અલ્લાહની નિકટતાનું શ્રેષ્ઠ સાધન

Print Friendly, PDF & Email

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ
સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના
અલ્લાહની નિકટતાનું શ્રેષ્ઠ સાધન
ખુદાવંદે આલમે ઈન્સાનને ઈબાદત માટે પૈદા કર્યો છે. આ ઈબાદતને માનવીની ઉન્નતી અને વિશિષ્ટતાનું સાધન બનાવી દીધું છે. માનવીની વિશિષ્ટતા ભૌતિક દુનિયા અને તેને લગતી બાબતોથી ઉચ્ચતર બનીને અલ્લાહની નિકટતા મેળવવાની છે. રિવાયતોમાં છે કે ઈન્સાન નવાફીલ (નાફેલાની નમાઝો) દ્વારા ખુદાની એટલો નજદિક પહોંચી જાય છે અને એટલો પાક અને પાકીઝા બની જાય છે કે તે ખુદાની આંખોથી જુએ છે અને તેની જીભથી બોલે છે અને તેના કાનથી સાંભળે છે. એટલેકે તે જુએ છે જે ખુદા જોવા ચાહે છે અને જે ખુદાને પસંદ છે અને જીભથી એ વાતો નિકળે છે જે ખુદાની મરજી મુજબની હોય છે. એ વાતો સાંભળે છે જેમાં ખુદાની ખુશ્ નુદી હોય.
જો આપણે પોતાની જાત ઉપર નજર કરીએ અને જરા વિચારીએ કે એવી કઈ વસ્તુ છે જે રબ્બુલ આલમીનની બારગાહમાં રજુ કરી શકીએ અને તેની નજદીકી મેળવી શકીએ.
ઈમાન તમામ આઅમાલ કબુલ થવાનું સાધન છે. ઈમાનનાજ પાયા ઉપર નજાત – મૂકિત મળશે. જ્યારે આપણે આપણા આઅમાલ ઉપર નજર કરીએ છીએ ત્યારે ઈમાનની નિશાનીઓ દૂર દૂર સુધી દેખાતી નથી. ઈબાદત પ્રત્યેની રૂચી અને ખુદાની નાફરમાની પ્રત્યે તિરસ્કાર તે ઈમાનનો સૌથી હલ્કા પ્રકારનો દરજ્જો છે. રિવાયતમાં છે કે જો કોઈ ગુનાહને જુએ અને ઓછામાં ઓછું દિલથી નફરત ન કરે અને તે ગુનાહ તેને ખરાબ ન લાગે તો તે મૃત્યુ પામેલો છે, જીવતો નથી. કેટલાક ગુનાહો એવા છે જે આપણી સામે થાય છે પરંતુ આપણને જરા સરખો પણ નફરતનો એહસાસ નથી થતો. દિલમાં તેનાથી કરાહત નથી થતી. ભયની બાબત એવી છે કે આપણે દરેક વસ્તુથી ડરીએ છીએ, સિવાય અલ્લાહ. જ્યારે ખુદા ફરમાવે છે “શું તે સમય નથી આવી ગયો કે ઈમાન ધરાવનારાઓના દિલ ખુદાની યાદથી ભયગ્રસ્ત હોય.” (સુરએ હદીદ-૧૬)
અખ્લાક: સર્વોત્તમ શિષ્ટાચાર અને સંસ્કાર ઈસ્લામનો માપદંડ છે. જેના ઘડતર માટે હઝરત મુરસલે અઅઝમ અ.સ.ને અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા હતા. જ્યારે આપણે પોતાની જાતને તપાસી ત્યારે સંસ્કાર તો કયાંય પણ દેખાયા નહિ. પરંતુ અખ્લાક વિરૂધ્ધની બાબતો ઠેકઠેકાણે જોવા મળી.
આઅમાલ: કાર્યોને જોવાના શરૂ કર્યા.
આઅમાલના ચહેરા તો દેખાયા પરંતુ આઅમાલ કબુલ થવાની શરતો ઉપર વિચાર કર્યો તો શરમથી માંથું નમી ગયું. કારણકે આઅમાલની પહેલી શરત નિય્યત છે, નિય્યત માટે હૃદયની નિખાલસતા જરૂરી છે. નિખાલસતાની વ્યાખ્યા એ રીતે કરવામાં આવી છે કે કાર્ય પુરૂં થયા પછી ન પ્રશંસા કે વખાણની અપેક્ષા રહે ન તો લોકોની ટીકા અને ઠેકડીનો ભય. અહિં તો પરિસ્થિતિ એવી છે કે દરેક કાર્ય પછી લોકોના વખાણની પ્રતિક્ષા.
આવી દશામાં કઈ વસ્તુ મારફત ખુદાથી નજદિકી મેળવી શકાય અને કેવી રીતે મૂકિતના સાધનો મેળવી શકાય. આ ચિંતામાં મારા અસ્તિત્વનું પરિક્ષણ કરી રહ્યો હતો, દિલને ઢંઢોળી ઢંઢોળીને જોઈ રહ્યો હતો. નિરશાના વાદળો ગાઢ બનતા જતા હતાં. ચારે બાજુએ નિરાશા છવાએલી હતી ત્યાં જ દિલની દુનિયામાં એક પ્રકાશ દેખાયો. આશા ફળી, આ પ્રકાશ મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ.સ.ની ખુશીમાં ખુશી અને તેઓના ગમમાં ગમગીન થઈને આ પ્રકારની સચ્ચાઈ સાબીત કરી દીધી. પરંતુ સવાલ એ હતો કે મોહબ્બત અને અનુસરણ માત્ર જીભથી સ્વિકારવાનું નામ તો નથી! મોહબ્બત અનુસરણ અને કુરબાનીની માગણી કરે છે. આપણે કઈ કઈ બાબતો ઉપર એહલેબય્ત અ.સ.નું અનુસરણ અને આચરણ કર્યું. જેમ જેમ શોધતો ગયો તેમ તેમ શરમની ભાવના વધતી ગઈ.
હા, અલ્લાહની નજદીકીનું એક ઘણુંજ મહત્વનું સાધન દેખાયું. જેનો લાભ ભવ્ય હતો અને સવાબ અઢળક હતો. શરતો સહેલી હતી અને ફાયદાઓ અમર્યાદિત હતા. તેમાં નિય્યત પણ નિખાલસ હતી, લાગણી પણ પવિત્ર હતી, વખાણ અને પ્રસંશાની તમન્ના ન હતી. નિંદા કે તિરસ્કારનો ભય ન હતો. તે હતા જન્નતના જવાનોના સરદાર, રસુલ સ.અ.વ.ના પ્રાણ પ્યારા, બતુલ સ.અ.ના દિલ-પસંદ, મુરતુઝાની નિગાહોનું નૂર, મુજતબાની બાઝુઓની તાકત, હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ની મુસીબતોથી દિલ ઉપર અસર થવી, હૃદય ગમગીન થવું, આંખો ભરાઈ આવવી.
આ નેઅમત ઉપર જ્યારે વિચાર કર્યો ત્યારે તે પણ મારી મેળવેલી નથી. અલ્લાહે આપેલી છે. ખુદ મઅસુમનો કોલ છે: અમારા શીઆઓ અમારી વધારાની માટીમાંથી પૈદા કરવામાં આવ્યા છે. તેઓ અમારી ખુશીમાં ખુશ થાય છે અને અમારા ગમમાં ગમગીન બને છે.
સય્યદુશ્શોહદા અ.સ.ના ગમમાં નીકળતા આંસુ જાહેરમાં પાણીનું એક ટીપું છે. પરંતુ ગાઢ દોસ્તીનું એ એવુ અતૂટ જોડાણ અને સાધન છે, જે માનવીને હુરની જેમ સંપૂર્ણ રીતે બદલી નાખે છે. ઈમાન, સંસ્કાર, આઅમાલ બધામાં પવિર્તન લાવી દે છે.
અઝીઝ દોસ્તો! ગમની આ નીકટતાનું – દોસ્તીનું રક્ષણ કરો, આ દિપકની જ્યોતને ઓછી ઝાંખી થવા ન દો, ખુદા પાસે દોઆ કરો કે દિલોમાં ઈમામ હુસયન અ.સ.ની મોહબ્બતની ગરમી વધતી રહે.
આ એ મહાન મુસીબત છે જેમાં આખી દુનિયા, જમીન, આસમાન, જમીનમાં રહેનારા અને આસમાનમાં રહેનારા, મલાએકા, અમ્બીયા, મુરસલીન, વલીઓ, વસીઓ, શહિદો, સીદ્દીકો, નેક કાર્યો કરનારાઓ બધાજ ગમથી ભરપૂર છે બધાંજ આંસુ વહાવે છે.
આવો! ઈમાન હુસયન અ.સ.ના સૌથી પ્રિય પુત્ર, અઝાના માલીક, સય્યદુશ્શોહદાના ગમના વારસદાર, હઝરત ઈમામ મહદી અ.સ.ની જીભેથી તેમના બુઝુર્ગવાર દાદાનો મરસીયો સાંભળીએ અને તેમની ખીદમતમાં પુરસો રજુ કરીએ.
સલામ થાય એ દાઢી ઉપર જે ખુનથી રંગીન કરવામાં આવી.
સલામ થાય માટીથી રોળાએલા ગાલો ઉપર.
સલામ થાય તે શરીર ઉપર જેના ઉપરથી કપડા છીનવી લેવામાં આવ્યા.
સલામ થાય એ હોઠો ઉપર જેના ઉપર લાકડી મારવામાં આવી.
સલામ થાય એ માથા ઉપર જે ભાલા ઉપર ઉંચુ કરવામાં આવ્યું.
સલામ થાય એ શરીરો ઉપર જે કફન વગર મૈદાનમાં પડયા રહ્યા.
જો કે તે સમયે હું દુનિયામાં ન હોવાથી આપની મદદ ન કરી શકયો અને આપના દુશ્મનો સાથે લડાઈ ન કરી શકયો.
હવે હું આપ ઉપર સવારે રડીશ અને સાંજે વિલાપ કરીશ અને આંસુના બદલે ખુન વહાવીશ.
ઝાલીમોએ આપને દરેક બાજુએથી ઘેરી લીધા હતા.
દરેક ઝખ્મી કરી રહ્યો હતો.
આપ અને આપના કુટુંબીજનોની વચ્ચે દુશ્મનની ફોજ હતી.
આપનો કોઈ દોસ્ત કે મદદગાર ન હતો,
આપ સબ્ર કરી રહ્યા હતા અને પોતાની સ્ત્રીઓ અને બાળકોનું દુશ્મનોથી રક્ષણ કરી રહ્યા હતા.
ત્યાં સુધી કે ઝાલીમોએ આપને ઘોડા ઉપરથી પછાડી દીધા,
આપ ઝખ્મોથી ચૂર ચૂર થઈને જમીન ઉપર આવ્યા.
ઘોડાઓની એડીઓથી આપને રગદોડવામાં આવ્યા. દુશ્મનોએ આપ ઉપર હુમલો કર્યો, મોતનો પસીનો કપાળ ઉપર આવ્યો. નજર ખયમાઓ તરફ જડાએલી હતી. આ સ્થિતીમાં ઝુલ્જનાહ ખબર લઈને ખયમા સુધી આવ્યો.
જ્યારે સ્ત્રીઓએ એ જોયું કે ઝુલ્જનાહ ખાલી છે અને જીન ઢળી પડયું છે ત્યારે રોતા પીટતા ખયમાંથી બાહર આવ્યા. આપના મકતલ સુધી આવ્યા, શીમ્ર આપની છાતી ઉપર બેઠો હતો તેની તલ્વાર આપના ગળા ઉપર હતી. આપની પવિત્ર દાઢી તેના હાથમાં હતી, તે આપને ઝબ્હ કરી રહ્યો હતો અને આપના કુટુંબીજનો હતાશાથી જોઈ રહ્યા હતા, આપનો શ્વાસ રોકાઈ ગયો.
માથું ભાલા ઉપર ઉંચુ કરવામાં આવ્યું, કુટુંબીજનોને બંદિવાન બનાવી દેવામાં આવ્યા, સાંકળોમાં બાંધી દેવામાં આવ્યા. (ઝિયારતે નાહીયા.)
એ ખુદા! તેં અહલેબય્ત અ.સ.ને જે ભવ્યતા અને શ્રેષ્ઠતા આપી હતી, જે લોકોએ તેઓને આ ભવ્યતા અને શ્રેષ્ઠતાથી દૂર કર્યા અને જે લોકોએ આ ઝુલ્મો અને અત્યાચારો માટે પૂર્વ ભુમિકા બાંધી અને જે લોકોએ આ ઝુલ્મોના માટે સાથ આપ્યો અથવા આપી રહ્યા છે તે બધા ઉપર તારી બેપનાહ લઅનત અને ગઝબ નાઝીલ ફરમાવ. હુસયન અ.સ.ના વારસદારને જાહેર કરવામાં જલ્દી કર. અમને બધાને તેમની સાથે હુસયન અ.સ.નો બદલો લેવાની તવફીક આપ. આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *