બયઅતનામું

Print Friendly, PDF & Email

આ બયઅત નામાના વિષયથી મુરાદ તે અહદનામું-કરાર છે જે લેખિત રીતે મોજુદ છે. જેની કલમો અને શરતોની હેઠળ જમીન અને શહેરોના વલી અસ્ર, (આપણી રૂહો ફીદા થાય,) આપ ના વ્યવસ્થાપકો અને સાથીદારો, દોસ્તો અને હમસફર અને આપ ની તમામ પ્રજા, વાયદા અને વચનને પૂરૂં કરવાની કસમ ખાશે. પરંતુ તેની પહેલા કે આ અહદનામાની અમુક વ્યક્તિઓની ચર્ચા કરું, જરૂરી છે કે બયઅત શબ્દનો સંદર્ભ, “બયઅત કોને કહે છે, બયઅતનો અર્થ શું છે ? ઇસ્લામની પહેલા આ શબ્દ ક્યારે અને ક્યાં વાપરવામાં આવતો હતો ? ઇસ્લામના સૂર્યના ઉદય પહેલાં આ શબ્દને શું ઐતિહાસિક મહત્વ મળ્યું, આ શબ્દ ક્યાં સુધી રાજ્ય સરકારના નિયમની હયસીયતથી ચાલુ રહ્યો, પછી તે સર્વ સામાન્ય રીતે અમલમાં આવ્યો કે ધીરે ધીરે આ શબ્દ સમેટાઇને પોતાના રક્ષણમાં આવી ગયો, જેથી તે ગસબ કરનાર બાતીલ હકુમતની જબરદસ્તીથી સુરક્ષિત રહી શકે, તેનો ખૂબજ ટૂંકો અભ્યાસ કરી લઇએ.
બયઅતનો શબ્દકોષનો અર્થ વાયદો અને વચન છે. ઇબ્ને ખલદુને પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે :
کَانوا اذا بايعَ الامير جعل ايديهم في يده تاکيدًا فاشبه ذالک فعل البايع و المشتري
(તફસીરે નમુના 22/70 ઇબ્ને ખલદુને મુકદ્દમામાં નકલ કર્યા મુજબ પા. 174)
જ્યારે કોઇ હાકીમની બયઅત કરતા હતા ત્યારે તાકીદ માટે હાથ ઉપર હાથ રાખતા હતા. આ કામ ખરીદ-વેચાણ જેવું હતું.
બયઅત એટલે વાયદો અને વચન. (અલ-મુન્જીદ ઉર્દુ). ગયાસુલ લોગાતમાં તેની વધુ વિગત આપી છે. એટલે દોસ્તીમાં નિખાલસતા, વફાદારી અને તાબેદારી હોવી.
ઇસ્લામના ઉદયમાં બયઅત શબ્દનો હજના મોકા ઉપર તે સમયે ઉપયોગમાં લીધો, જ્યારે અકબાના સ્થળે (જે તાએફમાં છે) 12 માણસો જે બની ખઝરજથી સંબંધ ધરાવતા હતા, તેઓ મદીનાથી આવ્યા અને તે લોકોએ રસુલે ખુદા સ.ના હાથો ઉપર બયઅત કરી જેને ઇતિહાસમાં બયઅતે ઉલા (પહેલી બયઅત) કહેવામાં આવે છે. એ માટે કે તે પછી મદીનાથી 73 માણસોનો કાફલો આવ્યો છે અને તે લોકોએ જનાબ રિસાલતે મઆબ સ.ના હાથ ઉપર અકબામાં જ બયઅત કરી છે. જેને બીજી બયઅત કહે છે. ઇસ્લામના બીજા મહત્વના વણાંક ઉપર “બયઅતે રિઝવાન છે. આ તે મહત્વની ઐતિહાસિક બયઅત છે જેની ચર્ચા કુરઆને મજીદમાં કરવામાં આવી છે.
“બસ ખુદા રાજી થાય તે મોઅમીનો ઉપર જેમણે ઝાડની નીચે (પયગમ્બરે ઇસ્લામના હાથ ઉપર) બયઅત કરી.
(સુરા ફત્હ 18)
આ પ્રસંગ હિજરતના છઠ્ઠા વરસે બન્યો જે સમયે રસુલે અકરમ (સ.) હજ માટે તશરીફ લઇ ગયા. આપે ઉસ્માન બીન અફ્ફાનને પોતાના પ્રતિનિધિ બનાવીને મક્કા મોકલ્યા. અને એવી અફવા ફેલાઇ કે ઉસ્માન બીન અફ્ફાનને કત્લ કરી દેવામાં આવ્યા. જેથી રસુલે ખુદા (સ.)એ મોઅમીનોને બોલાવ્યા અને એક ઝાડ નીચે વચન અને વાયદો લીધો કે આપણે ત્યાં સુધી કાફીરો સાથે લડાઇ કરતા રહીશું, જ્યાં સુધી જાનમાં જાન બાકી છે અને મેદાન છોડીને ભાગી નહિ જઇએ. આ બયઅતને ‘બયઅતે રિઝવાન’ કહે છે. જ્યારે આ ખબર મક્કાવાળાઓને પહોંચી તો હલચલ મચી ગઇ. જેના પરિણામે સુલેહ હોદયબીયાનો અમલ જાહેર થયો અને અમલમાં આવ્યો.
સ્ત્રીઓની બયઅત :
ત્રીજી મહત્વની બયઅત જે અહિ નોંધ કરવાને પાત્ર છે તે સ્ત્રીઓની બયઅતની છે.
કુરઆને મજીદના સુરા મુમ્તહેનાની 12મી આયત જે ફત્હે મક્કા પછી ઉતરી.
یٰٓاَیُّہَا النَّبِیُّ اِذَا جَاۗءَکَ الْمُؤْمِنٰتُ یُبَایِعْنَکَ عَلٰٓی اَنْ لَّا یُشْرِکْنَ بِاللہِ شَـیْـــــًٔــا وَّلَا یَسْرِقْنَ وَلَا یَزْنِیْنَ وَلَا یَقْتُلْنَ اَوْلَادَہُنَّ وَلَا یَاْتِیْنَ بِبُہْتَانٍ یَّفْتَرِیْنَہٗ بَیْنَ اَیْدِیْہِنَّ وَاَرْجُلِہِنَّ وَلَا یَعْصِیْنَکَ فِیْ مَعْرُوْفٍ فَبَایِعْہُنَّ وَاسْتَغْفِرْ لَہُنَّ اللہَ۝۰ۭ اِنَّ اللہَ غَفُوْرٌ رَّحِیْمٌ۝۱۲
હે નબી, જ્યારે ઇમાન લાવનારી સ્ત્રીઓ તારી પાસે એવી શરતે બયઅત કરવા આવે કે તેણીઓ,
(1) ન કોઇ વસ્તુને અલ્લાહની શરીક બનાવશે, (2) અને ન ચોરી કરશે (3) અને ન વ્યભિચાર કરશે (4) અને ન પોતાની ઓલાદને મારી નાખશે. (5) અને ન પોતાના હાથ અને પગ વચ્ચે (અર્થાંત પોતાના મનમાંથી ઉપજાવી કાઢેલું) આળ ચડાવશે. (6) અને ન કોઇ વ્યાજબી કાર્યમાં તારી નાફરમાની કરશે તો તેમની બયઅત સ્વિકારી લે, અને તેમના સંબંધમાં અલ્લાહ પાસે ક્ષમા માગ, નિ:સંદેહ અલ્લાહ મોટો ક્ષમાવાન (અને) દયાવાન છે. (આ આયતની નીચે અલ્લામા ઝીશાન હયદર જવાદી, (તાબ સરાહ)નો હાશીયો, જે આપે કુરઆનના તરજુમામાં નકલ કર્યો છે વાંચકો તે ઇશારાઓનો અભ્યાસ કરે.)
કુરઆને મજીદમાં નોંધપાત્ર બે બયઅતનામાઓના નમુના જે રિસાલત મઆબ (સ.)ના રિસાલતના હોદ્દાના અનુસંધાનમાં જોવામાં આવ્યા તેનાથી સંબંધ અને સંદર્ભ ઉપર પણ પ્રકાશ પડે છે. પુરૂષો પાસે બયઅત લેતી વખતે અડગ રહેવા અને છટકી ન જવાનો વાયદો અને વચન છે. માત્ર ત્રણ વરસ પહેલા ઓહદની લડાઇમાં આ દ્રશ્ય સામે આવી ચુક્યું હતું. કુરઆને મજીદે અડગ રહેવા માટે અનેક વખત વારંવાર તાકીદ કરી છે : (સાબિત કદમ રહો, સબર કરો, જેહાદ કરો, અલ્લાહથી ડરો અને તેમાં જ તમારા લોકોની સફળતા છે.) આયતનો સાબિત થએલો મુદ્દો એટલે કે ખુદાના હુકમો ઉપર અમલ અને (બીજી આયતમાં) નાજાએઝ કામો ન કરવાની તાકીદ ઉપર ભાર આપી રહ્યા છે. પુરૂષોમાં છટકી જવાનો મૂળ સ્વભાવ જલ્દી પેદા થઇ છે. તેથી મજબુતીથી પગ મૂકવાની તાકીદ કરવામાં આવી છે. મુરસલે અઅઝમની રેહલત પછી તલવાર અને કલમે વિચારો અને દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવા માટે બેફામ અને બેધડક નાસ-ભાગ કરી છે. એટલે સુધી કે કરબલાની મહાન ઘટના બની. ઇમામ અસ્ર (અજ.)એ ફરમાવ્યું :
سَلَامَ مَنْ لَوْ کَانَ مَعَکَ بِالطُّفُوفِ لَوَقَاکَ بِنَفْسِهٖ حَدَّ السُّيُوفِ
(ઝિયારતે નાહિયા)
“જો આપ ની સાથે કરબલામાં હતે તો જાનની બાજી લગાડીને તલવારોથી આપ નું રક્ષણ કરતે.”
મક્કાના વિજય પછી રિસાલત મઆબ સ.એ સ્ત્રીઓ પાસે બયઅત અને પાંચ નાજાએઝ કામો તરફ ધ્યાન દોર્યું. થોડી અભ્યાસપૂર્ણ દ્રષ્ટિથી અલ-મુન્તઝરના મોહર્રમુલ હરામના 1422 હિજરીના “આલે ઝીયાદ કોણ?” ના શિર્ષક હેઠળનો લેખ વાંચશો. જેમાં આ વિષય ઉપરની કાર્યવાહીની એક ઝલક જોવા મળે છે. એટલે કે અરબ સ્ત્રીઓમાં થોડી ચારિત્ર્યવાન ઉપરાંત તેમાં દર્શાવેલી ચારિત્ર્યહીન સ્ત્રીઓ પણ હતી. તેથી તેઓની ઉપર મનાઇના હુકમોની શરતો પણ લાગુ કરવામાં આવી હતી.
બીજો સમયગાળો મવલાએ કાએનાત અલી અલયહિસ્સલામનો છે. ઉસ્માનના કતલ પછી હઝરતના દરવાજા ઉપર મદીના વાસીઓ અને આજુબાજુના લોકોની ભીડ જામી. અને સૌએ ઇમામ અલી અલયહિસ્સલમાની સંપૂર્ણ તાબેદારીનો વાયદો કર્યો અને હઝરતના હાથ ઉપર બિનશરતી પોતાની બયઅત કરી. તે પછી આપે લોકોને કહ્યું, “એક તો મારો તમારી ઉપર હક છે અને એક તમારો મારી ઉપર હક છે કે હું તમારી ભલાઇ નજર સમક્ષ રાખું અને બયતુલ માલમાંથી તમને પૂરેપૂરો હક આપી દઉં. અને તમને શિક્ષણ આપું કે તમે અજ્ઞાન ન રહો અને તેવીજ રીતે તમને સારા સંસ્કારો શીખવાડું જેના ઉપર તમે અમલ કરો…. અને તમારા ઉપર મારો હક છે કે તમે બયઅત (ની જવાબદારીઓ)ને પૂરી કરો અને સામે અને પાછળથી ભલાઇ કરો. જ્યારે બોલાવું ત્યારે મારા અવાજ ઉપર લબ્બયક કહો અને જ્યારે કોઇ હુકમ આપું ત્યારે તેને બજાવી લાવો. (નહજુલ બલાગાહ સુબ્હી સાલેહ ખુત્બો 34)
ત્રીજો સમયગાળો એ છે કે જ્યારે ઇમામ હસન અલયહિસ્સલામ થોડા લોકો સાથે બેઠા હતા કે શામનો અમીર દાખલ થયો. થોડા લોકોએ તેના હાથ ઉપર બયઅત કરી ત્યારે ઇમામ અલયહિસ્સલામે ફરમાવ્યું:
أَ لَا تَعْلَمُونَ أَنَّنِي إِمَامُكُمْ مُفْتَرَضُ الطَّاعَةِ عَلَيْكُم‏
“શું તમે નથી જાણતા કે યકીનથી હું તમારો ઇમામ છું. તમારી ઉપર મારી તાબેદારી વાજીબ છે. (એટલે બયઅત ઇસ્લામનો પાયાનો નિયમ છે. જેની તાબેદારી તમારા ઉપર વાજીબ છે. તેને છોડીને બીજાની બયઅત કરો છો.) (કમાલુદ્દીન 1/316 પ્રકરણ 29, ભાગ 2)
ચોથો પ્રસંગ ઇમામ હુસયન અલયહિસ્સલામના જમાનાનો છે. જ્યારે યઝીદ ગાદી ઉપર આવ્યો અને મદીનાના હાકીમને પત્ર લખ્યો કે રસુલ સ.ના ફરઝન્દ હુસયન (અ.) પાસે બઅતની માગણી કરો. અથવા તેમનું માથું કાપી નાખો અને મને મોકલી આપો. વલીદ બીન ઉત્બાએ હઝરતને દારૂલ અમારામાં બોલાવીને બયઅત અંગે કહ્યું ત્યારે આપે ફરમાવ્યું : “હું નબીની અહલેબયત છું, રિસાલતના ઇલ્મનો ખજાનો છું. મલાએકાઓના આવવા જવાનું સ્થાન છું અને રહેમતનું કેન્દ્ર છું. એ અમીર ! યઝીદ શરાબ પીનારો છે. સન્માનીય માણસોને કત્લ કરે છે અને જાહેરમાં ગુનાહનું આચરણ કરે છે.”
مثلي لا يبايعُ مثله
મારા જેવો તેના જેવાના હાથ ઉપર બયઅત નહિ કરે. (અલ-મુન્તઝર હિ. 1422 મોહર્રમ અંક) અહીંથી આશરે છ મહિનામાં કરબલાની મહાન ઘટના બની.
જ્યારે બયઅતની પવિત્રતા અને તેની ભવ્યતાને દબાણપૂર્વક મેળવવાનું શરૂ થયું, અને સૌથી વધુ નજીસ રાજકર્તાઓ અલ્લાહના ખાસ બંદાઓ પાસે બયઅતની માંગણી કરવા લાગ્યા ત્યારે જાણે કે ઇસ્લામની આબરૂ ઉપર આફત આવી પડી. યઝીદના ગાદીવારસ થતાં પહેલા મોગીરાએ 40 વ્યક્તિઓને કુફાથી મોઆવીયા પાસે મોકલ્યા. જે લોકોએ યઝીદના હાથ ઉપર બયઅત કરી, યઝીદે તે લોકોના આગેવાનને ખુણામાં લઇ જઇને પૂછ્યું : મુગીરાએ તમારૂં ઇમાન કેટલામાં ખરીદ્યું. તેણે જવાબ આપ્યો 400 દિરહમમાં. (અલ મુન્તઝર મોહર્રમ હિ. 1422)
બયઅત એટલે કોલ-કરાર અને વફાદારી, વાયદો અને વચન, પવિત્રતા અને સ્વચ્છતા. આ બધું રાજકર્તાઓના દગા ફટકાથી નાશ થવા લાગ્યું. ઇસ્લામની રૂહ જાણે કે બયઅતના મેદાનમાં પોતાનું મુળ સ્થાન અને ઉચ્ચતા શોધી રહી હતી ત્યાં તો સય્યદુશ્શોહદા ઇમામ હુસયન અલયહિસ્સલામનો અવાજ મદીનાથી બુલંદ થયો. مثلي لا يبايعُ مثله અને સમગ્ર જગત ઉપર છવાઇ ગયો. હિ.સન 61નું નવું વરસ સાક્ષી છે કે પછી બયઅત ઝુલમ અને ખૂબ નીચતાભર્યા રાજકર્તાઓના દસ્તૂરથી ઘણી ઉચ્ચ બની ગઇ. અંતે તેના અંતિમ સૌથી વધુ સુરક્ષિત સ્થાનમાં સ્થાઇ બની ગઇ. આ એક હકીકત છે કે હઝરત હુજ્જત (અલયહિસ્સલામ) સામે આવશે અને ઝુહુરના સમયે બયઅતનું પુનરાવર્તન થશે. જ્યારે તેનો નકશો કિતાબોમાં સિલસિલાબંધ જોવામાં આવે છે ત્યારે ક્યારેક એવું લાગે છે કે કોઇ સોનેરી સ્વપ્નું જોઇ રહ્યો હોય. અને હૃદય ખુશીથી પુલકિત થઇ જાય છે. પછી જાણે સ્વપ્નાના મોજુદ રહેલા તારો વિખરાઇ જાય છે. પોતાના મુલ્ય વગરના કાળી યાદીવાળા આમાલનામા વચ્ચેથી કણસતા હિબકાઓ લેતો રૂહનો અવાજ સંભળાય છે. પછી ભયથી સમગ્ર શરીર ધ્રુજી ઉઠે છે. ક્યારેક એવું લાગે છે કે કોઇ જાણીતો ચહેરો દેખાઇ ગયો છે. જે કુફાની ચાર દિવાલોમાં શહાદતના સમયે કોઇના ઝબ્હ થવાથી આંસુ વહાવી રહ્યો છે. આ બધી હકીકત જાણ્યા પછી પણ અસરના ધગધગતા વાતાવરણમાં “હલમીન નાસેરીન…. ના અવાજ ઉપર લબ્બયક કહીને દોડવાને બદલે કોઇ નિરાશાની સાથે અર્થઘટનની પરેશાનીઓની સાંકળોથી બંધાઇને રહી ગઇ હોય. આ મારા આત્માનો પોતાનો અવાજ હતો. જે ઠંડા નિશ્વાસનો સહારો લઇને જીભ ઉપર અદા થઇ ગયો.
એટલા માટે કે આજે કરબલાની કરૂણ ઘટના પસાર થયાની 14 સદીઓ પસાર થઇ ગઇ. એટલે સુધી કે ગયબતે સુગરા આવી. અને મુશ્કેલીઓ દૂર થવાના દરવાજાઓ ઉપરથી પણ પહેરો હટાવી દેવામાં આવ્યો. એટલે કે નયાબતના દરવાજાઓ બંધ થઇ ગયા. ગયબતે કુબરાનો લાંબો સમયગાળો આવી ગયો. હવે આપણે શીયાઓને માટે મરજાઅના દરવાજાઓ ખટખટાવવાના દિવસો આવ્યા. અને આપણી રોજબરોજની આસાનીઓ માટે તકલીદનો માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો. ફકીહો અને સાલેહોએ પોતાની મહેનત અને કાબેલિયતથી શરીઅતના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સિલસિલો હઝરત હુજ્જત (અજ) સાથે કાયમ રાખ્યો. બયઅતની ભવ્યતા, તેની આબરૂ, તેનું મહત્વ, તેની તાજગી, તેની ખુશ્બુ, તાજા ફુલો ઉપર ધૂળ લાગવા ન દીધી. આપણા માટે મઅસુમીન (અ.)ની દોઆની સાથે તેની રીતભાત પણ અર્પણ કરી. એટલું જ નહીં બલ્કે કેટલો પરિશ્રમ વેઠ્યો હશે, કેટલાં દુ:ખો સહન કર્યા હશે, કેટલા પ્રયત્નો, સંશોધનો અને છાનબીન પછી ફકીહોે આપણને જ્ઞાનનો પ્રકાશ આપ્યો અને બયઅતનું અર્થઘટન કર્યું. અને તેના મૂળ અર્થથી જાણકાર બનાવ્યા કે “બયઅત માત્ર અલ્લાહના પયગમ્બર અને મઅસુમ ઇમામો અલયહેમુસ્સલામની જ થઇ શકે છે. અને બયઅતને તોડવી ગુનાહે કબીરા છે.” બેહારૂલ અન્વાર ભાગ 68 પાના 185ના હવાલાથી આ લખાણ નકલ કરવામાં આવ્યું છે કે ઇમામ મુસા બીન જઅફર અલયહોમાસ્સલામે ઇરશાદ ફરમાવ્યું :
“ત્રણ ગુનાહ એવા છે જે હલાક કરી દે છે અને સખત અઝાબમાં સપડાવી દે છે, બયઅતને તોડવી, સુન્નતને તજી દેવી અને જમાઅતથી દૂર રહેવું.”
આ સમગ્ર લખાણનો ખુલાસો એ છે કે બયઅતનું પ્રકરણ એક વિસ્તૃત ચર્ચા છે. જેનો એક ઐતિહાસિક મુદ્દો છે. જે સ્પષ્ટ શબ્દોમાં તેની ઓળખ કરાવે છે. બયઅતના સંદર્ભમાં ઇમાનની કેટલીક ગણતરી છે, કેટલાક માપદંડ છે જેના ઉપરથી અલ્લાહના દીન ઉપર યકીન રાખનારાઓનું ચારિત્ર્ય, બોલચાલ, રહનસહન બેસવા ઉઠવાની રીતભાત, ખોરાક અને પોશાક, સામૂહિક અને વ્યક્તિગત સંબંધો, એ બધું જે જીવનની મૂડી છે તેને પરખી, તોલી અને માપી શકાય છે. તેના થકી આપણને પોતાના અને પરાયા વચ્ચેનો ભેદ જાણી શકાય છે. સમજદારીની સાથે જીવવાની એક રીત પેદા થાય છે. આપણાઓમાં જેણે બયઅતનો પટ્ટો પોતાના ગળામાં બાંધ્યો છે તેમાં પણ વિચાર અને દ્રષ્ટિના દરજ્જાઓ ઉપર દરજ્જાઓ છે.
આ દ્રષ્ટિથી તે સમયને નજર સામે રાખીએ જ્યારે અલ્લાહની હુકુમતની સ્થાપના થશે. જ્યારે અલ્લાહની હુજ્જત સમગ્ર જગત ઉપર છવાઇ જશે. જ્યારે અલ્લાહની મખ્લુક, સર્જનો અને બધા બંદાઓ અલ્લાહના ખલીફાની દેખરેખ હેઠળ હશે. જ્યારે સૌથી પહેલા ઇમામતનો સૂર્ય ગયબતના ઘનઘોર વાદળોને હટાવીને પોતાનો પ્રકાશિત ચહેરો જાહેર કરશે. મકામે ઇબ્રાહીમ હશે. કાબાની દિવાલો હશે, સૌથી પહેલાં 313 અલ્લાહના ખાસ બંદાઓ આગળ ધપશે. આપ ના હાથ ઉપર બયઅત કરશે. સવાર ખુશ્નુમા હશે. વાતાવરણ સાંત્વન આપ નારૂં હશે. રૂહુલ અમીન અત્તરનો છંટકાવ કરશે. સવારના મંદ પવનની લહેરો શાંતિ બખ્શશે. બયઅતના મુલ્યોનો માપદંડ સામે હશે. દિલની ધડકનોમાંથી ફક્ત અલ્લાહને માટે અને ઇમામને માટેના નિખાલસ સૂરોનું રટણ અલ્લાહના નગ્માઓમાં ભળી જઇને વાતાવરણને ખુશગવાર બનાવી દેશે. શરતો, વાયદાઓ અને વચનો હશે, વફાદારી હશે, દોસ્તી અને વફાની મહેર હશે, પાક તીનત દ્રષ્ટિ ધરાવનારાઓને ભય કે ખતરો બિલ્કુલ નહિ હોય. આ બયઅતનામું એ છે કે જેને પરહેઝગારોના મવલા, સિદ્ધ પુરૂષ, રિસાલતના ઇલ્મના દરવાજા હઝરત અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ્સલામે પોતાની ખિલાફતના સમયમાં પોતાના શીયાઓને લેખિત રીતે આપી દીધું. જેથી આશાઓ તૂટી જવા ન પામે. નિરાશા પાસે ન આવે. પ્રતિક્ષા જીવંત રહે. વાસ્તવિકતાના પ્રકાશના કિરણો દેખાય. ઇન્શાઅલ્લાહ હઝરતના ઝુહુર વખતે આપણે પહેલી સફમાં હશું.
અને અલ્લાહના જાહેર કરાએલા કરામતવાળા હાથો ઉપર બયઅત કરવાનું સન્માન પ્રાપ્ત કરશું. તે બયઅતનામું આ પ્રમાણે છે:
કાએમ (અજ્જલલ્લાહો ફરજહુ શરીફ)ના અસહાબો આપ ના હાથો ઉપર બયઅત કરે છે કે :
1. ચોરી ન કરશું
2. ઝીના ન કરશું.
3. કોઇ મુસલમાનને ગાળ ન દેશું.
4. ખુંરેઝી (જે હરામ છે) ન કરશું
5. કોઇની આબરૂ ઉપર નજર ન નાખશું.
6. કોઇ ઘર ઉપર હુમલો કરશું નહિ.
7. કોઇને નાહક નહીં મારીયે.
8. સોનું, ચાંદી, ઘવ, જવનો સંગ્રહ ન કરશું.
9. યતીમનો માલ ન ખાશું.
10. જે વસ્તુ નથી જાણતા તેની સાક્ષી ન આપશું.
11. મસ્જિદને વેરાન ન કરશું.
12. દારૂ અને નશાયુક્ત વસ્તુઓથી પરહેઝ કરશું.
13. રેશમ અને સોનાના તારવાળા કપડાં નહિ પહેરીએ.
14. સોનાનો કમર-પટ્ટો નહિ પહેરીએ.
15. ડાકુગીરી નહિ કરીએ.
16. રાહદારી ઉપર તંગદીલી ફેલાવશું નહિ.
17. સમાન લીંગની સાથે અપકૃત્યુ થશે નહિ.
18. ખાવાની વસ્તુઓ જેમકે ઘઉં અને જવને બરબાદ ન કરશું.
19. થોડા ઉપર સંતોષ કરશું.
20. અત્તરનો ઉપયોગ કરશું.
21. ગંદકીથી દૂર રહેશું.
22. સારા કાર્યો કરવાની પ્રેરણા આપશું.
23. ખરાબ કાર્યોથી બચશું.
24. જાડા કપડાં પહેરશું.
25. માથાની નીચે માટીનો તકિયો રાખશું.
26. ખુદાની રાહમાં જે હક છે તે રીતે જેહાદ કરશું.
ઇમામ અલયહિસ્સલામ તેઓ સાથે કોલકરાર કરશે :
1. તેમની સાથે રહેશું.
2. તેમની જેવા કપડાં પહેરશું.
3. તેમના વાહનો જેવા વાહન રાખશું.
4. તેમની મરજી મુજબ કાર્ય કરશું.
5. ઓછામાં ખુશ રહેશું.
6. અલ્લાહ તબારક વ તઆલાની મદદથી દુનિયાને ન્યાયથી ભરી દેશું. જે રીતે ઝુલ્મ અને અત્યાચારથી ભરી હશે.
7. જે ઇબાદતનો હક છે તેવી ઇબાદત કરશું.
8. પોતાના માટે કોઇ દરવાન કે ચોકીદાર રાખશું નહિ.
(કિતાબે જહાન બઅદ અઝ ઝુહુર 125-126)
આજના શીયા સમાજને (પછી તે દુનિયાના ગમે તે ખુણામાં હોય) આ બયઅતની શરતો, વાયદો અને વચનો ઉપર ભરપૂર ધ્યાન આપવું જોઇએ. નાના હોય કે મોટા, ઓછું ભણેલા હોય કે વધુ, દરેકે આ બયઅતનામું જીવની જેમ રાખવું જોઇએ. જો આ બયઅતનામાની કલમો ઉપર ધ્યાન આપવામાં અને તેના ઉપર સમાજ અમલીકરણ કરે તો એક સંપુર્ણ સ્વસ્થ, ખુશહાલ અને પરિણામલક્ષી સમાજનું ઘડતર થશે. દરેક દ્રષ્ટિએ વ્યક્તિની આઝાદીના રક્ષણને નજર સમક્ષ રાખવામાં આવી છે. આપ પોતાની ફૌજના સરદારો અને લશ્કર પાસેથી આ વચન લેશે કે નાહક ખુનામરકી નહિ કરે. તાકતના બળથી યતીમોના માલ ઉપર હાથ નહિ નાખે. વ્યભિચાર અને બીજા અપકૃત્યોથી દૂર રહીને પવિત્ર જીવન પસાર કરશે. ઝગમગાટવાળા કપડાથી પરહેઝ કરશે. બીજાની સ્ત્રી ઉપર નજર નહિ નાખે. સાદા ખોરાક ઉપર સંતોષ માનશે. વિગેર… વિગેરે. અહીં એક મુદ્દો છે કે માટી ઉપર તકિયો કરશું. આ વાક્ય વાસ્તવિક પણ છે અને સાંકેતિક પણ છે. એટલે કે એક સૈનિક માટે એબ નથી કે તે માટીને તકિયો બનાવે અને તે સરખામણી અબુ તુરાબના પુત્રોના અનુયાયીઓ સાથેની છે. આ નમ્રતાની અને સાદગીની નિશાની છે. પછી તે દૂરદૂરના દેશોની સેવા કરવા જેવી જવાબદારી પણ કેમ ન હોય અને હુકમો આપવાની સત્તા પણ પોતાના હાથમાં કેમ ન હોય.
આ બયઅતનામું એક ન્યાય કરનારને ન્યાયનું આમંત્રણ આપી રહ્યું છે. તેને દ્રષ્ટિ સમક્ષ રાખો. મૌલાએ- કાએનાતના જમાનાથી 14 સદીઓ પસાર થઇ ગઇ. અને આ બયઅતનામું ઇતિહાસના પાનાઓ ઉપર તબ્દીલ થઇને -સફર કરીને- આપણા સુધી આવી ગયું છે. આ લાંબી મુદ્દતમાં સવાલ કરી શકાય છે :-
1. શું સફરનો માર્ગ સંપુર્ણ સંશોધનો અને સુરક્ષાનો પ્રબંધ થવા પછી પણ સલામત છે ?
2. શું ખુંરેઝી-રક્તપાતમાં કમી આવી છે ?
સાચું તો એ છે કે દરેક પગલું ભયના માર્ગમાં પડી રહ્યું છે.
3. શું માનવ-હકો ઉપર ત્રાપ મારવાની સંખ્યા ઓછી થઇ છે?
4. શું ચારે તરફથી નિરાધાર, નિ:સહાય, નિર્બળ લોકોના નિશ્વાસ નથી સંભળાતા?
આ બયઅતનામાની આશાએ આ ઘનઘોર અંધારામાં હજારો દિપકો પ્રગટાવી દીધા છે. મઅસુમો (અ.)એ આ શીખ આપી છે કે દરરોજ સુબ્હના સમયે દરેક શીયાએ દોઆએ અહદ શાંત ચિત્તે એકાગ્રતાથી પડવી જોઇએ. તેના અર્થ અને મતલબ ઉપર ધ્યાન આપે. દોઆએ અહદના આ વાક્ય ઉપર ખૂબજ ચિંતન અને મનન કરે.
اَللّٰهُمَّ إِنِّي أُجَدِّدُ لَهُ فِي صَبِيحَةِ يَوْمِي هَذَا وَ مَا عِشْتُ مِنْ أَيَّامِي عَهْداً وَ عَقْداً وَ بَيْعَةً لَهُ فِي عُنُقِي
એ અલ્લાહ ! આજના દિવસે, આ સવારના અને જ્યાં સુધી જીવતો રહીશ ત્યં સુધી તે હઝરત (અજ)થી વાયદા અને વચનને દોહરાવું છું અને દોહરાવતો રહીશ અને તે હઝરત (અજ)ની બયઅતની તોક મારા ગળામાં પહેરી રાખીશ. (દોઆએ અહદ મફાતિહ- પા. 542)
في صبيحۃ يومي ھذا
મારો દિવસ સુબ્હથી શરૂ થાય છે. દોઆએ અહદ સંબોધન કરે છે. કસોટીનો દિવસ શરૂ થઇ રહ્યો છે. નફસનો હિસાબ કરવો જરૂરી છે. ત્યાગ અને બલીદાનનું ચલણ બાકી રહે. અમીરો માટે રેહમદીલી અને વફાદારીનો સંદેશ છે. ગરીબો માટે સંતોષની તાકીદ છે. પેટને ગંદકી અને હરામથી બચાવી રાખો. આ દિવસ ચારિત્ર્ય બનાવવાનો છે. વ્યક્તિત્વને શણગારવાનો છે, શિક્ષણ અને સંસ્કૃતિનો છે. આવી બીજી સવાર આવશે પછી સૂરજ ઉપર ચઢશે. બપોર થશે ત્રીજા પહોરનો છાંયો ઢળશે. સંધ્યાની કાલીમાં વધશે. રાત ઉંઘની ખુમારી લઇને આવશે. પછી નમાઝ પઢનારાઓ માટે દોઆએ અહદ કહેશે. છેવટે સાંભળનાર કહેશે :
و اکحل ناظري بنظرۃ منّي اليه
“અને સુરમો લગાડી દો મારી આંખોમાં તેમના દીદારનો.
નિશાનીઓ બતાવી રહી છે કે તે સવાર નજદિક છે જે સીધો માર્ગ દેખનાડનારના ચહેરાના અનેક રંગોનો પ્રકાશ લઇને આવશે. પવિત્ર ચાહનારાઓના સમૂહો આપ ની આજુબાજુ હશે. બયઅતનામું, જે આપ ના દાદાએ ઇતિહાસના પાનાઓ ઉપર સુરક્ષિત કરી દીધું છે તે આપ પોતાની સામે રાખશે. આગેવાનો અને વાયદો દેનારાઓ સાથે કોલ અને કરાર થશે.
રજઅત :
રજઅત થશે. તિરાડો પડેલી કબરોના મોઢાઓ ખુલી જશે. પ્રતિક્ષા કરનાર મુન્તઝેરીન જેઓએ રાતના જાગીને, રાતોને જીવંત રાખી છે, તેઓ કફન ખભા પર રાખી ભાલાને સંભાળતા હોઠો પર લબ્બૈકના અવાજ સાથે, આં હઝરત (અજ.)ની અવાજ પર આપ (સ.)ની ખીદમતમાં હાજર થશે. દોઆએ અહદની સનદ હશે એટલું જ નહીં બલ્કે દોઆએ અહદની સચ્ચાઇ બોલશે કે આ તે છે જે દરરોજ સવારે બયઅતને દોહરાવતા હતા અને કેહતા હતા :
عَهْداً وَ عَقْداً وَ بَيْعَةً لَهُ فِي عُنُقِي
એ અલ્લાહ તબારક વ તઆલા તારા રહેમ અને કરમથી અમારી ગંદકીઓને સ્વચ્છતામાં બદલી દે. અમને શરીરની સ્વચ્છતા અને દિલની સ્વચ્છતા અર્પણ કર. અમારી આંખોની અને રૂહની દ્રષ્ટિ અને સમજશક્તિને બચાવી લે. આરોપોનું જોર છે તેનો સામનો કરવાની શક્તિ અર્પણ કર. જે માતાઓના ખોળામાં આ કોમ ઉછરી રહી છે તેઓને જનાબે ઝયનબ (અ.)ની સબર, ઇલ્મ, નમ્રતાના પ્રકાશનું એક કિરણ અતા કર અને તે બીબીની ચાદરના સદકે અમારી નારીઓને (સ્ત્રિઓને) પર્દાની તૌફીક આપ, જેથી આ હઝરત (અ.)ના લશ્કર માટે એવા વારસદારોનો ઉછેર કરે જે તે સમયે જ્યારે નાશેરીલ અદ્લ ફીત્તવ્લે વલ્અર્ઝ નો દરબાર શણગારેલો હોય અને હુઝુરે આસમા જનાબ, અજ્જલલ્લાહો તઆલા ફરજહુ શરીફ, ઇલાહી હુકુમતના પ્રણેતા હોય તે વાતાવરણમાં હાજર થાય અને તેમની બયઅત કરવાનું સન્માન પ્રાપ્ત કરે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *