Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૩૨

ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ની જુમ્માના દિવસની ઝિયારતની સમજણ

Print Friendly

(અલ મુન્તઝર શાબાન સ્પેશ્યલ અંક ૧૪૩૦ અગાઉથી શરૂ)
ય્”અસ્સલામો અલય્ક યા મવ્લાય અના મવ્લાક આરેફુન બે ઉલાક વ ઉખરાક
“સલામ થાય આપ પર અય મારા મૌલા! હું આપનો ગુલામ છુ, આપની શરૂઆત અને અંત બંનેની મારેફત રાખુ છુ
ઝિયારતના આ વાક્યમાં ૪ શબ્દો પર ચર્ચા કરી શકાય છે. મૌલા, આરિફ, ઉલા અને ઉખ્રા. પરંતુ મૌલા શબ્દ ઉપર ઘણી ચર્ચા અગાઉના અલ મુન્તઝર અંકોમાં ખાસ કરીને ગદીરના સ્પેશ્યલ અંકમાં થઇ ચુકી છે. એટલે અમે અહીં એકદમ ટુંકમાં કહીશુ કે મૌલા શબ્દ અરબીના એ શબ્દોમાંથી છે જેના વિરોધાર્થ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો મૌલાનો એક અર્થ આકા છે અને અને એક અર્થ ગુલામ પણ છે. આ જુમ્લામાં બંને અર્થનો ઉપયોગ છે. પહેલી વખતે મવ્લાયનો અર્થ છે મારા આકા અને બીજી વખતે મવ્લાકનો અર્થ છે હું તમારો ગુલામ છું. ખૈર, બીજો શબ્દ આરિફ એ માઅરેફત અને ઇરફાનનું ઇસ્મે ફાઇલ છે અને આ શબ્દ એટલે કે માઅરેફત વિશે પણ ઘણી ચર્ચા અગાઉ થઇ ચુકી છે. આથી અહીં તે ચર્ચા કરીશુ નહી. અલબત્ત ટુંકાણને ધ્યાનમાં રાખીને બાકી રહ્યા બે શબ્દ ઉલા અને ઉખરા. આ બંને શબ્દો ફુઅલાના વજન પર આવેલા છે. અને અરબી વ્યાકરણમાં ઇસ્મે તફઝીલના ી જાતિના સીગા છે. ઉલાનો મતલબ છે શરૂઆત, પ્રથમ, અગાઉનુ, અવ્વલની ી જાતિનો શબ્દ ઉલા છે. કુર્આને મજીદમાં આખેરતની સામે આ શબ્દનો ઉપયોગ થયો છે. ત્યાં તેનો અર્થ દુનિયા છે. કારણકે તે આખેરતની પહેલા છે. દા.ત. “વલ આખેરતો ખય્રૂલ્લક મેનલ્ ઉલા “અને આખેરત તમારા માટે ઉલાથી બહેતર છે. આ રીતે ઉખરાનો મતલબ છે બીજી, પછીની અને છેલ્લી. આખિરનું સ્ત્રીવાચક છે ઉખરા. કુરઆને કરીમમાં આ શબ્દનો ઉપયોગ ૨૦થી વધુ વખત થયો છે.
શક્ય છે કે અહીં ઉલાનો મતલબ ઝુહુરથી પહેલાનો સમય હોય અને ઉખરાથી ઉદ્દેશ ઝુહુર પછીનો એટલે કે ઇમામે ઝમાના(અ.સ.)ની વૈશ્ર્વીક હુકુમતનો સમય. આ બાબતે ઉસુલે કાફીની આ હદીસથી સમર્થન લઇ શકાય છે. “વમા લહુ ફિલ્ આખેરતે મિન્ નસીબ “અને તેની માટે આખેરતનો કોઇ હિસ્સો નથી (સુ. શુરા, આયત:૨૦) આ આયતની તફસીરમાં હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:
“લય્સ લહુ ફી દવ્લતિલ્ હક્કે મઅલ્ કાએમે નસીબુન
“કાએમે આલે મોહમ્મદ(અ.સ.)ની બરહક હુકુમતમાં તેને કોઇ ભાગ નસીબ નહી થાય
(કાફી, ભાગ:૧, પાના:૪૩૫)
આ રીતે આને રજઅત અને કયામત પણ ગણી શકાય છે. આટલી ચર્ચાનો ખુલાસો એ છે કે અહીં ઝિયારત પઢનાર પોતાના આકા અને મૌલા હઝરત બકીય્યતુલ્લાહિલ્ અઅ્ઝમને મુખાતિબ થઇને પોતાની ગુલામી અને નોકરીને કબુલ કરે છે અને સાથો સાથ એ પણ દાવો કરે છે કે મૌલા હું આપની માઅરેફત એવી જ રીતે રાખુ છું જેવી રીતે માઅરેફત રાખવાનો હક છે. આપની તમામ રીતો અને પાસાઓથી વાકિફ છું. (અલ્લાહ બહેતર જાણે છે)
ય્”અતકર્રબો એલલ્લાહે તઆલા બેક વ બે આલે બય્તેક
“હું અલ્લાહ તઆલાથી નજદીકી હાસિલ કરૂ છું, આપના થકી અને આપના ઘરવાળાઓ થકી
અહીં અલ્લાહ તઆલાથી નજદીકીનો ઝરીઓ અહલેબૈત(અ.મુ.સ.)ને ગણાવ્યા છે એટલે કે અગર કોઇ ઇન્સાન ખુદાવંદથી નજદીક થવા ચાહે છે તો તેના માટે જરૂરી છે કે તે પવિત્ર હસ્તીઓને વસીલો અને ઝરીઓ બનાવે જેઓને ખુદાવંદે આલમે પોતાના સુધી પહોંચવાનો વસીલો બનાવ્યો છે. કારણ કે આજે મુસલમાનોની વચ્ચે અમુક એવા લોકો પૈદા થઇ ગયા છે જેઓ વસીલો, શફાઅત, તવસ્સુલ, કબ્રોની ઝિયારત વિગેરેનો ઇન્કાર કરે છે અને તેઓની તબ્લીગ એટલી વધી ગઇ છે કે અમુક આપણા ભાઇઓ પણ તેમના વિચારો અને ખયાલોથી અસરગ્રસ્ત થઇ રહ્યા છે. આથી અમે પોતાની જવાબદારી સમજીએ છીએ કે આ વિષય ઉપર થોડો પ્રકાશ ફેંકીએ છીએ જેથી મોઅમેનીન લોકોના દિલો મજબુત બને અને મુનાફિક લોકો માટે જીવલેણ ઘા બને. ઇન્શાઅલ્લાહ.
સૌપ્રથમ શબ્દ `અતકર્રબો’ વિશે ટુંકમાં ચર્ચા કરીએ અતકર્રબો શબ્દનો મુળ શબ્દ `કરોબ’ છે અને બાબે તફઅ્ઉલનો ૧૩ મો સીગો છે. આમ તો બાબે તફઅ્ઉલના ઘણા બધા અર્થ થાય છે. પરંતુ પહેલો અર્થ મુતાવેઆહ એટલે કે ક્રિયાપદની અસરને કબુલ કરવી. શબ્દ અતકર્રબો-મેં વસીલા વડે ખુદાની નઝદીકીનો માર્ગ અપનાવ્યો મુતકર્રીબ એ શખ્સને કહેવામાં આવે છે જે નઝદીકીની શોધમાં હોય. આ ઝિયારતમાં ખુદાની નજદીકી હાસિલ કરવાની વાત છે પરંતુ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના વસીલાથી. હવે આવો આપણે વસીલા વિશે અમુક બાબતો જોઇએ અલબત્ત ટુંકાણને ધ્યાનમાં રાખીને. (નહિતર આ વિષય પર એક સ્વતંત્ર કિતાબ લખી શકાય છે.)
પ્રથમ મુદ્દો:
વસીલો-ઇલાહી સુન્નત:
દરેક મુસલમાન કોઇ પણ જાતની શંકા વગર આ અકીદો રાખે છે કે ઝાતે બારી તઆલા કાદિર, બેનિયાઝ અને સુલ્તાન છે. બીજા શબ્દોમાં કહીએ તો ખુદાવંદે મુતઆલ એવો બાદશાહ છે જે દરેક ચીજ પર કુદરત રાખે છે અને પોતાના કાર્યોમાં કોઇનો મોહતાજ નથી, કોઇ તેનો ભાગીદાર નથી અને તમામ અસ્તિત્વ ધરાવતી ચીજો તેની મખ્લુક અને બનાવેલી છે. આમાં કોઇ અપવાદ નથી કે અગર કોઇ શખ્સ આનાથી અલગ પોતાનો અકીદો રાખે તો તે ઇસ્લામના વર્તુળમાંથી બહાર છે.
આ સંપૂર્ણ સિફાતો હોવા છતાં ખુદાવંદે આલમે પોતાના તમામ કાર્યો માટે વસીલા બનાવ્યા છે. આ વસીલા થકી તે કાર્યોને પુરા કરે છે. દુનિયાની કોઇ એવી તાકાત નથી જે કાદીરે મુત્લકને આ તમામ કાર્યો ડાઇરેક્ટ, સીધેસીધા, પ્રત્યક્ષ રીતે કરવાથી રોકી શકે. પરંતુ આલીમ બે કુલ્લે શય (દરેક ચીજના જાણકાર ખુદા)એ એ નિર્ણય કર્યો છે કે તે તમામ કાર્યોને વસીલા થકી અંજામ આપશે. આથી તેણે મુકર્રબ ફરિશ્તાઓ, અંબિયાઓ અને મુરસલીન અને માનનીય અવસીયાઓને આ કાર્યો અંજામ આપવા માટે ચુંટયા. આ એ હકીકત છે કે જેનો કોઇ ઇન્કાર નથી કરી શકતું. શું કોઇ મુસલમાન ઇન્કાર કરી શકે છે કે ખુદાવંદે મોતઆલે અંબીયા અને રસુલોને લોકોની હિદાયત માટે મોકલ્યા? અથવા વહીના નાઝિલ કરવા માટે હઝરત જીબ્રઇલ(અ.સ.)ને વસીલો બનાવ્યા? અથવા રૂહોને કબ્ઝ કરવાની જવાબદારી હઝરત ઇઝરાઇલ(અ.સ.)ને સોંપી? અથવા સૂર ફુંકવા માટેની જવાબદારી હઝરત ઇસ્રાફીલ (અ.સ.)ની છે? શું આ તમામ કાર્યો તે ખુદ પોતે નથી કરી શકતો? ચોક્કસ તે કરી શકે છે. પરંતુ તેણે તવસ્સુલને પોતાની સુન્નત બનાવી છે. કદાચ આ નામના મુસલમાનોને બતાવવા માટે કે તમે એટલા બધા ઘમંડી અને અભિમાની થઇ ગયા કે એવુ વિચારવા લાગ્યા કે મારા સુધી સીધે સીધા પહોંચી જશો જ્યારે કે મેં ખુદ કુર્આનમાં તવસ્સુલનો હુક્મ દીધો છે.
“યા અય્યોહલ્લઝીન આમનૂ ઇત્તકુલ્લાહ વબ્તગુ એલય્હીલ વસીલત વ જાહેદૂ ફી સબીલેહી લઅલ્લકુમ તુફ્લેહૂન
“અય ઇમાન લાવનારાઓ! અલ્લાહથી ડરો અને તેના માટે વસીલાની તલાશ કરો અને તેની રાહમાં સંઘર્ષ કરો, જેથી તમે કામ્યાબ થઇ જાવ
(સુરએ માએદા, આયત:૩૫)
બીજો મુદ્દો
કુરઆને કરીમની રોશનીમાં તવસ્સુલ:
કુરઆને કરીમની ઉપરોક્ત આયત ઉપરાંત કિતાબે મોબીનમાં ઘણી બધી આયતો એવી છે જેમાં તવસ્સુલનો મતલબ સ્પષ્ટ રીતે બયાન કરવામાં આવ્યો છે. દા.ત. હઝરત યાકુબ(અ.સ.)ના દિકરાઓ જ્યારે આપની પાસે આવ્યા અને આપથી પોતાના માટે ઇસ્તિગ્ફાર કરવાની દરખાસ્ત કરી, મતલબ કે પોતાના માટે યાકુબ(અ.સ.)ને વસીલો બનાવ્યો ત્યારે યાકુબ(અ.સ.)એ ઇન્કાર કર્યો નહી. પરંતુ તરતજ કબુલ કરી લીધુ. આવો ખુદ કુરઆને કરીમના શબ્દોમાં જોઇએ.
“કાલૂ યા અબાના ઇસ્તગ્ફીર લના ઝોનૂબના ઇન્ના કુન્ના ખાતેઇન્ કાલ સવ્ફ અસ્તગ્ફેરો લકુમ રબ્બી ઇન્નહૂ હોવલ ગફુરૂર્ રહીમ્
“હઝરત યુસુફ(અ.સ.)ના ભાઇઓએ કહ્યુ: અય અમારા વાલિદ! આપ અમારા ગુનાહોને માટે ઇસ્તીગ્ફાર (મગફેરત તલબ કરવી) કરો, બેશક! અમે ખતાકાર છીએ. આપે કહ્યુ: નજીકમાંજ હું મારા પરવરદિગાર પાસે તમારા માટે મગ્ફેરત તલબ કરીશ, બેશક! તે માફ કરવાવાળો અને રહીમ છે.
(સુરએ યુસુફ, આયત: ૯૭-૯૮)
તમોએ જોયુ! કે અલ્લાહના નબી(અ.સ.)એ એવુ નથી કહ્યુ કે વસીલો બિદઅત છે, હરામ છે, વાસ્તા વિના ઇસ્તીગ્ફાર કરો. નહીં પરંતુ તેનાથી ઉલ્ટુ આપે તેઓની દરખાસ્તને કબૂલ કરી અને ખુદાવંદે આલમની મગ્ફેરત અને રહેમતની આશા અપાવી. આ ઉપરાંત કુરઆને કરીમમાં ઘણા એવા દાખલાઓ મવજૂદ છે, પરંતુ લેખની મર્યાદાને ધ્યાનમાં રાખીને અમે એક ઉદાહરણને પુરતુ સમજીએ છીએ.
ત્રીજો મુદ્દો
એહલે સુન્નત વલ જમાઅતની ભરોસાપાત્ર હદીસોમાં તવસ્સુલ:
પ્રથમ હદીસ: ઉસ્માન બિન હુનૈફનું બયાન છે કે એક અંધ શખ્સ પયગમ્બરે ઇસ્લામ(સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થયો અને અરજ કરી `આપ ખુદાથી દુઆ કરો કે મને તંદુરસ્તી અતા કરે’ આપ(સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યુ કે “અગર તુ કહે તો દુઆ કરૂ અને તુ ચાહે તો સબ્ર કર, અને સબ્ર તારા હકમાં બહેતર છે તેણે કહ્યુ: `આપ દુઆ કરો’ પયગમ્બર(સ.અ.વ.)એ તેને વુઝૂ કરવાનો હુક્મ આપ્યો કે તુ વુઝૂ કર અને પોતાના વુઝૂ પર પૂરે પૂરૂ ઘ્યાન દે અને બે રકાત નમાઝ અદા કર અને આ દુઆ પઢ. “પરવારદિગાર! હું તારાથી દરખાસ્ત કરૂ છુ કે હું તારી તરફ મુતવજ્જેહ થઉ છું. તારા પયગંબર મોહમ્મદ(સ.અ.વ.) જેઓ રહેમતના પયગંબર છે. અય મોહમ્મદ(સ.અ.વ.) હું આપના તવસ્સુલથી મારા પરવરદિગારની તરફ રૂજૂ કરૂ છુ કે આપ(સ.અ.વ.) મારી હાજત પૂરી કરો. ખુદાયા! તુ હુઝૂર(સ.અ.વ.)ની શફાઅતને મારા હકમાં કબૂલ કર
આ હદીસ સાચી અને યકીની હોવાના વિશે કોઇ શક નથી ત્યાં સુધી કે વહાબીઓના આગેવાન ઇબ્ને તૈમીયાએ આ હદીસને સહીહ ગણી છે. મશ્હૂર વહાબી લેખક `રફાઇ’ જે દરેક સમયે કોશિશ કરતો રહે છે કે તવસ્સુલની હદીસોને ઝઇફ અને કમઝોર પૂરવાર કરે તે લખે છે…
“લા શક્ક અન્ન હાઝલ હદીસ સહીહુન વ મશ્હૂરૂન વ કદ્ સબત ફીહે બેલા શક્ક
“બેશક! આ હદીસ સાચી છે અને મશ્હૂર છે અને કોઇ પણ જાતના શક વગર તેની સચ્ચાઇ સાબિત છે.
(અત્તવાસુલ એલા હકીકતુત તવસ્સુલ, પાના:૧૫૮)
આ હદીસને નિસાઇએ પોતાની સોનનમાં, બય્હકીએ પોતાની સોનનમાં, તબરાનીએ પોતાની મોઅજમમાં, તિરમીઝીએ પોતાની સોનનમાં અને હાકિમ નિશાપૂરીએ પોતાની મુસ્તદરકુસ્સહીહૈનમાં વર્ણવી છે.
(અત્તવાસુલ)
આ ઉપરાંત ઝૈની દહલાન પોતાની કિતાબ ખુલાસતુલ કલામમાં લખે છે “આ હદીસને બુખારીએ પોતાની તારીખમાં, ઇબ્ને માજ્જાએ પોતાની સોનનમાં, હાકિમ નિશાપૂરીએ પોતાની મુસ્તદરકુસ્સહીહૈનમાં અને જલાલુદ્દીન સુયુતીએ જામેઅમાં વર્ણવી છે.
ઇબ્ને માજાએ આ હદીસને સહીહ ગણાવી છે. હાકિમ નિશાપૂરી લખે છે આ હદીસ શૈખૈન (બુખારી અને મુસ્લિમ)ની શર્તો પર પાર પડે છે. પરંતુ એ બંનેએ આ હદીસને વર્ણવી નથી.
બીજી હદીસ: પયગંબરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યુ:
“જ્યારે જનાબે આદમ(અ.સ.)થી તર્કે ઉલા થયુ, આપે માથુ આસ્માન તરફ બુલંદ કર્યુ અને કહ્યુ: ખુદાયા! હું બેહક્કે મોહમ્મદ(સ.અ.વ.) તારાથી સવાલ કરૂ છુ કે તુ મને માફ કરી દે. ખુદાએ સવાલ કર્યો કે મોહમ્મદ(સ.અ.વ.) કોણ છે? આદમ(અ.સ.)એ જવાબ આપ્યો: જ્યારે તુએ મને પૈદા કર્યો હતો, ત્યારે મેં મારૂ માથુ અર્શની તરફ ઉંચુ કર્યુ અને જોયું કે તેના પર લખ્યુ હતું `ખુદા સિવાય કોઇ માઅબુદ નથી અને મોહમ્મદ(સ.અ.વ.) અલ્લાહના રસુલ છે.’ મેં મારી જાતને કહ્યું કે મોહમ્મદ ખુદાની બુઝુર્ગતરીન મખ્લુક છે કે ખુદાએ પોતાના નામની સાથે આપ(અ.સ.)ના નામને લખ્યું છે. તે સમયે આદમ(અ.સ.) ઉપર વહ્ય થઇ કે આપ(સ.અ.વ.) તમારા વંશમાંથી આખરી નબી હશે અને આપ(સ.અ.વ.) ન હોતે તો હું તમને પૈદા જ ન કરતે
(તબરાની-અલ્ મોઅ્જમુસ્સગીરમાં, હાકિમ નિશાપૂરી-મુસ્તદરકુસ્ સહીહૈન, ભાગ:૨, પાના:૬૧૫ /
અબુ નઇમ ઇસ્ફહાની અને બયહકીએ – દલાએલુન્ નુબુવ્વતમાં / ઇબ્ને અસાકીર શામીએ પોતાની તારીખમાં,
સુયુતીએ દુર્રે મન્સુરમાં ભાગ:૧, પાના:૫૯માં /
આલુસીએ રૂહુલ્ મઆનીમાં ભાગ:૧, પાના:૨૧૭માં આ હદીસને નક્લ કરી છે.)
ચોથો મુદ્દો
તવસ્સુલ શીઆ હદીસોમાં:
શીઆની હદીસોની કિતાબોમાં તવસ્સુલના વિશે ઘણુ બધુ વર્ણન કરવામાં આવ્યું છે. અહીં તમામ સંદર્ભો લખવાનું શક્ય નથી, પરંતુ નમુના તરીકે એક હવાલો રજૂ કરીએ છીએ. બેહારૂલ અન્વાર ભાગ:૨૩ પાના:૯૯ પ્રકરણ `અન્નહુમ (અ.મુ.સ.) અલ્ વસાએલો બય્નલ્ ખલ્કે વ બય્નલ્લાહે’ (એટલે કે એહલેબૈત(અ.મુ.સ.) મખ્લુકાત અને અલ્લાહની વચ્ચે વસીલો છે.)
“વ અન્તઝેરો ઝોહુરક વ ઝોહુરલ્ હક્કે અલા યદય્ક
“હું આપના ઝુહુર અને આપના હાથો પર હકના ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યો છું
ઇન્તેઝાર અને ઝુહુર આ બન્ને વિષયો ઉપર એસોસિએશન ઓફ મહદી(અ.સ.)ના તરફથી ઘણી બધી કિતાબો અને પુસ્તિકાઓ પ્રકાશિત થઇ ચુક્યા છે.
અલ્-મુન્તઝરના ખાસ અંકોમાં પણ આની ચર્ચા થઇ ચુકી છે. રસ ધરાવતા વાંચકો તેનો અભ્યાસ કરી શકે છે.
ય્”વ અસ્અલુલ્લાહ અંય્યોસલ્લે અલા મોહમ્મદીવ્ વ આલે મોહમ્મદ વ અંય્યજ્અલની મેનલ્ મુન્તઝેરીન લક વત્તાબેઇન વન્નાસેરીન લક અલા અઅ્દાએક વલ્ મુસ્તશ્હદીન બય્ન યદય્ક ફી જુમ્લતે અવ્લેયાએક
“અને હું અલ્લાહ પાસે સવાલ કરૂ છું કે તે મોહમ્મદો આલે મોહમ્મદ પર સલવાત મોકલે અને મને આપનો ઇન્તેઝાર કરવાવાળાઓમાં શામિલ કરે અને આપની પૈરવી કરવાવાળાઓમાં, આપના દુશ્મનોની વિરૂધ્ધ આપની મદદ કરવાવાળાઓમાં અને આપના તમામ દોસ્તોમાં આપની હાજરીમાં શહાદતનો ફૈઝ હાસિલ કરવાવાળાઓમાં
ઝિયારતના આ જુમ્લાઓમાં ઇમામે ઝમાના(અ.સ.)ના ચાહવાવાળાઓની ત્રણ જવાબદારી અને એક પરિક્ષાનો ઉલ્લેખ છે. તે ત્રણ જવાબદારી કંઇ છે? ઇન્તેઝાર, પૈરવી, નુસ્રત અને તેની પરિક્ષા અથવા ઇનામ શહાદત છે. કોઇ પણ મોઅમિન માટે તેનાથી વધીને કઇ ખુશનસીબી હોય શકે તે પોતાના ઇમામની નુસ્રત કરતા કરતા શહાદતનો ફૈઝ હાસિલ કરે.
(વધુ ઇન્શાઅલ્લાહ આવતા અંકે)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.