Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૨ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. થી શરફયાબ થનારાઓ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. ના ખિદમત ગુઝારો » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. ના નાએબે ખાસ

પહેલા નાએબ ખાસ જનાબ ઉસ્માન બિન સઇદ અમ્રવી

Print Friendly, PDF & Email

અલ-મુન્ઝરના વાંચકો ! ગયા વરસે (15 શઅબાનુલ મુઅઝ્ઝમ હિ.સ. 1421ના વિશેષ અંકમાં) “નયાબતની જરૂરતના શિર્ષક હેઠળ વિસ્તૃત લેખ આપ વાંચી ચૂક્યા છો. તે લેખને પ્રસ્તાવના રૂપે ગણીને હવે ઇન્શાઅલ્લાહ એક એક ખાસ નાએબના જીવન ઉપર વિસ્તૃત પ્રકાશ પાડીશું.
હઝરત મહદી અલયહિસ્સલામના પહેલા નાએબ હઝરત ઉસ્માન બની સઇદ અમ્રવી હતા. શયખુલ તાએફ જનાબ મોહમ્મદ બીન હસન તુસી પોતાની બહુ મુલ્ય કિતાબ ‘અલ-ગયબહ’માં પવિત્ર ઇમામોના જે પ્રતિનિધિઓ સફર કરતા હતા તેઓને તેમણે નેકીઓ અને સદગુણોથી યાદ કર્યા છે. તેઓમાં પહેલા જેણે હઝરત હાદી અ. અને હઝરત ઇમામ હસન અસ્કરી અ.એ વિશ્ર્વસનીય અને મજબુત ગણ્યા છે તે અબુ ઉમર ઉસ્માન બીન સઇદ અમ્રવી રહમતુલ્લાહે અલયહે છે. (અલ-ગયબહ શૈખ તુસી પા. 353)
નામ અને લકબ :
આપનું નામ ઉસ્માન હતું, પિતાનું નામ સઇદ. લોકમુખે આપનું નામ “હફ્સ બીન અમરૂ લખાયું છે. પરંતુ આલીમોએ આ ખોટું ગણ્યું છે. આપનું નામ ઉસ્માન બીન સઇદ જ દેખાડ્યું છે.
આપની બે કુન્નીયત લખવામાં આવી છે. (1) અબુ અમરૂ (2) અબુ મોહમ્મદ. અબુ અમરૂ એટલા માટે કે આપના પરદાદા અમરૂ હતાં. અને અબુ મોહમ્મદ એટલા માટે કે આપના પુત્રનું નામ મોહમ્મદ હતું. પરંતુ રિવાયતી કિતાબોમાં આપની કુન્નીયત અબુ અમરૂ જ લખવામાં આવી છે. અલબત્ત, સફીનતુલ બેહાર અને બેહારૂલ અન્વારમાં અબુ મોહમ્મદ લખવામાં આવી છે.
શીયાઓમાં આપ ચાર લકબોથી મશહુર છે.
(1) સમાન અથવા ઝય્યાત (લે-વેચ-ટ્રેડીંગ)
આપને આ લકબથી એટલા માટે યાદ કરવામાં આવે છે કે આપ નાએબ અને વકીલના હોદ્દાને સામાન્ય લોકોથી છુપાવી રાખવા માટે તેલનો વેપાર કરવા લાગ્યા. તેના થકી તે સમયના ખલીફાના ડરથી પોતાને અને અહલેબયત અ.ના શીયાઓને સલામત રાખ્યા. આપની રીત એ હતી કે જે માલ અને અમાનતો શીયા ગ્રહસ્થો ઇમામ હસન અસ્કરી અ. માટે લાવતા હતા તે આપ લઇ લેતા હતા અને અબ્બાસી હુકુમતના ડરથી તે અમાનતોને તેલના વાસણોમાં રાખીને ઇમામ અલયહિસ્સલામના ઘરે પહોંચાડતા હતા. (અલ-ગયબહ પા. 354)
આપ પોતાની નયાબતના અસરકારક હેતુને છુપાવી રાખવા માટે તેલની બજારમાં સૈનિકો માટે તેલ અને બીજી વસ્તુઓ સપ્લાઇ કરતા હતા. (રોઝગાર રેહાઇ – લેખક કામીલ સુલયમાન ભાગ-1/291)
(2) અસદી :-
આપ બની અસદના કુટુંબથી સબંધ ધરાવતા હતા. તેથી તેમને અસદી પણ કહેવામાં આવે છે.
(3) અસ્કરી :
આપ સામર્રાના અસ્કરી મોહલ્લામાં રહેતા હતા. તેથી આપને અસ્કરી કહેવામાં આવે છે.
(4) અમ્રવી ર.અ.:
ઉસ્માન બીન સઇદ ર.અ.ના અમ્રવી લકબથી કોઇએ વિરોધ નથી કર્યો. એટલે તમામ આલીમો આપને અમ્રવી ર.અ. કહે છે. અલબત્ત રેજાલની હદીસના આલીમોએ અમ્રવી હોવાની નિશાનીનો વિરોધ કર્યો છે. શયખ અલ-તાએફ મોહમ્મદ બીન હસન જે સંશોધન આ બારામાં રજૂ કર્યું છે તેનો ખુલાસો લખી રહ્યા છીએ.
પહેલી વાત એ છે કે ઉસ્માન બીન સઇદના દાદાનું નામ અમરૂ હતું. તેથી તેમને અમ્રવી કહેવામાં આવ્યા. બીજી વાત એ કે અમુક આલીમો એમ કહે છે કે હઝરત ઇમામ હસન અસ્કરી અ. એ વાતથી રાજી ન હતા કે ઉસ્માન (ત્રીજા ખલીફા) બીન અફાનનું નામ અને તેની કુન્નીયત અબુ અમરૂ એક માણસમાં ભેગી થાય. તેથી ફરમાવ્યું કે તેમની કુન્નીયત અબુ અમરૂ હતી તે બદલી નાખો અને અમ્રવી કહો. (અલ-ગયબહ પા. 354)
ઉસ્માન બીન સઇદ ત્રણ ઇમામ અ.ના ખાસ વકીલ :-
જનાબ શયખ તુસી રહ.એ લખ્યું છે કે આપ અગીયાર વરસના થયા ત્યારે ઇમામ હાદી અલયહિસ્સલામની ખીદમતની જવાબદારી લઇ લીધી અને આપે હઝરતને વાયદો અને વચન આપ્યું.
શયખ અલયહિર્રહમાએ ઇમામે હસન અસ્કરી અલયહિસ્સલામની ચર્ચા કરતા લખ્યું છે કે ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ. ઉચ્ચ બુઝુર્ગી ધરાવનારા હતા અને આપ હઝરત હસન અસ્કરી અ.ના વકીલ હતા. વધુમાં ફરમાવે છે કે આપ સાહેબુઝ્ઝમન અલયહિસ્સલામના વકીલ હતા અને શીયાઓમાં આપનું ઘણું ઉંચુ સ્થાન, બુઝુર્ગી અને ઇઝ્ઝત હતી.
જનાબ શયખ તુસી ર.અ.ના આ કથનથી સ્પષ્ટ રીતે જણાય છે કે આપની ગણના ત્રણ ઇમામોના સાથીદારોમાં થાય છે.
ઇબ્ને દાઉદ હિલ્લી પોતાના સંગ્રહમાં મરહુમ કહ્યાઇએ મજમઉર્રેજાલમાં, મરહુમ સય્યદ મોહમ્મદ મહદી બહરૂલ ઓલુમે પોતાના સંગ્રહમાં તેવીજ રીતે અન્ય રેજાલની કિતાબોમાં જેમકે તન્કીહુલ મકાલ, કામુસર્રેજાલ, મઅજમુર્રેજાલ, અલ હદીસ વગેરેમાં આપના ત્રણ ઇમામોના સહાબી હોવાનો નિર્દેશ કરેલ છે.
નોંધ :-
ડોક્ટર જાસીમ હુસયને પોતાની કિતાબ ‘તારીખે સિયાસી ગયબતે ઇમામ દવાઝદહમ અ.’-માં ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ.ને અબુ જઅફર ઇમામ જવાદ અલયહિસ્સલામના અસ્હાબમાં સમાવેશ કરેલ છે. ઇબ્ને શહર આશુબે ‘મનાકેબે આલે અબી તાલીબ’, મરહુમ શયખ અબ્બાસ કુમ્મીએ ‘સફીનતુલ બેહાર’, મરહુમ અલ્લામા હિલ્લી વિગેરેએ પણ આપને ઇમામ જવાદના સહાબીમાં ગણાવ્યા છે.
અલી ગફ્ફાર ઝાદાએ પોતાની કિતાબ “પઝુહશીએ પીરામુન ઝીન્દગાનીએ નુવ્વાબે ખાસ ઇમામે ઝમાન (અ.સ.)માં આ વાતને રદ કરીને. લખ્યું છે કે “જે માણસ ઇમામો અલયહેમુસ્સલામનો ઇતિહાસઅને ગયબતે સુગરાના ઇતિહાસમાં થોડો રસ પણ ધરાવતો હોય તો તે ખૂબજ સહેલાઇથી સમજી લેશે કે ઉસ્માન બીન સઇદ ઇમામ જવાદ અલયહિસ્સલામના અસ્હાબ અને આપના પ્રતિનિધિ હોવાની વાત સાચી નથી અને આ માન્યતાની વિ‚દ્ધ છે. ઇતિહાસ અને રિવાયતોના આધારે તેની કોઇ વિશ્ર્વાસપાત્ર સનદ નથી મળતી.
તે પછી અલી ગફ્ફાર ઝાદાએ પોાની શોધની સચ્ચાઇ માટે નીચે દર્શાવેલ આલીમો અને તેઓની કિતાબોના હાવાલા આપ્યા છે.
(૧) હાજ્જ મોહમ્મદ અર્દબીલીએ કિતાબ “જામેઅઉર્રવાતમાં
(૨) શયખ અબ્દુલ્લાહ અકાનીએ કિતાબ “ત્ન્કીહુલ મકાલમાં
(૩) અલ્લામા શુશ્તરીએ “કામુસુ ર્રેજાલમાં
(૪) હઝરત આયતુલ્લાહ – ઉલ – ઉઝમા ખુઇએ “મોઅજમુર્રેજાલમાં
આ બધા આલીમોએ ખાત્રી કર્યા પછી લખ્યું છે કે ઉસ્માન બીન સઇદ ઇમામ જવાદ અલયહિસ્સલામના અસ્હાબ ન હતા.
(“પઝુહશીએ પીરામુન પાના નં. ૧૦૯-૧૧૦)
ઉસ્માન બીન સઇદ (ર.અ.)ની ફઝીલત – ઇમામોના સ્વમુખે :
અહમદ બીન ઈસ્હાક કુમ્મી પ્રસ્તુત કરે છે:
એક દિવસ હું ઇમામ હાદી અલયહિસ્સલામની ખિદમતમાં પહોંચ્યો અને અરજ કરી, મૌલા! હું ક્યારેય આપની મુલાકાતનું સન્માન મેળવી લઉં છું અને ક્યારેક આ લાભથી વંચિત રહી જાઉં છું. આ રીતે આ લાભ હંમેશા મને મળતો નથી. (આવી સ્થિતિમાં) હું કોની વાતો કબુલ કરૂં અને કોની તાબેદારી કરૂં? હઝરતે ફરમાવ્યું : “હાઝા અબુ અમરૂસ્સેકતુલ અમીનો મા કાલહુ લકુમ ફઅન્ની યકુલોહુ, વમા અદ્દાહો એલયહકુમ ફઅન્ની યોઅદ્દીયેહ આ અબુ અમ્રુ (ઉસ્માન બીન સઇદ) વિશ્ર્વાસુ, ભરોસાપાત્ર અને અમાનતદાર છે. જે કાંઇ તે કહે તે અમારી તરફથી કહેશે અને જે કાંઇ તમને આપે તે અમારી તરફથી આપશે. (બેહારૂલ અન્વાર 51/344)
આ કથનથી જાણી શકાય છે કે ઇમામ હાદી અલયહિસ્સલામ જનાબ ઉસ્માન બીન સઇદ અલયહિર્રહમા ઉપર અસાધારણ વિશ્ર્વાસ ધરાવતા હતા. આ ઉપરાંત એ પણ સમજી શકાય છે કે તેમનું કામ ઇમામ અ.ના સંદેશાઓ અને આપના હુકમોને લોકો સુધી પહોંચાડવાનું હતું. અને લોકોની જવાબદારી હતી કે નાએબે ઇમામની સૂચના મુજબ અમલ કરે.
ઇમામ હાદી (અ.)ની શહાદત પછી અહમદ બીન ઇસ્હાક હઝરત ઇમામ અસ્કરી અલયહિસ્સલામની ખીદમતમાં પહોંચ્યા અને એજ સવાલ દોહરાવ્યો. હઝરતે ફરમાવ્યું, “હાઝા અબુ અમ્રૂ અસ્સેકતુલ અમીનુલ માઝી વસ્સેકતી ફી મહ્યા વલ્મમાતે ફમા કાલહુ લકુમ ફ અન્ની યકુલોહુ વમા અદ્દયા એલયકુમ ફઅન્ની યોઅદ્દીહે. આ અબુ અમરૂ (ઉસ્માન બીન સઇદ) વિશ્ર્વાસુ, ભરોસાપાત્ર અને અમાનતદાર છે. પાછળના ઇમામના માટે વિશ્ર્વાસપાત્ર હતા. અમારી જીંદગીમાં અને અમારા મૃત્યુ પછી પણ અમારા વિશ્ર્વાસુ અને ભરોસાપાત્ર છે (તે) જે કાંઇ તમને કહે તે અમારા તરફથી કહેશે અને જે કાંઇ તમને આપે તે અમારી તરફથી આપશે. (બેહારૂલ અન્વાર 51/344)
ઇમામે ઝમાના અ.ની નયાબત
ઇમામ હસન અસ્કરી અ.એ ચાલીસ વ્યક્તિઓની હાજરીમાં ઉસ્માન બીન સઇદ અ.ર.ને ઇમામે ઝમાના અ.ના પહેલા નાયબ તરીકે નિમણુક કરી.
જઅફર બીન મોહમ્મદ બીન માલિક ફઝારી, અલી બિન બીલાલ, અહમદ બિન હેલાલ, મોહમ્મદ બિન મોઆવીય્યા બીન હકીમ, હસન બીન અય્યુબ બીન નૂહ – આ બધા ગૃહસ્થોએ નોંધ કરી છે કે અમે ઇમામ હસન અસ્કરી અ.ની ખીદમતમાં પહોંચ્યા. જેથી ખાસ કરીને આપ અ.ને પૂછે કે આપના પછી ઇમામ કોણ હશે. અમારી સિવાય બીજા ચાલીસ લોકો ત્યાં હાજર હતા. તેઓની વચ્ચે ઉસ્માન બીન સઇદ ઉભા થયા અને અરજ કરી, “યબ્ન રસુલુલ્લાહ ! અમે આપની પાસે કાંઇક જાણવા માગીએ છીએ. જો કે તે આપ ખુદ સારી રીતે જાણો છો. આપે ફરમાવ્યું, “એ ઉસ્માન બેસી જાઓ ! પછી હઝરતના ચહેરાનો રંગ બદલાયો. આપ તેજ સ્થિતિમાં બહાર તશરીફ લઇ ગયા અને ફરમાવ્યું કે કોઇ બહાર ન આવે. થોડી વાર પછી આપે ઉસ્માન બીન સઇદને બૂમ પાડી. તે પોતાની જગ્યા ઉપર ઉભા થઇ ગયા. પછી આપે ફરમાવ્યું, “શું હું તમને જણાવું કે તમે લોકો શા માટે મારી પાસે આવ્યા છો ? લોકોએ કહ્યું : “યબ્ન રસુલુલ્લાહ ! બયાન ફરમાવો. આપે ફરમાવ્યું : “તમે આવ્યા કે જેથી મને પૂછો કે મારી પછી કોણ ઇમામ છે. લોકોએ કહ્યું : “હા. તે વખતે અમે એક નવજવાનને જોયા જે ચાંદના ટૂકડાની જેવા હતા. અને ઇમામ હસન અસ્કરી અ.ને ઘણા મળતા આવતા હતા. હઝરતે ફરમાવ્યું : મારી પછી આ તમારા ઇમામ અને મારા વારસદાર છે. તેની તાબેદારી કરો. અને છુટા ન પડી જતા કે દીનના હુકમોમાં હલાકતમાં પહોંચી જશો. જાણી લો કે આજની પછી તેને જોઇ નહીં શકો ત્યાં સુધી કે તેની ઉમર કામીલ થઇ જાય. તે માટે ઉસ્માન બીન સઇદ તેની તરફથી જે કાંઇ ખબર આપે તે કબુલ કરો. “ફ હોવ ખલીફતો ઇમામેકુમ વલ અમ્રો એલયહે” તમારા ઇમામના પ્રતિનિધી છે અને અમ્ર (નયાબત) તેમના માટેજ છે.
ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ. વકીલોના વકીલ
ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામે એક લંબાણપૂર્વકનો પત્ર ઇસ્હાક બીન ઇસ્લમાઇલ નિશાપુરીને લખ્યો. તેના એક ભાગમાં લખે છે :- “શહેરથી તે સમય સુધી બહાર ન નીકળતા જ્યાં સુધી ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ. સાથે મુલાકાત ન કરી લો. અમારા સલામ તેમને પહોંચાડશો. તે ચારિત્ર્યશીલ અને અમાનતદાર છે અને અમારી સાથે સૌથી વધુ નજીકનો સંબંધ ધરાવે છે.
ફકુલ્લો મા યુહમલો એલયના મીન કુલ્લે શયઇન મેનન નવાહી ફ એલયહીલ અસીરો આખરો અમ્રેહી લે યુસેલ ઝાલેક એલયના
જે કાંઇ માલ જુદાજુદા ઇલાકાઓમાંથી આવે છે તે બધો તેમના (ઉસ્માન બીન સઇદ ર.અ.) હાથોમાં પહોંચે છે. જેથી તે અમારા સુધી પહોંચે. (બેહાર 54/323)
નોંધ : આ પત્રથી સ્પષ્ટ રીતે ખબર પડે છે કે બધા શહેરોમાં જ્યાં ઇમામ અ.ના ઘણા વકીલો હતા અને આ બધા વકીલો શીયાઓ પાસેથી શરીયતની અમુક રકમો વસુલ કરતા હતા અથવા શીયા ગ્રહસ્થો તેમને તે રકમો ઇમામ અ. સુધી પહોંચાડવા માટે આપતા હતા તે પૂરેપૂરી ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ.ની પાસે લાવતા અને ઉસ્માન બીન સઇદ ર.અ. ઇમામની ખીદમતમાં રજુ કરતા હતા.
મઝહબી અને રાજકીય પરિસ્થિતિ અને ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ. :
ગયબતે સુગરાના સમયની માત્ર ઉપરછલ્લી પણ દ્રષ્ટિ કરવામાં આવે તો જણાય છે કે નયાબતની જવાબદારી સરળ ન હતી. હુકુમતના જાસુસો સતત રીતે શીયાઓ ઉપર ચાંપતી નજર રાખતા હતા. ખાસ કરીને ઇમામની ખાસ અને વિશ્ર્વાસપાત્ર વ્યક્તિઓ ઉપર.
એક તરફ હુકુમતનો ભય તો બીજી તરફ શીયાઓનું જુદાજુદા ફીરકાઓમાં વહેંચાઇ જવું. (જુઓ અલ-મુન્તઝર ખાસ અંક 15 શઅબાન હિ. 1420 પા. 4-5-6) આવી પરિસ્થિતિમાં નયાબતની જવાબદારી એક મુશ્કેલ કામ હતું. પરંતુ ઇમામે ઝમાના અ.ના ખાસ ધ્યાન અને હિદાયતની મદદથી શીયાઓની ખરાબ થતી હાલતને સારી હાલતમાં ફેરવી નાખવી તે ઉસ્માન બીન સઇદ ર.અ.ની સિદ્ધિ હતી.
જુદાજુદા સમૂહોમાં વહેંચાએલા શીયાઓને ભેગા કરવા અને બીજી તરફ હુકુમત તરફથી નિમવામાં આવેલ જઅફર કઝ્ઝાબનો સામનો કરવાનો હતો. આ કામ ખૂબજ અઘં હતું. કારણ કે જઅફર કઝ્ઝાબે ઇમામ હસન અસ્કરી અ.ની શહાદત પછી પોતાને ખુદને તેમના વારસદાર અને ઇમામ કહેવા શરૂ કરી દીધા હતા.
શયખ મુફીદ અ.ર. ‘કિતાબુલ ઇરશાદ’માં લખે છે :
“હઝરત ઇમામ હસન અસ્કરી અ.ની શહાદત પછી જઅફર બીન અલી (જે કઝ્ઝાબના નામથી જાણીતો છે) એ જોયું કે હઝરતના કોઇ વારસદાર નથી. આપની માલ-મિલ્કતને જપ્ત કરી લીધી. આપની કનીઝોને જેલમાં નાખી દીધી. સ્ત્રીઓને પૂરી દીધી. આપના અસ્હાબો જે અસ્કરી અ.ના પુત્રની રાહ જોતા હતા અને શ્રધ્ધા ધરાવતા હતા કે આપના પુત્ર મોજુદ છે અને ઇમામે ઝમાના છે; તે તેઓની વિરૂદ્ધમાં ખોટો પ્રચાર શરૂ કરી દીધો. તેઓને ગુમરાહ કરવાની કોશીષ કરી, ડરાવ્યા અને ધમકાવ્યા. પરંતુ લોકોએ જઅફરની તરફ ધ્યાન ન આપ્યું. છેવટે જઅફર કઝ્ઝાબ ખલીફાને મળ્યો. અને તેની મદદ માગી કે તે પોતાના ભાઇ (ઇમામ અસ્કરી અ.)ના સ્થાન ઉપર પહોંચી જાય. તે માટે તેણે હુકુમતને ઘણી મોટી રકમ આપી. પરંતુ આ બધી છળકપટ પછી પણ તે સફળ ન થયો. (અલ-ઇરશાદ પ્ર. 34)
ઉસ્માન બીન સઇદ ર.અ.ના માટે એક પછી એક બધા મસઅલાઓ જઅફર કઝ્ઝાબનો ઇમામતનો દાવો, ઇમામ હસન અસ્કરી અ.ની જનાઝાની નમાઝ માટે ઉભા થવું, લોકોની વચ્ચે ઇમામ મહદી અ.ની વિલાદતમાં શંકા કરવી તે સમયની હુકુમતને પોતાની ઇમામતના માટે ઉશ્કેરવી, અહલેબયત અ.ના ખાનદાનને કેદ અને બંદીવાન બનાવી તકલીફ આપવી, શરઇ રકમો લોકો પાસેથી માગવી વિગેરે, મોટી મુશ્કેલી ઉભી કરનારા હતા. આ પરિસ્થિતિમાં ઉસ્માન બીન સઇદ અ.ર. એ ઇમામે ઝમના અ.ની મદદથી જઅફરને રૂસ્વા કર્યો અને વિલાયત અને ઇમામતના સ્થાનેથી દૂર કર્યો.
જ્યારે શીયાઓએ જોયું કે જઅફર કઝ્ઝાબ ઇમામતનો દાવો કરી રહ્યો છે, ઇમામ હસન અસ્કરી અ.ની મિલ્કતનો પોતે ઉપયોગ કરી રહ્યો છે અને અબ્બાસી હુકુમતની મદદ પણ મેળવી લીધી છે ત્યારે લોકોએ ઉસ્માન બીન સઇદ ર.અ. સાથે મુલાકાત કરી કે ઇમામ ઝમાના અ.ની ચીઠ્ઠી મેળવે જેમાં જઅફર કઝ્ઝાબનો મામલો સ્પષ્ટ થઇ જાય, લોકો ચલિત થવાથી બચી જાય અને જઅફર બદનામ થાય. ટૂંકમાં એક પ્રસંગ જોઇએ.
જઅફર બીન અલીએ ઇમામ મહદી અ.ના ચાહનારાઓને એક પત્ર લખ્યો કે હું મારા ભાઇની પછી ઇમામે વક્ત છું. હલાલ અને હરામનું ઇલ્મ અને બીજા ઇલ્મો મારી પાસે છે. જ્યારે આ પત્ર એક માણસને મળ્યો ત્યારે તે બહ ગમગીન થયો અને તેમને પત્ર લઇને અહમદ બીન ઇસ્હાક અશ્અરી, જે ઇમામ હસન અસ્કરી અ.ના ખાસ સહાબી હતા, તેમની પાસે ગયો. અહમદ બીન ઇસ્હાકે એક પત્ર ઇમામે ઝમાના અ.ને લખ્યો અને જઅફરનો પત્ર તે કવરમાં સાથે રાખીને ઉસ્માન બીન સઇદ ર.અ.ને આપ્યો. જેથી તે ઇમામ ઝમાના અ.ને પહોંચાડી દે. હઝરત અજ્જલલ્લાહો તઆલા ફરજુલ શરીફે ખૂબજ કડક પત્ર લખ્યો. જેમાં જઅફરની ઇમામતને રદ કરી છે. તે પત્રના થોડાં વાક્યો જુઓ :-
“આ વિકૃત (જઅફર કઝ્ઝાબ) જેણે ખુદાને જુઠલાવ્યો, ઇમામતનો દાવો કર્યો, અમને ખબર નથી કે પોતાની કઇ વસ્તુ ઉપર તેણે નજર કરી ? જો ખુદાના દીન અને હુકમોમાં તેને ફીકાહ અને ડહાપણની આશા રાખે છે તો ખુદાની કસમ તે હલાલ અને હરામમાં ફરક નથી ઓળખી શકતો. કુરઆનની ગર્ભિત અને એકબીજાને મળતી આવતી આયતોને એકબીજાથી જુદી નથી પાડી શકતો. ત્યાં સુધી કે નમાઝની હદો અને સમયની તેને ખબર નથી. જો તે પોતાના તક્વા-પરહેઝગારી ઉપર ખાત્રી ધરાવે છે તો ખુદા સાક્ષી છે કે તેણે ચાલીસ દિવસો સુધી વાજીબ નમાઝને તર્ક કરી છે. તેનો દાવો મોઅજીઝા ઉપર આધારિત હોવો જોઇએ. પોતાના મોઅજીઝાને રજૂ કરે. જો હુજ્જત અને દલીલ ધરાવતો હોય તો કહે.” (યઝુહશી પીરમુન પા. 128, નકલ-પ્રસ્તુત એહતેજાજ તલરસી 2/468)
ઉસ્માન બીન સઇદ (ર.અ.)ની નયાબતનું જ પરીણામ હતું કે આ રીતની ચીઠ્ઠીઓ પ્રાપ્ત થઇ અને જઅફર કઝ્ઝાબ પોતાના મનસુબામાં નિષ્ફળ થયો. પછી એક મજલીસમાં ઉસ્માન બીન સઇદ ર.અ.એ ફરમાવ્યું, (વિશ્ર્વસનીય રીતે અબ્બાસી) ખલીફા વિચાર કરે છે કે હસન અસ્કરી અ. દુનિયાથી ચાલ્યા ગયા અને કોઇ વારસદાર ન મુકતા ગયા. પોતાની મિલ્કતોને એવા માણસ (જઅફર કઝ્ઝાબ)ને આપી ગયા જે તેનો હકદાર ન હતો. ઇમામ અ.ના હતાશ થએલાએ પણ સબર કરી અને પરેશાન હાલતમાં ચારે બાજુ ફરતા રહ્યા. કોઇ હિમ્મત નથી કરતું કે તેઓને ઓળખે, તેઓની મદદ કરે અથવા કોઇ ચીજ તેઓને પહોંચાડે. (ઉસુલે કાફી 2/121, ફારસી તરજુમો)
ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ. બગદાદમાં :-
ઇમામ હસન અસ્કરી અ.ની શહાદત પછી ઇમામે ઝમાના અલયહિસ્સલામના હુકમથી પહેલા નાએબે બગદાદ તરફ પ્રયાણ કર્યું. કારણ એ હતું કે સામર્રામાં હુકુમતના સત્તાધિકારીઓ કડકાઇભર્યું વલણ અપનાવતા હતા. તે જમાનામાં બગદાદ ઉપર અબ્બાસી હુકુમતની કોઇ ખાસ નજર ન હતી. તે સમયે સામર્રા અબ્બાસી હુકુમતનું પાટનગર હતું. મોઅતમદનું સાશન હતું. મોઅતમદને 12 રજબ, 256 હીજરીમાં ખલીફા બનાવવામાં આવ્યો. તેના અંતિમ સાશન સુધી સામર્રા જ પાટનગર રહ્યું. હીજરી 279માં પાટનગર બગદાદ ફેરવવામાં આવ્યું. તે સમય સુધી શીયાઓના કાર્યક્ષેત્રનું કેન્દ્ર બગદાદ હતું. ઉસ્માન બીન સઇદ ર.અ.ની આ હીજરતના કારણે જુદાજુદા શહેરોમાં વિખરાએલા શીયા, હકુતમની સખ્તાઇથી સુરક્ષિત રહી, સહેલાઇથી પહેલા નાએબની પાસે જવા લાગ્યા. આ રીતે આપનું કાર્યક્ષેત્ર મર્યાદિત ન રહેતા વિશાળ રીતે સંપર્કનો સિલસિલો શરૂ થઇ ગયો. જો આપ સામર્રામાં હતે અથવા તે જમાનો એટલે ગયબતની શરૂઆતમાં જો પાટનગર બગદાદ ફરી ગયું હતે તો વકીલો માટે વિશાળ તકો પૈદા ન થતે.
ઉસ્માન બીન સઇદ ર.અ.ની કાર્યપદ્ધતિ :-
આપે બગદાદમાં ઘણા મદદ કરનાર વકીલ રાખ્યા હતા. જેઓને ઇરાક અને બીજા દેશોના વકીલો સાથે સંપર્ક રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બગદાદમાં રહેતા તે વકીલોને બહારગામથી આવતા પ્રતિનિધીઓ મળતા હતા. પોતાની શરીઅયાની રકમો અથવા મસઅલા તેઓને આપતા હતા. આ વકીલો તે ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ.ને પહોંચાડતા હતા. ઉસ્માન બીન સઇદ ર.અ. તે ઇમામની ખીદમતમાં લઇ જતા હતા. હાજીઝ બીન યઝીદ વશ્શાઅ, અહમદ બીન ઇસ્હાક અશ્અરી, મોહમ્મદ બીન અહમદ બીન જઅફર કત્તાન અને અહમદ બીન ઇસ્હાક શરૂઆતમાં ઇમામ હસન અસ્કરી અ.ના વકીલ તરીકે કુમ (ઇરાન)માં હતા. પરંતુ ઇમામ અ.ની શહાદત પછી આપ ઉસ્માન બીન સઇદ ર.અ.ની મદદ માટજે બગદાદ ચાલ્યા આવ્યા.
મોહમ્મદ બીન અહમદ કત્તાન કપડાં વેચવાનું કામ કરવા લાગ્યા હતા. જેથી કોઇ શંકા ન કરે. કપડામાં પત્રો અને માલ વીંટાળીને બીજા પ્રતિનિધીઓ તેમની પાસે લઇ આવતા હતા. જેથી તે ઉસ્માન બીન સઇદ ર.અ.ને પહોંચાડી દે.
ઇતિહાસમાં આવા ઘણા પ્રસંગો મળે છે. જેનાથી આ ચાર નવાબોએ ઇમામ અ.ના રક્ષણ માટે એવી પદ્ધતિનો ઉપયોગ કર્યો જેના દ્વારા બધો માલ ઇમામ અ.ને પહોંચી જતો હતો. લોકોને હઝરત અ.ના રહેણાંકની જગ્યાની ખબર પડતી ન હતી.
ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ.ની વફાત :-
નયાબતની મુદ્દત અને આપની વફાતના બારામાં પાકી માહિતી નથી. અલબત્ત, તે વાત ચોક્કસ છે કે આપની અને આપના પુત્ર મોહમ્મદ બીન ઉસ્માનની નયાબતની મુદ્દત 45 વરસ છે.
જનાબ અલ્લામા બેહરૂલ ઓલુમ “તઅલીકુર્રેજાલમાં લખે છે કે સન 260 હીજરી પછી આપની વફાત થઇ અને એજ કિતાબમાં પાના 155 ઉપર લખે છે કે સન 280 હીજરીમાં વફાત થઇ.
નોંધ :-
અલી ગફ્ફાર ઝાદાએ પોતાની કિતાબમાં ઇતિહાસકારો અને ઇસ્લામના આલીમોના હવાલાથી જે તેહકીક કરી છે તેનો ટૂંક સાર આ મુજબ છે :-
ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ.ની વફાત સન 267 હીજરીની પહેલા થઇ. (યઝવહશી પીરામુન ઝીન્દાની નવાબે ખાસ ઇમામે ઝમાના અ. પાના 144)
ઉસ્માન બીન સઇદ ર.અ.ની કબર :-
આપની કબર બગદાદમાં પશ્ર્ચિમ તરફ મેદાનની અંદર દર બે હિલામાં મસ્જીદે ઝર્બમાં છે. (બેહારૂલ અન્વાર 51/347)
હાલમાં આ કબરની આજુબાજુમાં બજાર છે. અને નાની નાની ગલીઓમાં થઇને કબર સુધી પહોંચવું પડે છે. તે કારણે અમુક વખતે ઝવ્વારો ઉસ્માન બીન સઇદ ર.અ.ની ઝીયારત જતી કરે છે. ખરેખર તો આ મહાન નાએબ ર.અ.ની ઝીયારત બિલ્કુલ એવી છે કે જેવી રીતે તેમની જીંદગીમાં લોકો ઇમામે ઝમાના અલયહિસ્સલામના સંપર્ક માટે આવતા હતા.)
શોક સંદેશ :-
ઉસ્માન બીન સઇદ અમ્રવી ર.અ.ની વફાત પછી ઇમામે ઝમાના અલયહિસ્સલામે એક શોક સંદેશ લખ્યો:-
“ઇન્ના લિલ્લાહે વ ઇન્ના એલયહે રાજેઉન.” બેશક આપણે અલ્લાહના માટે છીએ અને શંકા વગર તેની તરફ પાછા ફરનારા છીએ. તેના હુકમની સામે રાજી અને સહમત થઇને માથું ઝુકાવીએ છીએ. તમારા પિતાએ પોતાની જીંદગી નેકી સાથે પસાર કરી. અને મૃત્યુ સુધી પ્રશંસાને પાત્ર રહ્યા. પછી અલ્લાહે તેમની ઉપર રહેમ ફરમાવે અને તેમને તેમના અવલીયા અને અઇમ્મા અલયહેમુસ્સલામની સાથે જોડી દે. તે સતત રીતે પોતાના ઇમામોના કામોમાં સંઘર્ષ, દોડધામ અને કોશીશ કરતા રહ્યા. ત્યાં સુધી કે તેમને અલ્લાહ અઝ્ઝ વ જલ્લ અને પવિત્ર ઇમામો અ.ની નજદીકી પ્રાપ્ત થઇ. અલ્લાહ તેમના ચહેરાને રૌનકવાળો અને હર્યોભર્યો રાખે. (બેહારૂલ અન્વાર 51/349)
ઇમામની યાદ – એક મહત્વની જવાબદારી
ઇમામે ઝમાના અલયહિસ્સલામની ગયબતના જમાનામાં આપણા શીયાઓની જે જવાબદારીઓ છે તેની એક લાંબી યાદી અને વિગતો “મીક્યાલુલ મકારમ ફી ફવાએદી દ્દોઆઅ લીલ કાએમ અલયહિસ્સલામના લેખકે સુંદર રીતે અને ખુબીપૂર્વક બે ભાગોમાં લખીને આપણને સોંપી દીધી છે. આ બધી જવાબદારીઓ ઉપર ધ્યાન આપવાથી એ વાત સ્પષ્ટ થઇ છે કે આ જવાબદારીઓને સુંદર રીતે અને ખૂબીપૂર્વક પૂરી કરવાથી આપણને જ લાભ થાય છે. પૂરી ન કરવાથી નુકસાન પણ આપણને જ છે. આ ઉપરાંત એક બીજી મહત્વની બાબત ફલિત થાય છે તે એ કે આપણે આપણા જમનાના ઇમામ સાથેની મોહબ્બતની અમલથી પ્રત્યક્ષ સાબિતી આપીએ. કારણ કે અમલ જ એક માત્ર ઝરીઓ છે જે ઇન્સાનના પુખ્ત અકીદાનો પાયો છે. તે ઉપરાંત આ જવાબદારીઓ પૂરી કરવાથી ઇન્સાનને જે લાભ મળે છે તેનો સંબંધ દુનિયા અને આખેરત બંનેથી છે. અલ મુન્તઝરના અગાઉના અંકોમાં અમુક જવાબદારીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આજે અમે એવી જવાબદારીઓની ચર્ચા કરી રહ્યા છીએ જે સહેલાઇથી પૂરી પણ કરી શકીએ છીએ અને તેના ઉપર દર્શાવેલા ફાયદાઓ પણ છે. જે બધાનો આ મર્યાદિત લેખમાં સમાવેશ કરવો શક્ય નથી. આ આપણી જવાબદારી છે “ઇમામે ઝમાન અ.ને પોતે યાદ કરવા અને બીજાને યાદ અપાવવા. આ મહાન જવાબદારી વ્યક્તિગત રીતે થઇ શકે છે અને સામૂહિક રીતે પણ.
આ જવાબદારી ઉપર અમલ કરવાનો સૌથી પહેલો તબક્કો એ છે કે આપણે અહલેબયત અલયહેમુસ્સલામની સાથે આપણી મોહબ્બત વધારીએ. આ માટે હદીસોની કિતાબોમાં રિવાયતોની સંખ્યા ઘણી વધારે છે. આપણે અહીં ત્રણ રિવાયતોથી સંતોષ લેશું.
(1) હઝરત ઇમામ જઅફર સાદિક અ.એ ફરમાવ્યું :- ઇન્ન ફવકન કુલ્લે એબાદતીન એબાદહ વ હુબ્બોના અહલલબયતે અફઝલો એબાદતીન. (બેહાર 27/91 હદીસ 148)
“બેશક ઇબાદતોમાં દરેક ઇબાદતથી વધુ ઉંચી એક ઇબાદત છે અને અમે અહલેબયત સાથે મોહબ્બત રાખવી તે સૌથી શ્રેષ્ઠ ઇબાદત છે.
અલ્લાહનો શુક્ર છે કે તેણે આપણને એવા કુટુંબમાં પૈદા કર્યા જ્યાં અઇમ્મએ મઅસુમીનની મોહબ્બત આપણી માતાઓએ ગળથુંથીમાં પીવરાવી છે. એટલું જ નહીં બલ્કે સંપૂર્ણ ઇમાન અને કયામતમાં ખુશનસીબનું પ્રમાણ ઇમામે ઝમાના અલયહિસ્સલામની મોહબ્બત નક્કી કરવામાં આવ્યું છે. તેથી રસુલે ખુદા સ.અ.વ.વ. ઇરશાદ ફરમાવે છે :-
“કદ કમોલ ઇમાનોહુ વ હસોન ઇસ્લામોહુ ફલ યતવલ્લલ હુજ્જત સાહેબઝ્ઝમનીલ મુન્તઝર…. મન અહબ્બહુમ વ તવલ્લાહુમ કુન્તો ઝામેનન લહુ અલલ્લાહે તઆલા બીલ જન્નતે” (બેહાર 36/296)
(અને જે ચાહે છે કે) તેનું ઇમાન પરીપૂર્ણ થાય અને (દીન) ઇસ્લામ તેનો શ્રેષ્ઠ દીન બને, તેને જરૂરી છે કે તે ઇમામે ઝમાના સાથે મોહબ્બત કરે. જે કોઇએ પણ તે લોકો સાથે મોહબ્બત કરી અને તેની વિલાયત સ્વિકારી (તેના માટે) હું અલ્લાહ તબારક વ તઆલા પાસે તેની જન્નતની જામીનગીરી લઉં છું.
સુજ્ઞ વાંચકો ! જુઓ આ મોહબ્બતની એક રીત મઅસુમોની ચર્ચા કરવાની છે. આ ચર્ચાથી સૌથી મોટો લાભ એ છે કે આપણે શયતાનના હમલાઓથી સુરક્ષિત રહેશું. એક બુઝુર્ગ આલીમ પોતાના શાગીર્દોને કહ્યા કરતા હતા કે શયતાન આપણાથી વધુ હોંશિયાર છે. તેણે અલ્લાહ સાથે વાયદો કર્યો છે કે હું આદમની અવલાદને બહેકાવીશ. તેથી તે જાતજાતના પેંતરાઓ રચી આપણી સામે ઉપયોગ કરે છે. આ હુલમાઓથી બચવા માટે સૌથી વધુ સહેલી અને સફળ રીત એ છે કે આપણી અને શયતાનની વચ્ચે અઇમ્મએ મઅસુમીન અ.ની ચર્ચાનો પરદો પાડી દઇએ. દીનના આલીમોના આ કથનને અઇમ્મએ મઅસુમીન અ.ની હદીસોનો ટેકો પણ મળે છે. એટલું જ નહીં, શયતાન પોતાની શયતાનીય્યતથી દૂર રહે છે, બલ્કે મલાએકાઓ ચર્ચા કરનારાઓની સાથે રહે છે. હ. ઇમામ જઅફર સાદિક અ. પોતાના મશહુર સહાબી દાઉદ બીન સરહાનને ઇરશાદ ફરમાવે છે :-
(3) “એ દાઉદ ! મારા દોસ્તોને મારા સલામ કહો અને મારો આ સંદેશો તેઓને કહી દો કે અલ્લાહનો રહેમ થાય તે લોકો ઉપર જે આપસમાં ભેગા થાય છે અને અમારી હદીસોને દોહરાવે છે. બેશક તેમાં ત્રીજો એક મલાએકા પણ હોય છે. જે આ બંને માટે ઇસ્તિગ્ફાર કરે છે અને કોઇ બે માણસો ભેગા થઇને અમારી ચર્ચા નથી કરતા, પરંતુ એ કે ખુદાવંદે આલમ તેઓના ઉપર મલાએકાઓની વચ્ચે ગર્વ અને પ્રશંશા કરે છે. પછી (હું તમને હુકમ આપું છું કે) જ્યારે તમે ભેગા થાવ ત્યારે અમારી ચર્ચામાં મશ્ગુલ થતા રહો. કારણ કે આ બેઠક અને આવી ચર્ચા અમને (અમારા હુકમને) જીવંત કરી દે છે. અને અમારા પછી સૌથી શ્રેષ્ઠ તે લોકો હશે જે અમારી હદીસોની ચર્ચા કરતા હશે અને લોકોને તેની દઅવત આપતા હશે.” (બેહાર 1/200)
સુજ્ઞ વાંચકો ! વિચાર કરો કે આ ટૂંકી એવી હદીસમાં ઇમામે કેટલી બારીકીઓ દેખાડી છે :-
(1) જ્યારે પણ બે વ્યક્તિઓ આપસમાં અઇમ્મએ મઅસુમીન અ.ની હદીસોને દોહરાવે છે ત્યારે તેમાં ત્રીજી વ્યક્તિ ફરિશ્તો હોય છે શયતાન નહિ.
2. તે ફરિશ્તો તે લોકો માટે ગુનાહોની બક્ષીશની દોઆ કરે છે. શક્ય છે કે આપણી તૌબા અને ઇસ્તિગ્ફાર ખુદાની બારગાહમાં રદ કરી દેવામાં આવે. પરંતુ ફરિશ્તાની દોઆ રદ નથી થતી.
ઇમામ મઅસુમ અ. એવા લોકો ઉપર અલ્લાહની રહેમત થવાની દોઆ કરી રહ્યા છે. મઅસુમ ઇમામોની દોઆ ઉપર જ્યારે નસારાઓ (ખ્રિસ્તીઓ)ને સંપૂર્ણ ભરોસો હોય શકે છે તો આપણી શ્રધ્ધા કેમ ન હોય.
4. ઇમામ જઅફર સાદિક અલયહિસ્સાલમનો હુકમ છે કે સૌ ભેગા થઇને તમે મારી હદીસની નકલ કર્યા કરો.
5. હદીસોની નકલ કરવાથી અઇમ્મએ મઅસુમીન અ.ની યાદ તાજી થાય છે.
6. આ ચર્ચા અને મજલીસ ઉપર અલ્લાહ તબારક વ તઆલા ગર્વ અને વખાણ કરે છે.
7. આવા લોકોની ગણતરી શ્રેષ્ઠ લોકોમાં કરવામાં આવશે. (કદાચ આ બધા લાભોને ધ્યાનમાં લઇને એક અરબ શાએર, જે ઇમામે ઝમના અ.નો મોહીબ હતો, તેણે એક શેર કહ્યો હતો. અલ્લાહો યઅલમો ઇન્ની લસ્તો અઝકોરો કુમ – ફકયફ અઝકોરો કુમ ઇઝ લય્સો અન્સાકુમ (મીક્યાલુ મકારેમ ફી ફવાએદદ્દોઓ લીલ કાએમે અ. મોહમ્મદ તકી ભાગ -2 પાના 308)
“અલ્લાહ સારી રીતે જાણે છે કે હું આપને યાદ નથી કરતો. હું આપને કેવી રીતે યાદ કં જ્યારે હું આપને ક્યારે પણ ભૂલતો જ નથી.
અલ્લાહની કસમ ! શાએરનો આ શેર હઝરત ઇમામ મુસા કાઝીમ અ.ની હદીસનું જીવંત ઉદાહરણ છે. જે આપે એક સવાલ ‘શું બારમાં ઇમામ ગાએબ હશે’ના જવાબમાં ફરમાવ્યું હતું :
નઅમ યગીબો અન અબ્સારન્નાસે શખ્સોહો વલા યગીબો અન કોલુબીલ મોઅમેનીન ઝીક્રોહ વહોવ અસ્સાની અશ્ર મીન્ના (કમાલુદ્દીન વ ઇત્મા મુન્નેઅમત શયખ સદુક અ.ર. પ્ર. 34, હદીસ 6)
“હા, તેનું શરીર તો લોકોની આંખોથી છુપાયેલું હશે. પરંતુ તેની ચર્ચા લોકોના દિલોમાંથી ગાયબ ન હશે. અને તે અમારામાંથી બારમા હશે.”
આપણે કુરબાન થઇ જઇએ તે બાબુલ હવાએજ ઉપર કે જેણે મોટા ભાગની જીંદગી કેદખાનામાં ખુદાની ઇબાદતમાં પસાર કરી. આપણને છેલ્લા ઇમામની યાદમાં હંમેશા મશગુલ રહેવાની તાકીદ કરી. એટલું જ નહિ, આપના બુઝુર્ગ પિતા હઝરત ઇમામ જઅફર સાદિક અ.ની પાસે એક વૃદ્ધ માણસ આવ્યો. ઇમામને સલામ કરીને મુસાફેહા કરીને રડવા લાગ્યો. જ્યારે તે ચુપ થયો ત્યારે ઇમામે રડવાનંન કારણ પુછ્યું, અરજ કરી : “મવલા, કરબલાના બનાવ પછી હું દરરોજ એક વાતની ઇચ્છા ધરાવું છે કે કદાચ આજે નહિ તો કાલે આ અઠવાડિયે નહિ તો આવતે અઠવાડિયે, આ મહિને નહિ તો આવતા મહિને, આ વરસે નહિ તો આવતા વરસે ઇમામ હુસયન અ.ના કુટુંબમાંથી કોઇ સામે આવીને ઇમામે મઝલુમના ખુનનો બદલો લેશે. પરંતુ મને આપનામાં આવી કોઇ નિશાની મળતી નથી. રિવાયતના શબ્દો છે કે હવે ઇમામ સાદિક અ.એ રડવાનું શરૂ કર્યું અને આ વૃધ્ધ માણસથી એવુ રૂદન કર્યું અને ફરમાવ્યું : “એ શખ્સ, તે હું નથી બલ્કે અમારામાંથી છેલ્લી હુજ્જત ઇબ્ને હસન અલ-અસ્કરી હશે. પરંતુ તારા દિલમાં તેની મોહબ્બત છે અને આ તમન્ના છે તેથી તેમના ઝહુરની પહેલા જો તું આ દુનિયામાંથી ચાલ્યો પણ જઇશ તો તે આવીને તને કબરમાંથી જીવતો કરી દેશે. (મુન્તહુલ આમાલ-શયખ અબ્બાસ કુમ્મી)
ઇમામે મઝલુમના મોહિબ્બો, ઇમામ હુસયન અ.ના સોગવારો, દુખ્તરે રસુલ અને માદરે હુસયનની તમન્નાઓ! શું એ શક્ય છે કે આપણે આપણા દિલો અને આપણી મજલીસોમાં હુસયન અ.ના વારસદારના ઝીક્રમાં મશગુલ ન રહીએ. યાદ રાખો ! જો આપણે ખરેખર ઇમામ હુસયન અ.ની સાથે મોહબ્બત ધરાવીએ છીએ તો આપણે તેનો બદલો લેનારને એવીજ રીતે યાદ કરવા પડશે જે રીતે તે વૃધ્ધ શખ્સ યાદ કરી રહ્યો હતો. અલ્લાહની બારગાહમાં કકળીને આપના ઝહુરમાં જલ્દી કરવા માટે દોઆ કરવી પડશે. આપ પોતેજ નક્કી કરો, આપણા જમાનાના ઇમામ જેની નજરની સામે કરબલાની દરેક ઘટના છે એટલે કે સમગ્ર દ્રષ્ય આપની નજરની સામે છે. માત્ર કરબલાનો બનાવ જ નહિ બલ્કે તે તમામ ઝુલ્મો પણ આપની નજરનીસામે છે. જે જનાબે ઝહેરા સલામુલ્લાહે અલયહા ઉપર કરવામાં આવ્યા હતા. તે બધા દુ:ખોની પછી પણ પોતાના ચાહનારાઓને કહે છે, “વલા નાસીન લેઝીક્રેકુમ” – અમે તમને ભુલતા નથી. આ રીતે મોહબ્બતની માગણી શું એ છે કે આપણે માત્ર 15 શઅબાનના પ્રસંગે આપણા ઇમામને ટૂંકાણમાં યાદ કરીએ?
ભરોસાપાત્ર રિવાયતોથી આપણે જાણીએ છીએ કે આપણા આમાલ આપની સમક્ષ અઠવાડિયામાં બે દિવસ રજૂ કરવામાં આવે છે. આપણા સૌના ખરાબ આમાલ જોઇને આપ કકળીને ખુદાની બારગહામાં દોઆ કરે છે : “માલિક! તેઓના દિલમાં મારા પૂર્વજોની મોહબ્બત ભરેલી છે. તેઓના ગુનાહોને બક્ષી દે.” આ બધા કારણોને લીધે, એક શીયા જેને આપની મુલાકાતનું સન્માન પ્રાપ્ત થયું છે તે કહે છે : “મેં ઇમામ અ.ની આંખોની નીચે લીલા ચાઠા જોયા. કારણ પુછ્યું તો ફરમાવ્યું : “મારા શીયાઓને કહી દેજો કે રડવા માટે મારા બુઝુર્ગ દાદાનો ગમ ઓછો નથી કે હું તેઓના આમાલ જોઇને રડ્યા કરૂં.
સુજ્ઞ વાંચકો ! આવો, આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ કે આપણે નીચે દર્શાવેલ રીતોથી આપણા ઇમામને યાદ કરશું અને તે થકી શયતાનના હમલાથી દૂર રહેશું. પછી તે લોકોમાં ભળી જશું, જેઓના માટે મલાએકા ઇસ્તિગફાર કરે છે અને તેથી અલ્લાહના ગર્વ અને પ્રશંસાને પાત્ર બનશે. ખુદાવંદે મોતઅલની રહેમત હેઠળ રહેશે. ઇમામ હુસયન અ.ના સાચા ચાહનારાઓમાં ગણાશે. અને આપણા ઇમામ અ.ની નારાજગી અને દુ:ખનું કારણ ન બનશે.
(1) દરરોજ સુબ્હની નમાઝ પછી દોઆએ અહદની તિલાવત કરવી. જેના બારામાં ઇમામ સાદિક અલયહિસ્સલામની હદીસ છે કે જો કોઇ માણસ ચાલીસ દિવસ સુધી આ દોઆની તિલાવત કરે તો ઇન્શાઅલ્લાહ જ્યારે ઇમામ અ.નો ઝહુર થશે ત્યારે તેની ગણતરી ઇમામ અ.ના સાથીદાર અને અન્સારમાં થશે. જો તે ઝહુર પહેલા મૃત્યુ પામશે તો ઇમામ અ. તેને કબરમાંથી ઉઠાડશે. આ વાક્યોનું સતત રટણ કરીને ઇમામ અ.ની યાદને તાજી કરે.
“ઇન્નહમ યરવનહ બઇદન વ નરાહો કરીબન”
“તે (દુશ્મન) આપનો ઝહુર દૂર માને છે જ્યારે અમે આપના ઝહુરને નજદીક માનીએ છીએ. અલ્લાહમ્મ ઇન હાલ બયની બયનહલ મવ્તુલ્લઝી જઅલ્તહ અલા એબાદેક હત્મન મક્ઝીયન ફ અખ્રીજ અખ્રીજની મીન કબ્રી મોઅતઝેરન કફની શાહેરન સય્ફી મોજફેદન કનાતી મોલબ્બેયન દઅવતદ્દાઇ ફીલ હાઝેરે વલ્બાદી.”
“એ ખુદા ! જો મારા અને તેમના વચ્ચે મોત આડું આવી જાય જે તે તારા બંદાઓ માટે અનિવાર્ય અને ચોક્કસ રીતે નક્કી કરેલું છે, તો તું મને કબરમાંથી એવી રીતે બહાર કાઢ કે મેં મારા કફનને ઓઢેલું હોય અને તલ્વારને મ્યાનમાંથી બહાર ખેંચેલી હોય અને ભાલાને ઉપાડેલો હોય અને પોકારનારના અવાજને હાજર છું તેમ કહેતો હોઉં, શહેર કે દરિયાના કોઇ પણ સ્થળ ઉપર.”
આ દોઆ મફાતીહલ જીનાન ઉર્દુ તરજુમો નાસીર હયદરી કુતુબખાનાના પાના 542 ઉપર, તન્ઝીમુલ પ્રકાશન મકાતીબના પાના 1988 અને બેહારૂલ અન્વાર ભા. 102 પાના 112 ઉપર નક્લ કરવામાં આવી છે.
(2) દર જુમ્આના સુબ્હની નમાઝ પછી પોતાના ઘર અને મોહલ્લામાં દોઆએ નુદબાનું આયોજન કરે. નુદબાનો અર્થ થાય છે રડવું. આકૃંદ કરવું. પ્રેમભર્યા અવાજથી ઇમામ હુસયન અ.નો મોહિબ આર્દવતા ભર્યા અવાજથી સવાલ કરે છે :
“અયનત્તાલેબો બે દમીલ મકતુલે બે કરલબા ક્યાં છે તે જે કરબલાના શહીદોના ખુનનો બદલો લેશે.
“લયત શેઅરી અયનસ તકર્રત બેકન્નવા”
-એ અફસોસ ! મને ખબર હતે કે આપનું સ્થાન અને દૂરનું કેન્દ્ર ક્યાં છે?
“બે નફ્સી અન્ત ઉમ્નીય્યતો શાએકીન વ તમન્ના મીન મોઅમેનીન વ મુઅમેનતીન ઝકરા ફ હન્ના -મારી જાન કુરબાન, આપ દરેક ચાહનારની આશા છો. તે મોમીન પુરૂષ અથવા સ્ત્રી જેણે આપને યાદ કર્યા અને આપની સાથે મોહબ્બત દર્શાવી.
આ મહાન દોઆ મફાતીહલ જીનાન ઉર્દુ તરજુમો નાસીર હયદરી કુતુબખાનાના પાના 536 પ્રકાશન તન્ઝીમુલ મકાતીબના પાના 974 ઉપર નકલ કરી છે.
(3) જુમ્આના દિવસે એવી મજલીસોનો બંદોબસ્ત કરે જેમાં ઇમામે ઝમાના અલયહિસ્સલામની ચર્ચા થાય. આપણા બાળકો અને મોઅમીનોના દિલને તેમની ચર્ચા થકી જીવંત કરે. હદીસમાં છે કે ઇમામ અ.ની ચર્ચાથી દિલ જીવંત બને છે. ગુનાહો બખ્શાઇ જાય છે. જે દિવસે બધા દિલ મુર્દા થઇ જશે તે દિવસે પણ તેનું દિલ જીવંત રહેશે.
(4) ઇમામ અ.ના મુલાકાતના પ્રસંગો વાંચીને લોકોને માટે નકલ કરે. જેનાથી દીદારનો શોખ જાગૃત થાય. આવાજ કોઇ આશિકે ખુબ સુંદર રીતે કહ્યું છે :-
માશુક તું દારીમ સફર મુમ્મકીન નીસ્ત
ગર મા નુરસીદીમ તુ બારે બરસી
અમે આપના દીદારનો શોખ ધરાવીએ છીએ
પરંતુ સફર શક્ય નથી. જો અમે પહોંચી ન શકીએ તો પછી આપજ આવી જાવ.
(5) જે રીતે સુરા આલે ઇમરાનની છેલ્લી આયતમાં હુકમ આપવામાં આવ્યો છે : “વ રાબેતુ” સંપર્ક જાળવી રાખો. ઇમામ સાદિક અલયહિસ્સલામ ફરમાવે છે : ‘વ રાબેતુ ઇમામોકુમુલ મુન્તઝર.’ અને તમારા ઇમામ જેનો ઇન્તેઝાર કરી રહ્યા છો તેમની સાથે સંપર્ક સ્થાપિત કરો. દિવસ અને રાત જ્યારે પણ સમય મળે ત્યારે પોતાના ઇમામ સાથે સંપર્ક સાધો.
અહીં સંપર્કનો અર્થ (મોટી ગયબતમાં) ઇમામ અ.ને સતત યાદ કરતા રહેવાનો છે. આપ અ.ની સમક્ષ સિફારીશ કરવી છે. પોતાના પ્રશ્ર્નોનો ઉકેલ માત્ર આપની પાસેથી જ મેળવવાનો છે.
(6) શયખ અબુ અમરૂએ ઇમામ અ.ની ગયબતની દોઆ નકલ કરી છે. તેની તિલાવત દર જુમ્આના દિવસે કરે. શયખ અબ્બાસ કુમ્મી મુન્તહીલ આમાલમાં નક્લ કરે છે કે જો જુમ્આના દિવસે કોઇ મુસ્તહબ અમલ ન કરે તો પણ આ દોઆને છોડી ન દે. જેમાં ઇમામ ઉપર સંપુર્ણ શ્રદ્ધા રાખવાની દોઆ કરવામાં આવી છે.
આ દોઆ મફાતીહલ જીનાન ઉર્દુ તરજુમાના પાના 588 ઉપર નકલ કરવામાં આવી છે.
(7) દરેક કામ કરતા પહેલા એ વિચારી લે કે ઇમામ તેનાથી ખુશી થશે કે નહીં.
બારગાહે ખુદાવંદે કુદ્દસમાં દોઆ છે કે માલિક બે હક્કે ઝહેરા સલામુલ્લાહે અલયહા અમારા દિલોને ઇમામની મોહબ્બતથી ભરપુર કરી દે અને આપણને હંમેશા હંમેશા ઇમામની યાદ ખુદને પણ કરવાની તવફીક આપે અને બીજાને પણ તે યાદથી લાભ આપવાની તૌફીક ફરમાવ.
(8) અય્યામે અઝામાં જ્યારે પણ શોહદાએ કરલબા અને કરલબાના કેદીઓ ઉપર રૂદન અને આહો-ઝારી કરીએ તો ખુને હુસયનનો બદલો લેનારને ન માત્ર પુરસો આપીએ બલ્કે તેમના ઝહુરમાં જલ્દી કરવા માટે દોઆ પણ કરીએ.
(9) 15 શઅબાનના ઇમામ અ.ની વિલાદતના જશનને એવી ધામધુમથી ઉજવીએ કે લોકો પુછે કે છેવટે શું છે? તેમાં શેરો શાયરી સિવાયના કાર્યક્રમો પણ ગોઠવીએ. જેથી લોકોને ઇમામ અ.ની વધુને વધુ મઅરેફત મળે અને લોકો ખુશ થાય.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.