Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૫

હઝરત ઇમામ મહદી (અ.સ.)ના પવિત્ર માતા જનાબે નરજીસ ખાતુન

Print Friendly, PDF & Email

આપનું મૂળ નામ ‘મલેકહ’ હતું. ઇસ્લામી દુનિયામાં આપનું નરજીસ નામ મશહૂર છે. આ ઉપરાંત પણ બીજા નામો છે. જેમ કે સોસન, સયકલ, રૈહાનહ. આપના વાલિદ જનાબ યુશઆ કયસરે રૂમના ફરઝંદ હતા. તે રીતે આપ કયસરે રૂમના પૌત્રી હતા. આપની વાલિદા હઝરત ઇસા અલયહીસ્સલામના બુઝુર્ગ હવારી અને વસી જનાબે શમઉન અલ-સફાના વંશમાંથી છે. આમ તેઓના દાદા અને નાની (મોસાળ પક્ષ) બંને પક્ષો મહાન છે. આપ તેર વર્ષના હતા ત્યારે આપના દાદા કયસરે‚રૂમે પોતાના ભત્રીજા સાથે તેમની શાદી કરવાનું વિચાર્યું. લગ્નની બધી તૈયારી સંપૂર્ણ હતી. બધા પાદરીઓ હાજર હતા. તેમજ લશ્કરી અધિકારીઓ અને ઉચ્ચ હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. તે વખતે ક્રોસ (ક્રિશ્ર્ચન લોકોના ધર્મનું પ્રતિક) તૂટીને પડી જાય છે. એ પરિસ્થિતિ જોઇને લોકો વિમાસણ અનુભવે છે અને આ સગપણ (રિશ્તા) વિશે બદગુમાન થઇ જાય છે.
એક રાતે નરજીસ ખાતુન સ્વપ્ન જુએ છે કે : હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) હઝરત ઇસા અલયહીસ્સલામને સંબોધીને જનાબે શમઉનની પુત્રી મલેકાની શાદી પોતાના ફરઝંદ ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામ સાથે કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જનાબે શમઉન અત્યંત ઇઝઝત અને એહતેરામ સાથે આ દરખાસ્ત કબુલી લે છે. જનાબે નરજીસ પોતાના આ સ્વપ્નની વાત કોઇને જણાવતા નથી. એટલે સુધી કે પોતાના પિતા સમક્ષ પણ આ વાતનું વર્ણન કરતા નથી. ચાર દિવસ પછી હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહે અલયહા અને હઝરત મરિયમ અલયહાસલામને સ્વપ્નમાં જુવે છે અને પોતાના પતિને સ્વપ્નમાં જોવાની તમન્ના તેઓ સમક્ષ વ્યક્ત કરે છે. જનાબે ઝહરા સલામુલ્લાહે અલયહા ફરમાવે છે કે : જો તું ખરેખર, ખુદા, હઝરત ઇસા (અ.સ.) અને હઝરત મરિયમની ખુશ્નુદી માટે તેઓનો દીદાર કરવા માગતી હો તો ઇમાન લાવ અને ઇસાયતમાં માનવાનું છોડી દે. જનાબે નરજીસ એ જ વખતે ઇમાન લાવે છે. આ પછી તેણીને તેના પતિની ઝિયારતનો શરફ પ્રાપ્ત થાય છે.
એક વખત ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામ સ્વપ્નમાં આ પ્રમાણે કહે છે. જો, તમારા દાદા મુસલમાનો સાથે જંગ કરવા માટે અમુક દિવસે લશ્કર મોકલી રહ્યા છે. તમે વેશ પલ્ટો કરીને કનીઝોના સમુહમાં શામેલ થઇ જાવ અને લશ્કરમાં ચાલી જાવ. તેણી એ પ્રમાણેજ કરે છે. જંગ પછી બાકીની કનીઝોની જેમ તેને પણ કેદ કરી લેવામાં આવે છે અને તેને બીજા કદીઓની સાથે બગદાદ મોકલી આપવામાં આવે છે. કનીઝોની સાથે તેમને પણ વેચવા માટે લાવવામાં આવે છે.
ઇમામ અલી નકી અલયહિસસ્લામે હઝરત અબુ અયુબ અન્સારીની નસ્લના જનાબ બુશર બિન સુલયમાન (જેઓ ઇમામ (અ.સ.)ના અત્યંત વિશ્ર્વાસુ માણસ હતા)ને રૂમી ભાષામાં લખેલા પત્ર અને ૨૨૦ દિનારની એક થેલી લઇને તે કનીઝની વિશેષતાઓનું વર્ણન સમજાવીને રવાના કર્યા. બુશર બગદાદ આવ્યા. બધી કનીઝોની વચ્ચેથી જનાબે નરજીસને ઓળખી લીધા. તેઓને ઇમામ (અ.સ.)નો પત્ર આપ્યો અને ૨૨૦ દિનાર આપીને તેઓને ખરીદી લીધા અને સામર્રહ ખાતે ઇમામ અલીનકી અલયહિસ્સલામની ખિદમતમાં લઇ આવ્યા. હઝરત ઇમામ અલીનકી અલયહિસ્સલામે જનાબે નરજીસને પોતાના બહેન હઝરત હકીમા ખાતુને સોપ્યા. હજરત હકીમાએ તેઓને ઇસ્લામની તમામ તાલીમ અને આદાબ શીખવ્યા. ત્યાર પછી ઇમામ અલી નકી અલયહિસ્સલામની ઇજાઝતથી હઝરત ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામ સાથે આપની શાદી થઇ.
(કમાલુદ્દીન, પ્રકરણ : ૪૧, પાના નં. ૪૧૩-૪૧૭, અલ-ગયબતે તૂસી ૨૦૮-૨૧૪, જી. ૧૭૮, બેહાર ૬-૫૧, જી. ૧૨)
જનાબે નરજીસનો ઘણો ઉંચો મરતબો હતો. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) આપને ‘ખયરતુલ – અમાઅ’ (બહેતરીન કનીઝ) ‘સય્યદતુલ અમાઅ’ (કનીઝોની સરદાર) ના નામથી યાદ કરતા હતા.
(મુન્તખબુલ અસ્ર, ભાગ – ૪૨)
આધ્યાત્મિક રીતે પણ આપનો મરતબો ઘણો બુલંદ છે. હઝરત ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામનો ફૂઇ જનાબે હકીમા ખાતુન જેમની ઇબાદત, તકવા અને પરહેઝગારી ખૂબજ વિખ્યાત અને જાણીતા હતા, તેઓ આપને ‘સય્યદતી’ (મારી સરદાર) ‘મવલાતી’ (મારી આકા)ના લકબથી સંબોધન કરતા હતા. (બેહાર, ૨-૫૧, ભાગ – ૩, પાના નં. ૧૨, ભાગ – ૧૪) એટલું જ નહી તેઓની ખિદમત કરવાની તમન્ના કરતા હતા. તેઓ આપને અત્યંત ચાહતા હતા. (બેહાર, ૨૫-૫૧) આપના હાથોને ચૂમતા હતા. (બેહાર, ૨૫-૫૧)
આપની વફાત વિશેના બે વિધાન છે :
(૧) અબુ અલી ખીઝરાનીની કનીઝના કહેવા પ્રમાણે હઝરત ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામે પોતાની વફાત પછી બનનારા બનાવોનું વર્ણન જનાબે નરજીસ ખાતુન સમક્ષ કર્યું. તે વખતે તેણીએ ઇમામ હસન અસ્કરી અલયહિસસ્લામને એ દુવા કરવાની વિનંતી કરી કે તેઓ (અ.સ.)ની પહેલા આ દુનિયાથી વિદાય થઇ જાય. આ પ્રમાણે ઇમામ (અ.સ.)ની હયાતી દરમ્યાનજ તેમનો ઇન્તકાલ થઇ ગયો. જનાબે નરજીસ ખાતુનની કબ્ર ઉપર આ પ્રમાણે લખ્યું છે : હાઝા ઉમ્મુ-મોહમ્મદ (આ મોહમ્મદ (ઇમામે ઝમાના (અ.સ.)ની માતાની કબ્ર છે.) (બેહાર, ૫-૫)
(૨) મોહમ્મદ બિન હુસૈન એબાદના કહેવા પ્રમાણે આપ ઇમામે હસન અસ્કરી અલયહિસસ્લામની શહાદત પછી પણ જીવિત હતા. મોઅતમીદના સિપાહીઓએ આપને એક ઘરમાં કૈદ કરી રાખ્યા હતા અને તેઓ ઉપર સ્ત્રીઓનો પહેરો રાખ્યો હતો. (કમાલુદ્દીન : ૨-૪૭૪) એટલે તે કૈદખાનામાં જ તેઓનો ઇન્તેકાલ થઇ ગયો.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.