Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૦૮ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ. સ. ની લાંબી વય

હઝરત હુજ્જત બિન અલ હસન (અ.સ.) ની લાંબી ઉમ્ર

Print Friendly

જેમ કે આપને યાદ હશે કે ગયા વરસે નિમએ શાબાનના ખાસ અંકમાં ઇમામ ઝમાના (અ.સ.) ની લાંબી ઉમ્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરીને સાબિત કરવામાં આવી હતી કે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી પણ લાંબી ઉમ્ર થવામાં કોઇ પણ જાતની શંકા કે સંદેહ થવાને સ્થાને નથી.
આ વરસે આજ આશયની બીજા દ્રષ્ટિબિંદુથી તેહકીક અને શોધખોળ કરીએ.
લાંબી ઉમ્ર – કુરાની દ્રષ્ટિબિંદુથી
જે આયતો અમૂક ખુદાના પયગમ્બરોની લાંબી જીંદગીના બારામાં મળે છે તેજ આયતોની ઇમામે ઝમાના (અ.સ.) ની લાંબી ઉમ્રને સમજવામાં બહુજ આસાની કરી દે છે.
આ જગ્યા પર અમે ફક્તે બે આયતો જ ટાંકશુ;
1. સૂરે અન્કબુત આયત 14 માં ઇરશાદે ઇલાહી છે: ‘પછી તેઓ એમની વચ્ચે સાડા નૌંસો વરસ (ઉમ્મતની હીદાયત અને રેહનુમાઇ માટે) રહ્યા.’
આ આયએ કરીમા પ્રમાણે હઝરતે નૂહ (અ.સ.) ની રીસાલતની મુદત સાડા નૌંસો વરસ નક્કી થઇ જાય છે. અને યકીનન એ હઝરત (અ.સ.) ની ઉમ્ર આનાથી પણ વધુ હતી તેથી જ મર્હુમ શેખ સુદ્દક રીઝવાનુલ્લાહ અલ્યહે જે શિયાઓના એક જબરદસ્ત મહાન આલીમ હતા. તેઓએ હઝરત નૂહ (અ.સ.) ની ઉમ્રનો અંદાજો બે હજાર વરસથી પણ વધુ લગાવ્યો છે. (‘કમાલુદ્દીન’)
2. સુરે નિસાની આયત 157 અને 158માં હઝરત ઇસા (અ.સ.) નો ઝિકર આ શબ્દોમાં કરવામાં આવ્યો છે.
‘અને તેમના આ કહેવાના કારણે કે નિ:સંશય અમોએ ખુદાના રસુલ (એટલે) મરિયમના બેટા મસીહને મારી નાખ્યો છે, જો કે તેમણે તેને ન મારી નાખ્યો ન સુળીએ ચઢવ્યો. પરંતુ તે તેમને ઇસાના જેવો લાગયો હતો; અને નિસશંય જે લોકો એ મસીહ સંબંધીત વેળા મતભેદ કર્યો હતો તેઓ આજ પ્રયંત તેના સંબંધમાં શંકામાં (પડેલા) છે; (કેવળ) ગુમાનના અનુકરણ સિવાય તેમને આ બાબતમાં કાંઇ જ્ઞાન નથી, અને આ તો ખાતરીપૂર્વક છે કે તેમણે તેને કત્લ કર્યો નથી.:
બલ્કે તેને અલ્લાહે પોતાની તરફ ઉચકી લીધો છે; અને અલ્લાહે ઝબરદસ્ત હિકમતવાળો છે.’
આ આયતોમાં ખુદાવંદે આલમ હઝરત ઇસા (અ.સ.) ના જીવતા હોવા વિષે તવઝીહ ફરમાવે છે અને ઇસાઇઓના ગલત કૌલ અને અકીદાએ જેની બુન્યાદ હઝરત ઇસાની (અ.સ.) સૂળી પર ચઢવવાને અને કત્લ કરવાને છે, રદ કરે છે એનો ખુલાસો એ છે કે કુરાને કરીમની બીજી એવી પણ આયતો છે જે ખુદાના પયગમ્બરો અને બીજા વિષયો પર છે. જેમાં લાંબી ઉમ્ર તરફ ઇશારો કરવામાં આવ્યો છે. એટલે સુધી કે ફાસીદ ફાજીર અને કાફર લોકોના બારામાં એવી આયતો આવી છે જે એમની લાંબી ઉમ્ર પર દલીલ કરે છે. નમૂના તરીકે આ જગ્યાએ બે આયતો રજુ કરીએ છીએ.
1. સુરએ અંબિયાની આયત : 44
‘બલ્કે અમોએ તેમને તથા તેમના બાપદાદાઓને સુખનો ઉપભોગ કરવા દીધો અહીં સુધી કે તેમની ઝિન્દગી (સુખમા) લંબાઇ.’
(સુરએ કસસ, આયત નં. 45માં એમ જોઇઅ છીએ.)
2. ‘પરંતુ અમોએ એવા જમાનાને પેદા કર્યો છે જેમાં લોકોના આયુષ્યો લાંબા બનાવ્યા છે.’
જ્યારે ખુદાએ કાદીર અને શક્તિશાળી અમૂક કાફરો ને એમની પરીક્ષાના કારણે લાંબી ઉમ્ર આપે છે તો પછી એમાં શંકાની વાત શી છે કે પોતાના પ્રતિનિધી અને પોતાની હુજ્જતને અદલ અને ઇન્સાફની હકુમતને કાયમ કરવા માટે અને ઇસ્લામના પવિત્ર કાનુનને નવજીવન બક્ષવા અને બીજા બુન્યાદી કામો માટે લાંબી જીંદગી અતા કરે!
દુખીતી વાત છે કે એ માણસ જે કુરઆને કરીમ પર અકીદો રાખે છે. અને એ પરવરદિગાર કુદરત અને તાકાત પર. જે એ આયતે કરીમાને નાઝીલ કરવાવાળો છે. ઇમાન રાખે છે. એની ફરજ છે કે જે કાંઇ એમાં આવ્યું છે જેમાં લાંબી ઉમ્રનો પણ ઝીક્ર છે, એ ઉપર પણ સારી રીતે અકીદો રાખે એ રીતે આ વાત બિલકુલ સરળ અને આસાન થઇ જશે કેમકે ખુદાવન્દે આલમ દરેક વસ્તુને પેદા કરવાવાળો અને પુરેપુરી કુદરત અને તાકતવાળો છે.
‘ઇન્નલ્લાહ અલા કુલ્લે શયઇન કદીર’ (સુરએ ફાતિર આયત: 1)
કુરઆને કરીમે ખુદાવંદે મુત્તઆલની અસીમ કુદરત અને અનંત અઝમત અને બુઝુર્ગી તરફ ઇશારો કરવા માટે અસ્હાબે કહફ ખુદાના પયગમ્બરે ઓઝેર (અ.સ.) અને જનાબે ઇબ્રાહીમ (અ.સ.) ના પક્ષીઓના કિસ્સાઓ અને બીજા વાકેઆતો બયાન કર્યો છે. અહિં અમે ફક્ત એક જ બનાવ તરફ ઇશારો કરીએ છે.
અસ્હાબે કહફની આશ્ર્ચર્યજનક અને અદભૂત કિસ્સો (સુરએ કહફ આયત 9 થી 25) અમે આવી રીતે વાંચીએ છે કે 309 વરસ સુધી આ લોકો કહફની ગુફમાં સૂતા રહ્યા. આ લાંબી મુદ્દત પછી ‘કયામત’ ને સાબીત કરવા અને ખુદાવન્દે આલમની મહાન કુદરતને જાહેર કરવા માટે ખુદાવન્દે આલમના હકમથી ફરીવાર જીવતા થયા. શું એ ખુદા જે પોતાની મામુલી કુદરતની જાહેરાતના નમૂના તરીકે આ નાના બનાવથી જાહેર કરે છે. જેની તરફ અમે ફક્ત ઇશારો કર્યો છે. એ આ અમ્ર (કામ) પર કુદરત નથી. રાખતો કે પોતાના પ્રતિનિધી અને પોતાની હુજ્જતની ઉમ્રને, જમીનને અદલ અને ઇન્સાફથી ભરપુર કરવા દુનિયાના મામલાતની ઇસ્લાહ માટે ખુદાના પયગમ્બરો અને અવલિયાઓની આરઝુ અને તમન્નાઓને અમલના પમાં લાવવા અને જમીન પર ઇસ્લામની સાચી હકુમત કાયમ અને દાએમ કરવા લાંબી કરી શકે અને લાંબી ઉમ્રની નેઅમતને એ હઝરત (અ.ત.ફ.) ના માટે સરળ અને આસાન બનાવી દે?
ખુદાવન્દે આલમ દરેકે દરેક વસ્તુ પર પુરેપુરી કુદરત રાખે છે.
લાંબી ઉમ્ર – રિવાયતો અને હદીસોની રોશનીમાં:
ઇસ્લામી પુસ્તકો અને સાહીત્યોના અમૂલ્ય ખજાનામાં ઇમામે ઝમાના (અ.સ.) ની લાંબી ઉમ્રના સંબંધમાં અસંખ્ય અને બેશુમાર હદીસો મૌજુદ છે. જેમાની એક બુઝુર્ગ આલીમે કિતાબ ‘મુન્તખ્બુલ અસર’ માં એ હદીસોની ગણત્રી 318 બતાવી છે. જેમાંથી અમે ફક્ત એકજ હદીસ બયાન કરીએ છીએ. શીયાઓના બુઝુર્ગ શેખ મહુર્મ સદુક, રીઝવાનુલ્લાહ અલયહ – કિતાબ ‘કમાલુદ્દીન’ માં ઇમામ સજ્જાદ (અ.સ.) થી નકલ કરે છે કે એમણે ફરમાવ્યું :
‘ ફિલ કાએમે સુન્નતુન મિન નૂહિન વહોવા તુલુલ ઉમ્રે’
અર્થાંત : કાએમમાં નૂહ (અ.સ.) ની એક સુન્નતની ઝાંખી થાય છે. અને તે લાંબી ઉમ્ર છે એનો ખુલાસો એ છે કે જેવી રીતે હઝરત નૂહ લાંબી ઉમ્ર રાખતા હતા. હઝરત મહદીએ કાએમ (અ.સ.) ની પણ ઉમ્ર શરીફ લાંબી છે.
લાંબી ઉમ્ર – મઝહબી માન્યતાઓની રોશનીમાં
અમારો અકીદો છે કે ખુદાવંદે મન્નાન અને કાએનાતને પેદા કરનાર કુદરત અને તાકાતવાળો છે એ અર્થમાં કે તમામ વસ્તુઓને પેદા કરે છે. એમના ભેદ જાણીને એના માટે સર્જન કોઇપણ અંદાઝ વગર સહેલું અને આસાન છે અને એવાત પર શક્તિમાન છે કે જે મૌજુદને (સર્જનને) ચાહે, હસ્તીનો લેબાસ પહેરાવે, આજીજી અને કમજોરી ખુદાની બારગાહમાં કોઇ વસ્તુ નથી અને કોઇ પણ વસ્તુને ક્યારેય અસ્તિત્વમાં લાવવા માટે ન તો કમજોર (નબળો) છે અને ન તો સફળ છે.
એ અલ્લાહ જેણે ઇન્સાનને માટીમાંથી પેદા કર્યો અને પોતાની કુદરતથી એ રૂહ જે જીંદગીની પુંજી છે તેને ઇન્સાનના બેજાન શરીરમાં ફૂંકી, ઇન્સાન જે એકી સાથે ખૂબસુરત અને આશ્ર્ચર્યજનક સર્જન છે એને વજુદમાં લાવ્યો અને પછી એને નુત્ફાથી પેદા કર્યો એ પેદા કરનાર જેણે ઇસા (અ.સ.) ને બાપ વગર પેદા કર્યો અને મરયમ (અ.સ.) ની કૂખમાં હ ફૂંકીને હઝરત ઇસા (અ.સ.) નો નુત્ફો બનાવ્યો એ હઝરત (અ.સ.) ને બાળપણમાં જ્યારે એમની ઉમ્ર ફક્ત એક જ દિવસની હતી ત્યારે બોલાવાની કુવ્વત આપી હતી અને આવી રીતે એમણે પોતાના પયગમ્બરે હોવાની બહુ મોટી નિશાની કરાર આપી. અહિં સુધી કે પોતાની માતાના ખોળમાં એમણે હોઠ ખોલ્યા અને ખુદાની આયતોને બયાન કરી આવી જ રીતે હઝરત યહ્યા (અ.સ.) ને બાળપણમાં નુબુવ્વતના એહકામ બક્ષ્યા અને રિસાલતના કિંમતી પોશાકથી શણગાર્યા જેમ કે ઇરશાદ થાય છે ઓ યાહ્યા! કિતાબને ખુદાઇ તાકાતથી પકડો અને અમે એમને બાળપણમાં પયગમ્બરીનો હકુમ બક્ષ્યો (સુરએ મરયમ : આયત 12)
એવો પરવરદિગાર જેણે આ તમામ આશ્ર્ચર્યજનાક મખલૂકને પેદા કરી જેના સર્જન ને જોવાથી અને તેની ઉપર વિચાર કરવા પછી ઇન્સાન આશ્ર્ચર્યમાં ડૂબી જાય છે એવો ખુદા જેણે સૂર્યમંડળને ચમકતા તારામંડળથી ઇન્સાની અકલને આશ્ર્ચર્ય અને હેરતમાં નાખી દીધા છે. અને અસંખ્ય તારામંડળોને અસ્તિત્વમાં લાવ્યો છે. અને મશહુર વૈજ્ઞાનિક આઇન્સટાઇનના કહેવા પ્રમાણે અગર પ્રકાશની એક કિરણ (જેની ગતિ સેંકડમાં ત્રણ લાખ કિલોમીટર અથવા એક લાખ છયાંસી હજાર માઇલ છે.) આ કાએનાતે આલમ ની (બ્રહ્માંડ) એક બિંદુથી સફર શરૂ કરીએ તો લગભગ બસો અબજ વર્ષમાં પુરી કાએનાતે આલમની સફર પુરી કરીને પાછા એજ બિંદુ પર આવીએ.
એજ ખુદા પોતાની આખરી હુજ્જત હઝરત ઇમામ મેહદી (અ.સ.) ને લાંબી ઉમ્ર અતા કરી શકે છે.
લાંબી ઉમ્ર ઐતિહાસીક દ્રષ્ટિબિદુંથી
જો અમે ઐતિહાસીક પુસ્તકોનો અભ્યાસ કરીએ તો અમને સારી રીતે સમજાય જાય કે લાંબી ઉમ્ર મેળવવા વાળાઓની સંખ્યા એટલી લાંબી છે કે સુન્નીભાઇઓના એક બુઝુર્ગ આલીમ અબુહાતીમ સજીસ્તાનએ એક સંપૂર્ણ પુસ્તક એ લોકોની જીંદગી વિષે લખેલ છે. આ પુસ્તકનું નામ ‘અલ મોઅમ્મન’ છે, એટલે એ લોકો જેઓ લાંબા આયુષ્ય મેળવ્યા છે જેમકે શીયાઓના મહાન બુઝુર્ગ આલીમ મહુર્મ શેખ સુદ્દક એમાંથી થોડાક લોકોના સંબંધમાં પોતાના પુસ્તક ‘કમાલુદ્દીન’ માં લખ્યું છે. નમૂના તરીકે તેમાંથી અમૂક લોકોના સંબંધમાં લખવું જરૂરી છે.
અમ્રુ નામી શખ્સે 3500 વરસની ઉમ્ર મેળવી. મઝીકા જેનું નામ ઉમર બિન આમીર હતુ તે 800 વરસ જીવતો રહ્યો હબલ બિન અબ્દુલ્લાહ 600 વરસ સુધી જીવતો રહ્યો તે ઉપરાંત બીજા ઘણા હતા જેની સંખ્યા બહુ જ લાંબી છે. તેઓએ બહુજ લાંબી ઉમ્ર મેળવી હતી.
લાંબુ આયુષ્ય: યહુદી અને ઇસાઇઓના દ્રષ્ટિબિંદુથી
યહુદી અને ઇસાઇઓની પણ માન્યતા છે કે પહેલાના જમાનામાં ઘણા લોકોએ લાંબી ઉમ્ર ભોગવી હતી જેમ કે તૌરેતમાં આવ્યું છે અને યહુદી તથા ઇસાઇઓનો પણ અકીદો છે કે પહેલાના જમાનામાં ઘણા લોકોની જીંદગી લાંબી હતી. તૌરેતમાં ઝિકર કરવામાં આવ્યું છે કે ઝુલ્કરનૈનએ ત્રણ હજાર (3000) વરસની લાંબી જીંદગી મેળવી હતી.
હઝરત શીશની ઉમ્ર 912 વરસની હતી. અનુશની ઉમ્ર 950 વરસ, કીનાનની ઉમ્ર 920 વરસ, યારિદની ઉમ્ર 963, અખનુખની ઉમ્ર 365, મતુશાલિખની ઉમ્ર 969 વરસ, લામિકની ઉમ્ર 777 વરસ, મહલ્લીલની ઉમ્ર 895 વરસ, વગેરે વગેરે હતી.
હા એ વાત પર યકીન હોવું જોઇએ અને એ હકીકતને કબુલ કરવી જોઇએ કે ખુદાવન્દે આલમ આ કાર્ય પર પુરી રીતે શક્તિમાન છે કે એ હઝરત વલીએ અસર અને પોતાના હુજ્જત અને આખરી પુંજીને લાંબી અને વધુ ઉમ્ર બક્ષે અને એ હઝરતને મુનવ્વર અને નૂરાની સવારની જેમ પ્રકાશિત અને ચમકદાર ઝહુર અને ઇન્કલાબ સુધી પોતાની ખાસ હિમાયતી છાયામાં તંદુરસ્ત, તાકતવાર અને જવાન રાખે.
إِنَّا غَيْرُ مُهْمِلِينَ لِمُرَاعَاتِكُمْ وَ لَا نَاسِينَ لِذِكْرِكُمْ
બેશક, અમે તમારી રખેવાળીથી ગાફેલ નથી અને ન તમારી યાદને દિલથી દૂર કરીએ છીએ. (બેહારૂલ અનવાર, જી. 53)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.