Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૬

ઓગણીસમી સદીના મહદવીયતના દાવેદાર મહદી સુદાની ૧૮૪૮-૧૮૮૫

Print Friendly, PDF & Email

જો મહદવીયતના નકલી દાવેદારો ન હોત તો લોકો મહદવીયતના અકીદાને એક ‘મનઘડત’ અને ગૈર-ઇસ્લામી અકીદો માની લેત. આ એક સ્પષ્ટ હકીકત છે. પરંતુ જેવી રીતે ઇસ્લામના પ્રારંભથી આજ સુધી નબુવ્વતના નકલી દાવેદારો ઠેકઠકાણે નજરે પડતા રહ્યા છે, તેવી જ રીતે મહદવીયતના પ્રારંભથી લઇને આ સુધી મહદવીયતના નકલી દાવેદારો ઉભા થતા રહ્યા છે. હદ તો એ વાતની છે કે ઓગણીસમી સદીમાં અમૂક માણસોએ પહેલા તો મહદી અલયહીસ્સલામના ખાસ નાએબ હોવાનો દાવો કર્યો, થોડા દિવસ સુધી આ બાબતની તબ્લીગ કરતા રહ્યા, જ્યારે જોયું કે આ પ્રકારની દુકાનદારીમાં કોઇ ફાયદો નથી થતો ત્યારે તેજ લોકો નબુવ્વતનો દાવો કરી બેઠા. થોડા દિવસો સુધી પોતાની દુકાનોમાં નબુવ્વતનો શણગાર કરીને બેઠા પરંતુ નકલી નબુવ્વતનો દાવો અમૂક સ્વાર્થ પભરાયણ લોકો સિવાય બીજા કોઇને પ્રભાવિત કરી ન શક્યો ત્યારે છેવટે તે લોકોએ ખુદાઇનો દાવો કર્યો.
આ બધી વિગતો લખવાનો ભાવાર્થ માત્ર એ છે કે આ ખોટા અને નકલી દાવેદારોને ન્યાયપ્રિય અને તટસ્થ રીતે વિચારનારા લોકોના દૃષ્ટિકોણથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે : મહદવીયતનો અકીદો એ કોઇ મનઘડત અને ચોક્કસ ઇસ્લામીફીરકાનો જ અકીદો નથી, પરંતુ મહદવીયતનો અકીદો એ શુદ્ધ ઇસ્લામી અકીદો છે. જેની બશારત પયગમ્બર અકરમ (સ.અ.વ.) એ પોતે, ક્યારેક પોતાના ઘરના સભ્યો વચ્ચે અને ક્યારેક સહાબાએ – કેરામના સમૂહ વચ્ચે સ્પષ્ટ રીતે આપી હતી.
પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની બશારતથી એ હકીકત સ્પષ્ટ થઇ જાય છે કે : મહદવીયતનો અકીદો એ ઇસ્લામનો એક બુનીયાદી અકીદો છે. આ વાતનો ઇન્કાર કરવાનો અર્થ એ થશે કે તે ઇન્કાર કરનાર મુસલમાન કુફ્રના વર્તુળમાં પ્રવેશી જશે. આ વિશે સાહેબે યનાબીઉલ મવદ્દત સુલૈમાન ક્નદુઝી હનફીએ રિવાયત નોંધી છે કે રસૂલે અકરમ (સ.અ.વ.) નો ઇરશાદ ગીરામી છે કે “મન અન્કર ખોરૂજલ મહદીય્યે કફર. એટલે કે જેણે મહદી (અજ.) ના ઝુહર અને ઇન્કેલાબનો ઇન્કાર કર્યો, નિશંક તણે કુફ્ર ઇખ્તેયાર કર્યું. આ પ્રકારની અગણિત હદીસો અને રિવાયતો જોવા મળે છે.
આમ છતાં, કેટલાક વિચારશીલ વિદ્વાનો આલીમોએ, આ અકીદા વિશે કેટલીક બીન તાર્કીક અને વિચિત્ર વાતો કરવાની ધૃષ્ટતા કરી છે તેવા લોકોએ સલફે સાલેહીન (સાલેહ પૂર્વજો) ની વિચારધારા અને કથનની પણ પરવા નથી કરી. જેમાં મીસ્રના એક મહાન લેખક અહમદ અમીન અને વિદ્વાન તફસીરકર્તા અલ્લામા તન્તાવી જૌહરી મોખરે દૃષ્ટિમાન થાય છે. અત:એ બ:ને આલીમોનું બયાન છે કે : “ઇસ્લામી દુનિયામાં જેટલી ચળવળ અને ક્રાંતી મહદવીયતના દાવેદારોએ કરી અને તેના પરીણામે મુસલમાનો વધુને વધુ નબળા પડ્યા છે. આ ઉપરાંત મુસલમાનોમાં આંતરિક ખુંરેજી, ફસાદ અને લડાઇ ઝગડા થયા તે બધા ફીત્નાનું મૂળ “મહદી”ના ઝુહરનો અકીદો છે. આ અકીદાના કારણે આપસમાં એવા મતભેદ ઉભા થયા કે જેના લીધે મીલ્લતમાં ભાગલા પડી ગયા.
ઉપર જણાવેલ બન્ને વ્યક્તિઓ આ પ્રકારના નિવેદન કરીને મીલ્લતમાં ઝેર પ્રસરાવીને મુસલમાનોના એ અકીદાની વિચારધારા અને અકીદાથી હટવવાના પ્રયાસો કર્યા. હકીકતમાં મહદવીય્યતનો અકીદો ઇસ્લામી સમાજમાં ઝળહળતા ભવિષ્ય, આશાઓ, દૃઢતા, સ્થિરતા અને આત્માવિશ્ર્વાસ પ્રગટાવવાની ખાત્રી આપે છે.
જો જનાબ અહમદ અમીન મિસ્રી તેમની સમજણ, અકલ અને દ્રષ્ટિની સાથે સાથે આંતરદ્રષ્ટિનો પણ ઉપયોગ કરતે તો તેઓ ઇતિહાસ અને સમાજને સ્પર્શતા પુસ્તકોમાંથી એ વાત જાણી લેત કે : હકની વાત હોય કે નેઅમતની, હક અને સુલેહ અદાલત હોય કે અમાનત અને સત્યતાની વાત હોય, આચાર સંસ્કૃતિ અને હોયકે દીન – મઝહબ, સ્વતંત્રતા હોયકે લોકશાહી. ટૂંકમાં, દરેક વાતમાં સ્વાર્થ પિપાસુ લોકો જેઓ સત્તા, હોદ્દા કે હકુમત પાછળ પાગલ થએલા હોય છે તેઓએ જીવનની આ મુલ્યવાન બાબતોના નામે ખોટા અને નાજાએઝ ફાયદો ઉઠાવ્યો હતો. ઉઠાવી રહ્યા છે અને ઉઠાવતા રહેશે. હદ તો એ વાતની છે કે એ સ્વાર્થી અને તકસાધુ લોકોએ ખુદાઇ અને નુબવ્વતને પણ છોડ્યો નથી. પછી ‘મહદવીયતનો અકીદો’ અર્થહીન અને ખોટો અકીદો સાબિત કરવા માટે એવી કમજોર દલીલો પ્રસ્તુત કરવામાં આવી જેનાથી તેઓની સમજણ અને બસીરતનો એટલી હદ સુધી ધબ્બાઓથી ખરડાવી નાખી કે ઇલ્મી દૃષ્ટિએ તેઓ તે કક્ષાને પાત્ર ન હતા આમ છતાં, એટલો બધો વિરોધ હોવા છતાં, કમસેકમ તે લોકો ‘મહદવીયતના અકીદા’ ને એટલો મજબુત અકીદો ગણ્યો છે અને એ વાત સ્પષ્ટ છે કે જે બાબતની કોઇ ‘અસ્લ’ કે મૂળ હોય તે વાત જ મજબુત રીતે ટકી રહે છે. અને તેઓ પાયો કે મૂળ હોવું તેજ એ વાતની દલીલ છે કે આ એક ખરો ‘ઇસ્લામી અકીદો’ છે.
આથી શિયા અને સુન્ની બંને ફીરકાના અમૂક એવા તકસાધુ અને સત્તા ભુખ્યા લોકો હતા જેઓ મહદવીયતનો દાવો કરીને અને મનોકામના અને હવસભુખ્યા દાવેદારો પૈકી એક ‘મહદી સૂડાની’ પણ છે.
મહદી સૂડાનીનો જન્મ હીજરી સન 1848 માં સૂડાનના ગામ દૂલગલામાં થયો હતો. તે એક વહાણ બનાવનાર કુટુંબ સાથે સંબંધિત હતો. આ એ મહદી હતો જેણે યુરોપના દેશોમાં સૌથી વધારે ખ્યાતિ મેળવી હતી. તેનું મૂળ નામ મહમ્મદ અહમદ હતું. તેણે પોતે ઇમામ મહદી હોવાનો દાવો કર્યો.તેણે પોતાના નામ સાથે “મહદી”નો લકબ લગાડી દીધો. બાવીસ વર્ષની વયથી ઝોહદ અને તકવાના દેખાવના કારણે બુઝુર્ગ વ્યક્તિત્વ ધારણ કરી લીધું. લોકો તેને બહુજ માન આપતા હતા. તે શ્રેષ્ઠ વક્તા હોવાને કારણે લોકોને મિસરીઓના જુલ્મ અને અત્યાચારથી વાકેફ કરવા લાગ્યો. તેમાંય ખાસી કરીને મહદીના ઝુહરના વિષય ઉપર તેણે ખૂબજ ભાર આપ્યો.
મહદી સૂડાની રસુલે ખુદા (સ.અ.વ.) નો બનાવટી નાયબ, અને મુસલમાનોનો કૃત્રિમ રહનૂમા બની બેઠો હતો. તેણે સૂડાનની મસરીઓ અને અંગ્રેજોની મિશ્ર સરકાર સામે બગાવતનો ઝંડો ફરકાવ્યો. મહદી સુડાની એક શ્રેષ્ઠ વક્તા હતો તેથી વક્તવ્યની ઝાકઝમાળ રચીને મિસરીઓના જુલ્મ અને અત્યાચારનું એવી રીતે વર્ણન કર્યું જેથી સૂડાનીઓના દિલમાં મિસરીઓ માટે નફરત પૈદા થતી થઇ. એટલે સુધી કે સૂડાનીઓના શરીરમાં મિસરીઓ માટે બગાવતી આગ ભડકી ગઇ. મહદી સૂડાની પોતાના જલદ પ્રવચનોમાં મહદીના ઝુહરના વિષય ઉપર ખૂબ જ ભાર આપતો હતો. ધીમે ધીમે તે પોતાની જાતને મહદીની ઝાત સાથે સંબંધિત કરતો ગયો. જે દરેક બનાવટી મહદીના રાજકરણની પદ્ધતિ હોય છે. અને છેવટે પોતે જ મહદી હોવાનો દાવો કરી બેઠો. મહદી સુડાની પોતે નબીએ અકરમ (સ.અ.વ.) ના વંશમાંથી હોવાનો દાવો કરતો હતો, એ શિયા ફીરકા પ્રમાણે પોતાને બારમા ઇમામ અને ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામનો ફરઝંદ કહેવડાવતો હતો. દીની તાલીમ પ્રાપ્ત કર્યા પછી તે સનૂસીયહ સૂફી સીલસીલમાં પ્રવેશી ગયો અને સફેદ નીલના (નાઇલ નદીના) દ્વીપ (ટાપુ) “આબ્બા માં જઇને પોતાનો બધો જ સમય ઇબાદતમાં ગાળવા લાગ્યો. મહદી સૂડાનીના “મહદી” હોવાનું સમર્થન પહેલી વખત “આબ્બા દ્વીપમાં થયું જે વિસ્તાર ખરતૂમથી 150 માઇલના અંતરે દક્ષિણમાં આવેલો છે. ત્યાંના લોકોના એક સમૂહે તેના હાથ પર બયઅત કરી અને તેણે ત્યાંજ ગુપ્ત રીતે પોતે મહદી હોવાની જાહેરાત કરી.
કેટલીક ઇતિહાસકારોનું કહેવું છે કે : સનૂસીયહ સંપ્રદાય અપ્નાવ્યા પછી કોઇ કારણસર, કોઇ પ્રશ્ર્ને તેને તેના ઉસ્તાદ સાથે મતભેદ થવાને કારણે. તેણે પોતે પોતાના શાગીર્દોને ભેગા કરવાનું (એટલે કે નવી મંડળી રચવાનું) શરૂ કર્યું. અને એ વખતે જ તે પોતે મહદી હોવાનો દાવો કરી બેઠો એટલું જ નહીં, તેણે પોતાને અંતિમ ઇમામ કહેવારાવવાનું પણ શરૂ કરી દીધું. તેને પ્રારંભમાં જ અબ્દુલ્લાહ અત્તાયેશા (ખલીફા) નું સમર્થન પ્રાપ્ત થઇ ગયું હતું અબ્દુલ્લાહે તેને એવી જગ્યાએ ચાલ્યા જવાની પ્રેરણા આપી જ્યાં જંગ માટે સરળતાથી તૈયારી કરી શકાય તેવા કબીલાનો વસવાટ હતો. ઇસ્વીસન 1881 ના મે મહિનામાં મિસરની હકુમતે તેને ખરતુમમાં હાજર થઇને સ્પષ્ટતા કરવાનો હુકમ આપ્યો. પરંતુ મહંમદ અહમદ અલ મઅરૂફ મહદી સૂડાની, તે હુકમની અવગણના કરીને (બળવો પોકારીને) સત્તાના સુત્રો સંભાળી લીધા. અને ગૈર મુસ્લીમો અને સ્વતંત્ર વિચારધારાવાળા મુસ્લીમોની વિરૂદ્ધ જેહાદનું એલાન કર્યું.
મિસરની હકુમતે તેની આ બગાવતને દબાવી દેવા રઉફે પાશાની સરદારી હેઠળ બસ્સો સૈનિકોનું લશ્કર મોકલીને મહદી અને તેના લશ્કરને તેની સાન ઠેકાણે લાવવાનો હુકમ આપ્યો.
અગિયારમી ઓગસ્ટે મિસરના લશ્કરે જઝીરહે “આબ્બા” પહોંચીને મહદી અને તેના સાથીઓ પર હુમલો કર્યો જવલનશીલ અને આધુનીકલ શસ્ત્રો ન હોવાથી મહદી અને તેના સાથીદારો રાત થવા સુધી છુપાઇ રહ્યા. રાત પડતા તેમણે મિસર લશ્કર ઉપર ચારેબાજુથી હકલો કરી દીધો અને લશ્કરની સફાઇ કરી નાખી. એ જંગમાં વિજય મેળવ્યા પછી મહદી સૂડાની એક નિર્જન વિસ્તારમાં ચાલ્યો ગયો. જ્યાં વળતો હુમલો થવાની શક્યતા ઓછી હતી. માર્ગમાં કેટલાક સ્થાનિક નેતાઓ સાથે તેની મુલાકાત થઇ. તે લોકો પાસેથી તેને, એ વાત જાણવા મળી કે કે મિસરી હકુમતને કારણે આખા દેશમાં વ્યાકૂળતા વ્યાપી રહી છે અને લોકો હકુમત પ્રત્યે સંતોષની લાગણી દાખવતા નથી. ગુલામોના વેપારીઓનો વેપાર બંધ થતોજાય છે અને તેના કારણે સરકારને આર્થિકસહકારનો પણ અંત આવતો જાય છે.
મહદી સૂડાનીની યુસુફ પાશાના માણસો સાથે જબલે ગદીર (ગદીરના પહાડ) માં અથડામણ થઇ. જેના કારણે તેને પાછું ફરવું પડ્યું. યુસુફ પાશા ફશૂદહ (કૂડૂક) ના પ્રતિનિધિ હતા. મે 1882માં મિસરી હકુમતે મહદી સૂડાની પર હમલો કરવા માટે યુસુફ પાશાની સરદારીમાં છ હજારનું લશ્કર મોકલ્યું.
અત્યંત સાવધાની રાખવા છતાં યુસુફ પાશાના લશ્કર ઉપર મહદી સૂડાનીના લશ્કરે રાત્રીના અંધકારનો લાભ લઇને હમલો કર્યો અને તેના તમામ સૈનિકોને મારી નાખ્યા. આ સફળતા પછી મહદી સૂડાનીની તાકતમાં ઉત્તરોત્તર વૃદ્ધી થવા લાગી. અને માલ ગનીમતની લાલચમાં ઘણા તેની સાથે ભળી ગયા. 1882ના નવેમ્બર મહિનાની શરૂઆતમાં મહદીએ પોતાની તાકતનો અંદાજો લગાડી નક્કી કર્યું કે તે મીસરીઓનો મજબૂત કિલ્લો અલ – અબીદ પર કબ્જો કરી શકે છે. એ પ્રમાણે તેણે અલ – અબીદ પર ચઢાઇ કરીને ત્યાંથી જ હકુમત કરવા લાગ્યો. મહદી સૂડાની સાદી કફની અને સુતરાઉ પાટલૂન પહેરતો હતો. તેના અનુયાઇઓ પણ સાદા કપડા પહેરીને તેનું અનુસરણ કરતા હતા જાહેરી રીતે તો તે બહ સાદાઇભર્યું જીવન વીતાવતો અને લોકો સાથે ગંભીરતા અને (કુશાદાપેશાની – ખુશ મિજાજ) હસતા મુખ સાથે હળતો મળતો પરંતુ તેનું ખાનગી જીવન ખૂબ જ એશો આરામભર્યું હતું. સ્ત્રીઓ મોહમ્મદ અહમદની મોટી નબળાઇ હતી. તે રીસાલતના યુગની નકલ કરીને તેની ઠેકડી ઉડાડતો હતો. તે પોતાની પત્નીને ‘ઉમ્મુલ મોઅમેનીન આયશા’ કહીને સંબોધન કરતો હતો. તેણે પોતાના ખાસ સાથીઓને સહાબાએ નબીએ અકરમ (સ.અ.વ.) ના લકબ આપ્યા હતા. જેમ કે અબૂબકર, ઉમર, હસ્સાન બિન સાબિત અને ખાલિદ બિન વલીદ વગેરે. તેણે પોતાના સામાન્ય સાથીદારોના નામ “અન્સાર” રાખ્યા હતા. મોહમ્મદ અહમદ અને તેના સાથીદારો પોતાને “દરવેશ”ના નામથ ઓળખાવતા હતા. જાહેરી રીતે તો તે ઇસ્લામના પ્રારંભકાળનું વાતાવરણ અને સમાજ અસ્તિત્વમાં લાવવા માંગતો હતો. પરંતુ હકીકત એવી ન હતી. જો અંગ્રેજો અને મિસરીઓએ સુડાનની જનતા ઉપર ઝુલ્મ અને અત્યાચારનો કોરડો વીંઝયો ન હોત અને ત્યાંના અર્થતંત્રને ભાંગી ન નાખ્યું હોત તો કદાચ કોઇ નકલી મહદી સૂડાની ઊભો ન થાત. પરંતુ જુલ્મો સિતમથી તંગ આવી ગએલી સુડાનની જનતાએ અંગ્રેજો અને મિસરીઓની વિરૂદ્ધમાં મોહમ્મદ અહમદને બળવો પોકારતા જોયો કે તરતજ તેઓને એવો ભ્રમ થયો કે આ માણસ જ આપણો સાચો મુક્તિદાતા છે. અને તે કારણસરજ સૂડાની કબીલાવાળા તેને ઘેરી વળ્યા.
જ્યારે મહદી સૂડાની પહેલી વખત “આબ્બા” ટાપુથી ‘નોબા’ પહાડીઓમાં આવેલી ‘મસત’ નામની જગ્યાએ પહોંચ્યો ત્યારે તેણે પોતાની એ સફરને ‘હીજરત’નું નામ આપ્યું હતું. તેણે પોતાના ચાર ખલીફા અને જાનશીન નીયુક્ત કર્યા હતા. પહેલા ખલીફા તરીકે અબ્દુલ્લાહ અત્તાઇશહને નીયુક્ત કર્યા, તેને ‘અબુ બકર’નો લકબ આપ્યો.
મોહમ્મદ અહમદ તેના માનવા અને કહેવા મુજબ કુરઆને કરીમને બુનીયાદ ઉપર હકુમત ચલાવતો હતો. પરંતુ વાસતવામાં લોકો પોતાની પ્રત્યે આકર્ષવાની આ તેની ચાલબાજી હતી. તે ઝકાત અને ખુમ્સ બંને ઉઘરાવતો હતો. પરંતુ તેની વહેંચણી પોતાને મન ફાવે તે રીતે કરતો હતો. તેણે ઇલ્મે દીને અને ફીકહને અભ્યાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, મહદી સૂડાની ફક્ત કુરઆનની તિલાવત કરવાનો આગ્રહ રાખતો હતો. અલબત, તેણે કુરઆન વિશે ચર્ચા વિચારમણા કરવાની સખ્ત મનાઇ ફરમાવી હતી. લઝઝતો છોડી દેા અને ઝોહદના હેતુસર તેણે વહાબીઓની જેમ તંબાકુના ઉપયોને હરામ ગણાવ્યો હતો. તે તંબાકૂના ઉપયોગને શરાબના ઉપયોગ કરતા પણ વધારે ખરાબ ગણાવતો હતો. તે નાનામાં નાના અને મામુલી ગુનાહોને પણ માફ કરતો નહીં.
સૂડાન ઉપર મિસર અને અંગ્રેજોના કબ્જાના કારણે તે દેશ ખૂબ જ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હતો. અંગ્રેજોએ મહદી ઉપર હમલો કરવાના ઇરાદાથી વીલીયમ હેકની આગેવાની હેઠળ દસ હજાર મિસરીઓનું લશ્કર રવાના કર્યું. ત્રીજી નવેમ્બરે મહદી મિસરીઓના લશ્કર સાથે મુકાબલો કરવા કશગલ પહોંચ્યો અને તેઓને શરમનાક હાર આપી અને વખતે લગભગ સમગ્ર સુડાન ઉપર મહદી સૂડાનીનો કબ્જો હતો.
ડીસેમ્બર 1884 માં સલાતીન પાશા આસુરીયાનો માજી સૈન્ય અધિકારી હતો. તે વર્ષ ભરની લડાઇ પછી મહદીના હાથે પરાજય પામ્યો અને અંગ્રેજો સૂડાનથી નાસી છુટવાની તૈયારી કરવા લાગ્યા. અંત:યુરોપના લોકોને સૂડાનથી નીકળી જવામાં મદદ કરવા માટે જનરલ ચાર્લ્સ જ્યોર્જ ગોર્ડનને રવાના કરવામાં આવ્યો. જનરલ ગોર્ડન તે પૂર્વે સૂડાનનો ગવરનર જનરલ રહી ચુક્યો હતો. અને સ્થાનિક લોકોમાં વિખ્યાત હતો. આ ઉપરાંત મહમ્મદ અહમદ જે હવે કહેવાતો ‘મહદી’ બની સુડાનની તમામ નાનથી મોટી જનતાનો માલિક બની ગયો હતો. જનરલ તેની સાથે તમામ પ્રકારની વાટાઘાટ કરવાની ક્ષમતા ધરાવતો હતો. ખરતુમ પહોંચીને 18 મી ફેબ્રુઆરી 1884 ના તેણે એક જાહેરાત કરી કે : જો મહદી બધા કૈદીઓને છોડી મૂકે તો તે મહદીને સૂડાનના સત્તાધિશ તરીકે સ્વીકારી લેશે અને ગુલામોના વેપારની પણ પરવાનગી આપશે.
મહદી સૂડાની તે શરત માન્ય રાખવાને બદલે 22 મી (બાવીસમી) ઓગસ્ટે ખરતુમ પર હમલો કરવા માટે લશ્કર મોકલ્યું અને ઓક્ટોબરમાં શહેરને ઘેરી લીધું. ઘણા દિવસો સુધી તે વાતનું કોઇ પરિણામ આવ્યું નહીં. જો કે મહદી સૂડાનીનું લશ્કર યુરોપના આધુનિક જ્વલનશીલ શસ્ત્રોનો લાંબા સમય સુધી મુકાબલો કરી શકે તેમ ન હતું. પરંતુ શહેરને ઘેરી લેવામાં આવ્યું હોવાથી શહેરમાં જીવન જરૂરી વસ્તુઓની સખ્ત તંગી થઇ ગઇ. લોકો ખૂબ જ ચિંતિત અને વ્યાકૂળ થઇ ગયા હતા. પરિસ્થિતિને અનુકૂળ જાણીને મહદી સૂડાનીના લશ્કરે તા. 25 – 26જાન્યુઆરી 1885ની રાતે શહેર ઉપર હમલો કરીને શહેરમાં કત્લે આમ ચલાવી દીધી. જનરલ ગોર્ડનને તેના મહેલની બહાર ખત્મ કરી દેવામાં આવ્યો.
સૂડાન અંગ્રેજોના હાથમાંથી બિલ્કુલ સરકી ગયું. મહદી સુડાની પોતાના સાથીદારોને મુસીબતથી સુરક્ષિત રાખવા ખરતુમને પોતાની રાજધાની બનાવી લીધી, જેથી એ કોઇ બીજી મુસીબતમાં ન ફસાય. સુડાન ઉપર પુરેપુરો કબ્જો મેળવી લીધા પછી મહદી સુડાનીએ પ્રદેશની સરહદો ચારેબાજુથી બંધ કરાવી દીધી. એટલું જ નહીં, હજ માટે જવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો.
22 જૂન 1885 ના દિવસે મુદતીયા (ટાયફોડ) થી તાવની બીમારીમાં ઉમદરમાનમાં આ કહેવાતા ‘મહદી સૂડાની’ એ દુનિયાથી વિદાય લીધી. મરતા પહેલા મોહમ્મદ એહમદે પોતાના પહેલા ખલીફા અબ્દુલ્લાહ અત્તાયશીને પોતાની જગ્યા આપી દીધી હતી. પરંતુ નબળી નિર્ણય શક્તિ અને બુઝદિલીના કારણે અંગ્રેજ કર્નલ કિચનરના હાથે તણે પરાજયનો સામનો કરાવો પડ્યો અને ફરીથી સૂડાન ઉપર અંગ્રેજોએ કબ્જો જમાવી દીધો. સૂડાન પર કબ્જો જમાવી દીધા પછી મોહમ્મદ અહમદ સાથેના દ્વેશ અને ઘમંડના કારણે તેની કબ્ર ખોદાવીને તેનું માથુ વાઢી લઇને લંડન મોકલી દીધું. અમૂક લોકોનું માનવું છે કે મોહમ્મદ અહમદનું માથું આજે પણ બ્રિટીશ મ્યુઝીયમમાં મૌજુદ છે.
ખુદાવન્દે આલમ આપણે બધાને આવા સત્તાભૂખ્યા અને લોકોને પોતાની ચુંગાલમાં ફસાવનાર બનાવટી મહદીઓથી સુરક્ષિત રાખે. (આમીન)
અહીં સુધી તો એ મહદી સુડાનીનો ઝીક્ર કરવામાં આવ્યો જેણે સુડાનમાં “મહદવીયત”નો દાવો કર્યો હતો. જેનું મૂળનામ મહમ્મદ અહમદ હતું. તેના જીવનનો સંક્ષિપ્ત પરિચય આ લેખમાં કરવામાં આવ્યો. અમે અગાઉ જણાવી ગયા છીએ તે મુજબ ઇસ્લામના પ્રારંભથી જ મહદવીયતનો દાવો થતો રહ્યો છે. (અને ભવિષ્યમાં પણ આવા દાવા થતા રહેશે.) અને નવા (બનાવટી મહદીના) દાવાનું ભલા ભોળા અથવા તો સ્વાર્થ સાધુ લોકો કબૂલ કરતા રહ્યા. જેમાંથી અમૂકની મહદવીયતનો સીલસીલો આજ સુધી વંશ પરંપરાગત રીતે ચાલુ રહ્યો છે. એ દાવાની બુનીયાદ રસુલે અકરમ (સ.અ.વ.) ની એ આગાહી છે. જેમાં આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે : અમારા એહલેબૈતમાંથી મહદી જાહેર થશે જે દુનિયાને અદલો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જે રીતે તે જુલ્મ અને અત્યાચારથી ભરેલી હશે. મહદવીયતના જુઠા દાવેદારો આ હદીસમાંથી ફક્ત અમૂક ભાગને જ અપનાવ્યો છે જે તેમના સ્વાર્થને અનુકુળ હતો. ખરેખર અમાનતદારીની વાત એ છે કે રિવાયતના એ ભાગ ઉપર પણ એ લોકોની નજર પડવી જોઇતી હતી જે ભાગથી સાચા (હકીકી – વાસ્તવિક) મહદીને ઓળખાય છે. ચાલો, થોડીવાર માટે કલ્પના કરીને માની લઇએ કે મહદવીય્યતના દાવેદારોએ પોતાના સ્વાર્થ અને માલે દુનિયા પ્રાપ્ત કરવાના હેતુસર હદીસના પોતાના સ્વાર્થ પુરતા ભાગને અપનાવીને મહદી હોવાનો દાવો કર્યો, તો તે વખતે એ વિચારકો/બુદ્ધિશાળી લોકોને શું થઇ ગયું હતું કે અથવા તો થઇ ગયું છે જે લોકો પોતાની અકલમંદી અને સચ્ચાઇનો ડંકો બજાવી રહ્યા છે અને જેઓ તે (બનાવટી) મહદવીયતના દાવેદારોની તબ્લીગ, પ્રચાર અને પ્રસારમાં આગળની હરોળમાં દ્રષ્ટિગોચરમાં થઇ રહ્યા છે. તેમજ તેઓ અકલ અને દીમાગ, દ્રષ્ટિ, લખાણ અને વચન ને ચુંકે ચાં કર્યા વગર લોકોના હવાલે કરી દીધા છે. જેઓ પોતે પણ પોતાના દાવાની હકીકતને સારી રીતે જાણે અને સમજે છે. જ્યારે તેઓના દાવાને અકલ અને તર્કની કસોટીએ ચડાવવાની વાત આવે છે ત્યારે કહેવાતી તાવીલ (સ્પષ્ટીકરણા અને તશરીહ (વિવરણ) દ્વારા મૂળ સમસ્યાને એક બાજુ રાખીને આગળ વધી જવાના પ્રયાસ કરે છે.
અત્રે અમે અમારા માનવંતા વાચકોને તેમની અકલ અને બસીરતા સોગંદ આપીને તેમની સામે સરકારે રિસાલત હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમની એ હદીસો પ્રસ્તુત કરીએ છીએ જેમાં ફક્ત “મહદી અ.સ. નો જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ તેની સાથો સાથે મહદી અલયહીસ્સલામના ગુણોનું વર્ણન પણ સ્પષ્ટ શબ્દોમાં કરવામાં આવ્યું છે. તેમાં કોઇ પ્રકારની “તાવીલ (સ્પષ્ટી કરણ) ની કોઇ ગુંજાઇશ રહેતી નથી. મહદવીયતના દાવેદારોએ એ હદીસોની બુનીયાદ ઉપર ઝુહરે મહદીનો હવાલો તો આપ્યો. પરંતુ મહદીના જે ગુણોનું વર્ણન થયું હતું તેનો ઉલ્લેખ કરવાનુંઅણદેખ્યુ કરી નાખ્યું.
આપ માનવંતા વાચકો એ હદીસોના અભ્યાસ કરો, જેમાં મહદી (અજ.) ના જે ગુણ વર્ણવવામાં આવ્યા છે તેના પ્રકાશમાં અત્યાર સુધી ઇસ્લામના ઇતિહાસમાં પૈદા થએલા (કહેવાતા) મહદીઓને નીહાળો, કે જેઓ સમાજના મોટી સંખ્યાના લોકોને અવળે માર્ગે દોરીને દુનિયાથી રૂખ્સત થઇ ગયા.
અત્રે અમે નમૂનારૂપ એ હદીસો પ્રસ્તુત કરીએ છીએ
(1) અન અબ્દુલ્લાહ કાલ: કાલ રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ લા તનકઝેયલ અય્યામો વલા તઝહબુલ હદરો હત્તા યમ્લેકલ અરબો રજોલુન મિન અહલે બય્તી યોવાતી ઇસ્મોહ ઇસ્મી. (મુસ્નદ અહમદ બિન હમ્બલ મિસરમાં પ્રકાશિત હીજરી 1313 ભાગ -1, પાના નં. 376)
અર્થાંત : જ્યાં સુધી અરબ (પ્રદેશ) પર એક એવા શખ્સની હકુમત કાયમ નહીં થઇ જાય, જેનું નામ મારા નામથી (મોહમ્મદ) હશે, ત્યાં સુધી દુનિયાના દિવસો પુરા નહીં થાય અને ન તો કાળ સમાપ્ત થશે.
આ હદીસના પ્રકાશમાં એ વાતી ચકાસણી કરો કે શું મહદવીયતના દાવેદારો પૈકી કોઇ આ ખાસીયત ધરાવે છે ખરા? જો એહલેબય્તે રસુલમાં સાદાતનો સમાવેશ કરી લેવામાં આવે તો પણ અત્યાર સુધીમાં મહદવીયતના દાવેદારોમાં બેજ શખ્સ સાદાતમાંથી છે. એક ‘અજમ’ માં પૈદા થયા છે. એટલે કે એક સૈયદ બાબ છે. બીજા સૈયદ મોહમ્મદ જોનપુરી છે, જેનો સંબંધ હિન્દુસ્તાનથી છે. મજાની વાત તો એ છે કે અરબની વાત જવા દઇએ તો પણ એ બન્ને પ્રદેશોમાં કે જ્યાં તેઓ (તેમની માન્યતા બાજુએ રહી બિચારા દેશન કોઇ એક ભાગના તેહસીલદાર (મામલતદાર) પણ બની શક્યા નથી. આ હકીકત જોતા તેમનો મહદવીયતનો દાવો કેટલો સાચો છે ? તેનો ન્યાય તોળવાનું વાચકોને સોંપીએ છીએ.
(2) અન અબી તુફયલ અન અલી રઝેયલ્લાહો તઆલા અન્હો અન નબી સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ કાલ : લવ લમ યબ્ક મેનદ દહર ઇલ્લા યવ્મુન લબઅસલ્લાહો રજોલન મિન અહલે બય્તી યમલઅ હા અદલન કમા મોલેઅત જવરા (સહીહ અબી દાવુદ મિસરથી પ્રકાશિત નવી આવૃત્તિ, ભાગ – 2, પાના નં. 207)
અર્થાંત : જો યુગ (કાળ) ની સમાપ્તીમાં માત્ર એક દિવસ પણણ બાકી રહી જશે તો (પણ) નિશંક ખુદાવન્દે આલમ એક શખ્સ જે મારી એહલેબૈતમાંથી હશે તેને મોકલશે, જે આખી દુનિયાને એવી રીતે ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરેલી હશે.
આપ જોઇ શકશો કે ઇસ્લામના પ્રારંભથી અત્યાર સુધીમાં મહદવીયતના ઘણા દાવેદારો પૈદા થયા અને બધાએ બહ જ જોરશોરથી પોતે મહદી હોવાનો દાવો પણ કર્યો. પરંતુ શું કોઇ દુનિયાને અદલો ઇન્સફાથી પૂર્ણ કરી શક્યા ખરા ? હરગીઝ નહીં. અલબત એમ થયું કે નવા ફીતનાની જુના ફીત્ના પણ પુન: જાગૃત થતા ગયા. અને અદલો ઇન્સાફની બદલે જુલ્મ અને અત્યાચારને હવા મળી. શાંતિ અને સલામતીનું વાતાવરણ સર્જાવાના બદલે જંગ લડાઇ કત્લેઆમ અને આતંદવાદમાં વધારો થયો, અને ભયનું સામ્રાજ્ય ઉત્તરોતર વધી રહ્યું છે.
વધારે દૂર ભૂતકાળમાં જવાની આવશ્યકતા નથી. આપણા હિન્દુસ્તાનમાંજ ઓગણીસમી સદીમાં હઝરત મિરઝા ગુલામ અહમદ કાદીયાની સાહેબે (મહદવીયતનો) દાવો કર્યો હતો, અને તે પણ પંજાબ પ્રદેશમાંથી. હકીકતમાં એવું થવું જોઇતું હતું એ સમગ્ર દુનિયામાંથી નહીં પણ કમસે કમ હિન્દુસ્તાનમાં તો અદલો ઇન્સાફ, શાંતિ અને સલામતી ધજા લહેરાઇ જવી જોઇતી હતી. પરંતુ આપણે બધાએ જોયું છે તેમ પહેલા તો અંગ્રેજોએ કત્લેઆમ મચાવી દીધી અને એ મોહતરમ જનાબની નજરોની સામે એ બધું બનતું રહ્યું તે વખતે તેઓએ ઇન્સાફની વાત કરવી જોઇતી હતી, તેના બદલે તેઓ પોતે પણ અંગ્રેજની પૈરવી અને સમર્થન કરતા રહ્યા. અખંડ હિન્દુસ્તાનમાં (અદલો – ઇન્સાફને કારણે) પરસ્પર ભાઇચારાની ભાવના વધવી જોઇએ, તેને બદલે મૂળ અસલ અખંડ હિન્દુસ્તાનના ભાગલા પડી ગયા. પંજાબમાંથી તેઓ (કહેવાતી) મહદવીયતની ચળવળ શરૂ કરી હતી અને તેજ પંજાબ એવી રીતે વહેંચાઇ ગયું કે પંજાબ (પાંચ પાણી) ની બદલો “દો આબ (પાણી) અને ‘સેહ આબ’ (ત્રણ પાણી) બની ગયું. એટલું જ નહીં એ પંજાબમાં આજ સુધી (દુનિયામાં) બીજા ભાગોની જેમ કત્લેઆમ અને જુલ્મો સિતમના બજારમાં તેજી ચાલુ છે. રસૂલે અકરમ (સ.અ.વ.) ની હદીસોના પ્રકાશમાં આ બધી બાબતો એ (અસલ) મહદીની શાન નથી, જેને ખુદાવન્દે આલમ દુનિયામાં અમ્નો અમાન, અદલો ઇન્સાફ ફેલાવવા માટે મોકલનાર છે.
આજ વાત હઝરત બાબ અને જનાબે અલી મોહમ્મદ શિરાઝી સાહેબ માટે કહી શકાય છે. અને આ લેખના નાયક મહદી સુડાનીને પણ આજ માપદંડથી માપવા જોઇ અને માપવામાં આવશે. આ ટૂંકા લેખમાં વધારે વિગતનું વિવરણ પ્રસ્તુત કરવું શક્ય નથી, તેથી માત્ર ઇશારો કરીને વાચકોનું આ વિષય પરત્વે ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.