ઈસ્લામના ઈતિહાસની મુંજવણ

Print Friendly, PDF & Email

દરેક સમાજનો આત્મા ન્યાય હોય છે. સમાજ ત્યારેજ મજબુત થઈ શકે છે અને કૌમનું અસ્તિત્વ તે સમય સુધીજ ટકી શકે છે જ્યાં સુધી અદાલત અને ન્યાય ઉપર આધારિત તેનો વહીવટ ચલાવવામાં આવતો હોય. જો કોઈ સમાજમાં ન્યાય અને ઈન્સાફનો નાશ થઇ જાય તો તે સમાજનો વિનાશ અનિવાર્ય છે. ન્યાયનો નાશ અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો સમાજનું મૃત્યુ ત્યારે થાય છે જ્યારે સમાજની જવાબદાર વ્યકિતઓ અથવા સત્તાધારી વ્યકિત હાકીમ કે જેણે ન્યાયનું રક્ષણ કરવું જોઈએ, તે પોતેજ જ્યારે ઝુલ્મ, અત્યાચાર, કુસંપ અને ઝઘડાઓ કરવા લાગે અને સમાજની પવિત્રતાનો વિનાશ નોતરે.
આવી પરિસ્થિતિમાં ઝુલ્મ અને અત્યાચાર, બદકારી અને ઝઘડાઓ સમગ્ર સમાજના નિયમો અને વહીવટમાં વિધ્નો ઊભા કરે છે. અન્નાસો અલા દીને મુલુકેહીમના સિધ્ધાંત મુજબ આ પ્રકારના સત્તાધીશ, લોકો માટે દાખલારૂપ બની જાય છે તેથી સમગ્ર સમાજ વિખવાદ અને ઝઘડાઓના વમળમાં ફસાઈ જાય છે.કાયદાની આમાન્યાને નબળાઈ અને કાયદાનો ભંગ કરવો તેને ગર્વ અને સારી બાબત લેખવામાં આવે છે. સમાજની જુદી જુદી સંગઠિતતા જે હજુ મજબુત અને એક સ્વરૂપે હતી તે વેરવિખેર થઇ જાય છે અને સ્વાર્થ અને મતલબીપણુ સામાન્ય બની જાય છે. કેન્દ્ર સત્તાસ્થાનેથી જે ગુનાહ અને ઝઘડા શરૂ થયા હતા, તે સમાજની રગ રગમાં એવી રીતે ફરી વળે છે કે હવે પ્રવચનો, શીખામણો અને તત્વ ચિંતકોનો પ્રચાર અસર કરતો નથી. આ વાતાવરણ અને સામજને સુધારવા માટે રીત રિવાજ બદલવા સિવાય કોઈ પણ બીજી પ્રક્રિયાઓ જે જુની પુરાણી પદ્ઘતિથી જુદી ન હોય, તો તે કયારે પણ અસરકારક નહિ થઈ શકે.
ઉમ્વી ખાનદાનનો હઠાગ્રહી અભિમાની અને માથાભારી સંતાન, યઝીદના પગલા ખીલાફત ના તખત ઉપર પડી ચૂકયા છે, હવે એ ચિંતામાં છે કે હ. રસુલ સ.અ.વ.ના નવાસા હુસયન ઈબ્ને અલી અ.સ.ને પણ તેની ખિલાફત પર સંમત કરાવે. પરંતુ ઈમામ હુસયન અ.સ. સમાજમાં જે ઉચ્ચ સ્થાન ધરાવતા હતા અને જે મહાન મોભા અને મરતબાના માલિક હતા, તેમની દ્રષ્ટિમાં પોતાની જવાબદારીઓ અને ફરજોનો પૂરેપૂરો અહેસાસ હતો, તેમણે યઝીદની સામે પોતાનું શિર જુકાવવાથી ઈન્કાર કર્યો, એટલુજ નહિ પરંતુ સ્પષ્ટ રીતે અને દ્રઢતાથી પોતાના ઈરાદાથી જાહેરાત કરી, જેનાથી આપણે ઈમામ હુસયન અ.સ.ની ક્રાન્તિના કારણો અને રહસ્યો અને આશુરાના બનાવોના પ્રત્યાઘાતો અને તેની અસરો ખૂબીપૂર્વક સમજી શકીએ છીએ.
હઝરતે સય્યદુશ્શોહદા મદીનાના ગર્વનર વલીદ બીન ઓતબાને સંબોધીને ફરમાવે છે:
એ વલીદ! તું શું કહેવા માંગે છે?
અમે નબુવ્વતના ખાનદાનમાંથી છીએ. અમારાજ ઘરમાં ફરિશ્તાઓનું આવન-જાવન હતું. અમારાજ ઘરમાં મલાએકાઓનો માર્ગ હતો. ખુદાવંદે અઝઝ વ જલ્લે ઉચ્ચ ઓધ્ધેદાર હસ્તીઓની શરૂઆત અમારાથી કરી અને અંબીયા અલયહે મુસ્સલામના ખતમ થવાની મહોર પણ અમારા ઉપરજ લગાડી.
તું કહે છે, હું યઝીદની બયઅત કરૂં.
યઝીદની?
યઝીદ એક હવસખોર માણસ છે, જે રાત દિવસ શરાબમાં મસ્ત રહે છે. એજ પલીદ કે જેના હાથો બે-ગુનાહના ખુનથી રંગાએલા છે.
એ બદબખ્ત કે જે ખુલ્લે ખુલ્લી રીતે જરાપણ પરવા કર્યા વગર દરેક ગુનાહ, કાવા દાવા, અને ભરપૂર ગુનાહિત કાર્યો કરતો રહ્યો છે.
આ અશકય છે મારી જેવી વ્યકિત તેના જેવા જુઠા અને નાલાયકને બયઅત હરગીઝ કરશે નહિ અને ખિલાફતના નામ ઉપર તેની સાથે હાથ કદી નહી મેળવશે.
ઈમામ હુસયન અ.સ.એ વલીદને પોતાનો અંતિમ નિર્ણય જણાવી દીધો જે હઝરત અ.સ.ની વિશિષ્ટતા હતી. બધા પરદાઓ ઉઠાવી લેવામાં આવ્યા અને ખુલ્લી જાહેરાત કરી દીધી કે યઝીદ જેવા મઝહબથી ફરી ગયેલા ગુનેગાર માણસમાં ખીલાફતનો હોદો ધરાવવાની લાયકાત અને સમજણ જ નથી અને યઝીદ જેવા હવસ પરસ્ત અને હળાહળ જુઠ્ઠા અને ઈસ્લામના દુશ્મનના હાથમાં ઈસ્લામની લગામ આપી શકાય નહિ કારણકે તે પોતાના ગુનાહો કારસ્તાનો અને જબરદસ્ત પરિવર્તનોથી ઈસ્લામી સમાજને પણ ફેરવી નાખશે.
યઝીદ અને તેના કર્મચારીઓ ન્યાયના ધોરણો અને ઈન્સાફને, જે સમાજની જડ, પાયો અને રૂહ હોય છે) તેના ઝુમ્મો અને જબરદસ્તી અને અન્યાયનો નિશાનો બનાવી દીધા.
શું આજ તે યઝીદ નથી, જે તેના બાપ મોઆવીયાના સમયમાં અરનીબ નામની એક હસીન અને સુંદર સ્ત્રી ઉપર આશિક થઇ ગયો હતો?
શું અરનીબ એક વિવાહિત સ્ત્રી ન હતી? શું હક્ક ન્યાય અને કાનૂને યઝીદને પરવાનગી આપી દીધી હતી કે તે સ્ત્રીને ઉઠાવી જવાની કોશીશ કરીને પોતાની હવસ પૂરી કરે?
પરંતુ તે ન તો સત્ય અને ન્યાયને જાણતો હતો ન તો તેને કાનૂનની કોઈ પરવા હતી તે પોતાના બાપની મદદથી ચાલ ચાલ્યો, કાવત્રું તૈયાર કર્યુ કે જેથી તે હસીન અને ખુબસુરત સ્ત્રીને તેના પતિ પાસેથી છોડાવીને તેના ઘરે લઈ આવે. સાચું તો એ છે કે હુસયન ઈબ્ને અલી અ.સ. જો વચ્ચે ન આવી જાત તો તે સ્ત્રીના માટે ઘૃણાપાત્ર યોજના જે યઝીદે તૈયાર કરી હતી તે ફરઝંદે રસુલ સ.અ.વ.એ નિષ્ફળ બનાવી દીધી ન હોત તો યઝીદ તેની શયતાની યોજનામાં સફળ થઇ જાત.
સાચું કહેજો કે જમીય્યતે ઈસ્લામીની લગામ આવા ગંદા, નાલાયક અને બેશરમ માણસના હાથમાં પકડાવી દેવાય?
એ શકયજ ન હતું કે હુસયન ઈબ્ને અલી અ.સ. યઝીદની ઝલીલ અને ઝુલ્મી હુકુમતને કાયદાકીય રીતે માની લે અને તેની સામે જુકી જાય.
જો યઝીદ ખલીફા ન હોત તો તેના ગુનાહો વ્યકિતગત ગણાત. તે વ્યકિતગત ગુનાહોનો અસર મર્યાદિત અને થોડા હોય છે.
પરંતુ યઝીદ ગુનાહોથી ભરેલો અને ગુલ્તાન, ખીલાફતના તખત ઉપર આળોટી રહ્યો હોય અને જો ઈસ્લામી ખિલાફતના કેન્દ્રમાં નશાખોરી, શરાબ, કબાબ અને જુગાર ખોરીની બેઠકો સજાવવામાં આવે અને હાકીમ અને તેના ગોઠીયાઓના હાથો ઝુલ્મ અને જબરદસ્તી કરવા માટે આઝાદ થઇ જાય, તો આ ગુનાહ, ઝુલ્મો સિતમ, મર્યાદિત અને સિમીત ન રહી જાય.
આવા પ્રકારના ગુનાહોનું પુર ખલીફાની બેઠક અને રૂમમાંથી નિકળીને આખા મહેલ અને મહેલમાં રહેવાવાળાઓ પહોંચી જાય અને આ બદબખ્તીનું પુર મહેલમાંથી નીકળીને સમગ્ર રાજ્યના ગુનાહોમાં ડુબાડીને ઝાલીમ અને જાબીર બનાવી દે અને પરિણામ સ્વરૂપે આખો ઈસ્લામી સમાજ ફસાદ, ગુન્હાખોરી અને ઝુલ્મ ના-ઈન્સાફીની જગા બની જાય.
આજ પાયાઓ ઉપર હુસયન ઈબ્ને અલી અ.સ. નિર્ણાયક અંદાઝમાં ફરમાવ્યું:
અય વલીદ! તું કહે છે? આ અમેજ છીએ જે ખાનદાને નબુવ્વત અને મઅદને રિસાલત છે. અમારા ઘર ફરિશ્તાઓની ગુઝરગાહ અને મલાએકાઓની આવન જાવનની જગ્યા છે. ખુદાવંદે મોતઆલે ઉચ્ચ હસ્તીઓની શરૂઆત અમારાથી કરી છે. તે સંપૂર્ણતાની મહોર છાપ પણ અમારા થકી પૂર્ણ કરી છે અને તું કહે છે કે હું યઝીદની બયઅત કરી લઉં? આ ન બની શકે.
ઈમામ હુસયન અ.સ. ગઝબ અને ગુસ્સાની સ્થિતિમાં હતા આપે વાતચીત પૂરી કરી. વલીદે નજીસના દરબારમાંથી ઊભા થઈને ખાનએ અકદસ તરફ રવાના થયા જેથી અંતિમ નિર્ણય કરી લે અને યઝીદની બાબતમાં પોતાના નિર્ણયને કાર્યવંત કરી શકે.
ઈતિહાસ અજબ મુંજવણમાં પડયો છે. કયારેક શકય છે એક નિર્ણય, એક ઈરાદો, અને એક ઘટના, કોઈ સમાજ અથવા કૌમ અને મિલ્લત ના નસિબને બદલી નાખે અને ઈતિહાસને એ માર્ગથી હટીને જેના ઉપર તે સફર કરી રહ્યો છે, બીજા માર્ગે વાળી દે.
માહે રજબ હિજરી સન ૬૦ ની ત્રણ અંતિમ રાતો તેવીજ હતી કે ઈસ્લામનો ઈતિહાસ વિચિત્ર ત્રિભેટા ઉપર પહોંચી ગયો. આ ભયાનક રાતમાંજ ઈસ્લામની તકદીરનો ફેંસલો થવાનો હતો. ફેંસલો કરવાવાળા હઝરત સય્યદુશ્શોહદા સિવાય બીજુ કોણ થઈ શકતું હતું. ઈમામ હુસયન અ.સ.એ ફરજ સમજી એ આ રાત્રે ઈસ્લામના એક મઅસુમ લીડર-નેતા તરીકે પોતાના ખાસ ચિંતન અને વિચારો થકી ઈસ્લામના ભાવીનો ઈતિહાસ લખીને તેની દિશા નક્કી કરી લે.
ઘનઘોર અંધકાર ભરી રાતના ઘેરા છાયા ચારે તરફ પ્રસરેલા હતા. અર્ધી રાતનો સમય થયો હતો અને મદીનએ રસુલ સ.અ.વ. ગફલતના ખ્વાબમાં ડુબેલું હતું.
કોઈને શું ખબર કે હુસયન અ.સ.ના પવિત્ર ઘરમાં તેની વ્યાકુળ રૂહના ઉંડાણમાં એક પ્રકારનો જુસ્સો ઉભરાઈ રહ્યો હતો. તે પોતાની જાતને એક દો-રાહા ઉપર ઊભા રહેલા જોઈ રહ્યા છે.
એક રસ્તો માનહતા અને શફારતનો હતો જે શહાદત તરફ જઈ રહ્યો હતો. બીજો રસ્તો ઝીલ્લત અને અપમાન ભર્યો હતો જે બે દિવસની જીંદગીના રક્ષણ ઉપર ખતમ થતો હતો.
પરંતુ ઈમામ હુસયન અ.સ.એ પહેલેથીજ પોતાનો રસ્તો પસંદ કરી લીધો હતો.
તે હઝરત અ.સ.ના રવશન અને પ્રકાશિત ચિંતન ભર્યા પત્રોએ શહાદતને પોતાના માટે આવશ્યક રીતે નક્કી કરી લીધી હતી. આજ એજ અગ્રક્રમ લખાણ હતું જેને અલ્લાહની કઝા અને કદ્રની કલમે અઝલના દિવસેજ તે હઝરત અ.સ.ની ઝીંદગીના લોહીયાળ કાગળ પર લખી દીધું હતું.
ઈમામ હુસયન અ.સ. તે ભયાનક રાત્રીએ એ ચિંતન અને મનન કરતા હતા કે આ મહાન અભિયાન માટે કયા પ્રકારનું આયોજન કરવું જોઈએ અને બદકાર યઝીદની વિરૂધ્ધ પોતાના કાર્યને કયાંથી શરૂ કરે.
તે ઈચ્છતા હતા કે ઉમવી વંશના આ સરમુખત્યાર બાદશાહની વિરૂધ્ધમાં પોતાનો વ્યુહ શરૂ કરી દે અને ઈસ્લામના વિશાલ પ્રવાહમાં જે શરમજનક અડચણો તે પ્રવાહને રોકી રહી છે તેને દૂર કરે.
શું એ શકય છે કે આ વ્યુહના જુસ્સાથી તેની લશ્કરી શકિત અને જંગી હથીયારોનો નાશ કરી દે?
કદાચ આજ એ સવાલ હતો જેના ઉપર આપે ઘણું ચિંતન કર્યું અને અંતમાં એ નિર્ણય ઉપર પહોંચ્યા કે તાકાતના જોરે કોઈ વાતને બીજા પાસે મનાવી લેવી એ ટુંકા સમય માટે હશે પરંતુ કુરબાની અને શહાદતનો અસર કયામતની સવાર સુધી બાકી રહેશે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *