ગૈબત

Print Friendly, PDF & Email

હી. ૨૬૦માં ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને જુલ્મી અને ખૂંખાર અબ્બાસી ખલીફા મોઅતમીદે જે ઝેર આપ્યું તેનાથી આપ શહાદતનો દરજ્જો પામ્યા. આપની શહાદત પછી શીયાઆને – આલે મોહંમદ (અ.સ.) ની રાહબરી અને ઇમામત, આપના ફરઝંદ અને બારમા ઇમામ હ. મહેદી (અ.સ.) ના હાથમાં આવી. તેઓની ઇમામતનો કાળ બે ગૈબતમાં વહેંચાએલ છે. ગૈબતે સુગરા (નાની ગૈબત) અને ગૈબતે કુબરા (લાંબી મુદ્દતની ગૈબત)
(૧) ગૈબતે – સુગરા
અગિયારમા ઇમામ (અ.સ.) ની શહાદત પછી બારમા ઇમામ (અ.સ.) એ આપની નમાઝે – જનાઝા પઢાવી. નમાઝે જનાઝા પઢાવ્યા પછી ખુદાએ અલીમની મસ્લેહતથી આપ લોકોની નજરોથી ગાયબ થઇ ગયા. આપની ગૈબતનું કારણ એ હતું કે એ જમાનાના કેટલાક લોકો ઇસ્લામી આદેશો, કુરઆની હુકમોને નુકસાન પહોંચાડવા માગતા હતા. એવા લોકો જે ઇમામ (અ.સ.) ના દુશ્મનો હતા અને આપને શહીદ કરી નાખવા માગતા હતા. તેમની નજરોથી દૂર સુરક્ષિત રાખવાનો ઇલાહી ઇરાદો હતો. રિવાયતો અને હદીસોથી જાણવા મળે છે કે ઇમામે ઝમાના (અ.સ.) લોકોની વચ્ચે રહે છે. તેમ છતાં લોકો આપને જોઇ કે ઓળખી શકતા નથી. જ્યારે આપે આપના વાલિદની નમાઝે – જનાઝા પઢી ત્યાર પછી તુરત જ આપનો ગૈબતે સુગરાના સમય શરૂ‚ થઇ ગયો. એ ગૈબતનો યુગ લગભગ ૭૪ વર્ષ સુધી રહ્યો. આ યુગ દરમ્યાન ઇમામે ઝમાના (અ.સ.) એ પોતે ચાર આલીમોને નિયુક્ત કર્યા હતા. જે આપના પ્રતિનિધિ હતા અને એક પછી એક એમ ક્રમનુસાર આપના નાયબ તરીકે ફરજ બજાવતા રહ્યા. તેઓને ‘નવ્વાબે – અરબાઅ’ (ચાર નાયબ) કહેવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન લોકો પોતાની મુશ્કેલીઓ, સમસ્યાઓ અને પોતાના કામકાજને લગતા પ્રશ્ર્નો આ નાયબો મારફત ઇમામે ઝમાના (અ.સ.) રજૂ કરી તેના જવાબ મેળવતા રહ્યા. ચાર નાયબોનો ક્રમ આ પ્રમાણે હતો.
(૧) ઉસ્માન બીન સઇદ અમ્રવી
(૨) મોહમ્મદ બીન ઉસ્માન બીન સઇદ અમ્રવી
(૩) હુસૈન બીન રોહ નૌબખતી અને
(૪) અલી બીન મોહમ્મદ સૈમુરી
હઝરત હુજ્જત (અજ.)ના અંતિમ નાયબે ખાસ અલી બીન સૈમુરીનો હી. ૩૨૯માં ઇન્તેકાલ થયો. લોકોની વિનંતી અને દરખાસ્ત તેઓ ઇમામે ઝમાના (અ.સ.) સુધી પહોંચાડતા હતા અને તે રીતે ઇમામ (અ.સ.) અને લોકો વચ્ચેની એક કડી સમાન હતા. તેમના ઇન્તેકાલથી આ ક્રમ બંધ થઇ ગયો. જે સમયે ઇમામે ઝમાના (અ.સ.) લોકોની નજરોથી ગાયબ થયા ત્યારથી આપના ચોથા અને અંતિમ નાયબની વફાતના દિવસ સુધી ચારેય નાયબ મારફત ઇમામ (અ.સ.)ની સંપર્ક લોકો સાથે ચાલુ હતો. તે સમયગાળાને “ગૈબતે સુગરા (નાની ગયબત) નો જમાનો કહેવાયો છે. આપના ચારેય નાયબ બગદાદમાં રહેતા હતા અને ચારેય નાયબની વફાત પણ બગદાદમાં જ થઇ હતી.
(૨) ગૈબતે – કુબરા: ઇમામે ઝમાના (અ.સ.) ના અંતિમ નાયબના ઇન્તકાલના છ દિવસ પહેલા તેઓને ઇમામ (અ.સ.) નો એક પત્ર મળ્યો. જેમાં કેટલીક ખાસ વાતો લખવામાં આવી હતી. અલી બીન મોહમ્મદ સૈમુરીને લખાયેલ તે પત્રનો સારાંશ નીચે મુજબ છે.
(૧) છ દિવસ પછી થનાર અલી બીન મોહમ્મદ સૈમુરીની વફાતની ખબર.
(૨) ઇમામ (અ.સ.) ના ખાસ નાયબ નીમવાનો ક્રમ પૂરો થવાની ખબર. એટલે કે ચોથા નાયબના ઇન્તકાલ પછી ઇમામ (અ.સ.) ના નાયબ તરીકે કોઇને નીમવામાં આવશે નહી.
(૩) ગૈબતે સુગરા પૂર્ણ થવાની ખબર અને ગૈબતે કુબરાનો સમય શરૂ‚ થવાની ખબર. જેમાં જણાવ્યું હતું કે હવે પછીનો ગૈબતનો સમયગાળો ઇમામ (અ.સ.) ના કોઇ ખાસ પ્રતિનિધિ વગરનો રહેશો.
(૪) ગૈબતે – કુબરાનો હવે પછીનો સમયગાળો ખૂબ જ લાંબો – અનિશ્ર્ચિત મુદ્દતનો હોવાની ખબર
(૫) ઇમામે – ઝમાના (અ.સ.) નો ઝુહૂર અને આપ (અ.સ.) ની આખી દુનિયા પર હુકુમત કાયમ થવા પહેલા આખી દુનિયામાં જુલ્મો – સિતમ ફેલાઇ જશે અને દુનિયા અન્યાય અને અત્યાચારથી ભરપુર થઇ જશે.
(૬) ઇમામે મહદી (અ.સ.) નો ઝુહૂર તેમનો કયામ અને ઇન્કીલાબ ખુદાના હુકમ પર આધારિત હશે.
(૭) જે કોઇ માણસ અલી બીન મોહમ્મદ સેમુરીની પછી પોતાને ઇમામ ઝમાં (અ.સ.) ના નાયેબ – ખાસ તરીકે ઓળખાવે તે જુઠ્ઠો હશે.
ઉપરની વિગત દર્શાવતો પત્ર મળ્યા બાદ છ દિવસ પછી ઇમામે – ઝમાના (અ.સ.) ના નાયબની વફાત થઇ. આમ, ગૈબતે – સુગરા પૂરી થઇ અને ઇમામે ઝમાં (અ.સ.) ના નાયબે ખાસના મસાએલના જવાબ મેળવવા માટેના દ્વારા બંધ થયા. ગૈબતે – કુબરાનો જમાનો એટલે હઝરત મહદી (અ.સ.)ની ગૈબતની લાંબી જીંદગીનો જમાનો શ‚રૂ થયો. તે દિવસથી લઇનેજ્યારે ખુદાનો હુકમ થશે, ઇમામ (અ.સ.) દુનિયામાં પરિવર્તન ઇન્કલાબનો જમાનો લાવશે. પોતાને જાહેર કરશે અને દુનિયાને અદલો – ઇન્સાફથી ભરી દેશે.
મોહતરમ વાચકો! જ્યારે ઇમામે ઝમાના (અ.સ.) ની ગૈબતે – સુગરાનો જમાનો પૂરો થયો ત્યારે આપે ફરમાવ્યું હતું : “મારા પછી હું મારો કોઇ ખાસ પ્રતિનિધી કે એલચી નિયુક્ત કરનાર નથી. આપ (અ.સ.) એ હુકમ આપ્યો કે મારી ગૈબતે કુબરાના જમાનામાં તકલીદનું સ્થાન આદીલ અને શરીઅતના સિદ્ધાંતોને એકઠા કરનાર ફકીહો, શરઇ મસાએલના જાણકાર સંભાળશે.તમે તેમનું અનુસરણ કરજો. કેમ કે, તેઓ તમારા પેશ્વા અને માર્ગદર્શક છે. હઝરત વલીએ – અસ્ર એ ઇસ્હાક બીન યાઅકુબને પત્રમાં ફરમાવ્યું : ‘નવા – નવા મસાએલ, પ્રશ્ર્નો, સંજોગો, પરિસ્થિતિ અને બનાવો બને ત્યારે અમારી હદીસો પ્રસ્તૃત કરનારાઓની સલાહ લેજો. કેમ કે, તેઓ તમારા માર્ગદર્શક અને તમારી ઉપર અમારી હુજ્જત (દલીલ – સાબિતી) છે મને હું તેમના પર ખુદા તરફથી નિયુક્ત હુજ્જત અને પેશ્વા છે.
શીયાઓના છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે: જે ફકીહો અને આલીમોમાં ચાર નિશાની જોવા મળે તેમની તકલીદ લોકોએ કરવી જોઇએ. અને તેમના હુકમો પ્રમાણે અમલ કરવો જરૂ‚રી છે.
(૧) ગુનાહો અને બૂરાઇઓથી દૂર રહેનાર.
(૨) પોતાના દીનની જાળવણી અને રક્ષણ કરનાર.
(૩) મનોઇચ્છા અને મનોવાસનાની તાબેદારી કરતો ન હોય અને તેના વિરૂદ્ધ જંગ કરતો હોય.
(૪) પોતાના મૌલા અને આકા ઇમામે ઝમાના (અ.સ.) ના હુકમોની તાબેદારી અને પૈરવી દીલોજાનથી કરતો હોય.
આ પછી સાદીકે આલે મોહમ્મદ (અ.સ.) એ ફરમાવ્યું : ‘આ વાત શરીયતના ખાસ વિદ્વાનો (ફોકહા) ને લાગુ પડે છે. તેમાં તમામ શીયા ફોકહાનો સમાવેશ થતો નથી.’
જે લોકો પયગમ્બર ઇસ્લામ (અ.સ.) અને અઇમ્મ – માઅસુમીન (અ.સ.)ના કૌલ બયાન કરનાર, ફકીહ અને દીનના કાનૂનોથી વાકેફ હોય અને ઉપરની ચારેય નિશાનીઓ તેમનામાં હોય તે હ. મહદી (અ.સ.) ના સાધારણ પ્રતિનિધિ છે. જેને નવ્વાબે આમ (સર્વ સાધારણ પ્રતિનિધિ) કહી શકાય.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *