ઝાએરે હઝરત ઈમામ હુસયન (અ.સ.) ઝીયારતના ઈરાદાથી વતન પાછા ફરવા સુધી

Print Friendly, PDF & Email

અઈમ્મએ મઅસુમીન અ.સ.ની મુલાકાતનું સન્માન પ્રાપ્ત કરવું અને તેઓની બારગાહમાં ગૌરવ પ્રાપ્ત ‎કરવાની તમન્ના રાખવી દરેક મોઅમીનના દિલમાં હોય છે. કુરઆને કરીમની સ્પષ્ટ આયતો, વિશ્વાસપાત્ર ‎અને સનદથી મેળવેલી હદીસોના પ્રકાશમાં આ વાત સંપૂર્ણ સ્પષ્ટ છે કે ખુદાની રાહમાં શહીદ થનાર ‎જીવતા છે. આપણા બધા ઈમામો યા તો તલ્વારથી શહીદ કરવામાં આવ્યા અથવા ઝહેર આપીને શહીદ ‎કરવામાં આવ્યા. આ બધા હઝરતો અ.સ. બધા શહીદોના સરદાર અને તેઓના આગેવાન છે. અઈમ્મએ ‎મઅસુમીન અ.સ. હાલમાં જીવંત છે. એટલુંજ નહિ બલ્કે આપણને જોઇ પણ રહ્યા છે. આપણી વાતોને ‎સાંભળી પણ રહ્યા છે અને જવાબ પણ આપી રહ્યા છે જોકે આપણે એ લાયક નથી કે તેઓના પવિત્ર ‎અવાજ સાંભળી શકીએ.‎
હાલમાં અઈમ્મએ મઅસુમીન અ.સ.ની કબ્રોની ઝિયારત કરવી તે જીંદગીમાં તેઓની ખિદમતમાં હાજર ‎થવા સમાન છે. તેઓમાંથી એકની ઝિયારત કરવી તો દરેકની ઝિયારત કરવા સમાન છે. હઝરત મુસા ‎કાઝિમ અ.સ.ની રિવાયત છે: “જો કોઈએ અમારા પહેલાની ઝિયારત કરી તો તેણે અમારા છેલ્લાની ‎ઝિયારત કરી અને જેણે અમારા છેલ્લાની ઝિયારત કરી તેણે અમારા પહેલાની ઝિયારત કરી.” (બેહારૂલ ‎અન્વાર, ભા. ૧૦૦, પા. ૧૨૨)‎

હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.ની રિવાયત છે “જો કોઈ અમારા દુનિયામાંથી જવા પછી અમારી ‎ઝિયારત કરે તો તેણે અમારી ઝિયારત જીંદગીમાં કરવા બરાબર છે.” (બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૦, પા. ‎૧૨૪)‎

કેટલાય લોકો છે જેઓના દિલોમાં અઈમ્મએ મઅસુમીન અ.સ.ની કબ્રોની ઝિયારતની તડપ છે. આંખો ‎હરમની એક ઝલક જોવા માટે બેચૈન છે. જ્યારે પણ કોઈ ઈમામના રોઝાની તસ્વીર સામે આવી જાય છે ‎ત્યારે તડપ ઘણી વધી જાય છે અને આંખોમાં આંસુઓ ડબડબે છે અને ગાલ ઉપર રેલાતા આંસુઓ ‎સચ્ચાઈની સાક્ષી પૂરે છે. પરંતુ પરિસ્થિતિ પગની બેડી સમાન બની જાય છે. સાધન-સામગ્રીનો અભાવ ‎રૂકાવટો ઉભી કરી દે છે અને મોઅમીન વળ ખાઈને રહી જાય છે. દિલ ચિમળાય જાય છે. આપણા કરીમ ‎બિન કરીમ આકાઓ અને ઈમામોને પોતાના ગુલામોની આ મજબુરીઓની જાણ હતી. તેઓએ તેનો ‎ઈલાજ આ રીતે કહ્યો છે: બાબુલ હવાએજ હઝરત ઈમામ મુસા કાઝિમ અ.સ.મે ફરમાવ્યું “જો કોઈ અમારી ‎ઝિયારતની શકિત નથી ધરાવતો તેણે અમારા નેક કામ કરનારા ભાઈઓની કબ્રોની ઝિયારત કરવી ‎જોઈએ.”(બેહારૂલ અન્વાર, ભાગ. ૭૪, પા.૩૧૧)‎

હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે ફરમાવ્યું: જે અમારી ઝિયારત કરવાની શકિત નથી ધરાવતો તેણે ‎અમારા નેક કાર્ય કરનારા દોસ્તોની ઝિયારત કરવી જોઈએ. તેને અમારી ઝિયારતનો સવાબ આપવામાં ‎આવશે. (બેહારૂલ અન્વાકર, ભાગ. ૧૦૨, પા. ૨૯૫)‎

આ તે લોકોના માટે છે જેઓની સ્થિતિ ખરેખર એવી છે કે તેઓ મક્કા, નજફ, કરબલા, કાઝમૈન, સામર્રા, ‎મશહદ, કુમ, વિગેરે સ્થળોએ જઈને મઅસુમીનની કબ્રોની ઝિયારત કરવા માટે સાધન-સંપન્ન નથી. પરંતુ ‎તે લોકો જેઓને ખુદાવંદે આલમે સાધન-સંપત્તિ આપી છે તેઓએ જીવનમાં માત્ર એક વખત ઝિયારત ‎કરીને સંતોષ ન માનવો જોઈએ. રિવાયતોમાં છે કે કાઈની પાસે સગવડ હોય તો તેણે વર્ષમાં બે વખત ‎ઝિયારત માટે જવું જોઈએ. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૮૮) અને ચાર વર્ષથી વધુ ગાળો રાખવો ‎મઅસુમીન અ.સ.ને પસંદ નથી. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૯૭). જે લોકો દૂર દૂરના દેશોમાં રહે છે ‎તેઓએ ત્રણ વર્ષમાં એક વખત ઝિયારત માટે જવું જોઈએ. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૯૭)‎

ઝિયારતનો શું સવાબ છે. ઝિયારત કરનારને કયામતના દિવસે શું શું મળશે. જો ખુદાએ તૌફીક આપી ‎અને વાંચકોની દોઆઓનો સાથ મળ્યો તો તેની ચર્ચા ફરી કયારેક કરીશું. અત્યારે તો માત્ર એટલી વાત ‎કરવા માંગીએ છીએ કે જ્યારે કોઈ ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની નિય્યતથી પોતાના ઘરેથી નીકળે ‎છે, સફર કરે છે, કરબલા પહોંચે છે અને ઝિયારત કરીને પાછો ફરે છે ત્યારે તેના પગલે પગલા ઉપર કેવા ‎કેવા ઈનામોથી નવાજવામાં આવે છે અને કેવા કેવા દરજ્જાઓ આપવામાં આવે છે. જો વ્યકિત આ ‎પવિત્ર મુસાફરી પોતાના ઈમામે ઝમાના અ.સ. તરફથી કરે તો આ ઈનામોમાં અસંખ્ય વધારો કરવામાં ‎આવે છે. કારણકે ઈનામ આપતી વખતે એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે કોને ઈનામ આપવામાં ‎આવી રહ્યું છે.‎
હઝરત વલી અસ્ર અ.સ.ની ઈનાયતોથી આ ચર્ચાની શરૂઆત કરીએ છીએ અને કદમ કદમ ઉપર તેમના ‎માર્ગદર્શનની દરખાસ્ત કરીએ છીએ.‎
ફઈન્નક કરીમુન મેનલ અવલાદીલ કેરામ.‎

ઝિયારતનો ઈરાદો:‎

જ્યારે મોઅમીન હઝરત ઈમામ હુસયન અ.સ. ની ઝિયારતનો ઈરાદો કરે છે, તૈયારી પૂરી થઇ ચૂકી છે, ‎હવે ઝિયારત માટે મુસાફરી કરવાનો ઈરાદો છે ત્યારે ઈમામ જઅફર સાદિક અ.સ. ફરમાવે છે કે: ખુદાવંદે ‎આલમે અમુક મલાએકાઓને ઈમામ હુસયન અ.સ.ની કબ્ર ઉપર નક્કી કર્યા છે. જ્યારે કોઈ ઈમામ ‎હુસયન અ.સ.ની ઝિયારતનો ઈરાદો કરે છે ત્યારે ખુદા તેના ગુનાહોને માફ કરી દે છે, જ્યારે પગ ઉપાડે ‎છે ત્યારે ખુદા તેના ગુનાહોનો નાશ કરે છે. તેની નેકીઓમાં વધારો કરે છે અને ત્યાં સુધી વધારો કરતો ‎રહે છે જ્યાં સુધી તે જન્નતને લાયક બની જાય છે. (વસાએલુલ મોહિબ્બન, પા. ૨૮૦)‎

ઝિયારતની મુસાફરીના સમયે ઝિયારતનું ગુસ્લ:‎

‎”જ્યારે કોઈ ઝિયારતનો ઈરાદો કરે છે અને તેની નિય્યતથી ગુસ્લ કરે છે ત્યારે હઝરત રસુલે ખુદા ‎સ.અ.વ. તેને કહે છે: એ અલ્લાહના મેહમાનો! તમને એ વાતની ખુશ ખબર થાય કે તમે જન્નતમાં મારી ‎સાથે હશો.”‎

હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. તેને કહે છે: હું જામીન થાઉં છું કે તમારી હાજતો પૂરી થશે દુનિયા ‎અને આખેરતની બલાઓ તમારાથી દૂર થશે.‎
તે પછી હઝરત રસુલે ખુદા સ.અ.વ. અને હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. જમણી અને ડાબી બાજુએ ‎તેનું રક્ષણ કરે છે ત્યાં સુધી કે તે પોતાના ઘરે પાછો આવી જાય. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૩૩, બેહારૂલ ‎અન્વાર, ભાગ. ૧૦૧, પા. ૧૪૭, હ. ૩૬)‎

૧) હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ હઝરત ઈમામ હુસયન અ.સ.ના ઝવ્વારોને ખુદાના મહેમાન કહ્યા છે ‎અને કેમ ન હોય. ઝિયારતે વારેસામાં બરાબર આ પડીએ છીએ: અસ્સલામો અલય્ક યા સારલ્લાહ અને ‎ખુદા મેઝબાન હોય તો તે પોતાના મહેમાનોને શું નહીં આપે.‎

૨) ઝવ્વારને ન તો માત્ર જન્નતની ખુશખબર આપવામાં આવી રહી છે બલ્કે હઝરત રસુલે ખુદા ‎સ.અ.વ.ની સાથે રહેવાની પણ ખુશખબરી આપવામાં આવી રહી છે અને દેખીતુ છે કે જન્નતમાં હઝરત ‎રસુલે ખુદા સ.અ.વ.નો દરજ્જો સૌથી ઉંચો હશે.‎

૩) હઝરત અલી અ.સ. તે વાતની જામીનગીરી લઈ રહ્યા છે કે તેની હાજતો પૂરી થશે અને કેમ ન ‎જામીનગીરી લે તે માટે તો મુશ્કીલ કુશા છે જ.‎

૪) હઝરત રસુલે ખુદા સ.અ.વ. અને હઝરત અલી અ.સ. તેને પોતાના રક્ષણમાં લઈ લેશે.‎
મુસાફરીનો સામાન તૈયાર કરતી વખતે:‎

હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે જ્યારે જાબીરે જોઅફીને પૂછયું: તમારી અને હઝરત ઈમામ ‎હુસયન અ.સ.ની કબ્ર વચ્ચે કેટલું અંતર છે?‎
અરજ કરી: મારા માં-બાપ આપ ઉપર કુરબાન – એક દિવસ અથવા તેનાથી થોડું ઓછું અંતર છે.‎
ફરમાવ્યું: શું તમે તેમની ઝિયારત માટે જાવ છો?‎
અરજ કરી: હા.‎
ફરમાવ્યું: શું હું તમને ખુશખબર ન આપું અને તેના સવાબની વાત કરીને તમને ખુશ ન કરૂં?‎
અરજ કરી: હું આપ ઉપર કુરબાન થઇ જાવ. જરૂર કહો.‎
ફરમાવ્યું: જ્યારે તમારામાંથી કોઈ મુસાફરીના સામાનની તૈયારી કરે છે અને ઈમામ હુસયન અ.સ.ની ‎ઝિયારત માટે તૈયારી કરે છે ત્યારે આસમાનના ફરિશ્તા તેની સાથે રહે છે.‎
ઘરથી નીકળતી વખતે:‎
જ્યારે તે ઘરની બહાર નીકળે છે, પછી તે પગે ચાલીને હોય કે વાહન ઉપર, ખુદાવંદે આલમ ચાર હજાર ‎ફરિશ્તા તેની સાથે મોકલે છે. તેઓ તેના ઉપર દુરૂદ અને સલામ મોકલ્યા કરે છે. ત્યાં સુધી કે ઈમામ ‎હુસયન અ.સ.ની કબ્ર સુધી પહોંચી જાય. (બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૧, પા. ૧૬૩, હ. ૮, કામિલુઝ્ ‎ઝિયારાત, પા. ૨૦૬)‎

છ દિશાએથી ફરિશ્તાઓ રક્ષણ કરે છે:‎

સફવાન જમ્માલની રિવાયત મુજબ હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે ફરમાવ્યું: જ્યારે કોઈ હઝરત ‎ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની નિય્યતથી પોતાના ઘરેથી નીકળે છે ત્યારે સાતસો ફરિશ્તા તેની ‎સાથે સાથે રહે છે, ઉપરથી, નીચેથી, જમણેથી, ડાબેથી, સામેથી અને પાછળથી તેની સાથે રહે છે ત્યાં સુધી ‎કે તે પોતાની મંઝીલ સુધી પહોંચી જાય. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૯૦, બેહારૂલ અન્વાર, ભા. ૧૦૧, ‎પા.૫૮, હ. ૬૨)‎

એક હજાર ફરિશ્તા સાથે રહે છે:‎

એક બીજી રિવાયતમાં આ રીતે છે: જ્યારે કોઈ હઝરત ઈમામ હુસયન અ.સ.ના હક્કને ઓળખીને ‎ઝિયારતની નિય્યતથી તકબ્બુર ઘમંડ વગર ઘરેથી નિકળે છે ત્યારે એક હઝાર ફરિશ્તા જમણી બાજુએ ‎અને એક હજાર ફરિશ્તા ડાબી બાજુએ તેની સાથે સાથે રહે છે અને તેને કોઈ નબી કે વસીની સાથે એક ‎હજાર હજ અને એક હજાર ઉમરા કરવાનો સવાબ આપવામાં આવે છે. (બેહારૂલ અન્વાર, ભા. ૧૦૧, પા. ‎૯૧, હ. ૩૩)‎

આ રિવાયત રફાઆએ ઈમામ જઅફર સાદિક અ.સ.થી નકલ કરી છે.‎

જુદી જુદી રિવાયતોમાં ફરિશ્તાઓની જુદી જુદી સંખ્યા લખવામાં આવી છે તેનું કારણ કદાચ આ હોય:‎
૧) આ તફાવત ઝવ્વારની નિય્યત અને નિખાલસતા સંબંધે હોય. નિય્યત જેટલી વધુ નિખાલસ તેટલોજ ‎ફરિશ્તાઓની સંખ્યામાં વધારો થશે.‎
૨) આ સંખ્યા ઝિયારતના ખાસ સમય અંગે હોય જેમકે કોઈ અરફા (૯ ઝીલ્હજ) ના દિવસે ઝિયારત માટે ‎જાય ત્યારે એક ખાસ સંખ્યા સાથે હશે અને અરબઈનની ઝિયારતમાં જાય ત્યારે ફરિશ્તાઓની એક વધુ ‎સંખ્યા સાથે હશે. કારણકે રફાઆની રિવાયત અરફાના દિવસની ઝિયારતના અનુસંધાનમાં લખવામાં ‎આવી છે.‎
૩) આ સંખ્યાનો તફાવત ઈમામ હુસયન અ.સ.ની મઅરેફત અંગે છે. ઝવ્વારના દિલમાં ઈમામ હુસયન ‎અ.સ.ની જેટલી મઅરેફત અને મોહબ્બત હશે તેટલો વધારો ફરિશ્તાઓની સંખ્યામાં થશે. રફાઆની ‎રિવાયતમાં “આરેફન બેહક્કેહ” ની વાત પણ લખી છે.‎
૪) ઝવ્વારના ચારિત્ર્યના અંગે હોય. કારણકે આ રિવાયતમાં મઅરેફતની સાથે આ વાતની પણ ચર્ચા ‎કરવામાં આવી છે કે તે અભિમાની ન હોય. ઝિયારતની તવફીક ઘમંડ, ગર્વ અને અભિમાનના કારણે ન ‎હોય બલ્કે આ તૌફીક નમ્રતા અને વિનયમાં પરિણમવી જોઈએ.‎

આથી સ્પષ્ટ થઈ જાય છે કે ઈમામ હુસયન અ.સ.ની ઝિયારત માત્ર ગુનાહોથી પાકીઝગીનું કારણ બને છે ‎એટલુંજ નહિ બલ્કે ખરાબ સંસ્કારો અને ખરાબ આદતોમાં પણ સુધારણા કરી દે છે.‎
જ્યારે સૂરજની ગરમી અસર કરે છે:‎

સફવાન જમ્માલે હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.થી આ રિવાયત કરી છે: જ્યારે ઈમામ હુસયન ‎અ.સ.ના ઝવ્વારના ઉપર સૂર્યના કિરણો પડે છે તો તે તેના ગુનાહોને એવી રીતે ખતમ કરી દે છે જેવી ‎રીતે આગ લાકડાને ખાઈ જાય છે. સૂરજ તેના શરીર ઉપર કોઈ ગુનાહ બાકી નથી રાખતો. જ્યારે તે ‎પાછો આવે છે ત્યારે કોઈ ગુનાહ બાકી નથી રહી જતા. અને તેને તે દરજ્જાઓ આપવામાં આવે છે જે ‎રાહે ખુદાની રાહમાં ખૂન વહેવરાવનારને પણ નથી મળતો. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૯૮, બેહારૂલ ‎અન્વાર, ભાગ.૧૦૧, પા. ૧૫, હ.૧૪.)‎

જ્યારે પસીનો નીકળે છે અને થાક લાગે છે:‎

ખુદાવંદે આલમ હઝરત ઈમામ હુસયન અ.સ.ના ઝવ્વારોના પસીનાના દરેક ટીપાથી ૭૦ હજાર ‎મલાએકાને પૈદા કરે છે જે ખુદાની તસ્બીહ કરે છે અને કયામતની સવાર સુધી ઈમામ હુસયન અ.સ.ના ‎ઝવ્વારો માટે ઇસ્તેગ્ફાર કરે છે. (મુસ્તદરક, ભા.૨, પા. ૨૦૪)‎

જ્યારે ઘરેથી પગ બહાર કાઢે છે:‎

જ્યારે ઝવ્વાર ઘરેથી પગ બહાર કાઢે છે ત્યારે જે જે વસ્તુ ઉપર તેનો પગ પડે છે તે વસ્તુ તેના માટે ‎દોઆ કરે છે. (બે.અ., ભાગ.૧૦૧, પા. ૧૫, હ. ૧૪, કા.ઝી. પા. ૧૩૪). જ્યારે સવારી પર બેસી ઝિયારત ‎માટે જાય છે ત્યારે સવારીના દરેક કદમ પર એક નેકી અતા કરવામાં આવે છે અને એક ગુનાહ માફ ‎કરવામાં આવે છે. (સવાબુલ અઅમાલ, પા. ૧૧૬). બીજી એક રીવાયતમાં હ. ઈમામ સાદિક‎ અ.સ. ‎ફરમાવે છે, અમારો કોઈપણ શીયા ઈમામ હુસૈન અ.સ.ની ઝિયારત માટે જાય છે તે પાછો નથી ફરતો ‎ત્યાં સુધી કે તેના બધા ગુનાહ માફ ન થઈ જાય. એક એક પગલા પર ૧૦૦૦ નેકીઓ લખાય છે અને ‎૧૦૦૦ ગુનાહ માફ થાય છે. હજાર હાજત પૂરી થાય છે. (બેહારૂલ અન્વાર, હ.૧૦૧, પા. ૨૫, હ. ૨૬, ‎કામિલુઝ્ ઝિયારાત પા. ૧૩૪).‎

નેહરે ફુરાતમાં ગુસ્લ કરતી વખતે:‎

હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.ને એક માણસે પુછયું: જો કોઈ નેહરે ફુરાતમાં ગુસ્લ કરીને પછી ‎ઝિયારત માટે જાય તો તેને શું સવાબ મળશે?‎
ઈમામે ફરમાવ્યું, જો કોઈ નેહરે ફુરાતમાં ગુસ્લ કરીને ઝિયારત માટે જાય તો તેના ગુનાહ એવી રીતે ‎ધોવાઈ જાય છે જેવી રીતે તે હમણા તેની માના પેટમાંથી જન્મ્યો હોય. (કામિલુઝ ઝિયારત, પા.૧૮૫, ‎બે.અ. ભાગ ૧૦૧, પા. ૧૪૫).‎

ગુસ્લ કરીને ઝિયારત માટે પગે ચાલીને જવાના સમયે:‎

હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે બશીર દહ્હાનને ફરમાવ્યું: જો તમારામાંથી કોઈ નહરે ફુરાતમાં ‎ગુસ્લ કરીને ઈમામ હુસયન અ.સ.ની મઅરેફતની સાથે તેમની ઝિયારત માટે જાય તો તેના એક એક ‎પગલા પાડવા અને એક એક પગ ઉંચો કરવા માટે સો કબુલ થએલી હજ અને સો પાક ઉપરા અને ‎નબીની સાથે સો લડાઈમાં ભાગ લેવાનો સવાબ આપવામાં આવશે. (કામિલુઝ ઝિયારત પા. ૧૮૫)‎

મલાએકા સ્વાગત કરે છે:‎

આબાન બિન તબ્લગે ઈમામ જઅફર સાદિક અ.સ.થી રિવાયત કરી છે, ઈમામ અ.સ.મે ફરમાવ્યું: ઈમામ ‎હુસયન અ.સ.ની પવિત્ર કબ્ર ઉપર ચાર હજાર ફરિશ્તાઓ છે, જેમના માથાઓ ઉપર ધૂળ છે તે કયામતની ‎સવાર સુધી રડતા રહેશે. તેઓનો એક સરદાર છે જેનું નામ મન્સુર છે. જ્યારે કોઈ ઝવ્વાર ઈમામ ‎હુસયન અ.સ.ની ઝિયારત માટે આવે છે ત્યારે આ ફરિશ્તા તેનું સ્વાગત કરે છે. (કાફી, ભાગ.૪, પા. ૫૮૧)‎

ફરિશ્તાઓ માત્ર નેકીઓ લખે છે:‎

હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે અલી બિન મયમુન અસ-સાએગને ફરમાવ્યું: ઈમામ હુસયન ‎અ.સ.ની ઝિયારત કરો અને તે તર્ક ન કરો.‎
રાવીએ પૂછયું કે જો કોઈ ઝિયારત માટે જાય તો તેને શું સવાબ મળશે?‎

આપ અ.સ. એ ફરમાવ્યું: જો કોઈ પગે ચાલીને જશે તો દરેક પગલે તેના માટે એક નેકી લખવામાં ‎આવશે અને એક દરજ્જો અતા કરવામાં આવશે. જ્યારે તે ત્યાં પહોંચશે ત્યારે ખુદા તેના માટે બે ‎ફરિશ્તાને નિમશે જે તેની નેકીઓને લખતા રહેશે પરંતુ તેની બુરાઈઓ લખશે નહી. બીજી કોઈ બાબત ‎પણ નહી લખે. જ્યારે તે પાછો ફરે છે ત્યારે તેને વિદાય કરે છે અને કહે છે: એ અલ્લાહના વલી! તમારા ‎ગુનાહ માફ કરવામાં આવ્યા છે, તમે અલ્લાહના ગિરોહમાં – પક્ષમાં છો અને તેના રસુલના પક્ષમાં છો ‎અને રસુલ સ.અ.વ. ની એહલેબય્તના પક્ષમાં છો. ખુદાની કસમ તમારે આગનો સામનો નહિ કરવો પડે ‎અને ન તો તમને આગનો સ્વાદ ચાખવો પડશે. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૩૪).‎

ઝિયારતની પછી જ્યારે પાછા ફરવાનો ઈરાદો થાય છે:‎

૧) ખુદાની તરફથી સલામ આવે છે: હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.ની એક રિવાયતમાં છે: ઝવ્વાર ‎જ્યારે ઝિયારત કર્યા પછી વતન પાછા ફરવાનો ઈરાદો કરે છે ત્યારે એક ફરિશ્તો તેની પાસે હોય છે અને ‎તેને કહે છે હું તમારા ખુદાની તરફથી સંદેશો લઈને આવ્યો છું, ખુદા તમને સલામ કહે છે અને ફરમાવે ‎છે કે મેં તમારા તમામ અગાઉના ગુનાહોને માફ કરી દીધા છે નવેસરથી અમલ શરૂ કરો. (અત્-તહઝીબ, ‎ભાગ.૬, પા. ૪૩, વસાએલ, ભાગ. ૧૦, પા. ૩૪૨)‎
૨) નબી કરીમ સ.અ.વ. તરફથી સલામ આવે છે:‎
હઝરત રસુલે ખુદા સ.અ.વ. તરફથી એક ફરિશ્તો આવે છે અને આ સંદેશો પહોંચાડે છે: હઝરત રસુલે ‎ખુદા સ.અ.વ. એ તમને સલામ કહ્યા છે અને ફરમાવે છે કે ખુદાવંદે આલમે તમારા તમામ અગાઉના ‎ગુનાહો માફ કરી દીધા છે અને હવે ફરીથી અમલ શરૂ કરો. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૩૨)‎
૩) જીબ્રઈલ, મીકાઈલ અને ઈસરાફીલ સાથે સાથે હોય છે:‎
સફવાન બિન હરાન જમ્માલની રિવાયત છે: હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે ફરમાવ્યું, જે ઈમામ ‎હુસયન અ.સ.ની કબ્રની ઝિયારત કરવા જાય છે અને તેની નિય્યત નિખાલસ હોય છે ત્યારે જીબ્રઈલ, ‎મીકાઈલ અને ઇસરાફીલ તેની સાથે સાથે રહે છે ત્યાં સુધી કે તે ઘરે પાછો આવી જાય છે. (કામિલુઝ્ ‎ઝિયારાત, પા. ૧૪૫, બે.અ. ભાગ. ૧૧, પા. ૨૦)‎
૪) સાતસો મલાએકાઓ તેને વિદાય કરે છે:‎
હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ. ફરમાવે છે: જ્યારે માણસ ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની ‎નિય્યતથી પોતાના ઘરેથી નીકળે છે ત્યારે ઉપર, જમણે, ડાબે, આગળ પાછળથી સાતસો મલાએકા તેની ‎સાથે સાથે રહે છે ત્યાં સુધી કે તે પોતાના સ્થાને પહોંચી જાય છે અને જ્યારે ઈમામ હુસયન અ.સ. ની ‎ઝિયારત કરે છે ત્યારે એક મુનાદી પોકારે છે, ખુદાએ તમને માફ કરી દીધા છે હવે નવેસરથી અમલની ‎શરૂઆત કરો. પાછા ફરતી વખતે તેની સાથે તેના ઘર સુધી આવે છે અને ઘરે પહોંચીને તેને કહે છે અમે ‎તમને ખુદાને સોંપીએ છીએ અને જ્યાં સુધી જીવતા રહે છે ત્યાં સુધી તેની ઝિયારત કરતા રહે છે અને ‎દરરોજ ઈમામ હુસયન અ.સ.ની ઝિયારત કરે છે અને તેનો સવાબ તે માણસના આઅમાલ નામામાં ‎લખવામાં આવે છે. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૯૦)‎
‎(૫-૬-૭) બિમારીમાં ખબર પૂછવા આવે છે – જનાઝાની સાથે રહે છે – ઈસ્તીગ્ફાર કરે છે:‎
જો કોઈ ઝવ્વાર બિમાર થઈ જાય તો દરરોજ સવાર સાંજ તેની ખબર પૂછે છે અને જો તે મૃત્યુ પામે તો ‎તેના જનાઝામાં હાજર રહે છે અને કયામતની સવાર સુધી તેના માટે ગુનાહોની માફી માગે છે અને આ ‎સૌ હઝરત ઈમામ મહદી અ.સ.ના જાહેર થવાની રાહ જુએ છે. (ઈમામ જઅફર સાદિક અ.સ.ની રિવાયત) ‎‎(કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૯૨)‎
૮) દરવાજા ઉપર ઉભા રહીને તસ્બીહ કરે છે:‎
જ્યારે મલાએકા ઝવ્વારને તેના ઘર સુધી પાછા પહોંચાડી દે છે ત્યારે ખુદાની બારગાહમાં અરજ કરે છે કે ‎પરવરદિગાર તારો આ બંદો તારા નબીના ફરઝંદની ઝિયારત કરીને પોતાના ઘરે સલામતિથી પહોંચી ‎ગયો. હવે અમે કયાં જઈએ? આસમાનમાંથી તેઓના માટે એક અવાજ આવે છે: એ મારા મલાએકાઓ, ‎મારા બંદાના દરવાજા ઉપર ઉભા રહો અને તસ્બીહ કરતા રહો અને જ્યાં સુધી મારો બંદો જીવે ત્યાં સુધી ‎તેનો સવાબ ઝવ્વારના આઅમાલનામામાં લખતા રહો. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૦૮, બેહારૂલ અન્વાર, ‎ભાગ. ૧૦૧, પા. ૧૬૪)‎
ખુદા ખુદ રૂહ કબ્ઝ કરે છેઃ

જાબીરે જોઅફીએ હઝરત ઈમામ સાદિક અ.સ.થી રિવાયત કરી છેઃ જ્યારે ઝવ્વાર હુસયન અ.સ.ની ‎ઝિયારત કરીને પાછો ફરે છે ત્યારે આસમાનમાંથી એક મુનાદી પોકારે છે, જો તમે તેનો અવાજ સાંભળી ‎લેતે તો હંમેશા ઈમામ હુસયન અ.સ.ની કબ્ર પાસે રહેતે, તે અવાજ આ હોય છેઃ તને મુબારક થાય, તે ‎ઘણો ફાયદો મેળવ્યો, દરેક રીતે સહી સલામત બની ગયો. ખુદાએ તારા અગાઉના ગુનાહો માફ કરી દીધા ‎છે હવે ફરીથી અમલ શરૂ કર.‎

જો આ વર્ષમાં કે આ રાત્રે તે મૃત્યુ પામે તો ખુદ ખુદાવંદે આલમ તેની રૂહ કબ્ઝ કરે છે. (કામિલુઝ્ ‎ઝિયારાત, પા. ૨૦૭, બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૧, પા. ૧૬૪)‎
આ એક મોટો મોઅજીઝો છે કે ખુદા ખુદ બંદાની રૂહને કબ્ઝ કરે અને ખુદ પોતાની બારગાહમાં લઈ જાય. ‎આ મોઅજીઝો બંદાના વ્યકિતગત ગુણના કારણે નહિ પરંતુ હઝરત ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતનો ‎સદકો છે. ‎

ગુસ્લ, કફન અને દફનમાં મલાએકા હાજર રહે છે:‎

ઈમામ મોહમ્મદ બાકિર અ.સ.ની રિવાયતમાં છે: જો ઝિયારતના વર્ષમાં ઝવ્વાર મૃત્યુ પામે તો રહેમતના ‎ફરિશ્તાઓ તેના ગુસ્લ અને કફનમાં હાજર રહે છે. તેના માટે ઈસ્તિગ્ફાર કરે છે. કબ્ર સુધી તેના જનાઝામાં ‎સાથે રહે છે અને તેની કબ્ર નજર પહોંચે ત્યાં સુધી પહોળી અને વિશાળ થઈ જાય છે. (કામિલુઝ્ ‎ઝિયારાત, પા. ૧૪૩, બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૧, પા. ૧૮)‎
આપે જોયું કે જો કોઈ માણસ નિખાલસ નિય્યતથી ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતનો ઈરાદો કરે છે, ‎મુસાફરીની શરૂઆત કરે છે, એક પછી એક સ્થળો પસાર કરીને કરબલા પહોંચે છે, ઝિયારત કરે છે, પાછો ‎આવે છે તો દરેક તબક્કે અને દરેક કદમ ઉપર તેને કેવા કેવા ઈનામો અને કેવા કેવા મોઅજીઝાઓથી ‎નવાજવામાં આવે છે.‎

આ તો માત્ર કબ્રની મંઝીલ સુધીની વાત છે. બરઝખમાં, મહેશરના મૈદાનમાં, પુલે સેરાત ઉપર, જન્નતમાં ‎‎… ઝવ્વારને કઈ કઈ વસ્તુઓથી નવાજવામાં આવશે અને કેટલો બદલો અને સવાબ આપવામાં આવશે. ‎જો ખુદા તવફીક આપી અને ઈમામે ઝમાનાની મહેરબાનીઓની સાથે, આપની દોઆઓનો તેમાં ઉમેરો ‎થશે તો હવે પછી તેની ચર્ચા કરશું.‎

ખુદાની બારગાહમાં દોઆ છે કે ખુદા આપણને સૌને ભરપુર નિખાલસ નિય્યત અને ઉચ્ચ કક્ષાની ‎મઅરેફત સાથે હઝરત ઈમામ હુસયન અ.સ.ની પવિત્ર કબ્રની ઝિયારતની તક આપે અને વારંવાર આપે ‎અને કરબલાના શહિદોની જેમ આપણને સૌને પણ આપણા ઝમાનાના ઈમામ હઝરત ઈમામ મહદી ‎અ.સ.ની વફાદારી અને ખિદમત કરવાની તેમને ખુશ કરવાની અને તેમની હાજરીમાં તેમના તરફથી ‎જેહાદ કરવાની અને શહિદ થવાની ખુશ નસીબી અર્પણ કરે. આમીન.‎
‎—————————————————————————————————————————–‎‎-‎
અન અબી અબ્દિલ્લાહ અલયહિસ્સલામ કાલ: કાલ રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી: મન ‎અબગઝલ હસન વલ હુસયન જાઅ. યવ્મલ કેયામતે વ લય્સ અલા વજહેહી લહમુન વલમ તનલ્હો ‎શફાઅતી.‎
ઈમામ જઅફર સાદિક અ.સ.થી મન્કુલ છે કે રસુલે અકરમ સ.અ.વ.એ ફરમાવ્યું: જે માણસ હસન અ.સ. ‎અને હુસયન અ.સ. સાથે બુગ્ઝ કીનો રાખશે તો તે કાયમતના દિવસે એવી હાલતમાં આવશે કે ન તેના ‎મોઢા ઉપર માંસ હશે અને ન તો તેને મારી શફાઅત મળશે.‎

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *