Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૩

આશુરાએ હુસૈનીના ન કહેલા પાસાઓ

Print Friendly

આશુરા શબ્દ સાંભળતા જ ઇમામ હુસૈન(અ.સ.)અને તેમના અસ્હાબની કુરબાની નજરોની સામે આવી જાય છે. અને બીજી તરફ અલ્લાહના માટે કુરબાની દેવાનો જઝબો અને શોખ પૈદા થાય છે. અને કદાચ આ જ તે અગત્યનું કારણ છે અને આ જ એ રહસ્ય છે જેના માટે એહલેબૈત(અ.મુ.સ.)એ દરેક ઝમાનામાં આ કોશિશ કરી છે કે આશુરા જીવંત અને ઝળહળતુ રહે.
આજે આપણી પાસે ખાસ કરબલાના વિશે સેંકડો મકતલની કિતાબો મળી આવે છે. એના વિશે એમ તો નથી કહી શકતા કે તમામના તમામ ઇલ્મે રેજાલના મેયાર પર ખરા ઉતરે છે પરંતુ એ વાત તેની જગ્યાએ સો ટકા સહીહ છે કે તેમાંથી ઘણી બધી રિવાયતો અને હદીસો સો ટકા આશુરાના બનાવની તસ્વીર છે અને આ તમામ એહલેબૈત (અ.મુ.સ.) અને તેમના માનવાવાળાઓની કોશિશોનું પરિણામ છે. નહિંતર આપણે જ્યારે ઈતિહાસના પાનાઓ ફેરવીએ છીએ તો એક બાજુ આપણને આશુરાની અઝમત અને મહાનતાને બતાવવાવાળા લોકો નજરે પડે છે તો બીજી તરફ આશુરાની અઝમત ઓછી કરવા અને આશુરાને ઇતિહાસમાંથી ભુંસવાવાળા લોકો પોતાની પુરી શક્તિને વાપરતા નજરે આવે છે. આ લેખમાં એ બંને પહેલુઓ પર એક ઉડતી નજર નાખવાની એક અદના કોશિશ કરવામાં આવી છે. (નોંધ: વાતને શરૂ કરતા પહેલા એ હકીકતનો સ્વિકાર જરૂરી છે કે એહલેસુન્નતના આલિમો અને સુફીઓમાં એવા લોકોની સંખ્યા ઘણી છે જે ઇમામ હુસૈન(અ.સ.)ની મોહબ્બતથી તરબોળ છે અને યઝીદથી બેઝાર છે. તેઓ યઝીદને કાતિલ માને છે, લઅનતને પાત્ર ગણે છે, તેમજ ઇમામ હુસૈન(અ.સ.)ના ઝિક્રને તેમની શહાદતના ઝિક્રને પોતાના માટે ફખ્ર અને નજાતનો સામાન ગણે છે. પરંતુ અમુક એવા પણ છે જે શહાદત અને મસાએબના ઝિક્રને સારૂ નથી ગણતા. નીચે એમાંથી અમુકનો ઉલ્લેખ છે. નહિતર મોટાભાગના લોકો ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીમાં શરીક થાય છે.)
(૧) ઇરફાન અને તસવ્વુફનો રસ્તો:
શૈખ અબ્દુલ કાદર જીલાની, એહલે સુન્નતના ઉચ્ચ દરજ્જાના આલિમ અને સુફી માનવામાં આવે છે. બગદાદમાં તેમની કબ્ર ઝિયારતગાહ બનેલી છે. તેઓ એહલે સુન્નત પર થવાવાળા વાંધાઓનો ઝિક્ર કરતા કહે છે:
કદ્ તઅન કવ્મુન અલા મન હાઝા સામ અલ્ યવ્મ અલ અઝીમ. વ મા વરદ ફીહે મેનત્તઅઝીમે વ ઝઅમુ અન્નહુ લા યજૂઝો સેયામહુ લે અજલે કત્લીલ હુસૈન ઇબ્ને અલી રઝેયલ્લાહો અન્હોમા ફીહે. વ કાલુ યન્બગી અન તકુનલ અલ મુસીબતો ફીહે આમ્મતન લે જમીઇન્નાસે લેફકદેહી ફીહે વ અન્તુમ તત્તખેઝૂનહુ યવ્મ ફરહીન વ સોરૂરીન વ તઅમોરૂન ફીહે બીત્તવ્સેઅતે અલલ અયાલે વન્નફકતીલ કસીરતે વસ્સદકતે અલલ ફોકરાએ વઝ ઝોઅફાએ વલ મસાકીને વ લય્સ હાઝા મિન હક્કીલ હુસૈન અલા જમાઅતેહીલ મુસ્લેમીન.
“અમૂક લોકો એહલે સુન્નત પર એઅતેરાઝ કરે છે કે શા માટે આશુરાના દિવસે રોઝા રાખે છે, આ કામ સહીહ નથી, કારણકે તે દિવસે હુસૈન ઇબ્ને અલી(અ.સ.) શહીદ થયા છે અને યોગ્ય છે કે મુસીબતના દિવસે (રસૂલ (સ.અ.વ.)ના ફરઝંદની શહાદતના દિવસે) તમામ લોકો અઝાદારી કરે, જ્યારે કે તમે એહલે સુન્નત લોકો શા માટે તે દિવસને ખુશી અને જશ્નનો દિવસ ગણો છો? અને લોકોને ખુશી મનાવવા નવા કપડા પહેરવા અને ઇદના સંબંધિત સારૂ ખાવાની દાવત આપો છો? આપ લોકોનું આ કામ સહીહ નથી.
પછી પોતે જવાબ આપતા લખે છે કે…
વ હાઝલ કાએલો ખાતેઇ વ મઝહબોહૂ કબીહુન ફાસેદુન લે અન્નલ્લાહ તઆલા ઇખ્તારલે સિબ્તે નબીય્યેહી (સ.અ.વ.) અશ્શહાદત….યવ્મો આશુરાહ લા યુત્તખઝો યવ્મો મુસીબતીન લે અન્ન યવ્મ આશુરહ અંય યુત્તખઝો લય્સ બે અવ્લા મિન અંય્ યુત્તખઝો યવ્મો મવ્તેહી ફરેહુન વ સોરૂરૂન
“આવુ માનનારાએ ભૂલ કરી છે, અને તેનો અકીદો ગલત અને ખરાબ છે, કારણકે અલ્લાહ તઆલાએ પયગમ્બર (સ.અ.વ.)ના નવાસા માટે શહાદતને પસંદ કરી છે… અને આશુરાના દિવસને મુસીબતનો દિવસ ગણવો ન જોઇએ કારણકે આશિક પોતાના માશૂકની પાસે પહોંચી ગયો છે. એટલા માટે આ દિવસ ખુશીનો દિવસ ગણવો જોઇએ.
અબ્દુલ કાદિર જીલાની આગળ લખે છે …
વ લવ જાઝ અન નત્તખેઝ યવ્મ મવ્તેહી યવ્મ મુસીબતીન્ લ કાન યવ્મુલ ઇસ્નૈને અવ્લા બે ઝાલેક એઝા કબઝલ્લાહો તઆલા નબીય્યહૂ મોહમ્મદન્(સ.અ.વ.) ફીહે વ કઝાલેક અબુબકર સીદ્દીક કોબેઝ ફીહે.
“અગર આશુરાના દિવસને ગમ અને અઝાદારીનો દિવસ ગણવો હોય તો બેહતર એ છે કે સોમવારના દિવસને અઝાદારીઓ દિવસ ગણવો જોઇએ, કારણકે નબીએ અકરમ (સ.અ.વ.) અને અબુબકર સીદ્દીકની રૂહો આ દિવસે કબ્ઝ કરવામાં આવી છે.
(સ્પષ્ટતા: કમઝોર યથાર્થતા પર તઅસ્સુબની શાહી એ જોવાની શક્તિ અને બસીરત બંન્ને છિનવી લીધી.)
(૨) તકવા અને પરહેઝગારીનો તરીકો:
ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતમાં શંકા અને કુશંકા પૈદા કરવા માટે અમૂક લોકો તકવા અને પરહેઝગારીનો રસ્તો અપનાવે છે. ગઝાલી પોતાની કિતાબ અહ્યાઉલ ઓલુમુદ્દીનમાં તકવા અને પરહેઝગારીનું બહાનું બનાવીને કોશીશ કરે છે કે ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીનું મહત્વ ઘટાડી દેય, તે લખે છે કે પ્રથમ તો ઇમામ હુસૈન(અ.સ.)નું કત્લ યઝીદથી મનસુબ હોય અને યઝીદ કાતીલ છે એ સાબિત નથી. અને બીજુ એ કે ઇમામ હુસૈન(અ.સ.)નો કાતિલ ગમે તે હોય કદાચ મરવા પહેલા તૌબા કરી લીધી હોય. આ કારણે ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલ પર લઅનત મોકલવી જાએઝ નથી. (આને ગભરાટ કહે છે.)
(અહ્યાઉલ ઓલુમુદ્દીન, ભાગ:૩ પાના:૧૨૫)
અને આગળ લખે છે કે:
‘ઇન્સાફની વાત તો એ છે કે અઝાદારી કરતા અલ્લાહનો ઝિક્ર બહેતર છે, એટલેકે ‘લા એલાહ ઇલ્લલ્લાહ’. ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો ઉપર લઅનત કરવા કરતા ‘લા એલાહ ઇલ્લલ્લાહ’ કહેવુ બેહતર છે.
(૩) આશુરાનો મૂળથી ઇન્કાર અથવા જુઠલાવવુ:
ઇબ્ને તૈમીયા આશુરાનો ઇન્કાર કરવા માટે આ રીત અપનાવે છે અને તે કહે છે કે યઝીદે હરગીઝ ઇમામ હુસૈન (અ.સ.)ને કત્લ નથી કર્યા, અને ન તો તેણે એહલેબૈત (અ.મુ.સ.)ને કૈદી બનાવ્યા, અને આ બાબતો એકદમ જૂઠ છે. તે આ રીતે લખે છે કે…
ઇન્ન યઝીદ લમ્ યઅ્મુર બે કતલીલ હુસૈને બે ઇત્તેફાકે અહલીન્નકલે વલાકિન અન્ન ઇબ્ન ઝિયાદ અન્યમ્નઅહૂ અન્ વલાયતિલ્ અરાકે વલ હુસૈને રઝેયલ્લાહો અન્હો કાન યઝુન્નો અન્ન અહ્લિલ્ અરાકે યન્સોરૂનહૂ…ફ કાતલૂહો હત્તા કોતેલ શહીદન્ મઝ્લૂમન્ રઝેયલ્લાહો અન્હો.
વલમ્મા બલગ ઝાલેક યઝીદ અઝ્હરત્ તવ્જઅ અલા ઝાલેક વ ઝહરલ્ બુકાઅ ફી દારેહી વ લમ્ યસુબ્બ લહુ હરીમન્ અસ્લન્ બલ્ અક્રમ અહલબૈતેહી વ અજાઝહુમ્ હત્તા રદ્દહુમ્ એલા બલદેહીમ્
(મિન્હાજુસ્ સુન્નત, ભાગ:૪, પાના: ૪૭૨)
“ચોક્કસ યઝીદે ઇમામ હુસૈન(અ.સ.)ને કત્લ કરવાનો હુકમ આપ્યો ન હતો (અને તમામ ઓલમાઅ, રાવી અને ઇતિહાસકારો) આ બાબતે એક મત છે કે યઝીદે ફક્ત ઇબ્ને ઝિયાદને પત્ર લખ્યો હતો કે તંમ ઇમામ હુસૈન(અ.સ.)ની હુકુમત ઇરાકમાં સ્થાપિત થવા દેજે નહી.
તેઓ ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે જંગ કરવા તૈયાર થઇ ગયા ત્યાં સુધી કે તેઓએ ઇમામ હુસૈન(અ.સ.)ને મઝલુમીય્યત પૂર્વક શહીદ કરી દીધા અને જ્યારે આ ખબર યઝીદ સુધી પહોંચી તો તે ખુબ જ નારાજ થયો અને તે રોવા લાગ્યો અને તેણે હરગીઝ એહલેબૈત(અ.મુ.સ.)ને કૈદી નથી બનાવ્યા પરંતુ તેમને ઇઝ્ઝત અને એહતેરામની સાથે તેમના શહેરમાં મોકલી દીધા.
અને આગળ તે લખે છે:
લય્સ મા વકઅ મીન્ ઝાલેક બે અઅ્ઝમે મીન્ કત્લીલ્ અંબિયા…. વ કતલુન્ નબીય્યે અઅ્ઝમો દુનયા વ મુસીબતન
(મિન્હાજુસ્ સુન્નત, ભાગ:૪, પાના: ૫૫)
“હુસૈન ઇબ્ને અલી(અ.સ.)ના કત્લની મુસીબત અને ગુનાહ અંબિયાથી વધીને તો નથી ને તો પછી આવો અંબિયાની શહાદત પર ગીરયા અને માતમ કરીએ.
વાંચકો! આપે જોયું કે એહલે સુન્નતના ઓલમા જુદા જુદા પ્રયુક્તિ અને બહાનાથી આશુરાનું મહત્વ ઘટાડવા માટે હંમેશા કોશિશમાં રહે છે અને આજે પણ અલગ અલગ અંદાજમાં તેઓ કાર્યરત છે. ક્યારેક બીદઅત અને હરામ હોવાનો ફતવો આપીને તો ક્યારેક અયોગ્ય એઅતેરાઝથી આશુરાની એહમીયત ઓછી કરવા ચાહે છે. હવે દરેક ન્યાયપ્રિય શખ્સના દિમાગમાં આ સવાલ પૈદા થાય છે કે શા માટે તેઓ આ મહાન બનાવને જુઠલાવી રહ્યા છે. તેનો સીધો જવાબ એ છે કે અઝાદારી એક ઇન્કેલાબી નારો છે જેનું તીર મોઆવીયા, મોઆવીયાના અસ્હાબની છાતીને વિંધી નાખે છે. અગર આપણે વારંવાર ઇમામ હુસૈન(અ.સ.)નું નામ લેશું તો દરેક વ્યક્તિની જીભ પર આ સવાલ આવશે કે કોણે ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લના કારણો પુરા પાડ્યા તો ચોક્કસ મોઆવીયા ઇબ્ને અબી સુફયાનનું નામ આવશે. એટલા માટે આ લોકો આશુરાની વિરૂધ્ધ છે અને તેને જુઠલાવે છે. જેથી તે સહાબાને બચાવી શકે જે મોઆવીયા અને યઝીદની જેવા છે અને જેઓએ યઝીદની બયઅત કરી હતી. હવે અગર તેઓને બચાવવા હોય તો આશુરાનો ઇન્કાર જરૂરી છે અને આ બાબત આપ સુન્ની આલીમોની જીભ પર ક્યાકને ક્યાક જોઇ શકો છો.
દા.ત. યઝીદ ઉપર થવાવાળા એઅતેરાઝના વિશે અબ્દુલ મુગીસ હમ્બલ બગદાદી લખે છે કે તેના બાપના એહતેરામમાં તેને કાઇ ન કહેવું જોઇએ!!! હા, બેશક આપણે કહેવું ન જોઇએ. કારણ કે યઝીદ(લ.અ.) શરાબમાં ડુબેલો રહેતો અને પોતાના જ મહેરમની સાથે નિકાહ કરતો હતો. આ રીતે તફતાઝાનીને જોઇએ કે યઝીદ(લ.અ.)ના બચાવમાં લખે છે કે:
ફ ઇન્ કીલ ફ મીન્ ઓલમાઈલ્ મઝ્હબે મન્ લમ્ યજુઝઅલલઅન અલા યઝીદ મઅ ઇલ્મેહીમ્ બે અન્નહુ સયહક્કો મા યરબુ અલા ઝાલેક વ યઝીદ. કુલ્ના લહુ તહામેયન મીન્ અન્ યર્તકેય એલલ અઅલા ફલ અઅલા.
અગર લોકો કહે કે મઝહબના ઓલમા યઝીદ ઉપર લાનતને જાએઝ નથી ગણતા જ્યારે કે આપ જાણો છો કે તે લાનતનો હકદાર છે તો તે લોકો લાનતના વધારે હકદાર છે. કારણ કે યઝીદ પર લાનત કરવાથી રોકે છે. આ રીતે આ સિલસિલો આગળ સુધી જશે.
(શર્હે મકાસીદ, ભાગ: ૫, પાના: ૩૧૦)
તેના જવાબમાં કહે છે કે યઝીદ પર લાનતથી એટલા માટે રોકુ છું કે ક્યાક આ લાનત તેના બાપ સુધી ન પહોંચી જાય અને બાપથી બુઝુર્ગો સુધી ન પહોંચી જાય.
આશુરા પર થવાવાળા વાંધાઓમાં એક વાંધો એ છે કે ઇમામ હુસૈન(અ.સ.)ને ખુદ શીયાઓએ પત્રો લખીને બોલાવ્યા અને પછી તેઓને શહીદ કરી દીધા અને કત્લ કર્યા પછી આજ સુધી રોવે છે?! અત્યાર સુધીમાં આ વાંધાનો જવાબ હજાર વખત અને હજાર તરીકાથી આપી દેવામાં આવ્યો છે, કારણ કે વાંધો દરેક ઝમાનામાં શબ્દોને અને અંદાજને બદલીને કરવામાં આવે છે. એટલે તેનો જવાબ પણ હંમેશા દેવામાં આવવો જોઇએ. તેનો બેહતરીન જવાબ ખુદ સુન્ની લોકોની કિતાબોમાં મૌજુદ છે અને ખુદ સય્યદુશ્શોહદા(અ.સ.)ના કલામમાં પણ તેનો જવાબ હાજર છે. દા.ત. તબરી પોતાની સનદથી નકલ કરે છે કે ઇબ્ને ઝીયાદના લશ્કરમાં યઝીદ ઇબ્ને મઅકલ ઇમામ હુસૈન(અ.સ.)નો દુશ્મન હતો. બુરૈર ઇબ્ને ખુઝૈર જે કુફા શહેરના મશ્હુર કુર્આનના આલિમ હતા અને ઇમામ હુસૈન(અ.સ.)ના જાંનીસારો માંથી હતા, તેને કહે છે કે જુઓ અલ્લાહે તમારી કિસ્મતમાં આ દિવસ લખેલો હતો. બુરૈર હમદાનીએ જવાબ આપ્યો: ખુદાવંદે આલમે મારી કિસ્મતમાં ખુશનસીબી અને નેકી સિવાય કાંઇ નથી લખ્યું અને તારી કિસ્મતમાં બદબખ્તી અને હલાકત સિવાય કાંઇ નથી લખ્યું. યઝીદ ઇબ્ને મઅકલ કહે છે: તું જુઠ બોલી રહ્યો છે તું આના પહેલા પણ જુઠ બોલતો હતો. શું તને યાદ છે કે જ્યારે તમે બની લોઝાનના કબીલામાંથી આ પ્રકારનું જુઠ ઉસ્માનના માટે બકતા હતા અને મોઆવીયાને ગુમરાહ તેમજ ગુમરાહ કરવાવાળો દર્શાવતા હતા અને અલ્લાહને પોતાના બરહક પેશ્વા તેમજ હિદાયત કરવાવાળા દર્શાવતા હતા. બુરૈરે જવાબ આપ્યો: હું ગવાહી આપુ છું કે મારો અકીદો અને મારી માન્યતા આ જ છે જે તું કહી રહ્યો છે.
યઝીદ ઇબ્ને મઅકલ કે જે જાણતો હતો કે તે અલી(અ.સ.)ની વિલાયત ઉપર ઇમાન ધરાવે છે આથી તેણે કહ્યું હું પણ ગવાહી આપુ છું કે તું ગુમરાહોમાંથી છો. બુરૈરે કહ્યું: શું તું પ્રથમ મુબાહેલા અને પછી મારી સાથે જંગ કરવા તૈયાર છો? યઝીદ ઇબ્ને મઅકલ: હા, તે સમયે બન્ને આગળ વધ્યા અને જંગ કરવા પહેલા હાથોને બુલંદ કર્યા અને દુઆ કરી કે જુઠા પર લાનત થાય અને અલ્લાહથી ચાહ્યુ કે જે હક ઉપર હોય તેને કામયાબ કરે અને જે બાતીલ ઉપર હોય તેનું વુજુદ મીટાવી દે અને પછી જંગની શરૂઆત થાય છે અને બુરૈર યઝીદ ઇબ્ને મઅકલને કત્લ કરી દે છે.
(તારીખે તબરી, ભાગ: ૫, પાના: ૪૩૧-૪૩૩)
આ વાકેઆથી ખ્યાલ આવે છે કે આશુરાના દિવસે જંગ અલી(અ.સ.) અને ઉસ્માનની હક્કાનીયત તેમજ અલી (અ.સ.) તથા ઉસ્માનની માન્યતાની વચ્ચે હતી. મુબાહેલાના પરિણામે અલી(અ.સ.)ના પૈરવકાર બુરૈર સફળ થાય છે. હવે હું એઅતેરાઝ કરવાવાળાને એક સવાલ કરવા ચાહું છું. શું યઝીદ ઇબ્ને મઅકલ શીઆ હતો? જ્યારે કે તે પોતાની ઝબાનથી કહી રહ્યો છે કે હું બની ઉમય્યા અને ખાસ કરીને ઉસ્માન અને મોઆવીયાનો પૈરવકાર છું.
આ જ રીતે તબરી એક અન્ય બનાવનું વર્ણન કરે છે: કહે છે કે જ્યારે નાફેઅ ઇબ્ને હીલાલ ઇમામ હુસૈન(અ.સ.)ના સિપાહીઓમાંથી જંગ કરવા માટે નીકળે છે, રજઝ પડી અને ફરમાવ્યું કે અલી(અ.સ.)ના દીન પર અકીદો રાખુ છું. ઇબ્ને ઝીયાદના લશ્કરમાંથી મઝાબીલ ઇબ્ને હરીસ નામનો એક શખ્સ લડવા માટે આવ્યો અને નાફેઅના જવાબમાં કહ્યું હું પણ ઉસ્માનના દીન પર અકીદો રાખું છું.
(તબરી, ભાગ: ૫, પાના: ૪૨૫)
ઇબ્ને જવઝી પોતાની કિતાબ કામિલુત્તારીખમાં નાફેઅના આ રજઝનો ઉલ્લેખ કરે છે પરંતુ નાફેઅની સામે આવનાર દુશ્મનનો જવાબ નથી લખતો, શા માટે? એટલા માટે કે કોઇને ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોની ખબર ન પડી જાય. અને સદીઓ પછી આ કહી શકાય કે મઆઝલ્લાહ, મઆઝલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો ખુદ શીઆ જ હતા.
આ રીતે ઇતિહાસકારો લખે છે કે ઇબ્ને ઝીયાદે જે ઉમરે સાદને પત્ર લખ્યો હતો કે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબોના માટે પાણી બંધ કરી દયો અને એક ટીપુ પાણી તેમના સુધી ન પહોંચે જેવી રીતે ઉસ્માન ઇબ્ને અફ્ફાનની સામે તેઓએ કર્યુ હતુ.
(તારીખે તબરી, ભાગ: ૨, પાના: ૪૧૨)
આ સિવાય એહલેબૈત(અ.મુ.સ.)ના અસીરો જ્યારે મદીના પાછા ફર્યા, બની હાશીમના ઘરોમાં આહો બુકાઅની અવાજો બુલંદ થઇ. રાવી કહે છે કે તે સમયે હું ઉમર ઇબ્ને સઇદે અશરફની પાસે ગયો. ઉમર તે દ્રશ્યને જોઇને જોર જોરથી હસતો હતો અને એહલેબૈત(અ.મુ.સ.)ની દુશ્મનીમાં શેર કહ્યા અને ત્યાર બાદ કહે છે:
“હાઝેહી વાએયતુન બે વાએયતે ઉસ્માન બીન અફ્ફાન
“આ આહો બુકાઅ અને મુસીબત ઉસ્માન ઇબ્ને અફ્ફાનની મુસીબતની સામે છે
(તબરી, ભાગ: ૫, પાના: ૪૬૬)
આ અમુક સાક્ષીઓ છે જે એ વાત બતાવવા માટે પુરતા છે કે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરવાવાળા બની ઉમય્યા અને આલે સુફયાનના પૈરવકારો હતા.
આ સિવાય એક અન્ય હકીકત છે કે એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મન લોકો જેનો ઇન્કાર કરે છે અને પોતાની વાત સાબિત કરવા માટે હજારો પાનાઓ કાળા કરી ચુક્યા છે અને તે એ કે યઝીદે ઇમામ હુસૈન(અ.સ.)ને કત્લ કરવાનો ન તો હુક્મ જારી કર્યો છે અને ન તો લશ્કર મોકલ્યુ છે. જ્યારે કે ઇતિહાસ અને એહલેબૈત(અ.મુ.સ.)ના મકતલથી જાણકાર દરેક શખ્સના માટે આ જાત પ્રકાશિત દિવસની જેમ સ્પષ્ટ છે કે એહલે શામથી લશ્કર પર લશ્કર આવ્યુ હતુ અને યઝીદનો જ નાપાક હાથ ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનથી આલુદા થયો છે. આ બધી દલીલો માંથી એક દલીલ એ છે કે ઇમામ સાદિક(અ.સ.)ને કોઇએ નવમી અને દસમી મોહર્રમના રોઝા વિશે સવાલ કર્યો તો ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“તાસુઆ યવ્મુન હોસેર ફીહીલ્ હુસૈનો વ અસ્હાબોહુ બે કરબલા વજ્તમઅ અલય્હે ખય્લો અહલીશ્શામે વ અનાખુ અલય્હે વ ફરેહબ્નો મરજાના વ ઉમરબ્ન સઅદીન બે તવાફોરીલ્ ખય્લે વ કસ્રતેહા વસ્તઝ્અફુ ફીહીલ્ હુસૈન(અ.સ.) વ અસ્હાબહુ વ અય્કનુ અન્નહુ લા યઅતીલ્ હુસૈન નાસેરૂન વ લા યોમીદ્દોહુ અહલીલ્ ઇરાકે બે અબીલ મુસ્તઝ્અફલ ગરીબ……
” નવમી મોહર્રમ એ દિવસ છે કે જે દિવસે ઇમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબને કરબલામાં શામના લશ્કરે ઘેરી લીધા હતા. ઇબ્ને ઝીયાદ અને ઉમર બીન સાદ પોતાના લશ્કરને જોઇને ખુબ જ ખુશ થયા અને તેઓ આશુરાના દિવસે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબો પર મુસલ્લત થઇ ગયા અને ત્યારે તેઓને યકીન થઇ ગયુ કે ઇરાક વાસીઓમાંથી કોઇ તેમની મદદ અથવા નુસરત આવવાવાળી નથી…..
(કાફી, ભાગ: ૪, પાના: ૧૪૭)
આ રિવાયત મુજબ આ લોકો તે સમયે ખુશ થયા જ્યારે શામનું લશ્કર કરબલામાં દાખલ થયું. આ બારામાં શૈખે સદુક(અ.ર.) પોતાની સનદો સાથે નકલ કરે છે:
“વ નઝરલ્ હુસૈનો(અ.સ.) યમીનન્ વ શેમાલન્ વ લા યરા અહદન્ ફ રફઅ રઅસહુ એલસ્ સમાએ ફ કાલ અલ્લાહુમ્મ ઇન્નક તરા મા યુસ્નઓ બે વલદે નબીય્યેક…… વ અકબલ અદુવ્વુલ્લાહે સીનાનુલ્ એયાદીય્યો વ શીમ્રીબ્નુલ્ ઝીલ્ જવ્શનીલ્ આમેરીય્યો લઅનહોમલ્લાહો ફી રેજાલીમ્ મીન્ અહલીશ્શામ
“ઇમામ હુસૈન(અ.સ.)એ ડાબી અને જમણી બાજુ જોયું અને જ્યારે કોઇ નજરે ન આવ્યુ તો આસમાન તરફ માથું ઉંચુ કર્યુ અને ફરમાવ્યું અય અલ્લાહ! તુ જોઇ રહ્યો છે કે તારા નબીના ફરઝંદની સાથે શંત વર્તાવ કરી રહ્યા છે….. તે સમયે સીનાન ઇબ્ને અનસ, શીમ્ર ઇબ્ને ઝીલ જવશન અને શામના અમુક લોકોએ આપના પર હુમલો કર્યો
(અમાલીએ સદુક, પાના: ૨૨૬)
આ હદીસ પરથી સ્પષ્ટ થાય છે કે શામના લોકોનું લશ્કર ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરવા આવ્યુ હતું. જી હા, બની ઉમય્યાના લોકો આશુરાના દિવસે આ ખુશીમાં રોજો રાખે છે અને આજે પણ અમુક વહાબી કહે છે:
“ઝાલેક યવ્મો કત્લીલ્ હુસૈન ફ ઇન્ કુન્ત સામેતન ફ સુમ
“આશુરાનો દિવસ હુસૈન(અ.સ.)ના શહીદ થવાનો દિવસ છે અને અગર આ દિવસે ખુશીનો ઇઝહાર કરવા ચાહો તો તે દિવસે રોઝો રાખો
આશુરાના દિવસે રોઝો રાખવો એ બની ઉમય્યાની સિરત રહી છે કારણ કે શૈખ તુસી(અ.ર.) ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત કરે છે:
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“ઇન્ન આલ ઉમય્યત લઅનહોમુલ્લાહો વ મન અઆનહુમ અલા કતલીલ હુસૈને મીન અહલીશ્ શામે નઝરૂ નઝરન ઇન્ કોતેલલ હુસૈનો વ સલેમ મન ખરજ એલલ્ હુસૈને વ સારતીલ્ ખેલાફતો ફી આલે અબી સુફયાન અંય્યત્તખેઝુ ઝાલેકલ્ યવ્મ ઇદન લહુમ યસુમુન ફીહે શુકરન ફ સારત ફી આલે અબી સુફયાન સુન્નતન એલલ્ યવ્મે ફીન્નાસે
“બેશક આલે ઉમય્યા અને શામના લોકોમાંથી જે લોકોએ ઇમામ હુસૈન(અ.સ.)ને કત્લ કરવા માટે મદદ કરી હતી, તેઓએ નઝર માની હતી કે અગર હુસૈન(અ.સ.)ને કત્લ કરવામાં કામયાબ થઇ જશે (અને કત્લ કરી દીધા) અને ખીલાફતને આલે અબી સુફયાને હાસિલ કરી લીધી તો તે દિવસને ઇદ મનાવશે અને શુકરાના તરીકે રોઝો રાખશે અને આ આલે અબી સુફયાનના માટે આજ સુધી એક સુન્નતની જેમ ચાલતી આવી છે.
(અમાલીએ તુસી, પાના: ૬૧)
વાંચકો! આ અમુક સાબિતીઓ છે જેના લીધે એઅતેરાઝ અને આશુરામાં ગીરયા તેમજ નૌહા તથા માતમની વિરૂધ્ધનો ફતવો બહાર પડવાનું કારણ આપ જાણી શક્યા છો. અહીંથી હવે લેખની દિશા બીજી બાજુ કરીએ છીએ અને એ ઉલ્લેખ કરીએ છીએ કે આશુરાને બાકી રાખવા માટે રસુલે અકરમ(સ.અ.વ.) અને અઇમ્મએ માસુમીન(અ.સ.)એ શુ કર્યુ.
(૧) આશુરા પછી થનારા બનાવો:
આશુરા પછી દુનિયામાં જુદા જુદા બનાવો જાહેર થયા જેમાં ચંદ્રગ્રહણ, જમીન પર જ્યાંથી પથ્થર ઉપાડવામાં આવતો તેની નીચેથી લોહી નીકળતું. આના વિશે અમુક રિવાયતો એહલે સુન્નતની કિતાબોમાં મળી આવે છે અને તેઓ આ હદીસો સહીહ હોવાનો સ્વિકાર કરે છે. (આ પ્રકારની રિવાયતો મળી આવવી એ મોઅજીઝાથી કંાઇ ઓછું નથી) તબરાની કહે છે કે ઉમ્મે હકીમ કહે છે:
“કોતેલલ્ હુસૈનો વ અના યવ્મએઝીન જવીરૂન ફ હકસતીસ્ સમાઓ અય્યામન મીસ્લલ્ અલકતે
“જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) શહીદ થયા તો હું જવાન હતી તે દિવસ પછી આસમાન દિવસો સુધી લાલ હતુ
(મજમઉઝ્ ઝવાએદ, પાના: ૧૯૬૯)
અબુ બકર હૈશમી આ રિવાયત બાદ કહે છે કે આ હદીસના તમામ રાવી સહીહ છે પછી અબુ બકર હૈશમી વધુમાં કહે છે, અબુ કોબૈલ કહે છે
“લમ્મા કોતેલલ્ હુસૈનુબ્નો અલી(અ.સ.) ઇન્ કસફતીશ્ શમ્સો કીસ્ફતન હત્તા બદતીલ કવાકેબો નીસ્ફન્નહારે હત્તા ઝન્ના…. હેય
“જ્યારે હુસૈન ઇબ્ને અલી(અ.સ.) શહીદ થઇ ગયા તો સુરજને ગ્રહણ લાગી ગયું અને આસમાનમાં એવી રીતે અંધારૂ છવાઇ ગયું કે આસમાનમાં તારાઓ દેખાવવા લાગ્યા ત્યાં સુધી કે અમે વિચારવા લાગ્યા કે કયામત આવી ગઇ છે
હયશમી બીજા એક શખ્સથી એક અન્ય હદીસ આ રીતે રિવાયત કહે છે:
“લમ્મા કોતેલલ હુસૈનો ઇન્તબહત જઝૂર મીન અસ્કરેહી ફ લમ્મા તબખત્ એઝા હેય દમુન
“જ્યારે હુસૈન(અ.સ.)ને કત્લ કરવામાં આવ્યા, ઇમામ(અ.સ.)ના લશ્કરમાંથી ઉંટની કોઇએ ચોરી કરી, જ્યારે તે ઉંટને ઝબ્હ કર્યુ અને પકાવવામાં આવ્યું તો તેનું ગોશ્ત ખુનમાં બદલાઇ ગયુ.
હયશમી કહે છે કે, આ હદીસના બધા રાવી સહીહ છે.
ઇબ્ને કસીર દમીશ્કી પણ આના વિશે કહે છે કે આની વાત પર ઘ્યાન આપો કારણકે આ ઇબ્ને તયમીયાનો વિદ્યાર્થી છે. તે પોતાની ‘તારીખ’માં લખે છે:
મોટા ભાગની એ રિવાયતો જે ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો પર નાઝિલ થવાવાળી બલાઓ અને આફતો પર આધારિત છે. તે સહીહ છે. આ લોકો અલગ-અલગ મુસીબત અને બલા તથા બિમારીમાં ફસાયા અને તેમાંથી મોટાભાગના ગાંડપણના શિકાર થયા.
(૨) અઝાદારી અને ઇમામ હુસૈન(અ.સ.) પર ગિર્યા અને રડવુ:
ઇમામ હુસૈન(અ.સ.) પર ગિર્યા અને બુકાના બારામાં એટલી બધી હદીસો મળી આવે છે કે જેની ગણતરી કરી શકાતી નથી અને આ રિવાયતો ફરીકૈન એટલે કે બંને ફિરકાની કિતાબોમાં મૌજુદ છે. (આ હદીસોથી માલૂમ થાય છે કે રસૂલે અકરમ(સ.અ.વ.વ.)થી લઇને તમામ અઇમ્મા(અ.મુ.સ.)એ આશુરાના દિવસે ગિર્યા માટે ખાસ ઇન્તેઝામ કર્યો હતો.) તેમાંથી ઇમામ અહમદ ઇબ્ને હમ્બલ એક શખ્સથી જે સિફ્ફીનમાં ઇમામ અલી(અ.સ.)ની સાથે હતો, આ રીતે રિવાયત કરે છે કે, કુફાથી પાછા ફરતી વખતે જ્યારે અમીરૂલ મોઅમેનીન કરબલા પહોંચ્યા…
ફ નાદા અલીયુન(અ.સ.) ઇસ્બીર યા અબા અબદિલ્લાહ! ઇસ્બીર યા અબા અબદિલ્લાહ! બે શત્તીલ ફુરાત કુલ્તો: વ મા હાઝા? કાલ: દખલ્તો અલન્નબી(સ.અ.વ.વ.) ઝાત યવ્મીન વ અય્નાહો તફીઝાન….
અલી(અ.સ.) ઇમામ હુસૈન(અ.સ.)ને અવાજ આપે છે, અય અબા અબદિલ્લાહ સબ્ર કરો! અય અબા અબદિલ્લાહ સબ્ર કરો! ફુરાતના કિનારે સબ્ર કરો. રાવી કહે છે કે મેં આ વાક્યોની સ્પષ્ટતા ઇમામ(અ.સ.) પાસે ચાહી… ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ: એેક દિવસ અહીં રસૂલેખુદા(સ.અ.વ.વ.)ની ખિદમતમાં હતો જ્યારે કે હઝરત (સ.અ.વ.વ.)ની આંખોમાં આંસુ હતા, તે સમયે કરબલામાં ફુરાતના કિનારે હુસૈન(અ.સ.)ના શહીદ થવાની મને ખબર આપી.
(મુસ્નદ એહમદ ભાગ:ર, પાના: ૭૮)
ઇમામ હુસૈન(અ.સ.) જંગે સિફ્ફીનમાં હતા અને આખી સફરમાં અલી(અ.સ.)ની સાથે હતા. આ રિવાયતને વર્ણન કર્યા પછી અબૂબકર હયશમી કહે છે: આ હદીસના તમામ રાવી સાચા છે. આ રીતે ઉમ્મે સલમાની રિવાયતને તબરીએ મોઅજમે કબીરમાં વર્ણવી છે. ટુંકાણને ઘ્યાનમાં રાખીને રજૂ કરવાથી મઅઝૂર છીએ.
અઝાદારીનો અલગ અંદાઝ:
એક રિવાયતમાં ઇમામ બાકિર(અ.સ.)ને જાબિરે પુછયુ: જઝઅ શું છે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:
“અશદ્દુલ જઝએ અસ્સુરાઓ બિલ વય્લે વલ્ અવીલે વ લત્તમુલ્ વજહે વસ્સદરે વ જઝ્ઝુશ્શઅ્રે મેનન્નવાસી
“જોરથી ચીલ્લાવવું, વાવયલા કરવું, માથું અને છાતી પીટવી અને માથાના વાળ ઉખેડવા છે
અન્ય એક હદીસમાં ઇમામ(અ.સ.)એ ફરમાવે છે:
“કુલ્લુલ્ જઝએ વલ્ બુકાએ મકરૂહુન સેવલ જઝએ વલ્ બુકાએ અલલ્ હુસયને(અ.સ.)
“દરેક પ્રકારનું ચીખવું, ચીલ્લાવવું અને રોવું મકરૂહ છે, સિવાય ગમે હુસયન(અ.સ.)માં રોવું
(વસાએલ, ભાગ: ૩, પાના: ૨૮૨, હ: ૩૬૫૭)
મજલીસોમાં શીરકત:
રાવી કહે છે કે મેં ઇમામ કાઝીમ(અ.સ.)ને સવાલ કર્યો: મારી પત્નિ અને ઇબ્ને મારદની પત્નિ મજલીસે અઝામાં શીરકત કરવા આવી છે અને અમે જ્યારે તેમને રોકીએ છીએ તો તે કહે છે અગર અમારી શીરકત હરામ છે તો કહો, અમે નહી જશું અને અગર હરામ નથી તો શા માટે રોકો છો? અગર કોઇ અમારૂ દુનિયાથી રહેલત ફરમાવી જશે તો બીજા લોકો પણ આપણી મજલીસે અઝામાં નહી આવશે.
ઇમામ કાઝીમ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:
“અનીલ્ હુકુકે તસ્અલ્ની કાન અબી(અ.સ.) યબ્અસો ઉમ્મી વ ઉમ્મ ફર્વત તક્ઝેયાને હુકુક અહ્લીલ મદીનતે
“તમે સમાજના હક્કોના વિશે મને સવાલ કરો છો, મારા પિતા (ઇમામ સાદિક અ.સ.) મારી માતા અને ઉમ્મે ફરવાને (મદીનાના ઘરોમાં અઝાદારીના માટે મોકલતા હતા જેથી તેમના હક્કો અદા કરી શકે
આ હદીસ પરથી ખયાલ આવે છે કે અઝાદારીની મજલીસોમાં શરીક થવું એહલેબૈત(અ.મુ.સ.)નો તરીકો હતો અને ઔરતોને મજલીસોમાં શીરકત કરવાથી રોકવી જોઇએ નહી.
અઝાદારો માટે ખાવાનું મોકલવું:
ઇમામ સાદિક(અ.સ.)થી રિવાયત છે:
“જ્યારે જાફરે તય્યાર શહીદ થઇ ગયા અને તેમનુ આખુ ઘર અઝાદારીમાં મશગુલ હતું, રસુલે ખુદા(સ.અ.વ.)એ હુકમ આપ્યો કે તેમના ઘરવાળાઓ માટે ખાવાનું પકાવો અને ત્રણ દિવસ સુધી તેમના ઘરે ખાવાનું મોકલો જેથી તેઓ અઝાદારીમાં મશગુલ રહે
(વસાએલુશ્શીઆ, ભાગ: ૩, પાના: ૨૨૧)
કાળા કપડા પહેરવા:
ઇબ્ને અબીલ હદીદ મોતઝલી લખે છે કે: જ્યારે અલી(અ.સ.)ની શહાદત થઇ તો ઇમામ હુસૈન(અ.સ.) કાળા કપડા પહેરીને બહાર આવ્યા અને છઠ્ઠા ઇમામ(અ.સ.)થી એક હદીસ નક્લ થઇ છે:
“લમ્મા કોતેલલ્ હુસય્નુબ્નો અલી(અ.સ.) લબેસ નેસાઓ બની હાશેમીસ્ સવાદ વલ્ મોસુહ વ કુન્ન લા યશ્તકીન મીન્ હર્રીન વ લા બરદીન વ કાન અલીય્યુબ્નુલ્ હુસય્ને(અ.સ.) યઅ્મલો લહુન્નત્ તઆમ લીલ્ મઅ્તમ
“જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) શહીદ થઇ ગયા, બની હાશીમની ઔરતોએ કાળા કપડા પહેરી લીધા અને મજલીસે અઝા કાયમ કરી અને ઇમામ સજ્જાદ(અ.સ.) તેમના માટે ખાવાનો બંદોબસ્ત કરતા હતા.
કારોબાર બંધ રાખવો:
તબરી કહે છે કે અઝાદારી માટે બજાર અને કારોબાર બંધ રાખવો એ રિવાજ હતો.
વ મકસન્નાસો યબ્કુન અલલ હુસૈન સબ્અન મા તકુમલ્ અસ્વાક
“લોકો એક અઠવાડીયા સુધી બજારોને અઝાદારી માટે બંધ રાખતા હતા અને ઇમામ હુસૈન(અ.સ.) પર ગીર્યા કરતા હતા
(તબકાતુલ કુબરા (તરજુમાએ ઇમામુલ હુસૈન), પાના: ૯૦)
આ અમુક બાબતો છે જે આપણને એ વાતનો દર્સ આપે છે કે આપણે ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીને બાકી રાખવા માટે દરેક એ કામ કરવું જોઇએ જેનાથી અઝાદારીમાં રોનક પૈદા થાય અને અઝાદારીની બકા માટે ઝામીન હોય.
અંતમાં ખુદાવંદે આલમની બારગાહમાં દોઆ માટે હાથ બલંદ કરીએ છીએ કે ખુદા આપણને ઇમામ હુસૈન(અ.સ.)ના અઝાદારોમાં શુમાર કરે અને ઇમામ હુસૈન(અ.સ.)ના ખુને નાહકનો બદલો લેવા માટે વારિસે હુસૈન(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કરે. આમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.