કામિલુ અઝ્-ઝિયારાતે

Print Friendly, PDF & Email

કિતાબ “કામિલુ અઝ્-ઝિયારાત”

ફઆમેનુ બિસ્સવાદ…
જનાબે રસુલે ખુદા સ.અ.વ.એ હઝરત અલી અ.સ.ને ફરમાવ્યું: … આ તે લોકો છે જેઓ સફેદી ઉપર શાહી ને જોઈને ઈમાન લાવ્યા હશે.
ઉપર દર્શાવેલ વાકય એ સમજૂતીનો એક ભાગ છે જેમાં આખેરૂઝઝમાં એટલે ઈમામ મહદી અ.સ.ની લાંબી ગયબત અને કસોટીના સમયમાં તેમના ચાહનારાઓની ચર્ચા કરવામાં આવી છે. હઝરત રસુલે ખુદા સ.અ.વ. આ અંતિમ સમયગાળાના લોકોની વિશેષતા બયાન કરી રહ્યા છે. આપ ફરમાવે છે કે આ સમયગાળાના લોકોની સામે ન તો તેઓના નબી હશે ન તેઓના સામે તેઓના ઈમામ હશે. પરંતુ તેમ છતાં પણ તેઓના દીન અને ઈમાનમાં પુખ્તતા અને યકીન હશે. તેઓનું ઈમાન સફેદી ઉપર શાહી દ્વારા એટલે કે કિતાબો ઉપર આધારિત હશે.
આ વિશેષતા અને ખુશખબરી આપણા માટે છે તે માટે આપણને શીયાઓને જ મજબુત ઈમાન અને યકીનવાળા દર્શાવવામાં આવ્યા છે. આ બધું આપણા તે પવિત્ર આલીમોના સંશોધનનું પરિણામ છે, જેમણે આપણને ઈલ્મી કિતાબોનો ખજાનો આપ્યો છે. ખુદા તેઓના ઉપર પોતાની રહેમત ઉતારે.
જ્યારે રસુલે અકરમ સ.અ.વ.ની નજરમાં આપણી આ ફઝીલત અને મહત્વ છે ત્યારે આપણા ઉપર વાજીબ થઇ જાય છે કે આપણે કિતાબોનો અભ્યાસ કરીને આપણે પોતાને ઈલ્મની વધુ નજદિક લાવીએ. આપણે હદીસ અને તફસીરોની કિતાબોનો અભ્યાસ કરવો જોઈએ જેથી કરીને આપણું ઈમાન વધુ મજબુત થાય. આ માટે ઈન્શાઅલ્લાહ અમારી એ કોશીશ હશે, કે આવીજ એક કિતાબ જે પોતેજ ખુદ એક ઉદાહરણ છે તેનાથી હઝરત સય્યદુશ્શોહદા ઈમામ હુસયન અ.સ.ની ઓળખ કરાવીએ. આ ખાસ કિતાબનું નામ છે કામેલુઝ ઝીયારાત (ઝીયારતોનો સંપૂર્ણ સંગ્રહ).
લેખક: આ કિતાબના લેખક ચોથી સદી હિજરીના મશહુર હદીસકાર અબુલ કાસીમ જઅફર બીન મોહમ્મદ બીન જઅફર બીન મુસા બીન કવલવીયાએ કુમ્મી છે જે ઈતિાહાસમાં ઈબ્ન કવલવીયાના નામથી ઓળખાય છે. આપનો સંબંધ બેહદ ઈલ્મી અને મશહુર કુટુંબો સાથે હતો. આપના પિતા મોહતરમ જનાબ અબુ જઅફર બીન મોહમ્મદ બીન જઅફર એક મશહુર અને જાણીતા હદીસકાર અને ઉચ્ચ સ્થાન ધરાવતા ફકીહ પણ હતા. કામેલુઝ ઝીયારાતની મોટા ભાગની હદીસો તેમની પાસેથીજ લેવામાં આવી છે. આપને એટલે મોહતરમ પિતાને કુમમાં તફસીરે કુમ્મીના લેખક અલી બીન ઈબ્રાહીમ કુમ્મીની કબ્રની નજદીક દફન કરવામાં આવ્યા છે. આપના ભાઈ જનાબ અબુલ હુસયન અલી બીન મોહમ્મદ બીન જઅફર બીન મુસા બીન કવલવીયા છે અને ખુદ એક હદીસકાર છે અને તેમની પાસેથી પણ આ કિતાબમાં કેટલીય હદીસો નકલ કરવામાં આવી છે.
આવો! આ કિતાબના લેખક અંગે થોડા ઈલ્મે રેજાલના નિષ્ણાંતોના કથનોનો અભ્યાસ કરીએ. લોકો તેમને નેક, લાયકાત ધરાવનાર વિશ્વાસપાત્ર ફકીહ માનતા હતા જ્યારે તેઓ તેનાથી પણ ઉચ્ચતર હતા. (મુન્તખબે કામેલુઝ ઝીયારાત, પા. ૧૬)
હઝરત વલી અસ્ર ઈમામે ઝમાના અ.સ.ની હિદાયતો:
હિજરી ૩૩૭ માં ઈબ્ને કવલવીયાએ હજ કરવાનો ઈરાદો કર્યો અને તેમની એ તીવ્ર ઈચ્છા હતી કે ઈમામે ઝમાના અ.સ.ની ખીદમતમાં હાજર થાય. આ જ વર્ષમાં એ વાત પણ મશહુર હતી કે હજરે અસ્વદને ખાનએ કાબામાં તેની મૂળ જગ્યા ઉપર રોપવામાં આવનાર છે. કવલવીયા તે વાત જાણતા હતા કે હજરે અસ્વદ હુજ્જતે ખુદા સિવાય કોઈ રોપી ન શકે. તેમણે નક્કી કર્યું કે આ સોનેરી તક કોઈપણ રીતે પોતાના હાથમાંથી જવા ન દેશે અને ઈમામની ખીદમતમાં હાજર થશે. આ ઈરાદાથી તેમણે સફર શરૂ કરી. પણ તે બગદાદ પહોંચીને સખત બિમાર પડી ગયા અને આગળ મુસાફરી કરી ન શકયા. તેમણે ઈબ્ને હેશામ નામના માણસને આ કામ માટે નિમણુંક કરી અને એક બંધ કવર આપીને હજ માટે રવાના કર્યા. તેમણે તાકીદ કરી કે આ કવર તે માણસને આપવું જે હજરે અસ્વદની રોપણી કરે અને તેનો જવાબ જરૂર લાવે. આ પત્રમાં પૂછવામાં આવ્યું હતું કે પોતે કયાં સુધી જીવતા રહેશે. શું આ બિમારી તેમના દુનિયામાંથી જવાનું કારણ બનશે. તેમની સૂચનાનો અમલ કરીને ઈબ્ને હેશામે આ પત્ર એ માણસને આપ્યો જેમણે હજરે અસ્વદને તેની મૂળ જગ્યા ઉપર રોપી દીધો હતો. તેમણે જવાબ આપ્યો કે એ ઈબ્ને હેશામ, તેમને કહી દેજો કેઃ “આ બિમારીથી ડરશો નહિ. તમે ત્રીસ વર્ષ સુધી જીવતા રહેશો.”
ઈમામે ઝમાના અ.સ.ના પવિત્ર મુખમાંથી નીકળેલા આ વાકય મુજબ ઈબ્ન કવલવિયા હીજરી સન ૩૬૭ માં બિમાર પડયા અને તે અરસામાંજ અવસાન પામ્યા. તેમને કાઝમૈનમાં ઈમામે જવાદ અ.સ., શયખ મુફીદ ર.હ. અને શાએરે અહલેબય્ત હુસયન બીન હજ્જાજની કબ્ર પાસે દફન કરવામાં આવ્યા.
આપની લખેલી કિતાબો:
આપે ૩૦ કિતાબો લખી છે જેમાંની અમુક આ છે:
મઝાવાતુલ જસદ, અર-રખાઅ, કયામુલ લય્લ, અલ જુમ્અતો વલ જમાઅત, અસ્સલાતુલ કઝાઅ વ આદાબુલ હુક્કામ, બયાન; હલલ બહયવાન મીન મોહરરમહ, અલ અદદ, અસ્સેદાક વિગેરે.
