ગયબતનો અર્થ

Print Friendly, PDF & Email

આમ તો મહદવીય્યતના અકિદા સંબંધે ઘણી બાબતોમાં વિરોધો અને શંકાઓ ઉત્પન્ન કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ વિકટ સમસ્યા (પ્રશ્ર્ન) હઝરત મહદી (અ.સ.) ની ગયબતની સમજ અને અર્થનો છે. તેજ કારણથી મોઅમીનમાં ગણના થવા માટેની શરતો પૈકી એક મહત્વની શરત એ છે કે ઇમામ ગાએબ (અજ.) ઉપર ઇમાન અને શ્રદ્ધા રાખવી. ઇમામ મહદી (અ.સ.) ની ગયબતના સંદર્ભમાં અસંખ્ય હદીસો અને રિવાયતો શિયા સુન્ની બન્નેના પુસ્તકોમાં મૌજુદ છે જેમ કે મશહર સુન્ની વિદ્વાન અને હદીસવેત્તા મુત્તકી હિન્દીએ ‘અલ – બુરહાન ફી અલામતે મહદી આખેરૂઝ વરદી ફી અખ્બારીલ મહદસ’માં અને મુકદ્દસીએ શાફેઇએ ‘ઉકદદ – દુરૂદ ફી અખ્બકારીલ મુન્તઝર’ પુસ્તકોમાં નોંધ કરી છે. આ વિદ્વાનો સિવાય અહલે સુન્નતના અન્ય વિદ્વાનોએ આ પ્રકારની રિવાયતોનો ઢગ ખડકી દીધો છે. એજ પ્રમાણે શીયાના વિદ્વાન આલિમોની આવી અસંખ્ય કૃતિઓ છે. જેમાં એજ રિવાયતોની નોંધ કરવામાં આવી છે જેને સંદર્ભમાં ‘મહદવિય્યત’ની જુદી જુદી ચચર્નિી સાથો સાથ ‘ગયબત’ વિષે પણ સંપૂર્ણ બહેસ કરવામાં આવી છે.
શય્ખ સદુકે પોતાના જાણીતા પુસ્તક ‘કમાલુદ્દીન વ તમામનુ નેઅમત’માં શેખ તુસી (ર.અ.) અને શેખ નોઅમાનીએ તેઓના પુસ્તકો ‘અલ ગયબત’માં (સંયોગિતતા એ છે કે બન્નેએ આકસ્મિક રીતે પોતાના પુસ્તકનું નામ ‘અલ ગયબત’ રાખ્યું છે.) એવી રિવાયતો એકઠી કરી છે જે ‘ગયબત’ના વિષય ઉપર છે. આજ કારણથી જ્યારે ખુદાવંદે આલમ જલ્લ શાનહ એ હઝરત મહદી (અ.સ.) ને ગયબતથી નવાજ્યા છે તો એ અંગે કોઇપણ પ્રકારનો વિરોધ કે શંકા ઉત્પન્ન થવી ન જોઇએ.
પરંતુ આ તબક્કે સવાલ ઉદ્ભવે છે કે ગયબતનો અર્થ શો છે? અને ઇમામ (અ.સ.) ક્યા અર્થમાં ગૈબ છે.
(1) ગયબતની સમજ:
ઇમામ (અ.સ.) ની ગયબતનો એ અર્થ ચોક્કસ નથી કે તે જનાબ (અજ.) અન્ય કોઇ દુનિયામાં જીવન વિતાવી રહ્યા છે, જેમ કે ‘શય્ખયા’ફીરકાની માન્યતા છે. અથવા એ અર્થમાં પણ નથી કે તે હઝરત (અ.સ.) કોઇ કુવામાં કે ભૂગર્ભમાં છુપાએલા છે અને માત્ર જાહેર થવાના પ્રસંગ ઉપર ત્યાંથી નીકળીને જાહેર થશે, જેવો કે અમૂક સુન્ની આલીમોને ખ્યાલ છે. તેમજ ગયબતનો એ અર્થ પણ નથી કે ઇમામ મહદી (અ.સ.) રૂહાની જેમ જોઇ શકાય નહિ તેવા અને અસ્તિત્વ ન ધરાવતી વ્યક્તિ જેવા છે જેથી તેમનું દ્રશ્યમાન હોવું – નજરથી દેખાવું અશક્ય છે જેવો કે અમૂક લોકોનો ખ્યાલ છે (માન્યતા છે) ગયબતનો એ અર્થ પણ નથી તે હઝરત (અજ.) પૃથ્વી ઉપરના એક એવા વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે ત્યાંથી બહાર આવતાજ નથી, જેવી રીતે અમૂક પુસ્તકોમાં એ પ્રકારની રિવાયતો આવેલી છે.
ઇમામ મહદી (અ.સ.) ની ગયબતનો ખરો અને વાસ્તવિક અર્થ એ છે કે તે જગતમાં પોતાના ભૌતિક દેહની સાથે જીવંત રીતે જીવન પસાર કરી રહ્યા છે. વાતચીત કરે છે. લોકોને મદદ કરે છે. ભુલા પડી ગયેલા લોકોને માર્ગદર્શન આપે છે.
હજ્જે બયતુલ્લાહમાં શામેલ થાય છે. અન્ય માઅસુમીન (અ.સ.)ની ઝીયારત માટે તેમના પવિત્ર રોઝાઓ, અને પવિત્ર કબરો ઉપર તશરીફ લઇ જાય છે. મઝલુમો અને ચાહકોની ફરિયાદો દૂર કરે છે. લોકો તે હઝરત (સલવાતુલ્લાહ વસલામોહ અલયહે) ને જુએ છે અને તેમની સાથે વાતચીત પણ કરે છે. પરંતુ લોકો તેમને ઓળખી નથી શકતા. તે હઝરત (અ.સ.) ને અને તેમના ઉચ્ચ વ્યક્તિત્વને ઓળખી નથી શકતા.
જો કે, આ બધી વાતો તે શક્યતાને નકાર નથી કરતી કે ક્યારેક આપ ખતરાઓની વચ્ચેથી એ રીતે નિકળી જાય છે જે રીતે આપના સન્માનીય જદ્દ રસુલે ખુદા (સ.અ.વ.) કાફીરો અને મુશ્રિકોની ફેલાવેલી જાળમાંથી હિજરતની રાત્રીએ પોતાના પવિત્ર નિવાસસ્થાનથી બહાર નીકળી ગયા હતા. એ રીતે આ અર્થમાં ઇમામ ગાએબ (અ.સ.) જોઇ ન શકાય તેવા ઇમામ નથી પરંતુ એવા ઇમામ છે જે એક વણઓળખાએલ માનવીના સ્વરૂપે છે.
(2) ભૂગર્ભની વાત:
‘મહદવીય્યત’ના સંદર્ભમાં શીયાઓની માન્યતા ઉપર અહલેસુન્નતના લોકોનો મશહુર વિરોધ એ છે કે ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત પછી હઝરત મહદી (અ.સ.) સામર્રા શહેરના કોઇ કુવામાં કે ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને તેમાં જ સ્થાયી થયા છે અને જાહેર થવાના સમયે ત્યાંથી જ બહાર નીકળશે. આજ કારણથી આપની પવિત્ર ઝીયારત માટે શીયા લોકો સામર્રામાં કુવાના કાંઠા ઉપર જઇને પોતાના ઇમામથી મુનાજાત કરે છે. હદ તો એ છે કે અહલે સુન્નતના અમૂક કવિઓએ આ માન્યતાની હાંસી ઉડાવીને શેરો પણ કહ્યા છે અને તેને એક કાલ્પનિક વાર્તા સાથે સરખામણી કરી છે.
સંશોધન અને શોધખોળ પછી પ્રવર્તમાન પુસ્તકોમાં આ વાતની પુષ્ટિ થાય છે કે આ બાતિલ માન્યતાના આવિશ્કાર હાફીઝ મોહમ્મદ બીન યુસુફ ગન્જી (હી.સ. 658) છે જે શાફેઇ ફીરકાના પીર છે અને શામમાં રહેતાં હતાં. તેથી હનફી ફીરકાના વિદ્વાનોએ આ બાતિલ માન્યતાઓને તેમનું અનુસરણ કરતા હોવાની નોંધ કરી છે. જો કે આ સંબંધી જે વાતો શીયા પુસ્તકોમાં મળી આવે છે તે આ માન્યતાને રદ કરવા માટે લખવામાં આવે છે નહિ કે તેને સાચી સાબિત કરવા અથવા તો આ માન્યતાના અનુમોદનમાં.
આ પ્રકારના પ્રસંગોમાં એક બીજાથી બાજી જીતી જવાના પ્રયત્નોમાં એમ જણાય છે કે જાણે તોહમત મૂકવી તે સવાબનું કામ છે.
શીયા હરગીઝ રીતે એ માન્યતા ધરાવતા નથી કે તેઓના ઇમામ કોઇ ગુફા અથવા ભૂગર્ભમાં રહે છે. એ ઇમામને કેવી રીતે ગાયબ કહી શકાય જ્યારે તે ભૂગર્ભમાં મૌજુદ હોય છતાં તેમને સૌ જાણતા હોય.
શીયાઓના માન્યતા મુજબ ઇમામ (અ.સ.) હજ્જ માટે તશરીફ લાવે છે. લોકો હઝરત અ.સ. ને જુએ છે પરંતુ ઓળખતા નથી. આ માન્યતા ગુફા કે ભૂગર્ભમાં રહેવાની વિરૂદ્ધ છે.
શીયા સુન્ની બન્ને એ વાત ઉપર સંમત છે કે હઝરત (અજ.) ખાનએ કાઅબામાંથી જાહેર થશે. જો ગુફાવાળી રિવાયત સાચી હોત તો નિશંક આપ (અજ.) ગુફામાંથી જાહેર થાત.
સાહેબુલ ‘અલ યવાકિય્યત વલ જવાહિર’એ પોતે અને બીજી અન્ય વ્યક્તિઓની સિવાય હસન અરાકી જેવા અમૂક સુન્ની બિરાદરો એ દુનિયાના જુદા જુદા ભાગોમાં હઝરત મહદી (અ.સ.) ની ઝીયારત કરી છે જ્યારે કે આ ‘તોહમત’મુજબ આ મુલાકાતો ગુફામાં કે ભૂગર્ભમાં થવી જોઇતી હતી.
ગયબતના સમય દરમ્યાન કોઇપણ વ્યક્તિ હઝરતનું સ્થળ વિશ્ર્વાસપૂર્વક જાણતી નથી.
શીયા દર જુમ્આના સવારના દોઆએ નુદબામાં હઝરતને આ રીતે સંબોધન કરે છે : ‘અફસોસ! અમને જાણ હતે કે કઇ જગ્યાએ આપ વસો છો’તેનો અર્થ જ એ થાય છે કે કોઇ હઝરતના સ્થળને જાણતું નથી.
આ રીતે ગુફામાં અથવા તો ભૂગર્ભમાં જીવન પસાર કરવાની શીયાઓની માન્યતા નથી. અહીં માત્ર એ સવાલ રહે છે કે જ્યારે શીયા ગુફા કે ભૂગર્ભમાં જીવન પસાર કરવાને માનતા નથી તો પછી શા માટે સામર્રાની ભૂગર્ભની ઝીયારત કરે છે?
તેનો ઉતર સ્પષ્ટ છે. આ તે જગ્યા છે જ્યાં ત્રણ ઇમામો, ઇમામ અલી નકી (અ.સ.), ઇમામ હસન અસ્કરી (અ.સ.) અને ઇમામ ઝમાન (અ.સ.) ને જીવન પસાર કર્યું છે અને તે આ ઘરોમાં શામીલ છે. જેના બારામાં ખુદાવંદે આલમ ઇરશાદ ફરમાવે છે –
‘ફી બુયુતીન અઝેનલ્લાહો અન તૂરફઅ વ યુઝકરો ફીહે ઇસમોહ’(સુરએ નૂર, આયત 36)
‘તે ઘરોમાંથી છે જેના બારામાં ખુદાએ પરવાનગી આપી છે કે તેને ઉચ્ચ કરવામાં આવે (તેનુ સન્માન કરવામાં આવે) અને તેમાં ખુદાનું નામ લેવામાં આવે’
કેમ કે આ ઘરમાં ઇમામ (અ.સ.) માટે રહેવાનું સ્થળ હતું એ માટે એ બા – બરકત છે એ કારણે નહિ કે આજે પણ તે આપનું નિવાસસ્થાન છે. આ બિલ્કુલ એવી રીતે છે કે જેવી રીતે અમ્બીયા (અ.સ.) ની તરફ મન્સૂબ થએલા ઘરોનો એહતેરામ કરવામાં આવે છે.
ઇમામ મહદી (અ.સ.) ના જન્મથી જાહેર થવા સુધી ગુફા કે ભૂગર્ભમાં શાંતિથી રહીને જીવન પસાર કરવાની માન્યતા એહલે સુન્નતથી હોય તો ભલે હોય પરંતુ શીયાની માન્યતા જરાપણ નથી. આ દાવો દલીલ વગરનો નથી. દલીલ એ છે કે એહલે સુન્નતના મશહુર આલીમ હાફીઝ અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ બીન યુસુફ ગન્જી શાફેઇ (જન્મ હિ.સ. 958) તેમના પુસ્તક ‘અલ બયાન ફી અખ્બારે સાહેબ ઝમાન’ના 25 માં પ્રકરણમાં લખે છે ‘મહદીનો ઇન્કાર કરવાવાળા વિરોધ કરે છે કે જો મહદી ગુફામાં જીવન પસાર કરી રહ્યા છે તો કેવી રીતે તેમને ખોરાક મળે છે? તેના બે જવાબ છે,’આથી જણાય છે કે હાફીઝ ગન્જી શાફેઇના મંતવ્ય મુજબ એ વાત નક્કી છે કે હઝરત મહદી (અ.સ.) ભૂગર્ભમાં જીવન પસાર કરી રહ્યા છે. માત્ર પ્રશ્ર્ન ત્યાં ખોરાક પહોંચવાનો છે અને તે માટે તે જવાબ આપે છે. જ્યારે શીયાના મહાન વિદ્વાન અલી ઇબ્ને ઇસા અરદેબેલી (જેમણએ ખુદ હાફીઝ ગન્જી શાફેઇ પાસેથી તેમનું પુસ્તક ‘અલ બયાન’શીખ્યા હતા) પોતાના પુસ્તક ‘કશફુલ ગુમ્મા’માં હાફીઝ સાહેબની વાતની નોંધ કર્યા પછી કહે છે ‘આ એક ખૂબ જ આશ્ર્ચર્યજનક વાત છે કારણ કે જે લોકો હઝરત (અ.સ.) ના અસ્તિત્વનો ઇન્કાર કરે છે એજ લોકો આ વાતથી સંગત છે અને જો લોકો હઝરત અ.સ.ના અસ્તિત્વને સ્વિકારે છે અને તેમને માનનારા છે તે આ વાત સ્વિકારતા નથી કે આપ ભૂગર્ભમાં જીવન પસાર કરે છે.’
જે લોકો ઇરાક અને અન્ય રણ પ્રદેશમાં રહી ચૂક્યા છે તે વાત ખૂબી પૂર્વક જાણે છે કે પ્રાચીન યુગમાં (એક સમયે હિન્દુસ્તાનમાં પણ આ વાત પ્રચલિત હતી)ગરમ ઋતુમાં બપોરની સખત લૂથી બચવા માટે લોકો પોતાના ઘરમાં ભોંયતળિયા – ભંડકીયું બનાવતા હતા અને ત્યાં જ ગરમીની ઋતુ પસાર કરતા હતા. હઝરત ઇમામ હસન અસ્કરી અ.સ.નું ઘર સામર્રા (ઇરાક)માં હતું. જ્યાંની ગરમી જાણીતી છે. તે સમયમાં સામાન્ય આદત મુજબ હઝરત અ.સ.ના ઘરમાં પણ એક ભોંયતળિયું-ભંડકીયું હતું. જેને અરબીમાં ‘સરદાબ’ ભૂગર્ભ કહે છે ગરમીમાં ઇમામ અ.સ. અને આપના સૌ કુટુંબીજનો આ ભોંયરામાં રહેતા હતા. ઇ. હસન અસ્કરી અ.સ.ની શહાદત પછી બની અબ્બાસના અત્યાચારી ખલીફાના લશ્કરે હઝરત ઇમામ મહદી અ.સ. ને પકડી લેવા માટે હઝરતના ઘર ઉપર હુમલો કર્યો. ત્યાં જોયું કે હઝરત અ.સ. પવિત્ર સરદાબમાં નમાઝ પડી રહ્યા છે. પરંતુ ખુદાની કુદરતના કમાલથી તે લોકો આપને પકડી ન શક્યા અને પોતાનો સામાન લઇને પાછા ફરી ગયા. બીજી રિવાયત મુજબ લશ્કરે જ્યારે હઝરત અ.સ.ના પવિત્ર મકાનને ઘેરી લીધું તો આપ અ.સ. એવી રીતે ભૂગર્ભમાંથી બહાર નીકળ્યા જેવી રીતે આપના જદ્દ હ. રસુલે ખુદા સ. હિજરતની રાત્રીએ કાફીરો અને મુશરીકોની વચ્ચેથી નિકળી ગયા હતા. લશ્કરે ઘરમાં શોધ કરી પરંતુ આપ અ.સ.ને ત્યાં ન જોયા. આ રિવાયતને નુરૂદ્દીન અબ્દુલ રહેમાન જામી હનફીએ ‘શવાહેદુન નબુવ્વત’માં નોંધી છે.
આ ચર્ચાથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે હ. ઇમામ મહદી અ.સ.ની ગુફામાં અથવા ભૂગર્ભમાં -ભંડકીયામાં રહીને જીવન પસાર કરવાની આ સુન્ની માન્યતા છે, નહિ તો કોઇપણ શીયા આલીમ આ માન્યતાથી સંમત નથી અને આ માન્યતા શીયા માન્યતાથી સંપૂર્ણ રીતે વિરૂદ્ધમાં છે. ન જાણે એ કેવા પરદા પાછળના કારણો છે જેના લીધે અમૂક અહલે સુન્નત આ પ્રકારની પાયા વગરની વાતોને મારી મચડીને જોર શોરથી રજુ કરે છે.
ઇ. મહદી અ.સ. પોતાના સન્માનનીય પિતા હ. ઇમામ હસન અસ્કરી અ.સ.ની શહાદત પછી ફિરઔન અને નમરૂદની સુન્નત ઉપર અમલ કરનારા હાકીમો અને ખલીફોઓની સખ્તીઓના લીધે લોકોની નજરથી અદ્રશ્ય થઇ ગયા અને અલ્લાહના હુકમથી ગાયબ થઇ ગયા એટલે કે એવી રીતે જીવન પસાર કરી રહ્યા છે કે કોઇને તે હઝરત અ.સ.ના રહેણાંકની જાણ નથી અને જ્યાં સુધી ખુદાએ અઝઝ વ જલ્લની ઇચ્છા હશે ગુપ્ત રીતે રહેશે અને જ્યારે ખુદાવંદે મોતઆલાનો હુકમ થશે ત્યારે જાહેર થશે. ઇન્શાઅલ્લાહ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *