Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૩ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. ના નાએબે ખાસ

બીજા નાએબે ખાસ જનાબ મોહમ્મદ બિન ઉસ્માન બિન સઇદ અમ્રવી

Print Friendly, PDF & Email

જનાબ મોહમ્મદ બિન ઉસ્માન બિન સઇદ અમ્રવી
અલ-મુન્તઝરના વાંચકો 15, શઅબાનુલ મુઅઝ્ઝમ હિ.સન 1421ના વિશેષ અંકમાં “નયાબતની જરૂરત અને હિ. સન 1422ના વિશષ અંકમાં “પહેલા નાએબે ખાસ શિર્ષકો હેઠળના લેખોનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આ વરસે આ વિષયના અનુસંધાનમાં ત્રીજી કડી એટલે કે બીજા નાએબે ખાસ જનાબ મોહમ્મદ બીન ઉસ્માન બીન સઇદ અમ્રવી રીઝવાનુલ્લાહ તઆલા અલયહેના જીવન ઉપર પ્રકાશ પાડશું.
કાલ ઇમામ હસન (અ.સ.) : અલ્અમ્રીય્યી વબ્નોહુ સેકતાને ફમા અદ્દયા એલય્ક ફઅન્ની યુદ્દેયાન
“ઇમામ હસન અસ્કરી (અ.)એ ફરમાવ્યું : અમ્રવી (ઉસ્માન બીન સઇદ રીઝ.) અને તેમના પુત્ર (મોહમ્મદ બીન ઉસ્માન) બન્ને ભરોસાપાત્ર છે. આ બન્ને જે કાંઇ તમારા સુધી પહોંચાડે છે તે અમારા તરફથી પહોંચાડે છે. (તારીખુલ ગયબતે અસ્સુગરા-સય્યદ મોહમ્મદ બાકિરુ સ્સદ્ર કૃત પાના 403)
ઇમામે ઝમાના (અ.સ.)એ ફરમાવ્યું : લમ યઝલ સેકતોના ફી હયાતીલ-અબ (રઝી.)
“તેઓ પોતાના પિતા (ઉસ્માન બીન સઇદ (રઝી.)ના ઝમાનાથી જ અમારા માટે ભરોસપાત્રા અને વિશ્ર્વસનીય છે.”
આપણા લાખો સલામ એ મહાન હસ્તી ઉપર જેની કારકિર્દી માટે બે મઅસુમ ઇમામો (અ.) કહે છે કે મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.) અમારા માટે વિશ્ર્વસનીય અને ભરોસાપાત્ર છે.
અમે સાક્ષી આપીએ છીએ કે મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.) (નાની ગયબતમાં) જમાનાના ઇમામ સુધી પહોંચવાનો દરવાજો છે. આપે નયાબતના કાર્યને ખુબજ સુંદર રીતે પાર પાડ્યું. આપ અમીન પ્રતિનિધી હતા. અને સાક્ષી આપીએ છીએ કે ખુદાએ આ નયાબત અને પ્રતિનિધિત્વના હોદ્દાને પોતાના નુરથી મખ્સુસ કર્યા.
આ જ મઅરેફતની સાથે અમે આપ ની પરિસ્થિતિ જાણવા ચાહીએ છીએ.
નોંધ : નયાબત અને પ્રતિનિધિત્વના મહાન હોદ્દાના મહત્વનો અંદાજ અમે અગાઉના અંકોમાં આપી ચૂક્યા છીએ. નયાબત અને નાએબની ઓળખ પછી જનાબ મોહમ્મદ બીન ઉસ્માનની જીવનશૈલી જાણીને જમાનાના ઇમામ અને તેમના નાએબ અંગેની આપણી અકીદત વધુ દ્રઢ થઇ જશે.
નામ, લકબ અને કુન્નીય્યત :
આપ નું નામ મોહમ્મદ, આપ ના પિતાનું નામ ઉસ્માન અને દાદાનું નામ સઇદ હતું. ઉસ્માન બીન સઇદના દાદા અમરૂ હતા. તેથી આપ ના નામની સામે અમ્રવી (અમ્રી) લખવામાં આવે છે. આ રીતે આપ ઇતિહાસમાં મોહમ્મદ બીન ઉસ્માન બીન સઇદ અમ્રવી કહેવાય છે. આપ ની કુન્નીયત અબુ જઅફર હતી. તે સિવાય આપ ની બીજી કોઇ કુન્નીયત કિતાબોમાં નથી મળતી. આપ ના લકબો અમરી, અસદી, કુફી, સમ્માન અને અસ્કરી પણ દર્શાવવામાં આવ્યા છે.
વિદ્વાનોની દ્રષ્ટિએ આપ નું મહત્વ :
આ લેખની શરૂઆતમાં ઇમામે હોદા અલયહેમુસ્સલામથી આપ ની મહાનતાનો અંદાજો થઇ ચૂક્યો છે. હવે વિદ્વાનોના કથનો જુઓ :-
શયખ તુસી પોતાના પુસ્તક રેજાલમાં લખે છે : “મોહમ્મદ બીન ઉસ્માન બીન સઇદ અમરવી, આપ ની કુન્નીયત અબુ જઅફર અને આપ ના પિતાની કુન્નીયત અબુ અમરૂ છે. બન્ને, જમાનાના ઇમામના વકીલ હતા. અને બન્ને, તાએફે શીયા ઇમામીયા પાસે ઉચ્ચ સ્થાન ધરાવે છે. (રેજાલે તુસી 101 પાનું 509)
આવા જ પ્રકારનું કથન અલ્લામા હીલ્લીએ પોતાની રેજાલ, (પહેલી) “મીમ અક્ષર 58 નંબરમાં લખેલ છે.
મરહુમ મામકાનીએ તન્કીહુલ મકાલમાં લખ્યું છે કે આ વ્યક્તિ (મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.))નું સ્થાન અને ઉચ્ચતાનું મહાન હોવું અને આપ ની ઉચ્ચ કક્ષા ઇમામોના સાથીદારોની નજદિક કોઇ સ્પષ્ટીકરણ અથવા દલીલ કે પુરાવા ભેગા કરવા કરતાં વધુ મશહુર છે.
આપ ના પિતાની જીવનશૈલીથી જણાય છે કે આપ પોતાના પિતાના જીવન દરમિયાન જ જમાનાના ઇમામ અલયહિસ્સલામની નયાબત અને વકીલાતની સનદ મેળવી ચૂક્યા હતા.
આપે આ વિષે મરહુમ મજલિસીનું પુસ્તક બેહારૂલ અન્વારના હવાલાથી લખ્યું છે.
આયતુલ્લાહુલ ઉઝમા સય્યદ અબુલ કાસિમ ખુઇ (તાબ સરાહે) કિતાબ : મોઅજમુર-રેજાલુલ-હદીસમાં લખ્યું છે :
“વર્રે વાયાતો ફી જલાલતેહી વ અઝમતેહી મકામેહી મોતાઝફરતુન
“આપ (મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.))ના સ્થાન અને મરતબાની વિશેષતા અને મહાનતાના બારામાં જે રિવાયતો નકલ થઇ છે તે ઘણી વધારે છે.
અમુક રેજાલના આલીમોએ આપ ને સંપાદક અને લેખક દર્શાવ્યા છે. તેથી એક ખુબજ જાણીતું અને મશહુર કથન આ રીતે નકલ કરવામાં આવ્યું છે.
ઇબ્ન નુહ (અબુલ અબ્બાસ અહમદ બીન અલી બીન નુહ સયરાફી) કહે છે : અબુ નસ્ર હેબતુલ્લાહ, ઉમ્મે કુલસુમ બિન્તે અબુ જઅફરના નવાસા (ઉમ્મે કુલ્સુમ મોહમ્મદ બીન ઉસ્માનની દિકરી હતા. અબુ નસ્રહ હેબતુલ્લાહ ઉમ્મે કુલસુમના નવાસા હતા) કહેતા હતા કે હ. અબુ જઅફર મોહમ્મદ બીન ઉસ્માને ફીકાહમાં પુસ્તકો લખ્યા છે અને આ બધી હદીસોને ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામ, ઇમામ ઝમાના અલયહિસ્સલામ અને તેમના પિતા ઉસ્માન બીન સઇદથી (જે ઇમામ અલી નકી અલયહિસ્સલામ અને ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામથી નકલ કરતા હતા) સાંભળી હતી.
આ બધી કિતાબોમાંની એક કિતાબ “અલઅશરબહ” હતી. ઉમ્મે કુલ્સુમ બિન્તે અબુ જઅફર (રઝી.) ફરમાવતા હતા : આ કિતાબ મોહમ્મદ બિન ઉસ્માન (રઝી.)ની વસીય્યત મુજબ હુસયન બીન રવહ (ત્રીજા નાએબ)ની પાસે પહોંચી હતી. અને તેમના હાથમાં હતી. અબુ નસ્ર કહે છે હું માનું છું કે હુસયન ઇબ્ન રવહ પછી આ કિતાબ અબુલ હસન સૈમુરી (ચોથા નાયબ)ની પાસે પહોંચી. (અલ-ગયબહ-શયખ તુસી કૃત, પાના 363)
મરહુમ આયતુલ્લાહુલ ઉઝમા ખૂઇએ મોઅજમુર-રેજાલમાં આ હદીસ પછી આ રીતે મંતવ્યો દશર્વ્યિા છે:-
આ રિવાયત બે બાબતોને સાબિત કરે છે :
(1) મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.) કિતાબના લેખક હતા.
(2) આપે ઇમામ હસન અસ્કરી અને ઇમામ ઝમાના (અલયહોમાસલામ)થી રિવાયતો નકલ કરી છે.
શિયાઓના મરજઅ અને આશ્રય સ્થાન :
જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.)ના જીવન ઉપર નજર કરીએ અને આપ ના થકી નકલ થએલી હદીસો અને આપ ના નામથી રજૂ કરવામાં આવેલ સૂચના પત્રો (તૌકીઆત)નો અભ્યાસ કરીએ તો સરળ રીતે સમજાય જશે કે બધા ઇસ્લામી શહેરોના આપ ના બધા વકીલો ચર્ચા, ફીકાહ, સામૂહિક મસાએલો કે પ્રશ્નો માટે આપ ની તરફ રજૂ થતા હતા. ઉદાહરણ રૂપે પ્રસંગ ટાંકીએ છીએ.
અબુલ હસન અલી બીન અહમદ દલ્લાલ કુમ્મી કહે છે : “શીયાઓની એક જમાતમાં એ વાતનો મતભેદ થયો કે શું ખુદાવંદે આલમે સર્જન અને રોજીની શક્તિ ઇમામોને સુપ્રત કરી છે કે નથી કરી ? એક જમાતનું કહેવું છે કે આ અસંભવ છે, ખુદાના માટે આ જાએઝ નથી. કારણ કે શરીરોને ખુદાની સિવાય બીજું કોઇ પેદા કરી શકે નહિ. જ્યારે બીજી જમાતનું કહેવું છે કે ખુદાવંદે મોતઆલે ઇમામોને સર્જન કરવાની અને રોજી આપવાની શક્તિ અર્પણ કરી છે તેથી તેઓ સર્જન કરે છે અને રોજી આપે છે. આ અનુસંધાનમાં પ્રચંડ મતભેદ થયો. એક માણસે કહ્યું કે તમે અબુ જઅફર મોહમ્મદ બીન ઉસ્માન અમરવી તરફ આ અંગે કેમ રજૂ નથી થતા અને તેમને આ સવાલ નથી કરતા જેથી તે તમને સત્ય જાહેર કરે. તે ઇમામ ઝમાના (અલયહિસ્સલામ)ના પ્રતિનિધિ છે. બધા આ વાતથી રાજી થઇ ગયા અને અબુ જઅફર પાસે રજૂ થયા. તેથી એક ચીઠ્ઠીમાં આ સવાલ લખી તેમને સુપ્રત કરવામાં આવી. આપે ઇમામે ઝમાના (અ.) પાસે આ ચીઠ્ઠી રુજુઅ કરી. જવાબમાં એક તૌકીઅ આવી, જેમાં લખાણ હતું : નિશંક માત્ર ખુદાવંદે મોતઆલ શરીરોને પેદા કરે છે અને રોજીને વહેંચે છે. પરંતુ ન તો તે શરીર છે અને ન તો શરીરમાં પરિવર્તન કરે છે, અને કોઇ પણ વસ્તુ તેની પ્રતિકૃતિ નથી. તે (અલ્લાહ) સાંભળનાર અને જાણનાર છે. ઇમામો ખુદાવંદે આલમ પાસે માગે છે અને તે (અલ્લાહ) પોતેજ પેદા કરે છે. તેઓ ખુદાને દરખાસ્ત કરે છે તેથી તેઓની દરખાસ્તને કબુલ કરવા માટે અને તેઓના હકને વિશેષતા આપવા માટે તેઓને રોજી અને સર્જન ઉપર શક્તિ અર્પણ કરે છે.
આપ ની નયાબતનો સમય ઘણો લાંબો છે. અમે અગાઉ જણાવ્યું તે મુજબ આપ શીયાઓ માટે મરજઅ હતા. અસંખ્ય ઇલ્મ, ફીકાહ, સામૂહિક અને વ્યક્તિગત મસઅલાઓ અને મુશ્કેલીઓનો ઉકેલ આપતા રહ્યા છે. આ લાંબા સમયગાળામાં જે કાંઇ સૂચનો-તવકીઓ ઇમામ ઝમાના (અ.) તરફથી મેળવી છે તે અક્ષરે અક્ષર વિષય અનુસાર જુદી જુદી કિતાબોમાં મોજુદ છે. જ્યારે અમુક કિતાબોમાં પૂરેપૂરી તવકીઅ એકજ જગ્યાએ નકલ થઇ છે.
એક ખૂબજ મહત્વની તવકીઅ જે આપ ની મારફતે ઇસ્હાક બીન યઅકુબના નામે સાદર થઇ છે તેનો અમુક ભાગ અહીં લખી રહ્યા છીએ. આ તવકીઅ જુદાજુદા સવાલોના જવાબમાં આવી છે.
ઇસ્હાક બીન યઅકુબ ફરમાવે છે કે આ તવકીઅ મારા મવલા ઇમામ ઝમાના (અ.)ના પવિત્ર હાથોથી લખેલી આ રીતે મળી : ખુદા તમારી હિદાયત કરે. અને સાચા અકીદા ઉપર બાકી રાખે. અને જે રીતે તમે સવાલ કર્યો છે કે મારા ખાનદાનના અમુક લોકો અને મારા કાકાના દિકરા ભાઇઓએ મારા વજુદનો ઇન્કાર કર્યો છે. તો જાણી લો, ખુદા અને કોઇ વ્યક્તિની વચ્ચે સગપણ નથી. અને જે માણસ અમારા વજુદને નકારતો હોય તો અમારામાંથી નથી. અને જે માર્ગ ઉપર તે ચાલી રહ્યો છે તે નૂહ (અ.)ના દિકરાનો માર્ગ છે. અને જે માર્ગ અમારા કાકા જઅફર અને તેમની અવલાદે અપ નાવ્યો છે તે યુસુફ (અ.)ના ભાઇઓનો માર્ગ છે.
આ તવકીઅનો બીજો વિષય : પરંતુ ફક્કાઅ (જવનો શરાબ) તેનું પીવું હરામ છે. પરંતુ શલમાબ પીવામાં કોઇ વાંધો નથી. (શલમાબ શયલમમાંથી બનાવવામાં આવે છે, આ જવના દાણાની જેવા હોય છે.)
જ્યાં સુધી વાત છે તે માલોની જે તમે હદીયાના નામથી અમને પહોંચાડો છો. તો અમે તે તમારા ગુનાહોને પાક કરવા ખાતર કબુલ કરીએ છીએ. તેથી જે ઇચ્છે છે તે અમને માલ પહોંચાડે છે અને જે નથી ઇચ્છતા, નથી પહોંચાડતા. જે કાંઇ ખુદાએ અમને આપ્યું છે તે વધુ સારૂં છે તેના કરતા જે કાંઇ તમે આપો છો.
ઝુહુરના સમયની કોઇને પણ ખબર નથી :
આ તવકીઅમાં આગળ ફરમાવે છે : મારા ઝુહુરનો સમય ખુદાવંદે મોતઆલના ઇરાદા સાથે સંકળાએલો છે. જે કોઇ ઝુહુરનો સમય નક્કી કરશે તે જુઠ્ઠો છે.
માર્ગદર્શન :
અને જ્યારે નવા નવા બનાવો અને પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે અમારી રિવાયતોને રજૂ કરનારાઓ (હદીસના રાવીઓ (ફકીહો))નો સંપર્ક કરો. કારણ કે તેઓ તમારી ઉપર અમારી હુજ્જત છે અને હું તેઓના ઉપર ખુદાની હુજ્જત છું.
તે પછી હઝરત (અજ)ની અમુક વાતો મોહમ્મદ બીન ઉસ્માન અમરી (રઝી.)ની વિશ્ર્વસનીયતા, અલી બીન મહઝયાર અહવાઝીની શંકા અને તેને રદ કરવાની બરતરફીનો દોઆ, પછી ગાનારી સ્ત્રીનો માલ હરામ હોવો, મોહમ્મદ બીન શાઝાન બીન નઇમ નિશાપુરીની અહલેબયતના દોસ્તોમાં ગણતરી કરવી, અબુલ ખત્તાબ મોહમ્મદ બીન અબી ઝયનબ અને તેના અનુસરનારાઓને મલઉન ગણવા, આ પ્રકારના બીજા ઘણા મહત્વના મસઅલાઓ તરફ તાકીદ છે.
સેહમે ઇમામનો અયોગ્ય ઉપયોગ : ફરમાવે છે : અને જે લોકો અમારા માલ (સેહમે ઇમામ)ને પોતાની પાસે સંભાળીને રાખે છે, અગર જો તેમાંનો થોડો ભાગ પોતાના માટે હલાલ ગણે છે અને ઉપયોગ કરે છે તો તે એવું છે કે તે લોકોએ આગ ખાધી હોય.
ગયબતનું કારણ ? : અને ગયબતનું કારણ જે છે તે ખુદાવંદે આલમનું ફરમાન છે:
યા અય્યોહલ્લઝીના આમનુ લા તસ્અલુ અન અશ્યાઅ ઇન તોબદલકુમ તસ્ઉકુમ
(સુ. માએદાહ : 102)
“એ ઇમાન લાવનારાઓ! તમે એવી બાબતના બારામાં સવાલ ન કરો કે જો તમે જાણી લો તો તે તમને નારાજ અને દુ:ખી કરે.”
ઇમામે ઝમાનાના શિરે કોઇની પણ બયઅત નહિ હોય :
આજ તવકીઅમાં ફરમાવે છે :
મારા બાપ-દાદાઓ પોતાના સમયના ઝુલ્મી હાકીમોની હુકુમતમાં જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ હું એવા જમાનામાં કયામ કરીશ જ્યારે કોઇ શયતાનની સત્તા મારી ગરદન ઉપર ન રાખતો હોઇશ. આજ તવકીઅમાં વાદળોની આડમાં સૂરજથી થતા ફાયદાના દાખલાથી ગયબતમાં ઇમામ (અજ)થી ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.
આ જ તવકીઅને મરહુમ શયખ સદુક (રહ.)એ કમાલુદ્દીન ભાગ 2/483 હદીસ નં. 4, મરહુમ અલ્લમા મજલીસી (રહ.)એ બેહારૂલ અનવાર ભાગ 53-180 હદીસ 10માં દર્શાવેલ છે :
આવી જ રીતે ઇમામે ઝમાના (અજ)ની ઘણી તવકીઓ જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.) થકી મોકલવામાં આવી છે. થોડી બીજી વ્યક્તિઓ જેમના નામે તવકીઅ આવી છે તે નીચે મુજબ છે :
અબુલ હુસૈન મોહમ્મદ બીન જઅફર અસદી :
તેઓ રય શહેરમાં મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.)ના વકીલ તરીકે કામ કરતા હતા. આપ નું મૃત્યુ રબીયુસ્સાની હિ.સ. 312માં થયું. આપ ના જ નામ ઉપરની તવકિઅમાં લખ્યું હતું કે નમાઝ કાયમ કરો, જેમ તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાના સમયે નમાઝ પઢવાના બારામાં સવાલ કર્યો છે અને જેમકે લોકો કહે છે અને તેવીજ રીતે હોય કે સૂરજ શયતાનની બે ડાળોની વચ્ચે ઉદય પામે છે અને બે ડાળોની વચ્ચે અસ્ત થાય છે તો પછી કોઇ વસ્તુ નમાઝથી વધુ સારી શયતાનના નાકને માટી ઉપર નથી રગડતી (ઘસતી). તેથી નમાઝને કાયમ કરો અને શયતાનનું નાક માટીમાં રગડી દો.
(કમાલુદ્દીન 2/520 ભા.49)
પતિ-પત્નીના મતભેદનું સમાધાન :
આ તવકીઅની વાત કરીએ તે પહેલા તેના અમલીકરણના પાસાઓ ઉપરની ચર્ચા બહેતર છે. પયગમ્બર અકરમ (સ.) અને અઇમ્મએ હોદા (અલયહેમુસ્સલામ) ઉમ્મતના વાલીઓ છે. આ બાબત વિષે આ લેખમાં ઉપર લખાઇ ચૂક્યું છે કે ખુદાવંદે આલમે તેઓની ભવ્યતા અને મહાનતા ખાતર તેઓને ઘણી શક્તિઓ અર્પણ કરી છે. આ હઝરતો રોજી આપવાની શક્તિ ધરાવે છે. એટલે કે તેઓ જે વસ્તુની ખુદા પાસે માગણી કરે છે તે નકારતો નથી. આ તવકીઅમાં આ વાત ઉપર ઇશારો કરવામાં આવ્યો છે.
અબુ ગાલીબ અહમદ બીન મોહમ્મદ ઝોરારી કહે છે : મારી અને મારી પત્નિ વચ્ચે મોટો મતભેદ અને દુશ્મની પેદા થઇ ગઇ. અમારી વચ્ચે સમાધાનની બધી શક્યતાઓ પૂરી થઇ ગઇ. આ મતભેદ લાંબો ચાલ્યો. તેના કારણે હું ઘણી માનસિક તાણ અનુભવતો હતો. તેથી મેં એક પત્ર જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.)ને આપ્યો કે તે તેને ઇમામે ઝમાના (અ.)ની સેવામાં પહોંચાડી આપે. આ પત્રમાં મેં દોઆ માટે દરખાસ્ત કરી હતી. પત્રના જવાબમાં ઘણું મોડું થયું. એક વખત અબુ જઅફર (મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.)) સાથે મુલાકાત થઇ ત્યારે આપે કહ્યું : તમારા પત્રનો જવાબ આવી ચૂક્યો છે. પછી તેમના ઘરે ગયો. એક ચોપડો કાઢ્યો અને તેના પાનાઓ ત્યાં સુધી ફેરવ્યા કે એક પત્ર મળ્યો અને મને દેખાડ્યો. જેમાં લખેલું હતું : પતિ અને પત્નિ અંગેનો જે પ્રશ્ર્ન પૂછ્યો હતો તો ખુદાવંદે આલમે તેઓની વચ્ચે સુલેહ અને શાંતિ સ્થાપિત કરી દીધી છે.
અબુ ગાલીબ ઝોરારી કહે છે કે મારી પત્નિ હંમેશા કડકાઇથી વર્તન કરતી હતી. પરંતુ આ પ્રસંગ પછી ભૂતકાળના મતભેદોની જેમ કોઇ પ્રસંગ બન્યો નહિ. બલ્કે હું ક્યારેક જાણીબુઝીને એવું કામ કરતો કે તેને ગુસ્સે કરૂં. પરંતુ તેની તરફથી કોઇ પ્રતિભાવ જણાતો ન હતો. (પઝે વહશીએ પીરામુને ઝીન્દગાનીએ નુવ્વાબે ખાસે ઇમામે ઝમાના (અ.) (ઇમામે ઝમાના (અ.)ના ખાસ નવાબોના જીવન) પાના 176)
મોહમ્મદ બીન ઉસ્માન અને ખોટા દાવા કરનારાઓ :
ઇમામ અલી નકી અને ઇમામ હસન અસ્કરી (અલયહોમા સલામ) તે સમયની ખાસ પરિસ્થિતિ અને શરતોને કારણે લોકોના જાહેર સમૂહમાં ઘણા ઓછા જતા હતા. તેથી આપ હઝરતો (અ.)એ ખાસ પ્રતિનિધિઓ નિમ્યા હતા. જેથી ઇમામ અને સમાજ વચ્ચે સંપર્ક ચાલુ રહે. લોકો આ વ્યવસ્થાથી ટેવાઇ પણ જાય અને નાની ગયબત માટે પૂર્વ ભુમિકા બાંધી શકાય. ટૂંકમાં લોકોએ આ વ્યવસ્થાને સમજી લીધી અને તે રીતે ટેવાઇ પણ ગયા. નાની ગયબતમાં ખાસ નવાબો થકી પોતાની મુશ્કેલીઓને ઇમામ (અ.)ની સમક્ષ પહોંચાડવા લાગ્યા અને ઉકેલ મેળવવા લાગ્યા. અમુક કાચા ઇમાન, ટૂંકી દ્રષ્ટિ અને લેભાગુ લોકોએ લાભ લેવા ચાહ્યું અને સાહેબુલ અમ્ર (અલયહિસ્સલામ)ની નયાબતનો દાવો કરી બેઠા. આ વિષય ઉપર આપ અગાઉના અંકોમાં ઘણા લેખો વાંચી ચૂક્યા છો, તેથી તેની વધુ જરૂર નથી. અલબત્ત, અબુ જઅફર મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.)ના સમયમાં જે લોકોએ દાવો કર્યો તેઓના નામ આપી રહ્યા છીએ.
(1) અબુ મોહમ્મદ હસન શરીઇ
(2) મોહમ્મદ બીન નસીર નુમૈરી
(3) અહમદ બીન હીલાલ અબરતાઇ
(4) અબુ તાહેર મોહમ્મદ બીન અલી બીન હીલાલ
(5) અબુબક્ર મોહમ્મદ બીન અહમદ બીન ઉસ્માન
અબુબક્ર બગદાદી નામે ઓળખાતા. આ મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)ના ભત્રીજા હતા.
(6) ઇસ્હાક અહમદ
(7) બાકેતાની
(8) હુસયન બીન મન્સુર હલ્લાજ
નોંધપાત્ર :
ઉપરોક્ત વ્યક્તિઓના બારામાં અગાઉના અંકોમાં વિસ્તારપૂર્વક વિગતો આપવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે આ બધી વ્યક્તિઓ જનાબ મોહમ્મદ બીન ઉસ્માનના હરીફ હતા અને તેમની નયાબતનો ઇન્કાર કરતા હતા. તેમાંના મોટા ભાગના અકીદાઓ મર્યાદા ઓળંગી ચૂક્યા હતા. અમુક વ્યક્તિઓ ઇમામ, હાદી અને ઇમામ હસન અસ્કરી (અલયહોમા સલામ)ના જીવન દરમ્યાન જ હદ ઓળંગનારા અને મલઉન ગણાતા હતા. આથી તેઓ મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)ની કેટલી ઇર્ષ્યા કરતા હશે અને આપ ના કામોમાં કેટલી અડચણો ઊભી કરતા હશે તેનો અંદાજ આવી જાય છે. પરંતુ આપ ઇમામની મદદ હેઠળ આ બધા લોકોને પહોંચી વળ્યા અને પોતાની નયાબતની ફરજ બજાવતા રહ્યા.
મોહમ્મદ બીન ઉસ્માન ઉપર લોકોએ શા માટે વિશ્વાસ મુક્યો ?
આપ ના નયાબતના સમયમાં ઇમામની નયાબતનો ખોટો દાવો કરનારાઓ લોકોને ભ્રમમાં નાખી અને છેતરપીંડી કરીને તેઓની પાસે શરીઅતની રકમ ઉઘરાવવા માગતા હતા. આ લોકો મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)ના વ્યક્તિત્વને દુષિત કરવાની પેરવીમાં હતા. એક બાજુ આ એક ઘણો મોટો પડકાર હતો. લોકોને માટે ઇમામના નાએબની ઓળખ એક મુશ્કેલ કામ હતું. આવા સંજોગોમાં લોકોને પોતાના વિશ્વાસમાં લેવા અને દુશ્મનોને મહાત કરવા તે ઘણું મોટું કામ હતું.
આપ ની નયાબત ઉપર વિશ્વાસ રાખવા માટેના કારણોમાં સૌથી મોટું કારણ એ જ તવકીઓ હતી જેમાં અકીદત, અખ્લાકી, સમાજી તથા ફીકહી મસઅલાઓની સાથે સાથે ગેબી હુકમોની બાબતો હતી, જેના લીધે લોકો આપ ને સ્વિકારવા માટે મજબુર હતા.
મોહમ્મદ બીન ઉસ્માન (રહ.) દ્વારા ગેબી હુકમો અંગે અસંખ્ય પ્રસંગો પ્રકાશમાં આવ્યા છે. તે પૈકી એક પ્રસંગ અહિ નક્લ કરીએ છીએ.
ગયબની ખબર :
જઅફર બીન મોહમ્મદ મત્તીલ બયાન કરે છે કે અબુ જઅફર મોહમ્મદ બીન ઉસ્માન સમ્માન, અમરવીના નામે ઓળખાય છે, તેમણે મને બોલાવ્યો અને કપડાના થોડા ટૂકડાઓ, એક બટવો, જેમાં થોડા દીનાર હતા, મને આપ્યા અને કહ્યું કે જરૂરી છે કે અત્યારે જ વાસ્તા (કુફા અને બસરાની વચ્ચેની જગ્યા) જાવ અને જે કાંઇ તમને આપી રહ્યો છું તે તમે તેને હવાલે કરી દેજો જે નદીની તરફ જતાં સૌથી પહેલાં તમારી સાથે મુલાકાત કરે. હું આ કામથી ઘણો નારાજ થયો અને વિચાર્યું કે મારી જેવો માણસ આવી મામુલી વસ્તુ લઇ જવા માટે પસંદ કરવામાં આવ્યો ? અંતે હું મારી સવારી ઉપર સવાર થયો અને વાસ્તાની તરફ રવાના થયો. પહેલો માણસ જેની સાથે મારી મુલાકાત થઇ મેં તેને હસન બીન મોહમ્મદ કત્તાત સયદલાની જે વાસ્તામાં અવકાફના વકીલ હતા તેમના ખબર અંતર પૂછ્યા. તેણે કહ્યું હું જ છું. તેણે પુછ્યું કે તમે કોણ છો ? મેં કહ્યું કે હું જઅફર બીન મત્તીલ છું. તે મને નામથી ઓળખી ગયા અને સલામ કરી. મેં પણ સલામનો જવાબ આપ્યો અને આપસમાં ભેટ્યા. મેં તેમને કહ્યું કે અબુ જઅફર અમરવીએ આપ ને સલામ કહ્યા છે અને આ કપડા અને નાણાનો બટવો આપ્યો છે કે આપ ના હવાલે કરૂં. તેમણે કહ્યું અલહમ્દોલિલ્લાહ અહીં મોહમ્મદ બીન અબ્દુલ્લાહ આમરી મરણ પામ્યા છે અને હું તેમનું કફન લેવા જઇ રહ્યો છું. તેમણે જ્યારે બટવો ખોલ્યો અને જોયું તો તેમાં કફન દફનના ખર્ચ માટેની રકમ હતી. હું જનાઝામાં શરીક થયો અને દફન કરીને પાછો ફર્યો. (કમાલુદ્દીન 504 પ્ર. તવકીઆત, બેહાર : 51/336)
નોંધ : જો ઇમામે ઝમાના અલયહિસ્સલામ મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)ને આ રીતે ખબર અથવા હિદાયત ન કરતે તો ક્યારે પણ આપ ને (મોહમ્મદ બીન ઉસ્માનને) આ બાબતોની જાણ ન થતે.
આ પ્રકારના એક બે પ્રસંગો નથી. જો નાએબોના જીવન પ્રસંગો ઉપર નજર દોડાવીએ તો આવા અસંખ્ય પ્રસંગો જોવા મળે છે, જેમાં ઇમામે ઝમાના અલયહિસ્સલામે આવી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હોય, જેની જાણ કોઇને પણ ન હતી.
વધુ જાણકારી માટે પુસ્તક કમાલુદ્દીન લેખક શયખ સદુક અને બેહારૂલ અન્વાર ભાગ-51 લેખક અલ્લામા મજલીસીનો અભ્યાસ કરવો. બન્ને પુસ્તકોનો તરજુમો ઉર્દુમાં થઇ ચૂક્યો છે.
મોહમ્મદ બીન ઉસ્માને નકલ કરેલી હદીસો :
અસંખ્ય તવકીઓ છે જે ઇમામે ઝમાના અલયહિસ્સલામે આપ ના હવાલે કરેલ છે. આ બધા લખાણો અને કથનો હદીસ તરીકે આજે પણ જોવા મળે છે. પરંતુ તેમ છતાં પણ અહીં આ વિષય ઉપરની થોડી હદીસો રજૂ કરીએ છીએ, કારણ કે ઇલ્મે રેજાલના અમુક આલીમોએ આપ ને ઇમામોની હદીસ નકલ કરનારાઓની યાદીમાં આવરી લીધા નથી. પણ અમુક રેજાલના આલીમોએ તેમના આ રીતે દુર્લક્ષ સેવવા માટે ટીકા પણ કરી છે. આ આપણો વિષય નથી. હવે તે હદીસો જૂઓ કે જે આપ ના થકી નકલ થઇ છે.
(1) મોહમ્મદ બીન હમ્મામ કહે છે : મોહમ્મદ બીન ઉસ્માન અમરી (કુદસુલ્લાહ રુહ) પાસેથી સાંભળ્યું કે નાહિયાએ-મુકદ્દેસા તરફથી એક તવકીઅ મળી છે, એવા અક્ષરોમાં કે જે હું ઓળખું છું. (એટલે કે નાહિયા ઇમામે ઝમાના અ.થી) આ તવકીઅમાં આ રીતે લખેલું હતું :
મન સમ્માની ફી મજમઇન મેનન્નાસે બે-ઇસ્મી ફઅલય્હે લઅનતુલ્લાહ
“જે કોઇ મને જાહેરમાં અને મહેફીલમાં મારા નામથી સંબોધન કરે તેની ઉપર ખુદાની લઅનત થાય. અબુ અલી મોહમ્મદ બીન હમ્મામે કહ્યું કે ઇમામે ઝમાના અલયહિસ્સલામાની હજુરમાં એક પત્ર લખ્યો અને ઝુહુરના બારામાં સવાલ કરવામાં આવ્યો કે ક્યારે થશે ? જવાબમાં ફરમાવ્યું :
કઝેબ વક્કાતુન
“જે લોકો ઝુહુરનો સમય નક્કી કરે છે તે જુઠ્ઠા છે.
(કમાલુદ્દીન 2/482 ભાગ 3 બેહારૂલ અન્વાર 51/33)
નોંધ : ઇમામ મહદી અલયહિસ્સલામનું નામ લેવાની મનાઇ કરવાની કડક સૂચના ખુદ હઝરતે જ આ રીતે આપી છે :
ઇમ્મસ્સકુત વલ્જન્નત, વ ઇમ્મલ્કલામ વન્નાર, ફઇન્નહુમ ઇન વકફુ અલલ્ઇસ્મે અઝાઉહો વ ઇન વકફુ અલલ મકાને દલ્લુ અલય્હે
“નામ લેવામાં ચૂપકીદી રાખવી જોઇએ, જેથી જન્નતના હકદાર થવાય અથવા તો (તેમના બારામાં) ચર્ચા કરો જેથી જહન્નમમાં નાખવામાં આવો. કારણ કે જો (સવાલ કરનાર) હઝરતનું નામ જાણી લેશે તો તેનો ફેલાવો કરીને જાહેર કરી દેશે અને જો સ્થળને જાણી લેશે તો લોકોને કહી દેશે.
(બેહારૂલ અન્વાર 51/351)
નોંધ : વસાએલુશ્શીયાના સંપાદકે ભાગ 16 પ્રકરણ 33 પાના નં. 240 રિવાયત નં. 21460 હેઠળ નામ ન લેવાનું કારણ તકય્યા અને ભય દશર્વ્યિું છે.
(2) અબ્દુલ્લા બીન જઅફર હુમૈરી કહે છે કે મેં મોહમ્મદ બીન ઉસ્માન અમરવી (રહ.)ને કહ્યું કે મારી ઇચ્છા છે કે હું આપ ને એ જ સવાલ કરૂં જે હઝરત ઇબ્રાહીમ (અ.)એ ખુદાવંદે આલમને કર્યો હતો અને કહ્યું હતું :
રબ્બે અરેની કય્ફ તોહ્યીલ મવ્ત કાલ અવલમ તુમેનો કાલ : બલા વલાકીન લેયત્મઇન્ન કલ્બી
“એ ખુદા! મને દેખાડ કે કેવી રીતે મુર્દાને જીવતા કરે છે. ખુદાએ કહ્યું : “શું તમે ઇમાન નથી ધરાવતા? હઝરત ઇબ્રાહીમે કહ્યું : “કેમ નહિ ? (હા) પરંતુ ઇચ્છું છું કે મારા દિલને સાંત્વન મળી જાય. મને કહો કે સાહેબુલ અમ્રને જોયા છે ? મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)એ કહ્યું : હા, અને તેમની ડોક આ રીતે છે. અને પોતાના હાથેથી પોતાની ડોકની તરફ ઇશારો કર્યો.”
(કમાલુદ્દીન બાબ “મન શાહેદ અલ કાએમ હ :3)
(3) અબ્દુલ્લા બીન જઅફર હુમૈરી કહે છે : મોહમ્મદ બીન ઉસ્માન અમરવી (રહ.) પાસેથી સાંભળ્યું, આપ ફરમાવે છે :
“ખુદાની કસમ ! સાહેબુલ અમ્ર (અ.) દર વરસે (હજની મોસમમાં) મક્કા આવે છે. આપ (અજ) લોકોને જૂએ છે અને તેઓને ઓળખે છે. લોકો પણ તેમને જુએ છે પરંતુ તેમને ઓળખતા નથી. (સંદર્ભ : ઉપર મુજબ : હ. 9)
નોંધ :
મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)એ ઇમામે ઝમાના અલયહિસ્સલામને ખાનએ કાબામાં એ કહેતા જોયા તેથી આ હદીસ પણ આપ ની જ પાસેથી નકલ થઇ છે :
“એ ખુદા ! જે કાંઇ તેં મારી સાથે વાયદો કર્યો છે તે પરિણામ સુધી પહોંચાડી દે. (સંદર્ભ : ઉપર મુજબ : હ. 9)
આપના જ થકી આ હદીસ પણ નકલ થઇ છે :- “મેં હઝરત (સલવાતુલ્લાહે અલયહે)ને બાબુલ મુસ્તજારની પાસે ખાનએ ખુદાના પરદાને પકડીને અરજ કરતા સાંભળ્યા :
“ખુદાયા ! મારા થકી જ તારા દુશ્મનોથી બદલો લે. (બેહારૂલ અન્વાર 2/30)
ઇમામે ઝમાના (અલયહિસ્સલામ) ખુદા પાસે પોતાના ઝુહુરના ઇજનની રાહ જોઇ રહ્યા છે અને પોતાના ઝુહુર માટે દોઆ કરી રહ્યા છે. આપણે હંમેશા આપ ના ઝુહુરના માટે દોઆ કરતા રહેવી જોઇએ. ખાસ કરીને એ સ્થળો ઉપર જ્યાં દોઆઓ જલ્દી કબુલ થાય છે. જેમકે હજ દરમિયાન અલ મુસ્તજાર ઉપર
દોઆએ સેમાત :
મશહુર અને જાણીતી દોઆ, દોઆએ સેમાત જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (રહ.) દ્વારા આવેલી છે. મફાતીહુલ જીનાનમાં આ દોઆ મોજુદ છે. તે પઢવી મુસ્તબ છે. શયખ અબ્બાસ કુમ્મીએ તે અગાઉની શરૂઆતની કિતાબોમાંથી નકલ કરી આ દોઆ ઇમામ મોહમ્મદ બાકીર અને ઇમામ જઅફર સાદિક (અલયહોમાસ્સલામ) તરફથી પણ આવેલી છે. અલ્લામા મજલીસી (રહ.)એ બેહારૂલ અન્વારમાં તે વિસ્તારથી લખેલી છે.
બની અબ્બાસના ખલીફાઓ :
જનાબ મોહમ્મદ બીન ઉસ્માનના નયાબતના સમય ગાળામાં જે ખલીફાઓએ હકુમત કરી તેઓના નામ નીચે મુજબ છે :
1. મોઅતમીદ બિલ્લાહ હી. 256થી 279
2. મોઅતઝીદ બિલ્લાહ હી. 279થી 289
3. મુકતફી બિલ્લાહ હી. 289થી 295
4. મુકતદીર બિલ્લાહ હી. 295થી 320
નયાબતની મુદ્દત :
રેજાલના આલીમો વચ્ચે મશહુર છે કે આપની નયાબતની મુદ્દત લગભગ 50 વરસ છે. પરંતુ આ કથન સ્વિકાર્ય નથી. કારણ કે મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)નું મૃત્યુ હિજરી 305માં થયું. ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામથી તેનું અંતર 45 વરસ છે. ગયબતે સુગરા ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામની શહાદત પછી જ ગણવામાં આવે છે. એટલે 45 વરસામાં પહેલા નાએબનો નયાબતનો 5 વરસનો સમય આવી જાય છે. આ રીતે બીજા નાયબની નયાબતની મુદ્દત 40 વરસ થાય છે.
વફાત :
આપ ની વફાત જમાદીયુલ ઉલા હિજરી 305માં થઇ હોવાનું નકલ થયું છે. અમુક લોકોએ હિજરી 304 પણ લખી છે. પરંતુ અબુ ગાલીબ ઝોરારીએ જે ઇબ્ન રવહ (રહ.)ના કુફામાં વકીલ હતા અને મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)ના નજદિક ગણાતા હતા તેમણે હિજરી 305 લખી છે. સંશોધકોએ આ લખાણને અગ્રતા આપી છે.
આપ ની વફાતના બારામાં આપે પોતે જ બે મહિના પહેલા આગાહી કરી હતી. અબુલ હસન અલી બીન અહમદ દલ્લાલ કુમ્મી લખે છે કે એક દિવસ હું મોહમ્મદ બીન ઉસમાન (રહ.) પાસે ગયો. મેં જોયું કે એક તકતી તેમની સામે છે અને તેની ઉપર આપ એક નકશો દોરી રહ્યા છે અને કુરઆનની આયતો લખી રહ્યા છે. અને તેના હાંસીયામાં ઇમામોના નામ લખી રહ્યા છે. મેં સવાલ કર્યો કે આ કેવી તકતી છે? તેમણે કહ્યું કે આ મારી કબર માટે છે અને મને આની ઉપર રાખવામાં આવશે. અથવા એમ કહ્યું કે તેની ઉપર તકીયો કરીશ. વધુમાં કહ્યું કે હું દરરોજ મારી કબરમાં દાખલ થાવ છું અને કુરઆનનો એક પારો પઢું છું અને બહાર આવું છું. એક રિવાયતમાં છે કે તે પછી અબુલ હસન અલી બીન અહમદે કહ્યું કે મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)એ મારા હાથને પકડ્યા અને પોતાની કબર પાસે લઇ ગયા. કબર દેખાડીને કહ્યું કે જ્યારે ફલાણો દિવસ ફલાણો મહિનો અને ફલાણું વરસ આવશે ત્યારે હું ખુદાની બારગાહમાં ચાલ્યો જઇશ અને આમાં દફન થઇશ. અને આ તકતી પણ મારી સાથે હશે. મેં તેમની વાતોને યાદ રાખી લીધી અને નક્કી થએલ સમયની રાહ જોતો રહ્યો. થોડાંજ દિવસો પછી તે બિમાર થયા અને અંતે બતાવેલા દિવસે, મહિને અને વરસે આપ મૃત્યુ પામ્યા. અને એ જ કબરમાં દફન થયા. (તારીખે સિયાયે ગયબતે ઇમામે દવાઝદહુમ પા. 170)
આ પ્રમાણેની રિવાયત મોહમ્મદ બીન અલી બીન અસ્વદે કુમ્મીએ પણ નકલ કરી છે. જુઓ : બેહાર જી. 51, પા. 351, કમાલુદ્દીન જી.2/502 હ. 29)
ઇમામના નાએબની ઝીયારત :
જેના દિલો ઉપર મહોર લાગી જાય છે તે શું ઇમામ મહદી અલયહિસ્સલામને ઓળખશે !
દિલ ઉપર લાગેલી એ મહોરનો નાશ કરવા માટે જરૂરી છે કે મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)ની કબર ઉપર જાય અને જુએ કે આજે પણ ઇમામના નાએબના અસ્તિત્વનો પૂરાવો આપી રહી છે. બગદાદની પૂર્વે ખૂબજ ગીર્દીવાળા સ્વચ્છ અને છાંયડાવાળા વિસ્તારમાં એક મસ્જિદ કે જે ખલ્લાનીના નામથી મશહુર છે તેમાંજ આપ ની કબર છે અને આજે પણ ઇમામના નાએબનો અકીદો ધરાવતા લોકો આપ ની ઝીયારત કરે છે અને કહે છે :
હું એ વાતની સાક્ષી આપું છું કે આપ મારા મવલાના રહમતના દરવાજા છો.. હું આપ ના આ હકને ઓળખીને (આપ ની સેવામાં) આવ્યો છું જેના ઉપર આપ મક્કમ રહ્યા અને મને ખબર છે કે આપે સંદેશા પહોંચાડવામાં અથવા નાએબની ફરજમાં કસર નથી કરી. સલામ થાય આપ ઉપર એ સૌથી વિશાળ રહમતના દરવાજા. (મફાતીહુલ જીનાન તરજુમો (ઉર્દુ) અલ્લામા અલ જવાદી પા.897)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.