પરંતુ શીયા જગતમાં આપને આપની અમુલ્ય કિતાબ કામેલુઝ ઝીયારાતના કારણે ઓળખવામાં આવે છે. આ કિતાબ અરબી ફારસીમાં તરજુમાની સાથે મૌજુદ છે. જેને તાજેતરમાં ઈન્તેશારાતે પયામે હકે પ્રકાશિત કરેલ છે. તેનો ફારસી તરજુમો સય્યદ મોહમ્મદ જવાદ ઝહની તેહરાનીએ કર્યો છે. તેના કુલ ૧૦૮ ભાગ છે. જેમાંના ૭૪ ભાગ સય્યદુશ્શોહદા હઝરત ઈમામ હુસયન અ.સ. વિશે છે. ઈન્શાઅલ્લાહ આ જ અમારી ચર્ચાનો વિષય હશે. બીજા પ્રકરણોમાં રસુલે ખુદા સ.અ.વ.ની ઝીયારતો અને અન્ય ઈમામોની ઝીયારતો છે. આ કિતાબમાં ઈમામે હુસયન અ.સ. વિશે જુદા જુદા વિષયો જેમકે આપની શહાદત ઉપર ગમ મનાવવો, આપના મુબારક રોઝાની ઝીયારત કરવી અને તેની રીત, આપની શહાદત ઉપર દરેક પ્રસંગે આહો ઝારી, વિગેરે વિગતો છે.
અહિં સંક્ષિપ્તમાં ઈમામ હુસયન અ.સ.ની મહત્તા અને ઉચ્ચતા સમજી શકાય તે હેતુથી અમુક વિષયો ઉપર પ્રકાશ પાડવાની કોશીશ કરશું.
૧) હઝરત ઈમામ હુસયન ઈબ્ને અલી અ.સ. ઉપર દરેક પ્રસંગે રૂદન:
હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે ફરમાવ્યું: જીન્નાત અને ઈન્સાન, પશુઓ અને પક્ષીઓ હઝરત હુસયન બીન અલી અ.સ. ઉપર આહોઝારી કરે છે ત્યાં સુધી કે તેઓની આંખોમાંથી આંસુઓ વહેવા લાગે છે. (ભાગ ૩૬, હ.૧, પા. ૨૫૧)
જ્યાં આ હદીસ ઈમામ હુસયન અ.સ. ઉપર રડવાનું મહત્વ દર્શાવે છે ત્યાં રડવાને જે લોકો શીર્ક અને બીદઅત કહે છે તેઓના જૂઠના નકાબને પણ ઉતારી નાખે છે. કારણકે જ્યારે આખી દુનિયા હઝરત ઈમામ હુસયન અ.સ. ઉપર રૂદન કરી રહી છે તે અલ્લાહની સુન્નત સમાન છે અને અલ્લાહની સુન્નત બીદઅત ન હોઈ શકે.
૨) ઈમામ હુસયન અ.સ.ના કાતિલો ઉપર કબુતરોએ લઅનત કરવી:
ઈમામ સાદિક અ.સ.ના સહાબી દાઉદ બીન ફરકદ ફરમાવે છે કે ઈમામ અ.સ.ના ઘરમાં એક કબુતર લાંબા સમય સુધી સતત અવાજ કરી રહ્યું હતું. ઈમામ જઅફર સાદિક અ.સ.એ મારી સામે જોઈને કહ્યું: એ દાઉદ! તમે જાણો છો કે આ કબુતર શું કહી રહ્યું છે? મેં કહ્યું: મારી જાન આપ ઉપર કુરબાન થાય, હું નથી જાણતો. ઈમામ અ.સ. ફરમાવે છે કે આ હુસયન બીન અલી અ.સ.ના કાતીલો ઉપર લઅનત મોકલે છે. તેને તમારા ઘરે લઈ જાવ. (ભાગ ૩૦, હ. ૨, પા. ૩૧૬)
આ મામુલી પક્ષીનો આ અમલ આપણું ધ્યાન તે તરફ દોરે છે કે આપણે પણ આ કાર્ય કરીએ એટલે કે આપણે પણ ઈમામ હુસયન અ.સ.ના કાતીલો ઉપર લઅનત મોકલીએ.
૩) ઈમામ હુસયન અ.સ. ઉપર રૂદનનો બદલો:
અબુ અબ્દુલ્લાહે ફરમાવ્યું: જો કોઈની સામે અમારા મસાએબનું વર્ણન કરવામાં આવે અને તેની આંખમાં માખીની પાંખ જેટલા આંસુ આવે તો તેના તમામ ગુનાહ માફ કરવામાં આવશે પછી ભલેને તે સમુદ્રના ફીણ જેટલા પણ કેમ ન હોય. (ભાગ ૩૨, હ. ૮, પા. ૩૩૫)
ઈમામ હુસયન અ.સ. ઉપર ઝુલ્મ કરવામાં આવ્યા છે તે યાદ કરીને જો આંખોમાં માખીની પાંખ જેટલા આંસુ નીકળે તો આ તમામ ગુનાહોની બક્ષીશનું કારણ બને છે, તેથી એ હકીકત સ્પષ્ટ થઈ જાય છે કે ઈમામ હુસયન અ.સ. ઉપર જે ઝુલ્મો કરવામાં આવ્યા છે તે એટલા સખત હતા કે સામાન્ય માનવી જ્યારે વિચારે છે ત્યારે તેની આંખમાંથી આંસુ સરી પડે છે.
૪) ઈમામ હુસયન અ.સ.ની મુસીબત જે કોઈ પણ બયાન કરીને રડે અથવા બીજાને રડાવે તેનો બદલો અને સવાબ:
હઝરત અબુ અબ્દુલ્લાહ અ.સ.એ અબુ હારૂનને ફરમાવ્યું: એ અબુ હારૂન, તે માણસ જે ઈમામ હુસયન અ.સ.ની મુસીબત ઉપર મરસીયો કહે, ખુદ રડે અને બીજાને રડાવે તેના ઉપર જન્નત વાજીબ છે. જે ઈમામ હુસયન અ.સ.નો મરસીયો પડીને ખુદ રડે અને તેના તે રૂદનમાં બીજા લોકો પણ ભળે તો જન્નત બન્ને ઉપર વાજીબ થઈ જાય છે. જ્યારે કોઈ ઈમામ હુસયન અ.સ.નો ઝીક્ર સાંભળે છે ત્યારે તેની આંખોમાંથી આંસુ આવી છે, પછી ભલે તે માખીની પાંખ જેટલા પણ કેમ ન હોય, તેનો બદલો ખુદાવંદે આલમ ઉપર છે અને તે અલ્લાહ જન્નત સિવાય બીજો કોઈ બદલાથી રાજી ન થશે.
૫) પાણી પીતી વખતે ઈમામ હુસયન અ.સ.ની પ્યાસને યાદ કરવી અને તેમના કાતીલો ઉપર લઅનત મોકલવાનો સવાબ:
ઈમામ સાદિક અ.સ. તેમના સહાબી દાઉદને ફરમાવે છે: એ દાઉદ, ઈમામ હુસયનના કાતીલો ઉપર લઅનત મોકલો એટલા માટે કે કોઈ એવો બંદો નથી જે ઈમામ હુસયન અ.સ.ની પ્યાસને યાદ કરીને પાણી પીતી વખતે તેમના કાતીલો ઉપર લઅનત કરે, પરંતુ અલ્લાહ તેના આમાલનામામાં એક લાખ નેકીઓ લખે છે, તેના એક લાખ ગુનાહોને ખતમ કરી દે છે અને તેના એક લાખ દરજ્જાઓમાં વધારો કરે છે અને એક લાખ લોકોને ગુનાહોથી આઝાદ કરે છે અને ખુદાવંદે આલમ મહેશરના દિવસે તેના દિલને સાંત્વન અને રાહત આપશે. (ભાગ ૩૪, હ. ૧, પા. ૩૪૬)
માણસ જો અલ્લાહની ખુશ્ નુદી, બદલો અને સવાબ ચાહે તો તેણે ઈમામ હુસયન અ.સ., તેમના કુટુંબીજનો અને તેમના અસહાબોની તરસની તીવ્રતાને યાદ કરતો રહે.
૬) ઈમામ હુસયન અ.સ.ના પવિત્ર રોઝાની ઝીયારત કરનાર બીજાની શફાઅત કરશે:
ઈમામ સાદિક અ.સ. ફરમાવે છે: ઈમામ હુસયન અ.સ. ના પવિત્ર રોઝાની ઝીયારત કરનાર સો જહન્નમીઓની શફાઅત કરાવશે.
૭) ઈમામ હુસયન અ.સ.ના પવિત્ર રોઝાની ઝીયારત કરનારાઓની ફઝીલત અને ફરિશ્તાઓની ઈબાદતનો સવાબ:
ઈમામ સાદિક અ.સ. ફરમાવે છે: સીત્તેર હજાર ફરિશ્તાઓ ઈમામ હુસયન અ.સ. ની મુબારક કબ્રની પાસે ઈબાદત કરતા રહે છે. તેઓની દરેક નમાઝ ઈન્સાનોની એક હજાર નમાઝની બરાબર છે. આ સીત્તેર હજાર ફરિશ્તાઓની નમાઝોનો બદલો અલ્લાહ તઆલા ઈમામ હુસયન અ.સ.ની કબ્રની ઝીયારત કરનારાઓને આપશે. અલ્લાહ તઆલા, ફરિશ્તાઓ અને ઈન્સાન ઈમામ હુસયન અ.સ.ના કાતીલો ઉપર હમેશા લઅનત કરતા રહે છે. (ભાગ ૪૨, હ. ૧, પા. ૩૯૩)
આ થોડી હદીસો એક ટીપા જેટલી છે, મહાસાગાર જેટલી વિશાળ હદીસોમાં, જે મહત્વ અને ફઝીલત ઈમામ હુસયન અ.સ. ઉપર પ્રકાશ પાડે છે અને સ્વાભાવિક છે કે એક ટીપું તરસને છીપાવી શકતું નથી તેથી કામેલુઝ ઝીયારાત કિતાબમાં જે વિષયોની ચર્ચા કરવામાં આવી છે તેમાંની અમુકની નોંધ નીચે મુજબ કરીએ છીએ.
– ઈમામ હુસયન અ.સ.ની શહાદતની જીબ્રઈલ અ.સ. મારફતે રસુલે ખુદા સ.અ.વ.ની આગાહીઓ.
– ઈમામ હુસયન અ.સ.ના કાતીલો ઉપર અગાઉના અંબીયાઓની લઅનતો.
– ઈમામ હુસયન અ.સ.ની શહાદત ઉપર જમીન અને આસમાનનું રડવું.
– ઈમામ હુસયન અ.સ. ની શહાદત ઉપર જીન્નાતોના મરસીયા.
– હદીસોથી ઈમામ હુસયન અ.સ.ના સય્યદુશ્શોહદા હોવાની દલીલ.
– અંબીયાઓએ ઈમામ હુસયન અ.સ.ની કબ્રની ઝીયારત કરવી.
– ઈમામ હુસયન અ.સ.ની કબ્રના ઝવ્વારો માટે રસુલ સ.અ.વ.ની ઈબાદત.
– ઈમામ હુસયન અ.સ.ની ઝીયારત માટે ખર્ચ કરવાનો સવાબ.
– ઈમામ હુસયન અ.સ.ની ઝીયારત બધા આમાલો કરતા વધુ સારી.
– ઈમામ હુસયન અ.સ.ની ઝીયારત અને બીજા ઈમામોની ઝીયારત રસુલે ખુદા સ.અ.વ.ની ઝીયારતની બરાબર.
– ઈમામ હુસયન અ.સ.ના ઝવ્વારો જન્નતમાં પહેલા જશે.
– ઈમામ હુસયન અ.સ.ની ઝીયારત ગુનાહોને ખત્મ કરી દે છે.
– ઈમામ હુસયન અ.સ.ની ઝીયારત એક હજ અને એક ઉમરાની બરાબર છે.
– અરફાતના દિવસે ઈમામ હુસયન અ.સ.ની ઝીયારતનો સવાબ.
– કરબલાની ફઝીલત અને ઈમામ હુસયન અ.સ.ની ઝીયારત.
– ઈમામ હુસયન અ.સ.ની કબ્રની માટી શફા અને સાંત્વનનું માધ્યમ.
– ઘરેથી ઈમામ હુસયન અ.સ.ની ઝીયારત પઢવાનો મરતબો.
આ ઉપરાંત બીજા પણ વિષયો છે જે અમે આ લેખમાં લખી નથી શકયા. જે લોકો વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેઓએ તેનો અભ્યાસ કરવો જોઈએ. આ કિતાબ સહેલાઈથી મેળવી શકાય છે.
અમે ખુદાવંદે આલમને દોઆ કરીએ છીએ કે આપણને આ કિતાબ થકી વધુ જ્ઞાન મેળવવાની તૌફીક આપે અને આ લાંબી ગયબતના સમયમાં આપણા ઈમાનને વધુ મજબુત કરે. ખુદાવંદે કરીમ ઈમામ મહદી અ.સ.ને જલ્દીથી જાહેર કરે, આપણી ગણતરી તેમના ગુલામોમાં કરે, આપણને ઈમામ હુસયન અ.સ.ના કાતીલોનો બદલો લેવાની શકિત આપે અને આપણને એ સ્થાન અતા કરે જેથી ખુદાવંદે આલમ રાજી થાય.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *