Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૦ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. અને ઇમામે ઝમાના અ.ત.ફ.શ. » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ની ઝિયારતોની સમજૂતી

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૨

Print Friendly, PDF & Email

ગતાંકથી આગળ…..

(3) ‘અસ્સલામો અલા મન જોએલશ્શેફાઓ ફી તુરબતેહી.’

‘સલામ થાય તે પવિત્ર હસ્તી ઉપર કે જેની કબ્ર (ની માટી) શફા બનાવવામાં આવી છે .’

આ વાક્યમાં શબ્દ ‘જોએલ’ ફેઅલે મજહુલ છે. શફા, તેનો નાએબે ફાએલ અને કર્તા જે છુપો છે તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. અર્થાંત: અલ્લાહે એ નિર્ણય કરી લીધો છે કે તે માટી કે જેના ઉપર ઇમામ હુસૈન (અ.સ.)નું પવિત્ર લોહી વહાવવામાં આવ્યું તે માટી પણ પોતાનામાં દરેક બિમારની શફા ધરાવે છે. ‘અલ કાએમ અલ મુન્તઝર’ના અગાઉના અંકોમાં અમે ખાકે શફા ઉપર ઘણા લેખો રજુ કર્યા છે. વાંચકો તેની વિગત જોઇ શકે છે. માત્ર તબર્રૂકના સ્વરૂપે અમે વાંચકોની ખિદમતમાં અમૂક હદીસો રજુ કરીએ છીએ. આપણા સાતમાં ઇમામ હઝરત મુસા કાઝિમ (અ.સ.) તેમની વસીય્યતમાં ફરમાવે છે.

‘જુઓ અમારી કબ્રની માટીમાંથી થોડીક પણ તબર્રૂક તરીકે ન ખાતા. કારણકે અલ્લાહ તઆલાએ દરેક માટીને હરામ કરાર દીધી છે સિવાય કે મારા બુર્ઝુગ દાદા હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની કબ્રની માટી, કારણકે આ માત્ર એક એવી માટી છે કે જેમાં અલ્લાહ અઝઝ વ જલ્લે અમારા શીઆઓ માટે અને અમારા ચાહનારાઓ માટે શફા રાખી છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – 48, પાના નં. 225, ઓયુને અખ્બારે રેઝા (અ.સ.), ભાગ – 1, પાના નં. 85)

એક બીજી હદીસમાં આપ (અ.સ.) ફરમાવે છે :

‘અમારા શીઆઓ ચાર ચીજોથી ક્યારેય પણ બિનજરૂરતમંદ અને બેપરવા નથી થઇ શકતા. (1) તે ચટાઇ કે જેના ઉપર તે નમાઝ પઢે છે. (2) વીંટી કે જેને તેઓ પોતાની આંગળીઓમાં પહેરે છે. (3) મિસ્વાક અને (4) ઇમામ હુસૈન (અ.સ.)ની કબ્રની માટીમાંથી બનેલી તસ્બીહ કે જેમાં 33 દાણા હોય. જ્યારે કોઇ તસ્બીહના દાણાને સંપૂર્ણ ધ્યાનપૂર્વક અલ્લાહને યાદ કરીને ફેરવતો રહે તો તેના હિસાબમાં દરેક દાણા દીઠ ચાલીસ નેકીઓ લખવામાં આવે છે અને અગર તે બેધ્યાન પૂર્વક તે દાણાઓને ફેરવતો રહે તો દરેક દાણાના બદલામાં તેને વીસ નેકીઓનો સવાબ મળે છે.

(બેહાર, ભાગ 76, પાના નં. 135, રવઝતુલ વાએઝીનમાંથી)

(4) ‘અસ્સલામો અલા મનિલ એજાબતો તહત કુબ્બતેહી.’

‘સલામ થાય તે હસ્તી ઉપર કે જેમના રોઝાના ગુંબજ હેઠળ દોઆઓ કબુલ થાય છે.’

બેશક, સમગ્ર જગતમાં સય્યદુશ્શોહદાના હરમ કરતા સન્માનનીય અને પવિત્ર કોઇ સ્થળ નથી કે જ્યાં દોઆઓ કબુલ થાય છે.

અલ્લામા શયખ મોહમ્મદ બાકિર મજલીસી (રહ.) તેમની અમૂલ્ય કિતાબ ‘બેહારૂલ અન્વાર’માં લખે છે : મેં અમૂક શીઆ આલિમોની કિતાબોમાંં આ કિસ્સો વાંચ્યો છે કે સુલયમાન અલ અઅમશ નોંધ કરે છે કે હું કુફામાં રહેતો હતો. મારો એક પાડોશી હતો કે જેની પાસે હું બેસવા જતો હતો. એક શબે જુમ્આ હું તેની પાસે ગયો અને મેં સવાલ કર્યો કે હુસૈન (અ.સ.)ની કબ્રની ઝિયારત અંગે તમારો શું મત છે? તેણે જવાબ આપ્યો: હુસૈન (અ.સ.)ની કબ્રની ઝિયારત બિદઅત છે અને દરેક બિદઅત ગુમરાહી છે તથા દરેક ગુમરાહ માણસ જહન્નમમાં જશે. સુલયમાન કહે છે કે આ સાંભળીને હું તરતજ ઉભો થઇ ગયો. જ્યારે કે ત્યારે હુંં સખત ગુસ્સામાં અને આવેશમાં આવી ગયો હતો. મેં વિચાર્યંુ કે કાલે સવારે ફરી હું તેની પાસે જઇશ અને ઇમામ હુસૈન (અ.સ.)ના અમૂક ફઝાએલ તેને જણાવીશ. અગર તે ધિક્કાર અને દુશ્મનીમાં અડગ રહ્યો તો હું તેને કત્લ કરી નાખીશ. જ્યારે જુમ્આની સવાર થઇ ત્યારે હું તેની પાસે ગયો. દરવાજો ખટખટાવ્યો અને તેના નામથી બુમ પાડી. તેની પત્નિ દરવાજા ઉપર આવીને કહેવા લાગી કે તે અર્ધી રાત્રે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત માટે રવાના થઇ ચૂક્યા છે.

સુલયમાન કહે છે : હું તેની શોધમાં કરબલાની તરફ રવાના થયો. હરમમાં દાખલ થયો ત્યારે જોયું કે એક માણસ ખુદાનો સીજદો અદા કરી રહ્યો છે, દોઆઓ માંગી રહ્યો છે, સજદહમાં રડી રહ્યો છે અને ખુદાવંદે મોતઆલ પાસે તૌબા અને માફી માંગી રહ્યો છે.

એક લાંબા સમય પછી તેણે પોતાનું માથું સજદહમાંથી ઉઠાવ્યું. મેં તેને નજીકથી જોયો. મેં તેને કહ્યું, અય શયખ! કાલે રાતે તો તું મને કહી રહ્યો હતો કે હુસૈન (અ.સ.)ની ઝિયારત બિદઅત છે, દરેક બિદઅત ગુમરાહી છે અને દરેક ગુમરાહ માણસ જહન્નમી છે. તેમ છતાં આજે તું ખુદ તેમની ઝિયારત માટે આવી ગયો છો? તેણે જવાબ આપ્યો. અય સુલયમાન! મને કટાક્ષ ન કરો. કારણકે ગઇકાલ રાત સુધી હું એહલેબૈત (અ.સ.)ની ઇમામતમાં માનતો ન હતો. પરંતુ કાલે રાતની શરૂઆતમાં મેં એક એવું સ્વપ્નું જોયું જેણે મને હચમચાવી મૂકયો. મેં પુછયું : અય શયખ તેં શું જોયું? તેણે કહ્યું : મેં એક મહાન બુઝુર્ગને જોયા જે મધ્યમ કદના હતા. હું તેમની મહાનતા, તેમની ખુબસુરતી, પ્રભાવ અને કમાલની ભવ્યતા અને બુઝુર્ગી વર્ણન કરી શકતો નથી. તેમની સાથે અમૂક બીજી પણ હસ્તીઓ હતી. જાણે કે એક જુલુસ નીકળી રહ્યું હોય. તેમની આગળ એક ઘોડો હતો. તેના માથા ઉપર એક તાજ હતો. જેમાં ચાર સ્થંભ હતા. તેના ઉપર એવા ઝવેરાત જડેલા હતા જે ત્રણ દિવસની મુસાફરીના અંતરને પ્રકાશિત કરી રહ્યા હતા. મેં તેમના અમૂક ખાદીમોને પુછયું: આ બુર્ઝુગ હસ્તી કોણ છે? તેમણે કહ્યું : આ હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) છે. મેં પુછયું: આ બીજી હસ્તીઓ કોણ છે? તેમણે કહ્યું : પયગમ્બર (સ.અ.વ.)ના વારસદાર હઝરત અલીએ મુરતુઝા (અ.સ.) છે. જ્યારે મેં મારી નજર વધારે આગળ દોડાવી ત્યારે જોયું કે એક સવારી છે જેના પગથી માથા સુધી નૂર છે અને તેના ઉપર નૂરની પાલખી હતી જેમાં બે સ્ત્રીઓ બેઠી હતી. તે સવારી જમીન અને આસમાનની દરમ્યાન ઉડી રહી હતી. મેં પુછયું. આ સવારી કોની છે? જવાબ મળ્યો : આ સવારી હઝરત ખદીજતુલ કુબરા (સ.અ.) અને હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ની છે. મેં ફરી પુછયું: આ યુવાન કોણ છે. જવાબ મળ્યો. આ હઝરત ઇમામ હસન બિન અલી (અ.સ.) છે. ફરી મેં સવાલ કર્યો. આ બધી પવિત્ર હસ્તીઓ ક્યાં જઇ રહી છે?

તેમણે જવાબ આપ્યો: શહીદે કરબલા, મઝલુમે નયનવા હઝરત હુસૈન બિન અલી (અ.સ.)ની ઝિયારત માટે. મેં નિર્ણય કર્યો કે હું તે સવારીની તરફ જાઉ કે જેની ઉપર મારી શેહઝાદી હઝરત ઝહરા (સ.અ.) બેઠા હતા કે અચાનક આસમાનમાંથી અમૂક કાગળો વરસવા લાગ્યા. મેં પુછયું : આ કાગળો કેવા છે? જવાબ મળ્યો : આ કાગળમાં ઇમામ હુસૈન (અ.સ.)ના ઝવ્વારો માટે જહન્નમની આગથી સલામતિ છે. એ ઝવ્વારો માટે જે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત માટે શબે જુમ્આના જાય છે. આ સાંભળીને મેં પણ એક કાગળ માગ્યો. મને જવાબ આપવામાં આવ્યો. પરંતુ તું તો કહે છે કે હુસૈન (અ.સ.)ની ઝિયારત બિદઅત છે. તને આ કાગળ હરગિઝ નસીબ નહિં થાય જ્યાં સુધી કે તું ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત માટે નહિં જા તથા તેમની ફઝીલત અને સન્માનનો અકીદો ધરાવનાર નહિં થા. આ સાંભળીને હું ભયથી ઊંઘમાંથી જાગી ગયો અને જરા પણ મોડું કર્યા વગર એ જ સમયે હું મારા સય્યદ અને આકા હુસૈન બિન અલી (અ.સ.)ની ઝિયારત માટે નીકળી પડ્યો. હું મારા ભૂતકાળ માટે અલ્લાહ તઆલા પાસે તૌબા કરૂં છું. ખુદાની કસમ! અય સુલૈમાન, હું હુસૈન (અ.સ.)ની કબ્રથી હરગિઝ જુદો નહિં થાઉં જ્યાં સુધી કે મારૂં મોત આવી જાય.

(બેહારૂલ અન્વાર, ભાગ – 45, પાના નં. 401)

(5) ‘અસ્સલામો અલા મનિલ અઇમ્મતો મિન ઝુર્રીય્યતેહી.

‘સલામ થાય તે પવિત્ર હસ્તી ઉપર કે જેમના વંશમાંથી બાકીના ઇમામો છે.’

અર્થાંત, ઇમામતનો સિલસિલો ઇમામ હુસૈન (અ.સ.)થી. ચાલ્યો નહિં કે ઇમામ હસને મુજતબા (અ.સ.)થી પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)ની મશ્હુર અને જાણીતી હદીસ છે કે જેની નોંધ શીઆ અને સુન્ની બંને આલિમોએ કરી છે.

‘અય અબુઝર!….. ટૂંક સમયમાં હુસૈન (અ.સ.)ના વંશમાંથી નવ ઇમામો આવશે. જેઓ મઅસુમ હશે અને અદ્લની સાથે કયામ કરશે અને અમારામાંથી તે ઉમ્મતના મહદી છે.’

અબુઝર કહે છે કે મેં સવાલ કર્યો.

‘યા રસુલલ્લાહ! આપના પછી કેટલા ઇમામો હશે?’

આં હઝરત (સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યું:

‘જે સંખ્યા બની ઇસ્રાઇલના નોકબાની હતી. (અર્થાંત, બાર).’

બીજી એક હદીસમાં પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)એ ફરમાવ્યું :

‘અય હુસૈન, તમે ઇમામ છો, ઇમામના ફરઝંદ છો, ઇમામના ભાઇ છો, અને ઇમામોના પિતા છો. તમારા વંશમાંથી નવ ઇમામો હશે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – 36, પાના નં. 312, ‘કિફાયતુલઅશ્ર’માંથી નોંધ)

શક્ય છે કે અમૂક લોકોને એ સવાલ પેદા થાય કે શા માટે ઇમામત ઇમામ હુસૈન (અ.સ.)ના વંશમાંથી આગળ વધી અને ઇમામ હસન (અ.સ.)ના વંંશમાંથી કેમ નહિં? આ સવાલ ઇમામ સાદિક (અ.સ.)ને એક સહાબીએ કર્યો હતો. આપે જવાબમાં ફરમાવ્યું:

‘બેશક, હઝરત મુસા (અ.સ.)અને હઝરત હારૂન (અ.સ.) બંને નબી હતા, રસુલ હતા અને સગા ભાઇઓ હતા. પરંતુ અલ્લાહે નબુવ્વત હઝરત હારૂન (અ.સ.)ના વંશમાંંથી આપી, નહિં કે હઝરત મુસા (અ.સ.)ના વંશમાં. કોઇને એવી સત્તા નથી કે તે સવાલ કરે કે અલ્લાહે આમ શા માટે કર્યું? ખરેખર ઇમામત આ જમીન ઉપર અલ્લાહના પ્રતિનિધિત્વનું નામ છે. તેમજ કોઇને એ અધિકાર નથી કે તે સવાલ કરે કે અલ્લાહે શા માટે ઇમામત હઝરત હુસૈન (અ.સ.)ના વંશમાં મૂકી અને શા માટે હઝરત હસન (અ.સ.)ના વંશમાં ન મુકી. કારણકે અલ્લાહના દરેક કાર્યમાં હિકમત છે. અલ્લાહ તબારક વ તઆલાને સવાલ કરવામાં નહિં આવે કે તેણે શું કર્યું બલ્કે લોકોને પુછવામાં આવશે કે તેમણે શું કર્યું?

(કમાલુદ્દીન, શયખ સદ્દુક, પાના નં. 358, યનાબેઉલ મોવદ્દત)

(6) ‘અસ્સલામો અલા ઇબ્ને ખાતમિલ અમ્બિયાઅ’

‘સલામ થાય તે પવિત્ર હસ્તી ઉપર જે ખાતેમુન્નબીય્યીનના ફરઝંદ છે.’

‘ખાતેમુલ અમ્બિયા’ આપણા નબીએ કરીમ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)નો લકબો પૈકી એક લકબ છે. આપ હઝરત ‘ખાતેમુલ અમ્બિયા વલ મુરસલીન’ છે.’ અર્થાંત આપની પછી ન કોઇ નબી આવશે ન કોઇ રસુલ. આ કુરઆન અને હદીસનું સ્પષ્ટ એલાન, શરીઅતનો અને દીને ઇસ્લામનો મહત્ત્વનો સિદ્ધાંત છે. અગર કોઇ એવો અકીદો રાખે કે રસુલે ખુદા (સ.અ.વ.) પછી કોઇ નબી કે રસુલ આવ્યા અથવા કોઇ બીજી શરીઅત આવી અથવા કોઇ નવો મઝહબ આવ્યો તો તે વાસ્તવમાં ઇસ્લામથી ખારીજ થઇ જશે અને મુસલમાન નહિં રહે. કુરઆને મજીદમાં આ વાતનું એઅલાન સુરએ અહઝાબની ચાલીસમી આયતમાં કરવામાં આવ્યું.

‘મોહમ્મદ (સ.અ.વ.) તમારામાંથી કોઇ પુરૂષના પિતા નથી બલ્કે તેઓ અલ્લાહના રસુલ અને અંતિમ નબી છે.’

જે વાંચકોને વધુ માહિતી મેળવવી હોય તેઓ આ વિષય (ખાતેમીય્યત) ઉપર લખેલી કિતાબો વાંચી શકે છે. ટૂંકમાં દરેક મઝહબ જે નવો મઝહબ હોવાનો દાવો કરે જેમકે કાદીયાનીય્યત કે બહાઇય્યત આ બધાં ખોટા છે. જે તેની ઉપર અકીદો ધરાવે અથવા તેના પ્રત્યે વૃત્તિ ધરાવે તે ઇસ્લામમાંથી નિકળી જાય છે.

ઝિયારતે નાહીયાના આ વાક્યમાં એમ બયાન કરવામાં આવ્યું છે કે ઇમામ હુસૈન (અ.સ.) પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)ના ફરઝંદ છે. અમૂક નાસમજ લોકો અને નાસેબીઓ તેનો વિરોધ કરે છે કે ઇમામ હુસૈન (અ.સ.) હઝરત અલી (અ.સ.) અને જનાબે ફાતેમા (સ.અ.)ના પુત્ર છે. તો તેમને પયગમ્બર (સ.અ.વ.)ના પુત્ર કહેવું કેવી રીતે સાચું હોઇ શકે? આ સવાલનો જવાબ ખુદ કુરઆને કરીમે આપ્યો છે. મુબાહેલાની આયત (સુરએ આલે ઇમરાન : 61)ના નાઝીલ થવાના સમયે જ્યારે પયગમ્બર (સ.અ.વ.)ને હુકમ આપવામાં આવ્યો.

“(હે રસુલ!) તેઓને કહી દો કે તમે તમારા પુત્રોને બોલાવો અમે અમારા પુત્રોને બોલાવીએ છીએ…..

શીઆ અને સુન્ની બધા તફસીરકારો આ વાત ઉપર એકમત છે કે જ્યારે આ આયત ઉતરી ત્યારે પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ‘અબ્નાઅના’ (અમારા પુત્રો)ના પ્રયોજન (મિસ્દાક) રૂપે માત્ર અને માત્ર ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.)ને લઇને મુબાહેલાના મૈદાનમાં તશરીફ લઇ ગયા. આ ઉપરાંત સેંકડો રિવાયતોમાં પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)એ ફરમાવ્યું : ‘ઇબ્નલ હુસૈન’ અર્થાંત : ‘મારો પુત્ર હુસૈન.’ આથી આ વિરોધ યાતો નાદાનીને લીધે છે યા તો માત્ર ધિક્કાર અને દુશ્મનીના કારણે છે.

(7) ‘અસ્સલામો અલા ઇબ્ને સય્યેદીલ અવ્સેયાઅ’

‘સલામ થાય તે પવિત્ર હસ્તી ઉપર જે વસીઓના સરદારના ફરઝંદ છે.’

એ સ્પષ્ટ છે કે વસીઓના સરદાર એટલે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) છે. ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે જનાબે જીબ્રઇલ (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) પાસે તશ્રીફ લાવ્યા અને ફરમાવ્યું :

‘અય પયગમ્બર ખરેખર અલ્લાહે આપને નબીઓના સરદાર અને અલી (અ.સ.)ને વસીઓના સરદાર નિયુક્ત કર્યા છે.’

(આમાલીએ શૈખે સદ્દુક અ.ર.)

‘અવ્સીયાઅ’ શબ્દ ‘વસી’નું બહુવચન છે. આથી હઝરત અલી (અ.સ.) તમામ વસીઓના સરદાર છે ચાહે પછી તે વસી પહેલા આવી ચૂક્યા હોય કે પછી આપની બાદ આવનારા અગિયાર ઇમામો (અ.સ.) હોય. આપ (અ.સ.)એ દરેક વસીઓના સરદાર છે. આ હોદ્દો ખુદ પરવરદિગારે આલમે આપ (અ.સ.)ને અતા કર્યો છે. ઇમામ હુસૈન (અ.સ.) વસીઓના સરદારના ફરઝંદ છે તેથી તેમની ફઝીલત અને પ્રશંસામાં ઘણો વધારો થાય છે.

(8) ‘અસ્સલામો અલા ઇબ્ને ફાતેમતઝ ઝહરા, અસ્સલામો અલા ઇબ્ને ખદીજતલ કુબ્રા.’

‘સલામ થાય તે પવિત્ર હસ્તી (હઝરત ઇમામ હુસૈન અ.સ.) ઉપર જે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) અને હઝરત ખદીજતુલ કુબ્રા (સ.અ.)ના ફરઝંદ છે.’

દુનિયા જાણે છે કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)નું સ્થાન અને મરતબો શું છે. બસ એટલું કહેવું પુરતુ છે કે આપ (સ.અ.) દુનિયાની તમામ સ્ત્રીઓની સરદાર છે. કુરઆને કરીમની અસંખ્ય આયતો આપની શાનમાં ઉતરી છો. આપ (સ.અ.) પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રી, અલીએ મુર્તુઝા (અ.સ.)ના પત્નિ અને ઇમામોના માતા છો.

આવીજ રીતે જનાબે ખદીજતુલ કુબરા (સ.અ.)ની કુરબાની વિષે જેટલું  બયાન કરવામાં આવે તેટલું ઓછું છે. ઇસ્લામના માર્ગમાં પોતાની તમામ દૌલત લુંટાવી દેનાર તે બીબીએ પત્નિત્વનો એવો હક અદા કર્યો છે કે દુનિયાના તમામ લોકો આશ્ર્ચર્ય અને અદેખાઇ સિવાય બીજું કંઇ ન કરી શક્યા. આપ (સ.અ.) ખરેખર ઇસ્લામ ઉપર એહસાન કરનારા હતા. પરંતુ શું તેમના એહસાનોનો બદલો મુસલમાનોએ આપ્યો? અગર બદલો આપ્યો હોત તો તેમના નવાસા હુસૈન (અ.સ.)ને કરબલાના મૈદાનમાં પોતાના કુટુંબીજનો અને સાથીદારો સાથે ત્રણ દિવસના ભૂખ્યા અને તરસ્યા શહીદ કરી દેવામાં ન આવ્યા હોત. ઝિયારતે નાહીયામાં અત્યાર સુધીના વાક્યોમાં સય્યદુશ્શોહદા (અ.સ.)ના વંશ અને ખાનદાનની ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા એટલા માટે છે કે દુનિયાના લોકો એ સ્પષ્ટ રીતે જાણી લે કે કરબલાની લડાઇ બે શાહઝાદાઓની રાજકીય લડાઇ ન હતી. (જેમકે અમૂક મૂર્ખ લોકોનું માનવું છે) પરંતુ આ ‘રહમાન અને શયતાન’ હક્ક અને બાતિલ વચ્ચેની જંગ હતી. (ક્રમશ:)

મૌલવી સય્યદ અલી મીયાં કામીલ મોહમ્મદ

આબાદી સુમ લખનવીના મરસીયાના અમૂક બન્દ

લબ પે એક ઝીક્ર થા શહે રગ પે જો પહોંચા ખંજર

કટ ગયા ઝુલ્મો સિતમ સે શહે મઝલુમ કા સર

રો કે ઝયનબને કહા લુંટ ગઇ મેં ખસ્તા જીગર

ઠોકરે ખાને કો ઝીન્દા રહી હય યે ખ્વાહર

હો ગઇ આજ ભરે ઘરકી સફાઇ હય હય

લુંટ ગઇ દશ્તમેં અમ્માકી કમાઇ હય હય

આપ કે મરને સે ઝયનબ હુઇ ગુરબતમેં તબાહ

છૂટકર આપસે દુનિયા હય નિગાહોં મેં સીયાહ

જાઉં કીસ સિમ્ત મઅલુમ નહિં કોઇ રાહ

રહમ ખાકર કોઇ પહોંચાદે વતનમેં અલ્લાહ.

જા કે સુગરા સે કહુંગી કે લુંટા ઘર બીબી

બાપ પર તેરે ચલા પ્યાસ મેં ખંજર બીબી

ફૌજ કો ફીર ઉમરે સાદને યે હુકમ દીયા

જલ્દ પામાલ કરો અબ તને શાહે શોહદા

સુન કે યે હુકમ બડહા હાએ સવારોં કા પરા

અપને હાકીમ સે ડરે પર ન કીયા ખૌફે ખુદા

કી લઇનોં ને જફા રૂહે અલી પર હય હય

ઘૌડે દૌડાએ તને સિબ્તે નબી પર હય હય

બસ કલમ રોક લે કામીલ કે બપા હય કોહરામ

એક હફતે મેં કીયા મરસીયા નૌહા યે તમામ

અર્ઝ કર શાહ સે બુલવાઇયે યા શાહે અનામ

શૌક મેં અબ તો ઝિયારત કે તડપતા હૈ ગુલામ

ગુન્ચ એ ખાતીર પઝ મુરદહ મેરા ખીલ જાએ

સેહને અકદસમેં જો એક કબ્ર કી જા મીલ જાએ.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.