેવા અઝાબનું વર્ણન કર્યું છે તે જ ખુદાએ પોતાના રહેમ અને કરમથી ગુનેહગારો માટે ‘તૌબા’નો દરવાજો ખોલી દીધો છે અને તેમને ઈઝઝતો ઈકરામથી પણ નવાઝયા છે. નીચે ટુંકમાં અમુક આયતો અને હદીસો વર્ણવીએ છીએ.

إِنَّ اللهَ يُحِبُّ التَّوَّابِيْنَ وَ يُحِبُّ الْمُتَطَهِّرِيْنَ

“બેશક અલ્લાહ તૌબા કરનારને ચાહે છે અને પાકો પાકીઝા રહેનારને ચાહે છે.

(સુરએ બકરહ (2): 222)

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

اَلتَّائِبُ حَبِيْبُ اللهِ، وَ التَّائِبُ مِنَ الذَّنْبِ كَمَنْ لَا ذَنْبَ لَهٗ‏

‘તૌબા કરવાવાળો અલ્લાહનો મહેબુબ છે અને ગુનાહોથી તૌબા કરવાવાળો એવો છે, જાણે કે તેણે કોઈ ગુનાહ અંજામ જ નથી આપ્યા. તૌબા કરવાવાળો બેગુનાહ જેવો છે.’

(જામેઉસ્સઆદાત, ભાગ-3, પા. 65)

ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે:

‘ખુદાવંદે આલમ તૌબા કરવાવાળાથી એટલો વધારે ખુશ થાય છે અને તેને એટલો ચાહે છે, જેવી રીતે એક શખ્સ કે જેનો માલ અથવા સવારી અંધારી રાતમાં ખોવાઈ ગઈ હોય અને તે પાછું મળી જાય. જેટલી ખુશી તે શખ્સને પોતાનો માલ અને સવારી પાછી મળવા ઉપર થાય છે, તેના કરતા અનેક ગણી વધારે ખુશી અલ્લાહને તે બંદાથી થાય છે, જે બંદો તેની બારગાહમાં તૌબા કરે છે.’

(ઉપરોકત સંદર્ભ)

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘જ્યારે બંદો અલ્લાહની બારગાહમાં સાચા દિલથી તૌબા કરે છે તો અલ્લાહ તેને ચાહે છે અને તેના ઉપર પર્દો નાખી દે છે. પુછવામાં આવ્યું: કેવી રીતે પર્દો નાખી દે છે? ફરમાવ્યું: જે બે ફરીશ્તાઓએ તેના ગુનાહો લખ્યા છે તે તેમના રજીસ્ટરમાંથી ભુંસી નાખે છે. તેના અંગો તથા જમીનને હુકમ આપે છે કે તેના ગુનાહોને છુપાવો.’

(ઉપરોકત સંદર્ભ)

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘ખુદાવંદે આલમ તૌબા કરવાવાળાને ત્રણ એવી ખુસુસીયતો અતા કરે છે કે અગર તે બધા જમીન અને આસમાનના રહેવાસીઓને અતા કરત તો બધે બધા નજાત પામી જાત.’

1)

 إِنَّ اللهَ يُحِبُّ التَّوَّابِيْنَ وَ يُحِبُّ الْمُتَطَهِّرِيْنَ

“બેશક અલ્લાહ તૌબા કરનારને ચાહે છે અને પાક રહેવાવાળાને ચાહે છે.

(સુરએ બકરહ (2): 222)

2)

الَّذينَ يَحْمِلُونَ الْعَرْشَ وَ مَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَ يُؤْمِنُونَ بِهِ وَ يَسْتَغْفِرُونَ لِلَّذينَ آمَنُوا رَبَّنا وَسِعْتَ كُلَّ شَيْ‏ءٍ رَحْمَةً وَ عِلْماً فَاغْفِرْ لِلَّذينَ تابُوا وَ اتَّبَعُوا سَبيلَكَ وَ قِهِمْ عَذابَ الْجَحيمِ

رَبَّنا وَ أَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتي‏ وَعَدْتَهُمْ وَ مَنْ صَلَحَ مِنْ آبائِهِمْ وَ أَزْواجِهِمْ وَ ذُرِّيَّاتِهِمْ إِنَّكَ أَنْتَ الْعَزيزُ الْحَكيمُ

وَ قِهِمُ السَّيِّئاتِ وَ مَنْ تَقِ السَّيِّئاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ وَ ذلِكَ هُوَ الْفَوْزُ الْعَظيمُ

“તે ફરિશ્તાઓ અલ્લાહના અઝીમ અર્શને પોતાના ખંભા ઉપર ઉપાડેલ છે અને તે ફરિશ્તાઓ જેઓ તેમની સાથે છે તેઓ અલ્લાહની તસ્બીહ અને હમ્દમાં મશ્ગુલ છે તેઓ ખુદા ઉપર ઈમાન રાખે છે અને મોઅમીન માટે ઈસ્તીગ્ફાર કરે છે. ખુદાયા! તારા ઈલ્મ અને રહેમે તે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે. તારા ફઝલો કરમથી એ લોકોને માફ કરી દે, જેઓ તૌબા કરી રહ્યા છે અને જે તારા રસ્તા ઉપર ચાલી રહ્યા છે, તે લોકોને કે જેઓ જહન્નમના અઝાબથી અમાનમાં છે.

પરવરદિગાર! તે લોકોને આ જન્નતે અદ્નમાં દાખલ કરી દે જેનો તે વાયદો કર્યો છે અને તેમની સાથોસાથ તેમના નેક મા-બાપને, તેમની પત્નિઓને તથા તેમની આલને પણ. બેશક તું ઈઝઝત અને હિકમતવાળો છો.

ખુદાયા! તે મોઅમીનોને ગુનાહ કરવાથી સુરક્ષિત રાખ અને જેને તે ગુનાહ અંજામ આપવાથી બચાવી લીધા છે તેના ઉપર તારી મોટી રહેમત છે, મોટો કરમ છે અને આ ખુબજ મોટી કામ્યાબી છે.’

(સુરએ મોઅમીન (40): 7-9)

3)

وَ الَّذينَ لَا يَدْعُوْنَ مَعَ اللَّهِ إِلهاً آخَرَ وَ لَا يَقْتُلُوْنَ النَّفْسَ الَّتي‏ حَرَّمَ اللَّهُ إِلاَّ بِالْحَقِّ وَ لَا يَزْنُوْنَ وَ مَنْ يَفْعَلْ ذلِكَ يَلْقَ أَثَاماً

يُضاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَ يَخْلُدْ فِيْهِ مُهَانًا

إِلاَّ مَنْ تَابَ وَ آمَنَ وَ عَمِلَ عَمَلاً صَالِحاً فَأُوْلٰئِكَ يُبَدِّلُ اللهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ وَ كَانَ اللهُ غَفُوْرًا رَحِيْمًا

“અને તેઓ અલ્લાહની સાથે બીજા કોઈને પોકારતા નથી અને કોઈ મોહતરમ શખ્સને નાહક કત્લ નથી કરતા અને બદકારી નથી કરતા જે આ કામ (ગુનાહો) કરશે ચોક્કસ તેને સજા મળશે.

કયામતમાં તેનો અઝાબ બમણો કરી દેવામાં આવશે અને તે હંમેશને માટે ઝલીલ થઈને તેમાંજ રહેશે.

સિવાય તેઓ કે જેણે તૌબા કરી અને ઈમાન લઈ આવ્યા અને નેક આમાલ અંજામ આપ્યા છે, આ તે લોકો છે જેમનાં ગુનાહોને અલ્લાહ નેકીમાં બદલી નાખશે અને અલ્લાહ મોટો માફ કરનાર અને મહેરબાન છે.

(સુરએ ફુરકાન (25): 68-70)

આ આયતોને ધ્યાનપૂર્વક વારંવાર તિલાવત કરો અને જુઓ કે ખુદાવંદે આલમ પોતાના ગુનેહગાર બંદાઓના હક્કમાં કેટલી હદે મહેરબાન છે અને કેટલી હદે તેમને ચાહે છે અને દોસ્ત રાખે છે.

શું આ મોહબ્બત અને ઈઝઝત છતાં ઈન્સાને તૌબા કરવામાં ઢીલ કરવી જોઈએ?

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

‘જે મૌતના એક વર્ષ પહેલા તૌબા કરે તો તેની તૌબા કબુલ છે.’

તો લોકોએ કહ્યું કે: વધારે છે.

પછી આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘જે મૌતથી એક મહીના પહેલા તૌબા કરે તો તેની તૌબા કબુલ છે.’

તો લોકોએ કહ્યું કે: એક મહીનો પણ વધારે છે.

પછી આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જે મૌતથી એક જુમ્આ પહેલા તૌબા કરે તેની તૌબા કબુલ છે.

તો લોકોએ કહ્યું: એક જુમ્આ (અઠવાડીયું) પણ   વધારે છે.

પછી આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જે મૌતના એક દિવસ પહેલા તૌબા કરે તો તેની તૌબા કબુલ છે.

તો લોકોએ કહ્યું: એક દિવસ પણ વધારે છે.

પછી આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જે મલેકુલ મૌતને જોવા પહેલા તૌબા કરે તો તેની તૌબા કબુલ છે.

(જામેઉસ્સઆદાત, ભાગ-3, પા. 67)

જનાબે આદમ (અ.સ.) એ અલ્લાહની બારગાહમાં ફરમાવ્યું:

‘ખુદાયા! તે શયતાનને અમારી ઉપર સત્ત્ાા આપી છે અને તે અમારા લોહીમાં દોડે છે. ખુદાયા! તું મને પણ કંઈક અતા કર.

ખુદાવંદે આલમે ફરમાવ્યું: અય આદમ (અ.સ.)! મેં તમારા માટે એ વસ્તુ નક્કી કરી છે કે તમારી અવલાદમાંથી જે ગુનાહનો ઈરાદો કરશે તેના ગુનાહ લખવામાં નહિ આવે. જ્યારે તે ગુનાહ અંજામ આપશે તો એક જ ગુનાહ લખવામાં આવશે અને જ્યારે કોઈ નેકીનો ઈરાદો કરશે તો તેના બદલ એક નેકી લખી નાખવામાં આવશે અને જ્યારે તે નેકી અંજામ આપશે તો દસ નેકીઓ લખવામાં આવશે અને જે ગુનાહ કર્યા તૌબા કરી લેશે તો તેની તૌબા કબુલ કરવામાં આવશે.

આદમ (અ.સ.) એ ફરમાવ્યું: ખુદાયા! આમાં કંઈક વધારો કર.

ખુદાવંદે આલમ એ ફરમાવ્યું: મેં તેઓ માટે તૌબા કરાર દીધી છે અને ત્યાં સુધી તૌબાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે જ્યાં સુધી જીવ ગળા સુધી ન આવી જાય.

આદમ (અ.સ.) એ ફરમાવ્યું: ખુદાયા! આટલું    પુરતું છે.

(ઉપરોકત સંદર્ભ, પા. 67-68)

ઈમામ (અ.સ.) ફરમાવે છે:

‘જે શખ્સ દિવસ રાત 40 ગુનાહે કબીરા અંજામ આપે છે અગર તે શરમીંદગી અને પસ્તાવા સાથે આ રીતે ઈસ્તીગ્ફાર કરે તો ખુદાવંદ તેના ગુનાહોને માફ કરી દેશે.’

તે ઈસ્તીગ્ફાર આ છે.

أَسْتَغْفِرُ اللهَ الَّذِي‏ لَا إِلٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ بَدِيْعُ السَّمَاوَاتِ وَ الْأَرْضِ ذُوْ الْجَلالِ وَ الْإِكْرَامِ‏ وَ أَسْأَلُهٗ أَنْ يُصَلِّيَ عَلَى مُحَمَّدٍ وَ آلِ‏ مُحَمَّدٍ وَ أَنْ‏ يَتُوْبَ‏ عَلَيَّ‏

‘અગર કોઈ શખ્સ એક દિવસમાં 40 થી વધારે ગુનાહો અંજામ આપે તો તેમાં કોઈ ખૈર નથી.’

(ઉપરોકત સંદર્ભ)

ખુદાવંદે આલમ તે લોકોને કબુલ કરે છે અને તેમને નઝદીકી અને મંઝેલત અતા કરે છે જેના દિલ પાક-સાફ હોય છે. ખુદા સાફ અને પાક દિલને પસંદ કરે છે અને નઝદીકી આપે છે. કયામતમાં નેઅમતોથી માલામાલ કરે છે. અઝમતો અને દરજ્જાઓ અતા   કરે છે.

જ્યારે અલ્લાહે આ દિલ પૈદા કર્યું હતું ત્યારે સાફ અને પાકો પાકીઝા હતું. ગુનાહોએ તેને દાગદાર અને કાળુ બનાવી દીધું. નુરાની દિલને અંધકારમય બનાવી દીધું છે.

તૌબા તે ડાઘાઓને ધબ્બાઓને પાક સાફ કરવાનું નામ છે. નેકીઓના નૂરની સાથે ગુનાહોનું અંધારુ બાકી નથી રહેતું. સુરજના પ્રકાશમાં રાતનું અંધારુ દૂર થઈ જાય છે. ગંદકી પાણી અને સાબુથી દૂર થઈ જાય છે.

ખરેખર અગર સાચા દિલથી, પાક્કા ઈરાદા સાથે તૌબા કરવામાં આવે તો દિલ ફરીથી નૂરાની થઈ જશે. ખુદા અને રસુલ (સ.અ.વ.)થી દૂરી નઝદીકીમાં બદલાઈ જશે.

ખુદાવંદે આલમ આપણને બધાને મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના સદકામાં ગુનાહોથી દૂર રહેવાની અને તૌબા તથા ઈસ્તીગ્ફાર કરવાની અને તેના ઉપર સાબીત કદમ રહેવાની એવી તૌફીક અતા કરે જે આપણા ઈમામ, આકા, વલી, સરદાર, મહેરબાન ઈમામે ઝમાના (અ.સ.)ની ખુશ્નુદીનું કારણ બને અને તૌબા પછી તેમના ગુલામોમાં શામીલ થવાનો શરફ મળે. આમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.