Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૨૯ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ના કેયામનો હેતુ, પરિણામો અને અસરો

ઇમામ હુસૈન (અ.સ.)ની ક્રાંતિ અને તે જમાનાના યુવાનોની હાલત

Print Friendly

કોઇપણ કૌમ અને કબીલામાં યુવાનોને કૌમના પ્રતિનિધિ ગણવામાં આવે છે. કૌમની આશાઓ પણ તેઓની સાથે બંધાએલી હોય છે તેઓ જ કૌમના ભાવિનું ઘડતર કરે છે, તેઓજ કૌમ અને મઝહબની આંખો, દીવા અને ભવિષ્ય હોય છે. તેની સૌથી ઉત્તમ દલીલ આજના નવયુવાનો છે. આજે સમગ્ર દુનિયામાં આપખુદીનો જમાનો છે. જે મનમાં આવે તે કરી નાખે છે એટલેકે પોતાની ઇચ્છાઓ ઉપર જ અમલ કરે છે. આજના યુવાનોનો શ્રેષ્ઠ ધંધો કિંમતી સમયને નકામી ચીઝોમાં વેડફી નાખવાનો છે. આજના યુગમાં દ્રષ્ટાંતરૂપ યુવાન તેને કહેવામાં આવે છે જે નાણાં કમાવાનું મશીન હોય અને આ તુચ્છ દુનિયા સંબંધિત પ્રાથમિક જાણકારી ધરાવતો હોય. આજે સમગ્ર દુનિયાના યુવાનોની પ્રાથમિકતા મોજશોખ અને એશોઆરામનું જીવન તથા વધુમા વધુ ખ્વાહીશો પૂરી કરવી છે. આજના યુવાનો માટે અખ્લાકી મુલ્યો, ઇન્સાનિય્યતની સીફાતો, રૂહાની શાંતિ, અલ્લાહની નજદિકી તથા તેની ઇતાઅત, ઇલાહી નિશાનીઓનું સન્માન જાળવવું, સગાઓ સાથે સારો વ્યવહાર કરવો, વડીલોનું સન્માન જાળવવું અને ર્માં-બાપની તાબેદારી કરવી વિગેરે બાબતોને જુનવાણી ગણવામાં આવે છે. ન્યાય સમજ અને જ્ઞાન ધરાવતા ઇન્સાનો આવા યુવાનો પાસેથી શું આશા રાખી શકે? શું તે કહી શકે છે કે ભવિષ્યમાં ઇન્સાનને સંપૂર્ણ ઇન્સાન બનાવવાની જવાબદારી આવા લોકો અદા કરી શકશે? અગર સમાજની પ્રગતિની જવાબદારી તેઓને સોંપવામાં આવે તો શું તેઓ એક ટકો પણ પોતાની જવાબદારી સંંભાળવાની લાયકાત ધરાવે છે? અગર એમ નથી તો આવા સંજોગોમાં દર્દમંદ દીલ ધરાવતા ઇન્સાનોએ તેઓને સુધારવા માટે એવો ક્યો રસ્તો અપનાવ્યો છે જેનું સો ટકા સાચું પરિણામ આવે શકે?

અગર કોઇ કૌમની પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો તેનો સૌથી સારો ઉપાય એ છે કે તે કૌમના યુવાનોની સ્થિતિનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે. તેઓની રહેણી-કરણી, બેઠક-ઉઠક, એકબીજા સાથેના સહકાર અને વિરોધ. ટૂંકમાં સારા ચારિત્ર્યના દરેક પરિબળો ઉપર એક ઉંડી નજર કરવાથી આપને પરિસ્થિતિનો ખરો અંદાજ આવી જશે.

આ ટૂંકી પ્રસ્તાવના પછી આવો આપણે ઇતિહાસનું એક પાનું પલ્ટાવીને જોઇએ જેથી એ અંદાજ આવી જાય કે ઇમામ હુસૈન (અ.સ.)એ જે સમયે ક્રાંતિનું અભિયાન છેડ્યું ત્યારે તે સમયના યુવાનોની હાલત કેવી હતી તેમજ ઇમામ (અ.સ.)એ તેઓને સત્યના માર્ગની મશાલ દેખાડવા માટે ક્યો રસ્તો બતાવ્યો?

મોટાભાગના અથવા સમસ્ત મુસલમાનો અને ખાસ કરીને સુન્ની ભાઇઓ એ વાતને સ્વિકારે છે કે ઇમામ હુસૈન (અ.સ.)ની ક્રાંતિના સમયના યુવાનો બીજા ખલીફાની ખિલાફતના સમયગાળાના અંતમાં પૈદા થયા હતા અને ત્રીજા ખલીફાના જમાનામાંં તેઓનો ઉછેર થયો હતો. અમીરે શામના સમયમાં તેઓ સામાજીક જીવનમાં પ્રવેશ્યા હતા. બીજા શબ્દોમાં તે સમયના મુસલમાનો વચ્ચે જે લોકો પચાસ વર્ષના હતા તેઓએ હુઝુરે અકરમ રસુલે ખુદા (સ.અ.વ.)ના દીદાર કર્યા ન હતા તેમજ આપની મલકુતી બારગાહમાં હાજર થવાનું સન્માન આ યુવાનોને પ્રાપ્ત થયું ન હતુ અને હઝરત (સ.અ.વ.)ના નૂરાની ફરમાનોનો રૂબરૂમાં લાભ લેવો તો દૂરની વાત હતી.

તથા મુસલમાનોમાં જે લોકો સાંઇઠ વર્ષના હતા તેઓ પયગમ્બર (સ.અ.વ.)ની વફાતના સમયે માત્ર દસ વર્ષના હતા.

એહલેબય્ત (અ.મુ.સ.)ને અગર સમાજથી તારવી લેવામાં આવે તો અરબોમાં આ વય ખેલકૂદ અને રમત-ગમતની ગણવામાં આવતી હતી. પયગમ્બર (સ.અ.વ.)ના સહાબીઓમાં જે લોકો જીવિત હતા તેઓની સંખ્યા ઘણીજ ઓછી હતી અને તેઓની વય સીત્તેર વર્ષથી વધુ હતી. જે લોકોની વય ૩૦-૪૦ની વચ્ચે હતી તે બીજી ખિલાફતના અંતમાં અથવા તો ત્રીજી ખિલાફતના સમયમાં જન્મ્યા હતા. અર્થાંત હિ.સ. ૬૦માં યુવાનોની નવી પેઢી જે અરબસ્તાનમાં અસ્તિત્વમાં આવી હતી તે સીરતે નબવી અને આપ (સ.અ.વ.)ના આદર્શ ચારિત્ર્યથી અજાણ હતી.

હુકુમતની અસરો :

તમે દુનિયાના કોઇપણ ખુણામાં ચાલ્યા જાવ તમારે એ હકીકત તો સ્વિકારવી જ પડશે કે

લોકો પોતાના બાદશાહના દીન ઉપર હોય છે.

આ આધારે તે જમાનાની હુકુમતને ધ્યાનમાં રાખી એ અંદાજ લગાડવો કે અથવા તારણ કાઢવું મુશ્કેલ નહિં હશે કે તે જમાનાના યુવાનો કેવા આચાર-વિચારો ધરાવતા હશે. કારણકે આજના સમયની જેમ તે જમાનામાં સમાચાર અને શિક્ષણ પ્રસારણ કરવાના માધ્યમો સર્વોત્તમ અને ઝડપી ન હતા અને જે કંઇ માધ્યમો હતા તે પણ ઝાલિમ અને અત્યાચારી લોકોના હાથોમાં હતા કે જેઓ ભૌતિક સુખ અને નફસની વાસનાઓ સિવાય બીજું કંઇ વિચારતાજ ન હતા. આજ કારણોને લીધે તે યુવાનો સુધી પયગમ્બર (સ.અ.વ.)નું સાચું ચિત્ર અને ચારિત્ર્યની ટૂંકી રૂપરેખા પણ તેઓ સુધી ન પહોંચી શકી અને ન તો પયગમ્બર (સ.અ.વ.)ની હુકુમતનો સોનેરી સમયગાળો તેઓની સામે આવી શક્યો. બલ્કે રાજકીય ક્ષેત્રે પ્રદર્શિત કરાયેલ પાનાઓમાં ઉભરતા  યુવાનોની સામે જે લોકો આવ્યા તે હતા મોગીરા ઇબ્ને શોઅબા, સઇદ ઇબ્ને આસ, વલીદ અને ઉમર ઇબ્ને સઅદ જેવા લોકો કે જેઓ હુકુમતમાં પ્રભાવ અને વગના આધારે રાજકીય સલાહકારોમાં ગણવામાંં આવતા હતા અને હુકુમતમાં હાથ સાફ કરવા સિવાય તેઓનો બીજો કોઇ હેતુ પણ ન હતો. આ બધામાં પણ લૂંટફાટ, દુનિયાને હાસિલ કરવી તે સામાન્ય રીતે સારા ગુણો ગણવામાં આવતા હતા. આ ઉપરાંત જાહેરી ચમકદમક, ઘમંડ અને તકબ્બુરની સાથોસાથ  કૌમ અને કબીલાની દરમ્યાન પક્ષપાત, અરબ હોવાનો નશો, ઝુલ્મ અને નિર્દયતાથી સમાજમાં એક દબાવ જાળવી રાખવો તે તેઓની પ્રિય પ્રવૃત્તિઓ હતી. હુકુમતમાં પહેલા દરજ્જાના લોકો કે જેઓના કાર્યો અમલીરૂપે યુવાનો માટે દ્રષ્ટાંતરૂપ હોય છે અને યુવાનોમાં જેનાથી જોશ આવે છે, આવા સૌથી ખરાબ માલની ઉચાપત કરનારા અને રીશ્વતખોર લોકો હતા જેઓ ત્રીજી ખિલાફતના સમયગાળામાં પોતાના ખાનદાનમાં માલની ભાગ બટાઇ કરવામાં વાંદરાની જેમ તલ્લીન હતા. તે જમાનાના યુવાનો તેમની આ હરકતથી પ્રભાવિત થતા હતા. તે પેઢી જોઇ રહી હતી કે સમાજમાં ગુનાહમાં  સપડાએલા લોકોએ લાજ શરમ નેવે મૂકી દીધી છે. દાખલા તરીકે વલીદ ઇબ્ને અકબા કે જે ખલીફાનો ઓરમાન ભાઇ હતો તે કુફામાં ગવર્નર હતો. તે શરાબ અને કબાબમાં એટલો મસ્ત રહેતો હતો કે જ્યારે સુબ્હની નમાઝમાં ઇમામત કરવા આવતો ત્યારે સુબ્હની ત્રણ – ચાર રકાત પઢાવતો હતો. આ એજ બેશરમ માણસ છે જેણે પોતાની દિકરી સાથે મોઢું કાળું કર્યંુ હતું. ઇતિહાસના પાનાઓ તેના કાળા કરતૂતોથી ભરેલા છે.

અબ્દુલ્લાહ ઇબ્ને સઅદ, ખલીફાનો રઝાઇ (એક ર્માંનું દૂધ પીનાર) ભાઇ હતો. તેને મીસ્રનો ગવર્નર બનાવવામાં આવ્યો અને અબ્દુલ્લાહ ઇબ્ને આસર ઇબ્ને કરીઝ જે ખલીફાનો મામાનો દિકરો ભાઇ હતો તેને બસરાનો ગર્વનર બનાવવામાં આવ્યો. તેણે બસરાને ઉમવીઓનું ગઢ બનાવી દીધું. મરવાન ઇબ્ને હકમ જે આ દરેકનો સરદાર હતો અને જે આ દરેકમાં સૌથી વધુ તિરસ્કારને પાત્ર છે અને તે ખલીફાનો જમાઇ હતો તેમજ વાસ્તવમાં ખિલાફતની લગામ તેના હાથોમાં હતી. આવા લોકો જ્યારે હુકુમતમાં સક્રીય હોય ત્યારે કેવા સમાજની રચના થાય અને યુવાનોનો ઉછેર કેવો થાય તેનો અંદાજ વાંચકો સારી રીતે લગાવી શકે છે.

અમીરે શામ જે બીજા ખલીફા તરફથી દમિશ્ક અને ઉરદનનો હાકીમ હતો, ત્રીજા ખલીફાએ તેની હુકુમત પરત ન લીધી બલ્કે ફીલીસ્તીન, હમસ અને જઝીરાના પ્રદેશ પણ તેના તાબા હેઠળ આપી દીધા. પરિણામે અમીરે શામે ઇરાન અને રોમની પ્રગતિનું બહાનું બનાવીને પોતા માટે જાહેરી રીતે ચમકદમક, ભપકાદાર અને ભોગવિલાસના સાધનો સાથે હુકુમતનો એક પાયો નાખ્યો.

હઝરત અલી (અ.સ.)ની જાહેરી ખિલાફતના શાસનકાળ દરમ્યાન મોઆવીયાએ રાજકીય કાવાદાવા તથા ઝુલ્મ અને અત્યાચાર વડે શામની તરફ પોતાની એક તાકત બનાવી હતી. જેના પરિણામે હઝરત અલી (અ.સ.) સાથે ટકરાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. સમય પસાર થતો ગયો અને અરબના યુવાનોએ આવી જ બાતિલ તબ્લીગોની અસર હેઠળ એક હુકુમતી અને રાજકારણીય સમાજમાં પોતાની એક જગ્યા બનાવી લીધી હતી.

આથી આશુરાના સમયના યુવાનો હુકુમતના હાથોનું એવું રમકડું બની ગયા હતાં કે જેમાં ન કોઇ ચારિત્ર્યના મુલ્યો હતા કે ન તો તેઓ માટે હક્ક અને બાતિલ વચ્ચે કોઇ ફરક હતો. એટલે સુધી કે તેઓ ખુદ પોતાની ઓળખ પણ ગુમાવી ચૂક્યા હતા. અલ્લાહે નમુનારૂપ હસ્તીઓની નેઅમત જેમની રેહબરી હેઠળ પોતાની આખેરતને સુધારવાની જે તક મળેે તે તેઓની પાસેથી છીનવી લીધી. તે જમાનાના મુસલમાન યુવાનોની નજદિક ઇન્સાની ફઝીલતો અને ખૂબીઓ અર્થહીન હતા તથા હુકુમતના બધા કાર્યકર્તાઓ એ બાબતની પાછળ લાગ્યા હતા કે કેવી રીતે સમાજના લોકોની રૂહાનિય્યતને કચડીને તેઓને એવા જંગલી માણસો બનાવી દેવામાં આવે કે તેઓમાં વિચાર અને સમજશક્તિનો અંશ સુદ્ધાં બાકી ન રહે. આજ કારણે આપને દમિશ્કના ઇતિહાસમાં એવા જાહેરી રીતે સમજદાર લોકો જોવા મળશે કે જેઓ એમ માનતા હતા કે રસુલ (સ.અ.વ.)ની દુ:ખદ વફાતના સમયે બની ઉમય્યાથી વધુ કોઇ નજીકના સંબંધી ન હતા કે જેઓ પયગમ્બર (સ.અ.વ.)ના વારસદાર બને. આ ઉપરથી આપ બહુ જ સારી રીતે સમજી શકો છો કે ખોટો પ્રચાર અને ગુમરાહ કરનારી વાતો કેટલી હદ સુધી મુસલમાનોમાં ફેલાએલી હતી. શું એક યુવાન માટે આથી વધારે મોટી કોઇ મુસીબત હોય શકે છે? શું કોઇ કૌમના આવા જાહીલો યુવાનો પાસેથી કોઇ આશા રાખી શકાય છે? તથા અગર ખુદાના ખ્વાસ્તા કોઇ મઝહબ અથવા કૌમની આગેવાની કોઇ આવા નકામા, જાહિલ અને ખરાબ ચારિત્ર્ય ધરાવનારા યુવાનના હાથોમાં આવી જાય તો શું તમે તેનાથી કોઇ ભલાઇની ઉમ્મીદ કરી શકો છો? કદાપિ નહિં. તમે ઇતિહાસના પાનાઓમાં વાંચી શકો છો કે ઇમામ હુસૈન (અ.સ.) જેવી મહાન હસ્તીને લોકો ખારજી કહેવા લાગ્યા. આનાથી વધુ પસ્ત જેહાલત શું હોઇ શકે? એટલે સુધી કે ઇમામ હુસૈન (અ.સ.) સાથે લડવા માટે કુફાના લશ્કરનું આ સૂત્ર હતું.

“અય અલ્લાહના લશ્કરો સવાર થઇ જાવ.’

શું આ બાબત આપણને એ યકીન અપાવવા પૂરતી નથી કે અલ્લાહ, રસુલ અને એહલેબય્ત (અ.સ.)ના દુશ્મનોએ લોકોને અલ્લાહના માર્ગમાંથી દૂર કરવા માટે દરેક પ્રકારના દાવપેચો અજમાવ્યા હતા.

મારા ભાઇઓ અને બહેનો એ યાદ રાખો કે એહલેબય્ત (અ.સ.)ના ઇલ્મની સિવાયના જે કોઇ સંદેશાઓ આપના યુવાનો સુધી પહોંચી રહ્યા છે તે તલ્વારની તેજ ધાર જેવા છે . જેનો આપણી વિરૂદ્ધ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુવાનો ત્યારેજ કૌમની મૂડી અને માન સન્માનનું પ્રતિક બની શકે છે કે જ્યારે તેઓને એહલેબય્ત (અ.સ.)ની તઅલીમથી સુસજ્જ અને સાચા તથા મજબૂત અકીદાના માલિક બનાવવામાં આવે. નહિંતર તેઓ દગા ફટકાના શિકાર થશે અને દુશ્મનોના ખૂની પંજામાં સપડાઇને તેઓના હાથા બની જશે. કારણકે સામાન્ય રીતે યુવાનો ઉપર અક્કલથી વધુ નફસાની ઇચ્છાઓ વધારે પ્રબળ હોય છે. આથી યુવાનોની કેળવણી એવા મજબૂત હાથોમાં થવી જોઇએ કે જે તેમના જઝબાતના મોજાના મોડને હિદાયત તરફ દોરતા શીખવે અને જે તેઓને એ અનુભૂતિ કરાવે કે તેઓનું સાચું પગલું સમાજમાં ભવ્ય ક્રાંતિ લાવશે અને તેઓના કારણે એક એવો સમાજ અસ્તિત્વમાં આવશે જે ઉચ્ચ મુલ્યો ધરાવતો હશે. આથી સમાજશાસ્ત્રીઓ યુવાનોમાં ક્રાંતિ લાવવાવાળા અસરકારક પરિબળોની શોધને ખૂબજ મહત્ત્વ આપે છે.

હુસૈન (અ.સ.)નો આશુરાનો દિવસ યુવાનોમાં પરિવર્તન લાવવા માટેનો અસરકારક માર્ગ છે. શરત એ છે કે આશુરાનો સાચો અર્થ યુવાનોને સંભળાવતા રહીએ તથા ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતના મૂખ્ય મકસદને ભૂલાવી દેવા માટે ચોતરફથી જે ઝહેરી તીરો ફેંકવામાં આવી રહ્યા છે તેનો એહલેબય્ત (અ.સ)ના ઇલ્મના દરિયામાં નાશ કરતા રહીએ. એ વાત ધ્યાનમાં રહે કે ઇમામ હુસૈન (અ.સ.)ના મકસદને બાકી રાખવાની જવાબદારી અલ્લાહ તઆલાના શક્તિમાન હાથોમાં છે. તેથી અલ્લાહ તઆલા ઇમામના ગમને હંમેશા મોઅમીનોના દિલોમાં તરોતાઝા રાખશે. આપણે માત્ર એટલુંજ કરવાનુ છે કે આપણે આ મહાન નેઅમતનો શુક્ર બજાવતા રહીએ. આશુરા જ એ ચીરાગ છે કે જેને ઇમામ હુસૈન (અ.સ.)એ ડુંંસકા ભરતી દુનિયાના યુવાનોને ગુમરાહીના માર્ગથી બહાર કાઢવા માટે પોતાની તથા પોતાના કુટુંબીજનોની કુરબાની આપીને પ્રકાશિત કર્યો છે. આજે આપણે હુસૈન (અ.સ.) અને વારીસે હુસૈન (અ.સ.) નો ઝીક્ર કરીને આપણા યુવાનોને એ માર્ગ દેખાડી શકીએ છીએ જેના ઉપર ચાલીને તેઓ હંમેશા માટેની ખુશનસીબી પ્રાપ્ત કરી શકે છે. આવા જ યુવાનો કૌમની સંપત્તિ અને ભાવિ બની શકે અને તેઓનાજ મજબૂત ખભા ઉપર આપણે આંખો બંધ કરીને ઇત્મીનાન અને શાંતિથી આ દુનિયામાંથી વિદાય લઇ શકીએ.

આશા છે કે આપણે આશુરાથી એ ભવ્ય લાભ મેળવીએ કે જેના માટે ઇમામ (અ.સ.)એ આટલી ભવ્ય કુરબાની આપી. આપણે દોઆ કરીએ કે અલ્લાહ વારીસે હુસૈન (અ.સ.)ના પુરનૂર ઝુહુરમાં જલ્દી કરે અને દુનિયાને હઝરત (અ.સ.)ના ઝુહુર માટે તૈયાર કરીએ અને અલ્લાહ આપણને ઇમામ (અ.સ.)ના સાચા ગુલામોમાં શામીલ કરે. આમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.