મહદી વિશેનો અકીદો શું માત્ર શીઓઓનો અકીદો છે?

Print Friendly, PDF & Email

તમામ મુસલમાનો આ બાબત પર સંમત છે કે આખરી ઝમાનામાં હ. ફાતેમા (સ.અ.)ના વંશમાંથી હ. ઇમામ હુસૈન (અ.સ.) ની ઔલાદમાં એક શખ્સ ઝાહેર થશે, જે ઝુલ્મ – સિતમથી દુનિયાને મુક્ત પાક કરી દેશે…..
દરેક મુસલમાન પોતાની દીની ફર્ઝ માને છે કે જે કોઇ વાત નબી સાહેબ (સ.અ.વ.) ફરમાવી હોય તે પર ઇમાન લાવે. કારણ કે અનેક હદીસો અને વાઝેહ રિવાયતો એ બાબતમાં રસુલે ખુદા (સ.) તરફથી ફરમાવવામાં આવી છે અને આજ સુધી કોઇ – સહાબી, તાબેઇ અને બન્ને પક્ષોના કોઇ પણ આલિમ, મોહદદિસ, મોફસ્સિર – મોઅર્રિખે (ઇતિહાસકાર) તેનો ઇન્કાર કર્યો નથી બલ્કે સામાન્ય રીતે દરેક મઝહબ અને ફીર્કા હનફી, માલિકી, શાફેઇ, હમ્બલી, અહલેહદીસ, વહાબી, …… દરેકે પોતાના રાસિખ અકીદા તરીકે ઉલ્લેખ કર્યો છે. અને આ અકીદાની – હક્કાનિયત (વાસ્તવિકતા) પર કાં તો – મુસ્તકલ – કિતાબો લખેલી છે અથવા કિતાબોની ફસ્લો (પ્રકરણો) તે અંગે – મખસૂસ કરેલ છે.
આ વાઝેહ અને રોશન હકીકત છતાં અમુક રોશન ફીક્ર-સુન્ની લેખકો તેમની ઓછી જાણકારી અથવા પોતાના સ્વાર્થની બિના પર પુરોગામીઓના સુન્નતથી અલગ જઇને મહદવીય્યતના અકીદાને શક અને તરદીદ (રદિયા) ની નજરે જોઇ રહ્યા છે અને નબવી હદીસોન ઇનકાર કરવાની કોશિશ કરી રહ્યા છે. નબીએ કરીમ (સ.અ.વ.) ની આ હદીસ કે ‘ઝહુરે મહદીનો ઇન્કાર જેણે કર્યો તે કાફિર છે.’ તેનાથી બચવાને અને ખુશઅકીહદ મુસલમાનોના લઅન – તઅન -થી બચવા માટે આ હદીસોની તવજીહ કરીને કહે છે કે ‘આ અકીદો ત્રીજી સદી હિજરીમાં શીઓઓએ ઇજાદ કર્યો છે.’ આવા પ્રકારના લોકો હું હકીકતમાં, ખુદા, રસુલ અને કિયામત પર ઇમાન ધરાવે છે?
જાહેરમાં રોશન ફિક્ર એવા લોકોમાં હમ અસ્ર (સમકાલીન) મોઅલ્લિફ (કર્તા) મન્ઝૂર નોઅમાની પણ છે, જેઓએ ઇરાની ઇન્કિલાબ પર કિતાબ લખીને શીઆઓ વિરૂદ્ધ ખૂબ દિલની ભરાસ કાઢી છે અને કિતાબની એક ફસ્લ (પ્રકરણ) પાના 168 થી 181 ‘અકીદ – એ – મહદીવીયત’ ને મખ્સૂસ કરી છે. તેમની જાંફેશાની અને ઉમ્રભરના સંશોધનનું પરિણામ આ બાબતો છે. :-
(1) ‘અકીદ – એ – મહદી’ ચાર નાયબોની ઇજાદ (શોધ) છે. – ચાર નાયબો (હિ. 260 થી 329)ની પહેલાં તેનું કોઇ વજૂદ નહી હતું.
(2) ‘ઇમામ મહદી, માત્ર શીઆ અકીદો છે, સુન્નીઓ સાથે (જેઓ ચાર નાયબોના કાઇલ જ નથી.) તેનો કોઇ સંબંધ નથી.’
(3) ‘ઇમામ હસન અસ્કરી (અ.સ.)ને કોઇ અવલાદ નહી હતી.’
(4) ‘શીઆઓના અકીદો છે કે હ. મહદી સાર્મરાની એક ગાર – (ભોયરા) માં છુપાયેલા છે અને ઝહુર સુધી રહેશે….’
જ્યારે કે અહલે સુન્નતના બુઝુર્ગ ઓલોમા, મોહદદેસીન, અને મોતકલ્લેમીન, જેવા કે – હાફિઝ જલ્લાલુદ્દીન સયૂતી – શાફેઇ, (911 હિ.) – હાફિઝ ઇબ્ને સબ્બાગ માલિકી (855 હિ.) અલ્લામા કાઝી મોહમ્મદ શોકાની (1250 હિ.) – હાફિઝ અબૂ નઇમ, ઇસ્ફહાની (430 હિ. અને હાફિઝ અલી બિન હસમુદ્દની મુન્તકી હિન્દી (975 હિ.) એ બિદઅતઆમેઝ અકીદતો (જેમ કે આ ચાર વાતો)ની વિરૂદ્ધ અને તેના રદિયામાં સંખ્યાબંધ કિતાબો લખી છે અને આ વિષેના સવાલોના જવાબો આપ્યા છે કે આ ચારે વાતો ખુદ બિદઅત અને ઝલાલત છે, તે ઉપરાંત તવારીખી અને હદીસની સાક્ષીઓની રોશનીમાં અહલે સુન્નતના અકીદાઓની વિરૂદ્ધ છે. …
– આ સાથેના લેખમાં આપણે એ ચારે વાતો પર અવલોકન કરીશું.
(1) ‘અકીદ – એ – મહદી, શું ચાર નાયબોની શોધ છે?’
આ ઇબારત પર મામૂલી ધ્યાન આપ્યા પછી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે આ સંશોધનનું પરિણામ એ છે કે હિ.સન 260 (નિયાબતે ખાસ્સાની શરૂઆત) થી પહેલાં મુસલમાનોની દરમ્યાન ‘અકીદએ મહદી’નું કોઇ વજુદ નહી હતું. અને આ અકીદો હિ. 260 પછી વજૂદમાં આવ્યો છે, જો કે આ નતીજો હકીકતની તદ્દન વિરૂદ્ધ છે — કારણ કે ……
(અ) રસૂલે કરીમ (સ.અ.વ.) થી હ. મહદી (અ.સ.) ના ઝહૂરની બાબતમાં સંખ્યાબંધ રિવાયતો હિ. 260, પહેલા નકલ થયેલી છે. એ પ્રકારની 58 રિવાયતો, ‘અહલે સુન્નત’ના અઝીમ દાનેશમંદ હાફિઝ અલાઉદ્દીન અલી બિન હસામુદ્દીન, મુત્તકી હિંદી બુરહાનપુરીએ (ઇ.સ.975) પોતાની મશહુર કિતાબ – ‘કન્ઝુલ ઉમ્માલ’ના 14મી જીલ્દમાં – ‘બાબ – ખુરૂજુલ મહદી’માં આપેલી છે.
(બ) ‘અકીદાએ મહદી’ શી રીતે ચાર નાયબોની ઇજાદ હોઇ શકે છે? જ્યારે કે રસૂલે ખુદા (સ.અ.વ.) ની એ રિવાયતોને 38 અસ્હાબે અને તાબેઇને કિરામે રસૂલે ખુદા (સ.અ.વ.) થી નકલ કરી છે અને મોહદ્દેસીને પોતાની મોલઅતબર કિતાબોમાં જમા કરેલી છે અને અબુલફઝલ અબ્દુલ્લાહ બિન મોહમ્મદ સિદ્દીક ઇદરીસીએ ‘અલ મહદી અલ મુન્તઝર’ના પાના 17 થી 67 સુધી, 38, શખ્સોથી એ પ્રકારની હદીસો નકલ કરેલી છે. આ બાબત ચાર નાયબોથી ઘણી અગાઉ અસ્હાબ, તાબેઇન, ઓલામા અને ફોકોહાની દરમ્યાન સદરે ઇસ્લામથી મશહુર છે — ‘ઇબ્ને સીરીન’નું કથન છે કે મહદી એ ઉમ્મતમાંથી છે જે હ. ઇસા (અ.સ.) ની ઇમામત કરશે….. અબ્દુલ્લાહ બિન શરીકનું કથન છે – ‘રસુલ (સ.અ.વ.) નો પરચમ તેમની પાસે છે.’ – ‘તાઊસ’નું બયાન છે કે ‘મહદી હુકમરાનોના હકમાં સખ્ત અને કમજોરોના હકમાં મહેરબાન છે.’ ‘ઝોહરી’નું કહેવું છે કે ‘મહદી ફાતેમા (અ.સ.)ની ઔલાદમાંથી છે.’ ‘હોઝયફા’નું બયાન છે. – ‘મહદી ઝહુર’ કરશે. જેથી લોકો બુરાઇઓ અને ઝિયાદતીઓથી મેહફૂઝ થઇ જાય.
(બધા હવાલા અલ – હાવી લિલ ફતાવા, જીલ્દ 2, પાના 135 થી 159, અલ્લામા ‘સૂયૂતી – શાફેઇ’)
(ક) શીઆ અને સુન્નીના એવા મોહદ્દેસીન જેઓ 260 હિ. થી પહેલે હતા, તેઓએ ‘અકીદાએ મહદી’ બાબતમાં મુસ્તકલ કિતાબો લખી છે યા પોતાની કિતાબોની એક ફસ્લ – આ તઝકેરો સાથે મખસૂસ કરી છે. ઇમામ બુખારી અને અહમદ બિન હંબલના ઉસ્તાદ અબુ બક્ર અબ્દુર રઝઝાક બિન સહામ કન્આની (211 હી.) સાહિબે કિતાબ અલ મુસન્નિફ બાબલ મહદી, ઇમામ બુખારી, તિરમીઝી અને ‘ઇબ્ને માજ્જાહ’ના ઉસ્તાદ ઉબાદ બિન યઅકૂબ (25 હી.) ની કિતાબ અખ્બારલ મહદી અને શીઆઓમાં કિતાબ – ‘અલગયબહ’ના મોઅલ્લિફ જ. ફઝલ બિન શાઝન નિશાપુરી (26 હી.) – આ પરથી જાણી શકાય છે કે – અકીદા મહદી, ચાર નાયબોથી શોધ નથી.
(ડ) હિ. 260 પહેલાં અમૂક લોકોએ સમયના હકુમત વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો અને લોકોએ તેને મહદી તરફ નિસ્બત આપી અને અમૂક લોકોએ તેને મહદી પણ માની લીધા, જેવી રીતે જનાબ ઝૈદ બિન અલી, જેમને ઝયદિયા ફિરકાએ ‘કાયમ’ કહ્યા, અથવા જનાબ મોહમ્મદ બિન હનફીયહ, થેમને કયસાનિયહ ફીર્કાએ – મહદી – દર્શાવ્યા. જો તે ઝમાનામાં મહદવીય્યતનો અકીદો નહી હતો અને તેની કોઇ અસલ નહી હતી. પાયો નહી હતો, તો કઇ રીતે ઇસ્લામી સમાજમાં તેમને મહદી કહેવામાં આવ્યા?તે ઝમાનામાં મહદીનો અકીદો એટલો સામાન્ય હતો અને તે પર એવું ઇમાન હતું કે જ્યારે ઉમવી હકુમતે જ. ઝૈદનેશહીદ કરી દીધા અને તેમની લાશ શહેરના સદર દરવાજા પર લટકાવી, તો તે સમયે દરબારે ઉમવીના ચાપલૂસ શાએર, હકીમ બિન ઐયાશે લાશને જોઇને કહ્યું – ‘વ – લમ – અ – ર – મહદીયન અલલ જઝએ યુસ્લબો -’ (મેં નથી જોયું કે મહદીને સૂળીએ ચઢાવવામાં આવે.-)
એનો મકસદ એ હતો કે ઇસ્લામી અકીદામાં જે મહદીનો તઝકેરો છે, તે તો આખી દુનિયાને ફતેહ કરશે અને તેમના પર કોઇ જીત મેળવી નહી શકે, તો આ કેવા મહદી કે જે મગલૂબ (પરાજિત) થઇ ગયા!!!
એ અકીદો કે જે સદરે ઇસ્લામમાં આટલો બધો આમ (સામાન્ય) હતો કે દરબારી શાએર પણ તેને રદ કરી નહીં શક્યા, તેમને પણ તેનો એઅતેરાફ કરવો પડ્યો.
કોણ જાણે કેમ ફાઝિલ મુસન્નિફે તેને હિ. 260 પછીની ઇજાદ તરીકે ઠરાવ્યું અદબની હદ રોકે છે નહીંતર ઇન્કાર અને શકનું કારણ બયાન કરત…
(2) શું હ. ઇમામ મહદીનો અકીદો ફક્ત શીઆઓ સાથે જ મખસૂસ છે અથવા તમામ મુસલમાન ઇસ્લામની શરૂઆતથી તેના મોઅતકદ છે?
જો અગાઉની વાતોને નજરમાં રાખવામાં આવે તો આ સવાલનો જવાબ ખૂબ જ વાઝેહ છે અને જાણી શકાશે કે આ સવાલ કેટલો પાયાવિહોણો બુનિયાદ વગરનો છે – આ ગત વાતો ઉપરાંત વધુ વાતોનો ઝિક્ર અહીં કરીશું જેથી હકીકત બિલ્કુલ સ્પષ્ટ થઇ જાય.
કુરઆને કરીમ
અહલે સુન્નતની મોઅતબર કિતાબોમાં મોઅતબર રિવાયતોની રોશનીમાં કુરઆને કરીમની સંખ્યાબંધ આયતો હ. ઇમામ મહદી (અ.સ.) સંબંધિત છે. અહીં માત્ર છ (6) નમૂના પેશ કરીએ છીએ.
(1) મુકાતિલ બિન સુલૈમાનનું બયાન છે — આયત છે… (‘ઝુખરૂફ’ 61 જે હ. મહદીના બારામાં નાઝિલ થઇ છે – ‘સવાએકે મોહરરકા, 96’ ‘દૂર્રે મન્સુર’ જી. 6, પાનું 21)
(2) મુફસ્સિરે ઉમ્મત ‘ઇબ્ને અબ્બાસ’ આ આયત (સુરએ ‘ફત્હ’ 28) માટે કહે છે કે એ આયત હ. મહદી (અ.સ.) બાબતમાં છે અને ફરમાવે છે કે ‘તે હ. ફાતેમા (સ.અ.) ની નસલથી છે.’ (નુરૂલ અહબાર પાનું : 228)
(3) અહલે સુન્નતના બુલંદ મર્તબા, મોહદ્દિસ હમવીની ખુરાસાની પોતાની અઝીમ કિતાબ – ‘ફરાઇદુસ સિમતૈન’ જી. 2, માં એક રિવાયત નકલ કરે છે આ આયત…. (સુરએ ‘હીજર’ 36, 38)માં ‘વક્તે માઅલૂમ’ શબ્દોથી મુરાદ હ. મહદી (અ.સ.) ના ઝહુરનો વક્ત મુરાદ છે.
(4) શેખ જમાલુદ્દીન યુસુફ દમિશ્કી (655 હિ.) નું બયાન છે કે…. (સુરએ ‘અમ્બિયા’ 105) આ આયતમાં નેક અને સાલેહ બંદાઓથી હ. મહદી (અ.સ.) અને તેમના અન્સારો મુરાદ છે, (‘ઉકદુદ દરર’ બા, 7)
(5) મદીના મુનવ્વરહની વહાબી યુનિવર્સિટીના ઉસ્તાદ શેખ અબ્દુલ મોહસિન ઉબાદ, ‘સૂરએ બકરહ’ની પાંચમી આયત – ‘અલ્લઝી – ન – યુઅ – મેનૂન – બિલ ગૈબ’ના બારામાં કહે છે કે, ‘ઇમાન બિલ ગૈબ’નો એક મિસ્દાક હ. ઇમામ મહદી (અ.સ.) નો અકીદો છે.
(6) ઇબ્ને સબ્બાગ માલિક પોતાની અહમ કિતાબ ‘ફુસૂલુલ મોહિમ્મહ’, બાબ 12માં લખે છે કે :
આયત (સુરએ ‘હુદ’ 86) માં ‘બકીયતુલ્લાહ’ થી મુરાદ હ. મહદી (અ.સ.) છે.
આ બિના પર હ. ઇમામ મહદી (અ.સ.)ના અકીદાની બુનિયાદ કુરઆને કરીમ છે. આટલી વાઝેહ દલીલો છતાં જ. મનઝૂર નોઅમાની ફરમાવી શકે છે કે ‘અકીદ – એ – મહદી’ ઇસ્લામી અકીદો નથી?
વિશ્વસનીય કિતાબો
એહલે સુન્નતના બિરાદરોની હદીસની વિશ્વસનીય કિતાબોમાં, કોઇ એવી કિતાબ નહી મળે જેમાં હ. ઇમામ મહદી (અ.સ.) બાબત હદીસો મૌજુદ નહી હોય! ખુદા બુરૂં કરે તઅસ્સુબનું, કે એણે‘નોઅમાની’ને એવા ‘સુક્ષ્મ દ્રષ્ટિવાળા બનાવી દીધા કે તેઓએ સુન્નીઓને મહદી બાબત ઇન્કાર કરવાના કાઇલ ઠરાવ્યા. જ્યારે કે 150 જેટલી હદીસોની કિતાબોના નામો આપી શકાય છે જેમાં હ. મહદી (અ.સ.) બાબત હદીસો મૌજુદ છે.’
અમૂક ખૂબ જ અગત્યની કિતાબોના નામ આ મજુબ છે.– મસ્નદ અહમદ બિન હમ્બલ (241 હિ.) આ કિતાબ પુરાણી અને મોઅતબર કિતાબ છે. અહલે સુન્નતની બીજી ખૂબ જ અહમીયત ધરાવતી કિતાબો સહીહ બુખારી (256 હિ.) ‘સહીહ મુસ્લિમ’ (261 હિ.) ‘સુનને ઇબ્ને માજ્જહ’ (273 હિ.) સુનને અબુ દાઊદ (275 હિ.) સુનને તિરમિઝી (279 હિ.) ખાસ ધ્યાન આપવા લાયક બાબત એ છે કે હ. મહદી (અ.સ.) સંબંધી રિવાયતોને અબ્દુલ્લાહ બિન ઉમર બિન ખત્તાબ, ‘જાબિર બિન અબ્દુલ્લાહ અન્સારી’ ‘અબુ સઇદ ખુદરી’ – ‘ઉમ્મે સલમહ’ (ઝવજએ રસૂલ) અનસ બિન માલિક, અબ્દુલ્લાહ મસ્ઊદ……. નકલ કરી છે.
અહમદ બિન હમ્બલે પોતાની મસ્નદમાં હ. મહદી (અ.સ.) બાબત જે રિવાયતો નકલ કરી છે, તેની સંખ્યા 100 થી વધુ છે. ‘બુખારી’એ પોતાની ‘સહીહ’માં કિતાબ ‘બદઊલખલ્ક’ – બાબે નુઝૂલે ઇસામાં રસૂલે ખુદા (સ.અ.વ.)થી આ રિવાયત નકલ કરી છે – (સારાંશ) ‘તે વખતે તમારી શું કેફીયત હશે, જ્યારે આસમાનમાંથી ઇસા ઇબ્ને મરયમ નાઝિલ થશે અને તમારા ઇમામ તમારામાંથી હશે. ‘સહીહ બુખારી’ ની શરેહ કરનારાઓએ, ‘ઇમામોકુમ’ની તફસીર હ. મહદી (અ.સ.) ની કરી છે. ‘સુનને તિરમીઝી’ – ‘સિહાહે સિત્તાહ’ ની એક અહમ કિતાબ છે. જેમાં – ‘મા -જા – અ – ફિલ મહદી’ના નામે એક મુસ્તકલ બાબ (પ્રકરણ) છે અને હ. રસૂલે ખુદા (સ.અ.વ.) થી આ રિવાયત નકલ કરી છે. – જેનો સારાંશ છે – ‘દુનિયા તે સમય સુધી તમામ નહી હોય જ્યાં સુધી કે મારા ‘એહલેબૈત’માં મારો હમનામ શખ્સ તમામ અરબસ્તાન પર હૂકુમત કરે.’
સુનને અબૂ દાઉદ પણ – ‘સિહાહે સિત્તાહ’ની અહમ કિતાબ છે. તેમાં ‘કિતાબ અલમહદી’ના માથાળા નીચે એક પ્રકરણ છે. આ સૌ રિવાયતોમાંથી આ રિવાયત નકલ કરી છે. (સારાંશ) – ‘મહદી મારી ઇતરત અને હ. ફાતેમા (સ.અ.)ની ઔલાદમાંથી છે.’
આ તમામ દલીલો અને સાક્ષીઓ છતાં કહે છે કે – અહલે સુન્નત હ. મહદી (અ.સ.) ના મોઅતકિદ નથી અને કહે છે કે – આ ફક્ત શીયાઓનો અકીદો છે. આનો અર્થ એ થયો કે જ. નોઆમાની અહલે સુન્નતમાં શામિલ નથી કે પછી એહલે સુન્નતના અકીદાઓના પાબંદ નથી.
પારંપારિક કિતાબો
અહલે સુન્નતના સંખ્યાબંધ અઝીમ ઓલોમાઓએ હ. મહદી બાબત પારંપારિક કિતાબો લખેલ છે, જેમ કે (1) હાફિઝ અબુ નઇમ અસ્ફહાની (420 હિ.) કિતાબ ‘અરબઇન હદીસન ફિલ મહદી’ (2) અલ્લામા યુસૂફ બિન યહ્યા મુકદ્દસ શાફેઇ, (685 હિ.) કિતાબ ‘ઉક – દૂદ દોરર, ફી અખ્બારિલ મહદી અલ મુન્તઝર’ (3) આઠમી સદીમાં વહાબીઓના અઝીમમોબલ્લિગ ઇબ્ને કય્યમ જવઝી – ‘કિતાબ અલ મહદી’ (4) હાફિઝ જલાલુદ્દીન સુયૂતી (911 હિ.) કિતાબ ‘અલ અર્ફૂલ વરદી ફી અખબારલ મહદી’ (5) અલ્લામા મુત્તકી હિંદી બુરહાનપુરી (975 હિ.) ‘અલ બુરહાન ફી અલામાતે મહદી આખિરૂઝઝમાન,’ (6) શેખ મરઇ બિન યુસૂફ – કરમી હમ્બલી, (1031 હિ.) ‘ફવાએદુલ ફિક્ર ફી ઝુહરિલ મહદી અલમુન્તઝર’ (7) મુલ્લા અલી કારી હ-ન-ફી (104 હિ.) ‘અર રદદ અલા મન હુકમ વ કઝા – બિઅન્નલ મહદીલ મવઉદ જાઅ વ મઝા.’
આવી લગભગ 50 કિતાબો અહલે સુન્નતના ઓલોમાઓએ હ. મહદી (અ.સ.) બાબતની લખેલી છે.
‘ઓલેમાએ મોહદ્દેસીન’
અહલે સુન્નતના ઘણા મોહદ્દેસીન અને ફકીહએ હ. મહદી (અ.સ. )બાબત રિવાયતો – મોતવાતીર – (સતત) હોવાનો ફતવો આપ્યો છે. હવે જો કોઇ એમાં શક કે તરદીદ (રદિયો) કરે અથવા તેને કબુલ ના કરે તો તેનું મુસલમાન રહેવું મુશ્કિલ છે. કાઝી મોહમ્મદ શુકાની, ‘કિતાબ અતતવઝીહ ફી તવાતર મા જાએ ફીલ મુન્તજર’માં હઝરત બાબત 29 હદીસો નકલ કર્યા પછી લખે છે કે ‘હ. મહદી (અ.સ.) અ દજ્જાલ અને હઝરત ઇસાના નૂઝૂલ બાબત રિવાયતો મોતવાતર છે.’
જે લોકો પાસે જરા પણ ઇન્સાફ હોય તેમને માટે આ રિવાયતો કાફી છે. અલ્લામા સય્યદ મોહમ્મદ સિદ્દિક કનૂજી (1207 હિ.) ‘અલ – ઇઝાઅત’માં લખે છે કે ‘મહદી આખરી ઝમાનામાં કિયામ કરશે. તેનો ઇન્કાર કરવો મોતવાતર નબવી હદીસના મુકાબલામાં અઝીમ ગુસ્તાખી અને મોટી લગઝીશ છે વધુમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી આ રિવાયત કરે છે (સારાંશ) ‘જેણે મહદીની તકઝીબ કરી (જૂઠા માન્યા) તેમનો ઇન્કાર કર્યો છે, તે કાફિર છે.’ કાશ નોઅમાની સાહેબ ધ્યાન આપે.’
મહાન ઇતિહાસકાર ઇબ્ને ખલદૂન માલિકી (808 હિ.) પોતાના મુકદદમામાં લખે છે કે આખરી ઝમાનામાં ઇસ્લામના પૈગમ્બર (સ.અ.વ.) ના ખાનદાનમાંથી એક શખ્સ ઝાહિર થશે, જેઓ દીનને મુસ્તહકમ (મજબૂત) અને અદલ – ઇન્સાફને આમ કરશે. તમામ મુસલમાનો તેમના ફરમાબરદાર હશે. તેઓ તમામ ઇસ્લામી મુલકો પર વર્ચસ્વ કરશે અને તેમનું નામ ‘મહદી’ હશે. મઝાની વાત તો એ કે ‘ઇબ્ને ખલ્દૂન’ પોતે મહદવીયતના અકીદાને કાઇલ નથી, પણ તે છતાં તેનો એઅતેરાફ કરે છે કે મહદવીય્યતનો અકીદો સદ્રે ઇસ્લામથી તમામ મુસલમાનોની દરમ્યાન હતો.
‘‘ઇન્કાર કુફ્ર છે’’
‘નોઅમાની’ સાહબનો નઝરિયો (‘મહદી અકીદો શીઆઓની ઇજાદ છે.’ તેની વિરૂદ્ધ બારમી સદીના અઝીમ સુન્ની આલિમ અલ્લામા શેખ મોહમ્મદ સતફારીની (1188 હિ.) પોતાની કિતાબ ‘લવામેઉલ અનવારિલ બહીયા’માં ફરમાવે છે – ‘મહદીના કામય બાબતની રિવાયતો મઅનવી નઝરે મોતવાતિર (વારંવાર આવેલી) છે. સુન્નીઓમાં આ રિવાયતો એટલી આમ અને પ્રચલિત છે કે મહદીનો અકીદો, સુન્ની અકીદામાં ગણાય છે.’
આ ઉપરાંત એક વધુ અઝીમ સુન્ની દાનિશમંદ જ. શેખ મુન્સીરઅલી, નાસિફ ‘ગાયતુલ મામૂલ’ જીલ્દ 5/362માં લખે છે કે – થઇ ગયેલા તેમજ મૌજુદ તમામ આલિમો દરમ્યાન આ વાત જાણીતી છે કે આખર ઝમાનામાં ‘અહલેબૈત’ના ખાનદાનમાં મહદી નામના એક શખ્સ ઝાહિર થશે અને આજ અકીદો, થઇ ગયેલા અને આજના તમામ અહલે સુન્નતનો છે. અઝીમુલ મર્તબત સુન્ની આલીમ અલ્લામા મુત્તકી હીન્દી (હી. 975) પોતાની કિતાબ ‘અલબુરહાન ફી અલામાત મહદી આખિરૂઝ ઝમાન’ ના તેરમા પ્રકરણમાં ચારે મઝહબોના ફકીહોના ફતાવા નકલ કર્યા છે કે – મહદીનો અકીદો રાખવો જરૂરી અને લાઝમી છે. જે ફકીહોએ આ ફતવો આપ્યો છે તેમનાં નામો આ છે – હાફિઝ ઇબ્ને હજર શાફેઇ, અબુસ્સુદ્ર અહમદ બિન ઝીયા હનફી – અલ્લામા મોહમ્મદ બિન મોહમ્મદ માલિકી અને અલ્લામા યહ્યા બિન મોહમ્મદ હમ્બલી.
આ તમામ હકીકતો બાદ આ વાત બિલ્કુલ વાઝેહ અને આ હકીકત પૂરી રીત. આશ્કર થઇ જાય છે કે ઇમામ મહદીનો અકીદો ફક્ત શીઆઓ સુધી મહદૂદ નથી. એ ખાલિસ ઇસ્લામી અકીદો છે અને રસૂલે ખુદા (સ.અ.વ.) ની રિવાયતોની ઝરીએ આપણા સુધી પહોંચ્યો છે. અને દરેક દૌરમાં અસ્હાબ, તાબેઇન, ઓલોમાઅ – મોહદદેસીન, ફોકહા, મોતકલ્લેમીન – મોઅર રેખીન – મોફસ્સેરીન – અને દરેક ઝમાનાના તમામ મુસ્લેમીન, શું સુન્ની કે શું શીઆ, હનફી કે માલિકી, શાફેઇ કે હમ્બલી, બધા જ એના મોઅતાકીદ હતા અને જે શખ્સ તેનો ઇન્કાર કરે તે બિદઅતી છે. — ગુમરાહ છે — ઝરૂરિયાતનો ઇન્કાર કરવાવાળો છે. – કાફિર છે.
શું ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને કોઇ ઔલાદ નહી હતી?
આ વાત પણ ગઇ વાતોની જેમ પાયાવિહોણી છે. આ તે દાવો છે કે જેનો કોઇ સબુત નથી. — કારણ કે :
ઇન્કારે રસૂલ
આ વાત રસૂલે ખુદાના કૌલનો ઇન્કાર છે. આં હઝરતે (સ.અ.વ.) ઇમામ હુસૈન (અ.સ.) ને ફરમાવ્યું : ‘તમે નવ હુજ્જતોના વાલિદ છો, જેમાં નવમા કાઇમ છે. (મવદ્દતુલ કુર્બા – મીર સૈયદખઅલી હુદાઇ – (786 હિ.) ફસલ – દસ.
ઇન્કારે ઇમામ
આ વાતએ હદીસનો પણ ઇન્કાર છે, જેને શયખુલ ઇસ્લામ સદરૂદ્દીની ઇબરાહમીમ હમૂઇ શાફેઇ (732 હિ.) એ – ‘ફરાઇદુસ સિમતૈન’ (જીલ્દ – 2, પાનું 336)માં ઇસ્લામના અઝીમ શાએર દેઅબલે ખઝાઇથી નકલ કર્યું છે. જ્યારે ‘દેઅબલે પોતાનો મશહુર કસીદો હ. ઇમામે રેઝા (અ.સ.) સામે પઢ્યો અને તેમાં હ. મહદી (અ.સ.) નો ઝીક્ર હતો, હ. રેઝા (અ.સ.) એ રોતા રોતા ફરમાવ્યું : ‘તમે જાણો છો એ કોણ ઇમામ છે? મારા પછી મારા ફરઝંદ મોહમ્મદ ‘ઇમામ છે, તેમના પછી ફરઝંદ અલી ‘ઇમામ’ છે. તેમના પછી તેમના ફરઝંદ હસન ‘ઇમામ’ છે. અને હસન પછી તમેના ફરઝંદ – હુજ્જત ‘કાઇમ’ મુન્તઝર છે,’
ઓલોમાનો ઇન્કાર
આ વાત ઘણા સુન્ની ઇતિહાસકારોની પણ વિરૂદ્ધ છે, જે 255 હિજરીમાં હ. ઇમામ હસન અસ્કરીના ફરઝંદ હ. મહદીના વિલાદતના કાઇલ છે, જેમ કે, ઇબ્ને હજર મક્કી શાફેઇ (984 હિ.) પોતાની કિતાબ ‘સવાઇકે મોહરરકા’ (પાના નંબર 260) માં લખે છે કે – ઇમામ હસન અસ્કરી (અ.સ.) પછી તેમના ફરઝંદ અબુલ કાસિમ મોહમ્મદ હુજ્જત હતા. પીતાના ઇન્તેકાલ વખતે તેમની ઉંમર પ વર્ષની હતી. “ઇબ્ને ખલકાન (689 હિ.) “વફીયાતલ અયચાન જીલ્દ 4 માં અબુલ કાસિમ અલ મુન્તઝરના ઝૈલમાં લખે છે – અલ્લામા મોહમ્મદ બિન શાફેઇ (652 હિ.) – ‘મતાલિબ’ના પાના 89 પર હ. મહદી (અ.સ.) બાબત હદીસો નકલ કર્યા પછી કહે છે – “આ હદીસોના મિસ્દાક ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના ફરઝંદ છે, જેઓ આ વખતે નિગાહોથી ગાઇબ છે. — હાફિઝ ઇબ્ને સબ્બાગ માલિકી (555 હિ.) – ‘ફુઝુલુલ મોહીમ્મા’ની બારમી ફસ્લમાં ફરમાવે છે. — અબુલ કાસિમ મોહમ્મદ, હસનના ફરઝંદ છે અને શીયાઓના બારમા ઇમામ છે. — શબલન્જી – (હિ. 129) ‘નુરૂલ અબસાર’માં (પાનું 168) લખે છે – મોહમ્મદ હસન અસ્કરી (અ.સ.)ના ફરઝંદ છે અને તેમના માતાનું નામ ‘નરજીસ’ છે.
સાક્ષીઓ
કોઇપણ બાળકની વિલાદત અમૂક રીતે સાબિત થાય છે. (1) માતા – પિતાની ગવાહી (2) દાઇની ગવાહી અને (3) લોકોની ગવાહી. હઝરત મહદી (અ.સ.)ની બાબતમાં આ ત્રણે પદ્ધતિ એટલે સુન્નતના મઅખઝથી સાબિત થાય છે. હઝરતના પિતા હ. ઇમામ હસન અસ્કરી (અ.સ.) અને માતા જનાબે નરજીસ ખાતૂન અને દાઇ હઝરત મોહમ્મદ તકીની સાહબઝાદી જ. હકીમા ખાતૂન. આ સિવાય ઘણા બધા લોકોએ હઝરતને બચપણમાં જોયા છે, જેને ‘અહલે સુન્નતે’ પોતાની કિતાબોમાં નકલ કર્યા છે. જેમ કે શેખ અબ્દુલ વહાબ શેઅરાની (973 હિ.) પોતાની કિતાબ “અલ યવાકીત વલ જવાહિરમાં, નુરૂદદીન અબ્દુર રહમાન જામી હનફી (898 હિ.) – ‘શવાહિદુન નબુવ્વાહ’ માં હાફિઝ મોહમ્મદ બિન મોહમ્મદ બુખારી હનફી મઅરૂફ – બે – ખ્વાજા યારસા (822 હિ.) “ફસલુલ ખિતાબમાં અને સૌથી પહેલાં જેણે આ પાયાવિહોણી વાતને આમ કરી તે હઝરતના કાકા જઅફર કઝઝાબ હતા. (કહે છે કે પછી પાછળથી તેઓએ તૌબા કરી લીધી.) તેઓએ ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની મીરાસ હાસિલ કરવા અને ઇમામતના મન્સબ પર કબ્જો કરવા માટે આ વાતને ફેલાવી હતી અને બની અબ્બાસના ઝાલિમ ખલીફાએ પોતાના નાપાક મકસદો માટે એ વાતને જોર આપ્યું હતું — પણ અફસોસ છે તે માટે એ વાતને રસૂલે મકબૂલ (સ.) ની મોઅતબર હદીસો અને મુસ્તનદ મોહદ્દેસીન અને મોઅરરેખીનના વાઝેહ બયાનાત છતાં આવી રીતની બુનિયાદ વિનાની વાતો પર વધુ એઅતેબાર કરે છે.- ક્યાંક એમ તો નથી કે તેમની નઝદીક બસ એ જ શખ્સ મોઅતેબર છે.
શું હઝરત મહદી (અ.સ.) પોતાના વાલિદના ઝમાનાથી ગુફામાં પોશીદા છે? શું ઝહુર સુધી ત્યાં જ રહેશે?
આ તોહમત પણ બાકીની બીજી વાતોની જેમ જ છે. એવું લાગે છે કે તોહમત લગાડવું જાણે સવાબનું કામ છે. — બહર હાલ જવાબરૂપે અર્ઝ છે.
(1) શીયા હરગિઝ આ વાતના મોઅતકિદ નથી કે તેમના ઇમામ ગુફા કે ભોયરામાં પોશીદા છે. આ તદ્દન વાહિયાત છે કેમ કે
(ક) શીઆઓ, ઇમામની જે ગયબતના મોઅતકિદ છે, એહલેસુન્નતના આલિમો પણ પોતાની રિવાયતોની બિના પર તે પર અકીદો ધરાવે છે અને તે ઇમામને કેવી રીતે ગાઇબ કહી શકાય છે કે જે તેહખાનામાં છે અને સૌ તેમને જાણે પણ છે? આ બન્ને મુતઝાદ (પરસ્પર વિરોધી) તસ્વીરો છે.
(ખ) શીયાઓના અકીદા મુજબ, ઇમામ દર વરસે હજ કરવા તશરીફ લાવે છે. લોકો હઝરતને જુએ છે પણ ઓળખતા નથી. – આ અકીદો હઝરતને જુએ છે પણ ઓળખતા નથી — એ ગુફા કે તેહખાનામાં રહેવા બાબતની વિરૂદ્ધ છે.
(ગ) શીયા અને સુન્ની બન્ને આ બાબતમાં એઅતેકાદ ધરાવે છે કે ખાન એ કાઅબાથી હઝરત ઝહુર ફરમાવશે અને જો નોઅમાની સાહેબની વાત દુરસ્ત હોય તો હઝરતને ગાર (ગુફામાંથી) ઝહુર ફરમાવવું જોઇએ.
(ઘ) ઘણાંય લોકો એટલે સુધી કે અમૂક સુન્નીઓ, જેવા કે શેખ હસન ઇરાકીઓ (અલયવાકીતાવલ જવાહિર) દુનિયાના જુદા જુદા ભાગોમાં હઝરતની ઝિયારત કરેલી છે. જ્યારે કે આ તોહમતની બિના પર મુલાકાત હમેશાં ગારમાં થવી જોઇતી હતી.
(ચ) ગયબતના ઝમાનામાં કોઇને હઝરતની ચોક્કસ જગ્યાની જાણ નથી. દર જુમ્આએ સવારની દૂઆમાં શીયાઓ – દૂઆએ નુદબહ – માં હઝરતથી આ રીતે સંબોધન કરે છે.
‘અય કાશ, અમને ખબર હોતે કે ક્યારે આપના ઝહુરથી દિલોને કરાર આવશે – અય કાશ, અમને માલૂમ હોતે કે કઇ સરઝમીન પર આપનો કિયામ છે!- આનો અર્થ એ જ થાય છે કે, હઝરતના કિયામહગાહથી કોઇ વાકેફ નથી….’’
આ બિના પર ‘ગાર’માં કે – ‘તેહખાન’માં ઝીન્દગી બસર કરવી એ શીયા અકીદા નથી. અહીં ફક્ત એક સવાલ રહી જાય છે કે શીયાઓ જ્યારે ‘ગાર’ કે ‘તેહખાન’ના કાઇલ નથી તો પછી શા માટે ‘સાર્મરા’ ખાતે ‘સરદાબ’ (તેહખાના) ની ઝિયારત કરે છે?
(1) તેનો જવાબ સ્પષ્ટ છે કે આ તે જગ્યા છે, જ્યાં ત્રણ ઇમામો – ઇમામ અલી નકી (અ.સ.), ઇમામ હસન અસ્કરી (અ.સ.) અને ઇમામે ઝમાના (અ.સ.) એ ઝીન્દગી બસર કરી છે અને આ, તે ઘરોમાં શામિલ છે, જેને માટે ખુદાવંદે આલમનો ઇરશાદ છે – (‘નૂર’36) સારાંશ ‘તે ઘરોમાંથી છે, જેને માટે ખુદાએ પરવાનગી આપી છે કે, તેને બુલંદ કરવામાં આવે, તેનો એહતેરામ કરવામાં અવો અને તેમાં ખુદાનું નામ લેવામાં આવે.
આ ઘરમાં કેમ કે ઇમામ રહેતા હતા, તેથી બરકતવંતા છે, નહી કે અત્યારે પણ ત્યાં જ તેઓ રહે છે, આ એવું છે કે જેવી રીતે લોકો નબીઓના ઘરોના એહતેરામ કરે છે.
(2) વિલાદત પછી ઝહુર સુધી – ‘ગાર’ કે ‘તેહખાન’માં ઝીન્દગી બસર કરવી સુન્ની અકીદો છે. કારણ કે સુન્નીઓના અઝીમ આલિમ, હાફિઝ અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ બિન યુસુફ ગન્જી શાફેઇ (958 હિ.) પોતાની કિતાબ – ‘અલ બયાન ફી અખબારે સાહિબિઝ ઝમાનના 25 માં બાબમાં લખે છે – ‘‘મહદીનો ઇન્કાર કરનારા આ એઅતેરાઝ કરે છે કે ‘જો મહદી ‘ગાર’માં ઝીન્દગી બસર કરી રહ્યા છે, તો ખોરાક તેમના સુધી કેવી રીતે પહોંચે છે? આના બે જવાબો છે — આનાથી જાણવા મળે છે કે – હાફિઝ ગન્જી શાફેઇ નઝદીક આ બાબત ચોક્કસ છે કે હઝરત સરદાબ (તહખાન)માં ઝીન્દગી બસર કરે છે ફક્ત મસ્અલો ત્યાં ખોરાક પહોંચવા વિશેનો છે અને તે માટે જ જવાબ આપે છે જ્યારે કે બુઝુર્ગ શીયા આલિમ અલી બિન ઇસા, અરમલી, (જેઓએ ‘અલ બયાન’ ખુદ હાફિઝ ગન્જીથી પઢી છે.) પોતાની કિતાબ ‘કશ્ફુલ ગુમ્મહ’માં હાફિઝ સાહબની વાત નકલ કર્યા પછી કહે છે – ‘આ એક અજીબ – ગરીબ વાત છે, કેમ કે જે લોકો હઝરતના વુજૂદનો ઇન્કાર કરે છે, તેઓ જ આ વાતના કાઇલ છે, અને જે લોકો હઝરતના વુજૂદનો તસ્લીમ કરે છે અને તેમના મોહતકદ છે, તેઓ એવાતના કાઇલ નથી કે હઝરત સરદાબમાં ઝીન્દગી બસર કરે છે.
(3) જે લોકો ઇરાક યા બીજા ગરમ ઇલાકાઓમાં રહી ચૂક્યા છે. તેઓ આ બાબતથી સારી રીતે વાકેફ છે કે જૂના જમાનામાં, અમૂક સમય સુધી હિન્દુસ્તાનમાં પણ આ વાત પ્રચલિત હતી કે ગરમીની મોસમમાં બપોરની સખ્ત ગરમીથી મહેફૂઝ રહેવા માટે પોતાના ઘરોમાં તહખાના (ભોંયરા) બનાવરાવતા હતા અને ત્યાં જ ગરમી બસર કરતા હતા ઇમામ હસન અસ્કરી (અ.સ.)નું ઘર સાર્મરા (ઇરાક) ખાતે હતું, જ્યાંની ગરમી મશ્હુર છે તે ઝમાનાની સામાન્ય આદત મુજબ હઝરતના ઘરમાં પણ એક તહખાનું હતું, જેને અરબીમાં ‘સરદાબ’ કહે છે. ગરીમીઓમાં ઇમામ અને તેમનું તમામ કુટુંબ ‘સરદાબ’માં રહેતા હતા.
ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની શહાદત પછી જ્યારે ઝાલિમ ખલીફાના લશ્કરે, હ. ઇમામ મહદીને ગિરફતાર કરવા માટે હઝરતના ઘર પર હમલો કર્યો તો જોયું કે હઝરત સરદાબમાં નમાઝ પઢી રહ્યા હતા. ખુદાનું કરવું કંઇક એવું થાય કે એ લોકો હઝરતને ગિરફતાર કરી શક્યા નહીં, અને નિરાશ થઇ પાછા આવી ગયા; એક બીજી રિવાયત મુજબ લશ્કરવાળાઓએ જ્યારે હઝરતના ઘરનો ઘેરો ઘાલ્યો (નાખ્યો) તો આપ એવી રીતે સરદબામાંથી બહાર નીકળ્યા, જેવી રીતે રસૂલે (સ.) હિજરતની રાતે, કાફરોના દરમ્યાનમાંથી નીકળ્યા હતા. તે બાદ લશ્કરવાળાઓએ ઘરની તલાશી લીધી પણ આપને મળી શક્યા નહીં. આ રિવાયતને નુરૂદ્દીન અબ્દુર રહમાન જામી – હ – નફીએ ‘શવાહિદુન નુબવત’માં નકલ કરી છે.
આ બાબત બિલ્કુલ ચોખ્ખી થઇ ગઇ કે હઝરત મહદી (અ.સ.)નું ગુફા કે ભોંયરામાં જીંદગી વીતાવવું જો અકીદો છે તો તે સુન્ની અકીદો છે નહીતર કોઇ પણ શીયા આલીમ તેનો કાઇલ નથી અને આ અકીદો શીયા હશે જેની બીના પર નોઅમાની સાહબ જેવા લોકો આ અકીદાઓની તદ્દન વિરૂદ્ધ છે. કોણ જાણે એ ક્યા કારણો રીતની બુનિયાદ વિનાની વાતો વટપૂર્વક બયાન કરતાં હશે!?
ગત દલીલો અને વાઝેહ બયાનાતથી આ હકીકત ખુલ્લી રીતે સામે આવી ગઇ કે – મહદી અકીદો, ખાલિસ ઇસ્લામી અકીદો છે અને આ અકીદાને તસ્લીમ કરવું દરેક મુસલમાનની ઝિમ્મેદારી છે અને એ અકીદો દીનની જરૂરિયાતોમાંથી છે.
હ. મહદી (અ.સ.) ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના ફરઝંદ છે, હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત પછી સમયના હાકેમોની ઝબરદસ્ત પાબંદીઓ અને સખ્તીઓની બિના પર લોકોની નિગાહોથી (ઓઝલ) અદ્રશ્ય થઇ ગયા અને ગયબત – ઇખ્તીયાર કરી લીધી. એટલે કે એવી રીતે જીંદગી વીતાવી રહ્યા છે કે કોઇ પણ તેમના કિયામગાહથી સારી રીતે વાકેફગાર નથી અને જ્યાં સુધી ખુદા ચાહશે તેઓ ગયબતમાં રહેશે અને જ્યારે ચાહશે ત્યારે ઝૂહર ફરમાવશે.
અંતમાં ‘નોઅમાની’ સાહેબથી ગુઝારિશ છે કે કમ – અઝ – કમ તેઓ પોતાના ઓલોમાઓની એ કિતાબોને પઢી લે – જેમ કે ‘સુનને અબુ દાઉદ’, ‘સુનને તિરમીઝી’ ‘બાબ મા જાઅ ફિલ મહદી’, ‘ક્ધઝુલ ઉમ્માલ’ – ‘ફસલે ખુરૂજુલ મહદી’ તમે આપના મરકઝેઇલ્મ અને દીની પ્નાગાહ ઇસ્લામી યુનિવર્સિટી, મદીનાના ઉસ્તાદ અહાદીસિસ સહીહહ ફિલ મહદી – (એ લોકોને રદિયો, જેઓ મહદી સંબંધી સાચી હદીસોને જૂઠી ઠરાવે છે.) – જે લોકોની ખુશ્નૂદી માટે મહદીનો ઇન્કાર કરી રહ્યા છે, તેઓ આપની બદકિસ્મતીથી હ. મહદી (અ.સ.) ના કાઇલ છે. – અને ઇન્કાર કરરનારાઓને કાફિર તરીકે માને છે. …
મહદી (અ.સ.)એ ફરમાવ્યું: (સરાંશ) ‘‘બેશક અમે તમારી નિગોહદાશ્તથી ગાફિલ નથી અને ના તો તમારી યાદને દિલથી કાઢી નાખેલી છે.’’ (બેહારૂલ અન્વાર – જીલ્દ -53)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *