Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૦૯

મહદી (અ.સ.) કોણ?

Print Friendly

ઇમામે હસન અસ્કરી (અ.સ.) ના નૂરેનઝર અને જનાબે નરજિસ ખાતુનના લખ્તે જીગર છે. એમનું મુબારક નામ ‘મિ’ ‘હય’ ‘મિમ’ ‘દાલ’, કુન્નિયત ‘અબુલ કાસિમ’ અને મશ્હર લકબો : ‘અલ મુન્તઝર’ ‘અલ મહદી’, ‘અલ કાએમ’, ‘અલ હુજ્જત’, ‘ખલફે સાલેહ’ અને ‘સાહેબુઝ – ઝમાન’ છે. તેઓ ઇસ્લામના પયગમ્બરના બારામાં જાનશીન અને હઝરત અલી (અ.સ.)ની અવલાદમાંથી છે.
રસૂલે ખુદા (સ.અ.વ.) ના નામ અને તેમની જેવી જ કુન્નિયત ધરાવનાર દેખાવમાં પણ હુબહુ આપ હઝરત (સ.અ.વ.) જેવા જ છે.
તેઓ બારમાં ઇમામ અને શીઆઓના છેલ્લા ઇમામ છે.
આપ બધાય નબીઓ અને વસીઓના સંપૂર્ણ ઇલ્મના વારીસ છે. આપે લાંબી જીંદગી મેળવવાની સાથે દરેક નબી અને ઇમામની એક એક નિશાની પણ મેળવી છે.
આપની બે ગયબતો છે : એક ગયબતે કુબરા અને બીજી ગયબતે સુગરા. ગયબતે કુબરાની મુદ્દત એટલી લાંબી છે કે કમજોર ઇમાનના લોકો આપના વજૂદ (અસ્તિત્વ) સંબંધે શંકામાં પડી જાય છે.
આપની પવિત્ર જીંદગીનો આ લાંબો સમય પણ વૃદ્ધત્વ (બુઢાપા)નો કોઇ અસર કે ચિહન નથી પેદા કરી શક્તો. આપ હંમેશાં જવાન રહેશે.
લોકોનું ભારે કઠીન ઇમ્તેહાન અને કસોટી થયા પછી આપનો ઝુહૂર થશે. અન્યાય અને અત્યાચારથી ભરાઇ ગયેલી આ ધરતીને અદલ અને ઇન્સાફથી ભરી દેશે. વેરાન અને ઉજ્જડ જમીન આબાદીઓમાં ફેરવાઇ જશે. અલ્લાહ સિવાય કોઇ બીજાની ઇબાદત કરવામાં નહિ આવે. આપણી મુશ્કેલીઓ આસાન થઇ જશે. ચિંતન અને વિચારોમાં તાજગી આવી જશે.
મહદી (અજ.) એ છે કે, જો કોઇ માણસ એમને ઓળખ્યા કે જાણ્યા વગર આ દુન્યામાંથી વિદાય થઇ જાય, તો તેનું મૌત જાહેલિયતનું – કુફ્રનું મૌત ગણાશે, તે ઇસ્લામ પહેલાના અંધકાર યુગના મુર્દાઓમાંથી લેખાશે.
એ ઇન્સાનિયતને નજાત અપાવનાર, સાચો સુધારક-રાહબર, શિર્ક-કુફ્ર-ઝુલ્મ-સિતમને તેના મૂળમાંથી ઉખેડી નાખનાર, ઝાલિમો અને અત્યાચારીઓ-હિંસા અને બળના જોર ઉપર સત્તા જમાવનારાઓ-બેલગામ તાનાશાહોની હકુમતને નાબૂદ કરનારો છે.
મહદી (અજ.) ની કાર્યપદ્ધતિ
હ. ઇમામ મહદી (અ.સ.) ની કામ કરવાની પદ્ધતિ એજ હશે કે જે હ. રસૂલે ખુદા (સ.અ.વ.) ની હતી. તે નબીઓની સુન્નતના પાબંદ હશે તેઓ લોકોને અલ્લાહની કિતાબ એટલે કે કુરઆને મજીદ અને રસૂલે ખુદા (સ.અ.વ.) ની સુન્નત અને રીતસરમ તરફ ફેરવી નાખશે.
મહદી (અ.જ.) નો રોલ
એમનું વજૂદ ઘણું મહાન, આશ્ર્ચર્યજનક અને ઘણું લાગણીશીલ રોલ અદા કરે છે, કેમ કે ખુદાવન્દે આલમે તેમના વજૂદ વડે કાએનાતને બાકી રાખી છે. અને તમેને દુન્યાવાસીઓ માટે ‘હુજ્જત’ બનાવ્યું છે.
તેમનો મહાન રોલ બિલકુલ એવો જ છે જેવો શરીરમાં દિલનો. જો દિલ શરીરને ગરમી પહોંચાડવાનું બંધ કરી દે, તો શરીર, નિર્જીવ થઇને મડદું બનીને એક બાજુ ઢળી પડે. અને અંતે સડી જાય! આ કાએનાત પણ એક શરીર છે અને મહદી (અજ.) એના ‘દિલ’ સમાન છે. એ સકળ કાએનાતની નસોમાં જીવન-રૂહ દોડાવ્યા કરે છે અને તેમના વજુદના લીધે જ કાએનાત જીવંત અને સલામત છે.
મહદી (અજ.) અલ્લાહના ફ્યઝ – કરમ, દયા અને કૃપા મેળવવા માટેનું માઘ્યમ – વાસ્તો છે એમનું કાર્ય સૂરજ જેવું છે. ગયબતના ઝમાનામાં સૂરજની જમે જ વાદળાંઓ નીચે ઢંકાઇને પણ હિદાયતનું નૂર, જીવનની ગરીમી એ હયાતનો પ્રકાશ સમસ્ત કાએનાત અને તેમાં વસનારા સૌને પહોંચાડ્યા કરે છે.
મહદી (અજ.) ની ગયબતનું કારણ
તેની ગયબતની પશ્ર્ચાદભૂમિ (પસમન્ઝર) માં અલ્લાહની અનેક મસ્લેહતો અને રહસ્યો છુપાએલાં પડ્યા છે. જો ઇન્સાન પોતાની અજ્ઞાનતા, ટૂંકી દ્રષ્ટિ અને અલ્પ જ્ઞાનના કારણે એ રહસ્યોને ન જાણી શકે, તો તેનો ઇન્કાર પણ ન કરવો જોઇએ. કેમકે ઇન્સાન મામૂલી ઇલ્મના થોડાક ટીપાં એની પોતાની જહાલતના મહાસાગરના મુકાબલે કશી વિસાતમાં નથી. પરંતુ તે હઝરતની ગયબત સંબંધે જે કેટલાંક કારણો અને લાભો બતાવવામાં આવ્યા છે તેના પ્રત્યે ઇશારો કરીએ છીએ.
(1) એનું જીવતા રહેવું જરૂરી છે, જેથી અલ્લાહનો ઇસ્લામી અદબ – ઇન્સાફવાળી હકુમત સ્થાપવાનો વાયદો અમલી બની શકે. અને આ માટે એને પર્દએ ગયબમાં રહેવું જરૂરી છે, જેથી ઝાલિમ ને જાબિર રાજકર્તાઓના બુરા ઇરાદાઓથી રક્ષિત રહે. અલબત્ત ખુદાવન્દે આલમ, તેને જાહેરમાં રાખીને પરૂં સુરક્ષિત અને સલામત રાખવા માટે કાદિર (શક્તિશાળી) જરૂર છે, એ એના ઉપર પણ કુદરત ધરાવે છે કે હ. હુજ્જત (અજ.) ને બધીય હકુમતો ઉપર સત્તાધીશ બનાવી દે; પણ ખુદાનો ઇરાદો એ છે કે કાએનાતનો પાયો ‘કારણો’ (અસ્બાબ) ઉપર રહે અને કાએનાતના બધાય કાર્યો સામાન્ય રીતે કારણો અને તેની સાથે સંબંધિત પેટા કારણોને આધારે થતા રહે. આ માટે તેમના બરકતવંતા વજૂદને દુન્યાવી આપત્તિઓ અને મૂર્ખાઓના નાપાક ઇરાદાઓથી બચાવીને રાખે. ખુદાનો ઇરાદો એ છે કે જ્યાં સુધી તે હઝરતની વિશ્ર્વવ્યાપક રાજસત્તા સ્વીકારવા માટે દુન્યા તૈયાર ન થઇ જાય ત્યાં સુધી લોકોની નજરથી અદીઠ રાખે.
(2) માનવી સંપૂર્ણતા તરફ ઉન્નતિની એક પછી એક મન્ઝિલો વટાવી રહ્યો છે કષ્ટ અને દુ:ખનો સામનો, પરીક્ષા અને કસોટી, મુશ્કેલીઓ અને પ્રતિકૂળ સંજોગો; આ બધું પ્રગતિ અને ઉન્નતિ માટેનું મોટું કારણ અને સાધન છે. એ હઝરતની ગયબત, લોકોની એક એવી કસોટી છે કે જે બે રીતે થાય છે–
પહેલું : તે હઝરતના વજૂદ અને ગયબત સંબંધે કસોટી થશે. ગયબતન ઝમાનો ઘણો લાંબો છે એટલે કે એક સમૂહ તેમના વજૂદ (અસિતત્વા ના વિષયમાં જ શંકામાં પડી ગયો. બનવાજોગ છે કે તેમના જન્મ વિશે અથવા તેમના અતિ લાંબા જીવન સંબંધે શંકા – કુશંકા અથવા ઇન્કારનો ભોગ થઇ પડ્યો હોય, તે હઝરત ઉપર ઇમાન રાખવું તેની લાંબી ગયબતના હેતુઓ અને તેની સાથે આં હઝરત (સ.અ.વ.) તથા ઇમામોએ આપેલ ગયબી ખબરો ઉપર ભરોસો મુકવો અને કુરઆનને શીઇય્યની સાચી વિચારસરણીને આધીન થવું, એ ઇમાનની નિશાની છે. આ તો નેક, પરહેઝગાર, યકીન દ્રઢતા ધરાવનાર લોકો અને તે હઝરત ઉપર ઇમાન રાખનારાઓનું જ કામ છે, જ આ બધી કસોટીમાં પાર ઉતરે અને સફળતાનો વરે.)
બીજુ : ઝમાનાના પરિવર્તનો અને રોજ રોજ બદલાતી પરિસ્થિતિના કારણે દુન્યાના કોઇને કોઇ ખૂણેથી નવી આવાજ કાને પડે છે, ઝઇફુલ ઇમાન (કમજોર ઇમાનનો માણસ) આ આવાજ સાંભળીને કંપી જાય છે, ડગમગી જાય છે; જ્યારે તેનાથી વિરૂદ્ધ દ્રઢ શ્રદ્ધાં – ઇમાન ધરાવનાર, પછી તે પુષ હય કે સ્ત્રી તેની મક્કમતા – તેના લોખંડી ઇરાદામાં જરા સરખોય ફેર પડતો નથી. ગુનાહો પછી તે અખ્લાકી હોય કે મનાસિક, દ્રેષ – કીનો, વાસનાવૃતિ, દારૂ, સંગીત, અશ્લીલ વાતો, શિયળ – વિક્રય, બેશરમી, નાજાએઝ અને ઇન્સાનિયતને નુકસાનકર્તા વસ્તુઓનો વેપાર નાજાએઝ નાણા, આજ રીતે બુદ્ધિ અને દિલને અંધકારમય બનાવી દેનાર હજારો ગુનાહો; માત્ર ખુદા અને મૌતથી ગાફિલ રહેનાર ઇન્સાનોને જ પોતા તરફ ખેંચી શકે છે. પરંતુ એક સાચા મોમિનને ગયબતના ઝમાનામાં આવાં વિપરીત અને પ્રતિકૂળ સંજોગો હોવા પછી પણ ગુનાહોમાં સંડોવી શક્તા નથી. તે તો હિદાયત સિવાય બીજી કોઇ બાજુએ પગલું ભરી શક્તો નથી. આ વાત લોકો માટે એક કસોટી છે. જેથી મજબૂત ઇમાન ધરાવનાર સ્ત્રી – પુષો, નીચી કક્ષાના લોકોથી અલગ પડી જાય અને પરહેઝગારો ઇન્સાનિય્યતની ઊંચી મન્ઝિલ – મરતબા ઉપર પહોંચી જાય.
(3) જે રીતે માંગ (Demand) અને પુરવઠો (Supply)માં સમતુલા હોવી જરૂરી છે, એક વસ્તુ લોકોને એ વખતે જ પુરી પાડવામાં આવે છે કે જ્યારે તેઓના દિલ અને આત્મામાં તેની માંગ ઉઠે છે આ જ રીતે સમાજી પ્રશ્ર્નમાં પણ ત્યારે જ ફેરફાર શક્ય બને કે જ્યારે તેના માટે લોકો તૈયાર થાય છે. જો પાણીનો પુરવઠો પ્યાસા થયેલાઓને પહોંચાડવામાં આવે, તો તેઓ તેનું દિલોજાનથી સ્વાગત કરશે. આ જ રીતે લોકોનું તેના આત્માની પ્યાસ તરફ ધ્યાન દોરી, તેની જરૂરત – તેનું મહત્ત્વ સમજાવીને પછી પાણી આપવું જોઇએ. માટે જરૂરત એની છે કે લોકો અલ્લાહના એહકામ જાણવા – સમજવાના પ્યાસા થાય, તેઓમાં અદલ – ઇન્સાફ અને શયતાની જંઝીરોમાંથી મુક્ત થવાની પ્યાસ જાગે, તેના ભારે ઇચ્છુક અને મોહતાજ થાય,પછી તે હઝરત ઝહુર ફરમાવે અને આસમાની પયગામ અને મકસદને અમલી સ્વરૂપ આપી શકે.
મહદી (અજ.)નો ઇન્તેઝાર કેવો હોઇ શકે?
મહદી (અજ.) નો ઇન્તેઝાર (પ્રતીક્ષા) સુધારણા અને કેળવણીનો મદ્રેસો છે. તેનો સ્વીકાર કરવાની તૈયારીનો મદ્રેસો છે. વિચારો અને ચિંતનના વિકાસનો મકતબ છે. ઇન્તેઝારનો હેતુ અને અર્થ ઝુલ્મને અન્યાય સામ હથિયાર હેઠા મૂકી દેવા, માથે હાથ મૂકીને બેસી રહેવું, આળસુ બની જવું, મૌત ધારણ કરી લેવું અને સંજોગો ને પરિસ્થિતિની સુધારણા તે હઝરતના ઝહુર ઉપર મૂકી દેવું, થતો નથી.
‘ઇન્તેઝાર’નો અર્થ પોતાની જાતની અને સમાજની સુધારણા કરવા માટે પ્રયત્નશીલ રહેવાનો થાય છે. ઉચ્ચ પ્રકારના સદ્ગુણો અપનાવવાનો, ચિંતન અને મનનને નવી તાજગી આપવાનો, તેનો વિકાસ કરવાનો, ઝુલ્મને સિતમ – ફિત્ના અને ફસાદ – વર્ગીય મતભેદો વિરૂદ્ધ મોરચો માંડવો થાય છે.
એ મહાન મુક્તિદાતાની પ્રતિક્ષા (ઇન્તેઝાર) એક આશાસ્પદ પાઠશાળા છે જે દુનિયાભરના મુસલમાનોમાં આશા – ઉમ્મીદનો પ્રાણ ફુંકે છે, જેથી તેઓ પોતાની સુધારણા કરવાનું કામ જારી રાખે.
ઇન્તેઝારના સાચા અને મૂળ હેતુથી દૂર થવું – તેનાથી અજ્ઞાનતા – હતાશાને જન્મ આપે છે અને આશાના ઉપવનને બાળીને રાખ કરી નાખે છે જ્યારે કે તે હઝરતનો ઇન્તેઝાર એક એવી શક્તિ અને બળ છે કે જે ઇન્તેઝાર કરનારાઓના જીવનના અંધારા દૂર કરે છે. અને આશાના દીપ સળગાવે છે.
આપણે હ. ઇમામ રેઝા (અ.સ.) ના મકસદને પુરો કરનાર મન્તીક (તર્ક) અને કૌલ (કથન) ઉપર ઘ્યાન આપવું જોઇએ. તેમણે ફરમાવ્યું છે : ‘ઝહુરનો ઇન્તેઝાર કરવો એ ઝહુરનો એક ભાગ છે.’ (બેહારૂલ અનવાર જી.52) આ ઇરશાદ (કથન) નો સાર એ છે કે એક સમજદાર શીઆની ફર્ઝ એ છે કે ઇન્તેઝારના ઝમાનામાં પોતાનું ચારિત્ર્ય એવું બનાવે કે જાણે તે ઝહુરના ઝમાનામાં જીવતો હોય.
ઇમામ મહદી (અજ.) નો મુન્તઝિર કોણ છે?
હ. હુજ્જત (અજ.)નો મુન્તઝિર (ઇન્તેઝાર કરનાર) એ છે કે જે પોતાને નેક – ચારિત્ર્યવાન બનાવે, જાણે તે ખરેખર કોઇ સુધારકની પ્રતિક્ષા (ઇન્તેઝાર) કરી રહ્યો હોય. તે હઝરતનો મુન્તઝિર એક એવો જવાબદાર માણસ હોય છે કે જે ઝમાનામાં સામે આવનાર પ્રતિકૂળ સંજોગો અને કષ્ટો સંબંધે ગાફિલ – બેખબર નથી હોતો, ઉલ્ટાનો આશા ને ઉમીદમાં ડૂબેલો, બુદ્ધિમય વિચારો ધરાવનાર, ઇસ્લામી – ઇન્સાની ફરઝો અન્જામ આપવા માટે હંમેશા તત્પર એવો મોમિન હોય છે.
તે હઝરતનો મુન્તઝિર તો એવો માણસ હોય છે કે જે હમેશા તેમની યાદમાં ડૂબેલો રહે છે અને નવરાશ (ફુરસદ) નો ઉપયોગ, બીજાઓને તેમની યાદ ને ઝિક્ર તરફ ધ્યાન દોરવામાં કરતો રહે છે.
તે હઝરતનો મુન્તઝિર મરતબા અને માનની એ એ લોકો જેવો છે કે જેણે રસૂલે ખુદા (સ.અ.વ.) સાથે રહીને જેહાદ કર્યો હોય.
હઝરત (અજ.) નો મુન્તઝિર ફઝીલતની રૂએ એવો છે કે જે તે હઝરતની સાથે ખાસ ખયમા (તંબુ)માં રહેતો હોય.
તે હઝરતનો ઇન્તેઝાર કરનાર લોકોના હક્કો ઉપર ક્યારેય ત્રાપ નથી મારતો, જૂઠ નથી બોલતો, કોઇ ઉપર તોહમત નથી મૂકતો. ગીબત નથી કરતો, કોઇની ઇઝઝત – આબરૂ નથી લૂંટતો. તે નમાઝ અને બીજી ઇબાદતોને ઘણું વધારે મહત્વ આપે છે. તે પરહેઝગાર હોય છે, ઇલ્મ અને દાનિશ મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે, તેની પાસે પ્રેમભર્યું હૈયુ અને દયા નીતરતું દિલ હોય છે. રહેમદિલી અને મોહબ્બત તેના વ્યક્તિત્વનો એક ભાગ હોય છે. બુરી ટેવો, દુગુર્ણોથી ઘણો દૂર અને સદ્દગુણોથી સભર હોય છે.
મહદી (અજ.)ની યાદનો અંદાઝ કેવો હોવો જોઇએ.
ઇમામ મહદી (અજ.)ની યાદ અને તેમનો જલ્દી ઝહૂર થવાની દૂઆ બેહતરીન ઇબાદતમાંથી છે અને તેની સાથે અલ્લાહની કુરબત (નજદીકી) મેળવવા માટેનું સાધન છે.
મહદી (અજ.) ના શીઆઓ! આપણે એમની કેટલી યાદ કરીએ છીએ? હે એની પાઠશાળાના પ્રમીઓ! આપણે એમની યાદમાં રાત – દિવસમાં કેટલા કલાકો, કેટલી મિનિટોનો ઉપયોગ કરીએ છીએ? એમના દિદાર (દર્શન) માટેની ઉત્સુકતા ધરાવનારાઓ તે હઝરતના ચાહકો! એમની ખુશ્નુદી મેળવવા માટે કેટલું ઘ્યાન આપીએ છીએ? આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ કે એ મેહબુબ હસ્તીને દિલને દુ:ખ ન પહોંચે અને એમની મરજી વિરૂદ્ધનું કોઇ પગલું ન ભરીએ? શું આપણે નથી ચાહતા કે તે હઝરત પણ આપણને યાદ કરે અને આપણને તૌફિક આપે?
આ માટે આપણી ફરઝ છે કે આપણે વધારેમાં વધારે વખત એમની યાદ કરતા રહીએ.
શું આપણે નથી ચાહતા કે મૌતના સમયે અને કબરની મન્ઝિલમાં પહોંચવાની પહેલી રાત્રે – જે કદાચ આજની જ રાત હોય – તે હઝરત આપણા સીરહાના પાસે પધાર અને આપણી હાલત પૂછે? એટલે જ આપણે એમના વિશેની વધારે ને વધારે ખબર રાખવી જોઇએ.
શું આપણે નથી ઇચ્છતા કે એકાંતભર્યા ઘરમાં આજાણ્યા અને બીહામણા સ્થળે, અંધારી કબરમાં, દુન્યા છોડ્યા પછીની શરૂઆતની ઘડીઓમાં તેઓ રહમત – કૃપા તે દયાના ઝરણા વહાવી દે? આપણી કબરમાંની બેચૈની – ડર અને એકાંતને દૂર કરી દે? આપણે તે હઝરતનું વધારેમાં વધારે ઘ્યાન ધરવું જોઇએ.
મહદી (અ.સ.) ની યાદ દિલને સાંત્વન આપે છે, આનંદ અને પ્રફુલ્લિતતા આપે છે, આપણું વ્યક્તિત્વ ઘડે છે, ઉત્સાહ અને ઉમંગ આપે છે, અલ્લાહની કુરબત (નઝદીકી)નું સાધન અને મૌત વખતની બિહામણી – ભયંકર ઘડીઓ માટેની ઢાલ છે.
જો આપણી રૂહ (આત્મા) ની સ્વચ્છતા ઇચ્છતા હોઇએ, આપણ નફસને પવિત્ર બનાવવા માગતા હોઇએ, આપણી મનોવાંછનાઓ અને શયતાનના વસવસાઓના સામના માટે શક્તિ અને બળ મેળવવા માગતા હોઇએ, આપણ અગણિત ગુનાહો વઅને અસંખ્ય ભૂલોથી પસ્તાઇને તેના માફ થવાનો કોઇ વસીલો ઇચ્છતા હોઇએ, અલ્લાહની બારગાહમાં નઝદીકી મેળવવા માટે કોઇ સાધન – ઝરીઓ શોધી રહ્યા હોઇએ, આપણી રૂહાની (આત્મિક) બીમારીઓના ઇલાજની ચિંતા કરતા હોઇએ જો આત્મોન્નતિ અને માનસિક તરક્કી ચાહતા હોઇએ અને દુન્યા ને આખેતમાં સફળતાના ઇચ્છુક હોઇએ, તો આપણે તે (હકીકત)ની યાદમાં ડૂબી જવું જોઇએ. એમની તરફ ધ્યાન ધરીએ. એમનો દામન અને આપણો હાથ હોય. સવાર – બપોર – સાંજ – અર્ધી રાત, ટૂંકમાં આઠેય પ્રહર અમેની યાદ, એમની આરઝુ કરીએ. એમની ખોજ કરીએ, એમના માર્ગ ઉપર ચાલીએ. શું ખરેખર આપણે ઝમાનાના ઇમામને દોસ્ત રાખીએ છીએ. શું એ શક્ય કે કોઇ, કોઇને દોસ્ત રાખતું હોય – ચાહતું હોય અને એની યાદ ન હોય?!!
આપણે જ્યાં પણ હોઇએ, ગમે તેવા સામાજીક સંજોગોમાંથી પસાર થઇ રહ્યા હોઇએ, પણ જો આપણે ચાહતા હોઇએ કે જીંદગીના બધાય સામાજીક સવાલો માં ખાસ કરીને ઇન્સાની રૂહ અને સારા વિચારોના પડતરમાં રોજ – બરોજ સફળતા મેળવવા માગતા હોઇએ, તો તે હઝરતની યાદમાં રહેવું જોઇએ, ઇમામે ઝમાના (અ.સ.) સાથેના પોતાના સંબંધો દ્રઢ અને મજબૂત બનાવીએ. એમના તરફ – એમનું ધ્યાન ધરીએ આપણો અકીદો – આપણો વિશ્ર્વાસ છે કે અમે ઇમામ રાખીએ છીએ. અમારો ઇમામ છે. તે જીવંત છે. અમને તે જોઇ રહ્યા છે, અમારા વિચારો – માન્યતાથી તે માહિતગાર છે. આપણ શરીર અને આપણી હના અણુ અણુથી જાણકાર છે, અલ્લાહની કૃપાઓ – નેઅમતો એના દ્વારા આપણા સુધી પહોંચી રહી છે. અલ્લાહની નવાઝિશોનો એ દરવાજો છે આપણે એ દરવાજાને ખખડાવવો જોઇએ, એવા જ રસ્તેથી દાલખ થવું જોઇએ. એ જ મુક્તિ આપનાર અને રસ્તો ખોલનારો છે. એની જ ‘યાદ’ બધાય રોગોના ઉપચાર છે. એને વળગીને (એનો દામન પકડીને) રહેવાથી બધી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. – એ જ સફળતાનું રહસ્ય છે.
આપણી ફરઝ છે કે આપણે દરેક ક્ષણે એમની યાદ કરતા રહીએ, દરેક બેઠક – દરેક મુલાકાતમાં એમનો ઝિક્ર કરીએ લોકોનું ધ્યાન એમના તરફ દોરીએ. ઇમાન ધરાવનારાઓ પાસે એમની યાદ તાજી કરાવતા રહીએ. ઓછામાં ઓછુ દિવસમાં કેટલીક વાર એમનું નામ લઇએ, એમની ઉપર દુરૂદ પઢીએ. અને સલામ મોકલીએ. મોહબ્બત અને પ્રેમ પ્રદર્શિત કરતા રહીએ. અલ્લાહની બારગાહમાં એમના જલ્દી ઝહુર થવાની દૂઆ કરીએ અમેની ખોજ કરીએ અને હંમેશા એમની યાદમાં જ રહીએ. શું એ શક્ય છે કે કોઇ એમનો શયદાઇ હોય અને તે એન ભૂલી જાય? શું એ શક્ય છે કે કોઇ એમની જુદાઇમાં ઝુરી રહ્યો હોય, તડપી રહ્યો હોય, ઘડીએ – ઘડીએ એમને યાદ કરતો હોય, એમના ઉપર દૂદ – સલામ મોકલતો હોય, એમના પ્રેમ અને દુ:ખમાં આંસૂ વહાવતો હોય, એમની જુદાઇમાં ગળતો જઇ રહ્યો ઓય, એમના ઝહુર માટે દૂઆ કરતો હોય, તેને તે હઝરત ભૂલી જાય?!! એની ફરયાદને જવાબ ન આપે? નહી, નહી હરગિઝ નહી. તેઓ તો પ્રેમ અને કૃપાનું ઝરણું છે તેઓ કરમ અને રહેમતનું કેન્દ્ર છે, તેઓ આકા છે, મવલા છે, ખુદાની રહેમતનો દરવાજો છે.
શીઆ જગતના પ્રખર વિદ્વાન, મહાન ચિંતક સય્યદ ઇબ્ને તાઉસ અલયહિર રહમહ પોતાના પુત્ર અને દરેક વાંચક અને બધાય શીઆઓને પયગામ આપે છે. –
‘લોકોની બહુ મોટી સંખ્યા એવી છે કે જે ઇમામે વક્ત ઉપર શ્રદ્ધા રાખવા છતાં તેઓના કૌલ (વાણી) અને અમલ (વર્તન) અયોગ્ય છે. તે હઝરતના વજૂદ ઉપર આસ્થા અને ઝહુર થવા વિશે યકીન (ખાત્રી) રાખે છે, પણ અમલ (વર્તન) માં તેમની યાદ અને તેમના ઝહુરનો ભુલાવાડી બેઠા છે.’
આગળ જતા ફરમાવે છે : ‘જે માણસ એમની ઇમામત અને ઝહુર ઉપર યકીન રાખે છે, તે જો કોઇ રૂપિયા કે દુન્યવી વસ્તુઓમાંથી કોઇ વસ્તુ ગુમાવી બેસે છે, તો હમેશાં તેનું ધ્યાન તેની તરફ રહે છે, ચૈન પડતુ નથી. પેલી વસ્તુ મેળવવા માટે પોતાની બધી શક્તિ કામે લગાડી દે છે. હંમેશા એ ખોવાયેલા પૈસા અને ગુમાયેલી વસ્તુ શોધવા પાછળ મંડ્યો રહે છે, શું એ ખોવાયેલી વસ્તુઓ જેટલો પોતાના વલીએ નેઅમતના દિદાર, દુન્યાના મહાન સુધારક, કાએનાતના પ્રાણ પોતાના ઝમાનાના ઇમામ માટે પ્રયત્નશીલ રહે છે? તો પછી ક્યા આધારે એમની ઇમામતનો અકીદો રાખે છે. અને એમના ઝહુરનો ઇન્તેઝાર કરે છે? કઇ રીતે એમની વિલાયત – દોસ્તી ને મોહબ્બતનો દાવો કરે છે?’
આહ! જો એ આલિમો રબ્બાની સ્વપ્નનું ફળ ન હોત, તો કલમમાં એટલી શક્તિ ક્યાં હતી કે આ બધું લખી શક્તે? જ્યારે એક સાચો શયાદઇ, એક ભગ્નહૃદયી ઇમામે ઝમાના (અ.સ.)ની સેવામાં હાજર થાય છે, એમના મુબારક કદમોમાં પડી જાય છે, દન કરે છે, આંસુ વહાવે છે ત્યારે આકા પુછ છે : ‘કેમ રડે છે?’ કેટલીક વાતચીત થયા પછી કહે છે : ‘આપની જુદાઇ આપની લાંબી ગયબતના કારણે. આપણ શીઆઓની હાલતના લીધે……’ હઝરત ફરમાવે છે : ‘આસું વહાવ નહીં, હજી પણ અમારા શીઆઓ ચાહતા નથી કે અમે એમની ફરીયાદ સુણીએ, એમની તરફ આવીએ. ઇન્સાન પ્યાસના કારણે અર્ધો ગ્લાસ પાણી માટે જેટલો તડપે છે, અમારા શીઓઓ એટલીય તડપ કે બેચૈની અમારા માટે અનુભવતા નથી.’
નિશંક, તરસ્યા થવું જોઇએ, તરસનો એહસાસ (અનુભુતિ) કરવો જોઇએ, પાણી માટે દોડીને જવું જોઇએ. આપણે સમજવું જોઇએ કે માત્ર તે ……. માત્ર તે જ તરસ્યાઓને પાણી પીવડાવનાર છે અ તૃપ્ત કરનાર છે. બાકી બધુ મૃગજળ છે, ફરેબ છે. એ જ ઉપચાર કરનાર છે, એ જ મુક્તિ અપાવનાર છે, એની જ યાદ બધી મુશ્કેલીઓને દૂર કરનાર અને બધીય સફતાઓનું રહસ્ય છે.
મહદી (અજ.) ઉપર સલામ
હમેશા હ. મહદી (અ.સ.) ની યાદમાં ડૂબેલું રહેવું જોઇએ. અમની બારગાહમાં વારંવાર સલામ મોકલતા રહેવું જોઇએ.
અસ્સલામો અલય્ક યા ખલીફતલ્લાહે વ નાસેર હક્કેહિ – અમારા સલામ તારા પર, હે અલ્લાહના ખલીફા અને એના દીનના મદદગાર.
અસ્સલામો અલય્ક બકિય્યતુલ્લાહે ફી અર્ઝેહિ – સલામ તારા પર, હે ઝમીન ઉપર ખુદાની છેલ્લી હુજ્જત.
અસ્સલામો અલય્ક યા દાએયલ્લાહે વ રબ્બાનીય્ય આયોતેહિ – અમારા સલામ તારા પર, હે ખુદા તરફ દઅવત આપનાર અને અલ્લાહની નિશાનીઓના મુરબ્બી, ઇન્સાન અને કાએનાતના પાલક.
અસ્સલામો અલય્ક યા બાબલ્લાહે વ દય્યાન દીનેહિ – અમારા સલામ થાય તારા પર, હે ખુદાની રહમત અને તેની અસીમ કૃપાના દરવાજા અને એના દીનના રક્ષક.
અસ્સલામો અલય્ક બે જવામેઇસ સલામ – અમારા દુરૂદ તારા પર, અમારા બધાય દુરૂદ અને બધાય સલામ તારા પર,’

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.