Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૩ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. માટની ઝિયારતો અને દોઆઓની શરહ

ઝિયારતે આલે યાસીનનું વિવરણ

Print Friendly, PDF & Email

આપ જાણો છો તેમ દર વરસે શઅબાનના વિશેષ અંકમાં અમે ઇમામે ઝમાના (અ.) સંબંધિત એક દોઆ અથવા ઝીયારતનું વિવરણ (તફસીર) અને તરજુમો આપ ની સેવામાં રજુ કરીએ છીએ. આ વરસે જે ઝીયારતને પસંદ કરી છે તે ઝીયારતે આલે યાસીનના નામથી જાણીતી છે.
(અ) ઝીયારતે આલે યાસીનની સાબિતી (સનદ):-
આ ઝીયારતને નામાંકિત અને મહાન શીયા વિદ્વાનોએ પોતાની કિતાબોમાં નકલ કરી છે. અને તેના રજૂ કરનારને વિશ્વાસને પાત્ર ગણ્યા છે. અહીં અમે થોડા પુસ્તકોના નામ રજૂ કરીએ છીએ જેમાં આ ઝીયારત મૌજુદ છે. (પંજેતને પાક (અ.)ની સંખ્યાની બરાબર અમે પાંચનો હવાલો આપીએ છીએ.)
(1) અલ એહતેજાજ, ભાગ-2 પા. 316-318 :
આ અમુલ્ય પુસ્તક આ ઝીયારતનો સૌથી પહેલાના સમયનો હવાલો છે. તેના સંપાદક મહાન હદીસકાર અબુ મન્સુર અહમદ બીન અલી બીન અબીતાલીબ તબરસી (રહ.) છે, જે છઠ્ઠી સદી હીજરીમાં જીવન પસાર કરતા હતા. આપ ની ગણના શીયાઓના સૌથી મહાન ઉસ્તાદ અને આગેવાનોમાં થાય છે. રેજાલના આલીમોના સમૂહે તેમને તેમની મહાનતા અને વિશેષતા માટે યાદ કર્યા છે.
(2) બેહારૂલ અન્વાર: શયખુલ ઇસ્લામ, ફખરૂશ શીયા, શરીઅતની પનાહગાહ, અલ્લામા શયખ મોહમ્મદ બાકીર મજલીસી (રહ.) આ ભવ્ય અને મહાન કિતાબના સંપાદક છે. ઝીયારતે આલે યાસીનનું મહત્વ નજર સામે રાખીને આપે તે બેહારૂલ અન્વારમાં ત્રણ જગ્યાએ નકલ કરી છે. (અ) ભાગ 53 પાના 171-173 ઇમામે અસ્ર (અ.જ.)ની તવકીઓના પ્રકરણમાં
(બ) ભાગ-94 પાના 2-5 કિતાબુઝઝીક્ર વદદોઆમાં
(ક) ભાગ-102 પાના 81-83 કિતાબુલ મઝારમાં
(3) ફવઝે અકબર દર તવસ્સુલાત બે ઇમામ મુન્તઝર (અ.) પાના 68-70. હુજ્જતુલ ઇસ્લામ મરહુમ મીર્ઝા મોહમ્મદ બાકીર ફકીહે ઇમાની, આ કિતાબના સંપાદક છે. ખાસ તો એ છે કે ઝીયારતમાં સૌથી પહેલી આ ઝીયારત છે.
(4) તકાલીફુલ અનામ ફી ગયબતીલ ઇમામ : પાના 135-138 મરહુમ સદરૂલ ઇસ્લામ હમદાનીએ પોતાની આ રસપ્રદ કિતાબમાં પચ્ચીસમી જવાબદારીના પ્રકરણમાં આ ઝિયારત લખી છે.
(5) મફાતીહુલ જીનાન : (ઉર્દુ તરજુમો મરહુમ અલ્લામા ઝીશાન હૈદર જવાદી પ્રકાશ : તન્ઝીમુલ મકાતીબ (લખનવ) પાના 956-959
આ પ્રખ્યાત મજમુઆના સંપાદક, હદીસકારોમાં વિશ્ર્વસનીય, મરહુમ મબરૂર હાજ્જ શયખ અબ્બાસ કુમ્મી (રહ.) છે. નોંધપાત્ર બાબત એ છે કે આ ઝીયારત પહોંચાડનાર અબ્દુલ્લા બીન જઅફર છે, જે હિજરી સન 240ની પહેલા અને હીજરી સન 300 પછી સુધીના જીવન દરમ્યાન કેદમાં રહ્યા. (કરબુલ અસનાદ 2, 3) આ મહાન રિવાયત કરનાર એ છે કે જેમણે શયખ સદુક (રહ.)ના પિતા અલી બીન બાબવયા મોહમ્મદ બીન અલ હસન અલ વલીદ (રહ.) (શયખ સદુક રહ.ના ઉસ્તાદ) અને મરહુમ મોહમ્મદ બીન યઅકુબ કુલયની (રહ.)થી આ ઝીયારત અને બીજી હદીસો નકલ કરી છે.
તેથી સનદને વિશ્વાસપાત્ર હોવામાં કોઇપણ પ્રકારની કોઇ પણ શક્યતા બાકી નથી રહેતી.
(બ) ઝીયારતે આલે યાસીનની વિશેષતા :
આ ઝીયારતની વિશેષ બાબતોમાંની એક વિશેષતા એ છે કે આ ઝીયારતના મોઅલ્લીમ (શીખવાડવા વાળા) ખુદ ઝીયારતના સંબોધનકતર્િ છે. (એટલે જેમને ઝીયારતમાં સલામ કરવામાં આવી છે તેઓ પોતેજ આ ઝીયારત શીખવવા વાળા છે.) આ પ્રકારની ઝીયારતો ઘણી ઓછી છે, કારણ કે મોટા ભાગની ઝીયારતો એક માઅસુમ તરફથી બીજા મઅસુમની શાનમાં આવેલી છે. જેમકે ઇમામ સજ્જાદ (અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.)ની ઝીયારતનું શિક્ષણ આપ્યું. ઇમામ સાદિક (અ.)એ ઝીયારતે સય્યદુશ્શોહદા (અ.)નું વર્ણન કર્યું. ઇમામે અસ્રની તરફથી જનાબ હુમયરી (રહ.) (આ ઝીયારતના વર્ણન કરનાર)ની પાસે પત્ર આવ્યો. તેમાં સવાલોના જવાબો પછી લખ્યું હતું :
“રહેમાન અને રહીમ ખુદાના નામથી. તમે લોકો ન ખુદાના હુકમને સમજો છો અને ન તો તેના વલીઓથી એ હુકમોને કબુલ કરો છો. આ (ઇમામ) અલ્લાહની સંપૂર્ણ હિકમત છે. પરંતુ લોકોને ડરાવવાથી પણ લાભ નથી થતો. સલામ થાય અમારા ઉપર અને અલ્લાહના પરહેઝગાર બંદાઓ ઉપર. ટૂંકમાં જ્યારે પણ ઇચ્છો કે અમારા થકી ખુદાની તરફ કે અમારી તરફ ધ્યાન કરો તો એ રીતે કહો જે રીતે પરવરદિગારે ફરમાવ્યું છે :
سَلَامٌ عَليٰ اٰلِ يٰسٓ…………
તો આવો ! હક તઆલાની બારગાહમાં દોઆ માગીએ કે તે આપણને શક્તિ આપે કે આ અમુલ્ય ઝીયારતના અર્થઘટનને સુજ્ઞ વાંચકો સુધી પહોંચાડી શકીએ. (અલબત્ત ટૂંકાવીને લખવું આવશ્યક છે.)
(ક) સલામ અને દુરૂદનું વિસ્તૃત વર્ણન :
(1) سَلَامٌ عَليٰ اٰلِ يٰسٓ
“આલે યાસીન ઉપર દુરૂદ અને સલામ
એટલે કે રસુલે અકરમ (સ.)ના કુટુંબ અને અહલેબયત (અ.) ઉપર સલામ. આ પહેલા સલામમાં એક ખાસ શિષ્ટાચાર અને પવિત્રતા સમાએલી છે. જોકે આ ઝિયારત ઇમામે ઝમાના (અ.)ની ઝિયારત છે અને તેની પછીના જેટલા સલામ અને દુરૂદ છે તે સર્વે આપ ની જાતથી ખાસ અર્થમાં આવેલા છે, પરંતુ ઝિયારતની શરૂઆત આપના સમગ્ર કુટુંબ ઉપર સલામ મોકલવાથી થાય છે. જાહેર રીતે રિસાલતના ખાનદાન ઉપર સલામ અને આલે યાસીનનું શિર્ષક કુરઆને કરીમની બે આયતો ઉપરથી લેવામાં આવ્યા છે. એક યાસીનના સુરાની પહેલી આયત (યાસીન) અને બીજી સાફ્ફાતના સુરાની 130મી આયત (સલામુન અલા ઇલ્યાસીન). ઇમામ સાદિક (અ.)ને પૂછવામાં આવ્યું : એ રસુલે ખુદા (સ.)ના ફરઝન્દ ! અલ્લાહનો કોલ ‘યાસીન’નો શો અર્થ છે ? આપે ફરમાવ્યું :
اسمٌ مِن اَسْمَآئِ النَّبِيِّ وَ مَعْنَاهٗ يَا اَيُّھَا السَّامِعَ الْوَحْيِ
(મઆનીયુલ અખબાર પા. 22 તફસીરે બુરહાન ભાગ 2 પા.3). “આ નબી કરીમ (સ.)ના નામોમાંથી એક નામ છે અને તેનો અર્થ છે હે અલ્લાહની વહીને સાંભળનાર. જ્યાં સુધી સુરા સાફ્ફાતની આયતનો સવાલ છે ત્યાં સુધી તફસીરકારો અને કુરઆનની કિરઅત કરનારાઓ જેમકે “નાફેઅ ઇબ્ને આમીર અને યઅકુબે આ આયતને “આલે યાસીન પઢ્યા છે અને યાદ કર્યું છે. ઇલયાસીન (ખરેખર આલે યાસીન છે) (તફસીર અબુલ ફતુહ ભા.9 પાના 338, તફસીરે મજમઉલ બયાન ભા.8, પા. 456). આ ઉપરાંત અહલેબયત (અ.)ની હદીસો પણ આ અર્થઘટનને ટેકો આપે છે. ઉદાહરણ રૂપે ઇમામ સાદિક (અ.)એ પોતાના પરદાદા અમીરૂલ મોઅમેનીન (અ.)ની આ રિવાયત નકલ કરી છે. આપે આ પવિત્ર આયતسلامٌ عَليٰ الياسين અંગે ફરમાવ્યું :
يٰس مُحَمَّدٌ وَ نَحْنُ اٰلِ يٰس
અર્થાંત : યાસીન મોહમ્મદ છે અને અમે (અહલેબયત) આલે યાસીન છીએ. (તફસીરે બુરહાન, ભા. 2, પા. 33). વધુ વિગત માટે બેહારૂલ અન્વાર ભા. 23 પા. 167 થી 171 (બાબ : અન્ન આલે યાસીન, આલે મોહમ્મદ (સ.)) તરફ રુજુઅ કરી શકાય છે.
અહલે સુન્નતના મહાન તફસીરકારો જેમકે કરતબી (ભા. 15 પા. 119) અને તફસીરે રૂહુલ મઆની-આલુસી (ભા. 23 પા. 142)એ પણ આ માન્યતાને રજુ કરી છે.
(2) اَلسَّلَامُ عَلَيْكَ يَا دَاعِيَ اللَّهِ وَ رَبَّانِيَّ آيَاتِهٖ
“સલામ થાય આપ ઉપર, એ અલ્લાહની તરફ દઅવત દેનારા અને એ અલ્લાહના સર્જનોના સરપરસ્ત અને ઉછેર કરનારા.”
આ વાક્યમાં પહેલું દુરૂદ ખાસ ઇમામે ઝમાના (અ.)ના પવિત્ર અસ્તિત્વ ઉપર છે. હઝરત (અજ) વિશેષ સદગુણોમાંના બે સદગુણો સમાએલા છે.
1. દાએયલ્લાહ
2. રબ્બાનીય્યે આયત
પહેલો સદગુણ “દાઇ ઇસ્મે ફાએલ છે. તેનો અર્થ થાય છે દઅવત દેનાર. એટલે ઇમામે ઝમાના (અ.) લોકોને અલ્લાહની તરફ દઅવત આપે છે.
અલ્લાહની તરફની દઅવતનું સ્થાન (ઓધ્ધો) :
જે આ પવિત્ર ઝિયારતનું પહેલું વાક્ય છે તે ઇમામે અસ્રના સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ટ સ્થાનોમાંથી-ઓધ્ધાઓમાંથી છે. કારણ કે હિજરી સન 260થી લઇને આજ સુધી અને આજથી નક્કી કરેલા સમય સુધી ઇમામે ઝમાના (અ.) અલ્લાહ તરફ આમંત્રણ આપ નાર હતા, છે અને રહેશે. બીજો ગુણ “રબ્બાની ગુણ છે. મરહુમ તરીહી લખે છે કે કશ્શાફ (ઝમખશરી)માં આવ્યું છે કે રબ્બાની તેને કહે છે કે જેનો દીનથી લગાવ અને ખુદાની તાબેદારી મજબુત અને મક્કમ હોય. કામુસમાં છે કે એક ખુદા પરસ્ત અને ખુદાની પ્રસંશા કરનાર ઇન્સાનને રબ્બાની કહે છે. મરહુમ તબરસી લખે છે કે જે લોકોના કાર્યોને સુધારે અને સલાહ, સુચનો થકી કામને પાર પાડે તેને રબ્બાની કહે છે. જેમકે હદીસમાં છે :
لَا عِلْمَ إِلَّا مِنْ عَالِمٍ رَبَّانِيٍّ
“ઇલ્મ નથી પરંતુ આલીમે રબ્બાનીની પાસે. (મજમઉલ બહરયન ભા. 2 પા. 65 હુરુફે “રબ બ) આ અર્થને દ્રષ્ટિ સમક્ષ રાખીને ઝીયારતના વાક્યને આ રીતે કહી શકાય છે કે સલામ થાય આપ ઉપર, એ ખુદાના દીન તરફ દઅવત દેનારા અને ખુદ ખુદાના દીન. આપ ની તાબેદારી ખુદાની તાબેદારી છે. સલામ થાય આપ ઉપર એ અલ્લાહની નિશાનીઓના સરપરસ્ત અને ઉછેર કરનાર. ખુદાવંદે સુબ્હાને પોતાની બધી નિશાનીઓ અને સર્જનોના ઉછેરની જવાબદારી પોતાના પ્યારા હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.) અને તેમના પવિત્ર ખાનદાનના હવાલે કરી છે. આજે એ સ્થાન ઉપર અમારા અને આપ ના ઇમામ હઝરત હુજ્જત બીન અલહસન અલ અસ્કરી અલયહિસ્સલામ બિરાજમાન છે.
(3) اَلسَّلَامُ عَلَيْكَ يَا بَابَ اللَّهِ وَ دَيَّانَ دِينِهِ
“સલામ થાય આપ ઉપર એ ખુદાના દરવાજા, તેના દીનના હાકીમ.
આ વાક્ય પણ પાછળના વાક્યની જેમ બે ખૂબીઓથી ભરપુર છે. એક દરવાજો અલ્લાહ છે જે બીજી ઝીયારતોમાં પણ છે. રિવાયતોમાં રસુલ સ.ની અહલેબયતને અલ્લાહના દરવાજાના લકબથી યાદ કરવામાં આવ્યા છે. જેમકે ઇમામ સાદિક (અ.) ફરમાવે છે :
اَلْأَوْصِيَآءُ هُمْ أَبْوَابُ اللَّهِ عَزَّ وَ جَلَّ الَّتِي يُؤْتٰى مِنْهَا وَ لَوْلَاهُمْ مَا عُرِفَ اللَّهُ عَزَّ وَ جَلَّ وَ بِهِمُ احْتَجَّ اللَّهُ تَبَارَكَ وَ تَعَالَى عَلَى خَلْقِهٖ
(તફસીરે બુરહાન ભા. 1 પા. 190)
પયગમ્બર (સ.)ના વારસદારો જ અલ્લાહના દરવાજા છે, જેમના થકી હક તઆલાની બારગાહ સુધી પહોંચી શકાય છે. જો આ હઝરતો ન હતે તો ખુદાએ અઝ્ઝ વ જલને કદાપી ઓળખી ન શકાત. તેઓના દ્વારા અલ્લાહ તબારક વ તઆલાએ પોતાની હુજ્જત લોકો પર પૂરી કરી. હઝરત ઇમામ બાકીર (અ.) ફરમાવે છે :
“અમે છીએ અલ્લાહની હુજ્જત અને (અમે છીએ) અલ્લાહના દરવાજા.” (તફસીરે બુરહાન ભા. 1 પા. 190)
દોઆએ નુદબા (જે ખુદ ઇમામે અસ્ર (અ.)ને સંબોધિત છે)માં હઝરત (અજ)ને આ રીતે સંબોધન કરીએ છીએ :
اَيْنَ بَابُ اللّٰه الَّذِي مِنْه يُوْتٰي
“ક્યાં છે તે ખુદાનો દરવાજો જેના મારફતે ખુદા સુધી પહોંચી શકાય છે ?
અલ્લાહના દરવાજાનો શું અર્થ છે ? આ લખાણના કારણે એવી શંકા કે ગેરસમજ ન થાય કે અલ્લાહ કોઇ સ્થળ અથવા મકાનમાં રહે છે અને તેનો દરવાજો અહલેબયત (અ.) છે. આ બાબતને સ્પષ્ટ કરવા માટે અમે દરવાજાના થોડા ગુણધર્મો લખીએ તે યોગ્ય ગણાશે. કોઇપણ ઘર કે બગીચાના દરવાજાની કલ્પ ના કરીએ. આ દરવાજાનું શું કામ છે ? દરવાજાનો સૌથી પહેલો લાભ એ થાય છે કે એજ સાચો માર્ગ છે કે જેના દ્વારા ઘર કે બગીચામાં પગ મુકવામાં આવે છે. જો કોઇ માણસ દરવાજો છોડીને દિવાલ કૂદીને ઘર અથવા બગીચામાં દાખલ થાય તો તે માર્ગ ખોટો અને અયોગ્ય ગણાશે. બુદ્ધિ અને શરીઅત બન્ને તેને વખોડે છે.
અહલે સુન્નતના મશહુર તફસીરકાર હાફીઝ જલાલુદ્દીન સુયુતી નકલ કરે છે કે એક વખત ઉમર બીન ખત્તાબ તેમના ખીલાફતના સમયગાળામાં રાત્રે ફરી રહ્યા હતા. આપ ને એક ઘરમાંથી કંઇક અવાજો સંભળાયા. અને આપ શકમાં પડી ગયા. આપ દિવાલ ઉપર ચડીને અંદર ઘુસી ગયા. આપે જોયું કે એક માણસ એક સ્ત્રીની સાથે બેસીને શરાબ પીવામાં મસ્ત છે. આપે કહ્યું, “એ ખુદાના દુશ્મન ! શું તું એમ માને છે કે તું ખુદાથી છુપાએલો છે જ્યારે તું આ નાફરમાની કરી રહ્યો છે ? તેણે જવાબ આપ્યો : એ અમીરૂલ મોઅમેનીન ! ઉતાવળા ન થાવ. જો મેં એક ભુલ કરી છે તો આપે ત્રણ ગુનાહોને આચર્યા છે. ખુદાવંદે મોતઆલ ફરમાવે છે : જાસુસી ન કરો. અને આપે જાસુસી કરી. ખુદાવંદે મોતઆલ ફરમાવે છે : “ઘરોમાં તેના દરવાજામાંથી દાખલ થાઓ. આપ દિવાલ કૂદીને આવ્યા છો. અલ્લાહનો હુકમ છે કે ઘરમાં દાખલ થતાં પહેલાં સલામ કરો. આપે સલામ ન કરી… (તફસીરે દુર્રુલ મનસુર ભા 6 પા. 93)
તેથી માણસ જ્યારે કોઇ ઘર, બાગ કે શહેરમાં દાખલ થવા માંગે ત્યારે યોગ્ય એ છે કે તે બીજે ક્યાંયથી નહિ પરંતુ દરવાજેથી દાખલ થાય.
બીજું શિર્ષક-ખુબી દય્યાને દીન હતું. “દય્યાનનો અર્થ શું થાય છે અને ઇમામે અસ્ર (અ.)ને “દય્યાનના નામથી શા માટે યાદ કરવામાં આવે છે? મરહુમ તોરયહી લખે છે : “દય્યાન, ખુદાવંદે તઆલાના નામો પૈકી એક નામ છે. તેનો અર્થ છે કહહાર, (સખ્તી કરનાર) હાકીમ અને કાઝી. રસુલે અકરમ (સ.) ની પ્રસંશા અને ગુણોમાં કહે છે : “યા સય્યદન્નાસે વ દય્યાનલ અરબે અને હદીસોમાં છે કે :
“કાન અલીય્યુન દય્યાન હાઝેહીલ્ઉમ્મતે બઅદ નબીય્યેહા
“અલી (અ.) પયગમ્બર (સ.)ની પછી આ ઉમ્મતના દય્યાન અને હાકીમ હતા. (મજમઉલ બહરયન ભા. 6 પા. 253 અકરબુલ મવારીદ) દેખીતી રીતે જ રસુલે અકરમ (સ.)ના સમગ્ર ખાનદાનમાં આ ગુણ સમાયેલો છે. (જેવી રીતે બીજી ઝીયારતોમાં પણ છે) અને આજે આ ગુણ જાહેર થવાનું સ્થાન અલ્લાહના નુર ઇમામ અસ્ર (અજ) છે.
(4) اَلسَّلَامُ عَلَيْكَ يَا خَلِيفَةَ اللَّهِ وَ نَاصِرَ حَقِّهٖ
“સલામ થાય આપ પર એ અલ્લાહના વારસદાર અને તેના હકના હિમાયતી અને મદદગાર.”
આ વાક્યમાં પણ બે ગુણો છે. અરબી ડીક્ષનરીમાં ખલીફાનો અર્થ આ રીતે કરવામાં આવ્યો છે :
(ખલીફા અર્થાંત) “જે કોઇ બીજાનો વારસદાર હોય અને તેનું હંમેશનું સ્થાન હોય. આજ કારણે કોઇ મોટા બાદશાહને ખલીફા કહે છે.
શરીઅતમાં ખલીફાનો અર્થ છે ઇમામ. તેનાથી વધુ ઉંચા કોઇ ઇમામ ન હોય. તેથી આજના સમયમાં ઇમામે ઝમાના (અ.) ખિલાફતના આ બુલન્દ અને ઉચ્ચતર સ્થાન ઉપર બિરાજમાન છે. આપ તે સૌથી મહાન સુલ્તાન છે કે આપ ની સલ્તનતની સામે બધી સલ્તનતો અને હુકુમતો, ત્યાં સુધી કે દાઉદી મુલ્ક અને સુલયમાની હુકુમત પણ હલકી છે. આપ એ પેશ્વા છે કે આપથી વધીને બીજા કોઇ મા્રગદર્શક કે પેશ્વા નથી. આ અનુસંધાનમાં એક હદીસ રજૂ કરીએ છીએ :
“મહદી (અ.) એવી સ્થિતિમાં ઝુહુર ફરમાવશે જ્યારે આપ ના માથા ઉપર વાદળ છાંયો કરતો હશે. તેમાં એક મુનાદી પોકાર કરી રહ્યો હશે. આ મહદી (અ.) ખુદાના ખલીફા છે તેમનું અનુસરણ કરો.” (અલ બયાન ફી અખ્બારે સાહેબુઝઝમાન (અ.) સંપાદન હાફીઝ મોહમ્મદ બીન યુસુફ ગન્જી શાફેઇ પ્ર. 15)
વ નાસેર હક્કેહી
આ વાક્યમાં આ બીજી સલામ છે. જો કે ખુદાના બધા વલીઓ આ સ્થાન ધરાવતા હતા, પરંતુ ઇમામે ઝમાના (અ.) માટે આ પવિત્ર સ્થાન ખાસ ઉચ્ચ સ્થાન ધરાવે છે, કારણ કે આપ ને હકની અને દીનની મદદ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ વાક્યને વધુ સ્પષ્ટ કરવા માટે “હક્કેહીથી શું મતલબ છે તે સમજી લઇએ. ઇમામ (અજ.) અલ્લાહના હકના મદદગાર છે. હવે અલ્લાહનો હક શું છે ? ચોથા ઇમામ હઝરત ઇમામ ઝયનુલ આબેદીન (અ.) રિસાલત અલ-હુકુકની શરૂઆતમાં ફરમાવે છે.
“ખુદાવંદે મોતઆલનો સૌથી મોટો હક તમારા ઉપર એ છે કે તમે (માત્ર) તેની ઇબાદત કરો અને બીજા કોઇને તેના ભાગીદાર ન બનાવો.” (કિતાબુલ ખેસાલ પા. 566)
આથી જાણવા મળે છે કે ખુદાનો હક તૌહીદ છે. એટલે તેની ઇબાદત કરો અને કોઇને તેના શરીક-ભાગીદાર ન બનાવો. જેમકે અગાઉ લખી ચૂક્યા છીએ કે બધા નબીઓ અને વલીઓ આ સ્થાન ધરાવતા હતા. પરંતુ કોઇપણ નબી અથવા પયગમ્બરે તેમાં સંપૂર્ણ અને યકીની સફળતા પ્રાપ્ત નથી કરી. તે ઉપરાંત કુરઆને કરીમમાં તેઓની કોમ વિશે છે :
وَ مَا آمَنَ مَعَهٗ اِلاَّ قَلِيْلٌ
અર્થાંત : “ઘણાજ ઓછા લોકો આપ ઉપર ઇમાન લાવ્યા. પરંતુ ઇમામ અસ્ર (અજ.)ના ઝુહુરની આગાહી કરતા અલ્લાહ ફરમાવે છે :
یَعْبُدُوْنَنِیْ لَا یُشْرِکُوْنَ بِیْ شَـیْــــًٔـا۝۰ۭ
(સુરા નુર આ. 55)
અર્થાંત : તે લોકો માત્ર મારીજ ઇબાદત કરશે અને કોઇને પણ મારો શરીક નહીં બનાવશે. આ નુસરત અને મદદમાં, ખુદ અલ્લાહ તઆલા આપ ની મદદ કરશે. જેવી રીતે અમુક રિવાયતોમાં છે કે અલ્લાહ ફરિશ્તાઓ થકી આપ ની મદદ કરશે.”
દોઆ ઇફતેતાહમાં આ અર્થનો તરજુમો મઅસુમ (અ.)ના સ્વમુખે જોઇએ.
اَللّٰھُمَّ اَعِزَّهٗ وَ اَعْزِزْ بِهٖ وَ انْصُرْهٗ وَ انْتَصِرُ بِهِ وَ النْصُرْهٗ نَصْرًا عَزِيْزًا وَ افْتَحْ لَهٗ فَتْحًا يَسِيْرًا وَ اجْعَلْ لَه مِنْ لَدُنْکَ سُلْطَانًا نَصِيْرًا
(મફાતીહુલ જીનાન, ઇકબાલુલ અઅમાલ – સંપાદક – સય્યદ બીન તાઉસ રહ. ભા. 1 પા. 142)
“ખુદાયા ! તેઓને ઇઝઝત દે અને તેઓના થકી અમને પણ ઇઝ્ઝત દે. તેઓની મદદ કર અને તેઓ થકી અમારો પણ બદલો લે. તેઓને સર્વશ્રેષ્ઠ મદદ આપ અને તેઓના વિજયને આસાન કરી દે. તારી પાસેથી તેઓને શક્તિ આપ જેનો તું મદદ કરનાર હો.
(તરજુમો – મરહુમ અલ્લામા સૈયદ ઝીશાન હયદર જવાદી)
(5) اَلسَّلاَمُ عَلَيْکَ يَا حُجَّۃَ اللّٰهِ وَ دَلِيْلَ اِرَادَتِهٖ
સલામ થાય આપ ઉપર એ અલ્લાહની હુજ્જત અને તેના ઇરાદાઓની તરફ માર્ગદર્શન કરનાર.
ઇમામે ઝમાના (અ.)નું પવિત્ર અસ્તિત્વ અલ્લાહ તઆલાની સર્વશ્રેષ્ઠ હુજ્જત (દલીલ) છે. ખુદાવંદે મોતઆલ આપ ના થકી લોકો ઉપર પોતાની હુજ્જત પુરી કરશે. લોકો ઇમામ (અ.) દ્વારા અલ્લાહની હુજ્જતને જાહેર રીતે જોશે. બીજા શબ્દોમાં જો કોઇ ઇમામ અસ્ર (અ.)ના વસીલાથી હક તઆલા સુધી નહિ પહોંચી શકે તો તેના માટે ખરેખર અશક્ય છે કે તે સાચી ઓળખ મેળવી શકે. જનાબ હકીમા ખાતુન (રહ.), ઇમામ જવાદ (અ.)ના પુત્રી ફરમાવે છે કે જેવો ઇમામે ઝમાના (અ.)એ આ દુનિયામાં પગ મુક્યો કે તરતજ આપ સજદામાં તશરીફ લઇ ગયા. આપ ના બાવળા ઉપર નૂરના પ્રકાશથી લખેલું હતું:
جائ الحقُّ وَ زَھَقَ الْبَاطِلُ
“હક આવી ગયો અને બાતીલ નાશ પામ્યું. મેં આપ ને ખોળામાં લીધા અને આપ ના સન્માનીય પિતા હઝરત ઇમામ અસ્કરી (અ.)ની પાસે લાવી. ઇમામ અસ્કરી (અ.)એ પિતાના વાતસલ્ય ભર્યો હાથ આપ ના માથા ઉપર ફેરવ્યો અને કહ્યું :
“કલામ કરો એ અલ્લાહની હુજ્જત! એ પયગમ્બરોના બાકી રહેલા વારસદાર ! એ અલ્લાહના વસીઓમાંના અંતિમ વસી ! એ બે-પ નાહ ચમકતી સફેદીને ઊંડા દરિયામાં ફેરવી નાખનાર ! કલામ કરો (બોલો) એ પરહેઝગારોના વારસદાર અને એ વસીઓના પ્રકાશ !
જીવનની એ યાદગાર ક્ષણોમાં જ્યારે પુત્ર પિતાને પાણી પીવરાવી રહ્યો છે અને વુઝુ કરાવી રહ્યો છે. ઝેરની અસરથી પિતાના કાળજાના કટકે કટકા થઇ રહ્યા છે. પરંતુ કારણ કે ઇમામ છે તેથી અલ્લાહનો હુકમ આપવાની ચૂક નથી કરતા. ફરમાવે છે :
“એ પુત્ર ! હું તમને અલ્લાહનો હુકમ અને ખુશખબરી આપું છું કે તમે સાહેબુઝ્ઝમાન છો. મહદી (મવઉદ) છો અને અલ્લાહની દુનિયા ઉપર તમે તેની હુજ્જત છો. તમે મારા પુત્ર અને મારા વારસદાર છો. (ગયબત : શયખ તુસી : પા. 165)
دَليلَ اِرَادَتِهٖ
બીજી ખુબી જે આ વાક્યમાં કહેવામાં આવી છે તે છે دَليلَ اِرَادَتِهٖસલામ થાય આપ ઉપર એ અલ્લાહના ઇરાદાની તરફ માર્ગદર્શન આપ નાર ! જી હા, ઇમામે ઝમાના (અ.)નું વજુદ અને હેતુ ખુદાના ઇરાદાની દલીલ છે. ખુદાના ઇરાદાનો મતલબ સમજવા માટે એ જરૂરી છે કે આપણે ખુદાના ઇરાદાનો અર્થ સમજી લઇએ. ખુદાના ઇરાદાના બે પાસાઓ છે. એક અસ્તિત્વ અને સર્જનની સ્થિતિ અને બીજું શરીઅત અને હુકમોની સ્થિતિ છે. અસ્તિત્વ અને સર્જનની સ્થિતિમાં અલ્લાહનો ઇરાદો તેના સર્જનો છે. જેમકે આસમાન, જમીન, મલક, ફલક વિગેરે. આ ઇરાદાને અમલી કરવા માટે તે માત્ર “કુન કહે છે અને તે વસ્તુ અને બનાવ અસ્તિત્વમાં આવી જાય છે. (ફયકુન). જ્યારે શરીઅત અને હુકમોની સ્થિતિમાં ખુદાના અહકામો અમ્ર અને નહી અંગેના છે. હવે જ્યારે આપણે આ ગુણ “દલીલ ઇરાદતેહી ઉપર વિચાર કરીએ તો એ જાણવા મળે છે કે ઇમામે ઝમાના (અ.) આ બન્ને સ્થિતિમાં અલ્લાહના ઇરાદાની તરફ માર્ગદર્શન આપે છે. સર્જનની સ્થિતિમાં દરેક વસ્તુ ખુદાના ઇરાદાના સર્જનની તરફ દલીલ કરી રહી છે. પરંતુ આ બધી સ્થિતિમાં ખુદ ઇમામ (અ.)નું અસ્તિત્વ ખુદાએ મોતઆલના ઇરાદાની શ્રેષ્ઠ દલીલ છે. તેનું કારણ એ છે કે અગર મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.સ.) ન હતે તો આસ્માન, જમીન, અર્શ, કુરસી, ફલક, મલક, જીન્નાત, ઇન્સાન વિગેરે કોઇને વજુદનો લાભ ન મળતે. (એટલે કોઇ પણ મખ્લુક ન પેદા થતે.)
લવલાક લમા ખલક્તુલ્અફ્લાક
“એ પયગમ્બર ! જો આપ ન હતે તો હું દુનિયાનું સર્જન ન કરતે.
اِنّيْ مَا خَلَقْتُ سَمَآئً مبنيۃً وَ لاَ اَرْضًا مَدْحِيَۃً وَ لاَ شَمْسًا مضيئۃً……… اِلَّا لِاَجْلِ وَ مَحَبَّۃِ ھٰو لآئِ الخَمسۃ الذِيْنَ هُمْ تَحَت الْکسَائ
(હદીસે કીસાઅ)
માત્ર એટલું જ નહીં બલ્કે ઇમામે અસ્ર (અ.) એ વસીલા છે જેમના મારફતે પરવરદિગારે આલમ પોતાના ઇરાદા સર્જનો સુધી પહોંચાડે છે.
ઇમામ સાદિક (અ.) સય્યદુશ્શોહદાની ઝિયારતની તાલીમ આપતા ફરમાવે છે :
إِرَادَةُ الرَّبِّ فِي مَقَادِيرِ أُمُورِهٖ تَهْبِطُ إِلَيْكُمْ وَ تَصْدُرُ مِنْ بُيُوتِكُمْ
“એ અહલેબૈત (અ.) ! મુકદ્દરાતે ઉમુરમાં (ઇરાદાઓના નિર્માણમાં) ખુદાનો ઇરાદો આપ ઉપર નાઝીલ થાય છે અને આપ ના ઘરથી જ જાહેર થાય છે.
(ફુરૂએ કાફી કિતાબ અલ હજ-બાબ: ઝિયારતે કબ્રે અબી અબ્દુલ્લાહ અલ હુસયન (અ.) ભા 2, “મફાતીહ ઇમામ હુસયન (અ.)ની પહેલી ઝિયારત)
એક બીજી રિવાયતમાં ઇમામ અલી નકી (અ.) ફરમાવે છે :
“યકીનથી ખુદાવંદે મોતઆલે મઅસુમ ઇમામોને પોતાના ઇરાદાઓના કાર્યકારીનું સ્થાન ગણ્યું છે. પછી જ્યારે ખુદા કોઇ વસ્તુ ચાહે છે ત્યારે તે લોકો પણ તેને ચાહે છે. આજ છે તે આયતે કરીમાની તફસીર “અને તમે નથી ચાહતા પરંતુ જે અલ્લાહ ચાહે છે. (બેહારૂલ અન્વાર ભા. 25, પા. 372)
એક બીજી હદીસમાં ઇમામ સાદિક (અ.) ફરમાવે છે :
“બેશક, ઇમામ ખુદાએ અજ્જ વ જલ્લના ઇરાદાનો માળો (સ્થળ) હોય છે. (બેહારૂલ અન્વાર ભા. 25, પા. 385)
હવે રહી શરઇ હુકમો અંગેની વાત. તો તેમાં ઇમામ (અજ) ખુદાવંદે મોતઆલના હુકમો અને નિયમો તરફ શ્રેષ્ઠ દલીલ છે. બીજા શબ્દોમાં દુનિયામાં કોઇ નથી કે જે ઇલાહી નિયમોને ઇમામ (અજ)થી વધુ સારી રીતે સમજી શકે અથવા ઇમામ (અજ)થી વધુ સારી રીતે તે પૂરા કરી શકે (અન્જામ આપી શકે). તેથી જો કોઇને જાણવું હોય કે ક્યા પ્રકારની ઇબાદતોમાં અલ્લાહનો ઇરાદો સમાએલો છે તો તે ઇમામ (અ.)ને જુએ અને સંપૂર્ણત: તેમનું અનુસરણ અને તાબેદારી કરે.
(6) السَّلَامُ عَلَيْكَ يَا تَالِيَ كِتَابِ اللَّهِ وَ تَرْجُمَانَهُ
“સલામ થાય આપ ઉપર એ અલ્લાહની કિતાબની તિલાવત કરનાર અને તેનું અર્થઘટન કરનાર.
આ વાક્યમાં પણ બે સલામ છે. પરંતુ અગાઉના વાક્યોમાં અને આમાં તફાવત એ છે કે આમાં બન્ને સલામો સમાન અને એક વિષય અંગે છે. અલ્લાહની કિતાબ કુરઆને મજીદ છે. બીજા શબ્દોમાં આ વાક્યમાં બોલતું કુરઆન અને એક ચૂપ કુરઆન વચ્ચેના સંબંધની વાત છે. આ બન્ને એેક બીજાથી ક્યારે પણ જુદા નહી પડશે. અને કયામતના દિવસે રસુલ (સ.)ની સેવામાં એક સાથે પેશ થશે-હાજર થશે. આ વિષયની શ્રેષ્ઠ દલીલ હદીસે સકલયન છે. જેમાં પયગમ્બર અકરમ (સ.)એ વસીયત કરી હતી :
“હું તમારા વચ્ચે બે મુલ્યવાન ચીજો છોડી જાઉં છું. એક અલ્લાહની કિતાબ અને બીજી મારી અહલેબયત (અ.). આ બન્ને એકબીજાથી તે સમય સુધી જુદા નહિ પડે જ્યાં સુધી હવ્ઝે કવસર પર મારી પાસે ન આવે.”
આ હદીસ શીયા અને સુન્ની બન્નેની કિતાબોમાં ભરપૂર જોવા મળે છે. એ વાત બિલ્કુલ સ્પષ્ટ છે કે હાલના સમયમાં અહલેબયત (અ.)નું પ્રતિનિધિત્વ ઇમામે અસ્ર (અ.) કરી રહ્યા છે.
ઇમામ બાકીર અ.એ અમરૂ બીન અબીદને આ શબ્દોમાં તાકીદ કરી :-
“એ અમરૂ ! લોકોની ફરજ છે કે કુરઆનને માત્ર એ રીતે જ પઢે જે રીતે તે ઉતર્યું છે અને જ્યારે તેમને તેની તફસીરની જરૂર પડે ત્યારે તેઓને જોઇએ કે અમારી પાસે આવે અને હિદાયત મેળવે. (તફસીરે ફુરાતે કુફી પા. 91)
(7) السَّلَامُ عَلَيْكَ فِي آنَاءِ لَيْلِكَ وَ أَطْرَافِ نَهَارِكَ
“સલામ થાય આપ ઉપર રાતના સમય ગાળામાં અને દિવસના અતરાફમાં.
આ વાક્યનો સુર એવો છે કે આપણે દરેક સમયે દરેક ક્ષણે હઝરત (અ.)ને સલામ કરીએ છીએ. આ સલામનો ખુલાસો કુરઆને કરીમની આ આયતમાંથી કરવામાં આવ્યો છે :
“અને રાતના સમયોમાં અને દિવસના અતરાફમાં તસ્બીહ કરો જેથી તમે રાજી થાવ. (“તા-હા આ. 130)
(8) السَّلَامُ عَلَيْكَ يَا بَقِيَّةَ اللَّهِ فِي أَرْضِهٖ
“સલામ થાય આપ ઉપર એ જમીન ઉપર અલ્લાહની બાકી હુજ્જત.
સલામના આ વાક્યમાં હઝરતના તે મશહુર લકબનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી કુરઆને કરીમે તેમની ઓળખ આપી છે.
“અલ્લાહના બાકી રહેલા તમારા માટે બહેતર છે, જો તમે ઇમાન ધરાવતા હો. (સુરા હુદ : 86)
ખરેખર તો ‘બકીયત’ શબ્દના અસંખ્ય અર્થો છે, પરંતુ અહીં ટૂંકાણ કરવા માટે સંતોષ ખાતર માત્ર એક અર્થની વાત કરીએ છીએ.
بقي مِنْهُ تُرِکَ بَعْضهٗ
અર્થાંત: ઇમામ અસ્ર (અજ) અલ્લાહ તઆલાના વલી, વસી અને હુજ્જતોનો સિલસિલો છે. તેની અંતિમ અને બાકી રહેલી કડી છે. આ અર્થ ઝિયારતોમાં પણ જોવા મળે છે.
السلام عليک يا بقيّۃَ مِنْ اوليآئهٖ و حُجَجِهٖ
(ફવ્ઝે અકબર પા. 71)
આ લકબ “બકીય્યતુલ્લાહનો ભૂતકાળના ઇમામો (અ.) માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ ખાસ રીતે તેનો ઉપયોગ ઇમામે ઝમાના (અ.)ના માટે કરવામાં આવ્યો છે. નીચેની હદીસથી સ્પષ્ટ થાય છે કે એક કુરઆનને નકારનારે અમીરુલ મોઅમેનીન અલી (અ.)ને સવાલ કર્યો કે મેં કુરઆનમાં આ આયતને જોઇ છે કે “બકીયતુલ્લાહ તમારા માટે બેહતર છે. આ કઇ બાકી રહેનાર વસ્તુ છે ? ઇમામ (અ.)એ જવાબ આપ્યો, તેનો અર્થ ઇમામ મહદી (અ.) છે તેઓ કસોટી કાળમાં જાહેર થશે. પછી દુનિયાને એ રીતે અદલ અને ઇન્સાફથી ભરી દેશે જે રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરી હશે. તેમની નિશાનીઓમાં ગયબત અને છુપાએલ રહેવું છે. જ્યારે શયતાનીયત ફેલાઇ જશે અને બદલાની આગ ભડકી ઉઠી હશે. (બેહારૂલ અન્વાર ભા. 93, પા. 119)
જ્યારે ઇમામ હસન અસ્કરી (અ.)એ અહમદ બીન ઇસ્હાક કુમ્મી (જે આપ ના અત્યંત વિશ્વસનીય સાથીદાર હતા)ની પોતાના પુત્ર ઇમામ ઝમાના (અ.) સાથે ઓળખાણ કરાવી, (તે સમયે જ્યારે ઇમામ બાળ-વયના હતા) ઇમામે ઝમાના (અ.)એ અહમદને ફરમાવ્યું :
“હું અલ્લાહનો બાકી પ્રતિનિધિ છું, તેની જમીન ઉપર. (કમાલુદ્દીન પા. 384) આ જ જાહેરાત આપ (અ.) ઝુહુર થયા પછી પણ કરશે. ખાનએ કાબા ઉપર ટેકો દેશે. કવિએ તે આ રીતે કહ્યું છે :
بقيۃُ اللّٰهِ وَ صَفْوۃُ الرُّسُلِ وَ نُخْبَۃُ الْوُجُوْدِ مَا شِئْتَ فَقُل
(9) اَلسَّلَامُ عَلَيْكَ يَا مِيثَاقَ اللَّهِ الَّذِي أَخَذَهُ وَ وَكَّدَهُ
“સલામ થાય આપ ઉપર એ અલ્લાહના વાયદા અને વચન, જે રીતે ખુદાએ (બંદાઓ) પાસેથી લીધા છે અને તેની તાકીદ કરી છે.
“મિસાક” એટલે અહદ (વાયદો અને વચન). વિશ્વાસપાત્ર હદીસોમાં જોવા મળે છે કે ખુદાએ શીયાઓ પાસે રૂહોની દુનિયામાં મઅસુમ ઇમામો (અ.)ની વિલાયતનો વાયદો અને વચન લીધા. આ વાક્યમાં આપણે ઇમામ અસ્ર (અ.)ને મિસાકલ્લાહ (અલ્લાહનો કોલ અને કરાર)ના લકબથી સલામ કરીએ છીએ. આપ એ કોલ-કરાર અને વચન છે જે લેવામાં આવ્યું છે અને તેની તાકીદ કરવામાં આવી છે. રૂહોની દુનિયામાં જ્યારે બધા ઇન્સાનોને અલ્લાહની બારગાહમાં રજકણોના સ્વરૂપે રજુ કરવામાં આવ્યા અને તેઓ પાસે ખુદાની ખુદાઇ, પયગમ્બર (સ.)ની રિસાલત અને અમીરૂલ મોઅમેનીન (અ.)ની વિલાયત અંગે સવાલો કરવામાં આવ્યા તો સૌએ સ્વિકાર કર્યો. પરંતુ જ્યારે કસોટી અને પરીક્ષાનો પ્રશ્ર્ન આવ્યો ત્યારે મોટા ભાગના નિષ્ફળ ગયા અને માત્ર થોડી વ્યક્તિઓએ સફળતા પ્રાપ્ત કરી. આ ત્રણેય વચનો પછી ખુદાએ લોકોને ઇમામે ઝમાના (અ.)ની ગયબત અને ઝુહુર વિષે સવાલ કર્યો તો તેમાંથી પણ થોડી વ્યક્તિ સફળ થઇ. આ જ તે વચન છે જેના માટે તાકીદ કરવામાં આવી છે. આ જ તે વાયદો અને વચન હતું જે ઉલુલ અઝમ પયગમ્બરોની વિલાયતનું કારણ બન્યું. ઇમામ બાકીર (અ.) ફરમાવે છે :
“ખુદાવંદે મોતઆલે ઉલુલ અઝમ પયગમ્બરો પાસે આ વચન લીધું : હું તમારો પરવરદિગાર છું. મોહમ્મદ (સ.) મારા રસુલ છે. અલી (અ.) અને તેમના વારસદારો મારા અમ્રના વાલીઓ અને મારા અમ્રના ખઝાનેદાર છે. યકીનથી મહદી (અ.) થકી હું મારા દીનની મદદ કરીશ અને મારી હુકુમતને જાહેર કરીશ. તેમના થકી મારા દુશ્મનો સામે બદલો લઇશ અને તેમના થકી દરેકે દરેક મારી ઇબાદત કરશે પછી તેઓને પસંદ હોય કે ન હોય.” (ઉસુલે કાફી ભા. 2, પા. 8, પ્ર. 3, હ-1)
“જી હા. દરેક ઉલુલ અઝમ પયગમ્બરે આ વાતનો રૂહોની દુનિયામાં સ્વિકાર કર્યો કે મહદી (અ.) થકી ખુદાના દીનની મદદ કરવામાં આવશે.”
(10) السَّلَامُ عَلَيْكَ يَا وَعْدَ اللَّهِ الَّذِي ضَمِنَهُ
“સલામ થાય આપ ઉપર એ ખુદાના વાયદા, જેની જામીનગીરી ખુદ ખુદાએ લીધી છે.
કેટલીય દોઆઓ અને ઝીયારતોમાં ઇમામે ઝમાના (અ.)ને મવઉદના નામથી યાદ કરવામાં આવ્યા છે. પરંતુ ઝિયારતે આલે યાસીનની વિશેષતાઓમાંની એક વિશેષતા એ છે કે તેમાં ઇમામે ઝમાના (અ.)ને “વઅદુલ્લાહના નામથી યાદ કરવામાં આવ્યા, એટલું જ નહિ બલ્કે તે વાયદો કે જેની જામીનગીરી ખુદ ખુદાની જાતે લીધી છે. કદાચ “વાયદો” શબ્દ એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કે ઇમામે અસ્ર (અ.) પોતાની મવઉદીય્યત (“મવઉદ”: જેનો વાયદો કરવામાં આવ્યો હોય તે)ની અતિશયતાના કારણે પોતે વાયદો કહેવરાવવા લાગ્યા. એટલે સુધી કે જ્યારે પણ અલ્લાહનો વાયદો શબ્દ આવે છે ત્યારે તેનો પર્યાય માત્ર અને માત્ર ઇમામે અસ્ર (અ.) છે. ઉદાહરણ રૂપે સુરા મરયમની આયત 85)
“જ્યારે તેઓ જોશે કે તેઓની સાથે કઇ વસ્તુનો વાયદો કરવામાં આવ્યો છે.”
તેની તફસીરમાં ઇમામ સાદિક અ. ફરમાવે છે :
“અહિ વાયદાનો અર્થ હઝરત મહદી (અ.)નું જાહેર થવું છે.” (ઉસુલે કાફી ભા. 1 પા. 231, હ-9)
આવી જ રીતે સુરા નુરની આયત 55માં અહેમ વાત એ છે કે અલ્લાહ વાયદાની વિરૂદ્ધ ક્યારે પણ નહિ કરે. વારંવાર તેણે આ વાતની તાકીદ કરી છે.
“અલ્લાહ પોતાનો વાયદો ક્યારે પણ તોડશે નહિ. (આલે ઇમરાન : 9) કોણ છે જે ખુદાથી વધુ વાયદો વફા કરે છે ? કોનો વાયદો ખુદાના વાયદાથી વધુ વિશ્ર્વસનીય છે ? યકીનથી કોઇ નહિ. માત્ર અલ્લાહનું કથન પૂરતું છે. પરંતુ શું કહેવું તે વાયદાનું, જેની જામીનગીરી પણ અલ્લાહે લીધી છે. આજે આપણી ફરજ છે કે આજ વાયદાનો ઇન્તેઝાર કરીએ. તે વ્યક્તિત્વનો કે જેના સંબંધે ઝિયારતોમાં મળે છે:
“સલામ થાય હઝરત મહદી (અ.) ઉપર તે કે જેના કારણે અલ્લાહ, અઝ્ઝ વ જલ્લે, ઉમ્મતો સાથે વાયદો કર્યો છે કે તે આપ (અજ.)ના થકી પોતાની (અલ્લાહની) મખ્લુકાતને જમા કરશે, આપ (અજ.) થકી જ વેરવિખેર થઇ ગયેલ પરેશાન લોકોને ભેગા કરશે. આપ ના જ થકી જમીનને અદલ અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જે રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે. આપ ના જ થકી મોઅમીનોના વાયદાને પૂરો કરશે.
(મફાતીહુલ જીનાન પા. 530 આદાબ સરદાબ)
ઝીયારત આમ તો ઘણી લાંબી છે. દોઆ કરીએ છીએ કે જો જીંદગી રહે અને અલ્લાહની તૌફીક અને મદદ ભળે તો ઝીયારતના બાકીના ભાગનું વિસ્તરણ આવતા વર્ષે આપ ની સેવામાં રજુ કરીશું. -ઇન્શાઅલ્લાહ.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.