Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૯ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. અને આપના કુટુંબીજનો

જનાબે ફાતેમા બિન્તુલ હુસય્ન અ.સ.નો ખુત્બો

Print Friendly, PDF & Email

જનાબે ફાતેમા બિન્તુલ હુસય્ન અ.સ.નો ખુત્બો

જનાબ ઝયદ બીન મુસા બીન જઅફરે પોતાના બાપ-દાદા અ.સ.થી રિવાયત નોંધી છે કે જ્યારે અહલે હરમનો કાફલો કરબલાથી કૂફા લાવવામાં આવ્યો તે સમયે જનાબ ફાતેમા સુગરા સ.અ. કંઈક રીતે ખુત્બો પઢયા: પ્રસંશા અલ્લાહની રેતી, રજ અને પથ્થરોની સંખ્યામાં અને આસમાનથી જમીન સુધીના વજન જેટલી તેની પ્રસંશા કરૂં છું અને તેની ઉપર સંપૂર્ણ ઈમાન ધરાવું છું અને તેના ઉપર તવક્કલ કરૂં છું અને હું ગવાહી આપું છું કે અલ્લાહની સિવાય કોઈ મઅબુદ નથી. તે એક એકલો છે, જેનો કોઈ શરિક નથી અને મોહમ્મદ સ.અ.વ. તેના બંદા અને રસુલ છે અને આપ સ.અ.વ.ની અવલાદને ફુરાત નદીના કિનારે કોઈપણ ગુનાહ કે ખતા વગર નાહક ઝબહ કરવામાં આવ્યા. એ ખુદા! તારી પાસે પનાહ માંગુ છું તારી તરફ ખોટી નિસ્બત આપવાથી અને વિરૂધ્ધ કહેવાથી. જે પણ કંઈ અલી બીન અબી તાલીબ અ.સ.ના સિલસિલમાં વસી હોવાના તારા કોલ-કરાર છે તે અલી (અ.સ.)ને અલ્લાહના ઘરમાં બેગુનાહ શહીદ કરી દીધા. અને કાલે તેમના ફરંઝદોને શહિદ કરી નાખ્યા. આ કામ એ લોકોએ કર્યુ જે નામના મુસલમાન કહેવાતા હતા. અંત સુધી ઈમામ અ.સ.ની તરસ દૂર ન થઈ, તે જીંદગીમાં પણ તરસ્યા હતા અને મૌત પછી પણ. પરવરદિગાર, તેં તેમની રૂહ કબ્ઝ કરી અને તેમના નફસને પોતાની પાસે બોલાવ્યા તે પાક અને પાકીઝા હતા. જેમની કારકીર્દી મશ્હુર, પ્રશંસાપાત્ર અને આદતો જાણીતી અને પ્રખ્યાત છે. જે તારા મઆમલામાં ટીકા કરનારની ટીકા અને બુરાઈ કરનારની બુરાઈની પરવા નથી કરી. એ પરવરદિગાર! બચપણથી તેં તેમની ઈસ્લામ તરફ હિદાયત કરી અને મોટા થયા પછી તેમની ખુબીઓ પ્રસંશાને પાત્ર છે. તે હંમેશા તારા અને તારા રસુલ (સ.અ.વ.)ના માટે સાચા અને નિખાલસ હતા. ત્યાં સુધી કે તેં તારા કબ્જામાં તેમની રૂહને લઈ લીધી. તે દુનિયામાં સંયમ વૃત્તિ ધરાવનારા હતા. તેમને દુનિયાની લાલચ ન્હોતી. દુનિયાની આખેરત માટે ઈચ્છુક અને પ્રયત્નશીલ હતા, અને તારા માર્ગમાં તારા માટે જેહાદ કરતાં હતાં. તેં તેમને પસંદ કર્યા. તેને તારા વલી તરીકે ચૂંટી કાઢયા અને સીધા માર્ગ તરફ હિદાયત કરી. (તે પછી) એ કુફા વાસીઓ! દગાખોરો અને મિથ્યાભિમાનીઓ! અલ્લાહે અમારૂં ઈમ્તેહાન તમારા થકી અને તમારૂં ઈમ્તેહાન અમારી થકી લીધું. પછી તેણે અમારી અજમાઈશને સારી અને સુંદર ગણી અને તેનું ઈલ્મ અમારી પાસે અને તેની સમજ અમને આપી. અમે જ્ઞાન અને બુદ્ઘીના અંશ છીએ. તેના શહેરોમાં તેના બંદાઓ ઉપર તેની જમીનમાં તેની હુજ્જત છીએ. અમને અલ્લાહે તેની કરામતથી નવાજ્યા અને અમને તેની મખ્લુક ઉપર નબી સ.અ.વ.ના કારણે ફઝીલત આપી. તમે અમને જુઠલાવ્યા અને કદર ન કરી. અમારી સાથે લડાઈ કરવાને હલાલ ગણી. અમારા માલને લુંટવાનું જાએઝ ગણ્યું. જેવી રીતે કે અમે તૂર્ક અથવા કાબીલની અવલાઇ હોઈએ. જે રીતે કે તમે કાલે અમારા જદ્દે અમજદને શહીદ કર્યા અને તમારી તલ્વારોમાંથી અમો એહલેબય્તનું ખુન ટપકે છે, આ બધું જુની દુશ્મની અને દ્ઘેષના કારણે કે જેનાથી તમારી આંખો ઠંડી થઇ છે અને તમારા દિલ ખુશ થયા છે. તમે અલ્લાહની સામે હિમ્મત કરી અને છળકપટ અને દગો કર્યો. અલ્લાહ દગો કરનારને શ્રેષ્ઠ બદલો આપનાર છે. તેથી તમારા દિલ અમારૂં ખુન વહાવવા અને અમારા માલ લુંટવાથી ખુશ થયા કારણકે જે મોટી મુસીબતો અમને પહોંચી છે અને જે મોટી મોટી તકલીફો અને વેઠી છે, તે માટે સત્ય છે કે જમીનમાં કે તમારી જાનમાં કોઈ મુસીબત નથી પહોંચતી સિવાયકે તે કે જે કિતાબમાં છે, તેની પહેલા કે અમે તેને શફા બક્ષીએ કારણકે તે ખુદા માટે આસાન છે. જેથી તમને અફસોસ ન થાય તેના ઉપર જે તમારા હાથમાંથી ગયું છે અને તમને ખુશી ન થાય તે વસ્તુ ઉપર જે તમને મળી ગઈ છે. ખુદા કોઈ એવા શખ્સને દોસ્ત નથી રાખતો જે અભિમાન અને ઘમંડ કરે. તમે હલાક થાવ. લઅનત અને અઝાબની રાહ જુઓ કે જે તમારી ઉપર ઉતરી ચૂકયા છે અને આસમાનમાંથી એકધારો અઝાબ આવી રહો છે જે તમને નાબૂદ કરશે, એ કારણે કે તમે તમારા હાથે કર્મો કર્યા છે. પછી તમે કયામતના દિવસે દર્દનાક અઝાબમાં હંમેશા રહેશો, એ ઝુલ્મોના કારણે જે તમે અમારી ઉપર કર્યા છે. ખબરદાર! અલ્લાહની લઅનત છે ઝાલીમો ઉપર. હલાક થાવ તમે. શું તમે જાણો છો કે તમારા કયા હાથોએ અમારા ઉપર બળજબરી અને ઉધ્ધતાઈ કરી છે. કયા નફસો છે કે જેણે અમારી સાથે લડાઈ કરવાની ઈચ્છા જગાડી છે અથવા કયા પગ છે જે અમારી તરફ લડાઈ કરવા માટે ચાલ્યા છે. તમારા દિલો સખત થઇ ગયા છે અને તમારા કાળજા પથ્થરના થઇ ગયા છે અને તમારા દિલો ઉપર મોહર લાગી ગઈ છે અને તમારા કાનો અને આંખો ઉપર મોહર લાગી ગઈ છે. શયતાનનો જાદુ તમારી ઉપર થઇ ગયો છે અને તેણે તમને આશા આપી છે અને તમારી આંખો ઉપર પરદો નાખી દીધો છે. તેથી તમે હિદાયત મેળવી શકતા નથી. હલાક થાવ તમે એ કુફાના લોકો! રસુલુલ્લાહના કેટલા વેર અને બદલા તમારા ઝીમ્મે છે પછી તમે રસુલુલ્લાહ સ.અ.વ.ના ભાઈ અને મારા દાદા સાથે અને તેમના ફરઝંદો કે જે નબીની ઈતરતે પાક અને પાકીઝા અને ઉમદા લોકો હતા, દગો કર્યો અને તેના ઉપર ગર્વ કરનારાએ તે દગો કરવા પર ગર્વ કર્યો અને કહ્યું: અમે અલી અને અવલાદે અલીને હિન્દી તલ્વારોથી અને ભાલાઓથી કત્લ કર્યા અને તેઓની સ્ત્રીઓને તૂર્કના કેદીઓની જેમ કેદ કર્યા અને તેમની સાથે લડાઈ કરી – અને કેવી લડાઈ!

એ કેહનારા! તમારા મોઢામાં ધૂળ પડે. એવી કૌમને કતલ કરવા માટે તું ગર્વ કરે છે કે જેમને અલ્લાહે પાક અને પાકીઝા કર્યા છે. અને તેમનાથી દરેક પ્રકારની ખરાબીને દૂર કરી છે. હવે તું તારો શ્વાસ રોકી લે અને તારી જગ્યા પર કુતરાની જેમ બેસ, જે રીતે તારો બાપ બેઠો હતો. દરેક માણસ માટે એજ કાંઈ છે જે તેણે આગળ મોકલ્યું છે. તમે અમારી સાથે ઈર્ષા કરી તમે હલાક થાવ. જે ફઝીલત ખુદાએ અમને બક્ષી છે, અમારો તેમા કયો ગુનાહ છે. જેને તે ચાહે છે આપે છે. જેને ખુદાનૂર અને રોશની નથી દેતો તેની પાસે નૂર નથી હોતું.

રાવી કહે છે કે રડવાનો અવાજ બુલંદ થયો અને તેઓએ કહ્યું: એ પાકીઝા વ્યકિતની દિકરી, બસ… બસ અમારા દિલોમાં આગ લગાડી દીધી અને અમારી ગરદનોને જુકાવી દીધી અને અમારી અંદર આગ લગાડી લીધી. પછી તે બીબી ખામોશ થઇ ગયા.

તેમના ઉપર, તેમના બાપ, દાદા અને નાના ઉપર સલામ. ખુદા મલાએકા અને અંબીયાના સલામ થાય.

(એહતેજાજે તબરસી, પુસ્તક-૨, પાના નં. ૩૦૨, નવી આવૃત્તિ. મકતલુલ હુસય્ન – મુકર્રમ, પા.નં. ૩૮૯-૩૯૨)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.