Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૨૯ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ના કેયામનો હેતુ, પરિણામો અને અસરો » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ની અઝાદારી

અઝાદારી….. જમીનના પટથી આકાશની પરિસીમાઓ સુધી સય્યદુશ્શોહદાની મુસીબતની અસરો

Print Friendly

મઅસુમ ઇમામો (અ.સ.)થી જે રિવાયતોની નોંધ થઇ છે તેમાં એક મહત્ત્વનું પ્રકરણ ઝિયારતો છે. આ વિષય ઉપર આપણા ભરોસાપાત્ર અને સનદ મેળવેલા આલિમોએ સંપૂર્ણ કિતાબોનું  સંપાદન કર્યું છે. તેમાં તેઓએ અત્યંત વિશ્ર્વસનીય અને સાચી સનદ ધરાવતી ઝિયારતો ટાંકી છે.

લોકો સામાન્ય રીતે ઝિયારતના સવાબ ઉપર ધ્યાન આપે છે. પરંતુ ઝિયારતોમાં જે બાબતો બયાન કરવામાં આવી છે અને ઝિયારતના સમયે ક્યા શબ્દો અને લકબોથી પોતાના ઇમામ (અ.સ.)ને સંબોધન કરી રહ્યા છે તે તરફ ઘણું ઓછું ધ્યાન આપવામાં આવે છે. અર્થાંત ઝિયારતમાં જે ભાવાર્થ સમાએલો છે તેની તરફ ક્યારેકજ ધ્યાન અપાય છે. આથી એ બાબતનો પણ ખ્યાલ નથી રહેતો કે આપણે આ ઝિયારતમાં આપણા ઇમામને શું વાયદો અને વચન આપી રહ્યા છીએ. અગર આપણને એ અનુભુતિ થઇ જાય કે આપણે શું વાયદો કર્યો છે તથા કોને કોને સાક્ષી રાખીને વાયદો કર્યો છે તો શક્ય છે કે આપણે તેની ઉપર અમલ પણ કરવા લાગીએ. કારણકે દરેક શરીફ ઇન્સાન તેના વાયદા અને વચનનો ખ્યાલ રાખે છે. ઇન્સાન જ્યારે તેની શરાફત તથા ખાનદાનીના કેન્દ્ર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેની નજર સામેથી રહસ્ય અને કરામતના પરદાઓ દૂર થવા લાગે છે.

તેમાં એક હજાર મુદ્દાઓ વાળ કરતા પણ વધારે બારીક છે :

આ ઝિયારતો મઅસુમ ઇમામો (અ.સ.)ના દરજ્જા અને મહાનતાની ઓળખનો સૌથી સારો અને સૌથી ભરોસાપાત્ર ઝરીયો (માધ્યમ) છે. એક તરફ અઇમ્મે મઅસુમીન (અ.સ.)ના ફઝાએલ અને કમાલાતનો ઝિક્ર છે અને તેમની કુરબાનીઓ દર્શાવવામાં આવી છે તો બીજી તરફ તેઓના હેતુઓ પણ દર્શાવવામાં આવ્યા છે જેના માટે આ હઝરતોએ દરેક પ્રકારના ઝુલ્મો અને અત્યાચારો સહન કર્યા અને શહાદત સ્વિકારી. ઉપરાંત આપના દુશ્મનોની હકીકત અને તેઓના દર્દનાક અઝાબનું પણ વર્ણન છે.

આ ઝિયારતોમાં આપણી જવાબદારીઓનું પણ વર્ણન છે સાથોસાથ એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓની શહાદતની અસરો ક્યાં – ક્યાં પહોંચી અને કોણે – કોણે તેમનો ગમ મનાવ્યો. આ અંગે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતો ખાસ મહત્ત્વ ધરાવે છે.

અગર ઇન્સાન માત્ર આ ઝિયારતો તરફ નજર કરે તો તેને રીતસર અંદાજ આવી જશે કે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની અઝાદરી ક્યાં – ક્યાં સુધી ફેલાએલી છે તથા કોણે-કોણે આપનો ગમ મનાવ્યો છે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ થઇ જશે કે અઝાદારીને સિમિત કરવાની અથવા તેની અસરોને ઓછી કરવાની કોઇપણ કોશિશ કોઇપણ સ્વરૂપે ક્યારેય પણ સફળ નહિં થાય. તેનું કારણ એ છે કે અઝાએ હુસૈન તે કુરઆની અઝા છે જેને અલ્લાહની મશીય્યતે અસ્તિત્વના પાનાઓ ઉપર અમરતાના ઘરેણાંથી લખી છે. જેને વારંવાર પઢવાથી એક નિખાર પૈદા થાય છે તથા ઇન્સાનના અસ્તિત્વમાં શરાફત મહેકવા લાગે છે. જરા યાદ કરો, એ સૌથી પહેલી મજલીસ જેમાં ખુદાના હુકમથી જીબ્રઇલ ઝાકીર હતા અને રસુલે ખુદા (સ.અ.વ.) સાંભળનાર હતા. ત્યાર બાદ રસુલે ખુદા (સ.અ.વ.) ઝાકીર હતા અને અલી (અ.સ.) તથા જ. ફાતેમા (સ.અ.) સાંભળનાર હતા. કેવું દ્રષ્ય રચાયું હશે અને કેવી રીતે વાતાવરણ મહેકી ઉઠ્યું હશે.

હવે આપણે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત ઉપર એક નજર કરીશું અને વાત આગળ વધારતાં ટૂંકાણને ધ્યાનમાં રાખીને ઇમામ હુસૈન (અ.સ.)ની માત્ર બે ઝિયારતોના અમૂક ભાગ રજુ કરવાની નેકી હાંસિલ કરીશું.

સેકતુલ મોહદ્દેસીન જનાબ શૈખ અબ્બાસ કુમ્મી (અ.ર.)એ તેમની મૂલ્યવાન કિતાબ મફાતીહુલ જીનાનમાં હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતના પ્રકરણમાં સૌથી પહેલી ઝિયારતની જે નોંધ કરી છે તેના અમૂક શબ્દો આ રીતે છે :

યુનુસ બીન ઝબીયાને હઝરત ઇમામ સાદિક (અ.સ.)ની ખિદમતમાં અરજ કરી : હું ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરવા માટે જવા માંગુ છું. હું કેવી રીતે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરૂં?

ફરમાવ્યું : “જ્યારે ઇમામ (અ.સ.)ની ઝિયારત માટે જાઓ ત્યારે ફુરાતના પાણીથી ગુસ્લ કરો, પાક કપડાં પહેરો અને ખુલે પગ જાઓ કારણકે તમે ખુદા અને રસુલ (સ.અ.વ.)ના હરમમાં છો. અને રસ્તામાં ચાલતી વખતે આ વાક્યો પઢો.

તથા સલવાત પઢો.’

તેનો અર્થ એ છે કે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત ઇન્સાનને ખુદાની નજીક કરે છે, તૌહીદનો સબક શીખવે છે, દીન શીખવે છે અને શીર્કથી દૂર રહેવાનો હુકમ આપે છે. ઝિયારતના અમૂક વાક્યો આ મુજબ છે :

“હું ગવાહી આપું છું કે ખરેખર આપનું પવિત્ર ખૂન અબદી જન્નતમાં સુરક્ષિત છે. તેને જોઇને અર્શે ઇલાહીના રહીશો ધુ્રજી ગયા. તેની ઉપર સમગ્ર સર્જનોએ કલ્પાંત કર્યું. તેની ઉપર સાતેય આસમાન અને સાતેય જમીન રડ્યા. તથા તે બધી ચીજો એ રૂદન કર્યું જે આસમાનો અને જમીનોમાં છે તથા તે બંનેની દરમ્યાનમાં છે. આપણા ખુદાના એ સર્જનો પણ રડ્યા જે જન્નત અથવા જહન્નમમાં હતા. તે વસ્તુઓ પણ રડી જે જોઇ શકાય છે અને તે વસ્તુઓએ પણ રૂદન કર્યું જે જોઇ શકાતી નથી…’

અલ્લાહના સર્જનોમાં અર્શે ઇલાહી સૌથી ઉચ્ચ સ્થાન છે. આ તે જગ્યા છે જ્યાં મઅસુમ ઇમામોનું આ દુનિયામાં આવતા પહેલાનું રહેઠાણ હતું. ઝિયારતે જામીઆ કબીરામાં છે:

“ખુદાએ આપને નૂર સ્વરૂપે પૈદા કર્યા અને આપને પોતાના અર્શ ઉપર રાખ્યા.’

જમીન સૌથી પસ્ત મંઝીલ છે તેનો પ્રકાશ અને મોભો મઅસુમ ઇમામો (અ.સ.)ના ઉંચા આગમનને આભારી છે. રૂહાનિય્યત અર્શ સૌથી ઉંચુ સ્થળ છે જ્યારે ભૌતિકતામાં જમીન સૌથી હલ્કુ સ્થળ ગણવામાં આવે છે. શરૂઆતથી અંત સુધીમાં અને તેની દરમ્યાન જે કાંઇપણ છે તે દરેકે ઇમામ હુસૈન (અ.સ.) ઉપર રૂદન કર્યું છે.

જોઇ શકાય તેવા અને ન જોઇ શકાય તેવા સર્જનોએ પણ ઇમામ હુસૈન (અ.સ.) ઉપર રૂદન કર્યું છે. આજનો ઇન્સાન હજારો વર્ષોની મહેનત પછી એ પરિણામ ઉપર પહોંચ્યો છે કે દુનિયામાં એવા પણ સર્જનો છે જે નરી આંખે જોઇ શકાતા નથી. બલ્કે માઇક્રોસ્કોપથી પણ બહુ મુશ્કેલીથી જોઇ શકાય છે. પરંતુ ઇમામ સાદિક (અ.સ.)એ સદીઓ પહેલા ઝિયારતના સ્વરૂપે આ હકીકત તરફ ધ્યાન દોર્યંુ હતું. કાશ! આપણે ઝિયારતના એ અર્થો તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હોત તો “ચાદર સી નીગાહોંસે સરકતી નઝર આએ’ના ઉદાહરણ હોતે.

રૂદન શું છે? તેની વ્યાખ્યા અને તેની ભવ્યતા શું છે?

રૂદનનો સંબંધ સમજણ, અનુભૂતિ અને મોહબ્બત સાથે છે. રૂદન માત્ર સામાન્ય દુ:ખ કે અસરથી પૈદા નથી થતું. રૂદન દુ:ખની એ કક્ષા છે જ્યાં સહન કરવું મુશ્કેલ હોય છે. દિલમાં સહન કરવાની શક્તિ રહેતી નથી. રૂદન દુ:ખની તીવ્રતાની નિશાની છે. તદ્ઉપરાંત રડવું ત્યારે જ આવે છે કે જ્યારે સાંભળનારનો દુ:ખીત વ્યક્તિ સાથે નજીકનો સંબંધ હોય. નહિંતર દુનિયામાં તો દરરોજ એકથી એક દુ:ખદ ઘટનાઓ બનતી જ રહે છે. પરંતુ આપણી આંખોમાં આંસુ આવતા નથી. બલ્કે તેની કોઇ અસર પણ પૈદા થતી નથી. આથી રૂદન ત્યારે થશે જ્યારે દુ:ખ ભોગવનાર વ્યક્તિ સાથે એક ખાસ સંબંધ હોય.

“જબ યાદ તેરી આએ હય તબ આંખ ભર આએ,

યે ઝીંદગી કરને કો કહાં સે જીગર આએ.’

આ ઉપરાંત આંસુ તે સારશે જે સમજ ધરાવતો હોય, દર્દ ધરાવતો હોય, મોહબ્બત અને સંબંધ ધરાવતો હોય. ઝિયારતના વાક્યોથી સ્પષ્ટ થાય છે કે ખુદાની દરેક મખ્લુક સમજદાર એહસાસ ધરાવતી અને દર્દમંદ છે. એ આપણી ટૂંકી દ્રષ્ટિ છે કે આપણી તેને નાસમજ, લાગણીહીન ધારીએ છીએ. અગર તે ચીઝોમાં સમજ લાગણી ન હોત તો તેઓને કેવી રીતે ઇમામ હુસૈન (અ.સ.)ની મહાન મોહબ્બતનું જ્ઞાન હોત અને અગર એહસાસ ન હોત તો શા માટે આપની ઉપર તીવ્ર આક્રંદ કરત તથા અગર જો ઇમામ હુસૈન (અ.સ.)ની અસરો તેઓ સુધી ન પહોંચતી હોત તો આ સમગ્ર સર્જનો કેવી રીતે અસર અંદાજ થયા હોત. મૌલવી કહે છે કે :

“અમે સાંભળીએ છીએ, જોઇએ છીએ તથા અમે ભાનમાં છીએ, તમારી સાથે નામેહરમો છે એટલે અમે ચૂપ છીએ.’

ખુદાવંદે આલમનું દરેક સર્જન ઇમામ હુસૈન (અ.સ.)ના ગમથી ગમગીન શા માટે છે તેની ચર્ચા આગળ ચાલીને કરીશું. હાલ ઝિયારતે આશુરાના અમૂક વાક્યોની નકલ કરીએ છીએ.

“અય અબા અબ્દીલ્લાહ! આપની મુસીબત અને શહાદત અમારા માટે ઘણી મોટી અને મહાન છે. બલ્કે તે તમામ ઇસ્લામવાળાઓ માટે ઘણી મોટી અને મહાન છે તથા આપની મુસીબત આસમાનો માટે મહાન છે બલ્કે તમામ આસમાનવાળાઓ માટે મહાન છે.’

મુસીબતની મહાનતા માત્ર ઝુલ્મ અને મુસીબતોથીજ સંબંધિત નથી બલ્કે તેમાં મુસીબત ઉપાડનાર અને મઝલુમની મહાનતાને પણ દ્રષ્ટિ સમક્ષ રાખવી પડશે.

ઇમામ હુસૈન (અ.સ.)ની મુસીબત તમામ મુસલમાનો માટે મહાન છે. તેનો અર્થ એ છે કે અગર કોઇ ઇમામ હુસૈન (અ.સ.)ની આટલી મહાન મુસીબતથી પણ પ્રભાવિત ન થાય તો તેની ગણના ઇસ્લામવાળાઓમાં કરવામાં આવશે નહિં. તથા આ મુસીબત કાંઇક એવી છે કે જેના થકી આસમાન અને તેના રહેવાવાળા અસરઅંદાજ થયા. શદીદ ગીર્યા કર્યો અને એહલેઇસ્લામ સહીત બધા માટે આ એક મહાન મુસીબત છે.

એ બાબત સ્પષ્ટ છે કે જમીન ઉપર બનેલી ઘટનાથી આસમાન અને તેના રહેવાવાળા અસરઅંદાજ નથી થતા પરંતુ કરબલાના બનાવની એ મહાનતા છે કે તેની અસર આસમાનવાળાઓ ઉપર છવાએલી છે. ઇમામ હુસૈન (અ.સ.)ની મુસીબતથી ન ફક્ત આસમાન અને તેના રહેવાવાળાઓ ગમગીન છે બલ્કે તેઓ માટે આ અત્યંત મહાન મુસીબત છે. અગર કોઇ ઘટના આસમાનવાળાઓ માટે મોટી અને મહાન હોય તો તેની મહાનતાનો અંદાજ લગાવવો કોઇ ઇન્સાનની શક્તિ મર્યાદાની વાત નથી.

ઇતિહાસના આધારભૂત પુસ્તકોમાં આ પ્રકારના પ્રસંગો લખાએલા છે કે ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી કરબલાના મૈદાનમાં દિવસ હોવા છતાં એટલો અંધકાર છવાઇ ગયો હતો કે તારાઓ દેખાવા લાગ્યા હતા. આપણે જાણીએ છીએ કે વધારે પડતા વાદળા હોય ત્યારે પણ તારાઓ દેખાતા નથી. આ ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતની એ અસર હતી કે સૂરજે ગમગીન થઇને પોતાનો પ્રકાશ સમેટી લીધો. ત્યાર બાદ તે પછી ક્ષિતિજમાં લાલાશ દેખાવા લાગી. કહેવામાં આવે છે કે ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતની પહેલા ક્ષિતિજ આટલી લાલ થતી ન હતી. શહાદત પછી ચાલીસ દિવસ સુધી જે પથ્થરને ઉઠાવવામાં આવતો હતો તેની નીચેથી તાજું ખૂન નીકળતું હતું. દિવાલો અને દરવાજાઓ ઉપર સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે તાજું લોહી દેખાતું હતું. આખી કાએનાતમાં એવી કોઇ વસ્તુ ન હતી જે ઇમામ હુસૈન (અ.સ.)ની દર્દનાક શહાદતથી અસર અંદાજ ન થઇ હોય અને તેણે ઇમામ હુસૈન (અ.સ.)નો ગમ ન મનાવ્યો હોય. આ અસરો માત્ર લાગણીશીલ અસરો ન હોતી બલ્કે વાસ્તવિક અસરો હતી. દરેક વસ્તુ આ અઝીમ શહાદતથી ગમગીન હતી તથા આ સિલસિલો આજ સુધી ચાલુ છે.

આધારભૂત કિતાબોમાં આ પ્રકારની અસંખ્ય રિવાયતો જોવા મળે છે કે દરરોજ અમ્બીયા (અ.સ.) અને અલ્લાહની બારગાહથી નજદિક ફરિશ્તાઓની એક હરોળ ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત માટે આવે છે અને પરત જાય છે. એટલેકે દરેક સમયે ઇમામ હુસૈન (અ.સ.)ના પવિત્ર હરમમાં નબીઓ અને અલ્લાહની નઝદીકના ફરિશ્તાઓ ઝિયારતમાં મશ્ગુલ હોય છે. રિવાયતોમાં ફક્ત અંબિયા (અ.સ.) અને ફરિશ્તાઓની ઝિયારતનું વર્ણન જ નથી બલ્કે આ હઝરતો જ્યારે ઝિયારત માટે આવે છે ત્યારે એવી રીતે આવે છે કે તેઓના વાળ વિખરાએલા હોય છે, માથા ઉપર માટી હોય છે, રૂદન અને આક્રંદ કરતા અત્યંત ગમગીન હાલતમાં આવે છે. રિવાયતો એ વાતની સાબિતી છે કે ૧૪૦૦ વર્ષ પસાર થયા પછી પણ ઇમામ હુસૈન (અ.સ.)નો ગમ એટલોજ તાજો છે જેટલો હિ.સ. ૬૧ની આશુરામાં હતો. જ્યારે મઅસુમ નબીઓ અને ફરિશ્તાઓની આ પરિસ્થિતિ હોય ત્યારે ઇમામ હુસૈન (અ.સ.)ની અઝાદારી કોઇની પણ નજરમાં ગમે તેટલી વધુ દેખાય પરંતુ હકીકતમાં તે ઘણી ઓછી છે. જનાબ અઝીઝ બનારસીનો એક શેઅર છે.

“લોગ કહેતે હય કે તુમ લોગ બહોત રોતે હો,

હમકો ઝહરાસે નદામત હય કે કમ રોતે હય.’

હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના ગમનું ઉંડાણ અને તેનું મુલ્યનું રહસ્ય માત્ર અલ્લાહ તબારક વ તઆલાજ જાણે છે. દુનિયાના સર્જન વિષે જે રિવાયતોનો ઝિક્ર થયો છે તેનો અભ્યાસ કરવાથી એ સ્પષ્ટ થાય છે કે એહલેબય્ત (અ.સ.)ના કારણે જ આ દુનિયાનું સર્જન થયું છે તથા તેઓના સદકામાંજ અત્યારે દુનિયાને ઝીંદગી મળી રહી છે. જેને જે કાંઇપણ મળી રહ્યું છે તે બસ એહલેબય્ત (અ.સ.)ના કારણે અને તેઓના થકીજ મળી રહ્યું છે. શરાફતની માંગ એ છે કે ઇન્સાન શું બલ્કે દરેક વસ્તુએ તેની નેઅમતો પર અધિકાર ધરાવનારના ગમમાં ગમગીન થઇને પોતાના અસ્તિત્વનો હક્ક અદા કરવો જોઇએ.

ટૂંકાણને ધ્યાનમાં રાખીને રિવાયતનો માત્ર તરજુમો રજૂ કરીએ છીએ.

જનાબ અલ્લામા મજલીસી (અ.ર.) પોતાની બહુમૂલ્ય કિતાબ બેહારૂલ અન્વાર, ભાગ – ૫૭, પાના નં. ૧૬૯ ઉપર ૧૧૨મી હદીસની આ રીતે નોંધ કરે છે.

જનાબે જાબીર જોઅફી હઝરત મોહમ્મદ બાકીર (અ.સ.)થી આ રિવાયતની નોંધ કરે છે.

ઇમામે ફરમાવ્યું : “અય જાબીર, ખુદા હતો અને તેની સિવાય કાંઇ ન હતું. ન કોઇ મઅલુમ હતું ન મજહુલ (જે જાણી શકાય કે ન જાણી શકાય.) હતું. ખુદાવંદે આલમે સૌથી પહેલા મોહમ્મદ (સ.અ.વ.)ને પૈદા કર્યા અને તેમની સાથે અમો એહલેબય્ત (અ.સ.)ને પોતાના મહાન નૂરથી પૈદા કર્યા. અમે તેની સામે લીલાછમ્મ છાંયડાની જેમ રહ્યા. તે સમયે ન આસમાન હતું ન જમીન, ન મકાન, ન રાત, ન દિવસ, ન સૂરજ તથા ન ચાંદ હતો, અમારૂં નૂર ખુદાના નૂર થકી એવી રીતે ઝળહળિત હતું જેવી રીતે સૂરજ તેની કિરણોથી.

અમે ખુદાની તસ્બીહ અને તકદીસ કરતા હતા. તેની પ્રસંશા અને વખાણ (હમ્દ સના) કરતા હતા તથા દરેક સમયે તેની ઇબાદતમાં મશ્ગુલ રહેતા હતા. ત્યાર બાદ ખુદાએ સર્જનોમાંથી સર્જનોની હારમાળા શરૂ કરી. મકાન બનાવ્યું અને મકાન ઉપર આ મુજબ લખ્યું.

“અલ્લાહની સિવાય બીજો કોઇ ખુદા નથી. મોહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના રસુલ છે. અલી (અ.સ.) અમીરૂલ મોઅમેનીન અને તેના વસી છે. મેં અલીની થકી તેમને ટેકો આપ્યો અને તેમની મદદ કરી છે.’

તે પછી ખુદાવંદે આલમે અર્શને પૈદા કર્યું અને અર્શના શામિયાના ઉપર આજ લખાણ લખ્યું. પછી ખુદાવંદે આલમે આસમાનને પૈદા કર્યું અને તેના કિનારા ઉપર પણ આજ લખાણ લખ્યું પછી જન્નત અને જહન્નમને પૈદા કર્યા અને ત્યાં પણ આજ લખાણ લખ્યું. પછી ખુદાએ મલાએકાઓને પૈદા કર્યા અને તેઓને આસમાનમાં જગ્યા આપી. પછી ખુદાવંદે આલમે હવાને પૈદા કરી અને તેની ઉપર પણ આજ લખાણ લખ્યું. પછી ખુદાએ જીન્નાતોને પૈદા કર્યા અને તેઓને હવામાં રાખ્યા. પછી ખુદાએ જમીન બનાવી અને તેના ખુણે ખુણામાં આજ લખાણ લખ્યું. આજ કારણે આસમાન કોઇપણ પાયા વગર ઉભું છે અને જમીન સ્થિર છે….. પછી ખુદાએ આદમને જમીનની માટીમાંથી પૈદા કર્યા……

…..આથી અમે ખુદાવંદે આલમનું પહેલું સર્જન છીએ અને સૌથી પહેલું સર્જન છીએ જેણે ખુદાની ઇબાદત કરી અને તેની તસ્બીહ કરી. તથા અમેજ સૃષ્ટિના સર્જનનું કારણ છીએ. અમેજ તમામ મલાએકા અને ઇન્સાનોની તસ્બીહ અને ઇબાદતનું કારણ છીએ.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૫૭, પાનાનં. ૧૬૯, હ. ૧૧૨)

આ હદીસથી એ સ્પષ્ટ છે કે ખુદાવંદે આલમે ખલ્ક કરેલ પોતાના મહાન નૂરથી મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.સ.)નું સર્જન કર્યું. પહેલા દિવસથીજ તેઓ ખુદાની તસ્બીહ અને તકદીસ કરતા હતા તેમજ તેની ઇબાદત કરતા હતા.

જ્યારે ખુદાએ આ દુનિયાનું સર્જન કર્યું ત્યારે તેના કપાળ ઉપર પોતાની તૌહીદ, રસુલની રિસાલત અને અલીની ઇમામત લખી છે. તેથી સ્પષ્ટ છે કે દુનિયાના કપાળ ઉપર આપણોજ કલ્મો લાએલાહ ઇલ્લલ્લાહ મોહમ્મદુર રસુલુલ્લાહ અલીયુન્ન વલીયુલ્લાહ લખાએલો છે.

હવે આ જ સિલસિલાની એક બીજી રિવાયત જોઇએ. ટૂંકાણને ધ્યાનમાં રાખી માત્ર તરજુમાથી સંતોષ માનીએ છીએ.

આ રિવાયત અલ્લામા મજલીસી (અ.ર.)એ “મીસ્બાહુલ અન્વાર’ના હવાલાથી “તેમની બહુમુલ્ય કિતાબ બેહારૂલ અન્વાર’માં નોંધી છે.

અનસે રસુલે ખુદા (સ.અ.વ.)થી નકલ કર્યું છે કે આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું :

“ખરેખર અલ્લાહે જનાબે આદમ (અ.સ.)ને પૈદા કરવા પહેલા મને અને અલીને પૈદા કર્યા, ફાતેમા, હસન અને હુસૈનને પૈદા કર્યા, તે સમયે ન આસમાનનો શામિયાનો હતો અને ન જમીનની ફર્શ હતી ન અંધકાર હતો અને ન પ્રકાશનું અસ્તિત્વ હતું. ન તો સૂરજ હતો ન ચાંદ અને ન તો અગ્નિ હતી.’

આં હઝરત (સ.અ.વ.)એ તે ઉપરાંત ફરમાવ્યું :

“જ્યારે ખુદાએ અમને પૈદા કરવા ચાહ્યું ત્યારે તેણે એક વાક્ય કહ્યું અને તેનાથી નૂર પૈદા કર્યું. પછી એક બીજું વાક્ય કહ્યું તેનાથી રૂહને પૈદા કરી. પછી નૂરને રૂહની સાથે ભેળવ્યું. તેનાથી મને, અલી, ફાતેમા, હસન અને હુસૈનને પૈદા કર્યા. અમે તે સમયે ખુદાની તસ્બીહ કરી રહ્યા હતા જ્યારે તસ્બીહનું અસ્તિત્વ ન હતું. અને તે સમયે તકદીસ કરી જ્યારે તકદીસનું અસ્તિત્વ ન હતું. (એટલે અમે આ તસ્બીહ કોઇની પાસેથી નથી મેળવી, અમને કોઇપણ સર્જને તઅલીમ નથી આપી).

જ્યારે ખુદાવંદે આલમે પોતાના સર્જનોને પૈદા કરવા ચાહ્યું ત્યારે મારા નૂરનું વિભાજન કર્યું અને તેમાંથી અર્શને પૈદા કર્યું. આથી અર્શ મારા નૂરથી છે અને મારૂં નૂર અલ્લાહના નૂરથી છે. મારૂં નૂર અર્શથી અફઝલ છે. ત્યાર બાદ અલ્લાહે મારા ભાઇ અલીના નૂરનું વિભાજન કર્યું અને તેના વડે ફરિશ્તાઓને પૈદા કર્યા. આથી ફરિશ્તાઓ અલીના નૂરથી છે અને અલીનું નૂર અલ્લાહના નૂરથી છે તથા અલી ફરિશ્તાઓથી અફઝલ છે.

ત્યાર પછી મારી પુત્રી ફાતેમાના નૂરનું વિભાજન કર્યું તેમાંથી આસમાન અને જમીનને પૈદા કર્યા. આથી આસમાન અને જમીન મારી પુત્રી ફાતેમાના નૂરથી છે તથા મારી પુત્રી ફાતેમાનું નૂર અલ્લાહના નૂરથી છે અને મારી પુત્રી ફાતેમા આસમાનો અને જમીનથી અફઝલ છે.

પછી ખુદાએ મારા ફરઝંદ હસનના નૂરનું વિભાજન કર્યું અને તેમાંથી સૂરજ અને ચાંદને પૈદા કર્યા. તેથી સૂરજ અને ચાંદ મારા ફરઝંદ હસનના નૂરથી છે તથા હસનનું નૂર અલ્લાહના નૂરથી છે અને હસન સૂરજ અને ચાંદથી અફઝલ છે.

પછી ખુદાએ મારા ફરઝંદ હુસૈનના નૂરનું વિભાજન કર્યું અને તેમાંથી જન્નત અને હુરૂલ અય્નને પૈદા કર્યા. તેથી જન્નત અને હુરૂલ અય્ન મારા ફરઝંદ હુસૈનના નૂરથી છે. મારા ફરઝંદ હુસૈનનુ નૂર અલ્લાહના નૂરથી છે તથા મારા ફરઝંદ હુસૈન જન્નત અને હુરૂલ અય્નના નૂરથી અફઝલ છે.

(બેહાર, ભાગ-૫૭, પા. નં. ૧૯૧-૧૯૩, હદીસ નં. ૧૩૯)

આ હદીસથી અંદાજ લગાવી શકાય છે કે સમગ્ર સૃષ્ટિનું સર્જન મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.સ.)ના પાક નૂરથી કરવામાં આવ્યું છે. સૃષ્ટિ મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.સ.)ના અસ્તિત્વની અસર છેે. બધી જ સૃષ્ટિઓ તેઓના નૂરની કિરણો છે. જ્યારે દુનિયા મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.સ.)ના અસ્તિત્વની અસર છે તો પછી કાએનાતનો અહલેબૈત (અ.સ.) સાથેનો સંબંધ એક વાસ્તવિક અને ખરેખરો સંબંધ છે. તે સંબંધ માત્ર લાગણીસભર અને કામચલાવ સંબંધ નથી. આ સંબંધ ર્માં-બાપ અને  સંતાનોના સંબંધથી વધુ મજબૂત છે. હવે જરા વિચાર કરો સંબંધો જેટલા વધુ ઉંડા અને તીવ્ર હશે ગમની અસર પણ એટલી જ વધુ ઉંડી અને વિશાળ હશે. એહલેબય્ત (અ.સ.)ના કાએનાત સાથે બે અત્યંત મજબૂત સંબંધ છે. એક અસ્તિત્વનો સંબંધ અને બીજો હિદાયતનો સંબંધ. આથી આ વાત સાબિતીના પાયાના સ્તર સુધી પહોંચે છે કે સમગ્ર દુનિયાને ખુદાની મઅરેફત, તેની તસ્બીહ અને તકદીસ આલે મોહમ્મદ (અ.સ.)ની તઅલીમથી પ્રાપ્ત થાય છે. આ સંબંધ કામ ચલાવ નહિં પરંતુ હંમેશનો છે, લાગણીશીલ નહિં પરંતુ વાસ્તવિક છે. હવે એહલેબય્ત (અ.સ.)ના ગમમાં અને ખાસ કરીને ઇમામ હુસૈન (અ.સ.)ના ગમમાં સમગ્ર કાએનાતનું અસર અંદાઝ થવું, તે એક કુદરતી બાબત છે. અને ગમની તીવ્રતા અરસપરસના જોડાણના આધારે છે. સંબંધ વાસ્તવિક છે તેથી આ ગમ પણ વાસ્તવિક છે. આ સંબંધ ક્યારેય પણ તૂટી શકતો નથી તેવી જ રીતે આ ગમની અસર પણ ક્યારેય ખતમ નહિં થાય. અગર કાએનાત આ ગમ ન મનાવે તો કપૂત (નાલાયક દિકરો) કહેવાય.

આ રિવાયતથી એક બાબત એ પણ સ્પષ્ટ થાય છે કે જન્નતનું સર્જન ઇમામ હુસૈન (અ.સ.)ના નૂરથી થયું છે. આથી ઇમામ હુસૈન (અ.સ.)ની બાબતે ડગલેને પગલે જન્નત છે. ઇન્સાનનું ચિંતન અને મનન, બોલચાલ, ચારિત્ર્ય અને કારર્કિદી, સુવું અને ખાવું બધુંજ ઇમામ હુસૈન (અ.સ.)ની મોહબ્બતથી ધોવાઇ જાય તો તેના ઉપર એક સમય એવો આવશે કે તેનું દીલ નુરે ઇલાહીની તજલ્લીનું ઘર બની જશે જેમ કે એક શાયર બયાન કરે છે:

“મોહબ્બતમેં એક અયસા વક્ત ભી આતા હય ઇન્સાન પર,

કે તારોંકી ચમકસે ચૌટ લગતી હય રગે જાન પર.’

ઇમામ હુસૈન (અ.સ.)ની મહાન મુસીબતથી માત્ર કાએનાત અસરગ્રસ્ત નથી થઇ બલ્કે તે હઝરતો સૌથી વધુ અસરગ્રસ્ત ગમગીન છે જેના લીધે આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે. એ બાબત ધ્યાનમાં રહે કે રસુલે ખુદા (સ.અ.વ.) આ સૃષ્ટિમાં સૌથી અફઝલ અને સૌથી શ્રેષ્ઠ છે. આપ (સ.અ.વ.)નો દરેક અમલ ખુદાની ભવ્યતાનુ પ્રતિબિંબ છે. આપ (સ.)નો કોઇ અમલ સામાન્ય માણસની જેમ આવેગ ભર્યો અને લાગણીવશ થઇને નથી હોતો.

જનાબે ઇબ્ને અબ્બાસનું બયાન છે : મેં રસુલ (સ.અ.વ.)ને બપોરના સુમારે સ્વપ્નમાં જોયા કે વાળ વિખરાએલા છે અને તેના ઉપર માટી પડેલી છે. તેમના મુબારક હાથમાં એક શીશી છે જેમાં ખૂન છે. મેં અરજ કરી, અય અલ્લાહના રસુલ મારા ર્માં-બાપ આપ ઉપર કુરબાન થાય, આ શું છે? ફરમાવ્યું :

“આ હુસૈન (અ.સ.) અને તેના સાથીદારોનું ખૂન છે. આજ સવારથી હું આ ખૂનને ભેગુ કરી રહ્યો છું.’

અમ્માર કહે છે કે : જ્યારે અમે ગણતરી કરી તો જાણવા મળ્યું કે આ એજ દિવસ હતો જે દિવસે ઇમામ હુસૈન (અ.સ.)ને કત્લ કરવામાં આવ્યા હતા.

એક રિવાયતમાં આ મુજબ છે.

જે દિવસે ઇમામ હુસૈન (અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા તેજ રાત્રે ઇબ્ને અબ્બાસે રસુલ (સ.અ.વ.)ને સ્વપ્નમાં જોયા. તેમના હાથમાં એક શીશી હતી જેમાં લોહી હતું. તેમણે પુછયું :

અય અલ્લાહના રસુલ, આ શું છે? આપે ફરમાવ્યું :

“આ હુસૈન અને તેના સાથીદારોનું ખૂન છે. હું તેને ખુદાની બારગાહમાં લઇ જઇ રહ્યો છું.’

(તારીખે ઇબ્ને અસીર, ભાગ-૧, પા.નં. ૫૮૨, પ્રકાશન બૈરૂત)

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)નું આ રીતે ગમગીન થવું, વાળો વિખેરાએલા હોવા અને તેની ઉપર માટી હોવી તે કાએનાતની ગમગીની કરતાં ઘણી વધારે અસાધારણ બાબત છે. આથી ઇમામ હુસૈન (અ.સ.) ઉપર થએલા ઝુલ્મોની સખ્તાઇ અને તીવ્રતાનો અંદાઝો લગાવવો તે બીજા કોઇની બસની વાત નથી.

અગર આપણે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની સુન્નત ઉપર અમલ કરવા ચાહીએ છીએ અને સૃષ્ટિના સર્જનનું જે કારણ છે તેની સાથે સુસંગત થવા ચાહીએ છીએ તથા આપણા અસ્તિત્વની માંગને પૂરી કરવા ચાહીએ છીએ તો એ જરૂરી છે કે આપણે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)નો ગમ મનાવીએ અને તીવ્રતાથી મનાવવો જોઇએ. જો કે આપણે શું અને આપણા ગમની તીવ્રતા શું? આ ગમમાં આંસુ વહાવવાવાળા તો એ છે કે જેના માટે મરહુમ નફીસ (અ.મ.)એ કહ્યું છે :

“રોને મેં ફઝો મેં ચશ્મ સે ચશ્મ,

દરિયા દરિયા સે બઢ ગએ હય.’

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.