Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૨૮ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ના કેયામનો હેતુ, પરિણામો અને અસરો

હુસૈન (અ.સ.)ના કાતીલો ઇતિહાસના સાક્ષીઓના અરીસામાં

Print Friendly

આધુનિક યુગને જ્ઞાન, વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવાનો યુગ કહેવામાં આવે છે. જેમાં સદીઓથી ચાલ્યા  આવતા ગુંચવણભર્યા અને વિરોધાભાસી અભિપ્રાયો અને મંતવ્યોનો સુંદર રીતે અને ખૂબી પૂર્વક ઉકેલ શોધવાની કોશીશ કરવામાં આવે છે અને આ બાબતમાં તટસ્થ સંશોધકો મોટા ભાગે સફળ થયા છે અને થતા રહેશે. પરંતુ આ ત્યારે શક્ય બને છે જ્યારે વ્યક્તિ સામાજીક અને ધાર્મિક રીત રિવાજોથી સંપૂર્ણ રીતે મુક્ત થઇને ફક્ત સંશોધનના મેદાનમાં પગ મૂકે. અભિપ્રાય અને મતોમાં મતભેદ હોય તેમાં કંઇ ખોટું નથી પરંતુ જો કોઇ અભિપ્રાય સત્ય અને હકીકત ઉપર આધારિત હોય તો સર્વ સંમતિ સાધવી તે કાંઇ મુશ્કેલ નથી… સૈઘ્ધાંત્તિક અને કાયદેસરની ચર્ચા, વિચારણા, સંશોધન, દિલમાં બેસી જાય તેવી દલીલો અને આકર્ષક પુરાવા, બેશક ઇન્સાફની શર્ત સાથે જુદી જુદી વિચારશ્રેણીઓને એક સાચા કેન્દ્ર પર લાવી શકે છે. પરંતુ જ્યારે વિચારો તથા દૃષ્ટિકોણો, લાગણીવશતા અને પોતાના નફસની ઇચ્છાઓ અને ભેદભાવને આધિન હોય તો તેઓ પોતાની હારને ક્યારેય પણ હાર નહિં માને. બાતિલને તોડતી હજારો દલીલો રજુ કરવામાં આવે તો પણ તેનાથી બાતિલના કપાળ ઉપર કરચલી પણ નથી પડતી. આવો જ એક બાતિલ દૃષ્ટિકોણ ધર્મના અનુસંધાનમાં રજુ કરવામાં આવે છે. જ્યાં હક ઉજ્જવળ દિવસ માફક સ્પષ્ટ હોવા અને બાતિલ તેની બધી નબળાઇઓ હોવા છતાં એવો મત ધરાવે છે કે ઇમામ હુસૈન (અ.સ.)ના કાતીલ શીયા મઝહબ સાથે સંબંધ ધરાવતા હતા!!!

ઇતિહાસ, જીવન ચરિત્રો અને હકીકતોના પ્રકાશમાં આ વિષય ઉપર ધરાય જાય તેટલી ચર્ચા કરવી તે  “અલ મુન્તઝર’ના મર્યાદિત પાનાઓમાં બિલ્કુલ શક્ય નથી. તેમ છતાં ઇતિહાસના પુરાવા અને સાક્ષીઓના આધારે એક ટૂંકમાં નજર કરી શકાય કે હુસૈન બીન અલી (અ.સ.)ના કાતીલોનો સંબંધ ક્યા મઝહબ સાથે હતો.

આ અંગેની એક વાત ચોક્કસ છે અને તે એ કે ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો ફક્ત જાહેરી રીતે મુસલમાન હતા અને તેથી વાત આગળ વધે છે કે જ્યારે તેઓ મુસલમાન હતા તો ઇસ્લામના ક્યા ફીરકાથી સંબંધ ધરાવતા હતા. જો કે ઐતેહાસિક દસ્તાવેજો અને બનાવો ઉપરથી જણાય છે કે તેઓ માત્ર નામના મુસલમાન હતા. ઇસ્લામ સાથે તેઓનો જરા પણ સંબંધ ન હતો. તેઓની દૃષ્ટિએ મઝહબ ઉપજાવી કાઢેલો અને બનાવટી દીન હતો. આખેરતમાં જઝા અને સજાને સ્વિકારવી એ તો દૂરની વાત છે તેઓ તેનો વિચાર સુદ્ધાં ન કરતા હતા.

સૌથી પહેલા :

મૂળ ચર્ચા શરૂ કરીએ તે પહેલા આવો, આપણે એ વ્યક્તિઓની પરિસ્થિતિનો ટૂંકમાં અભ્યાસ કરીએ જેઓને ઇતિહાસના પુરાવા અને સાક્ષીઓ હુસૈન (અ.સ.)ને કતલ કરવા માટે જવાબદાર ઠરાવે છે. જેના અંગે ઇતિહાસની થોડી જાણકારી ધરાવનાર લોકો પણ કોઇપણ પ્રકારની શંકા ધરાવતા નથી.

૧. યઝીદ બીન મોઆવીયા (લ.અ.) :

ઇમામ હુસૈન (અ.સ.)ને કતલ કરાવનાર મૂખ્ય સુત્રધાર યઝીદ બીન મોઆવીયા છે. જેણે કુફ્ર, નાસ્તિક્તા અને લા મઝહબીયત (અધર્મી) વારસામાં મેળવી હતી. યઝીદ, અબુ સુફયાનનો પૌત્ર અને મોઆવીયાનો દિકરો હતો. જેને આકસ્મિક સંજોગો અને બાપના રાજકારણે મુસલમાનોની ગરદનો ઉપર સવાર કરી દીધો હતો. તેના કથનો અને કાર્યો તેના અકીદાનું પ્રતિબિંબ હતા. તેના કારનામાની સ્થિતિ એ હતી કે વાકદીએ અબ્દુલ્લા બીન હન્ઝલા ગસીલ મલાએકાથી નકલ કર્યું છે કે “ખુદાની કસમ અમને યઝીદની હુકુમતમાં એ ભય લાગતો હતો કે હવે આસમાનમાંથી અમારી ઉપર પથ્થર વરસાવવામાં આવશે. તે એવો માણસ હતો કે જે પોતાની મા, દિકરીઓ, અને બહેનો સુદ્ધાંને છોડતો ન હતો. શરાબ છુટથી પીતો હતો અને નમાઝ છોડી દેતો હતો.

(સવાએકે મોહર્રેકા ઇબ્ને હજર, પાના નં. ૧૨૫,પ્રકાશન મીસરે કદીમ)

૨. ઓબૈદુલ્લા બીન ઝીયાદ (લ.અ.) :

ઇમામ હુસૈન (અ.સ.)નો કાતીલ કહી શકાય તેવી બીજી વ્યક્તિ. તે મરજાના ઇબ્ને ઝીયાદનો પુત્ર છે. જે યઝીદની સાથે એક જીવ અને બે ખોળીયા જેવી હૈસીયત ધરાવતો હતો. જેના વિશે યઝીદે પોતાનો દોસ્ત, ટેકેદાર, જીંદગીની પુંજી અને લડાઇમાં પોતાનો હાથ હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

તેનું કુફ્ર, નાસ્તિકતા અને ખુદાના હુકમોની નાફરમાની પરાકાષ્ઠાએ હતી. કુફામાં નાના મોટા બધાજ આ બાબત જાણતા હતા. એટલે જ હાની બીન ઉરવાહે જનાબે મુસ્લિમને કહ્યું હતું :

“ખુદાની કસમ તમે વિશ્ર્વાસપૂર્વક જાણી લો કે જો તમે આને કતલ કરી નાખ્યો તો એક ગુનેહગાર, ચારિત્ર્યહીન, કાફીર અને ગદ્દારને કતલ કર્યો.

(તારીખે તબરી, ભાગ – ૬, પાના નં. ૨૦૪)

૩. ઉમર બીન સઅદ (લ.અ.) :

ત્રીજી વ્યક્તિ જે હુસૈન (અ.સ.)ને કતલ કરવામાં સીધો જવાબદાર છે તે છે ઉમર બીન સઅદ. જેના ઇસ્લામની હકીકત આ અશ્આરથી જાહેર થાય છે, જે તેણે ત્યારે પડ્યા હતા જ્યારે ઇબ્ને ઝિયાદે તેની હુસૈન (અ.સ.)ને કતલ કરવા માટે નિમણુંક કરી.

“શું હું રયના રાજ્યને મારા હાથમાંથી જતું કરૂં જ્યારે મને રયના રાજ્યની એક લાંબા સમયથી ઝંખના છે,

કે પછી હું હુસૈન (અ.સ.)ને કતલ કરૂ અને હંમેશા માટે ગુનેહગાર બનું.’

“યાદ રહે કે દુનિયા રોકડ સંપત્તિ અને રાહતનું નામ છે,

અને કોણ બુદ્ધિશાળી એવો છે કે જે રોકડને છોડીને ઉધારમાં વેચે.’

તે પછી થોડા વધુ શેરો કહે છે જેનો ટૂંકસાર આ મુજબ છે :

“લોકો કહે છે કે ખુદાએ કોઇ જન્નત બનાવી છે. તેવી જ રીતે આગ અને અઝાબ પણ. જો આ લોકો તેઓની વાતો કહેવામાં સાચા છે, તો કોઇ વાંધો નથી હું બે વરસમાં જ આ ગુનાહથી તૌબા કરી લઇશ અગર આ લોકો ખોટું કહે છે અને જન્નત અને દોઝખની કોઇ હકીકત નથી તો પછી શું છે. પછી તો અમે એક ભવ્ય દુનિયા અને એક એવા રાજ્યને મેળવવામાં સફળ થઇ જશું જેની નેઅમતો બાકી રહેવાવાળી છે.’

આ શેરોમાં સ્પષ્ટ રીતે જન્નત અને જહન્નમની ઠેકડી ઉડાડવામાં આવી છે. આનાથી એ સ્પષ્ટ છે કે જ્યારે સત્તાધિશો અને આગેવાનોની આ સ્થિતિ હતી તો બીજા લોકોનું તો શું પૂછવું. તેઓ તો આ જ લોકોના ઇશારા ઉપર ચાલનારા અને તેઓના હાથા હતા. તે લોકોને મુસલમાન કહેવા તે પણ ઇસ્લામના નામ ઉપર ધબ્બો લગાડવા બરાબર છે…. આ ઐતિહાસિક ઘટના છે જેમાં શંકાને કોઇ સ્થાન નથી. તો પછી એ સવાલ જ ઉપસ્થિત થતો નથી કે આ લોકો સુન્ની હતા કે શીયા? કારણકે શીયા અને સુન્ની વચ્ચેનો તફાવત અને ફરક ઇસ્લામના સામાન્ય સિદ્ધાંતો અને અકીદાઓને સ્વિકાર્યા પછી જ પૈદા થાય છે.

હુસૈન (અ.સ.)ના કાતીલોનો સંબંધ ક્યા ફીરકા સાથે હતો?

હવે એક સવાલ તો ઉભો જ રહે છે કે જો આ લોકો જાહેરમાં નામના મુસલમાન હતા તેમ માની પણ લેવામાં આવે તો તેઓનો સંબંધ ઇસ્લામના ક્યા ફીરકા સાથે હતો. આ માટે બે પાયાના સવાલો તરફ લક્ષ આપીએ.

૧.      ઇમામ હુસૈન (અ.સ.)ને કતલ કરવાની બુનિયાદ શું હતી?

૨.      જે બીના પર આ ધૃણાસ્પદ કતલનો અપરાધ કરવામાં આવ્યો તેનું સ્થાન ક્યા ફીરકાના સિદ્ધાંતો અને શિક્ષણમાં જોવા મળે છે?

આ બન્ને સવાલોના જવાબ પછી એ પ્રશ્ર્ન આપમેળે ઉકલી જશે કે આ કતલમાં ભાગ લેનારા ક્યા ફીરકા સાથે સંબંધ ધરાવતા હતા.

ઇતિહાસની દૃષ્ટિએ આ વાતનો ઇન્કાર થઇ શકતો નથી કે ઇમામ હુસૈન (અ.સ.)ના કતલની બુનિયાદ મોઆવીયા પછી યઝીદની ખિલાફત અને તેનો સ્વિકાર કરાવવા માટે હુસૈન બીન અલી (અ.સ.) પાસે બયઅત માટે દબાણ, ત્યાર બાદ ઇમામ હુસૈન (અ.સ.)નો આ ખિલાફતને સ્વિકારવાનો ઇન્કાર અને હજારો મુસીબતોનો સામનો કરીને પોતાની વાત ઉપર અડગ રહેવું હતો.

ઇબ્ને હજરે મક્કીના કથન મુજબ મોઆવીયા યઝીદની મોહબ્બતમાં આંધળો થઇને મુસલમાનો પાસે પોતાના ગુનેહગાર અને ચારિત્ર્યહીન દિકરા માટે બયઅત લઇ રહ્યો હતો. તે માટે શામ અને ઇરાકના ખજાનાઓ, પ્રપંચો અને રાજકારણના બધા સાધનોનો ઉપયોગ થઇ રહ્યો હતો. તેમ છતાં પાંચ વ્યક્તિઓ એવી હતી જે પોતાની વાત ઉપર મક્કમ હતી અને યઝીદની બયઅત કરવી તે પોતાના માટે કલંકરૂપ માનતા હતા. જેમાં સૌથી પહેલું નામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.)નું છે. આપને જોઇને બીજી વ્યક્તિઓ પણ હતી જે યઝીદની બયઅતથી ઇન્કાર કરી રહી હતી.

(તત્હીરૂલ જીનાન હાશીયા સવાએક, પ્રકાશન મીસરે કદીમ, પા. નં. ૫૦)

મોઆવીયા ૭૫-૮૦ વરસ વચ્ચેની વયમાં રજબ હી.સન. ૬૦માં મૃત્યુ પામ્યો. યઝીદ ખિલાફતના તખ્ત ઉપર ચડી બેઠો. બધા શામ વાસીઓએ બયઅત કરી. દુનિયા બધા સાજ – શણગાર સાથે યઝીદની સામે હાજર હતી. મોજશોખ અને વિષય વાસના માટેની ભરપુર સાધન સામગ્રી તૈયાર હતી. પરંતુ એક વિચાર તેના દિલ અને દિમાગને સતાવતો હતો કે હુસૈન ઇબ્ને અલી (અ.સ.) મારી બયઅત કેમ નથી કરતા. તેણે વલીદ બીન ઉતબા બીન અબુ  સુફયાન કે જે મદીનાનો હાકીમ હતો તેને પત્ર લખ્યો. પત્રમાં મોઆવીયાની મૃત્યુના સમાચાર પછી લખ્યું:

“જુઓ, હુસૈન (અ.સ.), અબ્દુલ્લા બીન ઉમર અને અબ્દુલ્લા બીન ઝુબૈરને બયઅત માટે કડકાઇથી મજબુર કરજો અને જ્યાં સુધી આ લોકો બયઅત ન કરી લે ત્યાં સુધી રાહતનો શ્ર્વાસ ન લેશો.’

વલીદ નબળા દિલનો હતો તેથી તે વિમાસણમાં પડ્યો કે યઝીદના હુકમનો અમલ કેવી રીતે કરવો. મરવાન બીન હકમ જે શરૂઆતથી જ બારગાહે રિસાલતમાંથી “મલઉન બીન મલઉન’નું લકબ મેળવી ચૂક્યો હતો. (હયવાતુલ હયવાન દમીરી, ભાગ-૧, પાના નં. ૫૫, મુસ્તદરકે હાકીમના હવાલાથી) તેણે આ સલાહ આપી કે હુસૈન (અ.સ.) પાસે બયઅત માગ અને જો બયઅત ન કરે તો તેમનું માથું કાપીને યઝીદને મોકલી આપ. વલીદે હુસૈન (અ.સ.)ને બોલાવીને યઝીદનો સંદેશો પહોંચાડ્યો. આ બાજુ હુસૈન (અ.સ.)એ પરિણામનો વિચાર કરીને રસુલ (સ.અ.વ.)નું મદીના છોડી દીધું. જેથી મદીનાની જમીન ખૂનથી રંગીન થવા ન પામે.

(તબરી, ભાગ – ૬, પાના નં. ૧૦૬-૧૮૮)

ફરઝંદે રસુલ (સ.અ.વ.) મક્કા પહોંચ્યા. હઝરત મુસ્લિમને સ્થિતિ સંજોગોનો અભ્યાસ કરવા માટે કુફા રવાના કર્યા. બીજી તરફ યઝીદને જાણ કરવામાં આવી કે જો કુફાનું રક્ષણ કરવું હોય તો એક મજબુત હાકીમને નિમવામાં આવે. યઝીદે ઇબ્ન ઝીયાદને પત્ર લખ્યો કે આ લખાણ જોઇને તરત જ કુફાની તરફ રવાના થઇ જાવ અને જે રીતે શક્ય હોય તે રીતે મુસ્લિમ ઉપર કાબુ મેળવીને તેમને સજા આપો.

(તારીખે તબરી, ભાગ -૬, પાના નં. ૧૯૯-૨૦૦)

હઝરત ઇમામ હુસૈન (અ.સ.) બીજી મોહર્રમ ૬૧ હિ.ના કરબલા પહોંચ્યા. ઉમરે સઅદ ઇબ્ને ઝીયાદની તરફથી કતલ કરવાની જવાબદારી લઇને કરબલા આવ્યો અને રસુલ (સ.અ.વ.)ના જીગરના ટૂકડાને ખૂનના પ્યાસા દુશ્મનોએ ઘેરી લીધા. ઉમરે સઅદ કોઇ સમાધાન ચાહતો હતો તેથી ઇબ્ને ઝીયાદને લખ્યું કે તે પાછો જવા તૈયાર છે. પરંતુ ઇબ્ને ઝિયાદે લખ્યું કે તમે હુસૈન (અ.સ.) અને તેમના સાથીદારોથી યઝીદની બયઅત લઇ લ્યો પછી વિચાર કરવામાં આવશે. ઉમરે સઅદ જાણતો હતો કે હુસૈન (અ.સ.) બયઅત નહિં કરે અને ઇબ્ને ઝીયાદ પણ કોઇ સમાધાન કરવા માગતો નથી.

(તબરી, ભાગ – ૬, પાના નં. ૨૩૪)

છેવટે દુનિયાએ જોઇ લીધું કે હિંમત તોડી નાખે તેવા મુસીબતોના પહાડો હુસૈન બીન અલી (અ.સ.)ની અડગતા, સ્થિરતા અને સ્વતંત્રતાની સામે હલ્કા લાગવા લાગ્યા. આપે યઝીદની બયઅત ન કરી તેનું પરિણામ એ આવ્યું કે દસમી મોહર્રમના દિવસે અસ્રના સમયે કરબલાની જમીન જ. ફાતેમા (સ.અ.)ના બાળકોના ખૂનથી રંગીન બની. હક પરસ્ત શોહદાઓની માથા વગરની લાશો જમીન અને આસમાન પાસે તેઓની બહાદુરીના મરસીયા પડાવી રહી હતી.

હવે તો કત્લે હુસૈન (અ.સ.)નો મૂળ પાયો દિલ અને દિમાગમાં બેસી જવો જોઇએ કે યઝીદની ખિલાફત અને બયઅતની માગણી આ ભવ્ય શહાદતનું કારણ બની.

યઝીદની ખિલાફત ઇસ્લામના ક્યા ફીરકાની દૃષ્ટિએ યોગ્ય છે?

હવે રહી ગયો બીજો સવાલ કે યઝીદની ખિલાફત ક્યા ફીરકાના મઝહબી તાલિમની દૃષ્ટિએ યોગ્ય છે? આ વાતને વધુ સ્પષ્ટતાની જરૂર નથી કે શીયાઓના મઝહબી સિદ્ધાંતોમાં યઝીદ તો શું પરંતુ તેનાથી મોટા લોકોની ખિલાફતને પણ કોઇ સ્થાન હાંસિલ નથી. બલ્કે શરૂઆતથી જ શિયાઓએ આ સિલસિલાથી મુક્ત હોવાનું જાહેર કર્યું છે કે જેના પાંચમા કે છઠ્ઠા ક્રમમાં યઝીદની ઇમામત અને ખિલાફતને સ્વિકારવાની જરૂર પડે છે.

આ બાબતને એહલેસુન્નતના ઇમામ હાફીઝ જલાલુદ્દીન સીયુતીએ પોતાની કિતાબ “તારીખુલ ખોલફા’માં સ્પષ્ટ રીતે જણાવી છે જેના પછી શંકાને કોઇ સ્થાન રહેતું નથી. તે કિતાબની પ્રસ્તાવનામાં લેખક કિતાબ લખવાના હેતુ અંગે લખે છે:

“આ ઝીણવટભર્યા ઇતિહાસમાં મેં તે ખલીફાઓના પ્રસંગો લખ્યા છે જે અમીરૂલ મોઅમેનીન હતા અને જે ઇસ્લામી ઉમ્મતની હુકુમતના માલિક હતા. અબુ બક્ર સીદ્દીકના સમયથી લઇને પોતાના સમય સુધીના ક્રમ પ્રમાણે.’

હાફીઝ જલાલુદ્દીનના આ લખાણથી એ સ્પષ્ટ છે કે તે જે લોકોનું વર્ણન કરવા માગે છે તેમાંથી દરેકને અમીરૂલ મોઅમેનીન કહેવા માટે તૈયાર છે અને તેઓની ખિલાફત તેમની નજીક યોગ્ય અને સ્વિકાર્ય હતી. પરંતુ મજાની વાત તો એ છે કે મીસરના બની ફાતેમી ખલીફાઓની વિગતોને આ પુસ્તકમાં ન લખવાનું કારણ રજુ કરતા લખે છે કે :

“તેઓની ઇમામત અને ખિલાફત ઘણા કારણોથી યોગ્ય ન હતી.’ જેમકે…..

૧.      તેઓ કુરયશી ન હતા.

૨.      તેઓમાંના મોટા ભાગના કુફ્ર અને નાસ્તિકતા તરફ વલણ ધરાવતા હતા અને ઇસ્લામની બહાર હતા.

૩.      તેઓમાંના અમૂકે શરાબને મુબાહ ગણી.

૪.      અગર ખામીઓ ધરાવતા ન હતા તો તેઓ કટ્ટર રાફેઝી જરૂર હતા, જે સહાબાના અપમાનનો હુકમ આપતા હતા.

અને જે આવા વ્યક્તિઓ હોય તેની બયઅત યોગ્ય ન હોય શકે અને ન તો તેની ઇમામત બરાબર હોય શકે.

હાફીઝ સીયુતીના આ લખાણના વિવાદમાં નથી ઉતરવું નહિં તો પૂછી શકાય કે શું બની ઉમય્યા અને બની અબ્બાસના ખલીફાઓમાં શિર્ક અને કુફ્ર નહોતું દેખાતું? અથવા શું તેઓ શરાબ અને લવાત જેવા ગુનાહિત કાર્યોને જાએઝ નહોતા ગણતા? શું તેઓમાં સહાબાને વખોડવાનું ઉદાહરણ જોવા મળતું નથી?

હા, સીયુતીના લખાણથી એક વાત બિલ્કુલ સ્પષ્ટ થઇ ગઇ કે કિતાબમાં જે લોકોની ચર્ચા કરવામાં આવી છે તે એવા જ છે જેની બયઅત એહલે સુન્નત વલ જમાઅતના સિદ્ધાંતો અને તાલીમ મુજબ છે અને જેની ઇમામત અને ખિલાફત તેઓના મત પ્રમાણે યોગ્ય અને જાએઝ છે.

તે સિવાય આ કિતાબના પાના નં. ૯ ઉપર આં હઝરત (સ.અ.વ.)ની હદીસ :

ની સમજુતીમાં ખલીફાઓની યાદીમાં જે નામો લખવામાં આવ્યા છે તે પણ આ મુજબ છે :

“કે લોકોએ અબુ બક્ર ઉપર સર્વસંમતિ સાધી પછી ઉમર, પછી ઉસ્માન, પછી અલી (અ.સ.) ઉપર એટલે સુધી કે હુકુમતને પ્રશ્ર્ન ઉદ્ભવ્યો તે સમયે મોઆવીયાએ ખિલાફતનો દાવો કર્યો. પરંતુ લોકોની સર્વસંમતિ તેની ખિલાફત પર હસન (અ.સ.)ની સુલેહના મોકા ઉપર થઇ અને ત્યારબાદ યઝીદની ખિલાફત ઉપર સર્વસંમતિ થઇ. હુસૈન (અ.સ.)ને ખિલાફત ન મળી શકી પરંતુ તે પહેલા જ તેઓ કતલ થઇ ગયા.’

ઇબ્ને હજરે અસ્કલાનીનું કથન પણ સહીહ બુખારીમાં આ હદીસની સમજૂતિમાં આ મુજબ જ છે. આ બધા લખાણોથી એ વાત સ્પષ્ટ થાય છે કે યઝીદની ખિલાફત આ એહલે સુન્નત વલ જમાઅતના બન્ને જવાબદાર હાફીઝો અને ઇમામોની દૃષ્ટિએ સહીહ, જાએઝ અને હક તરફી હતી. તથા આ જ યઝીદની ખિલાફતનો સ્વિકાર કરાવવા માટે હુસૈન બીન અલી (અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા. આ પછી સ્વભાવિક અને કુદરતી રીતે એ ફલિત થાય છે કે હુસૈન (અ.સ.)ના કાતીલો આજ મઝહબના માનવાવાળા હતા કે જેના સિદ્ધાંતો અને તાલીમમાં યઝીદ જેવા ગુનેહગાર અને ચારિત્ર્યહીનની ખિલાફતને સ્થાન આપવામાં આવ્યું અને તેનો શીયા ફીરકા સાથે કોઇ સંબંધ ન હતો.

હુસૈન (અ.સ.)ના કાતીલોના ફીરકા ઉપર ઐતિહાસિક પૂરાવો :

૧. ઉમર બિન સઅદ

જ્યારે મુસ્લિમ બીન અકીલ કુફામાં આવીને ફરઝન્દે રસુલ (સ.અ.વ.)ની બયઅત લઇ રહ્યા હતા ત્યારે એક પત્ર કુફાથી યઝીદ પાસે જાય છે જેના લખનાર અબ્દુલ્લા બીન મુસ્લિમ બિન સઇદ હઝરમી, અમ્મારાહ બિન ઉત્બા, ઉમર બીન સઅદ બિન અબી વકાસ હતા. પત્રનો વિષય હતો:

“મુસ્લિમ ઇબ્ને અકીલ કુફા આવ્યા છે અને શીયાઓએ તેમના હાથ ઉપર હુસૈન બીન અલી (અ.સ.)ની બયઅત કરી છે. કોઇ શક્તિશાળી હાકીમની નિમણુંક કરો જે હુકમને લાગુ કરી શકે.’

યઝીદે આ પત્રના જવાબમાં ઇબ્ને ઝીયાદને જે પત્ર લખ્યો તેનું લખાણ જોવા જેવું છે.

“મારા શીયાઓએ જે કુફામાં રહેવાવાળા છે તેમણે મને પત્ર લખ્યો છે કે…..’

(તારીખે તબરી, ભાગ – ૬, પાના નં. ૧૯૯-૨૦૦)

સુજ્ઞ વાંચકો ! ઓળખી ગયા હશો કે આ ઉમરે સઅદ કોણ છે જેણે આ પત્ર મોકલ્યો છે. આ એજ સેનાપતિ છે જે હુસૈન બીન અલી (અ.સ.)ને કતલ કરવા માટે માોકલવામાં આવ્યો હતો…. તેના આ શબ્દો કે “શિયા જમાતે મુસ્લીમના હાથ ઉપર હુસૈન (અ.સ.)ની બયઅત કરી લીધી છે.’ સ્પષ્ટ રીતે સૂચવે છે કે આ માણસને શીયા ફીરકા સાથે કાંઇ લેવા દેવા ન હતી. વળી પાછું યઝીદનું લખાણ “મને મારા શીયાઓએ કુફાથી લખ્યું’ સૂચવે છે કે આ માણસ યઝીદનો શીયા અને તેની ખિલાફતને સ્વિકાર કરનારી જમાતનો હતો. ન્યાયી લોકો હવે ખુદ નિર્ણય કરી શકે છે કે તેનો સંબંધ આજની દુનિયાના ક્યા ફીરકા સાથે હોય શકે છે ?

૨. ઇબ્ને ઝીયાદ :

ઇબ્ને ઝીયાદનો સંદેશાવાહક ઉમરે સઅદ પાસે નીચે મુજબના લખાણવાળા પત્ર સાથે કરબલા પહોંચ્યો.

“હુસૈન (અ.સ.) અને અસ્હાબે હુસૈન (અ.સ.)ની સામે પાણીની તરફના માર્ગ બંધ કરી દયો અને તેઓને એક ટીપું પણ ચાખવા ન મળે. જેવી રીતે કે તકી, ઝકી, મઝલુમ, અમીરૂલ મોઅમેનીન, ઉસ્માન બીન અફફાન સાથે વર્તન કરવામાં આવ્યું હતું.’

(તારીખે તબરી, ભાગ – ૬, પાના નં. ૩૩૪)

આ પત્રને શબ્દોના થોડા ફેરફાર સાથે અબુ હનીફા અહમદ બીન દાઉદ વજીનુરી (મૃત્યુ : હિ.સ. ૨૮૧) એ પણ પોતાની કિતાબ “અલ અખબારૂલ તવાલ’ પ્રકાશન મીસર, પાના નં. ૩૫૨ ઉપર નોંધ કરી છે.

ક્યાં છે હુસૈન (અ.સ.)ના કાતીલોને શીયા કહેનારા? જરા જુઓ પોતાના ઇમામ હાફીઝ મોહમ્મદ બીન જરીર તબરીના લખાણને અને પછી કહો કે હુસૈન (અ.સ.)ના કાતીલોનો ફીરકો ક્યો હતો?

ઉસ્માનની મઝલુમિય્યતનો મરસીયો પડનાર કોણ હોય શકે?

ઉસ્માનને અમીરૂલ મોઅમેનીન કોણ કહે છે?

ઉસ્માનના ખૂનનો બદલો લેવાનો હક કોને છે?

૩. કઅબ બીન જાબીર

આશુરાના દિવસે ઇમામ હુસૈન (અ.સ.)ના સાથીદારોમાંથી બુરૈર બીન ખઝીર કત્લ થઇ ગયા. તેમનો કાતીલ કઅબ બીન જાબીર બીન અમ્ર અઝદી ઇનામ મેળવવાની આશાએ કરબલાના બનાવ પછી પોતાના ઘરે કુફા પાછો ફર્યો. પરંતુ તેની પત્ની અથવા બહેન નોવાર બિન્તે જાબીરે કહ્યું, “તેં ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝન્દના કતલમાં સાથ આપ્યો અને સય્યદુલ કોરાઅ (બુરૈર)ને પોતાના હાથે કતલ કરીને ઘણો ગજબ કર્યો. હવે હું તારી સાથે ક્યારેય વાત નહિં કરૂં. આ સમયે કઅબ બીન જાબીરે જે શેર પડ્યા તે વિચારવા જેવા છે :

“શું મેં એ કાર્ય શ્રેષ્ઠ રીતે નથી કર્યું જેનું તને દુ:ખ છે. લડાઇમાં આ ઉજ્જવળ કામ પાર પાડવામાં મેં કોઇ કચાશ નથી રાખી. મારી પાસે એવા તીર અને ભાલા હતા જેણે લડાઇના મેદાનમાં મને દગો નથી દીધો અને એ તલવાર હતી કે જેની અણી તેજ અને ધારદાર હતી. મેં તે તલવારને ખેંચી લીધી એવી જમાતના કતલ માટે જેનો મઝહબ મારા મઝહબથી જુદો છે અને મારો આધાર તો અબુ સુફિયાનની ઔલાદ ઉપર છે. કોઇ મારો સંદેશો ઇબ્ને ઝીયાદને મળીને પહોંચાડે કે હું દિલો જાનથી ઝમાનાના ખલીફાને અનુસરનાર અને તાબેદાર છું.’

(તારીખે તબરી, ભાગ – ૬, પાના નં. ૨૪૭-૨૪૮)

“જેનો મઝહબ મારા મઝહબથી જુદો છે’નું વાક્ય સૂચવે છે કે તેનો મઝહબ ઇમામ હુસૈન (અ.સ.)ના મદદગારોના મઝહબથી વિરૂદ્ધ છે પરંતુ તે એ મઝહબનો અનુસરનારો છે જેમાં ઇબ્ને ઝીયાદ અને અબુ સુફીયાનના વંશ વારસોની તાબેદારી અને અનુસરણને દીન ગણવામાં આવે છે.

૪. મઝાહીમ બીન હરીસ :

જ્યારે ઇમામ હુસૈન (અ.સ.)ના સાથીદારોમાંથી નાફેઅ બીન હીલાલે જમલી લડવા માટે નીકળ્યા ત્યારે તેઓ આ મુજબ “રજઝ’ પઢ્યા.

“હું બની જમલના કબીલામાંથી છું અને અલી (અ.સ.)ના મઝહબ ઉપર છું.’

એટલામાં એક માણસ દુશ્મન તરફથી મુકાબલા માટે નીકળ્યો જેનું નામ ઇતિહાસમાં મઝાહીમ બીન હરીસ દર્શાવવામાં આવ્યું છે. તેણે કહ્યું : “હું તો ઉસમાનના મઝહબ ઉપર છું.’

નાફેએ કહ્યું : “તું શયતાનના મઝહબ ઉપર છો.’ આમ કહીને તેની ઉપર હુમલો કર્યો અને તેને કતલ કરી નાખ્યો.

(તબરી, પાના નં. ૨૨૯)

જુઓ, ઇતિહાસે તો અસ્પષ્ટતા માટે કોઇ સ્થાન રાખ્યું જ નહિં કે વધુ સ્પષ્ટીકરણની જરૂર પડે. બંને બાજુના મઝહબોને એટલા સાફ રીતે રજુ કરી દીધા કે શંકા કુશંકાનો કોઇ અવકાશ રહેવા પામ્યો નથી.

૫. અમ્ર બીન હજ્જાજ

જ્યારે લડાઇ ચાલુ હતી ત્યારે ઉમરે સઅદના લશ્કરમાંથી અમ્ર બીન હજ્જાજ ઉભો થઇને મોટેથી બોલ્યો, “અય કુફાવાસીઓ! અમીરની તાબેદારી અને સર્વસંમતિથી નક્કી કરેલા નિર્ણય ઉપર અડગ રહો અને તે લોકોને કતલ કરવામાં કોઇ શંકા ન કરો કે જે મઝહબથી નીકળી ગયા છે અને ઇમામનો વિરોધ કરી રહ્યા છે.’

ઇમામ હુસૈન (અ.સ.) એ આ અવાજ સાંભળ્યો ત્યારે ફરમાવ્યું:

“અય અમ્ર બીન હજ્જાજ તું મારી સાથે જંગ માટે લોકોને તૈયાર કરી રહ્યો છો?! શું અમે મઝહબથી નીકળી ગયા અને તમે મઝહબ ઉપર કાયમ છો? ખુદાની કસમ! જ્યારે મોતની મજા ચાખશો ત્યારે ખબર પડશે કે કોણ મઝહબથી નીકળી ગયું હતું.

(તબરી, પાના નં. ૨૪૯)

જરા દુનિયા દેખાડે કે તે ક્યો મઝહબ છે જેનાથી જુદા પડવાનો આક્ષેપ હુસૈન અને અસ્હાબે હુસૈન (અ.સ.) ઉપર થઇ રહ્યો છે. શું આ એ જ મઝહબ નથી જેમાં ગુનેહગાર અને ચારિત્ર્યહીન યઝીદની ઇમામતને જાએઝ માનવામાં આવી છે અને જેનો વિરોધ કરવાના કારણે જ ઇમામ (અ.સ.)ને દ્રોહી અને ખારજી કહેવામાં આવ્યા છે. (મઆઝલ્લાહ)

આ છે ઇતિહાસના થોડા પુરાવાઓ, સાક્ષીઓ અને સર્વ સ્વિકાર્ય ગવાહીઓ જે ઇમામ હુસૈન (અ.સ.)ના કાતીલોના ફીરકાની ઓળખાણ કરાવી રહ્યા છે. એક હકીકત અને સચ્ચાઇના સંશોધન માટે જરા પણ અસ્પષ્ટતા  નથી રહેતી કારણકે અગર આ ગવાહો અને સર્વ સ્વિકાર્ય સાક્ષીઓ આપણા ઘરના હોત તો કદાચ તે રદ કરી શકાત. પરંતુ આ કુદરતની વ્યવસ્થા અને યોગાનુયોગ છે કે આ બધી વાતો તે મઝહબનું રક્ષણ કરનારા અને તેમના ભરોસાપાત્ર ઇમામોની કલમથી રજુ કરવામાં આવ્યું છે જેને હુસૈન (અ.સ.)ના કાતીલો સાથે સંબંધ હતો. હુસૈન (અ.સ.)ના કાતિલોને શીયા કહેનારાઓ આવે અને તબરીમાંથી આ પાનાઓને કાઢી નાખે અથવા દરિયામાં ફેંકી દે જે હુસૈન (અ.સ.)ના કાતીલો શીયા ન હતા એમ દર્શાવે છે.

અય અલ્લાહ!…. હવે હુસૈન (અ.સ.)ના વારસદાર, મઅસુમ, શહે મઝલુમના ખૂનનો બદલો લેનારનો જલ્દી ઝુહુર કર અને હઝરતની સાથે હુસૈન (અ.સ.)ના કાતીલોથી બદલો લેવાની તૌફીક આપ. જેથી ઝુલ્મનો અંત આવી જાય અને દુનિયામાં ન્યાય અને ઇન્સાફ તથા તૌહીદનો પરચમ હંમેશા માટે લહેરાય.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.