ગફલત

Print Friendly, PDF & Email

કહેવાય છે કે મૌલાએ દો – જહાં હ. અમી‚લ મોઅમેનીન વલ મુત્તિકીન અલી બીન અબી તાલિબ (અ.સ.) એ જંગે સિફ્ફીનમાં તેમના સાથીઓ (ખ્વારીજો)ને મોઆવીયા સાથે જંગ કરવાનું નિમંત્રણ આપ્યું, પરંતુ તે લોકોએ તે સ્વીકાર્યું નહી. તેઓએ જાતજાતના બહાન કાઢ્યા અને જંગ માટે તૈયાર થયા નહી.
“અજબ બેદરકાર અને બેખબર હતા એ લોકો
ઇમામ હસન (અ.સ.) એ મોઆવીયા સાથે જંગ કરવા માટે તેમના સાથીઓને જુદી જુદી ટૂકડીઓ સાથે રવાના કર્યા. એ બધાને પોતાનું (ગુલામ તરીકે) વેચાણ કરી દીધું અને ઇમામ (અ.સ.) ની મદદ કરી નહી અને વેરવિખેર થઇ ગયા. આમ, હકને તિરસ્કૃત અને બદનામ કર્યો.
“અજબ બેદરકાર અને બેખર હતા એ લોકો
ઇમામે હુસૈન (અ.સ.) ને કુફાવાસીઓ તરફથી ૧૮૦૦૦ પત્રો મળ્યા તે પછી ઉમ્મતની સુધારણા કરવાની નિય્યતથી તેઓ કુફા જવા રવાના થયા પણ ત્યાં જઇને જોયું તો ૧૮૦૦૦ માંથી માત્ર ૪૦ જણા એવા હતા જેણે તેમનો વાયદો ખરેખર વફા કર્યો. બાકીના લોકોએ ખલીફ – એ – ખુદા, જાનીશને – પયગમ્બર, અલીના જીગરના ટૂકડા, ફાતેમા (સ.અ.) ના નૂરે – નજરને જાનવર જેવી યઝીદી ફૌજ વચ્ચે, આપના શરીરના ટૂકડે – ટૂકડા કરી દેવા માટે એકલા અટુલા છોડી દીધા.
“અજબ બેદરકાર અને બેખર હતા એ લોકો”
કહેવાય છે કે : કરબલાના બનાવ પછી જ્યારે ઇમામ સજ્જાદ (અ.સ.) ને કૈદી બનાવી દરબારે – યઝીદમાં રજુ કરવામાં આવ્યા, તે પછી આપ જ્યારે મદીના પાછા ફર્યા ત્યારે જે લોકોએ તેમના પિતા હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ને મદદ કરી ન હતી તેવા લોકોએ હઝરત સજ્જાદ (અ.સ.) ને અપમાનિત કર્યા અને ખૂબ જ ખરાબ શબ્દોમાં (માઅઝલ્લાહ) ફરઝંદે અલી અને હુસૈન (અ.સ.) ને ડરપોક અને બીકણ કહ્યાં અને તે રીતે ઉતારી પાડવાની કોશિશ કરી.
“અજબ બેદરકાર અને બેખર હતા એ લોકો”
ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) તેમના ફરઝંદ ઇમામ સાદીક (અ.સ.), ઇમામ કાઝીમ (અ.સ.) અને ઇમામે રેઝા (અ.સ.) ખોલફાએ બની અબ્બાસના જમાનામાં તેમના જુલ્મો સિતમો કૈદની અને નજરબંદીની તકલીફો વેઠી અને મુશ્કેલીમાં રહ્યા. તેમને કોઇ પણ રીતે આરામ મળ્યો નહી. તેમ છતાં તેઓએ સબ્ર કરી, એટલું નહી એ જમાનાના લોકોએ પણ તેમનું રક્ષણ કર્યું નહી અને તેમનાથી વિમુખ રહ્યા.
“અજબ બેદરકાર અને બેખર હતા એ લોકો”
ઇમામ મોહમ્મદ તકી (અ.સ.), ઇમામ અલી નકી (અ.સ.) અને ઇમામ હસન અસ્કરી (અ.સ.) જાલીમ અને અત્યાચારી અબ્બાસી ખોલફાના જમાનામાં તેમના જુલ્મો – સિતમ વચ્ચે જીવન વ્યથીત કરતા રહ્યાં. તેમના સાથીઓ અને દોસ્તીનો દાવો કરનારાયે તેમની મદદ કરવાના બદલે તેમનાથી મોં ફેરવી લીધું.
“અજબ બેદરકાર અને બેખર હતા એ લોકો”
આપણે જ્યારે ઇતિહાસના પૃષ્ઠો પર નજર ફેરવીએ છીએ ત્યારે જાણવા મળે છે કે આપણા મહાન ઇમામોને જાતજાતની તકીલીફો અને મુસીબતો ઉઠાવવી પડી હતી એ મુસીબતોનું વર્ણન જાણીને આપણે રૂ‚દન કરીએ છીએ. જ્યારે આપણે ફર્શે – અઝા બીછાવીએ છીએ ત્યારે આપણે એ જમાનાના શિયાઓના સ્વાર્થપણા, અવગણના અને એ મહાન નેઅમતો પ્રત્યે તેમની બેદરકારી માટે અફસોસ કરીએ છીએ.
એક તરફ તો આપણે જમાનાના ઇમામ હઝરત મહદી (અ.સ.) જેઓ ગાયબ છે. તેઓની હયાતીનો ફાયદો આપણે સતત મેળવતા રહ્યા છીએ. તેમની કૃપા, દયા અને ગૈબી મદદનો લાભ મળતો રહે છે. જ્યારે બીજી બાજુ આપણે જોઇએ છીએ કે આપણા આકા અને મૌલા હઝરત હુજ્જત અજ્જલલ્લાહો તઆલા ફરજહનું નામ બહુ ઓછા લોકોની જીભ પર આવે છે. આપણે શીયાયાને આલે મોહમ્મદ આપણા જમાનાના ઇમામ (અ.સ.) ને ઓળખતા નથી. દિવસો, અઠવાડિયાઓ અને મહીનાઓ ઝડપથી વીતતા જાય છે. પણ આપણે આપણા જમાનાના ઇમામ (અ.સ.) નું નામ લેતા નથી કે સાંભળતા ય નથી. નમાઝો, દુવાઓ અને મજલીસો યોજાય છે, પણ તેમાં હઝરત (અ.સ.) ના અસ્તિત્વ વીશે બહુજ ઓછું બયાન આપવામાં આવે છે. તેઓના ઝહૂરની તમન્ના દીલના ઊંડાણથી ભાગ્યે જ ક્યારેક કરવામાં આવે છે.
આપણી બધીજ વાતો રીત – રીવાજ પૂરતી જ બની રહે છે.
ક્યાંક એવું ન થાય કે આવનારી પેઢીના લોકો આપણા વંશજો – આપણા વંશજો – આપણા વીષે એવું ન કહે કે…….
“અજબ બેદરકાર અને બેખર હતા એ લોકો”
શું આપણે હઝરત અમીરૂ‚લ મોઅમેનીન (અ.સ.) અને ઇમામ હસન (અ.સ.) ના એ સાથીઓને ધિક્કારતા નથી કે જેમણે તેમના જમાનાના ઇમામ (અ.સ.)ની મદદ અને તેમનું રક્ષણ કર્યું ન હતું? સાથે સાથે આપણે એ પણ વિચારવું જોઇએ કે આપણે શું કર્યું? જો કયામતના દિવસે ખુદાએ – તઆલા આપણને પ્રશ્ર્ન કરશે કે તમે તમારા જમાનાના ઇમામ (અ.સ.) ની ગૈબતના જમાનામાં તેમની સાથે તેમના માટે કેવુ વર્તન કર્યું હતું? ત્યારે આપણી પાસે તેનો શું જવાબ હશે? એ વખતે આપણે શું બહાનું રજુ કરીશું ? આપણે ઇમામે ઝમાના (અ.સ.) ના મુકદ્દસ વજુદ અને તેમની ગૈબતને સાબિત કરવા માટે કોઇ નક્કર પ્રયત્નો કર્યા છે ખરા? આ વિષયમાં આપણે કોઇ પગલા લીધા છે ખરા? શું આપણે ઇમામે ઝમાના (અ.સ.) ની સલામતી અને ઝુહૂર માટે નમાઝો પઢીને મુનાજાતોમાં આજીજી પૂર્વક ગળગળા થઇને દુવાઓ કરી છે ? શું આપણે ક્યારેય વૈજ્ઞાનિક સંશોધનોનો આધાર લઇને ઇસ્લામના દુશ્મનોનું મુખ બંધ કરવા પ્રયત્નો કર્યા છે ખરા? જો આપણી માતા કે બીજા કોઇ નજદીકના સગા સફરમાં ગયા હોય અને અમૂક સમય સુધી તેના કોઇ ખબર ન મળે, તે પાછા પણ ન થાય તો આપણા દીલને કેટલો રંજ થાય છે? આપણે તેમની સલામતી અને સુખ‚રૂપ પાછા ફરે તે માટે કેટલી દુવાઓ કરીએ છીએ? શું આપણે આપણા ઇમામે ઝમાના (અ.સ.) ને એટલા પણ નથી ચાહતા? આપણે આપણા સગા – વહાલા સાથે જેટલી મોહબ્બત હોય છે તેટલી મોહબ્બત પણ ઇમામ (અ.સ.) સાથે નથી?
અજબ બેદરકાર અને બેખર છીએ આપણે હઝરત મહદી (અ.સ.) ના દાદા – પરદાદાઓ એ તેઓની ખિલાફત પહેલા તેમની યાદ અને પ્રસંશા કરી હતી. એ હઝરત (અ.સ.) નું નામ લેવામાં આવતું ત્યારે તેઓ માનભેર ઊભા થઇ જતા. ખુદાના તે નેક અને માઅસુમ (અ.સ.) કાયમે આલે મોહમ્મદ (હ. મહદી અ.સ.) ના ઝુહૂર માટે દુવા કરતા હતા.
કુરઆને – મજીદ ખોલીયે છીએ ત્યારે તેમાં જોવા મળે છે કે ખુદાવંદે અઝઝવજલ જુદી જુદી જગ્યાએ ફરમાવે છે કે “ગાફીલ ન રહેતા આપણે એ હઝરત (અ.સ.)થી ક્યાં સુધી ગાફીલ રહેશું?” માટે આવો આપણે એ વાત નક્કી કરી લીએ અને ખુદાવંદ તઆલાથી દુવા કરીએ કે :
હવેથી આપણને ગફલત, અજાણપણા અને બેવફાઇથી સુરક્ષિત રાખે. આપણ ઇમામે ઝમાનાના વજુદ માટે ખુદાનો શુક્ર કરીએ. એમની બારગાહમાં મુનાજાત કરીએ અને આપણી જ‚રૂરતો તેમની સમક્ષ રજુ કરીએ. મરહૂમ આયતુલ્લાહ મુકદ્દસે અર્દબેલી (રીઝવાનુલ્લાહ અલયહ) ના જીવન ચરિત્રમાં એ વાત જોવા મળે છે કે : તેઓ ફરમાવતા હતા ‘જ્યારે કેટલાક મસઅલાઓ મને મુશ્કેલ લાગતા, જેનો જવાબ શોધવામાં મને અસમર્થતા લાગતી, ત્યારે હું મૌલાએ કાયેનાત હઝરત અલી (અ.સ.) ની ઝરીહે – મુબારક પાસે જઇને અરીઝા (પ્રશ્ર્નને લખીને) રજુ કરતો અને એ હઝરત (અ.સ.) તરફથી મને જવાબ મળી જતા. પરંતુ એક રાતે હઝરત અલી (અ.સ.) એ મને હુકમ આપ્યો કે તમે મસ્જીદે – કુફામાં જાવ મારા ફરઝંદ મહદી (અ.સ.) ત્યાં હાજર છે તે તમારી ઝમાનાના ઇમામ છે તેમની પાસે જાય છે અને મસાએલના જવાબ તેમની પાસેથી મેળવો’ મુકદ્દસ અર્દબેલી (ર.અ.) નું કહેવું છે કે : “હું મસ્જીદે – કુફામા ગયો, મારા જમાનાના ઇમામ (હ. મહદી અ.સ.) ને જોયા તેમની સાથે વાતચીત કરી અને મારા મસઅલાના જવાબ મેળવ્યા. (મુન્તખબુલ અસ્ર)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *