Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૯ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. નો કારવાન અને ઐતિહાસીક પાસાઓ

શામના માર્ગની ઘટનાઓ

Print Friendly, PDF & Email

શામના માર્ગરની ઘટનાઓ

કરબલાની ઘટના પછી પ્રકાશમાં આવતા દ્રષ્યોનો બિહામણો અને આક્રમક ઈતિહાસ આધારભૂત પુસ્તકોના અભ્યાસ કરવાથી દ્રશ્યમાન થાય છે.

જનાબ સય્યદ ઈબ્ને તાઉસ અ.ર.એ તેમના પુસ્તક “ઈકબાલ”માં લખ્યું છે કે: તમારે એ જાણવું જોઈએ કે આશુરાના દિવસનો અંતિમ ભાગ એ છે કે જેમાં હુસય્ન અ.સ.ના અહલે હરમ, આપની પુત્રીઓ અને બાળકો દુશ્મનોની કેદમાં નિરાધર અને ભાવહીન, દુ:ખ અને દર્દ અને રૂદન અને આક્રંદમાં તડપી રહ્યા હતાં. તે દિવસનો અંતિમ ભાગ તેઓએ એવી પરિસ્થિતીમાં પસાર કર્યો કે તેઓ એવી હિણપત અને બેઈઝઝતીમાં હતા કે મારી કલમની મર્યાદા તેનું વર્ણન કરી નથી શકતી. તે સિવાય કિતાબ “મુસાબેહ”માં હઝરત ઈમામ જઅફર બીન મોહમ્મદ અ.સ.ની રિવાયત છે કે મારા વાલિદે બુઝુર્ગવારે ફરમાવ્યું: “મેં મારા વાલીદ અલી ઈબ્ને હુસય્ન અ.સ.ને સવાલ કર્યો કે તેમને યઝીદે કઈ સ્થિતીમાં બોલાવ્યા હતા? તો આપે ફરમાવ્યું: મને એવા ઊંટ ઉપર બેસાર્યો હતો જે લંગડો હતો અને તેના ઉપર કોઈ મહેમીલ (અંબાડી) વિગેરે ન હતા. ઈમામ હુસય્ન અ.સ.નું સર નેઝા ઉપર હતું. સ્ત્રીઓ અમારી પાછળ પાછળ ખચ્ચર ઉપર સવાર થએલી હતી. પછી રક્ષકો, ધ્યાન રાખનારા અને લશ્કરીઓ અમારી પાછળ હતા. અમારી આસપાસ ભાલા હતા. જો અમારામાંથી કોઈની આંખમાં આંસુ નીકળી આવતા તો તેના માથામાં નેઝો (ભાલો) ભોંકવામાં આવતો. એટલે સુધી કે અમે જ્યારે દમિશ્કમાં દાખલ થયા તો એક માણસે મોટેથી બુમ પાડીને કહ્યું. એ શામના વાસીઓ આ (મઆઝલ્લાહ) મલઉન ખાનદાનના કેદીઓ છે.

અબ્દુલ્લાહ બીન રબીઅ હુમૈરીની રિવાયત છે તે કહે છે કે “હું યઝીદ બીન મોઆવિયાની પાસે હાજર હતો ત્યારે ઝોહયર બીન કૈસ તેની પાસે આવ્યો. અને યઝીદે તેને કહ્યું, “ફટ છે તારી ઉપર, શું ખબર છે” અને તારી પાસે શું છે.” તેણે કહ્યું, “અલ્લાહનો વિજય અને મદદની બશારત (ખુશ-ખબરી) છે. હુસય્ન બીન અલી અ.સ. તેની અહલેબય્તના અઢાર અને શીયાઓમાંથી સાંઈઠ વ્યકિતઓ સાથે આવ્યા છે… અને તેઓની બધી બાજુએથી ઘેરી લીધા. અને જ્યારે તલ્વારો તેઓના માથા ઉપર પડી તો રક્ષણના કોઈ સ્થળ વગર તેઓ અમારા હમલાઓથી બચવા ભાગવા લાગ્યા, જે રીતે કબુતર બાજ પક્ષીથી રક્ષણ શોધે છે. દરેક ઉંચાઈવાળી અને નીચાણવાળી જગ્યામાં રક્ષણ શોધતા હતા. ખુદાની કસમ, એ અમીર… ઊંટને નહર કરવા અથવા દિવસના બપોર પછીના સમયમાં આરામ કરવા જેટલો સમય પણ પસાર નહોતો થયો કે અમે તેના છેલ્લા માણસને પણ કત્લ કરી નાખ્યો. તેમના શરીરોને ઉઘાડા, તેમના કપડાને ખુનથી તરબતર અને ચહેરાઓને માટી ઉપર છોડી દીધા જેથી સુરજની ગરમી તેમના ઉપર પડે. અને આંધીની ધૂળ અને રેતી તેમના ઉપર પડે અને વિરાન જંગલના શીકારી પક્ષીઓ તેમના ઉપર (ચીલ-જડપ મારવા) ફરતા રહે. યઝીદે તેને કંઈ ઈનામ ન આપ્યું અને કાઢી મૂકયો. તે પછી અબ્દુલ્લા બીન ઝીયાદે ઈમામ હુસય્ન અ.સ.નું માથું મોકલ્યા પછી હુકમ કર્યો કે બાળકો અને સ્ત્રીઓને પણ તૈયાર કરવામાં આવે અને અલી ઈબ્નીલ હુસય્ન અ.સ. માટે હુકમ કર્યો કે તેમને ભારે તૌક (ગળામાં) પહેરાવવામાં આવે. તે પછી તેમને મુબારક સરની પાછળ મુખફફર બીન સોઅલબ આએઝી અને શીમ્ર બીન ઝીલ જવશન સાથે મોકલ્યા. પછી તેઓ તેમને લઈને નીકળ્યા અને જે લોકોની સાથે મુબારક સર હતું તેમની સાથે થઈ ગયા. અલી ઈબ્નલ હુસય્ન અ.સ. તેઓમાંથી કોઈની પણ સાથે દમિશ્ક પહોંચ્યા ત્યાં સુધી વાત નહોતા કરતા. બંને પક્ષોના પુસ્તકોમાં આ રિવાયત છે કે સર ઉપાડનારા જ્યારે પહેલા સ્થળે ઉતર્યા તો તેઓ શરાબ પીવા લાગ્યા. ઈમામ મઝલુમના પવિત્ર સરને જોઈને ખુશી મનાવવા લાગ્યા. પછી તેમની તરફ એક હથેળી દિવાલથી નીકળી જેની સાથે લોખંડની કલમ હતી, તેનાથી લોહી વડે થોડી લીટીઓ લખી, શું તે ઉમ્મત કે જેણે હુસય્ન અ.સ.ને શહીદ કર્યા છે તે હિસાબના દિવસે તેમના નાનાની શફાઅતની આશા રાખે છે. બસ, આનાથી તેઓ ગભરાઈ ગયા અને બીકના માર્યા તે સ્થળ છોડીને ચાલ્યા ગયા.”

સિબ્તે ઈબ્ને જવઝીએ તઝકેરતુલ ખવાસ, ઈબ્ન સીરીનથી નકલ કરી છે કે “પયગમ્બર અકરમ સ.અ.વ.ની બેઅસતથી પાંચસો વર્ષ પહેલાનો એક પથ્થર મળ્યો જેના ઉપર સીરમાની ભાષામાં લખ્યું હતું જેનો અર્થ ઉપર દર્શાવેલી રિવાયતને મળતો છે.”

સિબ્તે ઈબ્ને જવઝીએ પુરાવાઓની સાથે અબુ મોહમ્મદ અબ્દુલ મલિક બીન હેશામ નહવીની એક હદીસમાં રિવાયત કરી છે કે આ લોકો કોઈપણ સ્થળ ઉપર ઉતરતા ત્યારે ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર સરને તે પેટીમાંથી બહાર કાઢતા, જે પેટી ખાસ તે માટે તૈયાર કરવામાં આવી હતી. પછી તેને નેઝા ઉપર સવાર કરતા… એક સ્થળે ઉતર્યા જ્યાં એક દેવળ (ચર્ચ) હતુ. તેમાં એક પાદરી હતો. પછી તે લોકોએ આદત મુજબ મુબારક સર કાઢયું અને નેઝા ઉપર ઉંચુ કર્યુ અને રક્ષણ કરવા લાગ્યા. નેઝાને દેવળના આધારથી ઉભો કર્યો. જ્યારે અર્ધી રાત થઇ ત્યારે પાદરીએ સરવાળી જગ્યાએથી આસમાન સુધી નૂર જોયું, તેથી તે લોકોને પૂછયું, તમે લોકો કોણ છો? તેઓએ કહ્યું, અમે ઈબ્ને ઝીયાદના સાથીદારો છીએ. તેણે પુછયું: આ સર કોનું છે? તેઓએ કહ્યું, હુસય્ન બીન અલી બીન અબી તાલીબ અ.સ.નું છે. જે ફાતેમા (સ.અ.), દુખ્તરે રસુલ સ.અ.વ.ના ફરઝંદ (પુત્ર) છે. તેણે કહ્યું, મારી પાસે દસ હજાર દીનાર છે તે લઈ લો અને આ સર મને આપી દો. જેથી તે આખી રાત મારી પાસે રહે અને જ્યારે તમે કૂચ કરો ત્યારે પાછું લઈ લેજો. તેઓએ કહ્યું, તેમા અમને શું વાંધો હોય. પછી તેઓ તે સર આપી દીધું અને તેણે દસ હજાર દીનાર તે લોકોને આપી દીધા. બસ, પાદરીએ સરને લીધું, તેને ધોયું અને ખુશ્બુ લગાડી અને પોતાના ખોળામાં રાખ્યું. આખી રાત તે રડતો રહ્યો. જ્યારે સવાર પડી તો તેણે કહ્યું, એ સરે મુબારક! હું મારી જીંદગી સિવાય અન્ય કોઈ વસ્તુનો માલિક નથી. હું ગવાહી આપું છું કે “લા એલાહ ઈલ્લાહ વ મોહમ્મદુન રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ. વ અના અબ્દોક”. અને હું આપનો ગુલામ છું. તેણે દેવળને છોડી દીધું અને એહલેબય્ત અ.સ.ની ખીદમત કરવા લાગ્યો. (મૃત્યુ પછી પણ વાતચીત કર્યા વગર પાદરીને થએલી હિદાયત, રસુલુલ્લાહની આ હદીસનું જીવંત ઉદાહરણ છે. અલ હુસયનો મિસ્બાહુલ હોદા વ સફીનતુન નજાત. (બેસક હુસય્ન અ.સ. માર્ગદર્શનના ચિરાગ અને નજાતની કશ્તી છે.)

ઈબ્ને હિશામે સિરતમાં લખ્યું છે: “જ્યારે તે લોકો સર મુબારક લઈને ચાલ્યા ગયા ત્યાં સુધી કે દમિશ્કની પાસે પહોંચ્યા તો એક બીજાને કહેવા લાગ્યા કે આવો, આપણે દીનાર વહેંચી લઈએ. જેથી યઝીદ તે ન જુએ. નહીંતો તે આપણી પાસેથી લઈ લેશે. તેઓએ થેલો ઉપાડયો અને ખોલ્યો. તે દીનાર ઠીકરામાં બદલાઈ ચૂકયા હતાં. તેની એક બાજુ લખેલું હતું. વલા તહસબનલ્લાહ ગાફેલન અમ્મા યઅમેલુઝ ઝાલેમુન”. (અલ્લાહને ગાફીલ ન સજમતા, એ બાબતથી કે જે કાંઈ ઝાલીમ કરે છે.)

બીજી બાજુ લખેલું હતું, “વ સયઅલમુલ લઝીન ઝલમૂ અય્યમુન્કલેબીન યન્કલેબૂન”. (ટૂંક સમયમાં ઝાલીમોને ખબર પડી જશે કે તેઓ પાછા કયાં ફરવાના છે – અંજામ શું થશે.) અહીં જ તેઓએ તે દીનારનો થેલો નહેરમાં ફેંકી દીધો.

સય્યદ રહેમતુલ્લાહે ઈબ્ને લહસીયાઅથી એક હદીસ નકલ કરી છે. અમે જરૂરત પ્રમાણે નકલ કરીએ છીએ. કહે છે: “હું ખાનએ કાઅબાનો તવાફ કરી રહ્યો હતો કે મારા કાનમા. અચાનક એક માણસના એ શબ્દો ગયા જે ગફુરૂર રહીમ ખુદાની બારગાહમાં અરજ કરી રહ્યો હતો, ખુદાયા! મને બક્ષી દે પરંતુ હું નથી માનતો કે તું મને બક્ષી દેશે. મેં તેને આશા આપી, તો તેણે આખો પ્રસંગ મને કહ્યો. “અમે પચાસ વ્યકિતઓ તે લોકોમાં હતા જે હુસય્ન અ.સ.ના સરની સાથે શામ ગયા. રસ્તામાં મારી સિવાયના બધા લોકોએ શરાબ પીધી અને મસ્ત થઈ ગયા. જ્યારે રાતનું અંધારૂ થયું તો મેં વિજળીનો કડાકો સાંભળ્યો અને ચમક જોઈ. અને એક પછી એક હઝરત આદમ, નુહ, ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક અને આપણા નબી અ.સ. આસમાનમાંથી ઉતરતા જોયા. તેઓની સાથે જીબ્રઈલ અને મલાએકાઓનો એક સમૂહ પણ હતો. રસુલ (સ.અ.વ.) પેટીમાંથી સર મુબારક હાથમાં લીધુંને રડવા લાગ્યા અને તમામ અંબીયાઓએ આપને પુરસો આપ્યો.”

જીબ્રઈલે આપને અરજ કરી, અલ્લાહે મને આપની તાબેદારી કરવાનો હુકમ આપ્યો છે, જો આપ કહો તો હું આપની ઉમ્મતનો સર્વનાશ કરી નાખું. રસુલુલ્લાહે કહ્યું, નહિં, મારો અને તેઓનો કયામતમાં ફેંસલો થશે. પછી મલાએકા અમારી તરફ આગળ વધ્યા જેથી અમને કત્લ કરે. મેં કહ્યું, અલ અમાન અલ અમાન યા રસુલુલ્લાહ. તો પયગમ્બરે ફરમાવ્યું: તું ચાલ્યો જા, ખુદા તને ન બખ્શે.

મનાકીબમાં અબુ મખ્નફની એક રિવાયત છે કે જ્યારે સરે હુસય્ન યઝીદને ત્યાં લાવવામાં આવ્યું તો સરે મુબારકમાંથી એવી ખુશ્બુ આવતી હતી જે ખુશ્બુ બે મીસાલ અને બહુજ ઉંચી જાતની હતી.

સય્યદે એક રિવાયતમાં નકલ કર્યું છે કે જ્યારે અહલે હરમ દમિશ્કની નજદિક પહોંચ્યા તો જનાબે ઉમ્મે કુલ્સુમ શીમ્ર લઈન મરદૂદની પાસે ગયા અને તેને કહ્યું અમારી એક માગણી છે કે જ્યારે શહેરમાં લઈ જાવ ત્યારે એવા દરવાજોથી લઈ જાવ જ્યાં જોનારા ઓછા હોય અને તેઓને પહેલેથી કહો કે આ સરોને મહેમીલોની (અંબાડીઓની) વચ્ચેથી લઈ જાય. તેણે બિલ્કુલ ઉલ્ટું કામ કર્યુ ત્યાં સુધી કે દમિશ્કના દરવાજા પર લાવ્યા અને મસ્જિદે જામેઅના દરવાજાની સીડીઓ ઉપર જ્યાં કેદીઓને ઉભા રાખવામાં આવતાં હતાં ત્યાં ઉભા રાખી દીધાં.

બેહારૂલ અન્વાર અને મનાકીબના કતા< તેમની સનદના આધારે, ઝયદે તેના બાપ-દાદાથી રિવાયત કરી છે કે સહલ બીન સઅદે રિવાયત કરી છે કે… જ્યારે હું પહેલી સફરના શામમાં દાખલ થયો ત્યારે વાતાવરણ એવું હતું કે જાણે કોઈ ઈદનું દ્રશ્ય હોય, મેં પૂછયું તો જાણવા મળ્યું કે આ ખુશી સરે ઈમામ હુસય્ન અ.સ. અને અહલે હરમના કેદીઓને શામમાં લાવવાની છે. બસ હું રાહ જોતો હતો કે એટલામાં મેં ઝંડાઓ જોયા જે એક બીજાની પાછળ હતા… અને થોડી સ્ત્રીઓને જોઈ કે જે એવા ઊંટો ઉપર સવાર હતી કે જેના ઉપર કોઈ પાથરણું ન હતું. હું તેમાંના પહેલા ઊંટ પાસે ગયો, જે જનાબે સુકયના બિન્તુલ હુસય્ન અ.સ.નો હતો. મારી ઓળખ આપીને પૂછયું, આપની કોઈ ઈચ્છા છે? તેમણે સરવાળાને આગળ જવાની દરખાસ્ત કરી. મેં સરવાળાને જઈને ચારસો દિનાર આપ્યા તો તેઓ પવિત્ર સરોને આગળ લઈ ગયા.

કામીલે બહાઈમાં છે કે એહલેબય્તને ત્રણ દિવસ સુધી શામના દરવાજા ઉપર રોકી રાખવામાં આવ્યા હતા. પછી શહેરને એ રીતે શણગારવામાં આવ્યું હતું કે કોઈ આંખે તે જોયુ ન હોય. તે પછી પાંચ લાખ પુરૂષો અને સ્ત્રીઓએ ટોળે વળીને સમૂહમાં દફ અને તંબુરા વગાડતા તેઓના સ્વાગત માટે ગયા.

વાસ્તવિકતા એ છે કે આ તમામ વાકેઆતની હકીકત નદીના એક ટીપા સમાન છે તે બનાવોની સરખામણીમાં, કે જે ઈમામ હુસય્ન અ.સ.ના બદલો લેવાવાળા ઈમામ અ.સ. (એટલે હ. ઈ. ઝમાના અ.સ.)ના ઈલ્મમાં છે. ઈમામે મઝલુમના દરેક મોહીબનું દિલ ચાહે છે કે અય કાશ હું ઈમામે ઝમાન અ.સ.ની હરમે ઈમામ હુસય્ન અ.સ.માં મુલાકાત કરતે અને હઝરત આ દોઆ કરતે, ખુદાયા! તારા વાયદાને જલ્દીમાં જલ્દી પૂરો કરી દે અને આપણે આમીન કહેતા હોત અને ઈમામ હુસય્ન અ.સ.ના કુબ્બાની હેઠળ અલ્લાહ, એ ગીયાસલ મુસ્તગીસીન અલ્લાહ, દોઆને કબુલ કરી લેતે અને ન માત્ર જનાબે ઝહેરા (સ.અ.)ના આંસુ લુછાઈ જતા બલ્કે હુઝુરે ખાતેમુન્નીબીયીનનો વાયદો પણ પૂરો થઇ જતે અને આપણે ઈમામે ઝમાના (અ.સ.)ના પરચમ નીચે શહાદત મેળવી લેતે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.