ઇમામ અને ઇમામત

Print Friendly, PDF & Email

હુસૈનિય્યત દિલના દર્દનો ઇલાજ છે. હુસૈનિય્યત એવા લોકો માટે હિમ્મત અને ધીરજ છે જેઓના હક્કોને છીનવી લેવામાં આવ્યા છે. હુસૈનિય્યત હિંમત અને બહાદુરી છે એવા લોકોનો સામનો કરવા માટે જે માલ, દૌલત, ઝુલ્મ અને અત્યાચાર થકી નબળા અને કમઝોરને પાછળ ધકેલી રહ્યા છે. હુસૈનિય્યત એક મીશન છે જે જગતમાં ફેલાએલી બેશુમાર માનસિક, બૌદ્ધિક, આર્થિક તથા સમાજીક ગુંચવણભરી બિમારીઓ માટે  માટે સુરક્ષિતતાની દિવાલ છે, જેને કોઇ તોડી શકતું નથી. અર્થાંત ઇસ્લામની ૨૩ વર્ષની રિસાલતનો સારાંશ કરબલાનો બનાવ છે.

મક્કએ મોકર્રમા, મદીનએ મુનવ્વરા, નજફે અશરફ, કરબલાએ મોઅલ્લા, મશ્હદે મુકદ્દસ, કાઝમૈન શરીફ તથા સામર્રા એવા સ્થળો છે જ્યાં રિસાલતની તબ્લીગના ઇતિહાસના કાફલાએ થંભીને પોતાની મુસાફરીનું નિશાન સ્થાપિત કર્યું છે તેમજ આજ સ્થળેથી હિદાયતના નૂરનો એક મિનારો બનાવીને સમગ્ર દુનિયાને સુલેહ અને શાંતિનો સંદેશો પહોંચાડ્યો છે. આ સ્થળોમાં કરબલા એક એવું કેન્દ્ર બન્યું કે જ્યાંથી એ જાણવા મળે છે કે આ એહમદે મુરસલ (સ.અ.વ.)ની દોઆ છે કે જે ખુદાની બારગાહમાં હર હંમેશ સ્વિકારવામાં આવી. આ તે ધરતી છે જ્યાં સમર્પણ અને સંતુષ્ટતાની એ કિતાબ લખવામાં આવી જે કુરઆનના રહસ્યોના સબક શીખવી રહી છે. જેના માટે ઇકબાલે કહ્યું હતું.

“કુરઆનના રહસ્યો અમો હુસૈન પાસેથી શીખ્યા.’

જે ઇસ્લામને રિસાલતે મઆબ મોહમ્મદે અરબી (સ.અ.વ)ની બેઅસત ઉપર પહેલાં જ દિવસે નજાતના પાયા ઉપર રાખીને દુનિયાભરના લોકોને સલામતિનો સંદેશો આપ્યો હતો અને જ્યારે કરબલામાં તે હુસૈન (અ.સ.) જેના માટે રસુલે અકરમ (સ.અ.વ.)એ કહ્યું હતું “આ હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું.’ અને આપે તે સાચું કરી દેખાડ્યું હતું જેને એક શાયરે સુંદર અંદાજમાં કહ્યું છે.

“ડૂબ કર પાર હો ગયા ઇસ્લામ,

આપ ક્યા જાને કરબલા ક્યા હય.’

આ જ ઇસ્લામને ઇસ્લામના નામ પર હુકુમત કરવાવાળાઓએ પોતાની તે તાકત વડે કે જેના થકી તેઓ હુકુમત કરતા હતા એક મરણતોલ પ્રહાર જાણીને હુસૈનિય્યત ઉપર પર્દો ઢાંકવા માટે રાજકીય રમતો, બાતીલ તબ્લીગો, નાણાંથી ખરીદાએલા આલીમો, મોટા મોટા ફીત્નાઓ આચરનારા અને દુનિયા પરસ્ત દીમાગોમાં માલ અને દૌલત માટે લાલચ પૈદા કરીને શક્ય તેટલી બધી કોશિશો કરી નાખી. જેના પરિણામે ન જાણે કેટલીય દોઢ ઇંટની મસ્જીદો તૈયાર થઇ ગઇ અને આ રીતે ઇસ્લામ ફીરકાઓમાં વહેંચાઇ ગયો.

દુનિયાની ઉમ્મતોને સલામતિનો સંદેશ, સુલેહ અને શાંતિનું જીવન પસાર કરવાનો બોધપાઠ, સ્વમાનભેર અને મક્કમતાથી જીવવાની રીત બતાવનાર નબીઓ અને રસુલોના વારસદાર હુસૈન (અ.સ.) હતા. આપ (અ.સ.)ને આપની માતાએ ચક્કી પીસીને ઉછેર્યા અને એવી મુસીબતો જે દિવસના પ્રકાશ ઉપર પડે તો અંધકાર ભરી રાતમાં બદલાઇ જાય તેવી મુસીબતોને ધીરજ અને સબ્રથી તથા અલ્લાહના શુક્ર વડે સહન કરી. પરંતુ પિતાની વસીય્યત મુજબ અને પોતાના નૂરાની અને મઅસુમ (ગુનાહ રહિત) ચારિત્ર્યના કારણે મુસલમાન ઉમ્મત અને દીને હકનું નામ લેનારાઓ ઉપર બદ્દોઆ ન કરીને કુફરાને નેઅમત કરનારાઓને સખત અઝાબથી બચાવી લીધા.

જ્યારે મોઆવીયાનું શાસન પુરૂં થયું અને યઝીદ હુકુમતના તખ્ત ઉપર ચડી બેઠો ત્યારે શાસનના વ્યવસ્થાપકો અને યઝીદના સલાહકારોની સામે ઘણા ગુંચવણભર્યા અને ચિંતાભર્યા પ્રશ્ર્નો હતા. આ પ્રશ્ર્નોથી ઘેરાયેલા વ્યક્તિઓના દિમાગમાં લશ્કરની તાકતનો ઉપયોગ, નિર્દોષ વસ્તીઓ ઉપર ઘાતક હુમલાઓ, સત્ય વક્તાઓના મોઢા બંધ કરવા, હુકુમતની વ્યવસ્થામાં દીન ધારણ કરવો અને તલ્વારની ધાર ઉપર ઇમાન, સચ્ચાઇ અને રસુલ (સ.અ.વ.)ની તબ્લીગની વાતો કરનારાઓના ખુન રેડવા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો.

તે પ્રશ્ર્નો શું હતા તેની થોડી ચર્ચા કરીને પછી આગળ વધશું. સૌ પ્રથમ યઝીદનો આ શાસનકાળ હિ.સ. ૬૦ના અંતમાં શરૂ થયો. એટલેકે જ્યારે રીસાલત મઆબ (સ.અ.વ.)ની વફાતને ફક્ત ૫૦ વર્ષ વિત્યા હતા. હજી તો મદીનએ મુનવ્વરા અને મક્કએ મોકર્રમામાં હબીબે ખુદા (સ.અ.વ.)ના પવિત્ર જીવન (સીરતે નબવી), આપ (સ.અ.વ.)ના એહલેબય્ત માટેના હુકમો, આપના વસી અને વારસદાર અલી (અ.સ.)ને લગતી આપની હદીસો, ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.)ની મઅરેફત સાથે સંબંધિત વહીની ભાષામાં અદા થએલ ભરપૂર અર્થસભર કથનોની ચર્ચાઓ બધે થતી હતી. હજી તેના અર્થો અને અર્થઘટનને બદલી નાખવાની કોશિશ શરૂ થઇ નહોતી. ઉદાહરણ રૂપે  ગદીરે ખુમનો તે જબરદસ્ત ઐતેહાસિક વણાંંક કે જેમાં વિલાયત અને

ખિલાફતની તાજપોશીનો અવાજ બુલંદ થયો હતો તે લાખ દબાવવા છતાં દબાયો ન હતો. જેની અલી (અ.સ.)એ રોહબાના મેદાનમાં જીવંત કરી દીધી હતી. “હસનૈન (અ.મુ.સ.)જન્નતના જવાનોના સરદારો છે’, “હુસૈન (અ.સ.) મારાથી છે અને હું હુસૈન (અ.સ.)થી છું’, “મારી પુત્રી ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની ખાતુન છે. મારા જીગરનો ટૂકડો છે. જેણે તેમને ઇજા પહોંચાડી તેણે મને ઇજા પહોંચાડી.’ પછી આખરી નબી (સ.અ.વ.)ની વફાત પછી ખિલાફતની ચળવળમાં આ જ કથનોની સામે મઅસુમએ કૌનેન (સ.અ.)ના દરવાજા ઉપર આગની ભડકતી જવાળાઓ જોવામાં આવી. અક્કલ, વિચારશક્તિ અને સમજણ ધરાવનારા મદીનાના લોકો અને જ્યાં જ્યાં  ઇસ્લામ પહોંચ્યો હતો ત્યાંના મુસલમાનોમાં હજુ પણ ન્યાય કરવાની ક્ષમતા મરી પરવારી ન હતી. હજી ઇસ્લામના સંખ્યાબંધ ફરઝંદો મૌજુદ હતા જે હક અને બાતીલમાં તફાવત જાણતા હતા અને સત્ય બોલવામાં હિમ્મત ધરાવતા હતા. હજી મદીના નાશ પામ્યું ન હતું. હજી કાબાના ગિલાફ પર આગ જોવામાં નહોતી આવી.

અત્યાચાર ઉપર અત્યાચાર પછી સુલ્હે હસનની એ શરત હજી તેના મૂલ્યમાં જીવંત હતી કે મોઆવીયા પછી માત્ર બની હાશીમના વંશજો જ સરદારી કરશે. મોઆવીયાના મૃત્યુ પછી કુફા, બસરા, મદીના અને આજુબાજુના લોકો નિરાંતનો દમ લઇ રહ્યા હતા કે હવે ઝાલીમ હુકુમતનું શાસન પુરૂં થશે અને અમને રસુલે સકલૈન (સ.અ.વ.)ના નૂરે ચશ્મની રાહનુમાઇ નસીબ થશે. બયઅતનો રિવાજ હજી સુધી જીવંત અને અમલમાં હતો. આ દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં લઇ અસંખ્ય પત્રો  ઇમામ હુસૈન (અ.સ.)ને મળ્યા કે આપ પધારો અમે આપના મુબારક હાથ ઉપર બયઅત કરવા માટે તૈયાર છીએ. આવા બીજા પણ ઘણા બધા પ્રશ્ર્નો હતા જે યઝીદની હુકુમત માટે ખતરાની નિશાની હતા. જે ખતરાઓ હુકુમતની સામે હતા જેનો ટૂંકમાં નિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે તેનો પ્રકાર એવો હતાં કે એક તરફ સીરીયાની હુકુમત હતી જેના વ્યવસ્થાપકો અને સલાહકારો ઇસ્લામમાં હુકુમત સ્થાપિત કરવા માટે સોના ચાંંદીથી ખરીદવામાં આવેલા આલીમો હતા. તેઓ હુકુમત માટે મનસુબો ઘડવાનો પાયો નાખી રહ્યા હતા જે તેમણે ઘડેલા નિયમો અને ઇસ્લામી શરીઅતના મિશ્રણના મસાલાથી તૈયાર થઇ રહ્યા હતા. જ્યારે બીજી બાજુ કુફાથી મદીના તરફ એ અવાજો આવી રહ્યા હતા કે જે ઇમામ હુસૈન (અ.સ.)ને પોકારતા હતી. જે રસુલ (સ.અ.વ.)ના વારસદાર હતા અને રીસાલતની તબ્લીગની રૂહ હતા તથા જેઓ પવિત્ર ઇસ્લામના હેતુના રક્ષણહાર હતા. આપનું એ પવિત્ર વ્યક્તિત્વ હતું જે આપના નાનાની ઇસ્લામી તબલીગના રહસ્યો ઉપર રાજકારણની ધૂળ બેસવા દેતું ન હતું. આજ કારણ હતું કે યઝીદે હુકુમતની ગાદી પર બેસવાની સાથે જ હુસૈન (અ.સ) પાસે બયઅતની માગણી કરી. પોતાની તાકત અને હુકુમતના આધારે એવા ખામી ભર્યાં અભિપ્રાય સાથે કે જો આપ (અ.સ.) બયઅતથી ઇન્કાર કરે તો તેમની ગરદન ઉડાવી દો. એટલેકે એક તરફ તલ્વાર, ગરદન ઉડાવી દેવાની તથા મારી નાખવાની ધમકીઓ હતી તો બીજી  તરફ સબ્ર, સહનશક્તિ, સુલેહ, શાંતિ અને ઇસ્લામમાં ખૂન વહાવવાથી દૂર રહેવાનો પ્રચાર કરનાર આગેવાન હુસૈન (અ.સ.) હતા. એક તરફ ઇસ્લામની ફીલોસોફી હતી કે જે કહી રહી હતી કે બેગુનાહને કતલ કરવાની વાત તો દૂર છે પરંતુ તેને પરેશાન પણ ન કરો. જ્યારે બીજી તરફ ઇસ્લામી હુકુમત લોહી વહાવવાથી જ ચાલી શકે તેવું રાજકીય હથિયાર પોતાના સિદ્ધાંતની પયરવી કરી રહ્યું હતું. યઝીદની સળગાવેલી આગ આજે પણ ઇરાકની ભૂમિ ઉપર ફેલાએલી છે. દરરોજ સવારે આવાજ સમાચાર આવે છે કે આજે ૨૦૦ મજુરો પોતાની રોજી રોટી મેળવવા માટે કોઇ મકાનના ચણતર કામમાં લાગેલા હતા ત્યારે તેઓને બોંબથી ઉડાવી દેવામાં આવ્યા. આજે એક બસમાંથી સ્ત્રીઓને ઉતારીને અલગ કરીને પુરૂષોને પકડીને લઇ ગયા અને તેઓના ગળા ઉપર છુરી ફેરવી દીધી. ટૂંકમાં ઇરાકની સવાર થાય છે તો મઝલુમો, લાચાર, મજબૂરો અને નિ:સહાય ભૂખથી ટળવળતા લોકોના ખૂનથી ન્હાએલી સવાર હોય છે અને સાંજ આવે છે તો ખબર નહિં કેટલીય વિધવાઓ, યતીમો, કમઝોરોની રોકકળ કરતી, માથુ કૂટતી, ચિંખતી, ડરથી કાંપતી ચીસોની ચાદર ઓઢીને આવે છે.

આ કેવી ખૂનથી લથબથ સવાર છે અને કેવી મૃત્યુના સન્નાટા માફક બિહામણી સાંજ છે. જે સૂર્યોદયથી લઇને સૂર્યાસ્ત સુધીની લોહીથી ટપકતી દાસ્તાન લખી રહી છે. આ યઝીદીઓએ લાવેલી સાંજની દુ:ખ અને મુસીબતો આપણને ક્યાં સુધી શામે ગરીબાની યાદ અપાવતી રહીને રડાવતી રહેશે. આપણે દરરોજ કહીએ છીએ કે જ્યારે આ સાંજ આવી છે તો પછી શામે ગરીબાની સાંજ કેવી હશે. કારણકે ઇમામ હુસૈન (અ.સ.)એ ફરમાવ્યું હતું કે અમારી મુસીબતોની તુલના અને સરખામણી બીજી કોઇ મુસીબતો સાથે ન કરતા કારણકે હવે એવી મુસીબતો ફરી ક્યારેય નહિં આવે.

અય આપણા દરેકના પ્યારા હુસૈન (અ.સ.), અહિંસાના બાદશાહ હુસૈન (અ.સ.), ઇન્સાનિય્યતના તાજદાર હુસૈન (અ.સ.), પ્યાસા હુસૈન (અ.સ.), સાબિર હુસૈન (અ.સ.), ખાતુને જન્નતના દિલની રાહત હુસૈન (અ.સ.), નાના રસુલની આંખોના નૂર હુસૈન (અ.સ.), અલી (અ.સ.)ના શીઆઓની હોડી તોફાનમાં સપડાએલી છે. આપને અબ્બાસ (અ.સ.)ના કપાએલા હાથોનો વાસ્તો આ હોડીને તોફાનમાંથી કાઢીને તેને સાંત્વન અને રાહતના કિનારા ઉપર લઇ આવો. આ તોફાન ત્યારે જ શાંત થશે જ્યારે લોકો હુસૈનિય્યત અને આપના મીશનને સમજશે અને તેની ઉપર અમલ કરશે. રાહતનો શ્ર્વાસ તો ત્યાંજ લઇ શકાશે જ્યાં ઇમામતનો ઠંડો છાંયડો હશે. આજની દુનિયામાં થોડી પળો સાંત્વનની મળી જાય તો તે જ ગનીમત છે. આવો તે દિવસને યાદ કરીએ જ્યારે દિન તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો અને આસામાની નેઅમતો ઉપર પરીપૂર્ણતાની મોહર લાગી હતી તથા તે “નફસે મુત્મઇન્ના’ના અંતિમ સજદાને યાદ કરીએ જે સમયે પરવરદિગારના રાજીપણાનું એલાન થયું હતું. ખૂને નાહક વ્યર્થ નહિં જાય, હજી કુદરતે હુસૈન (અ.સ.)ના ફરઝંદ હુજ્જત ઇબ્નીલ હસન અલ અસ્કરી (અ.સ.) થકી આ જમીન અને આસમાનને ટકાવી રાખ્યા છે. તે હિદાયતનો સૂરજ ગય્બતના પરદામાં છે. ખુદાવંદે મોતઆલનું ફરમાન છે કે તેઓ નક્કી થએલા સમયે જાહેર થશે. ખુદા તેના વાયદાથી ફરી નહિં જાય તેનો વાયદો પૂરો થઇને રહેશે. તે સમયે હુસૈનિય્યતનું મીશન પરિપૂર્ણ થશે અને હકના પરચમના છાંયામાં આ દુનિયા ન્યાય અને ઇન્સાફથી ભરાઇ જશે.

અય અલ્લાહ તબારક વ તઆલા! અમારા ઇમામના ઝુહુરમાં જલ્દી કર. આમીન

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *