વિલાયતના સંરક્ષકો

Print Friendly, PDF & Email

આલીમોની ટીકા કરવી તે લોકોનો સૌથી વધુ રસપ્રદ વિષય છે. જ્યારે આ વાત છેડાઇ જાય છે ત્યારે દરેક કાંઇને કાંઇ કહેવા માગતા હોય છે. દરેકની પાસે બે ચાર પ્રસંગો ચોક્કસ હોય છે. અમૂક લોકો તો આ પ્રકારની ટીકાને પોતાનો હક સમજે છે. અને તેમાં ડહાપણ ગણે છે. તે કદાચ એ હકીકત નથી જાણતા કે દુનિયામાં (નબીઓ, ઇમામો, અલ્લાહના પ્રતિનિધિઓ સિવાય) કોઇ એક ક્ષેત્ર એવું નથી જેમાં દરેક પ્રકારની વ્યક્તિ ન હોય. વેપારી, કારીગર, મજુર, એન્જિનીયર, ડોક્ટર, વકીલ, શિક્ષક, વિદ્યાર્થી …… ના દરેક ક્ષેત્રમાં દરેક પ્રકારની વ્યક્તિઓ જોવા મળે છે : સારી, ઘણી સારી, ખરાબ, ઘણી ખરાબ, બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ આવે છે. અસલ અને નકલ બન્ને. તેનો ઉકેલ ટીકા કરવાથી નહિ આવે, પરંતુ ચકાસણી કરવાથી આવશે. જેથી અસલ અને નકલનો ભેદ જાણી શકાય. આપણે દુનિયામાંથી તાત્કાલીક આ બધી વસ્તુઓનો નાશ ન કરી શકીએ. તેથી પોતાને બનાવટથી સુરક્ષિત રાખવા માટે આપણી ‘તુલ્નાત્મક દ્રષ્ટિ’ હોવી જરૂરી છે. તપાસ રાખવી. કસોટી પોતાની સાથે રાખવી જેથી છેતરાઇ ન જવાય.
જ્યારે ઇસ્લામના ઇતિહાસ ઉપર નજર કરીએ છીએ ત્યારે ચમકતું મોઢું અને નુરાની કપાળવાળા આલીમો નજરે પડે છે, જેમના માથા ઉપર અહલેબયત (અ.સ.) ની ઇમામત અને વિલાયતની ખીદમતનો સોનેરી તાજ ચમકી રહ્યો હોય છે. જેની હાજરીથી જીવન કુરબાન કરવાની ઇચ્છા થઇ આવે છે. જો આજે આ મજબૂત મનોબળવાળા રક્ષકો ન હોત તો કેટલાય લોકો દીને હકથી ફરી ગયા હોત.
હઝરત ઇમામ અલી નકી (અ.સ.) એ આ પ્રકારના આલીમોના બારામાં કહ્યું :
“જો અમારા કાએમની ગયબતમાં પછી એવા આલીમો ન હોતે જે લોકોને ઇમામની તરફ દાવત દેતે અને તેમના તરફ માર્ગદર્શન આપતે, ખુદાએ આપેલી સચોટ દલીલોથી તેના દીનનું રક્ષણ ન કરતે, ખુદાના નિર્બળ અને વૃદ્ધ બંદાઓને શયતાનની જાળમાંથી મૂક્તિ ન અપાવતે, વિદ્રોહીઓ અને દુશ્મનોની બુરાઇથી આઝાદ ન કરાવતે, તો યકીનથી બધા લોકો ખુદાના દીનથી બહાર ફેંકાઇ જતે. અને મુરતદ (ઇસ્લામમાંથી દૂર) થઇ જતે. પરંતુ આ એજ લોકો છે જે અશક્તિમાન શીયાઓને એ રીતે સંભાળી રહ્યા છે જેવી રીતે ખલાસી હોડીને સંભાળી રાખે છે. આ જ લોકો ખુદાની નજદિક વધુ સન્માન ધરાવે છે.
(બેહારૂલ અન્વાર, 2/6, હ. 12)
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી બલ્કે વધારે સાચું એ છે કે જ્યારથી લોકોને ખાત્રી થઇ ગઇ કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની પછી ઇમામત અને ઉમ્મતની રહેબરી માટે ખુદાવન્દે આલમે અહલેબયત (અ.સ.)ને ચૂંટ્યા છે અને આ સ્થાન માટે બાકીની ઉમ્મતનો કોઇ હક નથી, તે સમયથી જ લોકો એ ફીકરમાં પડી ગયા કે કેવી રીતે લોકોને તેમનાથી અલગ કરવામાં આવે અને સીધા માર્ગથી દૂર કરવામાં આવે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ના જીવનમાં આ બધી વાતો મોટા ભાગના લોકોના ધ્યાનમાં હતી. પરંતુ આ વિચારો મગજમાંથી નીકળીને જીભ અને અમલ સુધી આવતા ન હતા. તેમ છતાં આપના મૃત્યુ પછી આ બધી હકીકતો ઉપર વિચાર કરવામાં આવે તો આ બાબત સહેલાઇથી સમજાઇ જશે. આ સમગ્ર કાર્યવાહી આકસ્મિક ઘટના ન હતી. તે તો માત્ર બુદ્ધિપૂર્વકનું ષડયંત્ર હતું. પરંતુ તેનો ઢાંક પીછોડો કરવા માટે તેને આકસ્મિક ઘટનામાં ખપાવવામાં આવી હતી.
મઅસુમોના જીવન દરમ્યાન લોકોમાં આ પ્રકારની શંકાઓ ફેલાતી રહી અને દરેક જમાનામાં દોસ્તો અને આલીમો હતા જે આ શંકાઓનો જડબા તોડ સામનો કરતા રહ્યા અને સચ્ચાઇના ચાહકોને સીધા માર્ગનું શિક્ષણ આપતા રહ્યા. જેમાં જનાબ સલમાન, અબુઝર, અમ્માર, મીસમે તમ્માર, રશીદ હુજરી, હુજ્ર બીન અદી, ઝોરારહ, મોમીને તાક, હેશામ બીન હકમ, ફઝલ બીન શાઝાન…… વિગેરે સૂર્યની જેમ ઝળહળતા અને પ્રકાશિત છે.
હિજરી 260માં જ્યારે હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની શહાદત થઇ અને હઝરત ઇમામ અસ્ર (અ.સ.) ની ગયબતની શરૂઆત થઇ ત્યારે દુનિયાએ કદર ન કરવાના કારણે ઇમામતનો સૂર્ય ખુદાના હુકમથી ગયબતના વાદળ પાછળ ચાલ્યો ગયો. તે સમયે આ લોકોને વધુ ફુલવા ફાલવાની તક મળી ગઇ. તે લોકો માનતા હતા કે છેલ્લા ઇમામ (અ.સ.) ના ગયબતમાં ચાલ્યા જવાથી તેઓને મોકળું મેદાન મળી જશે. હવે શીયાઓ માટે ઇલ્મનું આરક્ષણ નહિ રહે. તેઓનો સંપર્ક ઇલ્મ અને મઅરેફતથી કપાઇ જશે.
ઇમામ (અ.સ.) ના ગયબતમાં ચાલ્યા જવાથી તેમનો લોકો સાથેનો સંપર્ક કપાઇ જતો નથી. માત્ર માર્ગદર્શનની અને દોરવણીની પદ્ધતિ બદલાઇ જાય છે. તે માટે ગયબત, હાજરી અને ઝુહુરનો તફાવત તે લોકો માટે છે જે બધી મર્યાદાઓ અને કાયદાઓમાં સપડાએલાં છે. પરંતુ એ હસ્તી કે જે જમાના ઉપર નિયંત્રણ ધરાવવી હોય, જેની સામે આખું જગત હાથની હથેળીથી વધુ સ્પષ્ટ હોય તેના ગયબત અને હાજરીમાં શું તફાવત હોય શકે? ઇલ્મનું ઝરણું હંમેશા વહી રહ્યું છે તેનો લાભ ઉઠાવનારાઓની શક્તિ અને લાયકાત ઉપર આદ્યારિત છે.
આ ગયબતના જમાનામાં આ દુનિયા ક્યારે પણ પવિત્ર ચારિત્ર્ય, પવિત્ર બાતીન, પાક વિચારો…….. નિખાલસ આલીમોથી ખાલી નથી રહી અને ન રહેશે. હઝરત અલી (અ.સ.) એ તેમના એક ખુત્બામાં આ રીતે ફરમાવ્યું છે :
“એ ખુદા! હું જાણું છું કે સમગ્ર ઇલ્મનો ન અંત આવશે અને ન તો તેના બધા ઝરણાઓ સુકાઇ જશે. તું હકીકતમાં તારી દુનિયાને તારી હુજ્જતથી ખાલી નહિ રાખે. પછી તે જાહેર હોય અને લોકો તેની તાબેદારી અને અનુસરણ ન કરતા હોય અને ચાહે તે ડરતા હોય અને છુપોઅલા હોય.
“તું દુનિયાને તારી હુજ્જતથી એટલા માટે ખાલી નહિ રાખે જેથી તારી દલીલ ખોટી ન ઠરે. અને તારા વલીઓ, તારા દોસ્તો હિદાયત પામ્યા પછી ગુમરાહ ન થાય.
હવે અહિંથી ખુદાના વલીઓની (ઓલમાઓની) વાત શરૂ થાય છે.
“પરંતુ આ હઝરતો ક્યાં છે? તેઓની સંખ્યા કેટલી છે?
“આ હઝરતો સંખ્યાની દ્રષ્ટિએ ઓછા છે. પરંતુ મહાન ખુદાવંદની દ્રષ્ટિમાં ઘણા અઝમતવાળા છે. આ હઝરતો મઅસુમ ઇમામ (અ.સ.) ના અનુસરનારા છે. હઝરત (અ.સ.) ના જીવન અને ચારિત્ર્યથી માહિતગાર અને સદ્ગુણોથી ભરપૂર છે.
“આથી (ખુદાની મહેરબાનીઓ તેમની સાથે છે એટલે) ઇલ્મે સંપૂર્ણ રીતે તેઓની તરફ અમી દ્રષ્ટિ નાખી છે. તે ઇલ્મ જે ઇમાનની હકીકતો ઉપર આદ્યારિત છે, જેથી તેઓની રૂહે ઇલ્મના માર્ગદર્શકોનું આમંત્રણ સ્વિકાર્યું. તે હદીસો તેઓના માટે સહેલી થઇ ગઇ જે બીજા માટે અસંભવ હતી અને તે વાતો જેનાથી જૂઠા અને આક્ષેપ કરનાર ગભરાતા હતા અને ભયભીત થઇ જતા હતા. અતિશયોક્તિ કરનારા તેનો ઇન્કાર કરતા હતા.
(સદ્ગુણો અને પ્રસંશાઓ, વિલાયત અને ઇતાઅત, ખાસ કરીને ઇમામો (અ.સ.) ની વિલાયત અંગે જે વિશ્ર્વાસપાત્ર અને સનદો ધરાવતી હદીસો છે જેના કારણે અહલેબયત (અ.સ.)ના વિરોધીઓ ભય પામી જાય છે. અને સ્વિકારવાથી ડરે છે, તેને તેઓની પાક રૂહો અને પાક અંતરાત્મા તેને સહેલાઇથી સ્વિકારી લે છે.)
“આ છે તે સન્માનીય આલીમોની હસ્તીઓ જે મઅસુમ ઇમામની ઇતાઅત અને તાબેદારી અને અનુસરણને ખુદાની ઇતાઅતની જેમ વાજીબ માને છે. તેઓ ખુદાના વલીઓ છે. પોતાના દુશ્મનોના ભયથી “તકય્યામાં છે. તેઓની રૂહો ઉચ્ચ અને અધ્ધર છે. (અર્થાંત: શારીરિક રીતે લોકોની સાથે છે. પરંતુ રૂહાની અર્થમાં તેમનાથી જુદા છે.) આપના આલીમો, આપના અનુસરનારાઓ સંપૂર્ણ રીતે અત્યાચારી હુકુમતમાં છુપાએલા છે અને ચૂપ છે. તેઓ અલ્લાહની હુકુમતની રાહ જોઇ રહ્યા છે. ખુદાવન્દે આલમ પોતાની હક વાતને સ્થાપીત કરશે અને જુઠને નાબૂદ કરશે.
“તેમના આરામના દિવસોમાં (એટલે ઝુહુરની પહેલા) તેઓ દિને ઇસ્લામ માટે જે સબર અને ધીરજ ધરી રહ્યા છે તે તેમને મુબારક થાય.
“તેમની હુકુમત અને ઝુહુરના જમાનામાં તેમને જોવાનો મને કેટલો શોખ છે!
“ખુદા આપણને અને તેમને પોતાની જન્નતમાં તેમના ચારિત્ર્યવાન મા – બાપ, પત્નિઓ અને સંતાનો સાથે ભેગા કરે.
(ઉસુલે કાફી, ભાગ – 1, કિતાબુલ હુજ્જ)
આ હદીસનું એક એક વાક્ય ગયબતના જમાનાના આલીમોની અઝમતોને જાહેર કરે છે. તેઓના ઇલ્મ અને તેઓના ચારિત્ર્યની ચોખવટ કરે છે.
આજના જમાનાની આધુનિક સગવડતા અને સાધનો ન જુઓ બલ્કે તે સમયની સ્થિતિનો અભ્યાસ કરો જ્યારે બધી બાજુઓેથી અકીદાઓ ઉપર હુમલા થઇ રહ્યા હતા. અકીદાઓ જાહેર કરવા ઉપર પ્રતિબંધ હતો. તે સમયની હુકુમતોની પાબંદીઓ હતી. સાધનો અપ્રાપ્ય હતા. એક એક હદીસને શોધવા માટે ઠેક ઠેકાણે મુસાફરી કરવી પડતી હતી. એક એક પુસ્તકની શોધમાં દૂર દૂર સુધી ફરી વળવું પડતું હતું. વળી આ પુસ્તકો શોધીને પછી તેનો અભ્‌યાસ કરવા માટે રાતના વખતે પૂરતા પ્રકાશનો અભાવ. તદુપરાંત તે સમયના પુસ્તકો આજના જેવા ચોખ્ખા અને સુંદર હસ્તાક્ષરવાળા ન હતા. પેરાગ્રાફ અને પ્રકરણો એક બીજાથી સ્પષ્ટતા સાથે જુદા ન્હોતા પાડવામાં આવતા. અમૂક પુસ્તકોમાં પાના નંબર પણ લખેલા ન હતા…. આ પુસ્તકોને ભેગા કરવા પછી તેનો અભ્યાસ કરવો…. આ બધી મુશ્કેલીઓને નજર સામે રાખીને પછી જ્યારે આપણે તે સમયના આલીમોના પુસ્તકોનું ઉંડાણ, વિરોધીઓ ઉઠાવેલા વાંધાઓના સચોટ જવાબો અને હવાલા જોઇએ છીએ તો અક્કલ આશ્ર્ચર્યમાં ડૂબી જાય છે. પછી તેની સાથે પુસ્તકોની સંખ્યા. આ લોકો ક્યારે અભ્યાસ કરતા હતા, ક્યારે આરામ કરતા હતા અને ક્યારે લખતા હતા. આ બુઝુર્ગ મરતબો ધરાવતા આલીમો ઘરના ખુણામાં બેસી રહેતા પણ ન હતા. બલ્કે લોકોના “મરજાઅ હતા. લોકોની વચ્ચે રહેતા હતા. તેઓના પ્રશ્ર્નોના ઉકેલ આપતા હતા.
તે સમયના આલીમોને આટલી બધી શક્તિ પૂરી પાડવા પાછળ બસ એક જ કારણ દેખાય છે કે આ માત્ર ખુદા અને ખુદાના વલી તરફથી મળતા ઉપહારોનું પરિણામ છે. ત્યારે જ તો મૌલાએ કાએનાત હઝરત અલી (અ.સ.) તેમને જોવાની તમન્ના કરી રહ્યા છે.
જનાબ શયખ મુફીદ (અ.ર.) વિષે જાણવા મળે છે.
مَا کَان نيام من الليل اِلاَّ ھجۃ ثم يقوم يُصَلّي اويطالع او يدرس او يتلو القرآن
“આપ રાત્રે થોડી વાર સુતા હતા પછી જાગીને નમાઝ પડતા અથવા અભ્યાસ કરતા અથવા શીખવાડતા અથવા કુરઆને કરીમની તિલાવત કરતા હતા.
(અત્તહઝીબે મુકદ્દેસા : 31,33)
હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે :
“અમારા શીયા આલીમો સરહદો ઉપર અડગ રહીને શયતાની હુમલાઓનો મુકાબલો કરી રહ્યા છે. શયતાન અને તેના અનુયાયીઓનો જવાબ આપી રહ્યા છે અને નબળા શીયાઓનું આ શયતાનોના હુમલાથી રક્ષણ કરી રહ્યા છે. ધર્મના દુશ્મનોની છેતરામણી (છળકપટ) થી વશ થતા રોકી રહ્યા છે.
હા, અમારા શીયાઓમાંથી જે પણ આ ઉચ્ચ સ્થાન ઉપર બિરાજમાન હોય તે રોમ અને તુર્કસ્તાન સાથે લડાઇ કરનારાઓથી હજાર હજાર (10 લાખ) ગણા દરજ્જા ઉપર છે. કારણ કે આ (આલીમો) અમારા દોસ્તોના દીનનું રક્ષણ કરી રહ્યા છે, જ્યારે તે લોકો શરીરનું રક્ષણ કરી રહ્યા છે. દુશ્મનોને એકઠા થવાથી રોકી રાખે છે.
(અલ એહતેજાજે તબરી, પા. 8)
આ હદીસથી જાણી શકાય છે કે મઅસુમ ઇમામો (અ.સ.) ની દ્રષ્ટિએ આ આલીમોનું મૂલ્ય ઘણું ઉંચું હતું, જે શીયાઓના દીનનું રક્ષણ કરી રહ્યા હતા. દીની તાલીમ આપીને એહલેબયત (અ.સ.) ના નબળા અને ઝઇફ દોસ્તોના દિલોને નવી નવી શંકાઓથી સુરક્ષિત રાખતા હતા. શયતાન અને તેના અનુયાયીઓ અગાઉ બીજા કોઇ સ્વરૂપે સામે આવ્યા હતા. અને આજે બીજા કોઇ સ્વરૂપે. પરંતુ બન્નેનો હેતુ એક છે. એટલે કે અહલેબયત (અ.સ.) ના શીયાઓને તેઓના દીનથી દૂર કરવા. દીનથી દૂર કરવાનો અર્થ માત્ર એ નથી કે તેઓને દીનદારથી બેદીન બનાવી દેવામાં આવે. બલ્કે તેનો એક અર્થ એ પણ છે કે દીનની સાથે રહીને દીનની જરૂરીયાતો, દીનની ગયરત, દીનના કાર્યો, દીનની જવાબદારી……. ને આંચકી લેવામાં આવે. તેઓને એવા બનાવી દેવા કે તેઓ સમાજનો નાશ થતા અને બરબાદ થતા જૂએ તો પણ ખુદ તેમાં કોઇ દીની ગયરત ન અનુભવે.
આજે જે કાંઇ પણ થોડી દીની ગયરત દેખાય છે તે પણ શીયા આલીમોની કામગીરી અને તબલીગનું પરિણામ છે. જો કે હજી ઘણું કામ બાકી છે. જે કરવાનું છે, તે આજ સુધી જે થઇ ચૂક્યું છે તેના કરતા ઘણું વધારે છે.
જમાનાના ઇમામ (અ.સ.) ખુદા અને લોકો વચ્ચે મદદ અને રહેમત પહોંચાડવાનું માધ્યમ છે. તેનો અર્થ એ થાય છે કે હાલમાં દુનિયાને ખુદા તરફથી જે કાંઇ મળી રહ્યું છે તે જમાનાના ઇમામ (અ.સ.) મારફતે મળી રહ્યું છે. ઝીયારતે જામેઆ કબીરામાં આ હકીકતની તરફ ઇશારો કરવામાં આવ્યો છે.
بِكُمْ فَتَحَ اللَّهُ وَ بِكُمْ يَخْتِمُ وَ بِكُمْ يُنَزِّلُ الْغَيْثَ وَ بِكُمْ يُمْسِكُ السَّمَاءَ أَنْ تَقَعَ عَلَى الْأَرْضِ إِلَّا بِإِذْنِهِ وَ بِكُمْ يُنَفِّسُ الْهَمَّ
“ખુદાએ આપના અસ્તિત્વના કારણે શરૂઆત કરી અને આપનીજ જાત ઉપર સૃષ્ટિસર્જનને પુરી કરશે. આપના કારણે વરસાદ વરસે છે અને આપનાજ કારણે આસમાન જમીન ઉપર પડવાથી રોકાએલું છે. આપના જ કારણે દુ:ખ અને મુસીબત દૂર થાય છે.
આ સિવાય ખુદ ઇમામે ઝમાના (અ.સ.) એ પોતાની ખાસ કૃપાઓને શયખ મુફીદ (અ.ર.) ની તવકીઅમાં આ રીતે બયાન ફરમાવ્યું :
إِنَّا غَيْرُ مُهْمِلِينَ لِمُرَاعَاتِكُمْ وَ لَا نَاسِينَ لِذِكْرِكُمْ
“અમે તમારા રક્ષણની દેખરેખમાં ચૂક નથી કરતા અને ન તમારી યાદને ભુલાવી દઇએ છીએ. જો એવું ન હોતે તો આફતો તમને ઘેરી લેતે અને દુશ્મનો તમારી ઉપર કાબુ મેળવી લેતે.
ઇમામ (અ.સ.) ની એ મહેરબાની છે કે આજે દુનિયામાં શીયા, લડાઇ ઝઘડાથી ઘણા સલામત છે. આજે જે થોડી ઘણી આફતો અને મુશ્કેલીઓ છે, તો તેમાં કોઇ મસ્લેહત જરૂર છે. એક સર્વસામાન્ય મસ્લેહત તો એ છે કે મુસીબતો આપણને અમૂક અંશે જાગૃત, ચેતનવંતા અને કાર્યરત રાખે છે. જો આ પણ ન હોત તો આપણે સંપૂર્ણ રીતે ઇમામ (અ.સ.) વિસરી જતે.
આલીમોની સાથે તો ઇમામે ઝમાના (અ.સ.)ની સૌથી વિશેષ મહેરબાનીઓ રહી છે. ક્યારેક આ મહેરબાનીઓ જાહેર થઇ છે અને તેની વિગતો પુસ્તકો વિગેરેમાં જોવા મળે છે. જ્યારે મોટાભાગની એવી મહેરબાનીઓ છે જેની તરફ કોઇનું ધ્યાન જ નથી. ઇમામ (અ.સ.) એ ઇમામ (અ.સ.) છે તે કોઇ દુનિયાના રહેબર જેવા તો છે નહિ કે એક કામ કરીને તેની જાહેરાત કરાવે અને છાપામાં ફોટા છપાવે.
આ વિષે ફારસીમાં અસંખ્ય પુસ્તકો લખવામાં આવ્યા છે. તેમાં માત્ર આ મહેરબાનીઓની વિગત છે કે જે આલીમોને મળી છે. એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે અહિંયાના વાતાવરણમાં શીયાઓની ઇમામત અને વિલાયતનું રક્ષણ ઇમામે અસ્ર (અ.સ.) ની મહેરબાનીઓ વગર શક્ય નથી. પરંતુ આ વિષય ઉપર કોઇ ખાસ અને સંપૂર્ણ પુસ્તક જાહેરમાં જોવામાં આવ્યું નથી. જો કોઇ લેખક આ વિષય ઉપર ધ્યાન આપે અને બનેલા વિશ્ર્વાસપાત્ર બનાવોને લખે તો આ પણ એક ખીદમત ગણાશે. જેનો બદલો મોટો છે. તદુપરાંત ઇમામે અસ્ર (અ.સ.)ની તરફ ધ્યાન દોરવા અને ઇમામ (અ.સ.) સાથે વધુમાં વધુ ચાહના મેળવવા અને એમની મહેરબાનીઓને પ્રાપ્ત કરવાનું માધ્યમ અને મદદ ગણાશે.
આ લેખને માત્ર એક પ્રસંગનું વર્ણન કરીને સમાપ્ત કરીએ છીએ :
જ્યારે આયતુલ્લાહ સૈયદ અબુલ હસન બેહબેહાની (અ.ર.) ના પુત્રને શહીદ કરવામાં આવ્યા ત્યારે તેમણે વિચાર્યું કે બધું છોડીને નિવૃત્ત, એકાંતવાસી થઇ જાય અને રહેબરીથી હાથ ઉઠાવી લે. તે સમયે જનાબ હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લેમીન આયતુલ્લાહ શયખ મોહમ્મદ કુફી શુસ્તરી (જેમણે 40 થી વધુ હજ કરી હતી.) મારફતે ઇમામે અસ્ર (અ.સ.) એ નીચેનો સંદેશો મોકલ્યો.
قُلْ لَهٗ اَرْخِصْ نَفَسَکَ وَاجْعَلْ مَجْلِسَکَ فِيْ الدَّھْلِيْزِ وَاقْضِ حَوَائِجَ النَّاسِ نَحْنُ نَنْصُرُکَ
“તેમને કહીદો કે તેઓની (લોકોની) સાથ સંપર્ક અને વ્યવહાર ચાલુ રાખે. પોતાની બેઠક પોતાના ઘરના ઉંબરા ઉપર રાખે. અને લોકોની જરૂરતોને પૂરી કરે. અમે તેમની મદદ કરશું.
(ઇનાયાતે હ. મહદીએ મવઉદ ઓલમા વ મરાજએ તકલીદ, પા. 110)
આ પવિત્ર તવકીઅનું છેલ્લું વાક્ય نَحْنُ نَنْصُرُکَ (અમે તમારી મદદ કરશું) ખાસ ધ્યાન આપવાને પાત્ર છે. એટલે જો અહલેબયત (અ.સ.) ના કોઇ શીયાની ભૌતિક અને નૈતિક જરૂરિયાતોને પૂરી કરે અને તે કામ માટે આગળ વધે તો ઇમામે અસ્ર (અ.સ.) તેની ચોક્કસ મદદ કરશે.
ખુદાવંદે આલમ આપણને સૌને એવા કામ કરવાની શક્તિ આપે જે હઝરત વલી અસ્ર (અ.સ.) નું ધ્યાન આપણી તરફ આકર્ષિત કરે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *