Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૫ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » દોઆ અને ઝિયારતો

ઇમામ મહદી (અ.સ.) માટે દોઆ

Print Friendly, PDF & Email

દોઆ એક એવો વિષય છે કે જેનું ઇસ્લામની ઓળખ અને સમજમાં એક ખાસ સ્થાન છે. તેના મહત્વની ઘણી તાકીદ કરવામાં આવી છે. રિવાયતોમાં દર્શાવ્યા મુજબ દોઆ મોઅમીનનું શસ્ત્ર છે. જેના થકી તે બલાઓ અને મુસીબતોને દૂર કરે છે. આ તે શસ્ત્ર છે જેના થકી તેના માટે પરદાઓ ઉંચકાઇ જાય છે. તે એવા ઉચ્ચ સ્થાન ઉપર પહોંચે છે કે નબીઓ (અ.સ.) અને ઇમામો (અ.સ.) ની ખુશી મેળવી લે છે.
મઅસુમ ઇમામો (અ.સ.) ની હદીસમાં એવા અસંખ્ય લાભ લખાએલા છે, જે માણસને દોઆ થકી મળે છે. તેમાંથી થોડા લાભો નીચે દશર્વિવામાં આવ્યા છે.
સંપર્ક :
માણસ તેની ફીતરત મુજબ દુ:ખ અને મુસીબતના સમયે પોતે એકલો હોવાનો અનુભવ કરે છે. તેથી તેને પોતાના સર્જનહારની જરૂર જણાય છે. એટલા માટે એ જરૂરી છે કે તેનો તેના ખાલીક અને સર્જનહારની સાથે સાચો અને કાયમી સંપર્ક હોય, જેથી તેની નમ્રતા અને બંદગી જાહેર થાય.
દોઆનો હેતુ :
દુ:ખ, મુસીબત, પરેશાની અને ગરીબી જેવી તકલીફોમાં માણસ માત્ર પોતાના ખાલીકને દોઆ થકી ફરિયાદ કરે છે. માણસની એ નબળાઇ છે કે તે ઉતાવળ કરે છે અને ભૂલી જાય છે કે અલ્લાહ શું ઇચ્છે છે, જ્યારે તેણે પોતાના રસુલ (સ.અ.વ.) મારફતે આ સંદેશો આપી દીધો છે. وَمَا خَلَقْتُ الجِنَّ وَ وَالْاِنْس اِلاَّ لِيَعْبُدُوْنَ” અને અમે જીન અને ઇન્સાનને પેદા નથી કર્યા સિવાય કે તે (મારી) ઇબાદત કરે.
આવી જ રીતે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ફરમાવ્યું છે :
اَلدُّعَآئُ مُخُّ العِبَادَۃِ
“દોઆ ઇબાદતની રૂહ છે.
માનવી દુનિયાની ભૌતિકતામાં એવી રીતે ઓતપ્રોત થઇ જાય છે કે તે ઇમામો (અ.સ.) ના કથનોને ભૂલી જાય છે. માનવી જે કાંઇપણ કાર્યો આ દુનિયામાં કરે છે તેનું ફળ આખેરતમાં મેળવે છે. હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે :
وَ إِنَّ الْيَوْمَ عَمَلٌ وَ لَا حِسَابَ وَ غَداً حِسَابٌ وَ لَا عَمَلَ
“… આજે અમલનો દિવસ છે અને કોઇ હિસાબ નથી. જ્યારે કાલે હિસાબનો દિવસ હશે અને અમલ નહી કરી શકો.
(નહજુલ બલાગાહ, ખુત્બો 24)
એટલા માટે આપણા અમલ ઉપર વિચાર કરવો જોઇએ અને મૃત્યુ આવે તે પહેલા પોતાના નફસનો હિસાબ લેવો જોઇએ.
ખુદાવન્દે આલમે પોતાની બક્ષિસ અને મહેરબાનીથી તેના નિર્બળ બંદાને દોઆ માટે થોડી રીત બતાવી છે, જેથી તેની હિદાયત થઇ શકે. ખુદાવન્દે આલમ ફરમાવે છે :
اُدْعُونِيْ أَسْتَجِبْ لَكُمْ
“મને પોકારો (દોઆ કરો) હું તમારો જવાબ આપીશ.
તેથી માણસે દોઆ કરતા પહેલા દોઆની રીત જાણી લેવી જોઇએ. અલ્લાહે પોતાના રહેમ અને કરમથી થોડી રીત પણ નક્કી કરી છે. જે અચૂક જાણી લેવી જોઇએ. જો માણસ દોઆની રીત જાણતો હશે તો અલ્લાહ (તબારક – વ – તઆલા) તેનો હેતુ સહેલાઇથી પાર પાડશે.
સાચા માર્ગ ઉપર હિદાયત :
દોઆ કબુલ થવા માટે અલ્લાહની હુજ્જતનો વસીલો હોવો જરૂરી છે, જે અલ્લાહના સાચા માર્ગ ઉપર હિદાયત કરે છે. જેને ‘અલ્લાહનો દરવાજો’ કહેવામાં આવ્યા છે. જેમની મારફતે અલ્લાહ સુધી પહોંચી જવાય છે. ખુદા ફરમાવે છે :
وَابْتَغُوْٓا اِلَیْہِ الْوَسِیْلَۃَ
“….. અને તેના માટે વસીલાની શોધ કરો.
(સુરએ માએદાહ : 35)
દોઆ કબુલ થવી તેઓ (અ.સ.) ના ઉપર સલવાત અને બરકતો થકી છે. આ પવિત્ર હસ્તીઓ સમગ્ર જગતની બલાઓ અને પરેશાનીઓ દૂર કરવાનું માધ્યમ છે.
આ પવિત્ર હસ્તીઓ કોણ છે?
તેઓ રસુલે અકરમ (સ.અ.વ.) અને આપના પવિત્ર સંતાનો (અ.સ.) છે. જેમકે આપે (અ.સ.) વસીયત કરી.
اِنِّي تَارِكٌ فِيكُمُ الثَّقَلَيْنِ كِتَابَ اللَّهِ وَ عِتْرَتِي أَهْلَ بَيْتِي مَا إِنْ تَمَسَّكْتُمْ بِهِمَا لَنْ تَضِلُّوا وَ مَنْ تَمَسَّكَ بِعِتْرَتِي مِنْ بَعْدِي‏
“બેશક હું તમારી વચ્ચે બે અમૂલ્ય વસ્તુઓને છોડીને જઇ રહ્યો છું. એક અલ્લાહની કિતાબ અને બીજી મારી ઇતરત, મારી અહલેબયત (અ.સ.) છે. જો તમે તે બન્નેને વળગીને રહેશો તો ક્યારેય ગુમરાહ નહિ થાવ.
અહલેબયત (અ.સ.) એ પવિત્ર પ્રતિભાઓ છે જેઓના ઉપર સૌથી શ્રેષ્ઠ બરકતો ઉતરી છે. આજના આ જમાનામાં ખાલીક અને મખ્લુક (અલ્લાહ અને લોકો) વચ્ચે આ દુનિયા ઉપર વસીલો અને ઝરીઓ અને અલ્લાહની ખાસ હુજ્જત ઇમામ મહદી (અ.સ.) છે. (પરવરદિગાર આપ (અ.સ.) ના ઝુહુરમાં જલ્દી કરે.)
આ પસંદ કરાએલા શખ્સો એ છે જેમણે લોકોને દોઆ અને ઇબાદતની રીત સમજાવી છે. આ હઝરતો (અ.સ.) ના શબ્દો અલ્લાહના શબ્દોથી ઉતરતા અને લોકોના શબ્દોથી અફઝલ છે. આ કારણે જે કોઇ શખ્સે તેઓના શબ્દો સાંભળ્યા તો કહેવા લાગ્યા ‘આપના કલામ નુર છે.’
દોઆમાં બોધપાઠો :
ઇસ્લામી શિક્ષણમાં સૂચવવામાં આવ્યું છે કે માત્ર દોઆ પુરતી નથી. દોઆની સાથે અમલ, કોશીશ અને અડગ મનોબળ હોવું જોઇએ. જેણે રોજી મેળવવી છે, તેણે દોઆની સાથે કોશીશ પણ કરવી જોઇએ. તેવી જ રીતે ઇલ્મ મેળવવાની ઇચ્છા ધરાવતો હોય અને અજ્ઞાનતાથી દૂર રહેવા માગતો હોય તેણે દોઆની સાથે ઇલ્મ મેળવવા માટે કોશીશ કરવી જોઇએ.
આપણી દોઆઓમાં એવા અસંખ્ય બોધપાઠો છે જેનો સંબંધ સારા અખ્લાકો અને ઇલાહી માઅરેફત સાથે છે. જેમકે દોઆએ જવશને કબીર અને દોઆએ મકારેમુલ અખ્લાક, જે સદ્ગુણના વિષયોથી ભરપુર છે. એક સાચા મોમીને પોતાની જાતને આ વિશેષતાઓથી શોભાયમાન કરવા જોઇએ જે દોઆઓમાં દશર્વિવામાં આવી છે. અબુ હમઝા સેમાલીની દોઆ આ વિષે ઇશારો કરે છે કે અલ્લાહનો રહેમ અને કરમ, તેના ગુસ્સા અને ગઝબ ઉપર કેવી રીતે છવાએલા છે. દોઆએ નુદબાહમાં ખૂબજ સુંદર રીતે અલ્લાહની હુજ્જતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમને અલ્લાહે એક પછી એક મોકલ્યા. જેમાં હઝરત આદમ (અ.સ.) થી હઝરત ખત્મી મરતબત (સ.અ.વ.) અને આપ (અ.સ.)ના છેલ્લા વારસદાર ઇમામ મહદી (અ.સ.) સુધીની વિગતો આવેલી છે. તે હઝરતો (અ.સ.) ને ઇજાઓ પહોંચાડવામાં આવી તેનો ખુલાસો પણ રજુ કરવામાં આવ્યો છે. દોઆએ ફરજમાં એ વાતની ચોખવટ કરવામાં આવી છે કે હઝરત સાહેબુઝઝમાન (અ.સ.) જ રસુલે અકરમ (સ.અ.વ.) ના વારસદાર છે. જે આ દુનિયાને એવી રીતે અદલ અને ઇન્સાફથી ભરી દેશે જે રીતે તે જુલમ અને અત્યાચારથી ભરાએલી હશે. આપ (અ.સ.)ના ઝુહુરથી
لَا اِلٰهَ اِلاَّ اللّٰهُ مُحَمَّدٌ رَّسُوْلُ اللّٰهِ عَلِيٌّ وَلِيُّ اللّٰهِ
સર્વ સામાન્ય બની રહશે અને દરેક જગ્યાએ અલ્લાહની સાચી ઇબાદત થતી હશે.
દોઆના નિયમો :
અલ્લામા મજલીસી (ર.અ.) તેમના પુસ્તક મિશ્કાતુલ અન્વારમાં દોઆના નિયમોના પ્રકરણમાં લખ્યું છે, “એ જાણી લો કે દોઆ વાતચીત છે તેની સાથે, જેની સમક્ષ બધી જરૂરીયાતો રજુ કરવામાં આવે છે અને તે તેને સ્વિકારે છે. તેથી માણસે દોઆનો મૂળ અર્થ સમજવો જોઇએ. તે દિલના ઉંડાણમાંથી દોઆ કરે. દોઆમાં સૌથી મહત્વની બાબત એ છે કે દોઆમાં એ વાતનો ખાસ ખ્યાલ રાખે કે આજીજી અને નમ્રતા એ સમયે હોવી જોઇએ, જ્યારે તે બુઝુર્ગ અને સૌથી મહાન અલ્લાહ, જે સર્જનહાર છે, રોજી આપનાર છે, તેની સામે પોતાની માગણી રજુ કરે.
જ્યારે કોઇ માણસ ખુદાના કોઇ બંદા પાસે કોઇ માગણી કરે છે ત્યારે તેના માટે દરેક કામ કરવા માટે તૈયાર થઇ જાય છે અને જ્યાં સુધી તે રાજી ન થાય ત્યાં સુધી જરાપણ આળસ નથી કરતો. આ માણસ તે દરેક બાબતોથી દૂર રહે છે, જે આ બન્દો નાપસન્દ કરે છે. બિલ્કુલ તેવી જ રીતે આ બધી બાબતો અલ્લાહ તબારક વ તઆલા માટે આથી વિશેષ રૂપે કરવી જોઇએ. તેથી જે અલ્લાહની સાચી ઇબાદત કરે છે, તે એ વાતનું ધ્યાન રાખે છે કે એવો અમલ કરે, જેના અમલથી અલ્લાહની વધુને વધુ તાબેદારી થાય અને તેની નજદિકી મેળવે. રસુલ અકરમ (સ.અ.વ.) ફરમાવે છે :
الدَّاعِي بِلَا عَمَلٍ كَالرَّامِي بِلَا وَتَرٍ
“જે માણસ અમલ વગર દોઆ કરે છે તે એવા તીરઅંદાજની જેવો છે જેની પાસે કમાન ન હોય.
(બેહારૂલ અન્વાર, ભાગ – 39, પા. 213)
દોઆ સ્વિકારવાની એક શરત મઅરેફતની કમાલ પણ છે. અર્થાંત : ખુદાની જેટલી મઅરેફત વધુ હશે, તેટલી દોઆ કબુલ થવી યકીની હશે.
હઝરત ઇમામ મુસા કાઝિમ (અ.સ.) ને કોઇ શખ્સે સવાલ કર્યો : યબ્ન રસુલીલ્લાહ (સ.અ.વ.) અમે દોઆ માંગીએ છીએ પણ કબુલ નથી થતી.
આપ (અ.સ.) એ કહ્યું : તમે તેને ઓળખો પણ છો જેની પાસે દોઆ માગો છો?
દોઆ કબુલ થવાની શરતમાં તેની બારગાહમાં રડવું અને આજીજી કરવી. બંદો જેટલી નમ્રતા અને આજીજી અલ્લાહની બારગાહમાં આંસુ સારીને કરશે, તેટલીજ હદે અલ્લાહ તે બંદાની તરફ ઘ્યાન આપશે.
દોઆ કરવાના નિયમોમાં દોઆને ખાનગી રાખવી જરૂરી છે. તે કરીમ અને રહીમ ખાનગીમાં દોઆ માંગવાને વધુ પસંદ કરે છે. આવી જ રીતે ઇમામ (અ.સ.) નું કથન છે.
فَأَقْبِلْ بِقَلْبِكَ فَظُنَّ حَاجَتَكَ بِالْبَاب‏
“પછી દિલથી દોઆ કરો અને યકીન કરો કે તમારી હાજત કબુલિય્યતના દરવાજા સુધી પહોંચી ગઇ છે. (જરૂર કબુલ થશે.)
દોઆ કબુલ થવા માટે એ પણ છે કે બીજાની હાજતોને પોતાની હાજતોનો વસીલો બનાવે. અર્થાંત જો કોઇ માણસ પોતાની હાજત કોઇ કરીમની પાસે લઇ જાય અને બીજાની હાજતને ખુદાએ કરીમ પાસે રજુ કરે તો એ ખુદની હાજત પૂરી થવાનું કારણ બનશે. વિશ્ર્વાસપાત્ર હદીસમાં ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે :
مَنْ قَدَّمَ أَرْبَعِينَ رَجُلًا مِنْ إِخْوَانِهِ فَدَعَا لَهُمْ ثُمَّ دَعَا لِنَفْسِهِ اسْتُجِيبَ لَهُ فِيهِمْ وَ فِي نَفْسِهِ
“જે માણસ પોતાના (ઇમાન ધરાવતા) ભાઇઓમાંથી ચાલીસ મોઅમીનોને આગળ રાખે (પોતા કરતાં શ્રેષ્ઠ જાણીને અગ્રતા આપે) અને તેઓના માટે દોઆ કરે પછી પોતાના માટે દોઆ કરે તો તેની દોઆ અને બીજા લોકો માટેની દોઆ જરૂર કબુલ થશે.
(બેહારૂલ અન્વાર, ભાગ – 39, પા. 383)
તેથી આ હદીસોથી એ જાણી શકાય છે કે જ્યારે પણ આપણે ઇચ્છા કરીએ કે અલ્લાહ સમક્ષ આપણી દોઆ કબુલ થાય તો આપણે આપણી હાજતોની પહેલા, આપણા જમાનાના ઇમામ (અ.સ.) ને માટે દોઆ કરવી જોઇએ આ એટલા માટે કે ચોક્કસ ઇમામ (અ.સ.) જ અલ્લાહની બધી નેઅમતોના માલિક અને મોઅમીનોના સરદાર છે.
દોઆ કબુલ થવા માટેની સૌથી મહત્વની શરત મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ઉપર સલવાત મોકલવાની છે.
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
لَا يَزَالُ الدُّعَاءُ مَحْجُوباً حَتَّى يُصَلَّى عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ
“દોઆ હિજાબમાં છુપાએલી રહે છે, જ્યાં સુધી મોહમ્મદ અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ઉપર સલવાત મોકલવામાં આવે.
(કાફી, ભાગ – 2, પા. 491-493)
ઇમામે અસ્ર (અજ.) ના માટે દોઆનું કારણ:
આપણે જાણીએ છીએ કે પરવરદિગારે વાયદો કર્યો છે કે તે બધા નબીઓ (અ.સ.) અને વસીઓ (અ.સ.) ઉપર થએલા જુલ્મોનો બદલો લેશે; ખાસ કરીને ઇમામ હુસયન (અ.સ.) ના ખુનનો. પછી એક એવો દિવસ અચૂક આવશે જ્યારે સમગ્ર જગત ઉપર દીને ઇસ્લામનો ધ્વજ લહેરાશે અને કુફ્રનો નાશ થઇ જશે. વાયદાનું પુરૂં થવું જરૂરી છે. અને ન્યાયની તાકીદ – તગાદો પણ છે. તેથી અલ્લાહનો આ વાયદો ઝડપથી પૂરો થાય તે માટે આપણે ઇમામે ઝમાના (અ.સ.) નો ઝુહુર જલ્દી થાય તે માટે દોઆ કરવી જોઇએ. જેના માટે ઇમામ (અ.સ.) એ ખુદે આપણને તાકીદ કરી છે :
وَ أَكْثِرُوا الدُّعَآءَ بِتَعْجِيلِ الْفَرَجِ فَإِنَّ ذَالِكَ فَرَجُكُمْ
(બેહારૂલ અન્વાર, ભાગ – 25, પા. 29)
“અને ઝુહુરને માટે વધુને વધુ દોઆ કરો તેમાં તમારી ભલાઇ છે. આપ (અ.સ.) ના ઝુહુર માટે દોઆ કરવાની આપણી અગત્યની જવાબદારી છે. તદુઉપરાંત દોઆ આપણા માટે લાભદાયક છે. આ જવાબદારી આપણી ફરજમાં શામેલ છે.
ઇમામે ઝમાના (અજ.) માટે દોઆ કરવાના લાભો:
ઇમામે ઝમાના (અ.સ.) માટે દોઆ કરવાના લાભો માત્ર આ દુનિયામાંજ નહિ પરંતુ આખેરતમાં પણ છે. અહિં થોડા લાભો દર્શાવ્યા છે.
આ દુનિયાના લાભો :
1. દોઆ કરવી તે ખરેખર તો રસુલ અકરમ (સ.અ.વ.) સાથે સીલે રહેમ છે. ઇમામે બાકીર (અ.સ.) ફરમાવે છે.
صِلَةُ الْأَرْحَامِ تُزَكِّي الْأَعْمَالَ وَ تُنْمِي الْأَمْوَالَ وَ تَدْفَعُ الْبَلْوَى وَ تُيَسِّرُ الْحِسَابَ وَ تُنْسِئُ فِي الْأَجَلِ
“સીલે રહેમ આમાલને પાક કરે છે, સંપત્તિમાં વધારો કરે છે, બલાઓને દૂર કરે છે, હિસાબમાં રાહત આપે છે. અને મોતને મુલતવી કરી દે છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – 47, પા. 111)
2. મુસીબતો દૂર થાય છે અને રોજીમાં વધારો થાય છે.
3. બીજી દોઆઓ કબુલ થવાનું કારણ બને છે.
4. માણસને ઇમામ (અ.સ.) ના દીદાર માટે તૈયાર કરે છે. પછી તે સપનામાં હોય કે જાગૃતવસ્થામાં.
5. નેઅમતોનો વધારો કરે છે.
6. અલ્લાહની મદદ આપણી સાથે રહે છે અને દુશ્મનો ઉપર વિજય મળે છે. અલ્લાહ તબારક વ તઆલા ફરમાવે છે.
اِنْ تَنْصُرُوْا اللّٰهَ يَنْصُرْ کُمْ
“જો તમે અલ્લાહની (ના કામની મદદ કરવામાં સહાય કરશો) મદદ કરશો તો અલ્લાહ તમારી મદદ કરશે.
7. આપણે દોઆએ અહદમાં પડીએ છીએ, તે મુજબ ઇન્સાન આપ (અ.સ.)ના ઝુહુરના સમયે દુનિયામાં ફરી વખત પાછો ફરશે.
8. ઇન્સાન ઇમાન પર સાબિત કદમ રહે છે અને આખર જમાનાના ફીત્નાઓથી સુરક્ષિત રહે છે.
9. ઇન્સાન અલ્લાહના અઝાબથી દૂર રહે છે.
10. રિવાયતમાં દર્શાવ્યા મુજબ ઇમામ (અ.સ.) ના ઝુહુર માટે પરવરદિગાર પાસે મદદની સતત માગણી અને ઝુહુરને નજદિક કરવા માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરવાનું કારણ છે.
આખેરતના લાભો :
અલ્લામા મોહમ્મદ તકી ઇસ્ફહાની તેમના પુસ્તક ‘મીક્યાલુલ મકારિમ’ ના પાંચમા પ્રકરણમાં ઇમામે ઝમાના (અ.સ.) માટે દોઆ કરવાના અસંખ્ય લાભ લખ્યા છે જે અમે અહિં ટૂંકાણમાં દશર્વિીએ છીએ :
1. જે માણસ ઇમામે ઝમાના (અ.સ.) ના ઝુહુરમાં જલ્દી કરવા માટે દોઆ કરે છે તે કયામતના દિવસે રસુલે અકરમ (સ.અ.વ.) અને આપ (અ.સ.) ના પવિત્ર સંતાનો (અ.સ.)ની શફાઅત મેળવવા માટે હકદાર બનશે.
2. કયામતના દિવસે ઇમામ મહદી (અ.સ.) ની શફાઅત મળશે.
3. ગુનાહ માફ થઇ જશે.
4. ઇમામ હુસયન (અ.સ.) ના ખૂનનો બદલો લેવાનો અજ્ર (બદલો) મળશે.
5. કુરઆને કરીમના નુર થકી હિદાયત મળશે.
6. અલ્લાહ (તબારક – વ – તઆલા)નો સૌથી વધુ નજદિકનો બંદો બનશે.
7. સિત્તેર હજાર ગુનેહગારોની શફાઅત કરશે.
8. કયામતના દિવસે તેનું દિલ નિશ્ર્ચિંત હશે.
9. વીસ હજ અને ઉમરાનો સવાબ મળશે.
10. કયામતના દિવસે હજાર ઈચ્છાઓ પૂરી થશે.
11. જે ઇમામે ઝમાના (અજ.) ના ઝુહુર માટે દોઆ કરે છે તેના ગુનાહોની માફી માટે ફરિશ્તા દોઆ કરે છે.
12. શયતાન ભય પામે છે અને નિરાશ થઇ જાય છે.
13. સમગ્ર જગતના સર્જનનો ત્રીજા ભાગનો બદલો મેળવવા બરાબર છે.
14. મૃત્યુ, બરઝખ અને કયામતનો સમય તેના માટે ખુશખબરનો અને સાનુકુળતાઓનો છે.
15. ઇમામે ઝમાના (અજ.) ના ધ્વજની નીચે શહીદ થનારાઓનો બદલો અને સવાબ છે.
16. જે મજલીસોમાં હઝરત કાએમે (અ.સ.)ના ઝુહુરની દોઆ થાય છે ત્યાં મહાન મલાએકાઓની હાજરી હોય છે.
17. વિશ્ર્વાસ પાત્ર રિવાયતો મુજબ ગયબતમાં ઇમામ (અ.સ.)ના માટે દોઆ કરવી તે ઝુહુર થયા પછી દોઆ કરવાથી વધુ સારી છે.
ઝુહુરની દોઆ માટેના ખાસ સમય :
ઉપર દર્શાવેલ પુસ્તકોમાંથી ઝુહુર માટે દોઆ કરવાના નક્કી કરેલા ખાસ સમયો લીધા છે. જે નીચે મુજબ છે.
1. અરફાનો દિવસ (9મી ઝીલહજ)
2. ઇદુલ ફીત્રનો દિવસ
3. ઇદુઝ્ઝોહાનો દિવસ
4. દહયુલ અર્ઝ
5. આશુરાનો દિવસ
6. 15, શાઅબાનની રાત્રે
7. 15, શઅબાનના દિવસે
8. રમઝાન મહિનો
9. રમઝાન મહિનાની 6ઠ્ઠી રાત્રે
10. રમઝાન મહિનાની 12 મી રાત્રે
11. રમઝાન મહિનાની 18 અને 19 મી રાત્રે
12. રમઝાન મહિનાની 21મી તારીખે
13. ઇમામ હુસયન (અ.સ.) ના મસાએબ પછી
14. ઇમામે ઝમાના (અજ.) ની ઝિયારત પછી
15. અલ્લાહના ખૌફથી રડતી વખતે
16. દરેક નવી નેઅમત મળવાના અને મુસીબત દૂર થવાના સમયે
17. દુ:ખ અને મુસીબતના સમયે
18. કસોટીના સમયે
19. તસ્બીહ પછી
20. પોતાના કુટુંબીજનો માટે દોઆ કરવાની પહેલા
21. ગદીરના દિવસે
22. દરેક સમયે દિવસ અને રાત
23. વિરોધીઓ અને ઇમામ (અ.સ.) ના હકને છીનવી લેનારાઓની મજલીસમાં
24. સતત ચાલીસ દિવસ દોઆ
25. મોહર્રમના મહિનામાં
ઝુહુરની દોઆ માટેના ખાસ સ્થળો:
જેવી રીતે ખાસ સમય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તેવી જ રીતે થોડા એવા સ્થળો છે જ્યાં દોઆ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે જે નીચે મુજબ છે:
1. મસ્જીદુલ હરામ
2. અરફાત
3. સરદાબ
4. એ સ્થળો જે ઇમામે ઝમાના (અ.સ.) સાથે સંબંધ ધરાવે છે. જેમ કે : કુફા, મસ્જીદે સહલા, મસ્જીદે સઅસા, મસ્જીદે જમકરાન વિ.
5. ઇમામ હુસૈન (અ.સ.) ની પવિત્ર કબર
6. ઇમામ રઝા (અ.સ.) ની પવિત્ર કબર
7. સામર્રામાં ઇમામ અલી નકી (અ.સ.) અને ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની પવિત્ર કબરો.
સમાપન :
અંતમાં અમે ખુદાવંદે આલમ પાસે દોઆ કરીએ છીએ કે અમારી નમ્ર કોશીશોને કબુલ કરે. અમે જાણીએ છીએ કે અમારા આ નાનકડા તોહફાની કોઇ વિસાત નથી. તેમ છતાં અમે તેની રહેમત અને મગફેરતના ઉમેદવાર છીએ અને આ દોઆ કરીએ છીએ :
یٰٓاَیُّہَا الْعَزِیْزُ مَسَّـنَا وَاَہْلَنَا الضُّرُّ وَجِئْنَا بِبِضَاعَۃٍ مُّزْجٰىۃٍ فَاَوْفِ لَنَا الْکَیْلَ وَتَصَدَّقْ عَلَیْنَا۝۰ۭ اِنَّ اللہَ یَجْزِی الْمُتَصَدِّقِیْنَ۝۸۸
“…એ અઝીઝ! અમે અને અમાં આખું કુટુંબ ઘણી તકલીફમાં છે. અમે થોડી મુડી લઇને આવ્યા છીએ. આપ તેના બદલામાં પુરૂં અનાજ અપાવી દો અને અમને તમારો સદકો અને ખેરાત આપો. એમાં તો કોઇ શંકા નથી કે ખુદા સદકો આપનારને સારો બદલો આપે છે.
(સુરએ યુસુફ : 88)
શાહી પુરી થઇ ગઇ, પરંતુ આંસુઓની નદી વહેતી જાય છે. જ્યારે જ્યારે અમારા મહેબુબ આકાની જુદાઇનો દિલમાં અહેસાસ થાય છે. એટલે સુધી કે કોઇનો અવાજ સંભળાય છે, કોઇ કહી રહ્યું છે, “સબર કરો તે જરૂર આવશે. પરંતુ દિલમાં આ સવાલ વાંરવાર આવે છે કે “છેવટે ક્યારે? જેમ જેમ આ દોઆ અને ફરિયાદમાં રાત અને દિવસ પસાર થાય છે તેમ તેમ આંખોનો પ્રકાશ ઝાંખો પડતો જાય છે. કમર ઝૂકી ગઇ છે. નબળાઇ અને વૃદ્ધાવસ્થાથી વાળ સફેદ થતા જાય છે. મૃત્યુ ઘણી ઝડપથી આગળ વધીને તેની પકડમાં લેનાર છે. આ ર્નિબળ અંધકારમાં દિલથી અવાજ ઉઠે છે :
مَتَى تَرَانَا وَ نَرَاكَ وَ قَدْ نَشَرْتَ لِوَاءَ النَّصْرِ تُرٰى‏
“મૌલા ! અમે આપની ઝીયારતથી ક્યારે નસીબવંતા થશું, ત્યારે અમે આપને વિજય અને સફળતાનો ધ્વજ લહેરાવતા જોશું.
(દોઆએ નુદબાહ)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.