Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૬

દોઆએ નુદબાહના પ્રકાશમાં ઇમામે ઝમાના અલયહિસ્સલામ

Print Friendly, PDF & Email

દોઆનો અર્થ થાય છે પોકારવું, અથવા મદદ માંગવી અને ‘નુદબાહ’નો અર્થ થાય છે રડવું અથવા મોટા અવાજે વિલાપ કરવો. શિયા હદીસની કિતાબોમાં દોઆઓ વિશે ઘણી જ તાકીદ કરવામાં આવી છે, દોઆ મોમિનોનું શસ્ત્ર છે, ઇમાનનો આત્મા છે તથા ખલ્લાકે કાએનાત અને બંદાઓ વચ્ચેની એક મહત્વની કડી છે. દોઆઓના ખજાનાનું એક અણમોલ મોતી ‘દોઆ-એ-નુદબાહ’જે એક મુસતનદ (અધિકૃત) અને મહત્વની દોઆ છે. આ દોઆના શબ્દો એટલા અર્થપૂર્ણ છે કે દિલના ઉંડાણમાં ઉતરી જાય છે. આ એ વાતની દલીલ છે કે તેના શબ્દો અને વાક્યો એ કોઇ મામુલી માણસના નથી, પરંતુ એક એવી હસ્તીના કલામ છે જેનો સંબંધ ઇલાહી વિશ્ર્વ સાથે છે. આ દોઆને અલ્લામા મજલીસી અલયહિરરહમાએ ‘ઝાદુલ મઆદ’માં, ઇમામ જાફરે સાદિક અલયીહસ્સલામથી ઇમામે અસ્ર અલયહિસ્સલામ વિશે નકલ કરી છે. તેમજ મોહમ્મદ બિન અબી કરરહ એ મોહમ્મદ બિન હુસૈન બિન સુફયાન બઝુફરીની કિતાબથી આ દોઆ ઇમામ અસ્ર અલયહિસ્સલામ વિશે નોંધી છે. આ ઉપરાંત મહાન શિયા આલીમો જેવા કે સૈયદ રઝીઉદ્દીન બિન તાઉસે તેમની કિતાબ ‘ઇકબાલ’ માં (પાના નં. 295-299) મોહમ્મદ બીન જાફર મશ્હદી હાએરીએ “અલ મઝાર (દોઆ નં. 107) માં, કુત્બે રાવંદીએ પણ અલ મઝારમાં અલ્લામા મજલીસીએ “બેહાર”માં અને “ઝાદૂલ મઆદ”માં, શૈખ અબ્બાસે કુમ્મીએ મફાતિહુલ જીનાનમાં આ દોઆને નકલ કરી છે. આવો, હવે જોઇએ કે આ દોઆમાં ઇમામ અલયહીસ્સલામે ઇમામે અસ્ર અલયહિસ્સલામના ઉચ્ચ વ્યક્તિત્વનો પરિચય કઇ રીતે કરાવ્યો છે.
(1) ઐન બકીય્યતુલ્લતી લા તખ્લુ મેનલ ઇતરતીલ હાદેયતે.
એટલે, ક્યાં છે પરવરદિગારે દો આલમની આખરી હુજ્જત ? જે એહલેબય્તે અત્હાર ઇત્રતે તાહેરા રિસાલતના હાદીયોની એક કડી છે, જેના અસ્તિત્વથી આ સિલસિલો ક્યારેય ખાલી નથી રહી શક્તો.
અહીં “બકીયતુલ્લાહ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શબ્દ કુરઆને મજીદની આયતે શરીફમાં લેવામાં આવ્યો છે. જે આયત આ પ્રમાણે છે. “બકીયતુલ્લાહે ખયરૂલ લકુમ ઇન કુન્તુમ મુઅમેનીન. (સુરએ હદ આયત નં.86)
અનુવાદ : “જો તમે મોઅમિન હો તો બીકય્યે ખુદા (હ. ઇમામ મહદી અ.સ.) તમારા માટે બહેતર હશે.
સ્પષ્ટ છે કે જમીન હુજ્જતે ખુદાથી ખાલી હોઇ શક્તી નથી. આજે રસુલે ખુદા (સ.અ.વ.) ની આલમાંથી કોઇ આ જમીન ઉપર બાકી છે તો તે માત્ર અને માત્ર આપણા ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહો તઆલા ફરજહુશ્શરીફ છે હદીસમાં છે.
લવલલ હુજ્જતો લસાખતીલ અરઝો બે અહલેહા.
“જો હુજ્જતે ઇલાહીનું વજુદ ન હોય તો જમીન ધસી જાય.” આજે જમીનનું અસ્તિત્વ છે. તે હુજ્જતે ઇલાહીના વજુદની દલીલ છે.
(2) અયનલ મોઅદદો લે કતએ દાબેરીઝ ઝલમતે.
“ક્યાં છે એ જે ઝુલ્મની પૈરવી કરનારાઓને મીટાવી દેશે ? આ વાક્યથી લઇને પ્રસ્તુત લેખના અંત સુધી ઇમામ અજ.) વિશેની એ તમામ ભવિષ્યવાણી (આગાહી) નો ઉલ્લેખ છે. અહીં એ વાત નોંધપાત્ર છે કે ઇમામ (અ.સ.) ઝુલ્મને હરગીઝ સહન નહીં કરે. ભલે પછી તે ઝુલ્મ જે તે મુસ્લીમ દ્વારા પોતાના ગુનાહો દ્વારા પોતાના નફ્સ ઉપર કરતો હો અથવા કોઇના હક અથવા માલ ઉપર ઝુલ્મ કરતો હોય કારણ કે ખુદાએ અઝઝ વ જલ્લના અંતિમ પ્રતિનિધિ જાહેર થઇ. (ઝુહર ફરમાવી) ને જ્યારે ઇન્સાફનું ત્રાજવું તોળશે. (ન્યાયની બોલ બાલા કરશે) ત્યારે પોતે પણ સંપૂર્ણ ઇન્સાફ (ચાહનારા) હશે.
હુસૈન બિન ખાલિદ કહે છે કે : કોઇએ અલી બિન મૂસા અરરેઝા (અ.સ.) ને પુછ્યું : યબ્ન રસૂલિલ્લાહે વ મેનલ કાએમો મિનકુમ અહલલ બય્તે ? કાલ : અરરાબેઓ મિન વુલ્દી ઇબ્નો સય્યેદતીલ એમાએ યોતહહેરૂલ્લાહો બેહીલ અરઝ મિન કુલ્લે જવરીન વયોકદ્દેરો હા મિન કુલ્લે ઝુલ્મીન ફ એઝા ખરજ અશરાકતિલ અરજો બેનુરેહી વોઝેઅ મીઝાનુલ અદલે બયનન્નાસે ફલા યુઝલેમો અહદુન અહદા…….. (કમાલુદ્દીન, શૈખ સદ્દક, પાના નં. 371)
અય ફરઝંદે રસૂલ, આપ એહલેબય્ત અત્હાર પૈકી “કાએમ કોણ છે ? આપે (અ.સ.) જવાબમાં ફરમાવ્યું : કાએમ મારી નસ્લમાંથી ચોથા હશે. ખુદાની ખાસ કનીઝોની સરદાર (જનાબે નરજીસ) ના ફરઝંદ હશે. ખુદાવંદે આલમ તેઓની મારફત જમીનને તમામ ઝુલ્મથી પાક કરશે, જ્યારે ઝુહુર ફરમાવશે તયારે જમીન આપના નૂરથી ઝળહળી ઉઠશે. તેઓ (અજ.) લોકો વચ્ચે અદલનું ત્રાજવું પ્રસ્થાપિત કરશે, તે વખતે કોઇ પણ એકબીજા ઉપર ઝુલ્મ નહીં કરે.
(3) અય્નલ મુન્તઝરો લે એકામતિલ અમ્તે વલ એવજે.
એ પવિત્ર ઝાત ક્યાં છે, જેનો દરેક પ્રકારની વક્રતા અને દરેક પ્રકારના નિરર્થક કાર્યોને દૂર કરવા માટે ઇન્તઝાર થઇ રહ્યો છે. આજે બીજા બધા સંપ્રદાય અને અકીદાને લક્ષમાં ન લઇને તો પણ આપણે શિયાને આલે મોહમ્મદ (અ.સ.) ના અકીદાની કમઝોરી અને ઈલ્મથી દિવસે દિવસે દૂર થતા રહેવાને કારણે, આપણા વક્ર દ્રષ્ટિકોણના કારણે મઝહબનું મૂળ સ્વરૂપ બદલાવીને વ્યક્તિગત અકીદત (માન્યતાઓ) ને અકાએદનું રૂપ આપવી રહ્યું છે. અને આપણે (એવા) છીએ કે તેવી બાબતોને અકલની કસોટીથી પારખ્યા વગર તેના સમર્થનમાં માથું ધુણાવીને તેવી બાબતોને કબુલ કરી લઇએ છીએ. દરેક આલિમો દમ વ ખુદ (મૌન) મરજઅ ચૂપ, દાનીશમંદો હૈરાન, અય અલ્લાહ આ શું થઇ રહ્યું છે? મર્દે મોમિન ઝલીલ (તિરસ્કૃત) થઇ રહ્યા છે અને આપણે મજા માણીએ છીએ. બદ કીરદાર દૌલતમંદ લોકો મઝહબ અને અકીદતની વાતોમાં અનાધિકૃત રીતે દખલગીરી કરી રહ્યા છે, અને આપણે તેનું સમર્થન કરવા હાથ જોડીને ઉભા રહેવા તૈયાર છીએ. આલે મોહમ્મદ (અ.સ.) નો મઝહબ/મસ્લક આ નિરર્થક કાર્યોની પકડમાં છે અને આપણે ગફલતની નીંદ્રામાં પોઢી રહ્યા છીએ. આનાથી વધારે આપણી વક્રતા – અવળાઇ અને હકથી મુખ ફેરવીને ભાગવું બીજું શું હોઇ શકે ? આપણી આ બદબખ્તીભરી પ્રવૃત્તિ જોઇને ઇમામ (અજ.) ની માઅરેફત ધરાવનાર મર્દે મોમિન તડપી તડપીને કરગરી કરગરીને ખુદાની બારગાહમાં ફરિયાદ કરીને કહે છે : પરવરદિગાર તારા એ અંતિમ પ્રતિનિધિ ક્યાં છે. જેમની તેં બશારત આપી છે અને જેઓના ઇન્તેજારને તેં શ્રેષ્ઠ ઇબાદત ગણાવી છે. તેઓને તું જલ્દી અમારી વચ્ચે મોકલ જેથી આ અત્યાચાર અને અવળાઇને ઇન્સાની અને મજહબી સમાજમાંથી નાબૂદ કરી દે, જે ઇમાન ધરાવનારઓ અને ઇન્સાની સમાજની તબાહી અને બરબાદીનું કારણ છે.
(4) અયનલ મુરતજા લે એઝાલતિલ જવ્રે વલ ઉદવાને.
ક્યાં છે એ આશાનું સ્થાન, જે જુલ્મો સિતમ અને અન્યાયનો અંત લાવી દેનાર છે ?
ઉપરના વાક્યામાં “મુરતજા” શબ્દ “રજા” શબ્દથી બન્યો છે. એટલે કે જેની પાસેથી ઉમ્મીદ (આશા) રાખવામાં આવે તે. જ્યારે લોકો તમામ હકુમતોથી નિરાશ થશે અને તેઓને એ વાતની અનુભૂતિ થઇ જશે કે હવે કોઇ એક વિશ્ર્વસુધારક આ દુન્યાના દુરાચાર ફીત્ના ફસાદથી આપણને મુક્તિ અપાવી શકે તેમ નથી. અંત: દુનિયાના તમામ લોકોના બધી જ આશાઓ એકજ કેન્દ્ર, આપણા તરફ મીટ માંડશે અને તે કેન્દ્ર એટલે કે ઇમામતનું કેદ્ર, આપણા ઇમામે ઝમાના અલયહિસ્સલામની પવિત્ર ઝાત (ઝાતે વાલા સિફાત).
(5) અયનલ મુદદખરો લે તજદીદીલ ફરાએજે વસ્સોનને.
ક્યાં છે એ ઝખીરએ ઇલાહી, (અલ્લાહ દ્વારા સુરક્ષીત રખાયેલ) જે વાજીબાત અને મુસ્તહબ્બાતને નવું જીવન અર્પનાર છે ?
હા, ઇમામે અસ્ર (અ.સ.) એ સુરક્ષિત રખાએલા હસ્તી છે, જેને ખલ્લાકે કાએનાતે એ માટે સુરક્ષિત રાખ્યા છે કે જ્યારે વાજીબાત અને મુસ્તહબ્બાતના મૂળ રૂપને એઅતેરાઝ અને શંકા અ સંદેહના જંતુઓ બદલી નાખશે. તેમજ બે દીની ઇલ્મીથી વાજીબાત અને મુસ્તહબ્બાતને મુર્દા કરી નાખશે ત્યારે ઇમામે ઝમાના (અ.સ.) તશરીફ લાવશે અને તને નવું જીવન બક્ષશે. ત્યાર પછી વાજીબ અને મુસ્તહબ (સુન્નત) કાર્યો તેના મૂળ સ્વરૂપમાં ખુલુસ સાથે (નીર્ભેળ સ્વરૂપે, દેખાવ કે દંભ વગર) અદા થશે. ઇમાનનો યુગએવી રીતે પલટાઇ જશે કે વાજીબાત અને મુસ્તહબ્બાત છોડવાની કોઇ હિંમત પણ નહીં કરે.
(6) અયન મોત ખયયરો લે એઆદતીલ મીલ્લતે વશ્શરીઅતે.
એ ક્યાં છે ? જેઓને મિલ્લતે ઇસ્લામીયહને નવું જીવન આપવા અને શરીયતે મુસ્તુફા (સ.અ.વ.) ને પુન : જીવિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
ઇમામ (અજ.) ના ઝુહરથી મિલ્લતે ઇસ્લામીયહમાં એક નવી રૂહ પ્રવેશી જશે. પવિત્ર શરીયતની પૈરવી સાચી રીતે થશે. લોકોમાં કોઇ ફાટ-ફૂટ કે વિખવાદ ઉભા નહીં થાય.
કુરઆને મજીદની આયત :
વઅતસેમૂ બે હબલીલ્લાહે જમીઅન વલા તફર્રકૂ. (સુ. આલે ઇમરાન આયત. 103)
અર્થાંત : બધા જ અલ્લાહની રસ્સી મજબૂતી પૂર્વક પકડી રાખો અને એક બીજાથી અલગ અલગ ન થઇ જાવ. આ આયતને અમલી સ્વરૂપ આપવામાં આવશે.
(7) અયનલ મોઅમ્મલો લે એહ્યા ઇલ કેતાબે વ હોદૂદેહી.
ક્યાં છે એ કે જેની જાતથી કુરઆન અને તેના કાનૂનોની પુન: જાગૃત થવાની ઉમ્મીદ છે ?
હા, જ્યારે ઇમામે ઝમાના (અ.સ.) કુરઆનની મોહકમ અને સ્પષ્ટ અર્થોવાળી આયતોના પ્રકાશમાં મુતશાબેહ (જેનો અર્થ સ્પષ્ટ ન હોય તેવી) આયતોનો અર્થ બયાન ફરમાવશે તે વખતે ઇસ્લામના માનનારાઓને એ વાતનો અંદાજ આવશે કે તેઓની હસ્તી કેટલી ઉચ્ચ છે, જેઓને રાસેખૂન ફીલ ઇલ્મ કહેવામાં આવ્યા છે.લારતબીન વલા યાબેસીન એટલે સૂકી અને ભીની વસ્તુઓના ઇલ્મના માલિક કોણ છે ? તે વખતે દુનિયા આ નુરે મોબીન પાસેથી કિતાબે મોબીનની વાસ્તવીક તફસીર સાંભળશે અને દિલોજાનથી એ મુફસ્સીરે ઇલાહી (અલ્લાહ તરફથી નિશ્ર્ચિત કરાએલા તફસીરકર્તા ની વાતોને કબુલ કરશે.
(8) અયન મુહ્યી મઆલેમીદદીને વ અહલેહી
ક્યાં છે એ, જે દિની તાલીમાત અને તેના માલીક (આલીમો) ને જીવંત કરનાર છે ?
આખર જમાનામાં ઇલ્મ અને આલીમોને હલકી દ્રષ્ટિએ જોવામાં આવે છે (એટલે કે ઇલ્મે દીન અને આલીમે દીનને સમાજમાં કોઇ મહત્વ જ આવતું નથી.) સંપતિ, માલ મિલ્કત, હોદ્દો, સત્તા, હકુમત અને સલ્તનતની બોલબાલા છે. આવા પુર આશોબ (આપતિ ભરેલી ઘટાઓ) બીહામણા અને ગંદા વાતાવરણમાં અલી બીન અબી તાલિબ (અ.સ.) ના વારિસ ઇમામે ઝમાના (અ.જ.) “અના મદીનતુલ ઇલ્મે, વ અલીય્યુન બાબોહા હદીસનો અર્થ સ્પષ્ટ કરશે.
(9) અયન કાસેમો શવક્તીલ મોઅતદીન.
ક્યાં છે એ જે બળવાખોરો (દ્રોહીઓ) ની, શક્તિ, શાનોશૌકત અને મહાનતા અને રોબને માટીમાં મેળવી દેશે ?
(10) અયન હાદેમો અબનેયતીશ્શીરકે વન્નેફાક.
ક્યાં છે એ જે શીર્ક અને નીફાક (દંભ) ના પાયાને ખેરવીને જમીન દોસ્ત કરી દેશે ?
આજે તૌહીદના વિશ્ર્વ (મુસલમાનો) ઉપર શંકા અને સંદેહના હમલાઓ થઇ રહ્યા છે. શીર્ક અને નીફાકના ટેકેદારો ઇસ્લામનું નામ બદનામ કરીને તેનું નામો નિશાન મીટાવી દેવા માંગે છે. તેમજ લોકો ઇસ્લામના નામ માત્રથી દૂર રહે તેવું ઇચ્છે છે. પરંતુ ઇલાહી વાયદાની સામે તમામ શયતાની શક્તિઓના પેંતરાઓ નિષ્ફળ થઇ જશે. એ ઇલાહી વાયદો આ પ્રમાણે છે.
“હોવલ્લઝી અરસલ રસુલહ બિલ હોદા વ દીની હક્કે યુઝહેરહ અલદ દીને કુલ્લેહી વલવ કરેહલ મુશરેકુન (સુ. સફ. આ.9)
અર્થાંત : તે (અલ્લાહ) એજ તો છે જેણે પોતાના રસુલને હીદાયત અને સાચા દીન (સત્યધર્મ-ઇસ્લામ) સાથે મોકલ્યો જેથી તે તે (દીન) ને તમામ ધર્મો ઉપર પ્રબળ કરી દે. પછી ભલેને તે મુશ્રીકોને (મૂર્તિપૂજકોને) નાપસંદ (કેમ ન) લાગે. અને આ દુનિયાઉપર ફક્ત ને ફક્ત મઅબૂદે હકીકીની ઇબાદત થશે. આપણા ઇમામ લોકોના દિલોની કૈફીયત અને નીય્યત પ્રમાણે તેઓ માટે નિર્ણય કરશે. જો કોઇ મુનાફીક એમ સમજતો હોય કે હું ઇસ્લામની પહેલી સદીમાં જીવી રહ્યો છું તો તેણે ઘણીજ નામોશીનો સામનો કરવો પડશે.
(11) અયન મોબીદો અહલીલ ફોસૂકે વલ ઇસ્યાને વત્તુગયાને
ક્યાં છે એ જે દુરાચાર અને બદી આચરનારાઓ ગુનાહોમાં રહેલા લોકો અને ઇલાહી હુકમની વિરૂદ્ધમાં બંડ પોકરનારાને નેસ્તનાબૂદ કરનાર છે ?
(12) અયન હાસેદો ફોરૂઇલ ગય્યે વશ્શેકાકે.
ક્યાં છે એ જે ગુમરાહી અને નિષ્ઠુરતાની ડાળીઓને કાપી નાખનાર છે.
(13) અયન તામેસો આસારીઝ ઝયગે વલ અહવાએ.
ક્યાં છે એ જે અંતરની અવળાઇ અને દિલોના રોગ તેમજ ખ્વાહીશાતે નફસાનીના તમામ ચિહ્નોનું નામો નિશાન મીટાવી દેનાર છે?
ઇમામ (અ.સ.) ની હકુમતનું કોઇપણ ઇન્સાન પોતાના દિલમાં બુગ્ઝ, દ્વેર્ષા વગેરે જેવી રૂહાની બીમારીઓ લઇને ફરી શકવાનો નથી. અને પોતાની નફાસની ખ્વાહીશોની પૈરવી પણ કરી શકવાનો નથી. ઇમામે ઝમાના (અ.સ.) એવા તમામ લોકોની સુધારણા ફરમાવશે. અલબત જે કોઇ સુધરવાને પાત્ર નહીં હોય તેને દુનિયાથી વિદાય કરી દેશે.
(14) અયન કાતેઓ હબાએલીલ કીઝબે વલ ઇફતેરાએ.
ક્યાં છે એ જે જૂઠ અને તોહમતની દોરીઓના ટુકડે ટુકડા કરી નાખનાર છે?
હઝરત મહદી અલયહીસ્સલામની હકુમતમાં જૂઠ, મક્કારી અને ફરેબને કોઇ સ્થાન નહીં હોય. તે એવી હકુમતમાં હશે જેનો પાયો મૌલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન અલી બિન અબી તાલીબ અલયહીસ્સલામે નાખેલ છે. અને ઇમામે અસ્ર અલયહીસ્સલામ તે જ સિદ્ધાંતો ઉપર હકુમત કશે. તફાવત એ હશે કે આપ (અ.સ.) ની હકુમતમાં ‘તલ્હા’ અને ‘ઝુબેર’ જેવાનું કોઇ સ્થાન નહીં હોય.
(15) અયન મોબીદુલ ઓતાતે વલ મરદ તે.
ક્યાં છે એ જે બદકારો અને નાફરમાનોને નેસ્તનાબુદ કરી દેશે ? ઝુહર ફરમાવ્યા પછી આપના હુકમની અવગણના કરનારાઓ, બગાવત, બંડ કરનાર લોકોને તલવાર નીચે નાખી દેશે. કારણ કે આપની હકુમતના જમાનામાં ફક્ત અને ફક્ત કુરઆન અને ખુદાના કાનૂનનેજ અમલમાં મુકાશે. અને તેની ઉપર જ સમગ્ર સૃષ્ટિના લોકોને અમલ કરવો પડશે. જેમાં જરા પણ ચું કે ચાં કરવાની કોઇ માટે ગુંજાઇશ નહીં હોય.
(16) અયન મુસ્તઅસેલો અહલીલ એનાદે વત્તઝલીલ વલ ઇલ્હાદે.
એ ક્યાં છે જે (અરબાબે ઇમાન સાથે) દ્વેષ અને ઇર્ષા રાખનારા ગુમરાહો અને વિધર્મીઓ (નાસ્તિકો)નો ખાતેમો કરનારા છે ?
(17) અયન મોઇઝઝુલ અવલીયાએ મોઝીલ્લુલ અઅદાએ.
ક્યાં છે એ જે મોહીબ્બો અને દોસ્તોને ઇઝઝત બક્ષનાર અને દુશ્મનોને દીનને ઝલીલ અને રૂસ્વા કરનાર છે ?
ઉપરના અરબી વાક્યમાં “અવલીયા” શબ્દ “મવલા” શબ્દમાંથી કાઢવામાં આવ્યો છે. એટલે કે જો કોઇ ઇમામે ઝમાના (અ.સ.) ની ગુલામી સ્વીકારે, તો ઇમામ (અ.સ.) તેને ઇઝઝત આપશે. અને જો કોઇ સરકશી (ઉદ્દંડતા) કરશે તો તેને ઝીલ્લત અને રૂસ્વાઇનો સામનો કરવો પડશે.
(18) અયનલ જામેઉલ કલેમતે અલત્તકવા.
ક્યાં છે એ જે કલમાત (સાલેહ બંદાઓ) ને તકવાની બુનિયાદ પર એકઠા કરશે ?
‘કલેમત’ શબ્દ કુરઆને કરીમમાં ઇન્સાનો માટે પણ વાપરવામાં આવ્યો છે. જેમ કે હઝરત ઇસા (અ.સ.) ને “કલેમહ”ના નામથી યાદ કરવામાં આવ્યા છે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઇમામે અસ્ર (અ.સ.) ના અસ્હાબ અને અન્સાર માત્ર મુત્તકી અને પરહેઝગાર લોકો જ હશે. બદકાર અને ગુનેહગાર લોકો નહીં હોય. આ વાતનું ઐલાન તો ખુદ કુરઆને પણ કર્યું છે. વલ આકેબતો લીલ મુત્તકીન.
આકેબત અને કાર્યોનો બદલો તો માત્ર પરહેઝગારો માટે જ છે.
(19) અયન બાબુલ્લાહલ્લઝી મીન્હો યુઅતા.
ક્યાં છે તે અલ્લાહના દ્વાર જેમાંથી લોકો પ્રવેશ મેળવશે ?
ઉપરના વાક્યોનો અર્થ એ છે કે : જો કોઇ ઇલ્મ અને ઇમાનની દુનિયામાં પ્રવેશવા માંગતું હોય તો તે માત્ર એહલેબય્તે અત્હાર (અ.મુ.) ના દરવાજામાંથી દાખલ થઇ શકે છે. જો તેણે તે સિવાય બીજો કોઇ માર્ગ અપ્નાવ્યો તો તેનું પરિણામ ગુમરાહી સિવાય બીજું કંઇ નહીં આવે.
(20) અયન વજહુલ્લાહીલ્લઝી એલયહે યતવજ્જહુલ અવલેયાઓ.
ક્યાં છે એ વજહુલ્લાહ (સિફાતે ઇલાહીના અરીસા સમાન) જેની તરફ અવલિયા પણ મીટ માંડે છે ?
અઇમ્મમએ એહલેબય્તે અત્હારની દરેક વ્યક્તિ સિફાતે ઇલાહીયાના પ્રતિબીંબ સમાન છે અને વજહલ્લાહ છે. વજહલ્લાહનો અર્થ અલ્લાહની સુરત થાય છે. એ વાત સ્પષ્ટ છે કે અલ્લાહની કોઇ શકલો સુરત હોતી નથી. પરંતુ અહીં ‘વજહ’ નો અર્થ એ છે કે લોકો અગર અલ્લાહ તરફ એકાગ્ર થવા માંગે અને તેનો વસીલો મેળવવા ચાહે તો હુજ્જતે ખુદા સિવાય બીજું કોઇ માધ્યમ કામ લાગશે નહીં. ગયબતના યુગમાં ઇમામની તરફ એકાગ્ર થવું અને તેમની ઉપર ઇમાન રાખવું એ હકીકતમાં એક મહત્વની વાત છે. આ મુદ્દાના અનુસંધાને રસુલે ખુદા (સ.અ.વ.) ની એક રિવાયત નોંધવામાં આવી છે. જેમાં આપે ફરમાવ્યું :
યા અલીય્યો અઅજબુન્નાસે ઇમાનન વ અઅઝમોહમ યકીનન કવ્મુન યકૂનૂન ફી આખેરીઝઝમાને લમ યલહકુન્નબીય વ હજબ અનહોમુલ હુજ્જતો ફઆમનૂ બે સવાદીન અલા બે યાઝીન (મન લા યહઝરહલ ફકીહ)
અય અલી, આખરી ઝમાનામાં એક કૌમ હશે જે ઇમાનમાં સૌથી વધારે હૈરત, અંગેઝ, અને યકીનમાં સૌથી વધારે ઉચ્ચ હશે. આ એવા લોકો હશે કે જેઓ નબીએ કરીમ (સ.અ.વ.) નો યુગ પામી નહીં શકે અને હુજ્જતે ખુદા (એટલે કે ઇમામે ઝમાના અ.સ.) તેમનાથી ગયાબ રહેશે. તેઓના ઇમાનનો આધાર માત્ર કેટલાક લખાણ (કિતાબો) પર હશે.
(21) અયન સ્સબબુલ મુત્તસેલો બયનલ અરઝે વસ્સમાએ.
ક્યાં છે એ જે જમીન અને આસમાનની વચ્ચે કડી અને સંપર્કનું કારણ (સબબ) છે ?
જો આ સૃષ્ટિ હુજ્જતે ખુદાથી ખાલી થઇ જાય તો તે જ વખતે તબાહ થઇ જશે કારણ કે હુજ્જતે ખુદા કાએનાતનું કેન્દ્ર બિંદુ છે. તેઓ એ ઇન્સાને કામિલ છે, જેના તુફૈલમાં આલમે ઇમકાન (સમગ્ર સૃષ્ટિ) ખુદાવન્દે આલમથી ફાયદો મેળવી રહી છે.
(22) અયન સાહેબો યવ્મીલ ફત્હે વનાશેરો રાયતિલ હોદા.
ક્યાં છે એ જે રોઝે ફત્હના માલિક અને હિદાયતના ધ્વજ લહેરાવનાર છે ?
દોઆનું આ વાક્ય પડનાર એક અજબ અફસોસ વ્યક્ત કરતા ગમમાં વ્યાકૂળ થઇ જાય છે કે તેને ગયબતના જમાનાની આ ઝીલ્લતોને ક્યાં સુધી સહન કરવી પડશે. તે એ વાતની પ્રતિક્ષા કરી રહ્યો છે કે તેની ઝીલ્લતોનો અંત ક્યારે આવશે અને હક્કાનીયતનો ધ્વજ ક્યારે લહેરાશે ?
(23) અયન મોઅલ્લેફો શમ્લીસ્સલાહે વરરેઝા.
એ ક્યાં છે જે સાહેબાને ખૈર અને મરઝીએ ઇલાહી પ્રમાણે અમલ કરનારાઓને એકઠા કરશે ?
(24) અયનત તાલેબો બેઝોહુલીલ અંબિયાએ વ અબનાઇલ અંબિયાએ. અયનત-તાલેબો બે દમીલ મક્તૂલે બેકરબલાએ.
એ ક્યાં છે જે અંબિયા અને અવલાદે અંબિયાના ખૂનનો બદલો લેશે ? ક્યાં છે એ જે શોહદાએ કરબલાના ખૂનનો બદલો લેનાર છે? હા, નિશંક આ વાક્ય સુધી પહોંચીને ઇમામે ઝમાના (અ.સ.) ખૂબજ રૂદન ફરમાવતા હશે. બની ઇસરાઇલના જલ્લદો એકજ રાતમાં સિત્તેર પયગંબરોને કત્લ કરતા હતા, પરંતુ પરવરદિગારે આલમે તેની રસ્સી લાંબી રાખી હતી. પરાકાષ્ઠા તો વાકએ – કરબલામાં આવી ગઇ, જ્યારે યઝીદે મલઉને એવી બરબરીયત દેખાડી જેનું ઉદાહરણ માનવતાના ઇતિહાસમાં ક્યાંય જોવા મળતું નથી. આપણે ગૈર માઅસુમના મુખેથી મસાએબે કરબલાનું વર્ણન સાંભળીને ગીર્યા, રૂદન અને વિલાપ કરીએ છીએ. જ્યારે આપણા મઝલુમ ઇમામે (અ.સ.) પોતે તો કરબલાની કરૂણ ઘટનાને પોતાની અશ્રુભરી આંખે જોઇ રહ્યા છે. જેમ કે આપ પોતે ઝિયારતે નાહીયામાં ફરમાવે છે. : ફલ અનદોબન્ન અલય્ક સાબહન વમસાઅન વલ અબકયન્ન અલય્ક બદલદ દોમૂએ દમા.
જદ્દે મઝલૂમ બેશક હું આપની ઉપર સવાર સાંજ રૂદન કરતો રહું છું અને અશ્રુની બદલે ખૂનના આંસુ વહાવું છું. બેશક ખૂને હુસૈન (અ.સ.) નો બદલો લેવો અને ઇમામે ઝમાના (અ.સ.) ના કાર્યોના અગ્રતાક્રમમાં સૌથી પહેલું કાર્ય છે.
(25) અયનલ મન્સૂરો અલા મનેઅતદા અયહેવફ તરા.
ક્યાં છે એ જે દરેક ઝુલ્મ અને અત્યાચાર કરનાર અને જૂઠ અને અન્યાય કરનાર પર, ખુદાવન્દે આલમના સમર્થનથી વિજય અને પ્રભુત્વ મેળવનાર છે ?
(26) અયનલ મુઝતરહો અલ્લઝી યોજાબો એઝાદઆ.
ક્યાં છે એ જે હતાશ અને પરેશાન દોઆ કરે છે ત્યારે તેની દોઆ કબુલ થાય છે ?
ઉપરના વાક્યથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે કુરઆની આયત ‘અમ્મંય યોજીબુલ મુઝતરર એઝા દઆહો વ યકશે ફેસ્સુઅ’
આ મુઝતર, આપણ મુસીબતઝદા ઇમામ છે, જે આપણા માટે પરવરદિગાર પાસે દોઆ કરે છે. અને તેઓ (અ.સ.) ની દોઆ કબુલ થાય છે. જો અત્યારે ઇસ્લામ અને મુસલમાનોની પડતી જોઇને દર્દમંદ અને મુખ્લીસ (નિર્મળભાવતાવાળા) મુસલમાનો, કે જેમને બધી બાબતની જાણકારી નથી. અને જેઓ દિલની વાતો (રહસ્યો) જાણતા નથી, તેઓ પરેશાન થઇ જાય છે, તો પછી ઇમામે વક્ત કેટલા બધા મુઝતર અને પરેશાન થતા હશે ? જેઓ (અજ.) ની નજરોમાં તમામ વાકેઆત છે અને જેઓ જાહેર અને બાતિન બંનેની જાણકારી ધરાવે છે.
(27) અયન સદરુલ ખલાએકે ઝુલ બીરરે વત્તકવા.
એ ક્યાં છે જે તમામ મખ્લુકાત (સજીવ સૃષ્ટી) નેક કાર્યો કરનારા અને સાહેબાને તકવાના સૈયદો સરદાર છે?
(28) અયનબ્નો નબીય્યીલ મુસ્તુફા વબ્નો અલીય્યીલ મુરતજા વબ્નો ખદીજતુલ ગરરા વબ્નો ફાતેમતલ કુબ્રા
ક્યાં છે, રસુલે ખુદા (સ.અ.વ.) ના ફરઝંદ, અલી એ મુરતુઝા (અ.સ.) ના દિલબંદ, ખદીજએ રોશનજબીના દિલબર, ફાતેમાએ કુબરાના લખ્તેજીગર ? આ વાક્યમાં ઇમામ (અ.સ.) પોતાની ઓળખ, પોતાના હસબ-નસબથી કરાવી રહ્યા છે.
પ્રસ્તુત લેખમાં અમે માત્ર એવા વાક્યોનો ઉલ્લેખ કર્યો છે જે ઇમામે ઝમાના (અ.સ.) ના વ્યક્તિત્વ ઉપર પ્રકાશ પાથરે છે. આ વાક્યોથી અમૂક બાબતો સ્પષ્ટ થાય છે તે એ છે : જો આપણે એમ ઇચ્છતા હોઇએ કે ઇમામ અલયહિસ્સલામ જલ્દી ઝુહુર ફરમાવે તો આપણે દરેક જુમ્આ (શુક્રવાર) ના દિવસે આ દોઆ (દોઆએ નુદબહ) પઢવી જોઇએ. પરંતુ આ દોઆ માત્ર રિવાજ (રસમ) જોઇ કે આપણા કોઇ અઝીઝ આપણી નજરોથી ઓઝલ (છૂપા) છે અને આપણે તેના વિરહમાં ઝુરી રહ્યા છીએ. આ ઉપરાંત આ દોઆ પડવામાં ખુલુસ નિય્યત હોવી જોઇએ. અને સતત નેક કાર્યો પણ કરતા રહેવું જોઇએ. ઇમામ અલયહિસ્સલામનો ઝુહુર ફક્ત તમન્ના અને આરઝુ કરવાથી નહીં થઇ જાય. પરંતુ તે માટે પણ ખુલુસ અને નેક અમલ આવશ્યક છે.
બીજી મહત્વની એ વાત છે કે : જ્યારે ઇમામે ઝમાના (અ.સ.) તશરીફ લાવશે ત્યારે (તેઓ) ઝુલ્મ, અત્યાચાર, અન્યાય, ગુનાહ, બદકારી, બેશર્મી અને બીજા શયાતાનીકાર્યોનો અંત લાવી દેશે. દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેશે. જો આપણામાં કોઇ પણ આ પ્રકારના દુર્ગુણો દેખાતા હોય, આપણે કોઇ પ્રકારના બિન ઇસ્લામી કાર્યો કરતા હોઇએ તો આપણે તુરતજ આપણી સુધારણા કરવી જોઇએ કારણ કે ઇમામ અલયહિસ્સલામ કાનૂને ઇલાહીના અમલમાં કોઇને પણ કોઇ પ્રકારની છુટછાટ આપશે નહીં.
ત્રીજી વાત એ છે કે : ઇમામ અલયહીસ્સલામના અસ્હાબ માત્ર એ લોકો જ બની શકે છે કે જેઓ પરહેઝગાર, નમાઝી, હામિલે કુરઆન (સંપૂર્ણ કુરઆનવાળા) અને અલ્લાહની ઇતાઅત (અલ્લાહના તમામ હુકમોનું સંપૂર્ણ પણે પાલન) અને ફરમાંબરદારી કરતા હોય. જો આપણે દીનના હુકમને અનુસરતા ન હોઇએ તો આપણા માટે ઇમામ અલયહિસ્સલામના ખયમા (નિવાસ્થાન) માં કોઇ સ્થાન નથી.
આવો, આપણે બધાં અહદ કરીએ કે ઇમામે ઝમાના અલયહિસ્સલામના ઝુહર માટે દોઆ કરીશું અને એવા દરેક કાર્યો કરશું જે કાર્યો આપણને આપણા આકા અને મૌલાથી દૂર કરે, તેવા દરેક કાર્યોથી આપણે દૂર રહીશું. કારણ કે જો આપણે ગંભરીતાપભૂવક વિચારીએ તો એ વાત સ્પષ્ટ થશે કે આપણા માટે આ દુનિયામાં એ કરીમ ઇમામ સિવાય બીજું કોઇજ નથી, ક્યાંક એવું ન બને કે આપણા દૂરાચાર અને ખરાબ કાર્યોને લીધે આપણ ઇામા આપણાથી વિમુખ (નારાજ) થઇ જાય. ખુદાના ખાસ્તા, જો આપણા ઇમામ આપણથી મુખ ફેરવી લેશે તો આપણે ક્યાંયના નહીં રહીએ.
વ આખેરો દઅવાના અનીલ હમ્દો લિલ્લાહે રબ્બીલ આલમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.