લાંબુ આયુષ્ય………… કુરઆનની દ્રષ્ટિએ

Print Friendly, PDF & Email

હઝરતે હુજ્જત (અ.સ.)ની જ્યારે પણ કોઇ વાતો થાય છે ત્યારે અમૂક જણાના દિલમાં એક આતુરતા – ચિંતા થાય છે, ‘શું એ શક્ય છે કે એક માણસ બારસો વર્ષ સુધી જીવંત રહી શકે?’ ‘આટલાં વર્ષો સુધી જીવતા રહેવું સામાન્ય રીતે અશક્ય છે!’
આવા લોકોના વિચારો એ છે કે દુનિયામાં ફક્ત એ જ બનાવો વિશે બોલવું જોઇએ જે આજ સુધી બનતા આવ્યા છે અનેજે શક્ય છે કોઇ પણ બનાવ આજ સુધીના સામાન્ય બનાવોથી પર હોય અથવા આજ સુધી એ બનાવ બન્યો ન હોય, તો એ કબુલ કરવા યોગ્ય નથી! અગર પૂર્વગ્રહ વગર, હકીકત અને ઇન્સાફની નજરથી જોવામાં આવે તો દુનિયામાં દરરોજએવા બનાવો બનતા રહે છે જે આજ સુધી અસ્તીત્વમાં ન્હોતા આવ્યા. સાયન્સની દરરોજની શોધો એવી એવી હકીકતો સામે લાવે છે. જેને પહેલે કોઇ માનવા તૈયાર નહોતા. શું માનવજાતનું ચંદ્રમા પર જવું, આજે એક હકીકત નથી થઇ ગઇ? અવકાશમાં હવામાન જાણવા માટે સ્ટેશન બનાવ્યા એ અસંભવ હોવા છતાં આજે હકીકત નથી? શું આપણે એમ કહીને ટાળી શકીએ કે ‘આજ સુધી એ બન્યું જ નથી?’ કાલ સુધી એ બન્યું ન્હોતું કારણ કે માનવજાતનું જ્ઞાન સિમીત હતું આજે જ્ઞાનમાં વધારો થયો છે — પ્રગતિ થઇ છે એટલે કાલની અશક્યતાઓ આજે શક્ય થઇ છે. આવતી કાલે, આજની અશક્યતાઓ પણ શક્ય થઇ જશે.
હઝરતે હુજ્જત (અ.સ.)ની લાંબી ઉમ્ર પર શંકા કરવી એ સિમીત અને અધુરા જ્ઞાનની પ્રતિતી છે. ખાસ કરીને એ સમયે બહુ જ અચંબો લાગે છે, જ્યારે કુરઆન પર ભરોસો રાખનાર આવી પાયા વગરની વાતો કરે છે! શું કુરઆને કરીમે કોઇ જગ્યાએ ઇન્સાનની ઉમ્રની કોઇ મુદ્દત બાંધી છે? આ સવાલની સામે કુરઆને હકીમ કોઇ જગ્યાએ ખુલાસાથી સાફ – સાફ શબ્દોમાં, કોઇ ઠેકાણે ઇશારો કરીને, લાંબીની ઉમ્ર વાત કરી છે.
શક્ય છે
‘સુરએ – સાફાત’ માં જનાબે યુનુસ (અ.સ.) નો કિસ્સો બયાન કરતા કહેવામાં આવ્યું છે. ‘ફ – લવ – લા – ઇન્નહ – કાના – મુસબેહીન – લ – લબેસા – ફી બતનેહી – એલા યવ્મે અ યુબઅસુન’ (આયત 143-144)
‘અગર જનાબે યુનુસ (અ.સ.) ખુદાની તસ્બીહ કરવાવાળા ન હોતે, તો કયામત સુધી માછલીના પેટમાં રહેતે’ તફસીરે કશશાફમાં છે કે ‘કયામત સુધી માછલીના પેટમાં જીવતા રહેતે.’ (જી. 4 – પાનું 62) આથી એક વાત ચોખ્ખી થાય છે કે લાંબા સમય સુધી જીવતા રહેવું શક્ય છે – અસંભવ નથી.
હકીકત છે
લાંબી જીંદગીના બારામાં ફક્ત શક્યતા સુધી જ વાત નથી રહેતી, બલ્કે કુરઆનમાં એવા લોકોના કિસ્સા બયાન થાય છે, જેઓની વય, સામાન્ય કરતા ઘણી જ લાંબી હતી અને એમાંના કેટલાક તો આજે પણ હયાત છે.
જનાબે નૂહ (અ.સ.)
જનાબે નૂહ (અ.સ.) ના બારામાં કુરઆને આવી રીતે બયાન કર્યું છે, ‘ખચીતજ , અમે નૂહને એમની કોમ તરફ મોકલ્યા, એમણે 950 વર્ષ સુધી પોતાની કોમની રહેબરી કરી (અને હિદાયત કર્યા કરી) (‘અનકબુત’ – 15) આ 950 વર્ષ જનાબે નૂહ (અ.સ.) ની પુરી ઉમ્ર નથી, બલ્કે આ વર્ષો તો એમના ખાલી તબ્લીગના હતાં. આમાં એમની ‘બે’સત’થી પહેલાં અને ‘તૂફાન’ની પછીના સમયનું વર્ણન નથી. ‘કશશાફે’ અને ‘ઇબ્ને કસીરે’ પોતાની તફસીરોમાં જનાબે નૂહ (અ.સ.) ની વય 1050 વર્ષ લખી છે.’ (તફસીર – ‘ઇબ્ને કસીર’ જીલ્દ 3, પાનું 407- ‘કશશાફ’ જીલ્દ 3, પાનું 445) જનાબે શેખ સદ્દુક (અ.ર.) 2000 થી વધારે વષૃની ઉમ્ર લખી છે રિવાયતોમાં છે કે હઝરત હુજ્જત (અ.સ.)માં હ. નૂહ (અ.સ.) નું મળતાવળાપણું છે અને એ ‘તૂલે ઉમ્ર’ (લાંબુ આયુષ્ય) છે.
જનાબે ખીઝ્ર (અ.સ.) અને જનાબે ઇસા (અ.સ.)
આ તો વાત થઇ જ. નૂહ (અ.સ.) ની જેમને ખુદાએ લાંબુ આયુષ્ય આપ્યું અને એ પછી એ એ આ દુનિયામાં ન રહ્યા. કુરઆને જનાબે ખીઝ્ર અને હ. ઇસા (અ.સ.) નું પણ વર્ણન કર્યું છે જેઓ હજી સુધી જીવતા છે. જનાબે ખીઝ્ર તો જનાબે મૂસા (અ.સ.) ના જમાનાથી જીવતા છે. ‘(ઇબ્ને કસીર’ જી. 3 પાના. 99 – સુરએ ‘કહફ’અને સુરએ ‘મરયમ’ની આયતો જુઓ.)
હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે : ખુદાવંદે આલમે જનાબે ખીઝ્ર (અ.સ.) ને લાંબી ઉમ્ર એટલા માટે નથી આપી કે આપ નબી હતા અથવા કોઇ કિતાબ આપ પર નાઝીલ થઇ હતી, કે કોઇ શરીઅત આપવામાં આવી હતી. જેથી અગાઉની શરીઅતને રદ કરવાનો આશય હોય. એમને કોઇના ઇમામ પણ નહોતા બનાવ્યા, જેથી લોકો પર એમની ઇતાઅત (આજ્ઞાનું પાલન) વાજીબ હોય પણ ખુદાવંદે આલમના ઇલ્મમાં હઝરતે કાએમ (અ.જ.) અને એમની લાંબી ઉમ્ર હતી અને એ પણ ખબર હતી કે લોકો લાંબી ઉમ્રના કારણે, હઝરતનો ઇન્કાર કરશે એટલે ખુદાએ પોતાના એક નેક બંદા, જનાબે ખીઝ્રને લાંબી ઉમ્રઅતા કરી, જેથી હઝરતે હુજ્જત (અ.સ.) ની ઉમ્ર પર એક મજબૂત દલીલ સાબિત થાય. મુખાલેફીન (વિરોધીઓ) અને પૂર્વગ્રહ રાખનારાઓની પાસે કોઇ દલીલ ન રહે. (‘કમાલુદ્દીન’ પાનુ 307, ‘મુન્તખબુલ અસ્ર’291)
કિસ્સો – જનાબે ઓઝૈર (અ.સ.)નો
અહિં સુધી વાત એ હતી કે ઇન્સાન કેટલો દિવસો સુધી હયાત રહી શકે છે. કુરઆને કરીમ ફક્ત અહીં પર જ વાત પુરી નથી કરી. બલ્કે વાત આગળ ચલાવતા ત્યાં સુધી પહોંચી કે અગર ખુદા ચાહે તો ઇન્સાનતો શું, પણ એક ફળ પણ મુદ્દતો સુધી તાજુ રહી શકે છે.
જનાબે ઓઝૈરે ખાવાની વસ્તુઓ (અંજીર, દ્રાક્ષ, પાણી) પોતાની સાથે લઇ ખચ્ચર પર સવાર થયા, એક એવા ગામમાંથી નીકળ્યા જે બહુ જ ખરાબ રીતે તબાહ અ બરબાદ થઇ ગયું હતું. ત્યાંના બધા જ રહેવાસીઓ મરી ગયા હતા. આ દ્રશ્ય જોઇને એમણે પોતાની જાતને સવાલ કર્યો : ‘ખુદા આ મુરદાઓને કેમ પાછા જીવતા કરશે? કોણ એમને નવી જીંદગી આપશે? ખુદાવન્દે આલમે પોતાની કુદરત થકી એમને (ઓઝૈરને) મોતની ગાઢ નિદ્રામાં સુવડાવી દીધા. જનાબે ઓઝૈર પોતાની ખચ્ચર સાથે 100 વર્ષ સુધી ત્યાં જ મડદુ બની પડ્યા રહ્યા. 100 વર્ષ પછી ખુદાવન્દે આલમે એમને ફરીવાર જીવતા કર્યા. ખુદાએ એમને પૂછ્યું : તમે અહીં કેટલા દિવસથી છો? એમણે કહ્યું : એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછું.ખુદાએ કહ્યું : તમે અહિંયા 100 વર્ષથી છો…. તમે જરા તમારા ખાવા – પીવાની ચીજો તરફ જુઓ. હજી સુધી ખરાબ નથી થઇ અને જેમની તેમ તાજી છે. એક નજર તમારા ખચ્ચર પર નાખો. એનું એક હાડકું જુદું પડી ગયું છે. –જુઓ અમે કેવી રીતે હાડકાંઓને ગોઠવીને એની ઉપર માંસ ચડાવીએ છીએ (ઓઝૈરે) જ્યારે બધું જ પોતાની આંખોથી જોઇ લીધું, તો કહેવા લાગ્યા : હું જાણું છું ખુદાવન્દે આલમ દરેક વસ્તુ ઉપર પ્રભુત્વ ધરાવે છે’ (સુરએ બકરહ : 208) આ આયતનું વિવેચન, તફસીરની કિતાબોમાં જોઇ શકાય છે.
ખરાબ ન થવું – ફૂલનું
આ કિસ્સામાં જે વાત ધ્યાન આપવા યોગ્ય છે, એ, એ છે કે ખુલ્લા આકાશની નીચે, ધૂળમાં, સૂર્યની સખ્ત ગરમીમાં જ્યાં જનાવરને એક હાડકાનો ઢગલો કરી નાખ્યો – ત્યાં અંજીર અને દ્રાક્ષ જે જલદી ખરાબ થઇ જવાવાળી વસ્તુઓ છે, એના પર કોઇ અસર ન થઇ. જ્યારે સામાન્ય રીતે આ વસ્તુઓ, તદ્દન ખરાબ થઇ ખલાસ થઇ ગઇ હોવી જોઇએ, આ વસ્તુઓ 100 વર્ષ પછી પણ બિલકુલ તાજી રહી અને જરા પણ ખરાબ ન થઇ, ન એના સ્વાદ કે રંગમાં ફરક પડ્યો.
ગુલે — નરજીસ
કુરઆને કરીમ અને ભરોસો રાખવાવાળાઓ માટે એક વાત બિલકુલ સ્પષ્ટ અને ચોખ્ખી થઇ જાય છે કે એ ખુદા જે જનાબે નૂહ (અ.સ.) ને બે હજાર વર્ષ સુધી અને જનાબે ખીઝ્ર અને જનાબે ઇસા (અ.સ.) ને અત્યાર સુધી જીવંત રાખ શકે, એ ખુદા શું પોતાની છેલ્લી દલીલ, આખરી હુજ્જતને એક લાંબી ઉમ્ર ન આપી શકે? જ્યારે મામુલી ફળ તાજા રહી શકે છે, તો ગુલે – નરજીસ, (જનાબે નરજીસ ખાતુનના ફરઝંદ) જનાબે હઝરતે હુજ્જત ઇબ્નીલ હસન અલ – અસ્કરી, મહદી આખરૂઝઝમાન અલયહીસ્સલામ પણ મુદ્દતો સુધી જીવતા રહી શકે છે અને જવાન પણ.
હઝરતની લાંબી ઉમ્ર અને જવાની કુદરતે ખુદાની નિશાની છે. ખચિત જ, આ વાત એ લોકોની સમજમાં નહી આવે, જે ખુદાને મજબૂર અને પોતાને સર્વ વસ્તુઓ પર કાબુ રાખનારા સરમુખત્યાર સમજે છે.
ખુદાના ફઝલથી હસને અસ્કરીના લાલ, આજે પણ જીવતા છે અને જ્યારે ઝહુર – પ્રકટ થશે ત્યારે એમનો બેહિષ્કાર કરવાવાળા, એમને ન માનવાવાળાઓને પોતાને જ પોતાની હકીકત ખબર પડી જશે.
ઇમામ મહદી (અ.સ.) વિષે એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.) નું પ્રસિદ્ધ થનાર પ્રકાશન
‘આશાને અજવાળે’
ની રાહ જુઓ
આપના નામ અને સરનામાં અમને મોકલી આપો.
એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)
પો. બોક્સ નંબર 5006
મુંબઇ – 400 009

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *