Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૩૨ » કિતાબોનો પરિચય

બેહારુ અલ-અન્વારે

Print Friendly

બેહારુ અલ-અન્વાર પર એક નજર

પ્રસ્તાવના:
અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ.) દુન્યવી, દીની અને ઇલાહી ઇલ્મના સ્ત્રોત છે. તેમની સીરત અને હદીસો આપણા માટે નજાતનો ઝરીઓ છે. જેમની પૈરવી અને અનુસરણ આપણી ઉપર વાજીબ છે. અને આપણને તે હાસિલ કરવાની ખૂબજ તાકીદ કરવામાં આવી છે, અને અગર આપણે દુનિયાને હાસિલ કરવા માટે, અઇમ્માની તઅલીમાતને એક પળ માટે ભૂલાવી દેશુ, તો આખેરતની નજાત તો એક તરફ પણ આ દુનિયામાંજ ગુમરાહ લોકોમાં થઇ જઇશુ અને દુનિયામાં નુકસાનનો ભોગ બની જઇશુ.
આપણા માનનીય ઓલમાઓ પહેલેથી લઇને આજ સુધી પોતાની મહેનત, તકલીફ, બીજા માટે પોતાની કુરબાનીની સાથે એટલી મિશ્રણ વિહિન ઇલ્મી ખિદમતો અંજામ આપી છે અને એટલો બધો ઇલ્મી ખઝાનો આપણા માટે તૈયાર કર્યો છે કે જેના માટે કૌમનો દરેક બાળક અને દરેક શખ્સ એહસાનમંદ છે. આ જ સંગ્રહ કૌમના માટે પુંજી અને આપણી બકા માટે ઝમાનત છે. આ જ આખેરતનું ભાથુ આ જ નજાતનો ઝરીઓ છે, આ જ શફાઅતનો હક છે. આ ક્ષેત્રમાં કાર્યરત રહેવુ સવાબના હકદાર બનાવે છે,જ્યારે ઇલ્મના ચિરાગની તે શમા તેજ થવા લાગી જેને અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ.)એ રૌશન કરી હતી, તો દુશ્મનના દિલ સળગી ઉઠ્યા અને આ ધોકાબાજીનું હથીયાર છેતરપીંડી કરનાર લોકોએ વાપર્યુ કે જે પ્રથમ હરોળના આલિમ છે, તેની દીનદારી બુધ્ધિશાળી આલિમોની ઝર્ફીયત પર પોતે ઘડી કાઢેલ નકારાત્મક પાસું કાઢવામાં આવે તેને તેમની કૌમમાં ચર્ચાનો વિષય બનાવી તેની વિરૂધ્ધ અજબ મિશ્રણ પેદા કરવામાં આવે.
આવુ બધુ અલ્લામા મોહમ્મદ બાકિર મજલિસી (ર.અ.)ની સાથે થયુ કે જેની અક્કલને આશ્ર્ચર્ય પમાડે તેવી ખિદમતો બેહારૂલ અન્વારની ૧૧૦ દળદાર ભાગોમાં અને બીજી ૩૦ કિતાબોમાં આપની શખ્સીયતને કયામતની સવાર સુધી જીવંત રાખશે. ખાસ કરીને બેહારૂલ અન્વાર કિતાબના બારામાં અગર અકીદતમંદો, ઇલ્મના ચાહકો અને સંશોધનકારોની નજરોમાં આ કિતાબની વિશાળતાને હલકી પાડી દે તો આ લોકો સનદો અને બયાનમાં પોતે જ ઉલજાય જશે.
વાંધો ઉઠાવનારાઓની અમુક વાતો :
એક વાત અમુક ઓલમા અને અમુક ઇલ્મની તરફ ધ્યાન આપતા એ લોકો જેઓ જાહેરી રીતે ઓલમાની હરોળમાં નથી આવતા તેઓની વચ્ચે ફરી રહી છે કે બેહારૂલ અન્વાર કિતાબ એક એવી કિતાબ છે જેમાં અલ્લામાએ સાચી અને ખોટી, ભરોસાપાત્ર અને બિન-ભરોસાપાત્ર તમામ હદીસો અને રિવાયતોને ભેગી કરી દીધી છે. તેને ખંખેરવું તથા કાંકરી અને પથ્થર અલગ કરીને સાફ કરવાનું કામ ભવિષ્યમાં થવાવાળા ઓલમા અને તાલીબે ઇલ્મ પર છોડી દીધુ છે.
બીજી વાત જે એહલે ઇલ્મની વચ્ચે ઘુમી રહી છે તે એ છે કિતાબ બેહારૂલ અન્વાર ઇતિહાસ અને ઇલ્મે દીન પ્રકારની બાબતોનો હદીસોનો મજમુઓ છે જેને અલ્લામા મજલીસીના શાગીર્દોએ જમા કરી અને ક્રમવાર ગોઠવી અને જ્યારે એ લખાણ જીલ્દોના સ્વરૂપમાં આવ્યુ તો અલ્લામા મજલીસીએ તેને પોતાનું નામ આપીને છપાવી દીધી અથવા પ્રકાશિત કરી દીધી.
અમારી એસોસિએશનના બિરાદરે અઝીઝ જેઓ સંશોધનના ક્ષેત્રમાં હોશિયાર તાલીબે ઇલ્મ છે તેમનું ધ્યાન આવી ચર્ચાઓ તરફ ગયુ અને તેઓએ અલ્લામાની શખ્સીય્યત, ખિદમતો, આશ્ર્ચર્ય પમાડે તેવા કાર્યો અને આપના ઝમાના સિવાયના અન્ય મહાન ઓલમાઓના મંતવ્યોનો એક ટુંકાણમાં સર્વેક્ષણ કરીને લખાણ લખ્યું છે.
બેહારૂલ્ અન્વાર જેવી અઝીમુશ્શાન કિતાબના સંકલનકર્તા મર્હુમ મોહમ્મદ બાકિર મજલિસી(અ.ર.) શીઆ જગતમાં કોઇ ઓળખાણના મોહતાજ નથી. અલ્લામા મજલિસીની કિતાબના તરજુમા ઉર્દુ, ફારસી અને અરબીમાં સતત પ્રકાશિત થતા રહે છે.
અલ્લામા મજલિસીના વાલીદને ખુદને પણ અલ્લામાના જ લકબથી યાદ કરવામાં આવે છે એટલા માટે કે તેઓ પણ અલ્લામા હતા. આપનું નામ અલ્લામા મોહમ્મદ તકી ઇબ્ને મક્સુદઅલી હતું એટલુ જ નહી બલ્કે આપને અલ્લામા મજલિસીએ અવ્વલના નામથી યાદ કરવામાં આવે છે.
અલ્લામા મોહમ્મદ બાકિર મજલિસી ઇસ્ફહાનમાં હિજરી ૧૦૩૭માં પૈદા થયા અને ૨૭મી રમઝાનુલ મુબારક હિ.સ. ૧૧૧૦માં વફાત પામ્યા. આપ ઇસ્ફહાનની જામેઅ મસ્જીદમાં દફ્ન થયા. તે સમયથી લઇને આજ સુધી આપની મઝાર પર ઝાએરોની આવ-જા શરૂ રહે છે. (નવા પ્રકાશનમાં આપની વફાત હિ.સ. ૧૧૧૧ લખી છે, જે સાચી નથી.) અલ્લામા મૌસુફનો હવ્ઝએ ઇલ્મીય્યા પૂરા ઇરાનમાં ઉચ્ચ દરજ્જાના ઇલ્મી કેન્દ્રોમાંથી એક કેન્દ્ર હતુ. જેણે પોતાની અલગ ઓળખ બનાવી હતી, જેની અસરો અને બરકતો કયામત સુધી બાકી રહેશે. (ઇન્શાઅલ્લાહ) આપના હવ્ઝએ ઇલ્મીય્યામાંથી મુલ્લા સાલેહ માઝન્દરાની અને મોહક્કીક આમેના ખાતુન જેવી જલીલુલકદ્ર શખ્સીય્યતો પૈદા થઇ. જેના થકી માનવંત મરાજેઅનો સિલસિલો ચાલ્યો. આ એ સમય છે કે જ્યારે રશિયા અને બ્રિટનમાં ઇરાનની ઇલ્મી પ્રગતિ અને એકતાની વિરૂધ્ધ સાજીશોએ જન્મ લેવાનુ શરૂ કરી દીધુ હતુ. અલી મોહમ્મદ બાબના ફિત્નાની શરૂઆત થઇ ચુકી હતી અને પુરનસ દાલગોરકી ઇરાનમાં બાબના થકી દાખલ થવા તૈયાર થઇ ચુક્યો હતો. આ તમામ હાલતોથી ઇલ્મી કેન્દ્ર માહિતગાર હતુ અને એક બચાવનો કિલ્લો હતુ.
ખિદમતો:
આથી અલ્લામા મજલિસીએ બેહારૂલ અન્વારમાં કુતુબે અરબા એટલે કે મન લા યહઝોરો હુલ ફકીહ, ઉસુલે કાફી, અલ ઇસ્તીબ્સાર અને તેહઝીબ ઉપરાંત અન્ય ભરોસાપાત્ર કિતાબોથી હદીસો ભેગી કરવાનું કામ કર્યુ. આ કુતુબે અરબા એ ચાર સ્થંભો છે કે જેના પર પુરી શીઇય્યતનો આઘાર રહેલો છે.
અલ્લામા મવ્સુફે ઇસ્લામી ઇતિહાસના ઇન્કેલાબનું ભાગ્યે જ કોઇ પાસુ છોડ્યું હોય, જેની હકીકતો રોશનીમાં સેહાહે જેમાં પહેલામાં પહેલું તઇ કરી હોય. તેનો સંપૂર્ણ જવાબ ન આપ્યો હોય.
જુની બેહારૂલ અન્વાર ૨૫ ભાગની હતી અને દરેક ભાગ દળદાર છે. જેના લીધે આ ભાગોને વહેંચવામાં આવ્યા તો ૧૧૦ ભાગમાં પ્રકાશિત થઇ આપણા ઓલમા જે સંશોધનની દુનિયામાં મશગુલ છે તેમના માટે આ કિતાબ બેહારૂલ અન્વાર એક શક્તિશાળી ઇલ્મી હથીયાર છે.
આપના ૨૫ દળદાર ભાગોમાં અલ્લામા મવ્સુફે ૧૭ ભાગોમાં બયાન અને સ્પષ્ટતાના શિર્ષકથી રિવાયતોની સમજણ અને સ્પષ્ટતા ખુદ પોતે આપી છે અને બાકી ૮ ભાગોમાં બયાન અને સ્પષ્ટતાનો આપને મોકો મળ્યો નહી જેના માટે તેમણે પોતાના શાગીર્દ મીર મોહમ્મદહુસૈન ખુલ્દ આબાદીને વસીય્યત કરી હતી કે તે સમજુતી અને સ્પષ્ટતા લખે. તેમની કિતાબો સરળ ફારસી ભાષામાં લખાયેલી છે અને દુનિયવી અને ઉખરવી ફાયદાઓથી ભરપુર છે. આ કિતાબોના ઉર્દુ તરજુમા પણ પ્રાપ્ય છે.
અલ્લામા મજલીસીની કિતાબો:
અલ્લાહ તઆલાએ આપને અસાધારણ તૌફીકાત અતા કરી હતી. આશ્ર્ચર્યજનક યાદ શક્તિ ધરાવતા હતા અને ઇલ્મ પ્રત્યેની ચાહનાનો એક અજીબ આનંદ તેમના વ્યક્તિત્વમાં જોવા મળતો હતો. અલ્લામા મૌસુફની લગન અને પ્રયત્નોએ જે ઇલ્મી ખઝાનો કિતાબોના સ્વરૂપમાં છોડયો હતો તે આ મુજબ છે.
(૧) બેહારૂલ અન્વાર ૨૫ દળદાર પુસ્તકોનું બનેલ છે જે હવે ૧૧૦ ભાગમાં પ્રકાશિત થઇ રહી છે. (૨) હયાતુલ કોલુબ ૩ જીલ્દોમાં છે. (૩) બીજી કિતાબો હક્કુલ યકીન (૪) હિલ્યતુલ મુત્તકીન (૫) અય્નુલ હયાત (૬) જીલાઉલ ઓયુન (૭) તૌહિદે મુફઝ્ઝલ (૮) વિવિધ મસઅલાના જવાબો (૯) તઝકેરતુલ અઇમ્માહ
અને આ સિવાયની બેશુમાર કિતાબો છે જે મસઅલાઓના ઉકેલ માટે મૌજુદ છે.
આપની તમામ કિતાબો મળીને ૫૮ કિતાબો થાય છે, જે એક ગણતરી છે નહીતર તેના સિવાય પણ આપે ઘણું બધુ લખ્યુ છે. આ તમામ કિતાબોમાં બેહારૂલ અન્વાર એ એનસાઇક્લોપીડીયાની હૈસીયત રાખે છે.
બુઝુર્ગતરીન ઓલમાની દ્રષ્ટીએ અલ્લામા મજલિસી:
તે મહાન ઓલમા કે જેના માટે શીઇય્યત જેટલુ ફખ્ર કરે ઓછુ છે, અને તેમનું નામ જીભ પર આવતા જ મોટા મોટા ઓલમા તાઝીમથી માથુ જુકાવી દે છે, મરહુમ મિર્ઝા હુસૈન નૂરી, અલ્લામા વાહિદ બહબહાની, મહાન ઉસ્તાદ હાજ શૈખ મુર્તઝા અન્સારી પોતાના લખાણમાં અલ્લામા મોહમ્મદ બાકિર મજલિસીને અલ્લામાના ખિતાબથી જ ફક્ત યાદ નથી કરતા બલ્કે મૌસુફની ઇલ્મી હૈસીયત, અઝમત અને ઉચ્ચ ખિદમતોને ખૂબજ વખાણે છે અને ખૂબજ કદરની નજરથી જોવે છે અને એક મહાન સંશોધક, ઇલ્મનો ચિરાગ અને જન્મજાત બુધ્ધિશાળી તરીકે સ્વિકાર કર્યો છે.
આ હકીકત ઘણી હદે રોશની ફેકે છે કે અલ્લામા મજલિસી ોત છે, ઇલાહી ઇલ્મનો. જે અંબીયાની તબ્લીગનો વારસો છે. આપ ઇમામે ઝમાના(અ.સ.)ના દરવાજાથી ઘણા નઝદીક છે, નહિતર આવડા મોટા ઇલ્મ સંગ્રહને ઇલ્મ તલબ કરવાવાળાઓ માટે છોડીને જવુ એ અશક્ય કામ હોત અને એ ચોક્કસ છે કે તપાસ કરતા તે બાબત જાણવા મળી છે કે ક્રમવાર ગોઠવણી અને ભેગુ કરવા માટે પોતાના શાગિર્દોની મદદ ચોક્કસ લીધી હશે.
અલ્લામા મજલિસીનો આવો મહાન પરિચય અંકના પાનાઓની કમી હોવા છતા આપવાનો યોગ્ય છે, એ માટે કે આપણી કૌમ બંને બાજુઓથી આગાહ થઇ જાય. એક તો આપણે આ આલિમની મઅરેફત હાસિલ કરીએ કે જેણે દુશ્મનોની ખોખલી ચર્ચાઓને ખોટી પૂરવાર કરી અને ઇલ્મ તરસ્યા અને લેખકો આપના સંકલનો તરફ ધ્યાન આપે અને અલ્લામા મૌસુફની વિરૂધ્ધ હલ્કી વાતો કરવાથી દૂર રહે.
આ ઉપરાંત એક હેતુ એ પણ છે કે અલ્લામા મૌસુફની બેહારૂલ અન્વાર ૨૫ દળદાર પુસ્તકોની બનેલ છે. જેમાં ૧૩મું દળદાર પુસ્તક હઝરતે હુજ્જત ઇબ્નીલ હસન (અ.ત.ફ.શ.)ના વિશે છે.
અફસોસની વાત એ છે કે આ ૧૩મો ભાગ મખ્સૂસ ઓલમા પાસે અને મખ્સૂસ લાઇબ્રેરીઓમાં જ મળે છે. પછીના પ્રકાશનોમાં જ્યારે બેહારૂલ અન્વાર એકસો દસ ભાગમાં વિભાજીત થયુ તો ૧૩મોં ભાગ ૩ વિભાગમાં વિભાજીત થયો. ૫૧મો, ૫૨મો અને ૫૩મો ભાગ. આ ત્રણેય ભાગો ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના વિશે છે.
લેખક આ લેખના લખાણ માટે અલ મકતબતુલ ઇસ્લામીયા-તેહરાનથી પ્રકાશિત થવાવાળી પ્રકાશનોનો ઉપયોગ કર્યો છે. ત્રણેય ભાગોના કુલ પાના ૧૧૧૮ છે.
ઇન્શાઅલ્લાહ, અમે ૫૧મો, ૫૨મો અને ૫૩માં ભાગના વિશે તદ્દન ટુંકમાં એક પરિચય આપતો ખુલાસો લખવાની ખુશનસીબી હાસિલ કરીશુ.
ઇમામ મહદી(અ.ત.ફ.શ.) અને બેહારૂલ અન્વારનો ૫૧-૫૨ અને ૫૩મો ભાગ:
ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) વિશે જે વિસ્તૃત અને પ્રમાણિત માહીતીનો ખજાનો આપે બેહારૂલ અન્વારમાં તૈયાર કર્યો છે, તેનો એક આંશિક વિચાર વાંચકો માટે હાજર છે.
પ્રકરણ-૧
આ પ્રકરણમાં ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ની વિલાદત અને આપ (અ.ત.ફ.શ.)ની માતાનો અહેવાલ વર્ણવાયેલ છે. શૈખે કુલૈની (અ.ર.)ની કિતાબ અલ કાફીથી વર્ણન કરેલ છે કે આપની વિલાદત ૧૫મી શાબાન હિ.સ. ૨૫૫માં થઇ. શૈખે સદૂક(અ.ર.)ની કિતાબ કમાલુદ્દીનના હવાલાથી લખ્યુ છે કે જ્યારે જનાબે નરજીસ ખાતૂન(સ.અ.) હામેલા થયા તો હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)એ તેમને ફરમાવ્યુ કે: તમારાથી એક ફરઝંદ પૈદા થશે જેમનું નામ મોહમ્મદ હશે અને તે મારા પછી મારો જાનશીન થશે અને ત્યાર પછીની હદીસમાં જનાબે હકીમા ખાતુન બિન્તે ઇમામ મોહમ્મદ તકી(સ.અ.) જે ઇમામ હસન અસ્કરી(અ.સ.)ની ફુઇ હતા અને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની વિલાદતના મૌકા ઉપર જનાબે નરજીસ ખાતુનની સાથે હતા. એ બનાવનું વર્ણન કરેલ છે અને પછી એ તમામ રિવાયતો જેમાં ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) નો અકીદો અને ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના પોતાના ખાસ સહાબીને પોતાના એ બાળકને દેખાડવુ અને તેઓને બતાવવુ કે આ મારો જાનશીન છે. એ હદીસો વર્ણવી છે.
પ્રકરણ-૨
ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના નામો અને લકબો અને કુન્નીયત તેમજ તે નામોના કારણોનો ઉલ્લેખ કરેલ છે. સૌપ્રથમ લકબ `કાએમ’ના વિશે ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)થી રિવાયત છે કે જેનો ખુલાસો એ છે કે “જો કે તમામ અઇમ્મા(અ.મુ.સ.) કાએમ બરહક છે. પરંતુ આ લકબ ખાસ કરીને ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)થી સંબંધિત એટલા માટે છે કે આપ(અ.સ.) ઇમામ હુસૈન(અ.સ.)ના ખૂનનો બદલો લેવા માટે કયામ કરશે.
આપ(અ.સ.)ને `મહદી’ એટલા માટે કહેવામાં આવે છે કે ખુદાવંદે આલમે આપને અમ્રે હકીકીની હિદાયત કરી છે. આપ વાસ્તવિક તૌરાત અને અન્ય આસમાની કિતાબોને બહાર લાવશે અને તૌરાતની પૈરવી કરવાવાળાઓને તૌરાતના એહકામ અને ઇન્જીલવાળાઓને ઇન્જીલથી તેમજ એહલે ઝબુર પર ઝબુરના થકી અને મુસલમાનો પર કુર્આનના મુજબ હુકુમત કરશે.
અલ્લામા મજલિસી આ હદીસની નીચે બયાન કરે છે કે તૌરાતવાળાઓથી તૌરાત વડે ફેંસલો કરશે. એમા કોઇ વિરોધાભાસ નથી. આ હદીસ કે જેમાં બયાન થયુ છે કે ફક્ત દીને ઇસ્લામ કબુલ કરશે કારણકે અહીં રહસ્ય એ છે કે તેમની કિતાબોથી દલીલ કાયમ કરશે.
પ્રકરણ-૩
હઝરતનું નામ ક્યાં કેવી રીતે લેવામં આવે અને ક્યાં ન લેવામાં આવે.
પ્રકરણ-૪
આપની સિફતો અને નિશાનીઓ તથા આપનો બુલંદ નસબ જેમકે આપની છુપી વિલાદત, અમીરૂલ મોઅમેનીન(અ.સ.)નું ખાનદાન, આખરી ઝમાનાના ઝુહુર, મધ્યમ વયના જુવાન, આપનો દેખાવ, નસબ જેમકે ઇમામે રેઝા(અ.સ.)ના પછી કયા ઇમામ(અ.સ.)ની અવલાદમાંથી છે?
પ્રકરણ-૫
એ આયતોનો ઉલ્લેખ જેનો એહલેબૈત(અ.મુ.સ.)એ પોતાની રિવાયતોમાં ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુરની તાવીલ કરી છે. એટલે કે કુરઆને મજીદમાં ઘણી બધી આયતો છે જેમાં જાહેરી અર્થથી હટીને બાતેની અર્થ પણ છે અને તે ઇમામ(અ.સ.)ના ઝુહુરની તરફ ઇશારો કરે છે.
પ્રકરણ-૬
ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના વિશે શીઆ અને સુન્ની હવાલાઓથી ખુદા અને રસુલ(સ.અ.વ.)વડે બયાન થયેલ હદીસો આવેલી છે. જેમ કે પયગંબર(સ.અ.વ.)નું આ ફરમાન કે `અમે અવલાદે અબ્દુલ-મુત્તલીબ, રસુલુલ્લાહ (સ.અ.વ.), હમ્ઝા સય્યદુશ્શોહદા, જાફરે તય્યાર, અલી (અ.સ.), અને ફાતેમા(અ.સ.), હસન(અ.સ.)અને હુસૈન (અ.સ.) તેમજ મહદી(અ.સ.)જન્નતના સરદારો છીએ.’
પ્રકરણ-૭
ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના વિશે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી નક્લ થએલ હદીસો છે.
પ્રકરણ-૮ થી ૧૫
આ પ્રકરણોમાં ઇમામ હસન(અ.સ.),ઇમામ હુસૈન (અ.સ.), ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.), ઇમામ બાકિર (અ.સ.), ઇમામ સાદિક(અ.સ.), ઇમામ કાઝિમ(અ.સ.), ઇમામ રેઝા(અ.સ.), ઇમામ જવાદ(અ.સ.), ઇમામ અલી નકી (અ.સ.), ઇમામ હસન અસ્કરી(અ.સ.)થી ઇમામ ઝમાના (અ.સ.)ના બારામાં વારીદ થયેલ હદીસોનો ઉલ્લેખ છે.
પ્રકરણ-૧૬
આ પ્રકરણમાં ભવિષ્યવેત્તાઓથી વર્ણન થવાવાવાળી ભવિષ્યવાણીનો ઉલ્લેખ છે જેમકે સુતૈહ નામનો એક ભવિષ્યવેત્તા જે ઇસાઇ હતો અને અરબ હતો અર્દનના અસાન પ્રદેશથી તેનો સંબંધ હતો. તેણે એક બાદશાહ ઝાજદાનના ભવિષ્યની હાલતો વિશે જણાવ્યુ અને અમુક ભવિષ્યવાણીઓ કરી જે વાંચવાલાયક છે.
પ્રકરણ-૧૭
શૈખ તુસીની દલીલો જે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ની ગયબત અને તેમના પવિત્ર અસ્તિત્વના વિશે છે.
પ્રકરણ-૧૮
અંબીયા(અ.મુ.સ.)ની ગયબત વડે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની ગયબત પૂરવાર કરી છે.
પ્રકરણ-૧૯
અમૂક લાંબુ આયુષ્ય જીવવાવાળા લોકોના ઉલ્લેખ વડે તુલે ઉમ્રના વિરોધીઓને જવાબ અને તેના વડે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની લાંબી ગયબત અને લાંબી ઉમ્રની દલીલો. આ એક વિસ્તૃત પ્રકરણ છે. અને મરહુમ અલ્લામા મજલીસીએ આ પ્રકરણમાં આપણા મહાન ઓલમા જેમ કે શૈખે સદુક(અ.ર.)ની કિતાબ કમાલુદ્દીનમાંથી ઘણા બધા લાંબી ઉમ્રવાળા લોકોનો ઉલ્લેખ કરેલ છે. લાંબી ઉમ્રને અશક્ય સમજવાવાળાની માન્યતાઓને સ્પષ્ટ ઉદાહરણોથી રદ કરી છે. આજ રીતે મરહૂમ સૈયદ મુર્તઝા અલ્લામા કરાજકી અને શૈખે મુફીદ(રીઝવાનુલ્લાહે અલય્હ) અજીબો ગરીબ પ્રકારના લાંબી ઉમ્રના લોકોનો ઉલ્લેખ કર્યો છે અને સાબિત કર્યુ છે કે લાંબી ઉમ્ર એ કોઇ નવી વસ્તુ નથી.
પ્રકરણ-૨૦
અમુક મોઅજીઝાઓ જે ઇમામે ઝમાના(અ.સ.)ની પવિત્ર ઝાતે અકદસથી જાહેર થયા, તેમનો ઉલ્લેખ છે. ઉપરાંત હઝરત(અ.સ.)ના મહાન મરતબો ધરાવનારા નાએબોનો ઝિક્ર થએલ છે. આશરે ૪૨ લોકોનો ઉલ્લેખ છે. આ બનાવોમાં ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)એ પોતાના ચાહવાવાળાઓનું માર્ગદર્શન અને મદદ કરી છે. અમુક એવી બાબતો પરથી પર્દો ઉંચક્યો છે અને એવી બાબતને જાહેર કરી છે કે લોકો અચંબામાં પડી ગયા.
પ્રકરણ-૨૧
ગયબતે સુગરામાં ઇમામ(અ.સ.)ના ખાસ નાએબો અને તેમના થકી ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) અને શીઆઓની વચ્ચે સંપર્કનો ઉલ્લેખ છે. અબુ અમ્ર ઉસ્માન બિન સઇદ અમ્રી, અબુ જાફર મોહમ્મદ બિન ઉસ્માન અમ્રી, અબુ કાસિમ હુસૈન બિન નવબખ્તી અને અબુ હસન અલી બિન મોહમ્મદ સૈમુરી ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના ખાસ નાએબોમાંથી હતા. ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)એ આ નાએબો થકી એક બેહતરીન વ્યવસ્થા સ્થાપી, જે ગયબતે કુબ્રા માટે એક પ્રસ્તાવના હતી. ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)એ શીઆઓના દીમાગોને તૈયાર કર્યા કે ગયબતના ઝમાનામાં કેવી રીતે ઇમામથી સંપર્ક રાખી શકાય છે અને મસઅલાનો ઉકેલ મેળવી શકાય છે.
પ્રકરણ-૨૨
નિયાબતનો દાવો કરવાવાળાનો ઉલ્લેખ:
અમુક એવી વ્યક્તિઓ થઇ ગઇ જેઓએ ગયબતે સુગરામાં ઇમામ(અ.સ.)ના નાએબ હોવાનું જાહેર કર્યુ જેણે સૌથી જુઠી નિયાબતનો દાવો કર્યો તે અબુ મોહમ્મદ હસન શરીઇ હતો. આવી રીતે મોહમ્મદ બીન નઝીર ગૈરી, એહમદ બીન હીલાલ કરખી, મોહમ્મદ બીન અલી બીલાલ, હુસૈન બીન મન્સુર હલ્લાજ, મોહમ્મદ બીન અલી શલ્મગાની અને અબુબકર બગદાદી જે અબુ દલફ મજનુનના નામે પણ મશહુર હતો. તેઓએ ઇમામના નાએબ હોવાનો દાવો કર્યો હતો. ખુદાએ તેઓ બધાને ઝલીલ અને રૂસ્વા કર્યા.
૫૨ માં ભાગમાં કુલ ૧૦ પ્રકરણો છે. જેમકે અમે ૫૧ માં ભાગનો પરિચય આપતી વખતે લખ્યુ હતુ કે ૫ પ્રકરણો પ્રસ્તાવના રૂપે છે અને તેના પછીના પ્રકરણો અસલ છે. અને તે ભાગ ૨૨ પ્રકરણો છે. પરંતુ ૫ પ્રકરણોને અલગ કર્યા પછી ૧૭ પ્રકરણ વધે છે. આથી ૫૨ માં ભાગમાં પ્રકરણોની ગણતરી ૧૮ માં પ્રકરણથી શરૂ થાય છે. આથી અમે એજ ક્રમ મુજબ બયાન કરીએ છીએ એટલે ૫૧ માં અને ૫૨ માં ભાગને મેળવી કુલ ૨૭ પ્રકરણ થાય છે.
પ્રકરણ-૧૮
(એટલે કે ક્રમવાર જોઇએ તો ૨૩ મું પ્રકરણ) આ પ્રકરણમાં જેઓએ ઇમામે ઝમાના(અ.સ.)ના દીદાર કર્યા છે તેઓ વીષે વર્ણન છે, અહી અમે માત્ર ૧ બનાવનું વર્ણન કરીએ છીએ.
અલી ઇબ્ને ઇબ્રાહીમ ફદકીએ હિકાયત વર્ણવી છે. અવદીએ તેને વર્ણન કર્યુ છે કે “હું ખાનએ કાબાનો તવાફ કરતો હતો. ૬ તવાફ પુર્ણ કરી ચુક્યો હતો અને ૭ મો તવાફ કરવા માંગતો હતો કે મારી નજર અમુક લોકો ઉપર પડી જેઓ ખાનએ કાબાની જમણી બાજુ બેઠા હતા (દરવાજાની તરફ મોઢુ કરીને ઉભા રહીએ તો ડાબી બાજુ હજરે અસ્વદ છે અને જમણી બાજુ હીજરે ઇસ્માઇલ) અને એક ખુબસુરત અને ખુશ્બુદાર જવાન તેમની પાસે આવ્યા. તેમજ વાતચીતની શરૂઆત કરી. હું પણ આગળ વધ્યો અને વિચાર્યુ કે તેનાથી વાત કરૂ પરંતુ લોકોની ભીડના લીધે હું ન જઇ શક્યો. મેં એક શખ્સને પુછ્યુ કે આ કોણ છે? કહ્યું આ પયગમ્બરના ફરઝંદ છે, દર વર્ષે એક દિવસ આમ લોકોની મુલાકાત કરે છે અને તેઓથી વાતચીત કરે છે. હું તેમની પાસે ગયો અને કહ્યું હું આપીની ખિદમતમાં આવ્યો છું અને મારી રેહનુમાઇ કરો ખુદા તમારો રેહનુમા થાય. તેમણે એમ મુઠ્ઠી કાંકરાઓ ઉઠાવ્યા અને મારા હાથમાં આપી દીધા. મેં કહ્યું કાંકરાઓ! પછી મેં હાથોને ખોલીને જોયુ તો મારી મુઠ્ઠી સોનાના સિક્કાથી ભરેલી હતી! જ્યારે હું ત્યાથી હટી ગયો તો જોયું તે આપણા મૌલા અને આકા મારી પાસે આવ્યા અને ફરમાવ્યું હકીકતની નિશાની અને હકના ચિન્હો તમારી ઉપર જાહેર થઇ ગયા અને તારા દિલનો અંધાપો દુર થઇ ગયો શું મને ઓળખો છો? મેં કહ્યું નહી, ખુદાની કસમ.
ફરમાવ્યું: હું એ જ મહદી છું, હું કાએમ છું. જમીનને અદ્લથી ભરી દઇશ જેવી રીતે ઝુલ્મોજૌરથી ભરેલી છે. જમીન હુજ્જતે ખુદાથી ખાલી નથી રહેતી….
યાદી:
અસંખ્ય વાકેઆત વર્ણન થયા છે જેમાં ઇમામે ઝમાના(અ.સ.)એ મક્કા, મદીના, મીના, અરફાત, સામર્રા, કુમ, કરબલા, નજફ અને દુનિયાના વિવિધ પ્રદેશોમાં લોકોને મુલાકાત આપી અને તેમની હિદાયત કરી.
પ્રકરણ-૧૯
(અગાઉના ક્રમ મુજબ ૨૪ મું પ્રકરણ) સઅદ બિન અબ્દુલ્લાહ અશ્અરીનું ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)થી મુલાકાત કરવી અને તે હઝરત(અ.સ.)થી ઘણા બધા સવાલોના જવાબ હાસિલ કરવા. સઅદ બિન અબ્દુલ્લાહ કુમ્મીને કિતાબો જમા કરવાનો અને તેનો અભ્યાસ કરવાનો અને તેના સહારે શીઆ મઝહબના હકાએકને બયાન કરવાનો ખૂબ જ શોખ હતો. આથી ઘણી વાર એહલે તસન્નુન સાથે મુનાઝેરો પણ થતો. ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)એ તેમની ઘણી બધી મદદ કરી હતી અને આ રીતે સુન્નીઓને શરમીંદગીનો સામનો કરવો પડ્યો.
પ્રકરણ-૨૦ (૨૫)
ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ની ગયબતના કારણો અને ગયબતના સમયમાં લોકો ઇમામે ઝમાના(અ.સ.)થી કઇ રીતે ફાયદો મેળવી શકે તેના વિશે છે. અલ મુન્તઝરના વિવિધ અંકોમાં આ પ્રકરણમાંથી ઘણા બધા લેખો લખવામાં આવેલા છે.
પ્રકરણ-૨૧ (૨૬)
ગયબતના સમયમાં શીઆનું ઇમ્તેહાન અને આ ઇમ્તેહાન થકી ઇમાનનું મજબુત થવું. આ પ્રકરણમાં એ વાત પણ વર્ણવવામાં આવી છે કે હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઝુહુરનો સમય કોઇ નથી જાણતું. આથી જે ઝુહુરનો સમય બતાવે તે જુઠ્ઠો છે.
પ્રકરણ-૨૨ (અગાઉના ક્રમ મુજબ ૨૭મું)
ઇન્તેઝારની ફઝીલતો, શીઆની પ્રશંસા અને વખાણ, ગયબતના ઝમાનામાં શીઆની જવાબદારીઓ. આ પ્રકરણમાં ૭૭ રિવાયતોનું વર્ણન કરેલ છે. મશહુર રિવાયત જે આજે દરેકની ઝબાન પર છે એ નબી(સ.અ.વ.)ની રિવાયત કે તેમણે ફરમાવ્યું: “મારી ઉમ્મતનો સૌથી અફઝલ અમલ ફરજનો ઇન્તેઝાર છે.
પ્રકરણ-૨૩ (૨૮)
આ પ્રકરણમાં તેમનો ઉલ્લેખ છે જેઓએ ગયબતે કુબ્રામાં ઇમામ મહદી(અ.સ.)ને જોવાનો દાવો કર્યો છે અને એ કે હઝરત(અ.સ.) લોકોની વચ્ચે આવે છે અને લોકોને જોવે છે, પરંતુ લોકો તેમને જોઇ શકતા નથી. આપની મશહુર તૌકીઅ જે આપે પોતાના આખરી નાએબે ખાસ અલી બિન મોહમ્મદ સયમુરીને લખેલી કે જેમાં આપે ગયબતે સુગરાનો અંત અને ગયબતે કુબ્રારાની શરૂઆતની ખબર આપી છે તે મૌજુદ છે.
ઇમામ રેઝા(અ.સ.) ફરમાવે છે:
“કારણ કે હઝરતે ખિઝ્ર(અ.સ.)એ આબે હયાત પીધુ છે, સૂરના ફુંકાવવા સુધી જીવતા રહેશે, તેઓ અમારી પાસે આવે છે, સલામ કરે છે, અમે તેમની અવાજને સાંભળીએ છીએ, પરંતુ તેમને જોતા નથી. જ્યાં પણ તેમનું નામ લેવામાં આવે છે. તે હાજર થઇ જાય છે અને તમારામાંથી જે કોઇ તેમનું નામ લે છે તેમને સલામ કરે છે. ખિઝ્ર(અ.સ.) દર વર્ષે હજ માટે આવે છે અને હજના તમામ આમાલ અંજામ આપે છે તેમજ અરફાના દિવસે રોકાણ કરે છે અને મોઅમેનીનની દૂઆ કબુલ થવા માટે આમીન કહે છે. ખૂબ જ જલ્દી ખુદાવંદે આલમ અમારા કાએમ(અ.સ.)ની લાંબી ગયબતમાં તેમની વહેશતને તેમના (જનાબે ખિઝ્ર અ.સ.) વડે દૂર કરી દેશે અને તેમના એકલાપણાને સંગાથમાં બદલી દેશે. (એટલા માટે કહેવામાં આવે છે કે હઝરતે ખિઝ્ર(અ.સ.) ઇમામે ઝમાના(અ.સ.)ના ગયબતના દોસ્ત છે.
પ્રકરણ-૨૪ (૨૯)
આ પ્રકરણમાં અલ્લામા મજલિસીએ અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના હરમમાં મુકદ્દસે અર્દબેલીની મુલાકાત વર્ણવી છે. પછી મીર ઇસ્હાક ઇસ્તરાબાદી જે તય્યુલ અર્ઝથી પ્રખ્યાત હતા તેમની મુલાકાત. મીરઝા મોહમ્મદ ઉસ્તરાબાદીનો બનાવ અને મોહમ્મદ બિન ઇસા બહરૈનીનો વાકેઓ જે `દાડમનો બનાવ’ થી મશહુર છે, વર્ણવ્યો છે.
પ્રકરણ-૨૫ (૩૦)
આ પ્રકરણમાં ઝુહુરની અલામતો જેમકે સુફ્યાનીનો ખુરૂજ, દજ્જાલનું નીકળવું અને અન્ય ઘણી બધી નિશાનીઓનો ઉલ્લેખ છે. આ પ્રકરણ ખુબ જ રસપ્રદ છે કારણ કે નિશાનીઓની ચર્ચામાં શંકા-કુશંકા અને વિરોધો, વાંધાઓ અને જુદી જુદી માન્યતાઓનો વરસાદ છે. અલ્લામાએ ઘણી બધી શંકાઓનો જવાબ આપ્યો છે. નિશાનીઓનું હતમી હોવું કે ન હોવું તેના વિશે વર્ણન છે. ઝુહુર પહેલા અને પછીના બનાવો પર રોશની નાખવામાં આવી છે.
પ્રકરણ-૨૬ (૩૧)
આ પ્રકરણમાં ખાસ કરીને તે દિવસનું બયાન છે જે દિવસે આપ(અ.જ.ત.ફ.શ.)નો ઝુહુર થશે અને એ દિવસે કઇ કઇ બાબતો બનશે. જેમ કે ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું: “અમો એહલેબૈત(અ.મુ.સ.)માંથી કાએમ(અ.સ.) નો ઝુહુર જુમ્આના દિવસે થશે.
બક્ર બિન અઅ્યુનએ વર્ણન કર્યુ છે કે ઇમામ સાદિક(અ.સ.)એ હજરે અસ્વદ અને એ રૂક્નના વિશે (કે જ્યાં હજરે અસ્વદ નસ્બ કરવામાં આવેલ છે) સ્પષ્ટતા કરી અને ફરમાવ્યું: “આ રૂક્નમાંથી એક પક્ષી કાએમ(અ.સ.) પર ઉતરશે અને સૌથી પહેલા તે બયઅત કરશે. ખુદાની કસમ તે પક્ષી જીબ્રઇલ(અ.સ.) છે અને આ એજ રૂક્ન છે કે જેની ટેક લગાવીને કાએમ(અ.સ.) ઊભા રહેશે અને તે કાએમ(અ.સ.)ના વુજુદ પર હુજ્જત અને દલીલ છે તેમજ રૂક્ન એ લોકોના માટે ગવાહ પણ થશે જે લોકોએ આ જગ્યા પર તેમની બયઅત કરી હશે. તે દિવસે હઝરત ઇસા(અ.સ.)નું નાઝિલ થશે.
હઝરત અબ્દુલ અઝીમ (જેમનો રોઝો મશહદમાં છે) તેમણે ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)થી રિવાયત કરી છે કે “૩૧૩ વ્યક્તિ તેમના (અ.સ.)ની આજુ બાજુમાં જમાં થઇ જશે તેઓ નિખાલસ હશે પછી હઝરત ઝુહુર કરશે અને ત્યાર બાદ એહદો મીસાક પૂર્ણ થઇ જશે ત્યાં સુધી કે તેમની સંખ્યા વધીને ૧૦,૦૦૦ થઇ જશે તો ખુદાના હુક્મથી કયામ કરશે અને એટલા બધા દુશ્મનોને કત્લ કરશે કે ખુદા તેમનાથી રાજી થઇ જશે. હઝરત અબ્દુલ અઝીમએ પુછ્યું: મૌલા કેવી રીતે ખબર પડે કે ખુદા તેમનાથી રાજી થઇ ગયો? ફરમાવ્યું: ખુદા પોતાની રેહમતોને તેમના દિલ પર ઉતારશે.
પ્રકરણ-૨૭ (૩૨)
આ પ્રકરણમાં આપની સીરત અને અખ્લાક તથા અસ્હાબની સંખ્યા અને તેમની ખાસીયતો અને હાલાતનું વર્ણન છે. આ પ્રકરણ ખૂબ જ રસપ્રદ છે. ઘણા બધા વાંધાઓનો જવાબ છે. આ પ્રકરણમાં ૫૨માં ભાગનું છેલ્લુ પ્રકરણ છે.
૫૩ મો ભાગ:
નવા પ્રકાશનનો આ ૫૩મો ભાગ છે. આ ભાગમાં ફક્ત ૪ પ્રકરણ છે. ૪ પ્રકરણોની વિગતો નીચે મૂજબ છે.
પ્રકરણ-૨૮ (૩૩)
આ પ્રકરણમાં ઇમામ જઅફરે સાદિક(અ.સ) અને ઇમામ મુસા કાઝિમ(અ.સ.)ના મશ્હૂર સહાબી જનાબે મુફઝ્ઝલ બિન ઉમર કૂફીના થકી ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ના ઝુહૂરના સમયના સંજોગોનું વર્ણન છે. મુફઝ્ઝલ બિન ઉમરે ઇમામ સાદિક(અ.સ.) અને ઇમામ કાઝિમ(અ.સ.)થી સવાલો કર્યા હતા અને તેઓએ તેના જવાબો આપ્યા હતા. જેમકે પુછ્યુ હતુ કે શું મહદીએ મુન્તઝરના ઝુહૂરનો સમય નિશ્ર્ચીત છે કે જેથી લોકો એ જાણી લે કે ક્યારે ઝુહૂર થશે? અથવા તેમના ઝુહૂરના સમયે પરિસ્થિતિ કેવી હશે? શું ઝુહૂરનો સમય નિશ્ર્ચીત નથી થયો? આયત “લે યુઝહેરહુ અલદ્દીને કુલ્લે…ની તાવીલ શું છે? શું તેમનો દીન ઇબ્રાહીમ અને મૂસા અને ઇસા અને મોહમ્મદ (અ.સ.)નો દીન હશે? મૂસાની કૌમને યહૂદી શા માટે કહેવાય છે? ઇસાઇઓને નસ્રાની શા માટે કહેવાય છે? મહદી (અ.સ.) કઇ જમીન પરથી ઝાહેર થશે? ગયબતમાં તેમના સાથી કોણ હશે? આ રીતે ઘણા બધા સવાલોના જવાબો ઇમામ સાદિક(અ.સ.) અને ઇમામ કાઝિમ(અ.સ.)એ આપ્યા છે.
પ્રકરણ-૨૯ (૩૪)
આ પ્રકરણમાં રજઅત વિશે છે. પાના નંબર ૩૯ થી પાના નંબર ૧૪૫ સુધી એટલે કે ૧૦૬ પાના છે. આ પ્રકરણમાં કુલ ૧૬૨ હદીસો છે. અલ્લામા મજલીસીના બેહતરીન તબસેરા-સ્પષ્ટતાઓ અને વિરોધીઓના માટે દલીલપૂર્વકના જવાબો નજરે ચડે છે. રજઅતની ચર્ચા જરા મુશ્કીલ ચર્ચા છે. એહલે સુન્નત રજઅત પર અકીદો નથી રાખતા કારણકે રજઅતની વાતો તેમને સારી નથી લાગતી. ઇમામ બાકિર(અ.સ.)થી રિવાયત છે કે `રજઅતની વાતો તેઓની સામે ન કરો.’
પ્રકરણ-૩૦ (૩૫)
આ પ્રકરણમાં હઝરત મહદી(અ.સ.)ના પ્રતિનિધિઓ અને તેમની અવલાદનો ઉલ્લેખ છે અને તે હઝરત(અ.સ.)ના પછી શું હાલત થશે તેનું વર્ણન છે.
પ્રકરણ-૩૧ (૩૬)
આ જૂની અને નવી બંને ભાગોનું આખરી પ્રકરણ છે. ૨૩ હદીસો છે. ઇમામે ઝમાના(અ.સ.) તરફથી વારિદ થયેલી તૌકીઓ(પત્રો)નું વર્ણન છે. તૌકીઓ અસલમાં તે પત્રો અને લખાણો છે કે જેને ઇમામે ઝમાના(અ.સ.)એ ગયબતે સુગરામાં પોતાના ખાસ નાએબો વડે શીઆઓના વિવિધ સવાલો અને મુશ્કેલીઓના જવાબ આપ્યા છે અને ગયબતે કુબરામાં પણ આપણા મહાન ઓલમાએ આપ (અ.સ.) ને સવાલો કર્યા છે અથવા અમુક મૌકા પર સવાલ વગર હઝરતે પોતે સુધારણા માટે પત્ર મોકલ્યા છે.
લેખના અંતમાં બારગાહે ખુદાવંદીમાં દુઆગો છીએ કે હઝરતનો ઝુહુર અલ્લાહ જલ્દી કરે અને આપણો શુમાર તેમના મદદગારો અને ખિદમતગુઝારોમાં કરે.
અય બન્ને જહાનના પાલનહાર અમને તૌફીક અતા કર કે અમે અમારા ઓલમાની કદ્રો મંઝેલતને સમજીએ અને તેમની આપેલી ઇલ્મની રોશનીમાં અમારા આકા ઇમામે અસ્ર(અ.સ.)ની મઅરેફત હાસિલ કરીએ. આમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.