Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૬

ઇમામે મહદી (અજ.) વિશેની માન્યતા અને મદીના યુનિવર્સિટીના (ગૈર શિયા) વિદ્વાનો

Print Friendly, PDF & Email

મદીના મુનવ્વરહ યુનિવર્સિટી (અલ જામેઅતુલ ઇસ્લામીયહ બિલ મદીનતુલ મુનવ્વરહ) ના એજ્યુકેશન બોર્ડના સભ્ય અને પ્રોફેસર જનાબ શૈખ અબ્દુલ મોહસીન બિન હમદ અલ એબાદે યુનિવર્સિટીના એક મહત્વપૂર્ણ સેમિનારમાં જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર જનાબ શૈખ અબ્દુલ અઝીઝ બિન બાઝ પણ ઉપસ્થિત હતા, તે સેમિનારમાં એક અત્યંત મહત્વનો સંશોધનપૂર્ણ લેખ (નિબંધ) પ્રસ્તુત કર્યો. જેનો વિષય “અકીદતો અહલીસ – સુન્નતે વલ અસર ફીલ મહદીય્યીલ મુન્તઝર હતો.
આ લેખ યુનિવર્સિટીના સામયીક “મુજલ્લતુલ જામેઅતુલ ઇસ્લામીયહ વર્ષ પ્રથમ અંક નંબર 3 ઝી-કઅદતુલ હરામ હીજરી 1388 માં પ્રકાશિત થયો આ લેખ ઘણોજ વિદ્વતા પૂર્વક લખાયેલો અને સંશોધનપૂર્ણ સદરહુ લેખ પુસ્તકની સાઇઝ 40 પૃષ્ઠ અને દસ ભાગ (પરિચ્છેદ) નો છે.
જેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થયો છે.
(1) એ અસ્હાબનો ઉલ્લેખ છે, જેઓએ હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ પાસેથી ઇમામ મહદી અલયહીસ્સલામ વિશે હદીસો નોંધી છે.
(2) એ આલીમો અને મોહદ્દેસીન (હદીસ વેત્તાઓ) નો ઉલ્લેખ છે, જેઓએ પોતાની કિતાબોમાં એ (નં. 1 જણાવેલ) હદીસોનો ઉલ્લેખ કર્યો છે.
(3) એ આલીમોનો ઉલ્લેખ છે, કે જેઓએ આ વિષય પર કિતાબો લખી છે.
(4) એ આલીમોનો ઉલ્લેખ છે, જેઓએ આ હદીસોને મુતવાતીર (નિરંતર સીલ – સીલાબધ્ધ એવી હદીસો જેનો મૂળ સ્ત્રોત રસૂલ કે ઇમામથી મળતો અને અધિકૃત હોય) ગણાવી છે.
(5) ઇમામ મહદી અલયહીસ્સલામ વિશેની એ હદીસો જે સહીહૈન (અધિકૃત કિતાબો) માં નોંધવામાં આવી છે.
(6) અમૂક એવી હદીસોનો પણ ઉલ્લેખ છે જે સહીહૈન સિવાયની બીજી મોઅતબર કિતાબોમાં નોંધવામાં આવી છે તેઓ ઉલ્લેખ થયો છે.
(7) મજકુર સામયીક લેખમાં એવા આલીમોના નામોના ઉલ્લેખ છે. જેઓએ તે હદીસોથી દલીલ પ્રસ્તુત કરી છે. અને ઇમામ મહદી (અજ.) વિશેની માન્યતાને પોતાનો અકીદો ગણાવેલ છે.
(8) એવા લોકનો ઉલ્લેખ છે જેમણે એ હદીસોનો ઇનકાર કર્યો છે. તેમની દલીલોનો ઇલ્મી જવાબ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો છે,
(9) એ વાતનો ઉલ્લેખ છે જે જાહેરી રીતે એ હદીસો સામે વિરોધાભાસ ઉભો કરે છે, તેના જવાબ સાથેનો ઉલ્લેખ.
(10) સારાંશ (નિષ્કર્ષ)
જનાબ અબ્દુલ મોહસીનનો લેખ પૂર્ણ થતા શૈખ અબ્દુલ્લાહ બિન બાઝે આ લેખની પ્રશંસા કરી, તેનું સમર્થન કર્યું અને તેના અમૂક અર્થઘટનમાં વધારો પણ કર્યો.
અત્રે અમે ચોથા ભાગના અમૂક અવતરણ પ્રસ્તુત કરહી રહ્યા છીએ. જેનાથી એ વાત બિલ્કુલ સ્પષ્ટ થઇ જાય છે કે ઇમામ મહદી (અજ.) વિશેનો અકીદો પુરતો મર્યાદીત નથી. પરંતુ એહલેસુન્નત વલ જમાઅતને અનુસરનારાઓમાં પણ આ અકીદો મૌજુદ છે અને તેઓ માટે પણ આ અકીદામાં માનવું અત્યંત જરૂરી છે.
આ લેખના વિષયથી એ વાત સ્પષ્ટ છે કે એ લોકો પણ હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામનો ઇન્તેઝાર કરી રહ્યા છે.
ઉપર જણાવ્યા મુજબના અવતરણ વાચકોની ખિદમતમાં પ્રસ્તુત કરીએ છીએ.
(1) હાફીઝ અબુલ હસન મોહમ્મદ બિન હસયન અલ આબરી અલ સબહઝી (વફાત 363) એ તેમની કિતાબ “મનાકેબુશ્શાફઇ માં લખ્યું છે કે, હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) થી નોંધવામાં આવી છે, તે મુતવાતીર (કડીબદ્ધ) અને ફાયદામંદ છે. હઝરત મહદી અલયહીસ્સલામ અહલેબય્તમાંથી હશે.
(2) હાફીઝ મહમ્મદ બરઝન્જી (વફાત 1103) એ તેમની કિતાબ “અલ અશાઅહલ અશરાત-સ્સાઅહ ના ત્રીજા ભાગમાં લખે છે કે : હઝરત ઇમામ મહદી (અ.સ.) વિશેની રિવાયતો, વિવિધ રીતે એટલી વધારે સંખ્યામાં વારીદ થઇ છે કે, તેની ગણત્રી થઇ શકતી નથી. જે પૈકીની મોટા ભાગની રિવાયતો સહીહ છે કે આપ જનાબે ફાતેમા ઝહેરા સલામુલ્લાહે અલયહાના વંશજ હશે. એ રિવાયતો એટલી બધી અધિકૃત સીલસીલા સાથેની છે, કે તેનો ઇન્કાર કરવાની કોઇ સંભાવના રહેતી નથી.
(3) જનાબે શૈખ મોહમ્મદ અલ – સફારી (વફાત હી. 1183) તેમની કિતાબ “લવાએમુલ અન્વાર અલ બહીય્યાહ”માં લખે છે કે હઝરત મહદી અલયહીસ્સલામ વિશેની રિવાયતો પુષ્કળ પ્રમાણમાં છે, અને તે રિવાયતો આંતરિક કડીબદ્ધતાની હદ સુધી પહોંચેલી છે. આ રિવાયતો એહલે સુન્નત આલીમોમાં એટલી બધી વિખ્યાત છે કે તે રિવાયતોને તેઓના અકીદામાં ગણાય છે. આ રીતે ઇમામ મહદી (અજ.) ના ઝુહર પર ઇમાન રાખવું વાજીબ છે. આ બાબતે એહલે ઇલ્મ માટે નિશ્ર્ચિત છે અને એજ એહલે સુન્નત વલ જમાઅતનો અકીદો છે.
(4) જનાબ કાઝી મોહમ્મદ બિન અલી અશ્શવકાની (વફાત 1250) તેમની કિતાબ “અત્તવઝીહ ફી તવાતુર માજાઅ ફીલ મહદીયીલ મુન્તઝર વદ-દજાલ વલ મસીહ માં લખે છે કે : ઇમામ મહદી અલયહીસ્સલામ વિશેની જે હદીસો મળી આવે છે, તેની સંખ્યા 50 છે. આ હદીસો મતવાતીર હોવામાં શંકાને સ્થાન નથી. ઇમામ મહદી વિશે સહાબા તરફથી પણ ઘણી વાતો નોંધવામાં આવી છે. આ પ્રકારના સ્પષ્ટ વિષયમાં “ઇજતેહાદ ની કોઇ ગુંજાઇશ નથી.
(5) જનાબ શેખ સદીક હસનખાન કનોજી (વફાત હી. 1307) એ તેઓની કિતાબ “અલ એઝાઅ લેમા કાન વ મા યકૂન બય્ન યદયઇસ્સાઅહ માં લખે છે કે: ઇમામ મહદી (અજ.) વિશે વિવિધરીતે અનેક રિવાયતો નોંધવામાં આવી છે. જે હકીકતમાં ‘તવાતુરે મઅનવી’ ની હદ સુધી વિશ્ર્વસનીય છે. આ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી કે ઇમામ મહદી (અ.સ.) આખરી જમાનામાં જાહેર થશે. અબલત તેઓનું જાહેર થવાનું વર્ષ અને મહીનો નક્કી નથી. જે કોઇ આ વાતની વિરૂદ્ધ જાય તેની કોઇ પરવા નથી.
(6) શેખ મોહમ્મદ બિન જારફ અલકતાની (વફાત 1340) એ તેમની કિતાબ “નઝમુલ મુતનાસિર મિનલ હદીસીલ મુતવાતીર માં લખે છે કે : ટૂંકમાં એ કે ઇમામ મહદી મુન્તઝર વિશે જે હદીસો વારીદ થઇ છે, તે મુતાવીર છે.
મજકુર લેખના અંતમાં અબ્દુલ મોહસીન કહે છે કે ઇમામ મહદી વિશેની હદીસોને ઇન્કાર કરવો અથવા તો તેમાં શંકા કરવી એ ખતરનાક બાબત છે.
અમે ખુદાવન્દે આલમ પાસે સલામતી, રક્ષણ અને હક પરસ્તીને દૃઢ રીતે વળગી રહેવાની દોઆ માંગીએ છીએ. આ લેખના ઉપસંહાર રૂપે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર શૈખ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ્લાહ બિન બાઝે જે પ્રવચન કર્યું તે કેસેટમાંથી નોંધીને તએોની પરવાનગી સાથે આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેઓના પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે : જનાબ શેખ અબ્દુલહુસૈન અલ એબાદે જે વાતો બયાન કરી છે સાચી અને હક છે. ઇમામ મહદી વિશેની વાત આલીમો વચ્ચે મશહુર અને સ્વીકૃત છે આ વિશેની હદીસો ફાયદાકારક, ઉપયોગી અને મુતવાતીર છે. આખરી જમાનામાં ઇમામ મહદી અલયહીસ્સલામ ઇસ્લામી ઉમ્મત પર ખુદાવન્દે આલમની રહમત છે. તેઓ જાહેર થશે અને અદલો હક (ન્યાય અને સત્ય) કાયમ કરશે. જુલ્મ અને અત્યાચારને નાબૂદ કરશે (તેઓ મારફત ખુદાવન્દે આલમ ઉમ્મત ઉપર ભલાઇને ધ્વજ લહેરાવશે.) તેઓ દ્વારા જ લોકોની હીદાયત કરીને માર્ગદર્શન આપશે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.