Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૭

ઇમામ જગતના અસ્તિત્વનું કારણ

Print Friendly

ઇમામ અથવા અલ્લાહના પ્રતિનિધીની જરૂરત માત્ર શરીઅતના હુકમો અને નિયમો મેળવવા અને તેના ઉપર અમલ કરવા/કરાવવા પુરતી નથી. બીજા શબ્દોમાં એ રીતે કરી શકાય કે ઇમામની જરૂરત ફક્ત શરીઅતને ટકાવી રાખવા માટે જ નથી પરંતુ પૃથ્વીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ઇમામનું અસ્તિત્વ જરૂરી છે. જો દુનિયામાં ઇમામનું અસ્તિત્વ ન હોય તો દુનિયાની સમગ્ર વ્યવસ્થા વેર – વિખેર થઇ જાય.
ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) થી રિવાયત છે : ‘જો જમીન એક કલાક માટે પણ ઇમામના પવિત્ર અસ્તિત્વથી ખાલી થઇ જાય તો સૌ દુનિયાવાળાઓને એવી રીતે પોતાનામાં સમાવી લે જેવી રીતે સમુદ્રનું તોફાન સમુદ્રમાં મુસાફરી કરનારાઓને ગળી જાય છે.’
તમામ મુસલમાનો એ હકીકત ઉપર એકમત છે કે આં હઝરત (સ.અ.વ.) અને આપની પવિત્ર ઔલાદના કારણે આ સૃષ્ટિનું સર્જન થયું છે. ઘણીવાર મશહર અને જાણીતી હદીસે કુદસી છે.
ખુદાવંદે આલમે હઝરત પયગમ્બર અકરમ (સ.અ.વ.) ને ફરમાવ્યું ‘જો આપ ન હોતે તો હું આ આસમાનોને પેદા ન કરતે.’
એક બીજી હદીસે કુદસીમાં આ રીતે ઇરશાદ છે.
‘મેં આપને મારા માટે પેદા કર્યા અને બીજી તમામ વસ્તુઓને આપના માટે પેદા કરી.’
ઇમામે રૂહે કાએનાત
હઝરત અલી (અ.સ.) એ તેમના એક શેરમાં ઇન્સાનને ‘આલમે અકબર’થી સરખામણી કરી છે. આપે અનેક વખત આ શેર સાંભળ્યો હશે. :
શું તમે એમ વિચારો છો કે તમે એક સામાન્ય તણખલા સમાન છો જ્યારે કે તમારામાં એક મહાન વિશ્ર્વ (આલમે અકબર) છુપાએલું છે.
મનુષ્યના શરીરમાં હૃદય એક એવું કેન્દ્ર બિન્દુ છે કે જે આખા શરીરને લાભ પહોંચાડે છે. જ્યાં સુધી હૃદય સલામત રહે છે ત્યાં સુધી શરીર સલામત રહે છે. શરીર ગમે તેટલુ નબળું કેમ ન હોય જો હૃદય સલામત છે તો તે જીવનની ગરમી આખા શરીરમાં દોડવતું રહે છે. જો ખુદા ન ખાસ્તા હૃદય ઉપર કોઇ આફત આવી પડે અથવા હૃદય તેનું કામ કરવાનું બંધ કરી દે તો આખું શરીર મૃત:પાય થઇ જાય છે.
એક વાત વિચારવા જેવી છે. હૃદય શરીરની જીવંતતાનું કારણ તો છે પણ જોઇ નથી શકાતું. છુપાએલું – ગયબતમાં રહે છે. પરંતુ શરીરના જીવંત કાર્યોથી હૃદયના અસ્તિત્વ ઉપર વિશ્ર્વાસ – યકીન થાય છે અને આ હૃદયને જે વસ્તુ જીવન આપે છે તે ‘રૂહ’ છે જે ‘અલ્લાહને હુકમ’ અમ્રે ઇલાહી છે.
આ વિશાળ અને મહાન વિશ્ર્વમાં ઇમામની હૈસિયત હૃદય અને રૂહના જેવી છે. જેવી રીતે શરીરનું હલન ચલન તે હૃદયના અસ્તિત્વની દલીલ છે તેવી રીતે દુનિયાની જીંદગી વિશ્ર્વની રૂહ વલીએ અસ્ર (અરવાહોના ફીદાહ) ના અસ્તિત્વની દલીલ છે.
એ વાત પણ સ્પષ્ટ થઇ ગઇ કે જમાનાના ઇમામનો લાભ માત્ર ઇમામના જાહેર અને હાજર રહેવા પુરતો મર્યિદિત નથી પરંતુ આ વિશ્ર્વનું ટકી રહેવું સમયના ઇમામના અસ્તિત્વના લાભો પૈકી એક લાભ છે. જેવી રીતે હૃદય છુપાઇને પણ શરીરના એક એક અંગને લાભ પહોંચાડતું રહે છે તેના દુ:ખ દર્દને દૂર કરે છે.
ઇમામ અસ્ર (અજ.) છુપા રહીને પણ સંપૂર્ણ જગતને લાભ પહોંચાડી રહ્યા છે અને દુ:ખીઓની મુશ્કેલીઓને દૂર કરે છે.
શરીરમાં જે કાંઇ પણ શક્તિ અને તાકાત છે તે રૂહના કારણે છે. જે કાંઇપણ છે. જે કાંઇપણ જીવનની ગરમી છે તે રૂહની ઇચ્છાને આધિન છે. માત્ર તેના હુકમથી નહીં, પરંતુ તેના સામાન્ય ઇરાદાથી સામે પણ માથું ઉંચકી શકતા નથી.
ઇમામ વિશ્ર્વની રૂહ છે. આ દુનિયામાં જે કાંઇ જીવન છે જે કાંઇ શક્તિ, તાકાત અને ગરમી છે તે સર્વે ઇમામે અસ્રની ઉપકારી છે. જેટલા મનુષ્યના અંગો તેના ઇરાદાના પાબંદ અને અનુસરનાર અને તાબેદાર છે, દુનિયાના કણે કણ તેથી અનેક ગણા વધુ ઇમામ અસ્ર (અ.સ.)ના અનુસરનારા અને તાબેદાર છે. તે ઇમામના હુકમની સહેજ પણ અવગણના નથી કરી શકતાં અને ન કરે છે. આ દ્રષ્ઠિથી ઇમામ (અ.સ.) નું કોઇ પણ અસામાન્ય કાર્ય કરવું તે આશ્ર્ચાર્યજનક વાત નથી. આજ કારણથી ઇમામ જ્યારે ચાહે, જે રીતે ઇચ્છા કરે દુનિયાની કોઇ પણ નેઅમતે ઇલાહીનો ઉપયોગ કરી શકે છે.
આ વાતોને તે પ્રસંગથી ફાયદો ઉઠાવવામાં આવ્યો છે જે હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ના સહાબી હેશામ બીન હકમ અને બસરીએ આલમ અમરૂ બીન ઉબૈદ વચ્ચે બન્યો હતો. જે સાંભળીને ઇમામ હઝરત જઅફરે સાદિક (અ.સ.) એ કહ્યું: ‘આ દલીલ તો ઝબુરમાં મૌજુદ છે.’(ઉસુલે કાફી, ભાગ 1, પાના 169, હ.3)
અહલે સુન્નત હઝરાતને ત્યાં પણ આ મુજબની હદીસ મળે છે જેનાથી સ્પષ્ટ થાય છે કે જો જમાનાના ઇમામનું અસ્તિત્વ ન હોય તો જમીન રહેવાવાળાઓની સાથે ધસી જાય. જેમકે અહલે સુન્નતના મશહુર હદીસવેત્તા ‘અબ્દુલ્લા બીન બતહ અકબરી’એ તેમના પુસ્તક ‘અલ – અયાનહ’માં વિશ્ર્વાસપૂર્ણ હદીસવેત્તાઓના સીલસીલાથી અનસ બીન માલિકથી આ રિવાયત નોંધી છે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ કહ્યું :
‘બાર (ઇમામ) સુધી આ દીન ચાલુ રહેશે. જ્યારે આ બાર વ્યક્તિઓ આ જમીન ઉપરથી વિદાય લેશે તો જમીન તેના રહેવાવાળા સાથે ધસી પડશે.’
આ તમામ વાતોથી એ બાબત ખૂબીપૂર્વક સ્પષ્ટ થઇ જાય છે જો આ દુનિયા અસ્તિત્વ ધરાવે છે તો જગતના લાડલા, અલી મુરતઝા (અ.સ.)ના પ્યારા, હઝરત ઇમામ મહદી (અ.સ.) જમાનાના ઇમામ છે એટલે જ, આપણે રોજી મળી રહી છે તે એમના લીધેજ, આપણી પાસે ઇસ્લામ અને ઇમાન છે તો અમના કારણેજ. એટલે કે આપણુ સમગ્ર અસ્તિત્વ અને તે સંબંધી દરેક વસ્તુઓ ઇમામ અસ્ર (અ.સ.) ના કારણે જ છે.
આ અમર્યિદિત અહેસાનોની નજીવી અપેક્ષા એ છે કે આપણે તેમને યાદ કરીએ. તેમની યાદીથી દિલ અને દિમાગને ખાલી ન થવા દઇએ. તેમની પ્રતિક્ષા કરીએ અને તેમને જાહેર થવા માટેના સંજોગો અનુકુળ બનાવીએ. આપણા સંતાનો, કુટુંબીજનો, દોસ્તો અને સબંધીઓના દિલોને હઝરત ઇમામ અસ્ર (અ.સ.) ની ઓળખ અને મોહબ્બતથી હજુ વધુ પ્રકાશિત કરીએ.
ઇમામ : સૃષ્ટિના સર્જનનો હેતુ
ખુદાવંદે આલમે આ દુનિયાને કંઇક એવી રીતે પૈદા કરી છે કે દરેક હલ્કા અસ્તિત્વને ઉચ્ચ અસ્તિત્વ માટે પેદા કરવામાં આવી છે. વધુ સારા શબ્દોમાં તેને આ રીતે કહી શકાય – દરેક અપૂર્ણ સર્જનને સંપૂર્ણ સર્જન માટે પેદા કરવામાં આવ્યું છે – જો સંપૂર્ણ સર્જન દ્રષ્ઠિ સમક્ષ ન હોત તો અપૂર્ણ અસ્તિત્વ અધરૂં અને નકામુ હતું. દ્રષ્ટાંતરૂપે એ રીતે સ્પષ્ટ કહી શકાય કે માના પેટમાં રહેલુ જીવન દુનિયાના જીવન માટે જરૂરી છે. જો દુનિયાનું જીવન સ્વિકાર્ય ન હોત તો માના પેટનું જીવન નકામુ અને અર્થ વગરનું હોત. તેથી તેને જે મદદ અને માધ્યમ આપવામાં આવ્યા છે તે માના પેટની દુનિયાના કામના (કે કામ માટે) નથી. તેના ઉપયોગ આ દુનિયા માટે છે. જો કે માના પેટનું જીવન પ્રાથમિક જરૂરિયાત છે. આ દુનિયાનું જીવન જે માના પેટના જીવનની સરખામણીમાં વધુ સંપૂર્ણ છે. એવી જ રીતે આ દુનિયાનું જીવન પ્રાથમિક છે આખેરતના આલમમાં જ્યાં જીવન જ જીવન છે. કમાલ જ કમાલ છે. જો આખેરતના જીવનનું યકીન ન હોત તો આ દુનિયાનું જીવન કુરઆનના શબ્દોમાં ‘અબસ’અને ‘અર્થહીન’હોત. આખેરતના જીવનના અસ્તિત્વએ દુનિયાના જીવનને અર્થપૂર્ણ બનાવી દીધું છે. આખેરતનું જીવન સંપૂર્ણત: જીવન છે.
જો આપણે વર્તમાન જીવનના ક્રમને જોઇએ તો પણ આ બાબત સ્પષ્ટ છે. વનસ્પતિના જીવન માટે જમનીનું જીવન પ્રાથમિક છે. વનસ્પતિનું જીવન પ્રાણીઓના અસ્તિત્વની દલીલ છે અને પ્રાણીઓનું અસ્તિત્વ શ્રેષ્ઠ સર્જન માનવીઓના અસ્તિત્વની દલીલ છે. અહિં દરેક અસ્તિત્વ અપૂર્ણતાથી કમાલની તરફ પ્રયાણ કરે છે. નિર્જીવ જમીને વનસ્પતિને હેતુપુર્ણ બનાવી. હલકા વજુદવાળી વનસ્પતિને ક્ષુલ્લક અને હરતા ફરતા પ્રાણીઓએ અર્થપૂર્ણ બનાવી. અકલ વગરના વગર વિચારવાળા જનાવરોને, વિચારવંત અને સમજદારીવાળા ઇન્સાનથી અર્થપૂર્ણ બનાવ્યા, ગુણ અને ઇલાહી ચારિત્ર્ય વિનાના માનવીને ખુદાઇ ગુણ ધરાવતા જમાનાના ઇમામે હેતુપૂર્ણ બનાવ્યા. માત્ર ઇમામ જ આ સૃષ્ટીના સર્જનની નિશાની છે જેણે આખી સૃષ્ટીના સર્જનને હેતુપૂર્ણ બનાવ્યો છે.
જો ઇમામનું અસ્તિત્વ ન હોય તો સંપૂર્ણ જગત અર્થહીન અને ‘અબસ’ બની જાય.
હવે આપણે આ મશહર અને જાણીતી હદીસ ઉપર વિચાર કરીએ.
‘અય પયગમ્બર! જો આપ ન હોત તો હું આસમાનોને પેદા ન કરત.’
હઝરત પયગમ્બર અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું :
‘એ અલી! જો આપણે ન હોત તો ખુદાવંદે આલમ ન આદમને પેદા કરત ન હવ્વાને, ન જન્નતને પેદા કરત ન જહન્નમને ન આસમાનને પેદા કરત ન જમીનને.’
ઇબ્ને હજરે જનાબ ઇબ્ને અબ્બાસના હવાલાથી આ હદીસે કુદસીને નોંધ કરી છે. ખુદાવંદે આલમે જનાબે ઇસા (અ.સ.) ના માટે આ વહી ફરમાવી ‘અય ઇસા મોહમ્મદ ઉપર ઇમાન લાવો અને તમારી ઉમ્મતને હુકમ આપો જે કોઇ તેમના સમયને પામે તે તેમના ઉપર ઇમાન લાવે. તે માટે કે જો મોહમ્મદ (સ.અ.વ.) ન હોત તો હું આદમને પેદા ન કરત. જો મોહમ્મદ (સ.અ.વ.) ન હોતે તો હું જન્નત અને જહન્નમને પેદા ન કરતે.’ (શવાહેદુલ હક્ક ફીલ ઇસ્તગાતતલ બસીદુલ ખલ્ક, લેખક નબહાની, પાના 139, પ્રકાશન ઇસ્તમ્બુલ 1396)
આ હદીસોથી કાયદેસર સ્પષ્ટ થઇ રહ્યું છે કે ઇમામ અસ્ર (અ.સ.)ની પવિત્ર જાત તે સંપૂર્ણ કમાલ અને પરવરદિગારની સિફાત (ગુણો) ના નામોનું કેન્દ્ર છે જે દુનિયાના અસ્તિત્વનું કારણ અને પરિણામ છે. દેખીતી વાત છે કેજો ઇમામનું અસ્તિત્વ ન હોય તો દુનિયા વેર વિખેર થઇ જાય.
જે વ્યક્તિના દિલમાં ઇમામ અસ્ર(અ.સ.)ની મઅરેફત છે, હૃદયનો ખૂણે ખૂણો ઇમામની મોહબ્બતથી ભરપુર છે, જે પરવરદિગારના પ્રતિનિધીના માર્ગદર્શન હેઠળ કમાલના દરજ્જા પસાર કરવા ચાહે છે, જે તેમના અને તેમના પૂર્વજોના માર્ગ ઉપર ચાલવા માગે છે, તે નિશંક હેતુસરનું જીવન પસાર કરી રહ્યો છે અને જેનું અસ્તિત્વ આ હેતુઓ વગરનું ખાલી છે તે માત્ર એક બોજ સમાન છે જે જમીન ઉપર હરીફરી રહ્યા છે.
હઝરત અલી (અ.સ.) ના આ ફકરા કેટલા અર્થપૂર્ણ છે! અને કેવી રીતે આ સમજ તેની અંદર ગુંથાએલી છે!
‘અમે ખુદાવંદે આલમની બારગાહમાં તરબીય્યત પામેલા છીએ અને લોકો અમારા માટે બનાવવામાં આવ્યા છે.’
(નહજુલ બલાગાહ, મકતુબ (પત્ર) નંબર 28 – સાલેહ, પાનુ 16)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.