Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૫

ક્યાં છો આપ?, આપ ક્યાં છો? અય ગુલે – ઝહેરા

Print Friendly, PDF & Email

અય ગુલિસ્તાને રિસાલતે ઇલાહીયહના સુંદર પુષ્ય, અય બોસ્તાને ઇસ્મતના બુલબુલ હઝાર દાસ્તાન, અય ચમનીસ્તાને ઇમામતની બહારે – દિલ – આફરીં અને વિલાયત અને હિદાયતના તાઝા પુષ્ય, અય તે પવિત્ર હસ્તી કે જેને ખાલિકે અર્ઝો સમાએ પોતાના વારસદાર ગણ્યા છે. અને અલ્લાહ અઝઝ વ જલ્લ પોતાના વાયદાને કદી ભુલતો નથી. બેશક, આપની હુકુમત આ ઝમીન ઉપર એ વખતે કાયમ થશે જ્યારે સમગ્ર ઝમીન જમાનાના ઝાલિમો, અત્યાચારીઓના ઝુલ્મો સિતમથી ભરપુર થઇ ચૂકી હશે. ખલ્કે ખુદા અમ્નો અમાન તથા સુલ્હ શાંતિ માટે બેચેન અને પરેશાન રહેશે. સાહેબે ઇમાન અને મુત્તકી લોકો ઝીલ્લત અને રૂસ્વાઇ સાથે જીવન વ્યતીત કરી રહ્યા હશે. નિરાશા અને હતાશાથી આ હસીનો જમીલ દુનિયાનો ખૂણે ખૂણો ભરાઇ ગયો હશે. ઝુલ્મ, અત્યાચાર તથા સિતમ અને બળજબરી તેની પરાકાષ્ટાએ પહોંચી ગઇ હશે. અલ – હફીઝ, અલ-અમાન (શાંતિ-સલામતી)ની અવાજો બુલંદ થઇને દબાઇ જશે. ઇબ્લીસના વરૂઓ ચારે બાજુ દહેશતનું સામ્રાજ્ય ફેલાવી દેશે. બંદાઓ આસમાન તરફ દ્રષ્ટિ તાકીને બેઠા રહેશે. હૃદયના ઉંડાણમાંથી ચીસો નીકળશે. પરંતુ ઝુલ્મ અને અત્યાચાર તેના ગળા એ રીતે રૂંધી નાખશે કે તેની ચીસો ગળામાંજ અટકી જશે. એવા ભયાનક અને નિરાશા જનક વાતાવરણમાં સુલ્તાને વિલાયત, હુકુમતે ઇલાહીયહ. ખુદાવંદે અઝઝ વ જલ્લાના હુકમથી પોતાના જમાલે લા – ઝવાલ (કદી નાશ ન પામે તેવા સૌંદર્ય)થી આખી દુનિયાને પ્રકાશિત કરવા લાગશે એક નવા પ્રભાતનો ઉદય થશે. નિરાશ ચહેરાઓ આશાથી ચમકવા માંડશે. ખુદાના પ્રતિનિધી ન્યાયના સિંહાસન ઉપર બેસીને ઝાલિમોનો અંત લાવશે. કારણકે ઇલાહી – વાયદો અચુક પૂરો થવાનો છે, અલ્લાહ તેના વાયદાનો કદી ભંગ કરતો નથી. આકા…. આજે લૂંટારાઓ ઇન્સાનોની નેતાગીરી સંભાળીને લૂટફાટ મચાવી રહ્યા છે. ન્યાયની ખૂરશી ઉપર ગુનેહગારોનો કબ્જો છે. તેઓ હકને નાહક (સત્ય ને જૂઠ) અને નાહકને હક કહીને ન્યાય કરી રહ્યા છે. મઝલૂમોને ફરિયાદ કરવાની પરવાનગી નથી. દુશ્મનો ન્યાયતંત્ર ઉપર કબ્જો જમાવી બેઠા છે. તારા ખુદા, તારા રસૂલ અને ખુદાના દિન ઉપર ઇમાન ધરાવનારાઓ સંસ્થાનવાદી… શક્તિઓના હાથે બળજબરી અને બરબાદીનો ભોગ બનીને તિરસ્કૃત અને હડધૂત થઇ એક પછી એક મૌતનો શિકાર બની રહ્યા છે. તારા દાદાના દીનનો સ્વિકાર કરનારાઓના વંશને આયોજનપૂર્વક નાબુદ કરવામાં આવે છે. પ્રવર્તમાન સત્તાધિશોએ સમાજમાં લોકો અને ખુદાની મખ્લકુને પોતાની ગોચર (ચરવાની જગ્યા) બનાવી દીધી છે….. આ ખતરનાક પરિસ્થિતિ અને ભયાનક વાતાવરણમાં આપની ઝાત મખ્લુકનુ ઉત્તમ આશાસ્થાન અને જનતા તથા સમાજના લોકોનું આશ્રયસ્થાન છે. અને આપના આશિક?.. આહ…. તેઓ ખાંચાગલી, ગામડા, શહેરો, મસ્જીદો, ઝિયારતગાહો, વસ્તીઓ અને નિર્જન પ્રદેશોમાં હસરત અને હેરત તથા આંસુઓથી ભીંજાયેલ આંખોથી ઠંડા નિસાસા નાખતા વ્યાકુળ છે. ક્યારેક હરમે ખુદામાં….. મીઝાબે રહેમત, મકામે ઇબ્રાહીમ, હજરે ઇસ્માઇલ પાસે, ક્યારેક સફા અને મરવાની પહાડીઓ ઉપર જેને તેં શઆએર (તારી નિશાનીઓ)થી ઓળખાવેલ છે, તો ક્યારેકઅરફાતના મેદાનમાં, ક્યારેક મીનાની કુરબાનગાહોમાં તેની નિરાશાભરી નિગાહો તને દરેક જગ્યાએ શોધતી રહે છે. અય કાશ, તે હુજ્જતે ખુદા મળી જતે, જેના કદમ ચુમવાનો શરફ પ્રાપ્ત કરીને જમાનાની ફરિયાદો બયાન કરી શકત, પરંતુ તારી ઝિયારતથી વંચિત રહે છે.
જ્યારે મક્કાથી નિરાશ થઇને મદીના પહોંચે છે તો સૌથી પહેલા તારા જદ્દે બુઝુર્ગવારની કબ્રે મુતહહર ઉપર પહોંચે છે. તેની આંખો તારા ચેતનવંતા મુખને શોધતી રહે છે. પરંતુ નિરાશા, મિમ્બરે નબવી પાસે જઇને ચારે બાજુ જુવે છે. પરંતુ નામુરાદ… અય આકા, જ્યારે આપ ત્યાં પણ નજર ન આવ્યા ત્યારે ગમ અને શોકની હાલતમાં એ જગ્યાએ પહોંચે છે જ્યાં આપના વડીલોનાં મઝાર અને આપની દાદી મઝલૂમાની તૂટેલી કબર આવેલી છે. કબ્રોની વિરાની જોઇને તેને ડુસકાં આવી જાય છે. આહ, રાત્રીના સન્નાટામાં જ્યારે મદીનતુર રસુલ (અ.) રોશનીથી ઝળહળતું હોય છે, એ બેનૂર અને બેચિરાગ (અંધકારમય અને વિરાન) મઝારોને જોઇને ફરિયાદ અને આહોઝારી કરતા કરતા અવાજ બુલંદ કરે છે કે : પરવરદિગાર એ બકીયતુલ્લાહ ક્યાં છે? જેઓના પવિત્ર અસ્તિત્વ વગર આ દુનિયા કાએમ અને સ્થિર રહી શકે નહિ. બારે ઇલાહા તારા એ ખાસ નુમાઇન્દા ક્યાં છે? જેને તું ઝાલિમો અને સિતમગારોને જડમૂળથી ઉખેડી નાખવા માટે નિમેલ છે! ખુદાયા, તે મુસ્લહે અઅઝમ ક્યાં છે? જેનો દુનિયા એ માટે ઇન્તેઝાર કરે છે કે, તેઓ આવીને દુનિયાવાળાઓમા મતભેદ અને ઝુલ્મને દૂર કરીને તેઓને રાહે હક ઉપર લાવી દે! એ ક્યાં છે જેઓ મઝલૂમો અને કચડાયેલા ઇન્સાનો વતી બદલો લેનાર છે અને જેઓ ઉપર આખી દુનિયાની આશા બંધાયેલી છે કે જેઓ આવે, અને આવીને ઝુલ્મો-જોર, સરકશી, નાફરમાનીનાં મૂળીયા ઉખેડી નાખે. ઇસ્લામને નવજીવન અપર્નાર ક્યાં છે અને એ પવિત્ર હસ્તી જેઓ નાબૂદ થઇ ગયેલી ફરજો, હાજતો અને ભૂલાવી દેવાયેલી સુન્નતોને પુન:જીવીત કરે? ક્યાં છે એ મહાન હસ્તી જે મિલ્લતે ઇસ્લામિયા અને શરીયતે મોહમ્મદીયાને ફરીથી અમલમાં મૂકે? ક્યાં છે એ ઝાતે-ગિરામી? જેનાથી એ આશા બંધાયેલી છે કે જેઓ કુરઆને હકીમ અને તેના હકીમાના આદેશોને ફરીથી જીવંત કરે? ક્યાં છે એ ઝાતે વાલા સિફાત! જે ખુદાએ અઝઝ વ જલ્લે આપેલી તાકત અને કુદરતથી દીનો ઇમાન અને એહલે ઇમાનના ઝૂકી ગયેલા મસ્તકોને સરફરાઝી બક્ષે? ક્યાં છે એ મર્દે ખુદા જે શીર્ક અને નીફાકને પાયામાંથી નાખૂદ કરી નાખે? ક્યાં છે એ ફાસિકો, ફાજીર, (દુષ્ટ દુરાચારો) નાફરમાનો અને ધુષ્ટતા કરનારાઓની શાનો શૌકતના ફુર્ચા ઉડાવી દેનાર? ક્યાં છે એ અંધકાર (ગુનાહ) ગુમરાહી, અદાવત, દુશ્મની, દ્વેષ અને કપટના વૃક્ષોને જડ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેનાર?
ક્યાં છે એ બાતિલ દૃષ્ટિકોણ અને નફસાની ખ્વાહીશોને નેસ્તો-નાબૂદ કરી દેનારો ક્યાં છે એ જૂઠ અને આક્ષેપબાજી કરનારાઓની રસ્સીઓને તોડી દેનાર? ક્યાં છે દુનિયાના તમામ ઘમંડીઓ અને ઉદઘંડોને હલાકત અને નાબુદીના ખાડામાં ધકેલી દેનાર? ક્યાં છે એ, જે હક સાથે અદાવત રાખનારાઓ અને ખલ્કે – ખુદાને અંધકારમય માર્ગે વાળનારને જમીન-દોસ્ત કરનાર? અય તે પવિત્ર હસ્તી, જે લોકો વચ્ચેના મતભેદો મિટાવીને તેઓને તકવા અને દીનના માર્ગ ઉપર એકઠા કરનાર! તું ક્યાં છે? અય તે કે જે ઇલ્મ અને ઇમાનના શહેરનું પ્રવેશ દ્વાર છે! તું ક્યાં છે? ક્યાં છે વજહુલ્લાહ જેની તરફ ખુદાવંદે કુદુસને અઝીઝ રાખનારાઓએ મુખ તાકી રાખ્યું છે? એ વસીલએ – હક ક્યાં છે જેણે ઝમીન અને આસમાન વચ્ચે સંબંધ જોડી રાખ્યો છે? રોઝે ફત્હ (વિજયના દિવસ)નો માલિક અને સન્માર્ગ અને હિદાયતના ધ્વજને સમગ્ર દુનિયા ઉપર ફરકાવનાર ક્યાં છે? લોકોની અસંબધ્ધતાને દૂર કરનાર અને વિખરાઇ ગયેલા લોકોને એક જગ્યાએ એકઠા કરનાર, લોકોના દિલોને ખુશી અને સાંત્વન આપનાર ક્યાં છે? ક્યા છે એ ઇમામનો બદલો લેનાર, અને એ જે ઉમ્મત ઉપર થતા ઝુલ્મો બદલ પયગમ્બરો અને પયગમ્બરોની અવલાદની મદદ કરશે? ક્યાં છે એ જે પોતાનો જદ્દે મઝલૂમ શહીદે કરબલા, તેમના સગા – સંબંધી અને અન્સારના ખૂનનો બદલો લેશે ક્યાં છે એ જેને ખુદાવંદે આલમ ધૃષ્ઠતા કરનારાઓ, ખોટી આક્ષેપબાજી કરનારાઓ, અને ઝુલ્મો સિતમ કરનારાઓ ઉપર વિજય અને સફળતા આપશે. ક્યાં છે એ? જે ઝુલ્મો-જોરથી પરેશાન હાલ લોકો જ્યોર તેને મદદ માટે પોકારે છે ત્યારે તેની અવાજ ઉપર ‘લબ્બૈક’ કહે છે, તે ઇમામે કાએમ (અ.સ.) અને દુનિયાની ઉચ્ચતમ હસ્તી જે સદકાર્યો અને પરહેઝગારીના માલિક છે?
આ પ્રમાણે કહીને તે વ્યાકુળ અને ભગ્ન હૃદય આશિક, નિરાશ હાલતમાં લોહીના અશ્રુથી રડતા રડતા ફરિયાદ કરે છે. અય મુસ્તુફાના દિલબન્દ ક્યાં છો? અય અલીને મુરતુઝાના પારએ જીગર ક્યાં છો? અય બુલંદ મરતબાવાળા ખદીજએ-કુબ્રા (અ.સ.)ના નૂરે-નજર ક્યાં છો? અય ફાતેમા ઝહેરા (અ.સ.)ના ફરઝન્દે અરજુમન્દ ક્યાં છો? મારા મા-બાપ આપની ઉપર કુરબાન થઇ જાય, મારી જાન આપની પાકીઝા હસ્તીની સહાયક અને નિગેહબાન થઇ જાય અને ખુદાવંદે મુતઆલાના મુકર્રબ તરીન (સૌથી વધુ નિકટ) બુર્ઝુગોના ફરઝન્દ, અય દુનિયાવાળાઓમાં સૌથી વધુ કુલીન (પવિત્ર રક્તવાળા) અને શરીફ અને ઉચ્ચ કક્ષાએ બીરાજેલ હસ્તીઓના ફરઝંદ, અય હીદાયત પામેલા પેશ્વાઓના ફર્ઝન્દ, અય સૌથી વધારે માનવંતા રાહનુમાઓના ફરઝંદ, અય ખલ્કે ખુદાના શરાફતમંદો અને સરદારોના ફરઝંદ, અય પાકીઝા તરીને ઝાતે મુકદ્દસાના ફરઝંદ અને મુન્તખબે રોઝગાર જવાંમર્દોના ફરઝંદ, અય સખાવત અને શરાફતમાં અજોડ હસ્તીઓના ફરઝંદ, અય ચમકતા અને ઝળહળતા ચિરાગોના ફરઝંદ, અય આસમાનો ઇલ્મો-ઇમાનના ચમકતા સિતારાના ફરઝંદ, …. અય યાસીન અને ઝારીયાતના ફરઝંદ અય નૂર અને આદીયાતના દિલબન્દ… અય ઇમામે ઝમાના! આ બેકરાર દિલોને ક્યારે અને ક્યાં શાંતિ મળશે? અને હક પરસ્તોના ગમ અને ઉદવેગને ખુશી અને આનંદમાં પરિવર્તન કરી નાખશે?
અય વલીએ અસ્ર! અય હુજ્જતે ખુદા! આપ કઇ સરઝમીન ઉપર કઇ જગ્યાએ રહો (કયામ કરો) છો? શું આપનો કયામ સરઝમીને – રિઝવા પર છે? અથવા તો વાદીએ-ઝી-તૂવામાં આપનું રહેણાક છે? આકા, મારા માટે એ વાત અસહ્ય છે કે હું દુનિયાના લોકોને તો જોઇ શકું પરંતુ આપ (અ.સ.)ની ઝિયારતથી વંચિત રહું! એટલે સુધી કે આપ (અ.સ.)ની સરગોશી (ધીમા અવાજની વાત) પ ન સંભળાઇ શકે? એ વાત મારા માટે દુષ્કર છે કે હું આપની જુદાઇમાં ગમ અને શોકમાં ડુબેલો રહું અને મારી ફરિયાદ પણ આપની ખિદમતમાં ન પહોંચી શકે? હું મારી જાનની સકમ ખાઇને કહું છું કે આ એક અસ્વિકાર્ય હકીકત છે કે આપ અમારાથી દૂર નથી, હું મારી જાનની કસમ ખાઇને કહું છું કે મારાથી એ હસ્તી જુદી છે જે ક્યારેય પણ મારાથી જુદી નથી. હું મારી જાનની કસમ ખાઇને કહું છું કે : તમામ એહલે ઇમાનની તીવ્ર આરઝુ આપની ઝાતે-ગીરામી છે. અને તેમાંથી દરેક પુરૂષ અને સ્ત્રી આપના દિદારના મુશ્તાક છે. આપની યાદ તેમને લોકોનાં અશ્રુઓથી રડાવે છે. હું મારી જાનની કસમ ખાઇને કહું છું કે : આપ ઇઝઝત અને એહતેરામના એ અઝીમ મરતબા ઉપર બીરાજો છો જે દરજ્જે બીજું કોઇ પહોંચી શકતું નથી. આપ ઇઝઝત, બુઝુર્ગી શરાફત અને ઇઝઝતના એ પાયારૂપ સ્તંભ છો, જ્યાં સુધી પહોંચવું કોઇ હસ્તી માટે શક્ય નથી. મારી જાનની કસમ ખાઇને કહું છું કે આપનું વજુદ અલ્લાહની એ નેઅમતોમાંથી છે જની કોઇ ઉપમા મળી શકતી નથી.
યબ્નલ હસન, યબ્નલ હસન અઅજીલ અલા ઝોહૂરેક અજ્જીલ અલા ઝોહૂરેક. અલ્લાહુમ્મ અજ્જીલ લેવલીય્યેકલ ફરજે બેહક્કે મોહમ્મદીંવ વ આલેહીત તાહેરીન.
ક્યાં છો આપ? અય ગુલે-ઝહેરા આપ ક્યાં છો?

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.