Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૨૮ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ની શહાદત ઉપર કિતાબો » કિતાબોનો પરિચય

લોહુફ

Print Friendly

લોહુફ લખવાનું કારણ :

સય્યદ ઇબ્ને તાઉસ (અ.ર.)એ લોહુફની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ કિતાબ લખવાનું કારણ એ છે કે જ્યારે મેં “મિસ્બાહુઝઝાએર વ જનાહુલ મોસાફીર સંપાદન કરી તો જોયું કે આ કિતાબ ઝ્યિારતો અને દિવસ તથા રાતના ખાસ અઅમાલનો સમાવેશ કરી લે છે અને આ કિતાબ રાખનારને મીસ્બાહ (મીસ્બાહુલ મોહતજદ અને મીસ્બાહે કફઅમી) જેવી કિતાબો રાખવાની જરૂરત નથી પડતી અને મહાન અને પવિત્ર મઝારોનું કામ તેનાથી લે છે. તેથી મેં એ પસંદ કર્યું કે આ કિતાબ ધરાવનારને મકતલ અને ઝિયારતે આશુરા માટે બીજી કોઇ કિતાબ રાખવી ન પડે તેથી કિતાબે લોહુફને સંક્ષિપ્તમાં લખી જેથી તે મિસ્બાહુઝ ઝાએરની પૂરક બની જાય. મેં ઝવ્વારોની સમયની તંગીને ધ્યાનમાં રાખીને બાબત લખી અને લંબાણ પૂર્વકના વિવરણને છોડી દીધું છે.

(લોહુફ મુકદ્દમા, પાના નં. ૨૪)

લોહુફના વિભાગો :

ખુદ મરહુમ સય્યદ (ર.અ.) એ પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે આમાં ગમ અને રંજના દરવાજાઓ ખોલવાના માધ્યમો છે અને ઇમાન ધરાવનાર મોઅમીનોની નજાતનો સામાન છે. જો કે તેમાં શબ્દો અને વાક્યોના ખોળીયામાં મહાન અને ઉચ્ચ અર્થો અને સમજણ છુપાએલા છે, જે આપણા પવિત્ર હેતુને સમજાવે છે. એટલાજ માટે મેં તેનું નામ “અલ્લોહુફો અલા કત્લીત્ તોફુફ’ રાખ્યું અને તેને ત્રણ ભાગોમાં વહેંચ્યું.

૧.      શહાદતની પહેલાના પ્રસંગો (ઇમામ હુસૈન (અ.સ.)નું જીવન વિલાદતથી આશુરાના દિવસ સુધી).

૨.      આશુરાના દિવસની ઘટનાઓ અને શહીદોની કુરબાની.

૩.      ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછીના પ્રસંગો.

(લોહુફ મુકદ્દમા, પાના નં. ૨૬)

લોહુફનું મહત્ત્વ :

લોહુફની કિતાબ તેની વિશ્ર્વાસપાત્ર સનદો અને સંક્ષિપ્ત વર્ણન, સ્પષ્ટ શબ્દો અને વિશ્ર્વસનીય પુરાવા અને તેની વિદ્વતાને કારણે ઇસ્મત અને તહારતવાળા ખાનદાનના ચાહનારાઓની દરમ્યાન આવકારવા લાયક અને આકર્ષણનું કેન્દ્ર બની છે. આજ કારણે આ કિતાબ વીસથી વધુ વખત ઇરાક અને ઇરાનમાં છપાઇ ચૂકી છે. તેમજ ઘણી વખત તેનો ફારસીમાં તરજુમો  પણ થઇ ચૂક્યો છે. તેનો ઉર્દુ તરજુમો પણ ભારત અને પાકિસ્તાનમાંથી પ્રગટ થઇ ચૂક્યો છે.

આ કિતાબનો ફારસીમાં અક્ષરશ તરજુમો શયખ અલી બીન શયખુલ અરાકીએ કર્યો છે. જે હિ.સન ૧૩૯૯માં પ્રકાશિત થઇ ચૂક્યો છે.

બીજા અનુવાદકો નીચે મુજબ છે.

૧. મીરઝા રઝા કલી ૨. શયખ અહમદ બીન સલામા નજફી ૩. મોહમ્મદ ઇબ્રાહીમ ૪. આયતુલ્લાહ સય્યદ એહમદ ફહરી ઝનજાની ૫. હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લેમીન આકા સય્યદ મોહમ્મદ સોહફી ૬. ડો. અબ્દુર્રહીમ અકીકી બજશાયશી

આ લેખમાં આ જ કિતાબમાંથી ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. અરબી લખાણમાં સંપૂર્ણ રીતે એઅરાબ (નિશાનીઓ) પણ લગાડવામાં આવ્યા છે.

આલીમોમાં આ કિતાબના સ્વિકાર્યનો અંદાજ તેના થએલા અનેક તરજુમાઓ ઉપરથી આવી શકે છે.

ભારત, પાકિસ્તાન અને ઇરાનના બિન અરબી ઝાકીરોમાં લોહુફના મતાલીબ માદરી ભાષામાં છે કારણકે કરબલાની લોહીભીની દાસ્તાન રજુ કરનાર દરેક નાની મોટી કિતાબનો સ્ત્રોત આ જ કિતાબ લોહુફ છે. નમૂનારૂપે થોડા ઉતારણો નીચે મુજબ રજુ કરીએ છીએ.

મરહુમ સૈયદ રહેમલ્લાહે ઇમામ સાદિક (અ.સ.)થી એક રિવાયત ટાંકી છે કે જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) મક્કાથી રવાના થયા ત્યારે ફરિશ્તાઓની એક ફોજ જે તે પહેલા રસુલે ખુદા (સ.અ.વ.)ની મદદ લડાઇઓમાં કરી ચૂકી હતી તે જન્નતના ઘોડાઓ ઉપર સવાર થઇ આપની સાથે મુલાકાત કરી આપને સલામ કર્યા બાદ કહ્યું

“અય મખ્લુકો પર અલ્લાહની હુજ્જત! ખરેખર આપના નાના, પિતા અને ભાઇ પછી અલ્લાહ અઝ્ઝ વ જલ્લે અમને આપની પાસે મોકલ્યા છે.’ (આ પહેલા અમે તે હઝરતોની મદદ કરી છે)

ઇમામ હુસૈન (અ.સ.)એ ફરમાવ્યું :

“મારા વાયદાની જગ્યા કરબલા, તે જમીન છે જ્યાં મને શહીદ કરવામાં આવશે અને ત્યાં જ મારી ઝિયારતગાહ હશે. જ્યારે હું ત્યાં પહોંચું ત્યારે તમે મારી પાસે આવજો.

ફરિશ્તાઓએ કહ્યું :

“અમને ખુદા તરફથી હુકમ થયો છે કે અમે તમારી વાતો સાંભળીએ અને તમારી ઇતાઅત કરીએ. જો તમને ભય હોય કે તમારા દુશ્મનો તમારી ઉપર હુમલો કરશે તો અમે આપની સેવામાં હાજર છીએ.’

હઝરત (અ.સ.)એ ફરમાવ્યું :

“જ્યાં સુધી હું કરબલાની જમીન ઉપર પહોંચી ન જાઉં ત્યાં સુધી તે લોકો મને ઇજા પહોંચાડી શકશે નહિં.

(લોહુફ, પાના નં. : ૮૨)

ફરિશ્તાઓ પછી જીન્નાત આવ્યા અને હઝરત (અ.સ.)ની મદદની ઇચ્છા વ્યક્ત કરી. હઝરતે તેઓના માટે દોઆ કરી. જીન્નાત કહેવા લાગ્યા : “ખુદાની કસમ જો આપની તાબેદારી વાજીબ નહોત તો આપનો વિરોધ કરીને આપના દુશ્મનોનો સત્યાનાશ કરી દેત.’

હઝરત (અ.સ.)એ ફરમાવ્યું :

“ખુદાની કસમ! અમે તેઓને ખતમ કરવાની તમારાથી વધુ શક્તિ ધરાવીએ છીએ. પરંતુ અમે (ઇચ્છીએ છીએ કે બધા લોકો ઉપર હુજ્જત તમામ થઇ જાય) જેથી હલાક થનારા પુરાવા (હુજ્જત તમામ થયા) પછી હલાક થાય અને જે લોકો નેક બખ્ત ઝીંદગી મેળવે તે પણ સાબિતિ થકી હોય.

(લોહુફ, પાના નં. ૮૪)

યાદી

ઝમાનાના ઇમામની તાબેદારી માત્ર ઇન્સાનો ઉપર જ નહિં બલ્કે ફરિશ્તાઓ અને જીન્નાતો ઉપર પણ વાજીબ છે. અઇમ્મા (અ.સ.) સૌથી વધુ શક્તિશાળી હોવા છતાં અલ્લાહની કઝા અને કદ્રના પાબંદ હોય છે. દુશ્મનો ઉપર પણ હુજ્જત તમામ કરવી જરૂરી ગણતા. તેથી માત્ર એક નાની એવી યાદી લખી રહ્યા છીએ રસ ધરાવતા વાંચકો લોહુફ કિતાબમાંથી લાભ લઇ શકે છે.

મદીનાથી ઇમામ (અ.સ.)ની હિજરત, કુફા વાસીઓનું આમંત્રણ, મુસ્લિમ બીન અકીલની શહાદત, જુદી જુદી જગ્યાએ ઇમામ (અ.સ.)ના ખુત્બાઓ, અસ્હાબો, સાથીદારો અને કુટુંબીજનોની શહાદતો, જનાબે ઝયનબ (સ.અ.), જ. ઉમ્મે કુલ્સુમ (સ.અ.), જ. સુકયના (સ.અ.) અને બીજી સયદાણીઓ અને બાળકોના કલ્પાંતો, જનાબે  ઝયનબ (સ.અ.), જ. ઉમ્મે કુલ્સુમ (સ.અ.)અને ઇમામ સજ્જાદ (અ.સ.)ના ખુત્બાઓ, કુફા અને શામના રસ્તા દરમ્યાન બનેલી ઘટનાઓ, મદીના પાછા ફરવું અને નાનાની કબર ઉપર જનાબે ઝયનબ (સ.અ.) દ્વારા ઇમામની શહાદતનો અહેવાલ આપવો.

આ યાદી ઉપરાંતની વધુ માહિતી માટે લોહુફ કિતાબનો અભ્યાસ જરૂર કરવો જોઇએ.

સંપાદકનું મૃત્યુ :

૫, ઝીલ્કાદ, હિ.સન. ૬૬૪માં આપ મૃત્યુ પામ્યા અને કાઝમૈનમાં દફન થયા.

સય્યદ ઇબ્ને તાઉસ (અ.ર.) ઉપર ઇમામે ઝમાના (અ.સ.)ની ઘણી મહેરબાનીઓ તેમના જીવનમાં પણ રહી છે અને આજે પણ તેમની કિતાબોની સ્વિકાર્યતા દર્શાવી રહી છે કે ઇમામે ઝમાના (અ.સ.) પોતાના આ ખાસ મુજાહીદ ઉપર પોતાની મહેરબાની અને કરમનો છાંયો કરી રહ્યા છે.

કિતાબે લોહુફ એહલેબયત (અ.સ.)ના તમામ શીયાઓ માટે એક શ્રેષ્ઠ ભેટ છે.

બારગાહે ઇલાહીમાં આપણી એ દોઆ છે કે આપણી ગણના ઇમામે ઝમાના (અ.સ.)ના મદદગાર અને સાથીદારોમાં થાય. અલ્લાહ તઆલા આપના ઝુહુરમાં જલ્દી કરે. આમીન સુમ્મ આમીન….

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.