Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૯ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ની ફઝીલતો

ઈમામ હુસય્ન અ.સ. અને અખ્લાક

Print Friendly, PDF & Email

ઈમામ હુસય્ન અ.સ. અને અખ્લાક

ઈમામ હુસય્ન અ.સ.ના જીવનના જુદા જુદા સ્વરૂપો છે તેમાંનું એક મહત્વનું સ્વરૂપ આપના સંસ્કારોની સુંદરતા છે. અને કેમ ન હોય? જગતના સૌથી વધુ ચારિત્રવાન રસુલ સ.અ.વ.ના નવાસા છે. જેમની બેઅસત જ ચારિત્રની પરાકાષ્ટાનું મુળ છે. “ઈન્ની બોઈસ્તો લે ઓતીમ્મ મકારેમલ અખ્લાક”. (રસુલ અકરમ સ.અ.વ.)

ઈમામ હુસય્ન અ.સ.ના જીવન ઉપર દ્રષ્ટિપાત કરીએ તો એ સ્પષ્ટ જણાશે કે આપનામાં એ બધીજ ખુબીઓ જોવા મળે છે કે જે સરકારે કાએનાત મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ., મૌલાએ કાએનાત અલી બીન અબી તાલીબ અ.સ., મઅસુમાએ કૌનેન સ.અ. અને ઈમામ હસને મુજતબા અ.સ.માં મૌજુદ હતી.

હઝરત સય્યદુશ્શોહદાના પવિત્ર જીવનના દરેક તબક્કામાં જુદા જુદા મવકા ઉપર એવા પ્રસંગો મળે છે જે આલે રસુલ સ.અ.વ. ના મોહબ્બત કરનારાઓ માટે બોધપાઠથી ભરપૂર છે. જો આપણે આપણા જીવનમાં આં હઝરત સ.અ.વ.એ આપેલા બોધપાઠો ગ્રહણ કરીએ તો આપણી દુનિયા અને આખેરત બંને સફળ થઈ જાય.

હદીસ “કૂનુ અહરારન ફી દુનિયા કુમ” આપણને દુનિયાની ગુલામીમાંથી દૂર રાખે છે અને આપણા નફસોને કાબુમાં રાખવાની એક ચાવી છે. એક બીજી મશહુર હદીસ કે “ઈજ્જતની મૌત ઝીલ્લતની ઝીંદગીથી વધુ સારી છે” જે આપણને સત્યના માર્ગ ઉપર આત્મ બલિદાન આપવાનું શીખવાડે છે.

ચારિત્ર્યનો પહેલો ઘા હઝરત હૂર ઉપર એ સમયે કર્યો જ્યારે તેના તરસ્યા લશ્કરની તરસ સંતોષી કે જ્યારે હૂર અને તેના લશ્કરનો હેતુ ઈમામ અ.સ.ના જીવનની તરફેણમાં ન હતો.

આજ હૂર આશુરાના દિવસે દુનિયાથી આઝાદ થઇને ઈમામ અ.સ.ના કદમોમાં આવી જાય છે. આવા સખત સમયમાં પણ ઈમામ અ.સ. તેની ઝીયાફતની વાત કરે છે. એક વૃદ્ઘ વઝુ કરનારની ભુલનું ઔચિત્ય જાળવ્યું. તેને એમ ન કહ્યું કે તમે ભૂલ કરો છો પરંતુ તેને સાચી રીતે વઝુ કરીને દેખાડયું. આ હતી હુસય્ન અ.સ.ની તાલીમની સુંદરતા!

બુઝુર્ગોની ભુલ સુધારવી, ફકીરો સાથે સારો વતા<વ કરવો સૌજન્યતા, મહેમાનગતી, ભુલોની માફી આપવી, કનીઝ, ગુલામને આઝાદ કરવા અને એવા કેટલાય પ્રસંગો છે જે ઈમામ હુસય્ન અ.સ. સાથે જોડાએલા છે. જે તેમના ચારિત્ર્ય પૂર્ણ જીવન ઉપર પ્રકાશ પાડે છે. આ વિષય સંબંધિત થોડા પ્રસંગો આપના મનન માટે નીચે રજૂ કરીએ છીએ. જે અલ્લામા મજલીસી (કુર્દસુલ્લાહ સરહ) ની મશહુર કિતાબ બેહારૂલ અન્વાર અને મરહુમ રીયાઝ બનારસીની શહીદે આઅઝમ માંથી લીધેલા છે.

અયાશીએ તેની તફસીરમાં મોઅતબર સનદો સાથે રીવાયત કરી છે કે એક દિવસ ઈમામ હુસય્ન અ.સ. એક મીસ્કીનોની જમાત પાસેથી પસાર થયા. આપે જોયું કે તેઓ પોતાની અબા પાથરીને સુકી રોટલીના ટૂકડા ખાઈ રહ્યા હતા. જ્યારે હઝરત તેમની પાસે પહોંચ્યા ત્યારે તે મીસ્કીનોએ હઝરતને દાવત આપી કે યબ્ન રસુલુલ્લાહ આ સુકા નાનમાં શીરકત કરો. હઝરત ઘોડા ઉપરથી નીચે ઉતર્યા તેમની સાથે બેસીને જમ્યા અને આ આયતની તિલાવત કરી “ઈન્નલ્લાહ લા યોહિબ્બુલ મોતકબ્બેરીન” એટલે કે હક તઆલા ઘમંડ કરનારને દોસ્ત નથી રાખતો. તે પછી હઝરતે ફરમાવ્યું: મેં તમારી દાવત કબુલ કરી તમે પણ મારી દાવત કબુલ કરો. જ્યારે તે મીસ્કીનોએ હઝરતની દાવત કબુલ કરી તો તે જનાબ તેઓને પોતાના નિવાસસ્થાને લાવ્યા અને કનીઝને કહ્યું: જે કાંઈ મહેમાનો માટે સંગ્રહ કર્યુ છે, હાજર કર. કનીઝે હુકમ મુજબ પીરસ્યું. હઝરતે ખુબીપૂર્વક તે સૌની ઝીયાફત કરી અને વિદાય કર્યા.

એક અરબ મદીનામાં આવ્યો અને લોકોને પુછયુ કે મદીનામાં સૌથી વધુ સખી કોણ છે. સૌએ કહ્યું કે હુસય્ન અ.સ. ઘણા સખી અને કરીમ છે. આ સાંભળીને તે અરબ હઝરતની શોધમાં મસ્જીદમાં દાખલ થયો. જોયું કે હઝરત નમાઝ પડી રહ્યા છે તે સમયે અરબે હઝરતની પ્રસંશામાં શેર કહ્યા. જેનો અર્થ આ હતો: નિરાશ અને ખાલી હાથે પાછા નથી ફરતાં તે લોકો જે આપથી આશા રાખે અને આપના દરવાજાની સાંકળ હલાવે. આપ સખી અને ભરોસાનું સ્થાન છો. આપના બુઝુર્ગ પિતા કાતીલે કુફફાર હતા. જો આપના બુઝુર્ગો અમને સન્માર્ગે ન દોરતે તો જહન્નમની આગ અમને ઘેરી લેતે અને અમે હંમેશા જહન્નમમાં રહેતે.

જ્યારે હઝરત નમાઝમાંથી ફારીગ થયા ત્યારે કંબરે પુછયું કે શું હેજાઝના માલમાંથી કંઈ વધ્યું છે? કંબર અરઝ કરી યબ્ન રસુલિલ્લાહ, ચાર હજાર અશરફી વધી છે. આપે ફરમાવ્યું કે લઈ આવો. આ અરબ આ માલનો આપણા કરતાં વધુ હક ધરાવે છે. પછી આપ અ.સ. મસ્જીદથી નિવાસસ્થાન પર આવ્યા, તે અશરફીઓને પવિત્ર રિદામાં લપેટીને દરવાજાની પાછળ ઉભા રહ્યા અને શરમ અને હયાને કારણે આપનો પવિત્ર ચહેરો તે અરબની સામે ન લાવ્યા અને દરવાજાની તડમાંથી હાથ લંબાવીને તે અશરફી અરબને આપી દીધી અને તેની ક્ષમા યાચનામાં શેર કહ્યા. જેનો અર્થ આ છે: એ અરબ! આ રાખી લે, હું તારી પાસે ક્ષમા ચાહું છું કે તારો હક મારાથી અદા ન થયો. ખાત્રી રાખ કે હું તારી સ્થિતી પ્રત્યે દયાભાવ ધરાવું છું. જો આજે અમારી પાસે થોડી સત્તા હોત અને અમારો હક પચાવી ન લેવાયો હોત, તો તું જોતે અમારી દયા તારી ઉપર કેવી રીતે વરસતે. પરંતુ શું કરીએ રોજગારના ચકરાવાએ અમારા કામોને બદલી નાખ્યા છે. અમારો હાથ હાલમાં ખૂબ જ તંગીમાં છે.

અરબ હઝરત પાસેથી દિનાર લઈ રડવા લાગ્યો. હઝરતે કહ્યું કે તું એ માટે રડે છે કે આ દિનાર ઓછા છે. અરબે અરજ કરી કે એ મૌલા હું એ માટે નથી રડતો પરંતુ એ માટે રડું છું કે આવા સખીના હાથ કેવી રીતે માટીમાં મળી જશે.

જામેઉલ અખ્બાર નામના પુસ્તકમાં લખેલું છે કે એક અરબ હઝરત ઈમામ હુસય્ન અ.સ.ની પાસે આવ્યો અને અરજ કરીમ “યબ્ન રસુલુલ્લાહ: હું એક લોન (કર્ઝ) નો જામીન થયો હતો અને હવે તે અદા કરવાની શકિત નથી ધરાવતો. પછી મારા દિલમાં મેં કહ્યું કે એવી વ્યકિત પાસે સવાલ કરવો જોઈએ જે અલ્લાહના સૌથી વધુ દયાવાન સર્જન હોય. જ્યારે મેં મારા દિલમાં ખૂબ વિચાર કર્યો તો મને અહલેબય્તે રસુલ સ.અ.વ.થી શ્રેષ્ઠ દયાવાન કોઈ ન લાગ્યો.” હઝરતે ફરમાવ્યું: એ અરબ: હું તને ત્રણ પ્રશ્નો પુછું છું. જો તું એક પ્રશ્નનો જવાબ આપશે તો ૧/૩ ભાગ તને આપીશ. જો તું બે પ્રશ્નનો જવાબ આપશે તો ૨/૩ આપીશ અને જો તું ત્રણેય પ્રશ્નનો જવાબ આપશે તો બધો માલ તને આપી દઈશ.

અરબે કહ્યું: યબ્ન રસુલુલ્લાહ! આપ જેવા આલીમ, મારી જેવા જાહીલને સવાલ પૂછે. જો કે આપ સાહેબ મહેરબાન અને ગુણવાન છો. હઝરતે ફરમાવ્યું: મેં મારા આલી જદથી સાંભવ્યુ છે કે જે વ્યકિત પોતાના દીનના હુકમોમાં જેટલી જાણકારી ધરાવતો હોય તેટલા પ્રમાણમાં જ તેને પ્રશ્નો કરવા યોગ્ય છે. અરબે હઝરતનું આ કથન સાંભળીને અરજ કરી યબ્ન રસુલુલ્લાહ! જે કાંઈ આપને સ્વિકાર્ય હોય, એ સવાલ કરવા વિનંતી છે. જો હું તેનો જવાબ જાણતો હોઈશ તો અરજ કરીશ નહીં તો આપને પૂછી લઈશ અને યાદ રાખીશ.

હઝરતે ફરમાવ્યું: એ અરબ: સદ્‌કાર્યોમાં એવું કયું કાર્ય છે જે સૌથી વધુ શ્રેષ્ઠતા ધરાવે છે?

તેણે કહ્યું: ખુદા, અઝઝ વ જલ્લ ઉપર ભરોસો રાખવો તેથી મૂકિત વાજીબ થાય છે.

હઝરતે પુછયું મરદની શોભા કઈ વસ્તુથી છે?

તેણે જવાબ આપ્યો, તે જ્ઞાનથી જેની સાથે નમ્રતા અને સહનશીલતા હોય.

હઝરતે પુછયું: જો તેવું જ્ઞાન ન ધરાવતો હોય તો?

અરબે કહ્યું: માલ હોય જેનાથી તે (મુરવ્વત) માનવતાના વ્યવહાર કરી શકે એટલે જે કોઈ તેની પાસે સવાલ કરે તો તેનો સવાલ રદ ન કરે.

હઝરતે પુછયું: જો તે પણ ન ધરાવતો હોય તો પછી કઈ વસ્તુથી તેની શોભા છે?

તેણે કહ્યું: ગરિબાઈથી જો તેની સાથે ધીરજ ધરાવતો હોય.

હઝરતે ફરમાવ્યું: જો તે ગરિબાઈ અને ધીરજ ન ધરાવતો હોય તો કઈ કઈ વસ્તુથી તેની શોભા છે?

અરબે કહ્યું, એક વિજળી આસ્માન ઉપરથી પડે અને તેને બાળી નાખે કે તે તેને લાયક છે.

આ સાંભળીને હઝરત મુસ્કુરાવા લાગ્યા અને હજાર દિનારની એક થેલી તેને આપી અને પોતાના હાથમાંથી એક વિંટી અર્પણ કરી જેની કિંમત બસ્સો દિરહમ હતી અને કહ્યું એ અરબ! આ અશરફી તારા કર્ઝદારને આપ અને આ વિંટી તારા કુટુંબના ખર્ચ માટે રાખ. અરબે તે ઘણો માલ લઈને કહ્યું: “અલ્લાહો અઅલમો હય્સો યજઅલ રિસાલતહૂ”.

કશફૂલ ગુમ્મા નામના પુસ્તકમાં છે કે અનસ બીન માલિકે કહ્યું: એક દિવસ હું ઈમામ હુસય્ન અ.સ.ની ખીદમતમાં હાજર હતો. ત્યાં એક કનીઝ આવી અને ફુલોનો એક ગુલદસ્તો ભેટ રૂપે હઝરતની પાસે રાખ્યો. હઝરતે કહ્યું: મેં તને ખુદાના માર્ગમાં આઝાદ કરી. અનસ કહે છે કે મેં અરજ કરી: યબ્ન રસુલીલ્લાહ, આ કનીઝ ફુલોનો એક ગુલદસ્તો, જેની કાંઈ કિંમત નથી, આપના માટે લાવી, આપે તેને આઝાદ કરી દીધી? હઝરતે જવાબ આપ્યો: હક તઆલા ફરમાવે છે: “વ એઝા ઓહયયીતયુમ બે તહીય્યતીન ફહય્યુ બે અહસન મીનહા”. (નિસાઅ:૮૬)

“જો તમને કોઈ વસ્તુ ભેટ રૂપે આપે તો તમે તેને વધુ સારૂં આપો.” (બેહારૂલ અન્વાર, ભાગ. ૧) એટલે આ ગુલદસ્તાનો બદલો એજ હતું કે હું તેને આઝાદ કરૂં.

કિતાબ કન્ઝુલ ફવાએદમાં રિવાયત છે: એક વ્યકિતએ ઈમામ હુસય્ન અ.સ.ને પુછયું: યા હઝરત! આપમાં તકબ્બુર નથી. ઈમામ અ.સ.એ જવાબ આપ્યો. ક્રિબયાઈ અને મહાનતા અલ્લાહ માટે છે અને હક તઆલા સિવાય અન્ય કોઈને ઉચિત નથી અને તે મારામાં નથી. અને મારામાં છે તે તકબ્બુર નથી પરંતુ ઈઝઝતે નફસ છે. જેના માટે હક તઆલા ફરમાવે છે: વલીલ્લાહીલ ઈઝઝતો વલે રસુલેહી વલીલ મોઅમેનીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.