ઇમામતનું મહત્વ અને ઇમામ અલયહિસ્સલામનો દરજ્જો

Print Friendly, PDF & Email

ઇમામત સૌથી મહત્વનો પ્રશ્ર્ન છે. આ તે માટે મહત્વનો છે કે તે ખુદા સુધી પહોંચવા માટે એક માત્ર સૌથી વધુ વિશ્ર્વસનીય માધ્યમ -ઝરીઓ છે. માત્ર ઇમામતના વાસ્તાથી ખુદાની સાચી મઅરેફત મેળવી શકાય છે. અને તેની ઇબાદત કરી શકાય છે. જો કોઇ આ માર્ગ સિવાય બીજી કોઇ રીતે ખુદાની મઅરેફત મેળવવા કે ઇબાદત કરવા ચાહે તો તેને ક્યારે પણ સફળતા નહીં મળે.
ઝિયારતે જામેઆ કબીરાના આ વાક્યો કેટલા પરીપૂર્ણ છે :
“બે અબી અન્તુમ વ ઉમ્મી નફ્સી વ અહલી વ માલી મન અરાદલ્લાહ બદઅ બેકુમ વ મન વહદહ કબેલ અન્કુમ વ મન કસદહ તવજ્જહ બેકુમ મારા મા-બા, હું ખુદ, મારા કુટુંબીઓ, મારો માલ – બધા આપ ઉપર કુરબાન. જેણે ખુદાની તરફ જવા ચાહ્યું તેણે આપથી શરૂઆત કરી, જેણે તેના એક હોવાનો સ્વિાકર કર્યો તેણે આપથી તૌહીદ કબુલ કરી, જે ખુદાને ચાહે છે તે આપની તરફ મુખ કરે છે. (મફાતિહલ જીનાન ઉર્દુ તરજુમોપા.1007)
આ જ ઝીયારતમાં બીજી એક જગ્યાએ છે : “મન અતાકુમ નજા વમન લમ યાતેકુમ હલક એલલ્લાહે તદઉન વ અલયહે તદુલ્લુન. જે આપની પાસે આવી ગયો તેણે નજાત મેળવી લીધી અને જે આપની પાસે ન આવ્યો તે હલાક થઇ ગયો. આપ અલ્લાહની તરફ દાવત આપે છે અને તેની ઉપર દલીલ કરે છે. (મફાતી ઉર્દુ તરજુમો પા. 1003)
ઝીયારતે જામેઆના આ થોડા વાક્યો ઉપર વિચાર કરવાથી જાહેર થાય છે કે, અહલેબયત અલયહિસ્સલામ જ એ છે કે તેઓના થકી ખુદા સુધી પહોંચી શકાય છે. તેની તૌહિદનો ઇકરાર કરી શકાય છે. તેની ઇબાદત કરી શકાય છે. અને કેમ ન હોય. આજ હઝરતો છે જે ખુદાની તરફ દાવત આપે છે. અને માર્ગદર્શન આપે છે. કારણ કે ઇન્સાનને ઇબાદત માટે પૈદા કર્યો છે, “મા ખલકતુલ જીન્ન વલ ઇન્સ ઇલ્લા લે યઅબોદુન” “અમે જીન્નાત અને ઇન્સાનને નથી પૈદા કર્યા સિવાય કે મારી ઇબાદત કરે. જો ઇન્સાન પોતાના સર્જનના હેતુને પ્રાપ્ત કરવા માગતો હોય તો તેણે ખુદાની ઇબાદત કરવી જોઇએ. અને ખુદાની ખરેખર ઇબાદત કરવા માટે અહલેબયત અલયહેમુસ્સલામના દરવાજે આવવું જરૂરી છે.
ઝીયારતે જામેઆના એ વાક્યોના પ્રકાશમાં જરા દોઆએ નુદબાના (આ ઇમામે ઝમના અલયહેમુસ્સલામથી મખ્સુસ એક દોઆ છે. જે દર જુમ્આ, બંને ઇદો અને ઇદે ગદીરના મોકા ઉપર પડવી મુસ્તહબ છે) આ વાક્યો જુઓ, “અયન બાબુલ્લાહીલ્લઝી મિન્હો યુતા અયન વજહલ્લાહીલ્લઝી એલયહે યતવજજહલ અવલેયાઓ અયનસ્સબબુલ મુત્તસેલો બયનલ અર્ઝે વસ્સમાએ “ખુદાનો તે દરવાજો કહ્યો છે જેના દ્વારા તેની બારગાહમાં પહોંચી જવાય છે. તે વજહુલ્લાહ ક્યાં છે જેની તરફ અવલેયા રૂખ કરે છે. આસમાન અને જમીનની વચ્ચેનો તે સંપર્ક ક્યાં છે.”
દરેક જમનાના ઇમામ ખુદા સુધી પહોંચવાનો ઝરીઓ છે. તે ઇમામે ઝમાનાના થકી ખુદાની તવહીદ અને એક હોવાનો એકરાર કરી શકાય છે. પછી તે જ ઇમામે અસ્ર થકી ખુદાની બારગાહમાં ઇબાદત કરી શકાય છે. તે ખુદાની હુજ્જત થકી ખુદાની બારગાહમાં પહોંચી શકાય છે. આ જમાનાના હઝરત હુજ્જત બીન અલ હસન અલ અસ્કરી અલયહસ્સલાતો વસ્સલામ ઇમામે ઝમાના અને હુજ્જતે ખુદા છે.
ખુદાની મઅરેફત અને ઇબાદત એટલે ખુદા સાથેનો ઇલ્મી અને અમલી સંપર્ક ઇમામતના અકીદાના પ્રકાશમાં મળે છે. ઇમામે અસ્ર અલયહિસ્સલામનો અકીદો તે દરવાજો છે જે ઇન્સાનને હકીકી ખુદા સુધી પહોંચાડે છે.
ઇમામતનો દરજ્જો :-
ખુદાવંદે આલમે ઇમામતનો મહાન દરજ્જો અઇમ્મએ મઅસુમીન અલયહેમુસ્સલામને એમજ આપી નથી દીધો. કુરઆને કરીમની આ આયતમાં આ હકીકત તરફ ઇશારો કરવામાં આવ્યો છે. “વજઅલ્ના મીન્હુમ અઇમ્મતન યહદુન બે અમ્રેના લમ્મા સબરૂ” (અસ્સીજદહ : 24)
“જ્યારે તેઓએ સબર કરી ત્યારે અમે તેઓમાંથી ઇમામ નિમ્યા જે અમારા હુકમથી હિદાયત કરે છે.
આ ટૂંકી આયતમાં ચાર મહત્વની બાબતો ઉપર ઇશારો કરવામાં આવ્યો છે :-
(1) જઅલ્ના : અમે તેઓને ઇમામ નીમ્યા. એટલે ઇમામ બનાવવાનો હક્ક માત્ર ખુદાને છે. બીજા કોઇને આ હક પ્રાપ્ત નથી. આ ઇમામ મુકર્રર કરવાનો સવાલ છે કોઇ મસ્જીદમાં પેશનમાઝનો નહીં.
(2) મીન્હુમ : ખુદાએ અમુકને આ દરજ્જા ઉપર નિમણુક કરી છે. એટલે દરેક આ દરજ્જાને લાયક નથી. ખુદા લાયકાતો અને ગુણો જોઇને આ દરજ્જો આપે છે.
(3) યહદુન બે અમ્રેના : અમારા ફરમાન અને હુકમથી આ હિદાયત કરે છે.
આ દુનિયામાં બે વ્યવસ્થા છે : (1) ખલ્ક (2) અમ્ર- ખલ્કની વ્યવસ્થા તે એ વ્યવસ્થા છે કે જે જાહેર ચીજ વસ્તુથી અસ્તિત્વમાં આવે છે. નુત્ફો ધીરે ધીરે ઇન્સાન બને છે. બીજ ધીરે ધીરે વિશાળ વૃક્ષનું રૂપ ધારણ કરે છે. અમ્રની વ્યવસ્થા એ વ્યવસ્થા છે કે જે ખલ્ક ઉપર શ્રેષ્ઠતા અને વિશેષતા ધરાવે છે. અહીં જાહેર ચીજ વસ્તુ, જગ્યા કે સમયની જરૂર નથી. ‘કુન’નો ઇરાદો પુરતો છે. ઇન્નમા અમ્રોહ એઝા અરાદ શયઅન અન યકુલો કુન ફયકુન. તેનો અમ્ર એ છે કે જ્યારે તે કોઇ વસ્તુનો ઇરાદો કરે છે ત્યારે કહે કે થઇ જા, અને થઇ જાય છે. એટલે કોઇપણ ચીજના અસ્તિત્વનો ઇરાદો કરી લેવો તે મોજુદ થવા માટે પુરતું છે. ન કોઇ ચીજ વસ્તુની જરૂર છે ન તો સમય અને સ્થળની. આ ઇમામો ખુદાના અમ્રથી હિદાયત કરે છે. જો કોઇને હિદાયતના માર્ગ ઉપર ચલાવવા ચાહે તો જમનાના ઇમામનો ઇરાદો તેને હિદાયત મેળવવા માટે પુરતો છે. જેવી રીતે ઇમામે હુસયન અલયહિસ્સલામે જનાબે ઝોહયર કયનની સાથે કર્યું હતું. માત્ર એક ટૂંકી મુલાકાતમાં ઝોહયર કયનને બદલી નાખ્યા હતા. આવા પ્રકારની હિદાયત મેળવવાને લાયક બનવા માટે ઇન્સાન ન પોતાને તે દરજ્જા અને સ્થાન સુધી પહોંચાડી દે, જ્યાંથી આ હિદાયતનો જીવંત પ્રવાહ વહેતો હોય. આળસ આપણી છે. જમીનમાં એ ગુણ હોવો જોઇએ કે વરસાદના પવિત્ર ટીપાંઓને પોતાનામાં સમાવી શકે અને બગીચો તૈયાર કરી શકે. આ હિદાયતે અમ્ર હઝરત વલી અસ્ર અલયહેમુસ્સલામના સ્વરૂપે હાલમાં મૌજુદ છે. ઇન્તેઝાર શરત છે.
(4) લમ્મા સબરૂ : આ વાક્ય દર્શાવે છે કે આ હઝરાતોને ઇમામતનો મહાન હોદ્દો શા માટે આપવામાં આવ્યો. આ તો ખરેખર કુરઆને કરીમની કરામત છે કે તેણે ઇમામત જેવા મહાન હોદ્દાને આ રીતે બે વાક્યોમાં રજૂ કરી દીધો. જાણે કે કુંજામાં દરિયાને સમાવી દીધો. લમ્મા સબરૂ-થી ઇમામતના પાયાને બયાન કરી દીધો અને યહદુન બે અમ્રેના-થી ઇમામતની જવાબદારીને જાહેર કરી દીધી. આ કેવા પ્રકારની અને કેવા પાયાની સબર છે જેની પછી ઇમામતનો હોદ્દો આપવામાં આવે છે.
સબરની શરૂઆત :-
સબરના જુદાજુદા દરજ્જાઓ છે.
તેના ત્રણ પ્રકાર છે. ગુનાહો ઉપર સબર, દુ:ખો ઉપર સબર અને ઇચ્છાઓ ઉપર સબર. અહીં તેની વિગતો આપવાનો હેતુ નથી.
સબર શરૂ થાય છે ઓછી વાતચીત કરવાથી, જીભ ઉપર કંટ્રોલ કરવાથી, નફ્સને એ વાતથી રોકવું કે જેથી અર્થહીન વાતો ન કરે. કારણ વગર જીભ ન ચલાવે. જીભથી માત્ર એટલા જ શબ્દો બોલવા જેની જરૂરત હોય. આ સબરનો પહેલો પ્રકાર છે. અને તેની અસરો છે રૂહાની ક્રિયામાં સાંત્વન ઉપર ખુબ ભાર મુકવામાં આવ્યો છે. જીભની સાથે નજરને પણ પોતાના કંટ્રોલમાં રાખવી. દિલ આ બંને ચીજોમાં અર્થહીન કામોમાં ઘણો વધુ ઉપયોગ કરે છે.
સંપૂર્ણ સબર :-
પછી ધીરે ધીરે દુનિયાની નેઅમતો ઉપર સબર. દુનિયાની કોઇપણ નેઅમતથી દિલને બાંધી ન લેવું. કોઇ પણ લજ્જતને દિલમાં સ્થાન ન આપવું. ક્યારે પણ કોઇ નફ્સાની ખ્વાહીશને દિલમાં આવવા ન દેવી. દોઆએ નુદબામાં છે :- “બઅદ અન શસ્તા અલયહેમુ ઝઝહદ ફી દરજાતે હાઝેહી દુનિયા દનીયહ વઝુખ્રોફેહા વઝેબેરેજેહા ફશરતુલક ઝાલેક વ અલીમ્ત મીન્હોમુલ વફાઅ બેહે ફકબીલતહુમ વકર્રબ્તહુમ વકદ્દમત લહોમુલ ઝીક્રલ અલીય્યે…” જ્યારે તે તેઓની સાથે એ શરત કરી કે તે આ પસ્ત દુનિયાની રંગીનીઓ અને ઝાકઝમાળમાં પરહેઝગારી અખત્યાર કરશે અને તેમાં દિલ નહીં લગાડે ત્યારે તેઓએ આ શરત સ્વિકારી અને જ્યારે તેં એ જોયું કે તેઓએ આ શરતને સંપુર્ણ રીતે પાર ઉતારી છે ત્યારે તેં તેઓને પસંદ કર્યા, તેઓને નજદીક કર્યા, તેઓના માટે શ્રેષ્ઠ ઝીક્ર અને જાહેર ખુબીઓ અને પ્રશંસાને રજૂ કરવામાં આવ્યા અને મલાએકાઓને ઉતાર્યા.
દુનિયાની નેઅમતો ઉપર સબર કરવી તે સબરનો એક ભાગ છે. હજી તેની આગળ પણ ઘણું છે.
દુનિયાની આગળ બરઝખ છે. બધા વિચારો ઉપર કંટ્રોલ. તમામ કાલ્પનિક ચહેરાઓ ઉપર કાબુ. આ દુનિયાની નેઅમતો ઉપર સબર કરવાથી વધુ મુશ્કેલ છે. ઇન્સાન દુનિયાની રંગીનીઓથી મોઢું ફેરવી શકે છે. પરંતુ દિલમાં આવતા વિચારો પણ તેના કાબુમાં હોય, નફ્સ ઉપર એટલો કંટ્રોલ હોય કે કોઇ વિચાર રજા વગર દિલમાં આવવા ન પામે. આ બહુજ મુશ્કેલ છે. આપ માત્ર થોડી પળો માટે પોતાના નફ્સને ભળતા વિચારોથી પાક રાખો. આપનું ધ્યાન બીજે ક્યાંય ન જવા પામે. માત્ર એકજ બિંદુ ઉપર કેન્દ્રીત રહે. આપને થોડીજ વારમાં અંદાજ થઇ જશે કે આ કામ કેટલું મુશ્કેલ છે. જ્યાં થોડી પળો પણ શક્ય ન હોય ત્યાં આખી જીંદગી પોતાના નફ્સને દરેક પ્રકારના વિચારોથી સુરક્ષિત રાખવું તે સબરનો એ તબક્કો છે જે દુ:ખો ઉપર સબર કરવા કરતા વધુ મુશ્કેલ છે. અહીં અક્કલ હેરાન પરેશાન છે.
હઝરત ઇમામ હુસયન અલયહિસ્સલામ ભરપુર દુ:ખો વચ્ચે ઘેરાએલા હોવા પછી પણ ફરમાવે છે, બિસ્મીલ્લાહે વ બિલ્લાહે વફી સબીલિલ્લાહ જ્યારે ઝખ્મોથી ચ્રુર થઇને, દિલ ઉપર તીર ખાઇને, પોતાનું ખૂન ચહેરા ઉપર લગાડીને ઘોડા ઉપરથી જમીન ઉપર આવે છે ત્યારે આ ફરમાવે છે :- બિસ્મીલ્લાહે વ બીલ્લાહે વફી સબિલિલ્લાહ. અલ્લાહના નામથી, અલ્લાહની તાકાતથી અલ્લાહની રાહમાં. આવા સમયે પણ કોઇ વિચાર હઝરત ઇમામ હુસયન અલયહેમુસ્સલામને અલ્લાહની તરફના ધ્યાનથી વિચલિત કરી ન શક્યો. અલ્લાહો અઅલમો હયસ વજઅલો રિસાલતેહી. અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે કે હોદ્દો કોને અર્પણ કરે.
દુનિયાની પછી આખેરત છે. આખેરતની કોઇપણ ચીજ પોતાની તરફ ધ્યાન દોરી ન શકે. ન જન્નતની ભરપૂર નેઅમતો, ન જહન્નમનો દર્દનાક અઝાબ, ન તો મહેશરના મેદાનના તબક્કાઓ. મવલાએ કાએનાત હઝરત અલી બીન અબી તાલીબ અલયહિસ્સલામનો આ કોલ કેટલો વિદ્વતાભર્યો અને સંપુર્ણ છે. “ઇન્ન કવમન અબ્દુલ્લાહે રગ્બતન ફતિલ્ક એબાદતુત તુજ્જારે વ ઇન્ન કવમન અબ્દુલ્લાહે રહબતન ફતિલ્ક એબાદોતલ અબીદો વઇન્ન કવમન અબ્દુલ્લાહે શુકરન ફતિલ્ક એબાદતુલ અહરાર. (નહજુલ બલાગાહ કલેમાતે હીકમત : 238)
અમુક લોકોએ સવાબને ખાતર ઇબાદત કરી. આ વેપારીઓની ઇબાદત છે. અમુક લોકોએ અઝાબના ડરથી ઇબાદત કરી. આ ગુલામોની ઇબાદત છે. અમુક લોકોએ અઝાબના ભયથી ઇબાદત કરી. આ ગુલામોની ઇબાદત છે. અમુક લોકોએ નેઅમતોના શુક્ર માટે ઇબાદત કરી. આ આઝાદ લોકોની ઇબાદત છે.
નફ્સ ઉપર એટલો કાબુ કે ઇબાદત કરવામાં ન જન્નતની નેઅમતો ખ્યાલ હોય, ન જહન્નમના અઝાબની કલપ્ના. આ સ્થાન ઉપર પહોંચવા માટે કેટલી સબર જરૂરી છે. આ સ્થાનમાં પણ નફ્સ ઉપર કંટ્રોલ રાખવા માટે ભરપૂર સબર રાખવાનો તકાજો છે.
સંપૂર્ણ બંદો :-
ખુદાની ઇબાદત માત્ર ખુદા માટે. કોઇપણ વસ્તુ ખુદાની ઇબાદતમાં ભળતી નથી. એટલે કે ઇબાદતનો હેતુ પરવદિગારની ખુશ્નુદી સિવાય બીજું કાંઇ નથી. ન દુનિયા, ન બરઝખ, ન આખેરત. આ સાવ સ્પષ્ટ બાબત છે. જેણે પોતાની જાતને ખુદાની મોહબ્બતમાં ફના કરી દીધી હોય, જેનો કમાલ બંદગી હોય, તેની નજરમાં બાકીની ચીજોનું શું મહત્વ ? બલ્કે બધી વસ્તુઓ તેને માટે હલ્કી અને તાબે છે. તેઓના હુકમ, બલ્કે તેઓના ઇરાદાઓ, ઇતાઅત કરનારા અને પાલન કરનારા છે. ઝીયારતે નાહીયામાં છે : “વ ઝલ્લ શયઇન લકુમ દરેક વસ્તુ આપના માટે હલ્કી છે. આપને તાબે છે. આપની ઇતાઅત કરનાર અને પાલન કરનાર છે. ઇમામ માત્ર ઇન્સાનો, અથવા દુનિયાના ઇમામ નથી. બલ્કે સમગ્ર બ્રહ્માંડના ઇમામ છે. આ બીના ઉપર ઇમામે અસ્રની મહેરબાનીથી વરસાદ વરસે છે. ઇમામના કારણે જમીન અને આસમાન અસ્તિત્વમાં છે. ઇમામના લીધે મુશ્કેલીઓ દૂર થાય છે.
અબ્દીય્યતના આ કમાલના દરજ્જા ઉપર પહોંચીને ઇન્સાન ખુદાની ખુબીની નિશાની બની જાય છે. બંદો થઇને અલ્લાહની પરવાનગીથી વિશ્ર્વનો ઉછેર કરે છે. દરેકને તેની રોજી પહોંચાડે છે. અને જીવનની જરૂરિયાતો પુરી પાડે છે. જેથી દરેક પોતાના કમાલને મેળવે. માટે ઇમામે અસ્ર માટે છે : બે વોજુદેહી સબતેતલ અર્ઝો વસ્સમાઓ વબે યુન્નેહી રોઝેકુલ વરા. તેમના અસ્તિત્વના સદકામાં જમીન અને આસમાન કાયમ છે અને તેમની બરકતથી દુનિયાને રોજી મળી રહી છે. રોજી દેવાવાળો અલ્લાહ છે. પરંતુ ઇમામે ઝમના અ.ની મારફતે. હાલમાં ખુદાની બારગાહમંથી દુનિયાને જે લાભ મળી રહ્યો તે બધો હઝરત હુજ્જત બીન અલ હસન અલ અસ્કરી અલયહિસ્સલામની મારફતે મળી રહ્યો છે. જ્યારે ત્યાંથી દરેક ચીજ ઇમામે ઝમાના અલયહિસ્સલામના વાસ્તાથી મળી રહી છે ત્યારે અહીંથી જનારી ઇબાદતો અને દોઆઓ તેજ સમયે ખુદાની બારગાહમાં હાજર અને કબુલ થવાનું માન પ્રાપ્ત કરશે જ્યારે તે ઇમામ ઝમાના અ.ના મારફતે જશે. ઇમામ અલયહિસ્સાલમની ભરપુર મહેરબાનીઓને જોઇને બલ્કે મહેસુસ કરીને શરમથી આ કહેવું પડશે :
“એ ઇમામે અસ્ર ! એક લાંબા સમયથી અમે આપની નેઅમતોના દસ્તરખાનથી લાભ ઉઠાવી રહ્યા છીએ. આપના નામ ઉપર જીવન પસાર કરી રહ્યા છીએ. આપના થકી ખુદા પાસેથી નેઅમતો મેળવી રહ્યા છીએ. આપની બરકતથી અમારી રૂહ અને શરીરને ઉછેરી રહ્યા છીએ. આપની ખાતર અલ્લાહનો ફૈઝ અમારા સુધી પહોંચી રહ્યો છે. પરંતુ જ્યારે પણ અમે અમારા આમાલનામા ઉપર નજર કરીએ છીએ અને અમારી અંદર નજર કરીએ છીએ ત્યારે સાફ દેખાય છે કે હજુ સુધી આપની સાચી મઅરેફત મેળવી નથી શક્યા. આપના સ્થાનને ઓળખી નથી શક્યા. આપની ઉપર એટલો ઝુલ્મ કરેલ છે કે ખબર નથી કાલે ખુદા અમારી સાથે કેવો વર્તાવ કરશે. ડગલેને પગલે આપની પાસેથી લાભ ઉઠાવ્યો છે. પરંતુ આપના માટે કાંઇ નથી કર્યું. આપના નામથી આબરૂ મેળવી, પરંતુ આપના નામને બુલંદ ન કર્યું. આપનો વાસ્તો આપીને રોજી મેળવી પરંતુ આપની રાહમં કાંઇ ખર્ચ ન કર્યો. આપનો દરેક જગ્યાએ અમારા સ્વાર્થ ખાતર ઉપયોગ કર્યો, પરંતુ આપની ખાતર જરાપણ તકલીફ સહન ન કરી.
એ યુસુફે ઝેહરા ! અમે યુસુફના ભાઇઓની જેમ આપની બારગાહમાં શરમિન્દા છીએ. અમે આપના ઉપર ઘણો ઝુલ્મ કર્યો છે. અમે ખતાકાર છીએ. માફીના તલબગાર છીએ.
ઇમામે ઝમાના અલયહિસ્સલામની સબર :
વર્તમાન સંશોધનના પ્રકાશમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે ભૂતકાળના પ્રસંગો વાતાવરણમાં મૌજુદ છે. આપણી દ્રષ્ટિ એટલી બધી ટૂંકી છે કે આપણે તે હકીકતો સુધી પહોંચી શકતા નથી. નફ્સની એક ખાસ પ્રક્રિયા છે. જો કોઇ તેને સંપુર્ણ રીતે પુરી કરે તો તે આશુરાના દિવસની ઘટનાઓ પોતાની આંખોથી જોઇ શકે છે. પરંતુ અમુક ઘટનાઓ એવી છે કે જે જોવી સહન થઇ શકે તેમ નથી. પરંતુ આ બધી ઘટનાઓ હઝરત ઇમામે અસ્રની સામે છે. તે સિવાય જ્યાં ઇમામે ઝમાના અ. રહે છે ત્યાં ઇમામ હુસયન અલયહિસ્સલામનું પહેરણ ઇમામે અસ્રના માથા ઉપર લટકી રહ્યું છે. અને તેમાંથી તાજુ ખુન ટપકી રહ્યું છે. ઝહુર સુધી આજ દ્રષ્ય રહેશે.
આ બધા દુ:ખો અને ઝુલ્મોને પોતાની આંખોથી જોવા અને તેના ઉપર સબર કરવી. જે દુ:ખોને સાંભળીને સહન કરવા મુશ્કેલ છે તે જોઇને સહન કરવા કેટલું બધું મુશ્કેલ બલ્કે અસહનીય છે. ઇમામે ઝમાના અલયહિસ્સલામની સામે માત્ર કરબલાના બનાવો જ નહીં, જનાબે ઝહરા, જનાબે અમીર, ઇમામ હસન.. ઇમામ હસન અસ્કરીઅ. સુધીના દરેક ઇમામ ઉપર થએલા ઝુલ્મો, તે સિવાય એ ઝુલ્મો જે તેમના દોસ્તો, ચાહનારાઓ અને શીયાઓ ઉપર થઇ રહ્યા છે. તે બધા ઇમામે અસ્રની નજરની સામે છે. આ બધા ઝુલ્મોને જોવા અને સહન કરવા, અખત્યાર હોવા પછી પણ ખુદાના હુકમથી ગયબતમાં રહેવું અને સબર કરવી. જો આ બાબતો ઉપર કોઇ ધ્યાનપુર્વક વિચાર કરે તો તેને અંદાજ આવી જશે કે ઇમામે અસ્ર અલયહિસ્સલામ કેટલા મઝલુમ છે અને એ પણ એહસાસ થઇ જશે કે આવા સમયે તેમના માટે ઝહુરની દોઆ કરવી કેટલી જરૂરી છે. તેમના ઝહુર માટે પૂર્વ ભુમિકા બાંધવી, લોકોને તેમની નજદિક કરવા, લોકોના દિલમાં ઇમામની તડપ પૈદા કરવી તે આપણી મુખ્ય જવાબદારી છે. એવું ન બને કે આપણી આળસથી ઇમામની મઝલુમિય્યતમાં વધારો થાય. તે સમયે આપણે આપણા ઇમામને શું મોઢું બતાવશું અને ખુદાને શું જવાબ આપશું.
આશાની આ વાતો ઉપર વિચાર કરવાથી આયતનું આ વાક્ય “લમ્મા સબરુના મહત્વનો અંદાજ આવી ગયો હશે.
આવો ! આપણે સૌ સાથે મળીને ખુદાની બારગાહમં ઇમામે અસ્ર અલયહિસ્સલામ પ્રત્યેની આપણી બેદરકારીની માફી માગવા અને જનાબે ફાતેમા ઝહેરા સલામુલ્લાહે અલયહાની મઝલુમીય્યતના વાસ્તાથી યુસુફે ઝહેરા હઝરત ઇમામ અસ્ર અલયહિસ્સલામના જલ્દીમાં જલ્દી ઝહુર માટે વિલાપ કરીને દોઆ કરીએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *