મહદવીયતના દાવેદાર સૈયદ મોહમ્મદ જોનપૂરી

Print Friendly, PDF & Email

હઝરત મહદી (અ.સ.)ની ગયબતનો અકીદો, એવો અકીદો છે જે મુસલમાનોના દિલોમાં અત્યંત ઉષ્મા ઉત્પન્ન કરે છે. જેના પરિણામે જ્યારે પણ આલમે – ઇસ્લામમાં કોઇ વિવાદનો સામનો થાય અને મુસલમાનો કોઇ બાબતમાં લાચારી અને મજબુરી અનભુવે છે ત્યારે કુરઆન અને હદીસ – નબવી (સઅ.વ.) એ જે બાબતની સ્પષ્ટ રીતે બશારત આપી છે તે અત્યંત મહત્વના મુદ્દા મુસ્લહે અઅઝમ તરફ તેઓનું લક્ષ ખેંચાય છે.
ઇતિહાસ એ બાબતની સાક્ષી પૂરે છે કે જ્યારે પણ ઇસ્લામી સમાજમાં ઝુલ્મો – સિતમનો પવન ફૂંકાયો ત્યારે તે સમાજમાંથી કોઇ એવી વ્યક્તિ કયામ કરતી હતી જે પોતાને ‘મહદીએ – મવઉદ’ તરીકે ઓળખાવતી, અને લોકોને એ વાતની ખાત્રી કરાવવાનો પ્રયત્ન થતો કે પોતે અલ્લાહના અંતિમ નાયબ છે અને તે ઇસ્લામને બીજા ધર્મો ઉપર અગ્રતા અપાવશે. આવા માણસોના નામોની યાદી ખૂબજ લાંબી થાય તેમ છે. વાચકોના હિતાર્થે અમે અત્રે મહદિવીયતના દાવેદારોના નામ પ્રસ્તુત કરીએ છીએ.
(૧) મોહંમદ બિન ઇસ્માઇલ, (૨) મહદીએ સુદાની, (૩) ગુલામ અહમદ કાદીયાની, (૪) મીર્ઝા અલી મોહમ્મદ શીરાઝી ઉર્ફે સૈયદ બાબ, (૫) મોહમ્મદ બિન અબ્દુલ્લાહ તુમરત અને (૬) સૈયદ મોહમ્મદ બિન સૈયદ ખાન ઉર્ફે મહદી જોનપૂરી.
પરંતુ આ લેખમાં અમે ફક્ત સૈયદ મોહંમદ જોનપૂરી વિશે ચર્ચા કરીશું અને એ જોશું કે શું વાસ્તવમાં સૈયદ મોહમંદખાનના પુત્રનો મહદિવીયતનો દાવો હક્કાનીયતના ત્રાજવે તોળતા ખરો ઉતરે છે કે નહી?
આ અતિ મહત્ત્વના વિષયને અમે બે ભાગમાં વહેંચી નાખશું. પહેલા ભાગમાં સૈયદ મોહંમદ બિની સૈયદ ખાનના જીવન ઉપર એ કિતાબોમાંથી વિવેચન કરશું અને બીજા ભાગમાં એ જોશું કે તેઓની જિન્દગી કુરઆન અને હદીસોના વર્ણવેલા મહદી પ્રમાણે છે કે નહી?
મહદી જોનપૂરીનું જીવન ચરિત્ર
મહદવી અકીદા પ્રમાણે સૈયદ મોહંમદ જોનપૂરી શિયાઓના સાતમા ઇમામ હઝરત મુસા કાઝિમ (અ.સ.)ના વંશમાંથી છે. મીયા સૈયદ યુસુફની ‘મતલઉલ – વિલાયત’ના પાના નં. ૭ (હિજરી સન ૧૩૭૪માં હયદરાબાદમાં પ્રકાશિત) અને સૈયદ બુરહાનની ‘શવાચહેદુલ વિલાયત’ પાના નં. ૨૯-૩૦ (હિજરી સન ૧૩૭૯માં હયદરાબાદમાં પ્રકાશિત) પર તેમના વંશવવળીનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે. સૈયદ મોહમ્મદ બિન સૈયદ અબ્દુલ્લાહ બિન સૈયદ ઉસ્માન બિન સૈયદ ખીઝર બિન સૈયદ મૂસા બિન કાસિમ બિન સૈયદ નજમુદ્દીન બિન સૈયદ અબ્દુલ્લાહ બિન સૈયદ યુસુફ બિન સૈયદ યહ્યા બિન સૈયદ જલાલુદ્દીન બિન સૈયદ ઇસ્માઇલ બિન સૈયદ નેઅમતુલ્લાહ બિન સૈયદ મુસા કાઝિમ (અ.સ.) સૈયદ મોહંમદનો જન્મ સોમવાર ૧૪ જમાદીયુલ અવ્વલ, હિજરી સન ૮૪૭ જાન્યુઆરીમાં થયો હતો. તે વખતે જોનપૂરમાં સુલ્તાન મહમુદ શરકી બિન સુલ્તાન ઇબ્રાહીમ શરકીઓ શાસનકાળ હતો. મહદવી ઓલમાના કહેવા પ્રમાણે સૈયદ મોહંમદ પોતાના યુગના વિખ્યાત સૂફી, શેખ દાનીયાલ ચિશ્તીના શાગીર્દ રહ્યા. તેઓએ સાત વર્ષની નાની વયમાં કુરઆન હીફઝ (મોઢે યાદ) કરી લીધું. સૈયદ મોહંમદે ચાલીસ વર્ષની વયે જોનપૂરને અલ – વિદાઅ કહ્યું.
મહદવીયોની એવી માન્યતા છે કે તે પ્રવાસમાં દાનાપૂર નામની જગ્યાએ સૈયદ મોહમ્મદના પત્ની બીબી અલ્લાહદી, તેમના પુત્ર સૈયદ મેહમૂદ અને તેમના એક સહાબી મીંયા શાહ દિલાવર ઉપર વહી નાઝીલ થઇ કે તેઓ એ વાતનું એલાન કરે કે : ‘સૈયદ મોહમ્મદ મવઉદે – કુરઆન’ (કુરઆનમાં જેનો વાયદો કરવામાં આવ્યો છે તે) છે?! જ્યારે તે લોકોએ આ વાતને જાહેર કરી ત્યારે આપે તે વહીએ ઇલાહીનું સમર્થન કર્યું. પરંતુ પોતાની મહદવીયતને જાહેર કરવાનો એમ કહીને ઇન્કાર કરી દીધો કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું મહદવીયતનું એલાન કરીશ. (સિરતે ઇીમામ મહદીએ મવઉદ, પાના નં. ૩૬-૩૭, મતલઉલ – વિલાયત, પાના નં. ૧૯-૨૦, શવાહેદુલ વિલાયત પાના નં. ૫૨-૫૩)
જ્યારે સૈયદ મોહંમદ ગુજરાત આવ્યા ત્યારે ગુજરાતના બાદશાહ સુલ્તાન મહંમદ બેગડા – કે જેઓ પોતે મુફસ્સીર, મોહદ્દીસ, આલીમ અને આદિલ હતા -તેઓ પોતે વ્યક્તિગત રીતે તેમને મળવા માટે પધાર્યા તેઓની મુલાકાત પછી તેઓને ગુજરાતમાં રહેવાની પરવાનગી ન આપી અને આલીમોના ફત્વા પ્રમાણે તેઓને દેશનિકાલ કરીને મક્કા મોકલી દીધા. (નજાતુર રાશીદ, મુલ્લા અબ્દુલ કાદીર બદાયુની).
હિજરી સન ૯૦૧માં સૈયદ મોહંમદ પોતાના ૩૬૦ સાથીદારો સાથે મક્કા માટે રવાના થયા તેજ વર્ષે ખાનએ કાઅબાનો તવાફ કર્યો પછી રૂકન અને મક્કાની વચ્ચે તેઓએ જાહેરાત કરી કે હું મહદી છું. તે વખતે સૈયદ મોહંમદના બે સાથીઓ શાહ નિઝામ અન કાઝી અલાઉદ્દીન અને એક અરબે તેઓના હાથો ઉપર બયઅત કરી. તે મહદવીયતનું પ્રથમ એલાન ગણાય છે. તેઓનો કયામ મક્કામાં અમુક મહિનાથી વધારે ન રહ્યો અને મદીનામાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝિયારતે શરીફા કર્યા વગર હિન્દુસ્તાન પાછા ફરી ગયા અને અમદાવાદ (ગુજરાતી) તાજખાન બિન સાલાર મસ્જિદમાં રહેવા લાગ્યા. (મીરઆતુસ સીકન્દરી, સિકન્દર બિન મોહંમદ ઉર્ફ મન્જુ બિન અકબર, પાના નં. ૧૩૬ મુંબઇથી પ્રકાશીત હિજરી સન ૧૩૦૮) અમદાવાદમાં હિજરી સન ૯૦૩માં સૈયદ મોહંમદે ફરી વખત મહદી હોવાનો દાવો કર્યો. (શવાહેદુલ વિલાયત પાના નં. ૧૧૩) આ એલાન પછી સુલ્તાનના હુકમ અને આલીમોનાં ફત્વા પ્રમાણે સૈયદ મોહંમદ એન તેના સાથીદારોને અમદાવાદથી હદપાર કરવામાં આવ્યા. ‘સોલા સતીજ’ (જગ્યાનું નામ) થઇને, તેઓ બરેલી પહોંચ્યા. ત્યાં પહોંચીને એમણે મહદી હોવાનો દાવો તાકીદથી કર્યો. આ બનાવ હિજરીસન ૯૦૩માં બન્યો. સૈયદ મોહંમદે પોતાના આ દાવામાં કહ્યું કે ‘મહદવીયતનો દાવો’ કરવા માટે મારી ઉપર વારંવાર વહીએ ઇલાહી નાઝીલ થતી હતી તેમ છતાં મને સંકોચ થતો હતો. એટલે સુધી કે મને એમ લાગ્યું કે ખુદાવંદે આલમ મારી ઉપર એ આક્ષેપ મૂકશે કે હું તેના (ખુદા)થી નહીં પણ લોકોથી ડરી રહ્યો છું. (સિરતે ઇમામ મહદી મવઉદ, પાના નં. ૮૫,૮૬ મતલઉલ વિલાયત પાના નં. ૬૦, શવાહેદુલ વિલાયત પાના નં. ૧૬૬) પોતાના એ દાવાની સત્યતા સાબિત કરવા માટે સૈયદ મોહંમદે તે દાવાનો ગુજરાતી ભાષામાં પણ પુનરોચ્ચાર કર્યો. (સિરતે ઇમામ મહદી મવઉદ, પાના નં. ૮૬, મતલઉલ વિલાયત, પાના નં. ૬૦) એ એલાનની સાથોસાથ સૈયદ મોહંમદે એવું એલાન પણ કર્યું કે, જે કોઇ મને ‘મહદી’ માનવામાં ઇન્કાર કરે તે કાફર છે. તેણે રસુલે ખુદા (સ.અ.વ.)નો ઇન્કાર કર્યો, બધા નબીઓ, આસ્માની કિતાબો, કુરઆન અને ઝાતે મુકદ્દસે પરવરદિગારનો ઇન્કાર કર્યો. (સિરતે ઇમામ મહદી મવઉદ, પાના નં. ૮૬-૮૮, મઉલઉલ વિલાયત પાના નં. ૬૧, ૬૩. શવાહેદુલ વિલાયત પાના નં. ૧૬૩,૧૬૪) ત્યાર પછી સૈયદ મોહંમદ જેસલમેર અને નસરપુર થઇને ઠઠ્ઠા સિંધ પહોંચ્યા, જ્યાં તેઓ ૧૮ માસ સુધી રહ્યા. સિંધના આલીમો સૈયદ મોહંમદના દાવાને સાંભળીને સિંધના બાદશાહ જામ નંદાને વિનંતી કરી અને સૈયદ મોહંમદને કત્લ કરવાનો ફત્વો આપ્યો. છેવટે ૧૯ ઝીલકઅદ સોમવારના દિવસે હિ.સ. ૯૧૫માં સૈયદ મોહંમદ બિન સૈયદ ખાન, જોનપુરીનો ‘મઝાહ’ શહેરમાં ઇન્તેકાલમાં થયો.
મહદીએ કુરઆન અને મહદી જોનપૂરી – એક સરખામણી
આવો, હવે આપણે આ ચર્ચાનો બીજો ભાગ જોઇએ. આ ભાગમાં અમે કુરઆન અને હદીસોમાં બયાન કરેલ મુસ્લહેઅઅઝમ એટલે મહદીએ મવઉદની સરખામણી સૈયદ મોહંમદ જોનપુરી સાથે કરીશું. ત્યાર પછી વાચકોએ એ નિર્ણય કરવાનો રહેશ કે સૈયદ મોહંમદ ખરા મહદી છે કે ફક્ત દાવેદાર માત્ર છે?
(૧) વંશ અને કૂળ
સૈયદ મોહમ્મદના પિતાનું નામ સૈયદ ખાન અથવા સૈયદ બુધ હતું. અમુક મહદવીયોએ રસુલે ખુદા (સ.અ.વ.)ની વિખ્યાત હદીસ – ઇસ્મોહુ ઇસ્મી વ ઇસ્મો અબીહે ઇસ્મે અબી. એટલે કે ‘તેઓનું નામ મા‚ નામ હશે અને તેમના પિતાનું નામ અને મારા પિતાનું નામ હશે. આ હદીસની સાથે તેઓની સત્યતા સિદ્ધ કરવા માટે લખ્યું છે કે સૈયદ મોહંમદના પિતાનું નામ સૈયદ અબ્દુલ્લાહ હતું. (વાસ્તાવમાં આ હદીસ ઘડી કાઢવામાં આવી છે કારણકે અસલ હદીસમાં, ‘ઇસ્મે અબીહે ઇસ્મે અબી’ આ વાક્ય જોવા મળતું નથી.)
મશ્હૂર ઇતિહાસકારોના મત પ્રમાણે સૈયદ મોહંમદ જોનપૂરીના પિતાનું નામ સૈયદ ખાન અથવા સૈયદ બુધ હતું (નજાતુર રાશિદ, મુલ્લા અબ્દુલ કાદિર બદાયુની અને આઇને અકબરી, અબુલ ફઝલ ભાગ – ૩, પાના નં. ૧૭૪) ગુજરાતના ઓલમાએ સૈયદ મોહંમદને પુછયું કે મહદીએ મવઉદનું નામ મોહંમદ બિન અબ્દુલ્લાહ છે. જ્યોર આપનું નામ સૈયદ મોહંમદ બિન સૈયદ ખાન કઇ રીતે છે? ત્યારે સૈયદ મોહંમદે જવાબ આપ્યો કે : તમે લોકો આ પ્રશ્ર્ન ખલ્લાકે કાએનાત (અલ્લાહ)ને પુછો કે તેણે સૈયદ ખાનના ફરઝંદને મહદીએ -મવઉદ શા માટે નિયુક્ત કર્યો? તે કાદીરે – મુત્લક છે કે જે ઇચ્છે છે તે કરે છે. આમ તો (નઉઝોબિલ્લાહ) રસુલે ખુદા (સ.અ.વ.)ના પિતા પણ કાફર હતા. તેઓનું નામ અબ્દુલ્લાહ કઇ રીતે હોઇ શકે? આ એક કિતાબ (લખાણ)ની ભુલ છે (નઉઝોબિલ્લાહ) વાસ્તવામાં, રસુલે ખુદા (સ.અ.વ.)નું નામ મોહંમદ બિન અબ્દુલ્લાહ નહીં, પણ સૈયદ અબ્દુલ્લાહ છે. (નકલ્લીયાત, મીંયા અબ્દુર રાશીદ પાના નં. ૭, ઇન્સાફનામા મીંયા વલી, પાના નં. ૨૭) પરંતુ શું ખરેખર હઝરત મહદી (અ.સ.)ના વાલીદનું પવિત્ર નામ અબ્દુલ્લાહ છે કે હસન બિન અલી (અ.સ.) છે? અમે અગાઉન જણાવી ગયા છીએ તે પ્રમાણે હદીસનો બીજો ભાગ ‘ઇસ્મો અબીહે ઇસ્મે અબી’ બનાવટી છે. મશહૂર આલીમોના મત પ્રમાણે હઝરત મહદી (અ.સ.) હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની અવલાદમાંથી થશે. જેમ કે એહલે સુન્નતના આલિમે બુઝુર્ગ શયખ અબ્દુલ વહાબ શોઅરાની, જેઓ સૈયદ મોહંમદની જેમ સુફી પંથના અનુયાયી હતા, તેઓ તેમની જાણીતી કિતાબ ‘અલ યવાકેયત વલ જવાહિર’માં લખે છે કે :
અવ મબહસુલ ખામીસ વ સીત્તુન… ફહોનાક તરક્કબો ખુ‚જલ મહદી વ હોવ મીન અવલાદીલ ઇમામીલ હસનેડ અસ્કરી વ મવલદોહુ અલયહીસ્સલામ લયલતુત્તીસફ મીન શઅબાન સનતે ખમ્રજો વ ખમીસીન વ મીઅતયન વ હોવ બાકીન.
અર્થાંત : ફસલ ૬૫…….. તે વખતે હજરત મહદી (અ.સ.)ના ઝુહુરની આશા રાખવી જોઇએ, જે ઇમામે. હસન અસ્કરી (અ.સ.)ની અવલાદમાંથી છે. તેઓની વિલાદત સન ૨૫૫ હિજરીમાં થઇ ચૂકી છે. અને તેઓ આજે પણ બાકી (હયાત) છે.
એહલે સુન્નતની બુઝુર્ગ શખ્સીયત અને સુફીઓના પથદર્શક શેખ મોહયુદ્દીન અરબી તેઓની કિતાબ ‘અલ-ફુતુહાતુલ – મક્કીયહ’માં લખે છે કે : જાણી લો કે મહદી (ર.)નો ઝહુર અવશ્ય થશે. પરંતુ આપ (અ.સ.) ત્યાં સુધી ઝાહેર નહીં થાય જ્યાં સુધી દુનિયા ઝુલ્મો – જૌરથી ભરાઇ ન જાય અને પછી આપ તશરીફ લાવીને દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેશે. તે રસુલે ખુદા (સ.અ.વ.) અને જનાબે ઝહરા (સ.અ.)ના સંતાનમાંથી છે. આપના બુઝુર્ગ દાદા હુસૈન બિન અલી (અ.સ.) છે. આપના મોહતરમ પિતા ઇમામ હસન અસ્કરી (અ.સ.) છે. (અલ ફુતુહાતે મક્કીયહ, ફસલ ૩૬૬) સૈયદ મોહંમદ જોનપૂરીએ તેમની જ વંશાવલી રજુ કરી છે તેનું સમર્થન તો કોઇ સુન્ની આલમે કર્યું છે અને ન તો કોઇ શિયા આલિમે કર્યું છે.
(૨) શિક્ષણ અને ઉછેર
મહદવીયોની માન્યતા પ્રમાણે સૈયદ મોહંમદ બાળ વયમાં શેખ દાનીયાલ ચીશ્તીના શાર્ગીદ રહીને તાલીમ મેળવી હતી. જ્યારે એ વાત સર્વ સ્વીકૃત છે કે હઝરત મહદી (અ.સ.)ને ઇલાહી સમર્થન પ્રાપ્ત છે. તેઓ ન તો કોઇના શાર્ગીદ કે વિદ્યાર્થી થશે કે ન તો તેઓ કોઇ શાળા કે મદ્રેસામાં જઇને ભણશે. કારણકે જો કોઇ મહદીએ મવઉદને તાલીમ આપે તો તેનો અર્થ એવો થશે કે તે મહદીએ મવઉદથી વધોર ઇલ્મ અને મઆરેફત ધરાવે છે અને અકલી રીતે તે (શીખવનાર) ઇમામત અને પેશ્ર્વાઇ માટે વધારે પાત્ર બનશે અને ઓછું ઇલ્મ અને મઆરેફત ધરાવનાર તે માટે પાત્ર બનશે નહિ. ઇસ્લામમાં પેશ્ર્વાઇનું ધોરણ અફઝલીયતને ગણવામાં આવે છે.
(૩) ઝુલમો જોરનો અંત
સિહાહે સિત્તહની હદીસોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :
લવ લમ યબક મેનદદુન્યા ઇલ્લા યવ્મુન વાહેદુન, લતવલ્લાહો ઝાલેકલ યવ્મ હત્તા યબઅસલ્લાહો રજલોન મીંવ વુલદી. ઇસ્મોહુ ઇસ્મી વ કુનીયતોહુ કુનીયતી યમ્લઉલ અરઝ કીસ્તંવ વ અદલન બઅદમા મોલેઅત ઝુલ્મંવ વ જવરા.
અનુવાદ : જો દુનિયાને (ખત્મ થવામાં) એક દિવસ પણ બાકી રહી જાય (તો) ખુદાવંદે આલમે તે દિવસને એટલોલાંબો કરી દેશે કે જ્યાં સુધી મારી અવલાદ (અથવા ઇતરત)માથી એક વ્યક્તિને જાહેર ન કરી દે. તેનું નામ મારા નામ ઉપરથી હશે, તેની કુન્નીયત મારી કુન્નીયત પરથી હશે. તે દુનિયાને એ રીતે અદલો – ઇન્સાફથી ભરી દેશે જે રીતે ઝુલ્મો – જૌરથી ભરેલી હશે.
ઉપર દર્શાવેલ હદીસના છેલ્લા ભાગમાં દર્શાવેલ બાબત આપે જોઇ? કે તે શું એલાન કરે છે? અલ્લાહના આખરી રસુલ (સ.અ.વ.)એ વાતને બિલ્કુલ સ્પષ્ટ રીતે બયાન કરે છે કે : હઝરત મહદી દુનિયાનો અંત થવા પહેલા તશરીફ લાવશે અને દુનિયાને એવી રીતે અદલો ઇન્સાફથી ભરી દેશે કે જેવી રીતે તે જુલ્મો – જોરથી ભરેલી હશે એટલે બીજા શબ્દોમાં ઝુહુર થવા પછી હઝરત મહદી (ઘ્અ.સ.)ની સૌથી મહત્ત્વની ફરજ થશે કે તેઓ પૃથ્વીના પટ પરથી ઝુલ્મો – સિતમનું નામોનિશાન મીટાવી દે. (ત્યાર પછી) ચારે બાજુ ઇસ્લામની બોલબાલા હશે. ગર્વ, ઘમંડ, દુષ્ટ ચારિત્ર્ય, જૂઠ, ગીબત, બોહતાન વગેરે બાબતો ધૂળધાણી થઇ જશે. કોઇ શાયરે કેટલું સુંદર કહ્યું છે કે :
‘જબ આનેવાલા આયેગા, સબ ઠાઠ પડા રેહ જાયેગા.’
પરંતુ શું હઝરત મહદી જોનપુરીના આવવાથી દુનિયા અદલો-ઇન્સફાથી ભરાઇ ગઇ છે ખરી? શું હકીકતમાં ઝુલ્મો સિતમનું નામોનિશાન નાબુદ થઇ ગયું છે ખરૂં‚? જો આપણે આ પ્રશ્ર્નનો જવાબ કોઇ અકલમંદને પૂછીએ તો બેશક તે કહેશે : ‘ના’ બલ્કે આજે તો દુનિયાની હાલત એથી પણ વધારે ખરાબ થઇ ગઇ છે. ચારે બાજુ માત્ર ફસાદ જ નજરે પડે છે. અદલો-ઇન્સાફનું તો નામ સરખું પણ દેખાતુ નથી. મોમીનોને, એહલે ઇસ્લામને, કુરઆનને માનનારાઓને, સિતમ અને ‚સ્વાઇ સિવાય બીજું શું મળી રહ્યું છે? દુનિયાના જે ખૂણામાં જુવો ત્યાં મુસલમાનોનો કત્લેઆમ થઇ રહ્યો છે. આ સંજોગોમાં આપણી પાસે બેજ રસ્તા રહ્યા છે.
પહેલું એ કે સિહાહે સિત્તાહની આ હદીસ મુબારકને કબુલ કરીને સૈયદ મોહમ્મદની મહદવીયતને કબુલ ન કરીએ. અથવા બીજું એ કે સૈયદ મોહમ્મદની મહદવીયતના દાવા ઉપર અકીદો રાખીને રસુલે ખુદા (સ.અ.વ.)ની હદીસોની પવિત્રતાને પાયમાલ કરી નાખીએ.
(૪) ઝુહુરની નિશાનીઓ
કુરઆને મજીદની અમુક આયતો તેમજ રિવાયતો નબવી (અ.)માં હઝરત મહદી (અ.સ.)ના ઝુહુર થવા પહેલાની કેટલી નિશાનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા.ત. આસમાનમાંથી ધુમાડો નિકળવો, દાબ્બતુલ અર્ઝ, યાજુજ અને માજુજ, સૂરજનો પશ્ર્ચિમ દિશામાંથી ઉદય, દજ્જાલનું બહાર આવવું. આ બધી નિશાનીઓઓનો ઉલ્લેખ ટોચના શિયા અને સુન્ની આલીમોએ તેમની કિતાબોમાં કર્યો છે. જેમાં તબરાની સાહેબે મોઅજમુલ કબીર અને ઇમામ એહમદ બિન હમ્બલ સાહેબુલ મુસ્નદ વગેરે અગ્રતા ધરાવે છે. કોઇ સાહેબ ઇમાનમાં એ આયત અને મોઅતબર ઓલમાઓની વાતનો સાફ ઇન્કાર કરવામની હિંમત નહી હોય!
(૫) ઝુહુરે મહદી કે સૈયદ મોહમ્મદનો ફક્ત દાવો
મહદવી રિવાયતો પ્રમાણે સૈયદ મોહમ્મદ જોનપુરીએ મહદવીયતનું એલાન ત્રણ વખત કર્યું હતું. પહેલી વખત હિજરી સન ૯૦૧માં, જ્યારે (તેમના દાવા મુજબ) તેની પત્નીએ તેમને કહ્યું કે : મારા ઉપર વહી નાઝીલ થઇ છે. તમો મહદીએ-મવઉદ છો. તેથી તમો આ પયગામ લોકો સુધી પહોંચાડી દો. પરંતુ સૈયદ મોહમ્મદે તે એલાન કરવાનો ઇન્કાર કર્યો. બીજી વખત જ્યારે સૈયદ મોહમ્મદે જિહરી સન ૯૦૩માં અમદાવાદમાં મહદવીયતનું એલાન કર્યું અને તેમના એલાનને સાંભળી અમદાવાદના આલિમોએ ફતવા આપ્યો કે : સય્યદ મોહમ્મદને હદ પાર કરવામાં આવે. આના જવાબમાં સૈયદ મોહમમ્મદ કહ્યું કે : જો હું તમારી સામે ઇલાહી હકીકતને જાહેર કરી દઇશ તો તમે બધા બળીને ખાક થઇ જશો. (સિરતે ઇમામ મહદી એ – મવઉદ, પાના નં. ૭૦-૭૯) અને ત્રીજી વખત જિહરી સન ૯૦૫માં તેમણે દાવએ – મોવકદહ કર્યો. તે વખતે તેમણે એમ કહ્યું કે મને સતત હુકમે – ઇલાહી થઇ રહ્યો છે કે : હું મારા મહદી હોવાનું એલાન ક‚રૂં. જો કે મને સંકોચ થતો હતો. તેમ છતાં મને એ ડર લાગતો હતો કે, ક્યાંક મારો પરવરદિગાર મારી ઉપર એ આક્ષેપ મૂકે કેહું તેનાથી નહિ પણ લોકોથી ડરી રહ્યો છું. પછી તેમણે પોતાનો દાવો સિદ્ધ કરવા માટે મહદવીયતનું એલાન પુન: ગુજરાતી ભાષામાં કર્યું. (સિરતે ઇમામ મહદી મવઉદ, પાના નં. ૮૫-૮૬, મતલઉલ વિાલતય, પાના નં. ૬૦, શવાહેદુલ વિલાયત પાના નં. ૧૬૬) હવે પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે : શું કોઇ એવી હદીસ કે કૌલે નબવી છે કે જેમાં એમ લખ્યું હોય કે મહદીએ – મવઉદ ત્રણ વખત પોતાની મહદવીયતનોદાવો કરશે? અને તે પણ ગુજરાતી ભાષામાં? અથવા તો સૈયદ મોહમ્મદ ઉપર પહેલી વખત જ્યરે હુકમે પરવરદિગાર થયો કે તે પોતાની મહદવીયતનું એલાન કરે, ત્યારે તેઓએ એ હુકમને કેમ ટાળી દીધો?
(૬) પૃથ્વી સંપત્તિથી ભરાઇ જશે.
એહલે સુન્નતના મશહૂર આલીમ અલ્લમા નૈશાપુરી તેમની કિતાબ ‘અલ મુસ્તદરક અલસ સહીહયત’માં લખે છે કે : જ્યારે આખર ઝમાનામાં હઝરત મહદીનો ઝુહુર થશે ત્યારે દુનિયા માલામાલ થઇ જશે. એટલે કે દુનિયામાં ગરીબી નામની કોઇ વસ્તુ નહીં હોય. આ રિવાયત નોંધ્યા પછી આપ ફરમાવે છે કે : આ રિવાયત સનદોના હિસાબે સહીહ (સાચી – સંપૂર્ણ – સ્વિકૃત) છે. (અલ મુસ્તદરક અલસ સહીહયન, ભાગ – ૪, પાના નં. ૫૫૭, કિતાબુલ ફતન વલ મલાહીમ) આ રિાવયતને ઇબ્ને માજહે તેની સુનનમાં (બાબે ખો‚જલ મહદી) હાફીઝ અબુ નઇમ ઇસ્ફહાની અને શબલન્જીએ નુ‚લ અબસારમાં લખી છે. સુજ્ઞ વાચકો ન્યાયપૂર્વક વિચારે કે શું આજે દુનિયામાં ગરીબાઇ નથી? શું આજે દુનિયામાં કોઇ પણ ફકીર નથી? એવું કોઇ છે જે આ વાતાનો દાવો કરી શકે? નહીં, કારણકે જે હકીકત સ્પષ્ટ રીતે જાહેર હોય તેનો ઇન્કાર કરનાર મૂર્ખ અથવા આંધળો કહેવાય છે. આ વાતનો વિકલ્પ એ છે કે આપણે એ વાતનું ઐલાન કરીએ કે આપણે આ બુઝુર્ગ આલીમોની વાતોને તથા એ રિવાયતો અને દલીલોને માનતા નથી.
ઉપરની દલીલો અને ચર્ચાને લક્ષમાં લેતા અમે આપ વાચકો ઉપર નિર્ણય કરવાનું છોડી દઇએ છીએ. પરંતુ અંતમાં એટલુંજ જોઇએ કે હકની શોધ કરવા વિશે કુરઆને મજીદનો શું આદેશ છે? અલ્લાહ તઆલા તેની અઝીમ કિતાબ ઇરશાદ ફરમાવે છે:
ફબશ્શીર એબાદીલ્લઝીન યસ્તમેઉનલ કવ્લ ફયત્તબેઉન અહસનહુ
(સુરએ ઝૂમ્ર, આયત નં. ૧૭-૧૮)
(અય રસુલ!) તું મારા એ બંદાઓને બશારત અને ખુશખબરી આપ, (કે) જેઓ વાતોને ધ્યાન દઇને સાંભળે છે અને પછી તેમાંથી શ્રેષ્ઠ વાતોનું અનુસરણ કરે છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *